ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 32
શિર્ષક:- ભણવાનું છોડી દીધું
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 32. "ભણવાનું છોડી દીધું."
બીજા જ દિવસથી સંસ્કૃત ભણવાનું શરૂ થઈ ગયું. શ્રોતમુનિ આશ્રમમાં પાઠશાળાની પણ વ્યવસ્થા હતી પણ ખાસ વિદ્યાર્થીઓ ભણતા દેખાતા નહિ. એક વિદ્વાન મને લઘુકૌમુદીનાં સુત્રો કંઠસ્થ કરવા શુદ્ધ ઉચ્ચાર કરીને પાઠ આપતા. સામાન્ય રીતે પંચ સંધિ કંઠસ્થ થયા પછી જ વ્યાકરણ સાધવાનું શરૂ થતું હોય છે. અને પંચસંધિ યાદ કરતાં ઓછામાં ઓછા પંદર દિવસ તો લાગે જ. ઈશ્વરની કૃપાથી છ-સાત દિવસમાં જ મેં પંચસંધિ કંઠસ્થ કરી લીધી હતી. મારી ગતિ જોઇને કેટલાકને લાગતું હતું કે હું ભણીને આવ્યો છું. પણ ભણવાની વાત લખું તે પહેલાં જમવાની વાત લખું તો સારું.
શ્રોતમુનિમાં ભણીને હું પરમહંસ આશ્રમમાં પાછો આવ્યો. પણ હવે જમવાની શી વ્યવસ્થા કરવી ? મારા કરતાં મારા પરમાત્માને મારી વધુ ચિંતા હતી. તે બીરગિરિજીના હ્યદયમાં વસ્યા. આ એક બહુ જ ભલા મહાત્મા હતાં. તેમણે મને પૂછ્યું કે, "ભિક્ષા કા કયા કરોગે ?" હું કાંઈ બોલ્યો નહિ. તેમણે જ કહ્યું, "ફીકર મત કરના, એક અન્નક્ષેત્ર મેં તુમ્હારા પ્રબંધ કરવા દેંગે,"
એ જ આશ્રમમાંથી ચાર-પાંચ મહાત્મા જ્યારે અન્નક્ષેત્રમાં જવા નીકળ્યા ત્યારે મને પણ સાથે લઈ જવા તથા મારા નામથી નાગાજીને ભોજન કરાવવા વ્યવસ્થા કરી.
કોઈ શેઠ દ્વારા પ્રતિદિન ચાળીસ મહાત્માઓ માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા ચાલતી હતી. ચાળીસની સંખ્યાની વ્યવસ્થા નાગાજી નામના એક મહાત્મા કરતા હતાં. દરવાજા ઉપર ઊભા રહી નિર્ધારિત ચાળીસ સાધુઓને પ્રવેશ અપાવી દરવાજો બંધ કરી દેવાતો. બાકીના બીજા લોકો બીજે ચાલ્યા જતા. બીરગિરિજીની ભલામણથી મને પ્રવેશ મળી ગયો તથા કાયમી પ્રવેશની વ્યવસ્થા પણ થઈ ગઈ. જમવામાં દાળ, ભાત અને બેધર ( જવ, ચણા, ઘઉં વગેરેનો મેળવેલો જાડો લોટ) ની જાડી જાડી રોટલીઓ રહેતી. ભૂખ ખૂબ લાગતી એટલે સ્વાદ તરફ ધ્યાન આપ્યા વિના સારી રીતે જમી શકાતું. આ તો બપોરની વાત થઈ. સાંજે ત્રણ જગ્યાએથી બબ્બે રોટલીઓ તથા એક એક ચમચો દાળ મળતી : ચેતનદેવ કુટિયા, શ્રોતમુનિ તથા અવધૂત કુટિયા. સાંજે ઘઉંની રોટલીઓ રહેતી પણ અત્યંત પાતળી રહેતી. હા, ચેતનદેવજીને ત્યાંથી થોડી જાડી રોટલી મળતી. આ છ રોટલી અને ત્રણ ચમચા દાળ તો જાણે છ ગ્રાસમાં જ પૂરી થઈ જાય, એટલી ભૂખ લાગતી. આ સિવાય કૂવાનું પાણી પર્યાપ્ત હતું. બાકી તો રામ તારી માયા ! પણ મને તેથી સંતોષ હતો. હું એક જ વાર જમતો તેની જગ્યાએ હવે બે વાર જમવાનું નક્કી કર્યું હતું. છ રોટલીઓ ખાધા પછી બીજી છ રોટલી હોય તો પણ સરળતાથી ખાઇ શકાય તેવી સ્થિતિ હતી. પણ અલ્પાહારના ઉપદેશનું અહીં અનાયાસે પાલન થઇ રહ્યું હતું. આ થઇ જમવાની વાત.
હવે લાઇટની વાત કરું. પરમહંસ આશ્રમમાં લાઇટની વ્યવસ્થા ન હતી. ગરીબદાસી સંપ્રદાયનો આ આશ્રમ હતો અને તેના મહંત હતા સ્વામી મુખીરામજી. બહુ ભલા તથા નિરભિમાની. સૌનાં માટે તેમના આશ્રમના દ્વાર ખુલ્લાં હતાં. કરોડાધિપતિ મહંતોના આશ્રમોમાં ભાગ્યે જ કોઈ અભ્યાગત સાધુ પોષાઈ શક્તો, ત્યારે અહીં કોઈના માટે રોકટોક ન હતી. સુવિધાઓ સિમિત હતી. લાઈટ વિના ભણવું કેવી રીતે ?
લઘુકૌમુદી લઇને રાત્રે હું નગરમાં જતો, મુખ્ય રોડ ઉપર કોઈ શેઠનો બંગલો, તેનો ઓટલો, ઓટલા ઉપર ઝરુખાની લાઈટ લટકતી રહે. હું ઓટલા ઉપર બેસીને અધ્યયન કરું. રોડ ઉપર ઘોડાગાડીઓ વગેરેની અવરજવરનો ઘોંઘાટ થયા કરે. પણ મારું ધ્યાન માત્ર ભણવામાં રહે. રાતના દસેક વાગ્યે પાછો આશ્રમમાં આવું. ત્રણ-ચાર દિવસ આવી રીતે અધ્યયન ચાલ્યું હશે ત્યાં એક દિવસ અંદરથી કોઇએ લાઇટ બંધ કરી દીધી. પોતાના ઓટલા ઉપર બેસીને કોઈ રોજ બે કલાક ભણે તે કોને ગમે ? હું સમજી ગયો.
બીજા દિવસે પણ આવું જ થયું. મેં ત્યાં જવાનું બંધ કર્યું. પણ ત્યારે હવે ભણવું ક્યાં ? અંતે મારી નજર એક પ્રસૂતિગૃહ ઉપર પડી. અહીં લાઈટ તો હતી. પણ નીચે બેસવાનું કાંઈ ન હતું. બે કલાક ઊભો ઊભો અધ્યયન કરતો. થોડા દિવસ તો અધ્યયન સારી રીતે થયું પણ પછી વરસાદ શરૂ થયો. હવે અહીં ઊભા રહી શકાય તેમ ન હતું. બીજી કોઈ લાઈટ મારા ધ્યાનમાં ન આવી એટલે રેલવે સ્ટેશન ઉપર ગયો. પણ ત્યાં યાત્રાળુઓની ભીડ હોય. પણ મેં જોયું કે છેવટની બત્તીએ ખાસ ભીડ નથી હોતી. ત્યાં કોઈ વાર ઊભા રહીને તો કોઈ વાર બેસીને ભણતો. પરમહંસ આશ્રમ આવવા માટે એક દોઢ માઈલ ચાલવું પડતું. આ તો થઈ રાતની વાત.
વહેલી સવારે હું ઊઠી જતો અને પરમહંસ આશ્રમથી થોડે જ દૂર મુંબઈવાળા શેઠના અન્નક્ષેત્રમાં અખંડ નામસંકીર્તન ચાલતું ત્યાં જતો. દરવાજાની પાસેના જ ઓરડામાં ત્રણ-ચાર બંગાળી ભાઇઓ કલાકના મહેનતાણાના હિસાબે ચાર-ચાર કલાક કીર્તન કરતાં. મૃદંગ, મંજીરા વગેરે સાથે 'હરે રામ હરે રામ રામ રામ હરે હરે' નો મંત્ર ઊંચા સ્વરે તાલબદ્ધ ગાતા. રૂમમાં વાતાવરણ દૂષિત ન થાય એટલે બારણાને ચોથા ભાગનું ખુલ્લું રાખતાં. તેમાથી જે પ્રકાશ બહાર નીકળતો તે પ્રકાશના અજવાળે હું ભણતો. અંદરવાળાને તો ખબર પણ ન હોય. તે તેમની ધૂનમાં મસ્ત અને હું મારી ધૂનમાં મસ્ત.
આવું કેટલોક સમય ચાલ્યું. પંચસંધિ પૂરી થયા પછી શ્રોતમુનિમાં ભણવા જવાને બદલે હું નજીકની નિંબાર્ક પાઠશાળામાં ભણવા જવા લાગ્યો. અહીં ઘણા વિદ્યાર્થીઓ ભણતા. પંડિતજી સારા હતા, પણ એક દિવસ ઉતાવળથી ભણાવેલો પાઠ મારી સમજમાં ન આવ્યો. હું નિરાશ થઈ ગયો. આશ્રમ આવીને ઘણો સમજવા પ્રયત્ન કર્યો પણ ન સમજાયો. બસ, લઘુકૌમુદીનો ત્યાગ કરીને છત ઉપર ચડીને હું સૂઈ ગયો. બસ હવે ભણવું નથી. મને વિદ્યા નહિ આવે. આવા વિચારોમાં તે દિવસે ભિક્ષા કરવા પણ ન ગયો.
મારી સાથે બીજા બે વિદ્યાર્થીઓ હતાં. એક હતા મારાથી બમણી ઉંમરના ઉદાસીન સંત સ્વામી હરિભજનદાસજી. ત્રણ વર્ષથી તે લઘુકૌમુદી ભણતાં હતા, પણ હજી અજન્ત પ્રકરણ પૂરું થયું ન હતું. ખૂબ જ તપસ્વી, સંતોષી, નિરભિમાની અને પૂરી રામાયણનો પાઠ કરે. હનુમાન ચાલીસાનો પાઠ કરે. એક જ આસને બેસે. પાણી પણ ન પીએ. પરોઢીયાના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ઓરડો બંધ કરીને ચુપચાપ પાઠ કર્યા કરે. ખૂબ આસ્થા અને ખૂબ જ સંતોષ. આ સંત સાંભળવા પ્રમાણે હિમાલયમાં ચાલ્યા ગયા તથા પાંદડા વગેરે ખાઇને ભજન કરવા લાગ્યા હતા.
બીજો વિદ્યાર્થી હતો, પેલા નાગાજીનો શિષ્ય. મારાથી અડધી જ ઉંમરનો. તદૃન નાનો છોકરો. એક સફેદ વસ્ત્રની થોડી મેલી ગાતી તેના ઊજળા શરીર ઉપર શોભતી. આ વિદ્યાર્થી પણ ભણવામાં બહુ તેજ ન હતો. પણ તેને જોઇને કરુણા થઇ જતી, કારણ કે પેલા નાગાજી તેને ઉપાડી લાવ્યા હતા. તે જાટનો બાળક હતો, અને નાગાજીના ઝપાટામાં આવી ગયો હતો. અમારા આશ્રમથી નજીક જ નાગાજી તથા કોઈ વાર એક-બે બીજા સાધુઓ રહેતા. અને વારંવાર એક-બે બાળકો ઉપાડી લાવવાની જાણ અમને થઇ જતી. પરમહંસ આશ્રમમાં તે ઠીક લાગતું નહિ. પણ કોઈની બાબતમાં દખલગીરી કરવી નહિ તેવી નિવૃત્તિમાર્ગની નિતિ હોવાથી કોઈ કાંઈ બોલતું નહિ. આ છોકરાંને જોઇને મને તથા હરિભજનદાસજીને બહુ જ દયા આવતી. મારા કરતાં તે વધુ અનુભવી હતા એટલે તેઓ કહેતા, આવાં તો કેટલાંયે બાળકો આવી રીતે ઉપાડી લવાતાં હશે. પણ તેઓ કહેતા, જવા દો આપણે શું ? કરશે તે ભરશે.
આ છોકરાંની લાંબી કથા છે. પાછળથી તે એમ.એ. થઇને પ્રોફેસર થયો તથા બાળકોનો પિતા પણ થયો.
અમે ત્રણે સાથે ભણતાં. સૌથી જુનિયર હું હતો, પણ હું જ બંનેને ભણેલાં પાઠો ભણાવતો. તે બંને એમ જ સમજતા કે હું ભણીને આવ્યો છું. આ તો માત્ર ભણવાનું નાટક કરું છું. લોકો તથા પંડિતજી પણ મારી બુદ્ધિ તથા સ્મરણશક્તિનાં વખાણ કરતાં. આ વખાણે મને મત્સરભાવ આપ્યો. બસ એક દિવસ પાઠ ન આવડ્યો અને મારા અહંને ઠેસ વાગી. ભણવાનું છોડીને હું સૂઈ ગયો. હવે નથી ભણવું. ઉત્સાહ ઊતરી ગયો. પેલા ત્રણ વર્ષથી લઘુકૌમુદીનો પીછો છોડતા ન હતાં અને હું વીસ જ દિવસમાં થાકી ગયો. પ્રતિષ્ઠા પણ ઘણી વાર પ્રતિકૂળતા ઉત્પન્ન કરતી હોય છે.
🙏📚🙏
આભાર
સ્નેહલ જાની