Mara Anubhavo - 31 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 31

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 31

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 31

શિર્ષક:- અઢી આના

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 31. "અઢી આના"



જેને આત્મકલ્યાણ કરવું હોય તેના માટે પાંડિત્ય જરૂરી નથી પણ જેને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચાર કરવો હોય તેના માટે યથાસંભવ વિદ્વત્તા જરૂરી છે. ભારતીય સાધુસમાજમાં કદાચ એક ટકો પણ વિદ્વત્તાવાળા નહિ હોય.વિદ્યાપ્રચાર પ્રત્યે અનેક કારણોસર ઉદાસીનતા રહી છે. એટલે જૈન સાધુઓમાં જે એક સમાનરૂપતા જોવાય છે, બૌદ્ધ ભિક્ષુઓમાં પણ ઉપરી સમાન વ્યવહાર દેખાય છે. પાદરીઓમાં પણ સમાન ધ્યેય તથા સમાન આચાર-નિયમ દેખાય છે, તેવું હિન્દુ ધર્મમાં નથી દેખાતું. અહીં અનેક સ્તર, અનેક પ્રકાર તથા અનેક આચાર જોઈ શકાય છે. વજ્રમૂર્ખ અને પ્રકાંડ પંડિત બન્ને જોઈ શકાય છે. સૌથી નવાઈ તો એ છે કે મૂર્ખતા જેટલી વિભાજિત છે તેથી વધુ વિભાજિત વિદ્વત્તા છે. વિભાગ જ વિભાગ. કોણ શું માને છે અને કોનો શો સિદ્ધાંત છે તે સમજવા પૂર્ણજીવન પણ ઓછું પડે તેટલું ચિતરામણ છે.



બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરનું અધ્યયન કરેલું. પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહિ. મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મપ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી તેત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાને ભણવા માટે મોટી ઉંમરનો માનતો હતો. સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા, મારી ઇચ્છા હતી કે હું એક-બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ.મેં સુરપુરામાંથી મથુરા-વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું. સૌની આંખોમાં અશ્રુ હતાં. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિઃસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવવિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઊપજે તેવું વાતાવરણ બનાવતા – છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્તિથ તથા નિશ્ચિંત કરી શકાય તથા ગળણીથી ગાળીને યોગ્ય-અયોગ્ય હિત-અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે તેવું દેખાતું નથી.




ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામલોકોએ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ નહિ કરવાનો નિયમ ચાલી નહિ શકે.




અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. મથુરાના એક ઘાટ ઉપર મંદિર છે કે મસ્જિદ છે તેનો વિવાદ ચાલતો હતો તેવા સ્થાનમાં ઊતર્યો. ધાર્મિક જગત એટલે ઘોર અસહિષ્ણુતાનું જગત જ્યારે પણ જે ધર્મ પ્રબળ બને તે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી ધર્મનો નાશ કરવા ઉદ્યમ કરે. આવું પાપ પણ ધર્મના નામે, પરમાત્માના નામે, પરલોકના નામે કરાય. મુસ્લિમ શાસકોએ કોઈ સમયે આ ઘાટ ઉપરના સુંદર મંદિરને મસ્જિદમાં ફેરવી નાખેલુ. વર્ણવ્યવસ્થાના કારણે વિભાજિત, કુસંપી અને ટૂંકી દૃષ્ટિવાળા રાજાઓ પોતાનું તથા ધર્મસ્થાનોનું રક્ષણ ન કરી શક્યા. આઝાદી પછી થોડાંક વર્ષો વાતાવરણ જુસ્સામય રહ્યું તેમાં હિન્દુતીર્થો વચ્ચે જ આવેલી આ જગ્યાને લોકોએ પોતાના અધિકારમાં લઈ લીધી. જોકે તેનો ઉપયોગ મુસ્લિમો પણ કરતા નહિ. કારણ કે તેમને તે દૂર પડતી હતી તથા ચારે તરફનું વાતાવરણ પણ તેમને પ્રતિકૂળ પડતું. આ સ્થાનમાં હું ઊતર્યો. સામે જ જમુનાનો ભરપૂર પ્રવાહ. એક ઘાટના બુરજ ઉપર બેસીને હું ક્લાકો સુધી જોયા કરતો. મારી માનસિક સ્થિતિ એટલી સારી હતી કે મને નદીના પ્રવાહ સાથે ઈશ્વર સ્મરણ થયા કરતું.




હિન્દુપ્રજા પ્રાકૃતિક સૌંદર્ય પ્રત્યે લાગણીશીલ હતી. એટલે ધીરે ધીરે પાછળથી તેને પ્રકૃતિપૂજક બનાવી દેવાઈ છે. એકેશ્વરવાદ પુસ્તકોમાં રહી ગયો, પ્રજામાં બહુદેવવાદ અને એક સાથે પ્રકૃતિનાં તત્ત્વો, નદીઓ, સમુદ્રો વૃક્ષો, પર્વતો, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરેને લોકો પુજતા થઈ ગયા. આવી પૂજાથી હિન્દુ ધર્મ કે ઉપાસના અવ્યવસ્થિત તથા ડહોળાયેલાં થયાં છે. હું બેઠો બેઠો ઘણી વાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. ગંદકીનો પાર નહિ લોકો બોલતા – જમના મૈયા કી કૃપા સે – મારા મનમાં પ્રશ્નો થતાઃ આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે ? પ્રકૃતિપૂજામાં અટવાયેલા માણસોને નથી તો એકબ્રહ્મનિષ્ઠ થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ, કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ.




પ્રાચીન ઋષિઓએ નદીપ્રવાહની સાથે પોતાની એકતાનતા જોડી હશે, એટલે તેમણે નદીઓનાં ગીત ગાયાં હશે. પણ પછી તો આ નદીઓ જ દેવીઓ થઈ ગઈ. સંપ્રદાય પ્રમાણે તેમાં પણ શ્રેષ્ઠતા-કનિષ્ઠતાની કલ્પનાઓ થઈ.કોઈ મરતી વખતે ગંગાજળ પાન કરે, તો કોઈ જમુનાજળ પીએ. જોકે બંને જળો પ્રદૂષણથી દૂષિત છે, સીધાં પીવાને યોગ્ય નથી છતાં પિવાય છે. કારણ કે એ રૂઢ ધાર્મિકતા છે. રૂઢ ધાર્મિકતાને આંખો સાથે બહુ સંબંધ હોતો નથી.




થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતુંઃ “શ્રોતમુનિ આશ્રમ.” મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ આશ્રમમાં રહેવા-ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનેથી ચાલતો હું પેલા વિશાળ આશ્રમમાં આવ્યો. તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની અહીં સગવડ મળી શકશે ? આશ્રમના વ્યવસ્થાપક સ્વામીએ કહ્યું કે “હમારે પંડિતજી આપ કો પઢા દેંગે. લેકિન રહને કી જગા નહીં હૈ. મેં પૂછ્યું કે બીજી કોઈ હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા ‘પરમહંસ આશ્રમ'નું નામ આપ્યું. અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ ‘લઘુકૌમુદી’ લઈને આવતી કાલે ભણવા આવી જવા સૂચવ્યું.



વિશાળ આશ્રમમાં બંધ પડેલા પચાસેક રૂમોમાં જોતાં જોતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુકૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતાપ્રેસ, ગોરખપુરની દુકાને સારાં તથા સસ્તાં પુસ્તકો મળતાં હતાં. મેં ‘લઘુકૌમુદી' માગી, તેણે આપી. જીવનમાં પ્રથમ વાર મેં લઘુકૌમુદી' જોઈ. તેનું મૂલ્ય સાડા દશ આના (લગભગ ૬૫ પૈસા) હતું. મારી પાસે માત્ર આઠ જ આના બચ્યા હતા. બાકીના અઢી આના પંદર પૈસા) લાવવા ક્યાંથી ? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી.હવે શું કરવું ? લગભગ માઈલ-દોઢ-માઈલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો.



પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઊતરવાની જગ્યા; પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહિ.અન્નક્ષેત્રોમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂઓ અને કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગિરિજી તેનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કર્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો.



આવતી કાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુકૌમુદી વિના કેમ ભણાશે ? અઢી આના લાવવા ક્યાંથી ? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું ? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયોઃ વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીનાં દર્શન કરવા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માગ.કોઈ ને કોઈ જરૂર આપી દેશે.



બીરગિરિજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાચારીભરી દૃષ્ટિથી જોતો હતો. કદાચ આ માણસ મને અહી અઢી આના આપે.... પણ માગવાની હિંમત ન ચાલે. કદાચ ના  પાડશે તો...? કદાચ અપમાન કરશે તો ?…



માણસમાં જ્યારે યાચનાવૃતિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઘેંસ જેવું થઈ જાય છે તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો.લગભગ દોઢ માઈલના રસ્તા ઉપર કેટલાંય માણસો સામે મળ્યાં મેં સૌને નિહાળ્યાં, પણ કોઈની પાસે અઢી આના માગી શક્યો નહિ.બિહારીજીનુ મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢી આના માંગી શકીશ નહિ અને પુસ્તક વિના ભણી શકીશ નહિ. નિરાશા વધી ગઈ હતી.તેવામાં મારી દૃષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ  ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલઆઠ આના તેને બતાવ્યા અને કહ્યું, “મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. અઢી આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી જઈશ. પણ જો નહિ મળે તો નહિ આપું'



કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢી આના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. મને થયું, નરસિંહ મહેતાની હૂંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિપૂજામાં બહુ માનતો નહિ તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહિ. બિહારીજીનાં દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આશ્રમ બંધ કરવાનો દરવાજો હતો જ નહિ તેમ વીજળી પણ હતી નહિ, એટલે કોઈને કંઈ કહ્યા વિના ચુપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત ચૂકવી દીધું હતું. અઢી આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહિ.



આભાર

સ્નેહલ જાની