RED SURAT - 5 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ સુરત - 5

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

રેડ સુરત - 5

2024, મે 18, પીપલોદ, સુરત

સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ ચોક પાસે જ સ્થિત ગાલિબ ઍન્ડ કંપની નામના કૉફી હાઉસમાં કાચનો દરવાજો ખૂલતાની સાથે જ જમણી તરફ ગોઠવેલી ચાર ખુરશીઓમાંથી ત્રણ રોકાયેલી હતી. તે ખુરશીઓ પર બિરાજેલા ડાયમંડ ઍસોશિએશનના વાઇસ પ્રેસિડન્ટ રાજ ડંડુકિયા તેમના બે સાથીદારો સાથે રેડની પ્રતીક્ષામાં હતા. ખુરશીઓની વચોવચ ગોળ માથું ધરાવતી ટીપાઇ રાખેલી હતી. જેના પર હજુ સુધી કોઇ વસ્તુ પીરસાઇ નહોતી. ફક્ત પાણીની એક બૉટલ પડેલી હતી. તે જ તરફ રાજની પાછળની બાજુએ લાકડાના બનેલા રેકમાં અંગ્રેજીમાં લખાયેલા અસંખ્ય પુસ્તકો ગોઠવેલા હતા. જે જોઇએ તે વાંચવા લઇ શકાય, વાંચીને પાછા જ્યાં હતા ત્યાંને ત્યાં ગોઠવી દેવાના. લગભગ જેટલા જાણીતા લેખકો છે, અને તેમના જેટલા જાણીતા પુસ્તકો છે, પ્રત્યેકને અહીં સમાવી લેવામાં આવ્યા છે. પુસ્તકોની ગોઠવણ પતે એટલે રીસેપ્શન કાઉન્ટર આવે, જ્યાંથી પ્રત્યેક ટેબલ પર ઓર્ડર પહોંચાડવામાં આવતો હતો. તેથી આગળ પાછી બે-બે વ્યક્તિઓ બેસી શકે તેવી ગોઠવણ કરવામાં આવેલી હતી. તે જ રીતે પ્રવેશદ્વાર ખૂલતાંની સાથે ડાબી તરફ બુક-રેકમાં ગુજરાતી અને હિન્દી ભાષાને શોભાવતા પુસ્તકો ગોઠવેલા હતા. તે તરફ પણ જમણી તરફની જેમ જ બેસવા માટે ગોઠવણ કરેલ હતી. બરોબર સામેની દિવાલ તરફ એક આછા વાદળી રંગનો લાકડાનો બનેલો જૂનો દરવાજો પણ જડેલ હતો. કદાચ ગાલિબ વસતા હશે તે જૂના મકાનનો હશે. આ જગા સુરતની સૌથી પહેલી આર્ટને સમર્પિત અને જેમાં કૉફી અને ફૂડનો સમાવેશ કરેલો હોય તેમાંની એક છે. પૂરા હાઉસનો ફ્લોર લાકડાના આધારે અને લાકડા જેવા રંગથી રંગાયેલો હતો. આવા બ્રાઉની વાતાવરણમાં આછો પીળો પ્રકાશ ફેંકતા ગોળાઓ હાઉસને ચમકાવી દેતા હતા. સાથે સાથે વાતાવરણને ગઝલમય બનાવવા માટે જગજીતસિંઘ દ્વારા ગવાયેલી ગઝલના સૂરો પણ જવાબદાર હતા. તુમ ઇતના જો મુશ્કુરા રહે હો...     

        રાજ તેનો જમણો પગ ડાબા પગ પર ટેકવીને અમેરીકન શૈલીમાં બિરાજેલો, અને ગઝલના સૂરો સાથે ખોવાયેલ તેની જમણા હાથની આંગળીઓ આપોઆપ જ જમણા પગ પર નૃત્ય કરી રહી હતી. પ્રવેશદ્વાર ખૂલતાની સાથે જ તેની નાચતી આંગળીઓ રોકાઇ ગઇ. દ્વારમાંથી બ્લુ ડેનીમ અને તેવા જ રંગની ટી-શર્ટમાં સજ્જ એક વ્યક્તિ પ્રવેશી. ડાબા હાથમાં મોબાઇલ, અને જમણા હાથમાં પાણીની બોટલ હતી. તે અત્યંત ઝડપથી રાજની સામે જે ખુરશી ખાલી હતી, તેના પર ગોઠવાઇ. તેની પાછળ પાછળ બીજા બે વ્યક્તિ પણ પ્રવેશ્યા, અને તેઓએ બરોબર રાજના ટેબલની સામેના ટેબલ પર જગા રોકી. સાંજનો સમય હોવાથી એકાદ બે ટેબલ છોડીને બધા રોકાયેલા જ હતા. રાજની સામે બિરાજેલ વ્યક્તિએ પાણીની બોટલ ટેબલ પર મૂકી, ‘કેમ છો? સર...’

        રાજ સમજી ગયો કે રેડ તરફથી મળવા આવનાર વ્યક્તિ જ તેની સામે હતી. રાજ પણ મલકાયો, ‘અદ્દભૂત…’, તેણે ઘડિયાળ સામે જોયું, ‘સમયના બહુ પાક્કા બાકી તમે...’

        ‘એ તો રહેવું જ પડે ને... નહીંતર તપાસ પૂર્ણ જ ન થાય.’

        રાજની આસપાસ બેઠેલા હોદ્દેદારોની નજર તે વ્યક્તિ પરથી ખસતી જ નહોતી. લશ્કરી અધિકારી જેવા કસાયેલા તનની બ્લુ ટી-શર્ટ શોભા વધારી રહી હતી. પાણીદાર શ્યામ આંખો ધરાવતો ભરાવદાર ચહેરો આત્મવિશ્વાસનો ભંડાર હતો. એક વખત નજર પડે તો વળીને પાછી નજર તે ચહેરા તરફ જ આકર્ષિત થાય. તેમજ હોદ્દેદારો અટવાયેલા હતા. બસ જોયે જ રાખતા. તે દરમ્યાન જ રાજે મેનુ તરફ ઇશારો કર્યો.

        એક પનીર સૅન્ડવીચ, ફાર્મફ્રેશ પીત્ઝા, અલ્ટિમેટ ગ્રીલ સૅન્ડવીચ, અમેરીકાનો કૉફી, અને ચોકલેટ શેક ઓર્ડર નક્કી થયો. એક હોદ્દેદારથી રહેવાયું નહીં, ‘આટલું બધું... આપ આટલું જમી શકશો તેવું મને ની લાગતું.’, ‘આ મારા માટે નથી.’, તે વ્યક્તિએ તેની પાછળ અને રાજની બરોબર સામે રહેલા ટેબલ પર બિરાજેલા બે વ્યક્તિઓ તરફ ઇશારો કર્યો, ‘ચિરાગ અને જય માટે... મારા માટે ફક્ત એક એસ્પ્રેસો કૉફી.’

        રાજ હસી પડ્યો, ‘આપનું નામ?’,

        ‘સોનલ... સોનલ માધુ… સીનીયર ડિટેક્ટિવ, રેડ ડિટેક્ટિવ પ્રાઇવેટ લિમિટેડ.’

 

*****

તે જ સમયે, વરાછા પોલીસ સ્ટેશન

        કેતનને મળવા માટે પરેશ આવેલો હતો. કેતનના કૅબિનમાં બન્ને ચર્ચામાં હતા. ટેબલને એક તરફ કેતન અને સામેની તરફ પરેશ બિરાજેલ હતો. બન્નેની વચ્ચે રહેલ ટેબલ પર આદિત્યના માથાના ફોટો, અને માથા વગરની લાશ મળેલ હતી, તેના ફોટો પડેલા હતા. DNA ટેસ્ટના પરિણામ પહેલા કોઇ ચોક્કસ નિર્ણય પર આવવું તેમને યોગ્ય લાગતું નહોતું. પરંતુ મનોમન તો બન્ને જણા ર્દઢ હતા કે લાશ આદિત્યની જ હતી. આ તો કાનૂની મહોર વાગવાની જ બાકી હતી. કેમ કે સાબિત કરવા તર્ક નહીં પરંતુ આધાર પૂરાવા જોઇતા હોય છે, અને DNA ટેસ્ટ તેમના માટે નક્કર પૂરાવો બનવાનો હતો. આખું સુરત જાણી ચૂકેલું પરંતુ કાગળ પર મહોર નહોતી વાગી. બસ. એટલે જ હજુ પોલીસ પૂરૂ શરીર આદિત્યનું હતું, તે બાબતની પુષ્ટતા નહોતી કરી રહી. પરેશ વરાછા પોલીસ સ્ટેશન પૂરાવાઓના અભ્યાસ માટે જ આવેલો. બન્ને જણાની વિચારવિમર્શતા કદાચ તેઓને ખૂનીની શોધમાં કોઇ માર્ગ પર દોરી જાય તેવું તેમને લાગતું હતું.

        હવાલદાર પંદરેક મિનિટ પછી બન્ને માટે ચા અને બિશ્કીટનો નાસ્તો મૂકી ગયો.

        ‘ચા પીઓ... પરેશ સાહેબ...’, કેતને ચાનો કપ ઉપાડ્યો.

        ‘ના... યાર...’, પરેશના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઇ રહી હતી, ‘આ ખૂન આપણી ઊંઘ હરામ કરવાનું છે. કદાચ સુરતની ઊંઘ પણ...’

        કેતને એક બિશ્કીટ ઉપાડ્યું, અને ચામાં ડુબાડ્યું. તે ચાથી ભીનું થઇ ચામાં ભળી જાય તે પહેલાં કેતને બિશ્કીટને કપની બહાર કાઢી લીધું, ‘જુઓ.... સાહેબ... ઊંઘ તો આમેય આપણી હરામ જ હતી. આદિત્ય જીવ્યો ત્યારે પણ, અને હવે એના પછી પણ...’, કેતનનો ઇશારો કઇ દિશા તરફ જઇ રહ્યો હતો, તે પરેશ માટે સમજવું મુશ્કેલ નહોતું.

        એક પદ પર બિરાજ્યા પછી, જો માનવી પદની ગરિમા જાણવી ના શકે તો તે પદ અને પદાધિકાર, તેમ બન્નેનો નાશ કરતો હતો, કરતો આવ્યો છે, અને કરતો રહેશે. એક સાહસિક તરીકે ઉદ્યોગની શરૂઆત કરીને સફળતા મળતા જ નવા ઉગતાને દામવા, અને સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઇ અન્યાયને ન્યાય તરીકે તોળવો, તે સામાન્ય રીતે સહજ બની જ જતું હોય છે. તેવું જ કંઇક સુરતના ડાયમંડ માર્કેટમાં બની રહ્યું હતું. જેનું એક કારણ આદિત્ય હતો, તો બીજું કારણ રાજ ડુંડકિયા હતો. પરેશ, કેતન સાથે સુરતના ઘણા ખરા પોલીસકર્મીઓ આ બાબતથી અજાણ નહોતા, પરંતુ આંખ આડા કાન કરવા તેમની આદત બની ગઇ હતી, અને આજે કોઇએ તેમની આંખો ખોલી નાંખેલી. હવે તેમની પાસે અવલોકન કરવા સિવાય કશુંય બાકી નહોતું. કારણ કે ઘટના તો બની ચૂકેલી. શિકાર થઇ ચૂકેલો. શિકારી હજુ પણ ભવિષ્યમાં કેટલા અન્ય શિકારો કરવાનો હતો તે બાબતથી બન્ને અજાણ હતા. તેને શોધવાનું આકરૂ કામ પોલીસને કરવાનું હતું.

        કેતને ફરીથી એક બિશ્કીટ ઉપાડ્યું, ‘અરે... પરેશભાઇ... ચિંતા છોડો ની... આપણી ઉપર પ્રેશર તો વધવાનું જ છે... તે તમે પણ જાણો છો. હજુ તો કમિશ્નરશ્રી પોતે આપણી મુલાકાતે ની આવ્યા. ની તો ઘણી ગાળો ખાવી પડત. જો કે એ તો પડવાની જ છે.’

        ‘મને ખબર છે.’, પરેશે ચાનો પ્યાલો ટેબલ પર મૂક્યો, ‘તમને પણ ખબર જ છે. ફક્ત કમિશ્નર સાહેબ જ ની... હજુ તો પ્રેસવાલા પણ આપણી પાછહ પડે... બન્ને પોલીસ સ્ટેશનની હદમાં તો ઢીક છે, હદની બહાર પણ જીવવા ની દે આપણને...હાળાઓ...’, પરેશે માથા પર હાથ મૂક્યો.

        ‘તમને હું લાગે.... કોણ હોઇ શકે?’

        ‘કંઇ ની કેવાય... એના દુ:ખી કરેલા તો ઘણાંય હશે.’

        ‘હાવ હાચું... તેના ઘરે અમે જાણ કરી દીધેલ. પણ હજુ કોઇ સમાચાર ની મળ્યા તેમના તરફથી.’

        ‘ની આવે...’, પરેશે કેતન સામે જોયું, ‘એના ઘરેથી કોઇ ની આવે... બધા વતન ગયેલા છે. આજે રાતે આવવાના છે, એવા સમાચાર છે. કાલે સવારે કદાચ તમને મળવા આવે. કેમ કે લાશ કેવી રીતે સોંપીશું? આપણી પાસે જ કોઇ ચોક્કસતા નથી. એટલે એક વાર બધું પેપર પર આવી જાય, પેપર વર્ક પતે એટલે લાશ તેમને સોંપી દઇશું. અત્યારે તો આપણે બસ માથા વિષે જ પૂછી શકીએ.’

        કેતને માથું ધુણાવ્યું, ‘અરે હા... જેમને આ લાશ મળેલી, સ્ટેશન પાસે...’, કેતને યાદ કરાવતો હોય તેમ હાથ લંબાવ્યો, ‘તેઓ શું કરે છે? ગયા કે હજુ સુરતમાં જ છે?’

        ‘તેઓ ગયા નથી. અમદાવાદ પોલીસમાં મોટું પદ છે અને નામ પણ મોટું, મેઘાવી દરજી.... અને તેમની એક મિત્ર હતી, જેણે નોકરી છોડી દીધી છે... શું નામ હતું? પેપરમાં બી આવેલું? બે ત્રણ વર્સ પે’લાં...’, પરેશ યાદ કરી રહ્યો હતો.

        ‘સોનલ માધુ’

        ‘હા...’, પરેશે હાથ હલાવી તેને પણ યાદ આવી ગયું હોય તેમ દર્શાવ્યું, ‘તેણે પછી રેડ નામની કોઇ ડિટેક્ટિવ એજન્સી જોઇન્ટ કરેલ...’, પરેશ થોડી વાર અટક્યો, ‘હવે મહત્વની વાત... અંદરના સમાચાર કહું... તે મેઘાવીનો સંપર્ક રાજ ડિંડુકિયાએ કરેલો... અને તેના થકી તેણે સોનલને તેડાવી છે, આ કેસને પ્રાઇવેટ એજન્સીને સોંપવા હારૂ. તેઓ અનઓફિસયલી કામ કરવાના છે...આ અંદરની વાત છે... કોઇ આગળ મોં ની ખોલતો... તને એટલે કીધું કે તું પણ કેસમાં મારી જેટલો જ ઇન્વોલ્વ છે.’

        કેતને હવામાં હાથ હલાવ્યા. માથું ધુણાવ્યું, ‘ની કઉં… ચિંતા ની કર... પણ પળેપળની માહિતી મને આપજે...’

        ‘આજે અત્યારે હાલ જ, રાજ અને સોનલની મુલાકાત ચાલુ જ છે. મેઘાવી મેડમ કદાચ થોડી ક્ષણોમાં ત્યાં પહોંચી જશે...’, પરેશે જણાવ્યું.

        કેતન ઊભો થઇ ગયો, ‘તને કેવી રીતે ખબર?’

        ‘મારો એક માણહ મેં મેઘાવી મેડમ પાછળ રાખેલ છે, અને બીજો રાજની પાછળ... કેમ કે મને ખબર કે આદિત્યના સમાચારથી સૌથી વધુ ગતિમાં રાજ જ આવહે... અને થયું પણ એવું જ... આપણે આપણી તપાસ ચાલુ રાખવાની છે, અને તે લોકો પર નજર પણ રાખવી પડે…એટલે તમે હું કઉ એમ કરતા રહેજો…’

        ‘ચોક્કસ’, કેતને બધા પૂરાવાની નકલો ઉપાડી બેગમાં મૂકી, અને પરેશ સાથે સતત સંપર્કમાં રહેશે તેવો વિશ્વાસ આપીને વરાછા પોલીસ સ્ટેશનથી ઉધના જવા નીકળ્યો.

*****

ગાલિબ ઍન્ડ કંપની કૉફી હાઉસ

        સોનલે તેની ઓળખાણ આપી જ હતી, કે પ્રવેશદ્વાર ખૂલ્યો અને મેઘાવી દાખલ થઇ. મેઘાવીના આવતાની સાથે જ સોનલ ઉઠી, અને બન્ને એકબીજાને ભેટ્યા. ઘણા સમય પછી બન્ને મળી રહ્યા હતા. સોનલ અમદાવાદના કેસ પછી મેઘાવીને મળી રહી હતી. સોનલના ઇશારા સાથે જ એક હોદ્દેદારે તેની ખુરશી મેઘાવી માટે ખાલી કરી. મેઘાવી અને સોનલ પાસ પાસે જ બેઠા. રાજ બરોબર સોનલની સામેની ખુરશી પર હતો. મેઘાવીના એક કિનાય સાથે જય પણ ત્યાં આવ્યો, અને બીજા હોદ્દેદારને તેની ખુરશી છોડવા માટે મજબૂર કર્યો. હવે રાજ એકલો હતો, અને તેની ડાબે જય, જમણી તરફ મેઘાવી અને સામે સોનલ બેઠેલી હતી. ચિરાગ પાછળના ટેબલ પરથી ધ્યાન રાખી રહ્યો હતો. બે હોદ્દેદારો બીજા ટેબલ પર જઇને બેઠા, જે એટલું નજીક હતું કે તેમને રાજ અને અન્યોની ચર્ચા સંભળાઇ શકે. કેમ કે વેપારમાં કોઇનો વિશ્વાસ ન કરવો... તેવું વેપારની મા વેપારી બચ્ચાંઓને ગળથૂંથીમાં જ પીવડાવતી હોય છે.

        વાતનો દોર હવે જયના હાથમાં હતો, ‘તો મિસ્ટર રાજ... આપને કેમ એવું લાગ્યું કે આ કેસ રેડને સોંપવો જોઇએ...’

        રાજે મેઘાવી તરફ જોયું, ‘મેડમની સાથે કમિશ્નર સાહેબ થકી ફોન પર વાત થયેલી, અને એમણે જ અમને તમારો સંપર્ક કરવાની સલાહ આપી. કેમ કે આ એક હાઇ પ્રોફાઇલ મર્ડર કેસ છે.’

        મેઘાવીએ જયની સામે જોઇ રાજના જવાબને આંખોની હિલચાલથી જ સમર્થન દર્શાવ્યું, ‘જુઓ... મારે કાલે મુંબઇ જવું જ પડશે... અને પછી અમદાવાદમાં પણ કામ સંભળાવાનું છું. એટલે જ તો હું આજે મળવા આવી ગઇ... આ કેસમાં તમારે જ આગળ તપાસ કરવાની છે... અને હા... મને એવું લાગે છે કે આ ફક્ત એક કેસ બનીને નહી રહે...’

        ‘તમને કેમ એવું લાગે છે?’, રાજે મેઘાવી તરફ શંકાથી નજર ફેરવી.

        ‘કેમ કે...’, જયે ધ્યાન ખેંચ્યું, ‘કેમ કે... જે રીતે માથું મળ્યું છે... અને તેનાથી દુર માથા વગરનું ધડ મળ્યું છે... બધાંએ માની પણ લીધું છે કે તે એક જ વ્યક્તિનું છે... અને તે છે આદિત્યનું... તો મુદ્દો એ છે કે એક જ ખૂન કરવાનું હોય તો ખૂની આટલી બધી મહેનત કરે જ નહીં. આ તો માથું વરાછા, બાકીનું શરીર ઉધના, અને ગાડી ગાયબ…’

        ‘એક્ઝેટલી’, આ વખતે અવાજ સોનલનો હતો, ‘કોઇને પણ ખૂની આવી રીતે કેમ મારે? કોઇ બદલો? કોઇ વેર? કોઇ સંદેશ? કોઇ...’, સોનલે રાજની આંખો વાંચવાનો પ્રયત્ન કર્યો.

        રાજ ચૂપ હતો. તેની આંખો પણ ચૂપ હતી. અચાનક ચર્ચા અટકી ગઇ. બધા ચૂપ થઇ ગયા.

        ફરીથી જયે વાત ચાલુ કરી, ‘ઍની વૅ, બધા જ પૂરાવાઓના ફોટો તો અમારી પાસે આવી ગયા છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ આવી જ જશે... પણ આ એક ફોટો છે, તે મને કંઇક અલગ લાગ્ય્પ’, જયે લૅપટોપની સ્ક્રીન સોનલ અને મેઘાવી તરફ કરી. સ્ક્રીન પર પોલીસવાનનો ફોટો હતો, જેના પર લાલ અક્ષરોથી પંક્તિઓ લખેલી હતી. મેઘાવીએ તે પંક્તિઓ વાંચી, ‘સૂરજ કે ઉજાલેમેં ચરાગા નહીં મુમકીન, સૂરજ કો બુઝા દો કી જમીં જસ્ન મનાએ’

            ‘ઇસ દશ્ત પે એહસાં ન કર એ અબ્ર-એ-રખાં ઔર, જબ આગ હો નમ-ખુર્દા તો ઉઠતા હૈ ધુઆ ઔર...’, સોનલની પાછળથી પસાર થતા એક સિત્તેરેક વર્ષના વૃદ્ધનો અવાજ બધાના કાન પર અથડાયો.

        ‘અરે... વાહ.... ચાચા...’, જય ઊભો થયો... ‘આપ તો લા જવાબ છો...’

        ‘ના... ભાઇ... આ તો મારા પ્રિય શાયરની રચના આ દિકરી બોલી, તો મેં આગળ વધારી...’, તે વૃદ્ધ્રે મેઘાવી તરફ અને પછી સોનલ તરફ નજર કરી.

        ‘આપ જાણો છો, આ પંક્તિ વિષે?’, સોનલે પૂછ્યું.

        ‘હાસ્તો... આ શેર છે...હિમાયત અલી શાયરનો... અને તે કહે છે... અજવાળામાં દિવા ની થાય... અજવાળું ઓલવાય ત્યારે જ દિવા થાય, અને ધરતી તેને માણે...’, આટલું બોલી વૃદ્ધ તેમની મસ્તીમાં રવાના થઇ ગયા.

        બધાએ અર્થ તો સાંભળ્યો, પણ સમજાયો નહી...શેરની પંક્તિઓ થકી ખૂની શું કહેવા માંગતો હતો? તે હવે યક્ષ પ્રશ્ન બની ચૂકેલો.

        જયે ફરી લૅપટોપ પરની એક કી પ્રેસ કરી, અને સ્ક્રીન પર આદિત્યનું માથું હતું, અને જયે તેના કપાળમાં રહેલ પીળા રંગના અર્ધ સૂર્યને ઇમેજમાં રૂપાંતરીત કરેલ ફોટો બાજુમાં જ દર્શાવ્યો હતો.

 

        સોનલે જય સામે જોયું, ‘આદિત્ય સંઘવી, આદિત્ય એટલે સૂરજ... શેર કહે છે સૂરજને ઓલવી નાંખો... એટલે કે આદિત્યને ઓલવી નાંખો... સૂરજનું ચિહ્ન કપાળ પર અને તે પૂર્ણ નહી. એટલે કે ચમકતો સૂરજ નહી, પરંતુ જેની તેજસ્વિતા ઘટી રહી છે તેવો સૂરજ...’, સોનલ અટકી, ‘શેર મુજબ સૂરજ તો ઓલવાઇ ગયો... તો દિવા ક્યાં થયા છે?, અને ઉજાણી કયાં છે?’

        ફરીથી બધા ચૂપ હતા. અવાક હતા.

        મેઘાવીએ વાત શરૂ કરી, ‘હું જ્યારે અહીં આવી રહી હતી ત્યારે... રસ્તામાં... આઇ થીંક મજૂરા ગેટ પાસે બ્રીજ પૂરો થતા જે મેદાન છે, ત્યાં ચારેકોર અજવાળું જ છે. ચોતરફ સીરીજથી રોશની કરેલ છે, અને પબ્લીકનો જમાવડો પણ જબરદસ્ત છે.’

        રાજે વાતને સમર્થન આપ્યું, ‘એ તો દર વર્ષે હોય જ છે... એ મેળો છે... વેકેશનનો મેળો…’

        સોનલે તુરત જ શબ્દો પકડ્યા, ‘મેળો... ઉજાણી… ચોતરફ પ્રકાશ જ પ્રકાશ... પણ સૂરજ નહી... આદિત્ય નહી... કઇ જગા છે...? આપણે તેની મુલાકાત લેવી પડશે... કદાચ ત્યાંથી કોઇ માહિતી મળી શકે...’

        રાજે તુરત જ જવાબ આપ્યો, ‘વનિતા વિશ્રામ’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏