Aankhoni Bhasha - 2 in Gujarati Love Stories by R B Chavda books and stories PDF | આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 2

Featured Books
Categories
Share

આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 2

રિધમ અને અનાયા ની વચ્ચે એક અનોખી સમજૂતી થઈ ગઈ હતી. રિધમને અનાયા ની આંખોમાં છુપાયેલા એ દુઃખ વિશે જાણવા માટે કોતુહલતા હતી, અને અનાયા ને પણ લાગ્યું કે કદાચ, એણે પહેલીવાર કોઈ સાચા માણસને પોતાના દુઃખની એક ઝલક બતાવી છે.

તે દિવસ પછી, રિધમે અનાયાને વારંવાર મળવાનું શરૂ કર્યું. ક્યારેક કેફેમાં, ક્યારેક એની પેઇન્ટિંગ ગેલેરીમાં, તો ક્યારેક શાંત પાર્કમાં, જ્યાં તેઓ કલાકો સુધી વાતો કરતા. અનાયા હંમેશા હસતી અને વાતો કરતી, પણ દર વખતે રિધમ એને જોતો, એને લાગતું કે એ હાસ્ય પાછળ કંઈક છે—એક એવી વાર્તા જે કદાચ હજુ પૂર્ણ થઈ નથી.

એક દિવસ, જ્યારે અનાયા અને રિધમ એક ગાર્ડનમાં બેઠા હતા, ત્યારે રિધમે શાંત અવાજે પૂછ્યું, "અનાયા, હું જાણતો નથી કે તારા જીવનમાં શું થયું છે, પણ જો તું કોઈ સાથે શેર કરવા માંગતી હોય તો હું સાંભળવા તૈયાર છું."

અનાયાએ એક ઊંડો શ્વાસ લીધી. થોડી ક્ષણો સુધી ખામોશ રહી, અને પછી બોલી, "શું ક્યારેય તું એવું અનુભવી શક્યો છે કે તારા જીવનનો કોઈ ભાગ તારા કરતાં આગળ વધી ગયો છે, અને તું પાછળ રહી ગયો છે?"

"હા…," રિધમે વિચાર કરતા કહ્યું, "ક્યારેક થાય કે સમય આગળ વધે છે, પણ આપણે એક જગ્યાએ અટવાઈ રહ્યાં છીએ."

અનાયાએ પોતાના હાથમાં એક પત્તું પકડીને જમીન પર નાખી દીધું. "મારે એક સમય એવો આવ્યો હતો, જ્યાં બધું સંપૂર્ણ લાગતું હતું. મારો પરિવાર, મારા સપનાઓ, મારી દુનિયા... પણ એક જ પળમાં બધું ખતમ થઈ ગયું."

"શૂ…?" રિધમ ચોંકી ઉઠ્યો.

"પાંચ વર્ષ પહેલાં, હું મારા માતા-પિતાની એક માત્ર દિકરી હતી. મારી માતા મને ખૂબ જ પ્રેમ કરતી. પિતાજી હંમેશા મારો સહારો બનતા. હું મારા જીવનમાં કળા સાથે જીવતી. પણ એક ભયાનક એક્સિડન્ટે બધું બદલી નાંખ્યું."

અનાયા ની આંખો ભીની થઈ ગઈ. "એક હમણા સુધી હસતા-રમતા મારા માતા-પિતા, એક જ પળમાં મને છોડી ગયા. હું હજી સુધી એને સ્વીકારી શકી નથી. હું હજી સુધી એ ક્ષણથી આગળ વધી શકી નથી. એટલે જ હું હંમેશા હસતી રહું છું. મારા ચિત્રોમાં હસતાં ચહેરા દોરીને હું લોકો સુધી ખુશી પહોંચાડવા માંગું છું. પણ એ હસતાં ચહેરાઓ પાછળ મારું પોતાનું દુઃખ છુપાયેલું છે, જે હું ક્યારેય કોઈને બતાવી શકતી નથી."

રિધમ નિશબ્દ થઈ ગયો. એને ખબર પડી ગઈ હતી કે અનાયા માટે હસવું એક રીત છે—એક ઢાંકપેચ. એક મથામણ, કે પોતાનું દુઃખ કોઈએ જોવુ ન જોઈએ.

"તારી પેઇન્ટિંગ એ તારું હકીકતથી છુપાવવાનો પ્રયાસ છે, પણ અનાયા… શું તું નથી ઈચ્છતી કે તું એકવાર તારા માટે જીવવાનું શરુ કરે?"

અનાયા એ આંખો ઊંચી કરી અને રિધમ તરફ જોયું. "શું તું માને છે કે હું આ બધું પાછળ રાખી શકું?"

"હા," રિધમે હસીને કહ્યું, "પણ તારે તારી જાતને એક તક આપવી પડશે. તારું હસવું ખોટું નથી, પણ તેનાથી તારા દુઃખ છૂપાવાશે નહીં. એક દિવસ, તારા ચહેરા પરનું હાસ્ય તારી આંખોમાં પણ આવશે. અને એ દિવસે તું ખરેખર હસતી હશે."

અનાયા એ કોઈ જવાબ આપ્યો નહીં, પણ એના હોઠ પર એક અલગ પ્રકારનું હાસ્ય હતું. કદાચ, એ પહેલીવાર પોતાને સત્ય સ્વીકારવા દેવા માંગતી હતી.


કેટલાક મહિનાઓ પછી, અનાયા એ એક નવી પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખી. આ વખતે, એના ચિત્રો હસતા ચહેરાઓથી વધુ હતા. હવે એના ચિત્રોમાં આંખોમાં ઉંડાણ અને લાગણીઓ દેખાતી.

એ દિવસે, જ્યારે રિધમ એક્ઝિબિશન જોવા આવ્યો, એને એક નવી પેઇન્ટિંગ જોવા મળી—એક છોકરી, જે હસતી હતી, પણ એની આંખો જીવનથી ભરેલી હતી. અને એ છોકરી… અનાયા જ હતી.

"તુ આગળ વધી ગઈ?" રિધમે પૂછ્યું.

"હું પ્રયત્ન કરી રહી છું," અનાયા એ હસીને કહ્યું.

કદાચ, આ એક નવી શરૂઆત હતી.

(ચાલુ રહેશે...)