The worlds most dangerous cannibals in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | વિશ્વનાં ખતરનાક આદમખોર

Featured Books
Categories
Share

વિશ્વનાં ખતરનાક આદમખોર

 આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ છે જેના કારણે અનેક પ્રાણીઓની જાતિઓ નિકંદન પામી છે પણ એ વાસ્તવિકતા છે કે સૌથી ખતરનાક શિકારીઓમાં માનવી કરતા પણ વધારે ખુંખાર પ્રાણીઓ છે જેના શિકારની લિસ્ટમાં માનવીઓ પ્રથમ સ્થાને હોય છે આ યાદીમાં જે પ્રાણીઓનો સમાવેશ કરાયો છે તેને વિશ્વમાં સૌથી ખુંખાર આદમખોર જાનવરો ગણવામાં આવે છે જેણે માનવીઓને તેમનો શિકાર બનાવ્યા હતા અને જેના કારણે અનેક દેશોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

સિંહ સૌથી શક્તિશાળી પ્રાણી છે અને તેને સૌથી ખુંખાર શિકારી પણ ગણવામાં આવે છે અને આ શિકારી જ્યારે આદમખોર બની જાય ત્યારે તે માનવીઓ માટે સૌથી ખતરનાક બની જાય છે.આવા એક શિકારીની વાત અહી કરાઇ છે જેણે ૧૯૩૨નાં આસપાસનાં ગાળામાં તાન્ઝાનિયામાં હાહાકાર મચાવી દીધો હતો.તેણે તાન્ઝાનિયાનાં જોમ્બે શહેરમાં  એવો તરખાટ મચાવ્યો હતો તેની આ પ્રવૃત્તિને જોતા લોકો માનતા હતા કે તેના પર સ્થાનિક આદિવાસી સમુદાયનાં ભૂવા માતામુલા માંગેરાનો અંકુશ છે જેને તેના પદ પરથી હટાવ્યો હોવાને કારણે તેણે તેના જ લોકો પર પોતાનો બદલો લેવા માટે આ સિંહને મોકલ્યો હતો.તેનાથી ત્યાંનો આદિવાસી સમુદાય એટલો ડરી ગયો હતો કે લોકો તેનું નામ લેતા પણ કાંપી જતા હતા તેઓ માનતા હતા કે તેનું નામ લેવાથી પણ તે ત્યાં હાજર થઇ જશે.આદિવાસીઓએ પેલા તાંત્રિકને તેનું પદ પાછુ આપવાની ઓફર કરી હતી પણ તેણે તેમ કરવાનો ઇન્કાર કર્યો હતો.કહેવાય છે કે આ આદમખોર સિંહે ત્યારે બે હજાર જેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા.સિંહ દ્વારા માનવીઓને શિકાર બનાવવાનો આ એક વિક્રમ હતો.ત્યારે જાણીતા શિકારી જયોર્જ રસ્બીએ તેને મોતને ઘાટ ઉતારવાનું બીડુ ઝડપ્યુ હતુ અને તેમણે તે વિસ્તારનાં પંદર જેટલા સિંહોને માર્યા હતા અને બાકીનાં સિંહો તે વિસ્તારને છોડીને ચાલ્યા ગયા હતા.જો કે સ્થાનિક આદિવાસીઓ તો માનતા હતા કે માતામુલાને ફરી ભૂવો બનાવ્યો હોવાને કારણે એ સિંહોથી તેમનો છુટકારો થયો હતો.

જમીન પર ખુંખાર શિકારી તરીકે વાઘ અને સિંહને ગણીએ તો પાણીમાં આ સ્થાન મગરને અપાય છે.ટુ ટોડ ટોમ તરીકે ઇતિહાસમાં કુખ્યાત એક મગરની કહાની એટલી ખતરનાક છે કે તેમાં કેટલું સત્ય અને કેટલી કલ્પના છે તે કોઇ કહી શકે તેમ નથી.આ વિશાળકાય અમેરિકન મગર ૧૯૨૦નાં ગાળામાં ફલોરિડા અને આલાબામાની સરહદ પર ઘુમતો હતો  આમ તો તેને ઓળખવાનો સહેલો હતો કારણકે તેને એક પગમાં માત્ર બે આંગળીઓ હતી.આ કારણે જ તેને ટુ ટોડ ટોમ તરીકે ઓળખવામાં આવતો હતો.તેણે આ પગ સકંજાને કારણે ગુમાવ્યો હતો.તે સાડા ચાર મીટરની લંબાઇ ધરાવતો હતો આ કારણે જ ત્યાંનાં આદિવાસીઓ તો માનતા હતા કે તે શેતાની આત્મા હતો જે દોઝખમાંથી આવ્યો હતો.તેની શિકારની યાદીમાં આમ તો પ્રાણીઓ વધારે હતા પણ તેણે માનવીઓને પણ મોટા પ્રમાણમાં મોતને ઘાટ ઉતાર્યા હતા.ખાસ કરીને પાણીમાં કપડા ધોવા આવતી મહિલાઓ તેનો ખાસ શિકાર બનતી હતી.તેને ત્યાંના સ્થાનિક ખેડુતોએ મારવાનો પ્રયાસ કર્યો હતો પણ ગોળીઓ તેના પર કોઇ અસર કરી શકતી ન હતી.એક ખેડુતે તેને બારૂદથી ઉડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કારણકે તેનો તેણે વીસ વર્ષ પીછો કર્યો હતો આખરે હારી થાકીને તેણે પંદર જેટલા ડાયનામાઇટથી  ભરેલા થેલા તળાવમાં નાંખ્યા હતા જ્યાં તે રહેતો હોવાનો તેને વિશ્વાસ હતો જો કે તળાવમાં રહેનારા મોટાભાગના પ્રાણીઓ માર્યા ગયા પણ ટોમને કોઇ નુકસાન થયું ન હતું.પેલા તળાવમાં વિસ્ફોટ થયા બાદ ખેડુત અને તેના પુત્ર એ ભયંકર ચીસ સાંભળી હતી અને તેઓ ત્યાં દોડી ગયા હતા અને તેમણે ટોમને તળાવની અંદર સરકી જતા જોયો હતો.પેલી ચીસ બીજા કોઇની નહિ પણ ખેડુતની પુત્રીની હતી જેનો અરધો મૃતદેહ ત્યારબાદ કિનારે મળ્યો હતો.જો કે આ મગરની કથા કેટલી સત્ય છે અને કેટલી કલ્પના છે તે કોઇ કહી શકતુ નથી પણ તે મગર ફલોરિડામાં ઘણાં વર્ષો સુધી હોવાની વાતો ચર્ચાતી રહી હતી.તેના પગનાં નિશાનને કારણે તેની હાજરી વર્તાઇ આવતી હતી.જો કે તેના જીવતા હોવાની વાતો તો એંસીના દાયકામાં પણ ચર્ચાતી હતી.આ મગરને પકડવાનો અને તેને મારવાનો પ્રયાસ ઘણાં શિકારીઓએ કર્યો હતો પણ તે ક્યારેય કોઇના હાથમાં આવ્યો ન હતો.

આમ તો મધમાખીને કોઇ ખતરનાક શિકારી ગણાવે તો તે વાત માન્યામાં ન આવે પણ જાપાનની વિશાળ મધમાખીઓ દર વર્ષે ઓછામાં ઓછા ચાલીસ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારતી હોવાનું નોંધાયું છે જે દર્શાવે છે કે તે ખતરનાક શિકારી તરીકે ટોચના સ્થાને ગણાવી શકાય તેમ છે.જો કે જાપાનમાં સૌથી વિશાળ શિકારી તરીકે બ્રાઉન બીયરને ગણવામાં આવે છે અને ૧૯૧૫માં અહીં રીછનો ખતરનાક હુમલો નોંધાયો હતો.હોકાઇડોનાં સાન્કેબેત્સુ નામનાં ગામમાં ત્યારે વધારે માનવ વસવાટ ન હતો અને અહી બ્રાઉન રીંછો વધારે પ્રમાણમાં વસતા હતા.તે રીંછોમાં કેસાગાકે કરીને નર રીંછ વધારે કુખ્યાત હતો.તે અહી પોતાના ખોરાક માટે ખેતરોમાં આવતો રહેતો હતો જેનાથી કંટાળીને ગામ લોકોએ તેને મારવા માટે તેના પર ગોળીબાર કર્યો હતો જેમાં તે ઘાયલ થયો હતો પણ તે પર્વતાળ વિસ્તારમાં ચાલ્યા જવામાં સફળ રહ્યો હતો અને લોકોને લાગ્યું હતું કે તે હવે માનવ વસાહતની પાસે આવવાની ભૂલ નહી કરે પણ તેઓ ખોટા ઠર્યા હતા.૧૯૧૫ની નવમી ડિસેમ્બરે કેસાગાકે ફરી દેખાયો હતો જે ત્યાં રહેતા ઓટા પરિવારના ઘરમાં ઘુસ્યો હતો અને ઘરમાં રહેલા નાના બાળકને મોતને ઘાટ ઉતાર્યું હતું.ત્યારબાદ ઘરમાં રહેલી મહિલાને પણ તે જંગલમાં ઢસડી ગયો હતો.જ્યારે લોકો ગામમાં આવ્યા ત્યારે ઘર ખાલી હતું અને ઘરની દિવાલો લોહીથી રંગાયેલી હતી.તેર જેટલા લોકો તે રીંછને મારીને પેલી હતભાગી મહિલાનાં મૃતદેહને પાછો મેળવવા જંગલમાં ગયા હતા.તેમણે તે રીંછને જોયો અને તેના પર ગોળીબાર કર્યો હતો પણ તેને મારવામાં સફળ રહ્યાં ન હતા.રીંછ ત્યાંથી ભાગી ગયો હતો અને પેલી મહિલાનો અર્ધો ખાધેલો મૃતદેહ બરફમાં દટાયેલો મળી આવ્યો હતો.તે ફરીથી ગામમાં આવ્યો હતો અને અન્ય એક ઘરને નિશાન બનાવ્યું હતું અને મિયોકે પરિવારનાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા જો કે કેટલાક લોકો તેનાં હુમલામાં બચી ગયા હતા.તેણે ચાર જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.આ કારણે લોકોમાં ભય ફેલાઇ ગયો હતો ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ નોકરી છોડીને ચાલ્યા ગયા હતા.આ કારણોસર રીંછના એક પ્રખ્યાત શિકારીને તેને મારવાનું કામ સોંપાયું હતું જે ચૌદમી ડિસેમ્બરે ત્યાં આવ્યા હતા અને કેસાગાકેને ઠાર કર્યો હતો.તે રીંછ ત્રણ મીટરની ઉંચાઇ ધરાવતો હતો અને તેનું વજન ૩૮૦ કિલો હતું.તેના પેટમાં માનવ અવશેષ મળ્યા હતા.જો કે તેના હુમલામાં ઘાયલ થયેલા ઘણાં લોકો ત્યારબાદ માર્યા ગયા હતા.એક પીડિત નદીમાં ડુબીને માર્યો ગયો હતો જે કારણે આ વિસ્તારને લોકો છોડી ગયા હતા.આજે પણ જાપાનનાં ઇતિહાસમાં આ હુમલો સૌથી લોહિયાળ મનાય છે.

૧૯૧૬નાં ગાળામાં ન્યુજર્સીમાં એક શાર્કે હાહાકાર મચાવ્યો હતો ત્યારે શાર્કને લોકો એટલું ખતરનાક પ્રાણી માનતા ન હતા.આ હુમલો શાર્ક દ્વારા માનવીઓનો શિકાર કરાયાની અનોખી ઘટના માનવામાં આવે છે.ન્યુજર્સીનાં કિનારે શાર્કે જે પહેલો હુમલો કર્યો હતો તે પીડિતનું નામ ચાર્લ્સ વાન્સેન્ટ હતું જે પોતાના કુતરા સાથે ત્યાંના છીછરા પાણીમાં તરી રહ્યો હતો.આ હુમલાને કેટલાક લોકોએ પોતાની આંખે નિહાળ્યો હતો અને ત્યાં રહેલા લાઇફગાર્ડર તેને બચાવવા ત્યાં પહોંચ્યા હતા જો કે પેલી શાર્કે આ લાઇફગાર્ડનો છેક કિનારા સુધી પીછો કર્યો હતો.આ હુમલામાં વાન્સેન્ટનો એક પગ તેણે ખાઇ લીધો હતો.તેને ત્યારે હોસ્પિટલ લઇ જવાયો હતો પણ તે ત્યાં પહોંચે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો.પાંચ દિવસ બાદ ચાર્લ્સ બ્રુડર કરીને એક વ્યક્તિ પર પેલી શાર્કે હુમલો કર્યો હતો અને તેના પગને ઇજા પહોંચાડી હતી.તે જો કે તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો પણ તે કિનારાથી આગળ જઇ શક્યો ન હતો અને મોતને ભેટ્યો હતો.ત્યારબાદ આ વિસ્તારમાં તે શાર્ક ઘણીવાર દેખાઇ હતી.ત્યારબાદનો હુમલો માતાવાન શહેરની ક્રીકમાં થયો હતો.અહી પણ લોકોએ શાર્કને જોયાની વાત કરી હતી.જો કે લોકોએ તે વાત પર ધ્યાન આપ્યું ન હતું અને બારમી જુલાઇએ અગિયાર વર્ષના એક બાળકને તેણે નિશાન બનાવ્યું હતું.તે તેને લઇને ઉંડા પાણીમાં ચાલી ગઇ હતી અને લોકો તે બાળકને બચાવવા પાણીમાં ઉતર્યા હતા.જો કે શાર્કે ત્યારે સ્ટેન્લી ફિશર નામની વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તેને થયેલી ઇજાને કારણે તે મરી ગયો હતો.આ હુમલાના અરધા કલાકમાં જ તે શાર્કે ફરી એક બાળકને નિશાન બનાવ્યું હતું.જો કે તેને ઇજાઓ પહોંચી હતી પણ તે બચી ગયો હતો.ચૌદમી જુલાઇએ માતાવન ક્રીકની પાસેના રેરીટન બેમાંથી એક માદા ગ્રેટ વ્હાઇટ શાર્ક પકડવામાં આવી હતી જેના પેટમાંથી માનવીનાં અવશેષ મળ્યા હતા અને તે જ પેલી ખતરનાક શાર્ક હોવાનું કહેવાતુ હતું જો કે ઘણાને આ વાત પર વિશ્વાસ બેઠો ન હતો.આજે વૈજ્ઞાનિકો માને છે કે પહેલા બે હુમલા શાર્કનાં હતા પણ માતાવન ક્રીકનો હુમલો બુલ શાર્કે કર્યો હતો.બુલ શાર્ક તાજા પાણીમાં રહી શકે છે અને તે ઘણી આક્રમક હોય છે.આ બુલ શાર્ક ગ્રેટ વ્હાઇટ શાર્કની તુલનાએ વધારે ખતરનાક હોય છે.જો કે આ હુમલાઓ બાદ ગ્રેટ વ્હાઇટ શાર્ક આદમખોર તરીકે કુખ્યાત થઇ હતી.આ ઘટના પરથી જ પીટર બેન્ચલીએ પોતાની જાણીતી નવલકથા જોઝ લખી હતી.આ નવલકથા પરથી જ સ્ટીવન સ્પીલબર્ગે પોતાની જાણીતી ફિલ્મ બનાવી હતી જેને જોઇને લોકો ઉંડા પાણીમાં જતા ડરે છે.

આમ તો સ્લોથ રીંછને માંસભક્ષી માનવામાં આવતા નથી કારણકે તેઓ ફળ અને જીવજંતુઓને પોતાનો આહાર બનાવે છે પણ ભારતમાં આ રીંછને માનવીઓ પર હુમલો કરવા માટે વધારે પ્રખ્યાતિ મળી છે.જો કે ભારતમાં તે આદમખોર તરીકે પણ પંકાયેલા છે અને આ કુખ્યાતિ તેમને મૈસુરના એક આદમખોર રીંછને કારણે મળી છે.કેટલાક કહે છે કે આ રીંછ નર હતો અને તે છોકરીઓને સંભોગ માટે ઉઠાવી જતો હતો.એક છોકરીને લોકોએ તેના પંજાથી બચાવી હતી અને ત્યારબાદ તેણે બદલો લેવા માટે લોકોને પોતાના નિશાન બનાવ્યા હતા.એક અન્ય કથાનુસાર તે માદા રીંછ હતી અને તેના બાળકને માનવીઓએ મોતને ઘાટ ઉતાર્યુ હોવાને કારણે તેણે માનવીઓને તેના નિશાન બનાવ્યા હતા.જો કે આજે નિષ્ણાંતો માને છે કે રીંછને માનવીઓએ ઇજા પહોંચાડી હોવાને કારણે તેણે આક્રમક વલણ અપનાવ્યું હશે.મૈસુરના આ રીછે લગભગ ત્રણેક ડઝન જેટલા લોકોને નિશાન બનાવ્યા હતા.મોટાભાગે તે તેના અણિયાળા દાંત અને પંજા વડે શિકારને ક્ષતવિક્ષત કરી નાંખતો હતો અને તેનો શિકાર બનેલા બાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા આ શિકારીને કેનેથ એન્ડરસન નામના શિકારીએ ઠાર કર્યો હોવાનું મનાય છે.તેને મારવા માટે જો કે ત્રણ વખત તેમને પ્રયાસ કરવો પડ્યો હતો ત્યારબાદ તેને મારવામાં સફળતા મળી હતી.

૧૭૬૪ થી ૧૭૬૭ની વચ્ચે ફ્રાંસનાં ગ્વેડન પ્રાંતમાં  એક વિશાળ કદનાં વરૂએ હાહાકાર મચાવ્યો હતો.જો કે આ દાનવ અંગે સાચી વાત કયારેય જાણવા મળી નથી પણ કહેવાય છે કે આ વરૂ સામાન્ય વરૂઓની તુલનાએ ઘણો વિશાળ હતો તેના દાંત પણ ઘણાં વિશાળ હતા આ દાનવનો પહેલો શિકાર એક છોકરી હતી જેને તેણે ૧૭૬૪નાં જુન મહિનામાં નિશાન બનાવી હતી.આ હુમલાઓ માનવીઓ પર હુમલાનો આરંભ હતો ત્યારબાદ તેણે ૨૧૦ માનવીઓ પર હુમલો કર્યો હતો જેમાંથી ૧૧૩ મોતને ઘાટ ઉતર્યા હતા.૯૮ લોકો અપંગ બન્યા હતા.લોકો તેને શેતાની આત્મા માનતા હતા.જો કે કેટલાક એમ પણ માનતા હતા કે તે એક નહિ પણ બે શિકારી હતા.કેટલાક નિષ્ણાંતો માને છે કે તે વરૂ નહિ પણ હાયના હશે કારણકે હાયના ખતરનાક શિકારીઓ છે અને આફ્રિકા અને એશિયાનાં કેટલાક વિસ્તારોમાં માનવીઓને તેમનો શિકાર બનાવે છે.હાલમાં જ માલાવી ખાતે તેમના ઉપદ્રવથી ભયભીત થઇને લોકોએ ઘણાં લોકો ગામ છોડીને પલાયન કરી ગયા હતા.આ શિકારીઓ જો કે શિકારીઓ અને લશ્કરને પણ ચકમો આપવામાં સફળ રહ્યાં હતા.જો કે તેનો શિકાર સ્થાનિક શિકારી જ્યાં ચેસ્ટલે ૧૭૬૭માં કર્યો હોવાનું મનાય છે.કહેવાય છે કે આ વરૂને મારવા માટે તેણે ચાંદીની બુલેટનો ઉપયોગ કર્યો હતો.ચેસ્ટલે જ્યારે તેના પેટને ચીર્યુ ત્યારે તેમાંથી માનવીનાં અવશેષો મળ્યા હતા.

૧૮૯૮માં અંગ્રેજોએ કેન્યાની સાવો નદી પર રેલવે બ્રિજ બાંધવાનો આરંભ કર્યો હતો.ત્યારબાદ નવ મહિનાનાં ગાળામાં ઘણાં કામદારોને બે સિંહોએ તેમના શિકાર બનાવ્યા હતા.આ સિંહો કદમાં વિશાળ હતા.તેઓ કામદારોને તેમના તંબુઓમાંથી ઉઠાવી ગયા હતા અને રાત્રે જ તેમને ફાડી ખાધા હતા.જો કે ત્યારબાદ તેમની હિંમત એટલી વધી ગઇ હતી કે તેઓ શિકારને દુર સુધી ઢસડી જવાની તસ્દી લેતા ન હતા અને તંબુથી થોડે દુર જ તેમની જ્યાફત ઉડાવતા હતા.તેમનું કદ તેમની નિડરતા તેમની ચાલાકીને જોઇને ત્યાંના સ્થાનિકો માનતા હતા કે તે શેતાન હતા અને તે ત્યાંના રાજાની આત્મા હતા જે અંગ્રેજોને તે વિસ્તારમાંથી ખદેડી મુકવા માટે સિંહના રૂપે જન્મ્યા છે.પુર્વ આફ્રિકામાં મૃત રાજા સિંહ તરીકે જન્મતા હોવાની માન્યતા ઘણી જુની છે.આ બે સિંહોને ત્યારે ધ ઘોસ્ટ અને ડાર્કનેશ તરીકે લોકો ઓળખતા હતા.આ વિસ્તામાં કામ કરતા અનેક મજુરો ત્યાંથી પલાયન કરી ગયા હતા.આ કારણે નિર્માણકાર્ય અટકી ગયું હતું લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.આ પ્રોજેક્ટનાં મુખ્ય ઇજનેર જહોન હેનરી પેટરસને આ સિંહોને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય લીધો હતો અને તેમના હુમલાથી બચી ગયા બાદ ૧૯૮૯નાં ડિસેમ્બરમાં એક સિંહને ઠાર કર્યો હતો અને બે અઠવાડિયા બાદ બીજાને પણ ઠાર કર્યો હતો.આ સિંહોએ ત્યાં સુધીમાં ૧૪૦ જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.પેટરસને જ્યારે તપાસ કરી ત્યારે તેમને આ સિંહોની બોડ મળી આવી હતી જ્યાંથી તેમને માનવીઓનાં વસ્ત્રોનાં અવશેષો અને હાડકા મળી આવ્યા હતા.આ સિંહોની ખાસિયત એ હતી કે તેઓને ભૂખ લાગી ન હોય તે છતાં તે માનવીઓનો શિકાર કરતા હતા.આ સિંહોનાં અવશેષ આજે શિકાગોના ફિલ્ડ મ્યુઝીયમમાં જોવા મળે છે.કેન્યાની સરકારે પણ તેમનું મ્યુઝીયમ બનાવવામાં રસ દાખવ્યો છે.

વાઘ અને સિંહની તુલનાએ દીપડો કદમાં નાનો હોય છે પણ શિકાર કરવાની તેની વૃત્તિ તેમના કરતા સ્હેજે ઓછી હોતી નથી અને એ હકીકત છે કે દીપડો સૌથી જુના શિકારીઓમાંનો એક છે.આપણાં હોમિનાઇડ પ્રજાતિનાં અવશેષો પર દીપડાનાં ઘાના નિશાન મળી આવ્યા છે જે દર્શાવે છે કે જુના સમયથી દીપડા માનવીઓને પોતાનો શિકાર બનાવતા આવ્યા છે.પુખ્ત વયના દીપડાઓ માટે માનવી એ યોગ્ય શિકાર હોય છે જો સમય અને સંજોગો તેની તરફેણમાં હોય તો.જો કે તેઓ આદમખોર બનતા નથી પણ જો તેમ થાય તો તે માનવી માટે ખુબ ખતરનાક બની જતા હોય છે જેનું ઉદાહરણ પાનેરનો દીપડો છે જે કુમાઉનાં જંગલોમાં રહેતો હતો.વીસમી સદીનાં આરંભના સમયમાં આ આદમખોર દીપડાએ આ વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો.આ વિસ્તારમાં તેણે ચારસો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને આદમખોર પ્રાણીઓમાં તે બીજા સ્થાને આવે છે.કહેવાય છે કે એક શિકારીએ તેને ઘાયલ કર્યો હતો જેના કારણે તે જંગલી પ્રાણીઓનો શિકાર કરી શકતો ન હતો તેથી તેણે માનવીઓને જ શિકાર બનાવવાનું ચાલુ કર્યુ હતું.આ ખતરનાક દીપડાનો શિકાર ૧૯૧૦માં જાણીતા શિકારી જિમ કોર્બેટે કર્યો હતો.કહાનીનાં આદમખોરે બસ્સો કરતા વધારેને શિકાર બનાવ્યા હતા તો રૂદ્રપ્રયાગનાં આદમખોરે ૧૨૫ કરતા વધારેને માર્યા હતા.આ આદમખોરને પણ જિમ કોર્બેટે જ ઠાર કર્યો હતો.શિકારીઓ માને છે કે જો દીપડો સિંહના કદનો હોય તો તે સિંહ કરતા દસગણો વધારે ખતરનાક બની જતો હોય છે.શિકારીઓ તેને સિંહ કરતા પણ વધારે ચાલાક શિકારી ગણાવે છે.

ઓગણીસમી સદીનાં પાછલા સમયગાળામાં હિમાલય પર્વતમાળામાં આવેલ નેપાલમાં એક આદમખોરે હાહાકાર મચાવી દીધો હતો.તેણે તે વિસ્તારનાં જંગલમાં જનારા પુરૂષો, મહિલાઓ અને બાળકોને તેમના શિકાર બનાવ્યા હતા.આ કારણે જ ત્યાંના સ્થાનિકો તેને શેતાન ગણાવતા હતા.આ હાહાકાર એક માદા બેંગાલ ટાઇગરે મચાવ્યો હતો.આ વાઘણ પર એક શિકારીએ ગોળી ચલાવી હતી અને તે કારણે તે ઘાયલ થઇ હતી પણ તે ગોળીબારમાં તેના જડબાના બે દાંત તુટી ગયા હતા જેના કારણે તે આદમખોર બની ગઇ હતી.આ વાઘણે જોતજોતામાં બસ્સો લોકોને શિકાર બનાવ્યા હતા.શિકારીઓને મોકલવામાં આવ્યા પણ તે એટલી ચાલાક હતી કે તેમની પકડમાં જ આવી ન હતી.નેપાળની સરકારે તો તેના લશ્કરને પણ મોકલ્યું હતું.જો કે લશ્કર પણ તેને ઠાર કરવામાં સફળ રહ્યું ન હતું.જો કે તે વાઘણ ત્યારબાદ  ભારતનાં વિસ્તારમાં આવી ગઇ હતી અને ચંપાવત વિસ્તારમાં તેણે અડ્ડો બનાવ્યો હતો.તે એટલી ખુંખાર હતીકે તે ધોળા દિવસે ગામમાં ઘુસી જતી અને લોકોને મોતને ઘાટ ઉતારતી હતી.લોકોમાં તેનો એટલો ખૌફ પ્રસરી ગયો હતો કે તેઓ રોજગારી માટે પણ બહાર નિકળતા ન હતા.જો કે એક શિકારી જિમ કોર્બેટે આ ખતરનાક આદમખોરને મારવાનો નિર્ણય કર્યો હતો.જો કે બાદમાં આ જ શિકારી વાઘોનાં સંરક્ષણ માટે પ્રયાસરત થયા હતા.કોર્બેટે આ વાઘણે છેલ્લે એક છોકરીને પોતાનો શિકાર બનાવી હતી તેની નિશાનીઓને આધારે તે ક્યાં હશે તે અનુમાન લગાવ્યું હતું.આ વાઘણને કોર્બેેટે ૧૯૧૧માં ઠાર કરી હતી.આ સમય સુધી તે વાઘણે ૪૩૬ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.કહેવાય છે કે તેનો શિકારનો આંકડો તેના કરતા વધારે હોવાની શક્યતા છે કારણકે આ તો તેના શિકારનો સત્તાવાર આંક છે ઘણાં શિકારનો રિપોર્ટ તો કરાયો જ નથી.ચંપાવતની આ વાઘણને એટલે જ સૌથી ખતરનાક સિરિયલ કિલર ગણવામાં આવે છે કારણકે આટલા શિકાર તો કોઇ સિરિયલ કિલરે પણ કર્યા નથી.

આ યાદીમાં સામેલ મોટાભાગના આદમખોર હવે ઇતિહાસ બની ચુક્યા છે પણ એક આદમખોર આજે પણ જીવંત છે જે આફ્રિકાનાં બુરૂંડીમાં રહે છે અને તે છ મીટર લાંબો અને એક ટન વજન ધરાવતો નાઇલ નદીમાં વસતો મગર છે.કહેવાય છે કે આ મગરે ત્રણસોથી વધારે લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.આ મગરને લોકોએ ગુસ્તાવ નામ આપ્યું છે.ત્યાના સ્થાનિકો માને છે કે આ શેતાન ભોજન માટે જ લોકોને મોતને ઘાટ ઉતારે છે એવું નથી પણ મોજ માટે પણ તે લોકોને પોતાનો શિકાર બનાવે છે.તે લોકોને પોતાનો શિકાર બનાવે છે અને ત્યારબાદ લાંબા સમય સુધી અદૃશ્ય થઇ જાય છે.ત્યારબાદ તે બીજા વિસ્તારમાં દેખા દે છે અને ત્યાં લોકોને શિકાર બનાવે છે.આ દૈત્ય કયાં અને ક્યારે દેખા દેશે તે અંગે કોઇ અનુમાન લગાવી શકતું નથી.તેના વિશે કહેવાય છે કે તે વિશાળ કદનાં હિપ્પોપોટેમસને પણ પોતાનો કોળિયો બનાવી જાય છે.તેના શરીર પર સંખ્યાબંધ હુમલાનાં નિશાન જોવા મળે છે.જો કે તેનો શિકાર આજદિન સુધી કોઇ કરી શક્યું નથી.જાણીતા શિકારી પેટ્રીક ફેએ પાણીમાં તેનો શિકાર કરવા માટે જાળ બિછાવી હતી પણ એટલો ચાલાક હતો કે તે એ પિજરાની આસપાસ ફરતો પણ તેમાં ગયો ન હતો.આમ તે મગરે શિકારીને પણ ચકમો આપ્યો છે અને ફે પણ આ ખતરનાક શિકારીનો શિકાર કરવા માંગતા નથી પણ તેની રક્ષા કરીને તેને સુરક્ષિત સ્થળે રાખવા માંગે છે પણ ગુસ્તાવ હજી તેમની પકડથી દુર છે.