Mara Anubhavo - 30 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 30

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 30

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 30

શિર્ષક:- ખાધા સાટે કથા

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ30 ."ખાધા સાટે કથા"




જેણે ભ્રમણ નથી કર્યું તેણે કાંઈ જ કર્યું નથી. ભ્રમણ પણ માત્ર પ્રભુવિશ્વાસે કરવાનું થાય ત્યારે તમારી ચારે તરફ અનુભવો જ અનુભવો આવી જતા હોય છે. ઘરના ખૂણામાં પુરાઈ રહેનારને દુનિયાની શી ખબર ? દુનિયાનાં દર્શન તો વિપત્તિમાં થતાં હોય છે, સંપત્તિમાં નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે સંપત્તિ મેળવી શકતા નથી પણ આપણે ધારીએ તો વિપત્તિ તો મેળવી જ શકીએ. જાણી કરીને વિપત્તિઓને આમંત્રણ આપનારને કોઈ ડાહ્યો માણસ ન કહે. ડહાપણ તો પોતાની સુખસગવડને સાચવવામાં તથા વધારવામાં લોકોને દેખાતું હોય છે. હું જાણી કરીને વિપત્તિઓ નોતરી રહ્યો હતો.




ફરતો ફરતો ઊંઝા આવ્યો. ઉમિયા માતાના મંદિરમાં એક રાત રહ્યો. એ વખતે એક વૃદ્ધ ઉદાસી સંત ત્યાં રહેતા. મેં એક રાત પ્રવચન પણ કર્યું. પણ પછી બીજા દિવસે ચાલતો થયો. મારું લક્ષ્ય માત્ર ભારરૂપ જીવન ન જિવાય એટલું જ હતું. કોઈ પણ ગામનો માર્ગ પૂછ્યા વિના હું ચાલતો થયો.




રસ્તામાં એક પટેલ મળી ગયા. સ્વભાવના ભક્ત હતા. મને કહે કે,’હેંડો મહારાજ અમારા ગામ.’ મેં કહ્યું કે, હેંડો ત્યારે.’ અમે બન્નેએ ચાલવા માંડયું કશો વહીવટ ન હોય, કશી જવાબદારી ન હોય, કોઈ લક્ષ્ય ન હોય અને કશી ચિંતા ન હોય – બસ પછી શું જોઈએ ? ભારતમાં નિવૃત્તિના માર્ગના નામે આવો જ માર્ગ શોધી કાઢ્યો છે. નિવૃત્તિના નામે કર્તવ્યહીન તથા જવાબદારીહીન જીવન જીવનારા અસંખ્ય માણસો અહીં જોવા મળશે. અધૂરામાં પૂરું આવા માણસો આ દેશમાં સૌથી વધુ પૂજ્ય મનાય છે. મને લાગે છે, અહીં જ મોટી ભૂલ થઈ રહી છે.




વાતોના તડાકા મારતા મારતા અમે ઉનાવાને પાર કર્યું. થોડાક આગળ ગયા હોઈશું ત્યાં એક ખેતરમાં ખેતીકામ કરતા એક ખેડૂતે ટહુકો કર્યો. મને ઊભો રાખ્યો. એ ખરો નીકળ્યો. શેઢા ઉપર મને બેસાડીને ભજન સંભળાવવા લાગ્યો. પેલા પટેલ તો કહે કે, “લો ત્યારે આવજો મહારાજ, મારે મોડું થાય છે” એમ કહીને ચાલતા થયા.




મારે તો આ નવા ભક્તનાં ભજનો સાંભળવાનાં હતાં. કારણ કે ઘણા દિવસે તેને કોઈ સાંભળનારું પાત્ર મળ્યું હશે એટલે ઉપરાઉપરી ભજનો સંભળાવ્યે જતો હતો. તેનું માથું તથા શરીર ડોલતું હતું. મારે પણ રસ પડે છે તેમ બતાવવા કોઈ કોઈ વાર માથું ડોલાવવું પડતું હતું અંતે માંડ છૂટ્યો તે ભગતથી. ભક્તો વ્યાવહારિક નથી હોતા, એટલે મને મોડું થશે તેની કે મારી ખેતી રહી જશે તેની તેમને કશી પડી ન હતી. તેને લગની હતી ભજનોની.




ઉતાવળે પગે હું ચાલ્યો. હજી દિવસ બાકી હતો અને ગામ વચ્ચેના ચોકમાં હું પહોંચ્યો. ગામ વચ્ચેના ચોકમાં ખેડૂત પોતાનાં હળ વગેરે ઓજારો સુથાર પાસે ઠીક કરાવી રહ્યા હતા. મને જોઈને એક મશ્કરા પટેલે કહ્યું, લ્યો અલ્યા ગામમાં એક માણસ વધ્યું.'




ધર્મપ્રચારમાં મને સૌથી વધુ અગવડ મારા પુરોગામી સાધુઓની છાપની પડતી હતી. સાધુને જુએ એટલે ગામવાળા લોકો સમજે કે આ કોઈ ફંડફાળો કરનારા આવ્યા છે. લોકો દૂર ભાગે વિશ્વાસ ન થાય. વાત પણ સાચી જ હતી. માત્ર પરમાર્થ માટે વિચરણ કરનાર કેટલા?





મને એક ત્રણ પગવાળી લાકડાની ઘોડી આપી અને કહ્યું, લ્યો.... માહરાજ બેહો....' હું બેઠો. મેં ધર્મપ્રચારની ઇચ્છા બતાવી. માત્ર પાંચ દિવસ મારે ધર્મપ્રચાર કરવો છે તેવું બતાવ્યું. પણ ફંડફાળાથી ડરેલા સૌ તૈયાર ન હતા. પેલા મશ્કરા પટેલે તો સંભળાવી જ દીધું, માહરાજ, અમારું ગામ તો ધરમથી ટોચ ભરેલું છે. હજી દા'ડો આથમ્યો નથી, આ પેલું.... રૂવાવી દેખાય ત્યાં પૂગી જાઓ. ત્યાં ધરમપ્રચારની ખૂબ જરૂર છે.” તેમની વાત સાંભળી સૌ હસ્યા અને બોલ્યા, “હા....હા.... માહરાજ.”





આમ બોલવાનું કારણ હું જાણતો હતો એટલે મેં તેમને ખાતરી આપવા માંડી, ‘જુઓ ભાઈ, હું માત્ર પાંચ જ દિવસ ધર્મપ્રચાર કરીશ. મારે કાંઈ પૈપૈસો જોઈતો નથી. માત્ર એક ટાઇમ ખાવાનું જ જોઈએ છે.’ મારી વાત સાંભળીને નજીક જ બેઠેલા એક કાણિયા ડોસા બોલ્યાઃ “તે ખાધા હાટે કથા કરવી હોય તો આખું વરહ કરોને, કોણ ના પાડે છે !' ફરી બધા હસ્યા. મેં કહ્યું કે હા.... માત્ર ખાધા સાટે જ કથા કરવાની છે.’




લોકોનું મન બદલાયું. પેલા ડોસા કહે, ‘કાંઈ રામેણબાંમેણ આવડે હે ?” મેં હકારમાં માથું હલાવ્યું, રહેવાનું નક્કી થયું. ચોમાસું હોવાથી કોઈના મેડા ઉપર કથા થઈ. પહેલા જ દિવસે મેડો નાનો પડ્યો. માણસો ચિક્કાર ભરાઈ ગયેલાં. બીજા દિવસે મેડો બદલ્યો. પાંચ દિવસ પૂરા થયા. મેં કહ્યું, “બસ હવે વિદાય લઈશ.' પણ હવે કોઈ જવા દેવા તૈયાર ન હતું. મેં તેમના જ શબ્દો યાદ દેવડાવ્યાઃ તમારું ગામ તો ધર્મથી ટોચ ભર્યું છે. અને પેલું રૂવાવી ખાલીખમ છે. મારે ત્યાં જવું છે. પણ હવે કોણ માને ? આ ગામમાં હું એક મહિનો રહ્યો. ખૂબ ભાવ વધ્યો. વાતાવરણ ખૂબ સાત્ત્વિક થઈ ગયું. આ ગામ તે સુરપુરા.




આભાર


સ્નેહલ જાની