૯૪
"પડ્યા તો પડ્યા પણ ઘોડે તો ચડ્યા"આ કહેવત દરેક કરોળીયા પ્રકૃતિના
માણસોને લાગુ પડે,એટલે અમે ઉલ્લુ બન્યા ત્યારે એક ગુરૂર પેદા થયુ કે
સમજીને દસ ડોલર જણ દિઠ દીધા હતા ને?
“નીચો પડશે તો કહેશે એતો મા ધરતી ઉપર આળોટવાનુ મન થયુ હતુ
આવા છે આપણા ચંદ્રકાંત"
આજે ડોલરોનાં ટીલા જ કરવાનાં છે એટલે માથું નીચું રાખીને લાઇનમાં ઉભા રહી ગયાં.
અને ૨૫ ડોલરના ચાંડલા કર્યા એટલે ગોરી મઢમડીએ હલ્લો વેલકમ સાથે હસતાં સતાં એક એક પારદર્શક ટોપી સાથેનો રેનકોટ અને સેંડલ સ્લીપર આપ્યા. ફરીથી એવુ મીઠું હસી કે કે ઘડીભર તો તેરે નજદીક આકર હમ ભી દેખેંગે.. ગીત ચાલુ થવાની તૈયારી થઇ ગઇ હતી પણ ઘરવાળા જાણે કે “ જહાં તેરી હી નજર હૈ મેરી જાં મુઝે ખબર હૈ જેવો લુક આપ્યો એટલે ન છુટકે “ ચલો ઇક બાર ફિરસે અજનબી બન જાય હમ દોનો ..થઇ ગયુ .. લાઇનમાં આગળ સીટીઓ વાગતી હતી એટલે હરીઅપ કરીને બધ્ધાનુ જોઇ અમે પણ ફટાફટ રેનકોટ ને સ્લીપર પહેરી લીધા.."ગો..." નો પોકાર થયો અને
રોલર કોસ્ટલ જેવા પગથીયા ચડતા ઉતરતા હતાં આહાહા નાયગ્રા ને સાવ અડીને જલશીકરાઓ વચ્ચે પગથીયા ચડવા ઉતરવાનુ શરુ થયુ.ઉપર પાણીનો ધોધ પડતો એટલો પ્રચંડ ધસમસતો પ્રવાહ હતો તેની તાકાતનો પરીચય હજુ કરવાનો બાકી હતો પણ તેની ગર્જનાથી અમને કોઈને કંઇ સંભળાતું જ નહોતું… બસ ઇશારાથી વાહ વાહ કરતા હતા .. મને ક્યારેક ધૂંધવતો દરીયો અને એવી એકાંત ભરી સાંજ માણવાનું મન થાય પણ ઘરવાળાને દરિયો જરા પણ ન ગમે.. નદી તેના ખળ વહેતા પાણીના અવાજ તેમા પગ બોળીને બસ કાંઠે બેસી રહીયે એવું બહુ ઝંખે .. આજે એ પાગલ બનીને નાચતી હતી .. ક્યારેક નજીકથી પગથીયા ઉતરતા હાથ પકડી લેતી હતી તેનો દિકરો આવી સુખદ પળને નિહાળીને મારી સાથે ખુશ થતો હતો .. “ મૈ દીવાની મસ્તાની હો ગઇ જેવી એની આંખોનું આકંપના હું કરતો હતો… હળવે હળવે હવે
અને અમે નાયેગ્રાનો ધોધ પાર કરતા કરતા અર્ધ ચંદ્રાકારની પ્રદિક્ષણા કરતા ફરતા રહ્યા.સતત ઠંડા શિતળ જળથી કાયા તો ભીંજાઇ જતી હતી પણ હવે તો
મન ભિંજાવાનુ ચાલુ થયુ ..વળી રમેશ પારેખ અને અમરેલી ઉગ્યુ"મને
ભિંજવે તું ,તને વરસાદ ભિંજવે..." નાયેગ્રાના છાંટાએ એક નશો પેદા કરી
દીધો.ઉમ્મરનુ સાનભાન ભુલી સહુ નાચતા હતા..
હવે અડધા કલાક ની દડમજલ પુરી થઇ ત્યારે ધોધની અધવચ્ચેની
હાઇટ ઉપર અમે ચંદ્રકારના સામા છેડે પહોંચી ગયા હતા.જ્યાં અમે સહુ
રસઘોયાઓ ઉભા હતા તે ગુફા હતી ...પાછી રેલીગ લાઇન પાછા ડોલરના
ચાંડલા કર્યા અને અમને ગુફાની બહાર મોકલવામા આવ્યા.....
હજીતો કંઇ જોઇએ વિચારીયે ત્યાર પહેલાતો પ્રચંડ અવાજો કરતી નાયેગ્રા
અમારા ઉપર ખાબકી.....
હવે શબ્દો ઓગળી રહ્યા હતા અને માત્ર કુદરત તેના પ્રચંડ નાદ નિનાદ સાથે
અમને એ તેની જળરાશીમા ઓળઘોળ કરતી હતી અને અમે તેના એનઘેનમા
ડોલતા હતા...ઉંચા નીચા દાદરા ઉપર આપણે માત્ર ઉભા જ રહેવાનુ .જેને
વધારે વોટરમસાજ કરવુ હોય તે ઉપર ઉપર ચડતા જાય,અને પાણીનો
પ્રચંડ માર ખાતા જાય...રેનકોટમા સંતાડલી થેલી ,થેલીમા કેમેરા મોબાઇલ
માથી વિડીયા,સૈલ્ફીયુ ચારે બાજુ ચાલુ થઇ ગયુ હતુ.સહુ આ અવિસ્મરણીય
ક્ષણોને કચકડે કંડારવામા લાગી ગયા હતા...મારા અંદર ગીત ગુંજતુ હતુ
“હોશવાલો કો ખબર ક્યા આશકી ક્યા ચીજ હૈ" મારી આ કુદરત સાથેની
આશકી જીંદગી ભર રહી છે.
“ચલો ડેડી હવે લીફટમા નીચે જઇને બોટ રાઇડ નાયેગ્રામા કરવાનુ છે
અને ધોધની પાછળ જવાનો પ્રોગ્રામ છે હરીઅપ.."
છેલ્લી નજર આ બાજુના ચંદ્રાકારથી નિહાળી ત્યારે એક બાજુ સામ્મે
બનાવેલો અડધો પુલ તેની પાછળ કેનેડાની ઉંચી ઇમારતોથી ભરેલુ ટોરેંટો
તેની સડકો હોટેલો અને કાર સરકાવતી સડકોનો નજારો ફરી નીચે સેંકડો
સિગલો મીઠા પાણીના મીન પકડતા હતા.માણસની વામનતા અને કુદરતની
વિશાળતાનો આ નજારો આંખોમા ભરી અમે બોટ રાઇડ કરવા દોડ્યા.
એ ડીઝલબોટમા લગભગ સો જેટલા પ્રવાસીઓ ડેક ઉપર ગોઠવાયા અને
બોટ અડધા કલાક સુધી અલગ અલગ ખુણેથી ધોધની ચારે બાજુ ફેરા
ફેરવતી હતી ત્યારે જાણે મને મંગળફેરા ફેરવતી હતી. હું વચન આપી રહ્યો
હતો...હું તને ક્યારેય છોડીશ નહી તારા સુખ દુખમા સાથે રહીશ .નાયેગ્રા
કહેતી હતી "હું સદાય તને દિલમા રાખીશ તને પ્રેમ કરીશ ...
રસ સમાધિમા ભંગ પડ્યો "ચલો ડેડી ભુખ નથી લાગી ?"
હું શું કહુ કે આજે હુ પરિતૃપ્ત થઇ ગયો છું....નાયેગ્રા અલવિદા...