સમય તું પીછે પીછે ચલ..
એ વખતની વાત છે જ્યારે બેંક એક બાજુ બ્રાંચો કોમ્પ્યુટરાઈઝ થઈ રહી હતી અને બીજી બાજુ ઘણા કર્મચારીઓ જેને કાળો સમય વગેરે કહેતા હતા એ વખત ચાલતો હતો. સવારે 8 થી રાત્રે 8 ની બ્રાન્ચ, કોઈને ખુલાસો પૂછ્યા વગર સસ્પેન્ડ, ગમે ત્યારે ગમે ત્યાં સાવ નાની વાતમાં ટ્રાન્સફર વગેરે ચાલતું હતું.
બ્રાન્ચો જૂનાં ALPM મોડ્યુલ પર થી ટાટા નાં ISBS માં ગઈ જેમાં બે કોમ્પ્યુટર લેન થી કનેક્ટ થતાં અને પછી બધી બ્રાન્ચો નો ડેટા એક સેન્ટ્રલ સર્વર માં રહે તેમ CBS, કોર બેન્કિંગ આવ્યું.
કોઈ બ્રાન્ચને એ રીતે CBS માં લઇ જવા એના બધા જ એકાઉન્ટ્સ, બધાં જ અમુક તારીખ સુધીનાં ટ્રાંઝેકશન , બધી જ ચેકબુકો, સ્ટોપ ચેકોની વિગતો અને એમ ટુંકમાં બેંકના બધા જ ચોપડાઓનો બેકઅપ લઈ લઈ બીજે દિવસે બધું અપલોડ કરવાનું હોય.
બ્રાન્ચ મેનેજર અને તેમની સાથે રિજિયોનલ ઓફિસના આઇટી અધિકારી પૂરાં ટેન્શન સાથે બેઠા હોય. બેંકનું જે તે દિવસનું બધું કામ પૂરું થયા પછી રાત્રે CBS નાં સેન્ટ્રલ સર્વર સાથે ત્યાંના અધિકારીઓની મંજુરી લઈ ત્યાંથી ગ્રીન સિગ્નલ મળે એટલે બધો ડેટા અપલોડ કરવામાં આવે. એ પછી ત્યાં અગાઉથી એ બ્રાન્ચ એમના સર્વરમાં એડ થઈ ગઈ હોય, એને લાઈવ કરવાની કેટલીક પ્રક્રિયા કરવામાં આવે એટલે બેય જગ્યા સિક્યોર નેટથી જોડાય. CBS માં જતી બ્રાન્ચમાં તેમનું પ્રિન્ટર પણ ઓન હોય અને તેમાં સીધો બ્રાન્ચ એડ થયાનો રિપોર્ટ અને એ બ્રાન્ચ કન્ફર્મ કરે એટલે ધનધનાટ કરતા એ બ્રાન્ચની વિગતોના રિપોર્ટ તેમનાં સર્વરમાંથી નીકળે જે ડેટા અપલોડ કર્યાની જસ્ટ પહેલાંની સ્થિતિ સાથે સરખાવવાનું. બેય એક સરખા મળે એટલે ગંગા નાહ્યા.
પણ ત્યાં સુધી બેય બાજુ એ અધિકારીઓ ઊંચા જીવે હોય.
એમાં એક વખત એક શાખા કોમ્પ્યુટરાઈઝ તો હતી, સીબીએસમાં જવાની બધી તૈયારીઓ થઇ ચુકેલી.
શનિવારની રાત્રે મોડે સુધી બધો માંડ બેલેન્સ થયેલો ડેટા તૈયાર કરી બ્રાન્ચે બેકઅપ લીધો અને પ્રોસિજર મુજબ ઉપર sat લખી, ટેપ સીલ કરી કબાટમાં મૂકી. નિયમ મુજબ દરેક ટેપ વારનાં નામ મુજબ મુકવાની હોય. આ સોમવારે બેકઅપ લેવાય એટલે ગયા સોમવારનો ભૂંસાઈ જઈ એની ઉપર નવો બેક અપ આવી જાય.
બધું મહેનતથી પૂરું થયેલું અને બ્રાન્ચ મેનેજર ઉત્સાહમાં હતા. એમણે તો રિજિયોનલ મેનેજરને બ્રાન્ચ લાઈવ થાય તે વખતે હાજર રહેવાનું આમંત્રણ પણ આપી દીધું.
આ તરફ જ્યાં બધી શાખાઓનો કંટ્રોલ થતો હોય તે ડેટા સેન્ટર પણ આ મહત્વની બ્રાન્ચ સીબીએસમાં જાય એની અતુરતાથી રાહ જોતું હતું.
સોમવારની સવાર પડી. એ બ્રાન્ચ સંપૂર્ણ ઓનલાઇન થઇ જાય એટલે ખુદ ચેરમેનને જણાવવાનું હતું અને ઉપર કહ્યું એમ એ વખતના ચેરમેન થોડા કડકાઈને નામે સનકી હતા.
રીજીયનના આઇટી અધિકારી, બ્રાન્ચ મેનેજર અને આ બ્રાન્ચનું સીબીએસનું સંભાળવાની જેમની જવાબદારી હતી એ અધિકારી સાડા આઠ વાગતાં તો બ્રાન્ચ સર્વર સામે બેસી પણ ગયા. બ્રાન્ચ 10 વાગ્યાથી પોતાનો બિઝનેસ ઓનલાઇન કરવાની હતી.
ભગવાનનું નામ લઇ, એન્ટરપ્રાઇઝ પીસી એટલે એ સર્વરને ચાંદલા કરી એ અધિકારીએ શનિવારની ટેપ ચડાવી ડેટા અપલોડ કર્યો. થોડી જ વારમાં ડેટા સેન્ટર તરફથી અભિનંદનનો સંદેશ આવ્યો કે બ્રાન્ચ ઓનલાઇન થઇ ગઈ છે. તરત જ ધનાધન રિપોર્ટ નીકળવા માંડ્યા. ઓફિસરો શનિવારના પ્રિન્ટઆઉટ સાથે એ રિપોર્ટ સરખાવવા બેઠા અને..
લો, એક પણ ડેટાની એક પણ વસ્તુ આગલે દિવસે લીધેલી પ્રિન્ટ સાથે મળે નહિ!
એમ થવું અશક્ય હતું. આ બ્રાન્ચ દ્વારા ડેટા સેન્ટરને કહેવામાં આવ્યું કે કદાચ બીજી બ્રાન્ચનો ડેટા તો નથી આવી રહ્યો? તેમણે કેશ નું બેલેન્સ જોવા કહ્યું. એ પણ ખોટું!
ડેટા સેંટર કહે આ તમારી બ્રાન્ચ ના સોલ ( બ્રાન્ચ નો યુનિક નંબર) નો જ ડેટા છે. તમારા આગળના દિવસોના કેશ બેલેન્સ જોતા જાઓ.
અરે! ખબર પડી કે આ શનિવાર ને બદલે એની આગલા શનિવારનો ડેટા અપલોડ થયેલો.
બધું જ ખોટું. મેનેજરે ધડકતાં હૈયે વૉચ જોઈ. સાડા નવ થવા આવેલા. રીજિયોનલ મેનેજર તો આવીને બ્રાન્ચ ની કેબિનમાં બેસી પણ ગયેલા .
સહુ મૂંઝાઈ તો ગયા. ફરીથી ડેટા સેન્ટર ને ફોન કરવામાં આવ્યો. તેઓના પણ જીવ પડીકે બંધાઈ ગયા. ચેરમેનને શું કહેવું ? આ બ્રાન્ચનો આઇટી અધિકારી અને મેનેજર નોકરી થી હાથ ધોશે? નાની એવી ભૂલ માં?
ડેટાસેન્ટરમાં કોઈએ કહ્યું કે હવે જાણે કે ઘડિયાળ ના કાંટા એક વીક પાછળ ફેરવો. ફરીથી આ શનિવારનો બેક અપ લો અને અપલોડ કરી અમને અલગ એડ્રેસ પર મેઈલ કરી મોકલો. કાંઈક જોઈએ. ત્યાં સુધી અમારા ઇન્ચાર્જ બાજી સંભાળી લેશે.
ધ્રુજતા હાથે ભગવાન નું નામ લઈ બ્રાન્ચ ના આઇટી અધિકારીએ ફરીથી શનિવાર નો બેકઅપ સાવ નવી ટેપ પર લીધો અને મેઈલ કર્યો.
ડેટા સેન્ટર રિસિવ તો થયો, હવે બધે એક એક કરી અગાઉ અપલોડ કરેલા બેક અપ માં અઢીસો આઈટમ બેલેન્સ શીટ ની, ત્રણસો જેવી પ્રોફિટ લોસ એકાઉન્ટ ની, એ એક એક કરી કેમ સુધારવી?
કદાચ એક વખત એક બ્રાન્ચનો સ્ટાર્ટિંગ બેકઅપ ફરીથી અપલોડ એ જ તારીખ તરીકે થઈ શકતો નહિ હોય.
ડેટા સેન્ટર ના અધિકારીઓ મંડી પડ્યા એક એક આઇટમના ફિગર ચેન્જ કરવા. આગલા શનિવાર ને બદલે આ શનિવાર.
હવે ત્યાંના અધિકારીઓ કહે અમને ગયા શનિવાર ઉપર સોમવારનો મોકલો.
જાણે કે ગયા શનિવારે બ્રાન્ચ ઓનલાઇન થયેલી એમ ગણી એ ડેટા કાયમ કર્યો. એની ઉપર નવો દિવસ અપલોડ, અને ગયો શનિવાર ભુંસાયો. અમુક ચેક પોઇન્ટ થી ડેટા ટેલી થયો. ઉપર મંગળ, ઉપર બુધ, ગુરુ, શુક્ર.
એને એ જ રીતે અમુક જ આઈટમ ટેલી કરી ત્યાં પણ ભગવાન નું નામ લઈ પેલો મેઈલ માં આવેલ ડેટા ઉપર નાખ્યો અને..
ડેટા સેન્ટરના અધિકારીઓ કહે કે કેશ નું બેલેન્સ, ટોટલ ડિપોઝિટ નું ફિગર અને ટોટલ એડવાન્સ નું ફિગર હવે જે રિપોર્ટ નીકળે એની સાથે ટેલી કરો.
વાહ. બધું ટેલી. ફરીથી પ્રિન્ટર પર સોલ ઓનલાઇન થયાનો મેસેજ, ફરી એ ધણધણાટી લાઇન પ્રિન્ટર ની અને નવા રિપોર્ટ.
આશરે સવા દસ કે દસ વીસ થઈ હશે.
ચેરમેને સામેથી ફોન લગાવ્યો કે પેલી બ્રાન્ચ સીબીએસ માં એડ થઈ? શું રિઝલ્ટ છે?
વટ થી ડેટા સેન્ટર ઇન્ચાર્જએ હા કહી.
કોઈ પણ ફાયર થયો નહિ, સહુને અભિનંદન મળ્યાં.
બ્રાન્ચના આઇટી અધિકારી ક્યારના વોશ રૂમ જવું રોકી રાખેલ તે દોડ્યા અને મેનેજરે સબ સ્ટાફને પેડા લેવા દોડાવ્યો.
એ બ્રાન્ચે તો ટેન્શન સાથે એક પછી એક દિવસની ટેપ અપલોડ કરી, એક એક કરી પાંચસો ઉપર આઈટમ, વચ્ચે ક્યાંય સ્પેસ ન હોય એવી આંકડાઓની લાઈનમાં આવડી મોટી ટેક્સ્ટ ફાઈલ એડિટ કરતા રહેવાનું ભગીરથ કાર્ય ડેટા સેન્ટર ના અધિકારીઓએ કર્યું.
એ બ્રાન્ચની બ્લંડર શું હતી સમજ્યા ને? એ બ્રાન્ચે છેલ્લા શનિવાર ની ટેપ ક્યાંક મૂકી દઈ આગલા શનિવારની ટેપ તારીખ ન લખી હોઈ ચડાવી દીધેલી. ડેટા સેન્ટરે સમયના કાંટા એક વીક પાછળ ફેરવી એક એક કરી સમયસર કર્યું, માત્ર પોણા કલાકની અંદર.
ટેન્શનમાં પણ, સામે મોત ભાળીને પણ કોઈ હિંમત હાર્યું નહીં એ મહત્વનું હતું. ડેટા સેન્ટર ને જે વીજળી વેગે સૂઝ્યું અને તરત વીજળી વેગે કામ કરી અમુક નોકરીઓ બચાવી ર તો પ્રશંશનીય હતું જ.
***