શુભ દેસાઇ, નામ જ સુરત માટે પૂરતું હતું. જાતે અનાવિલ બ્રાહ્મણ એવો શુભ સુરતના ખ્યાતનામ વ્યક્તિઓ માટે શુભકારક હતો. રાંદેરમાં નિવાસ કરતા શુભનો નિત્યક્રમ એક ઉચ્ચ વર્ગના બ્રાહ્મણને શોભે તેવો હતો, અને કેમ ન હોય... અનાવિલ બ્રાહ્મણ, એટલે દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતો એક વર્ગ. ઘણી ખરી જમીનોના માલિક અને સાથે સાથે રાજકારણમાં પણ એટલા જ સક્રિય એવા અનાવિલ બ્રાહ્મણોને પુરોહિત કાર્ય કરવાની મંજૂરી નથી. તેઓના ઐતિહાસિક મૂળિયા અત્યંત ઊંડા છે. એવું માનવામાં આવે છે કે હનુમાન દ્વારા શ્રી રામ માટે મહાયજ્ઞ કરવા માટે અયોધ્યાથી દક્ષિણ ગુજરાતના અનાવલ (તે સમયે અનાદિપુર તરીકે ઓળખાતું) નામના ગામમાં અનાવિલ લાવવામાં આવ્યા હતા, જેથી તેઓ રાજા રાવણ – એક બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. અનાવિલ અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા આર્ય હતા.
છત્રપતિ શિવાજી મહારાજના દરબારી કવિ ભુખાન અનુસાર, અનૌલ્લા (હવે અનાવિલ તરીકે ઓળખાય છે) બિહારની આસપાસ મગધમાં રહેતા હતા. "પુત્રક" નામના શાસક અનાવિલે નાગા કન્યા "પાટલી" સાથે લગ્ન કર્યા અને તેઓએ તેમના રાજ્યની રાજધાની તરીકે "પાટલી-પુત્રક"નું નિર્માણ કર્યું. તે સમયના મહાન ચાણક્ય, જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ અનાવિલ જ હતા.
આ અનાવિલ બ્રાહ્મણો રાજ્ય અનાવલના શાસક બન્યા, અને અનાવલ રાજ્યમાં વ્યારા, મહુવા, વાંસદા અને ચીખલી તાલુકાનો સમાવેશ થતો હતો.
બૌદ્ધોએ વાંસિયા ભીલના નેતૃત્વમાં અનાવિલ સાથે યુદ્ધ કરવા ભીલ સમુદાયનો સાથ માંગેલો, અને તે યુદ્ધ અનાવિલ રાજા હારી ગયેલો. 1186ની આસપાસ, અનાવિલ રાજા સમંધર વશીએ પાટણના રાજપૂત રાજા સિદ્ધરાજ જયસિંહની મદદથી વાંસિયા ભીલ સામે યુદ્ધ જીત્યું. પરંતુ તેણે રાજ્યમાં રસ નહોતો, આથી તે રાજપૂતોને આપી દીધું. રાજા દિગ્વિરેન્દ્રસિંહ આ રાજ્યના છેલ્લા રાજપૂત શાસક હતા, જેનું નામ પાછળથી વાંસદા રાજ્ય રાખવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના લગભગ 300 ગામડાઓમાં અનાવિલનો વસવાટ હતો.
તેવા જ સમુદાયનો અત્યંત હોંશિયાર, અને નામાંકિત અનાવિલ બ્રાહ્મણ એટલે શુભ દેસાઇ. તેણે કર્મકાંડની પરવાનગી ન હોવા છતાં પણ કર્મકાંડનું શિક્ષણ મેળવેલું, અને તેના જ્ઞાનનો ઉપયોગ કરીને તે સુરતના મોટા મોટા વેપારીનોઆ ભવિષ્ય ભાખી આપતો હતો. શુભની ગણતરી એટલી બધી મજબૂત હતી કે તેના દ્વારા ભખાયેલું હંમેશા હકીકતમાં પરિણમતું હતું. જીદ્દ, અહંકાર, ગુમાન હંમેશા તેના ચહેરા પર દેખા આપતા હતા. તેણે એકવાર જે ઉચ્ચારી દીધું, તેમ જ થવું જોઇએ, તેવો તેનો દુરાગ્રહ હતો. જેના કારણે તેના ઘરના તેને કોઇ પણ પ્રકારનો સાથ આપતા નહી. ફક્ત તેનાથી ડરતા હતા. કર્મકાંડ કરતો હોવાને કારણે સુરત અનાવિલ સમાજે પણ તેનો ત્યાગ કર્યો હતો. તેમનો સમાજ શ્રીરામના વખતથી કર્મકાંડ ન કરવાના વચનથી બંધાયેલ હતો. જે વચન શુભ દ્વારા તોડાયું હતું, અને સમાજ પાસે તેના બહિષ્કાર સિવાય બીજો કોઇ રસ્તો નહોતો.
આદિત્યના પ્રત્યેક કાર્યોની શરૂઆત શુભ થકી મંજૂરી મેળવ્યા બાદ જ થતી હતી. જે કાર્યમાં લીલી ઝંડી શુભ આપે, તે કાર્ય આદિત્યને વધુને વધુ ધનાઢ્ય બનાવતું હતું. આથી જ આદિત્યની સાથે સાથે સુરતના ઘણા બધા વેપારીઓ શુભની નિયમિત મુલાકાત લેતા હતા, અને પ્રત્યેકને શુભ થકી લાભ થયો જ હતો. શુભ પોતે એવું માનતો હતો કે તે આજના યુગનો ચાણક્ય હતો, અને આદિત્ય તેનો પહેલો શિષ્ય જે રાજા બનવાને લાયક હતો. તેમની સાથે વેપારીઓ સિવાય ઘણા ખરા અધિકારીઓ, પોલીસ જવાનો, નગરપાલિકાના સેવકો, અને સામાન્ય પ્રજાને ગણીને લગભગ સુરતની સિત્તેરેક ટકા વસ્તી શુભ સાથે કોઇને કોઇ રીતે જોડાયેલી હતી. શુભ દેસાઇ એક નામ નહીં પરંતુ એક આસ્થા, એક શ્રદ્ધા, એક વિશ્વાસનું સરનામું હતું.
‘એક અંધશ્રદ્ધા પણ...’, સોનલના શબ્દોએ ચિરાગ થકી રજૂ કરાયેલી માહિતીનો પ્રવાહ અટકાવ્યો. તેઓ હોટેલના રૂમમાં શુભ વિષે ચર્ચા કરી રહ્યા હતા.
‘અંધશ્રદ્ધા...?’, જયે સોનલ સામે જોયું.
‘હા... કોઇ એક વ્યક્તિના કહેવાથી તમારૂ કામ સમુ ઉતરે, એટલે એ તમારામાં તેના પ્રત્યેના વિશ્વાસને જન્મ આપે છે, અને વિશ્વાસ ધીમે ધીમે એટલી હદે વધી જાય છે કે, તે અંધવિશ્વાસમાં ફેરવાઇ જાય છે. પછી તે વ્યક્તિ કંઇ પણ કહે તે તમારા માટે અચળ, અકળ બાબત બની જતી હોય છે.’, સોનલે જયને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
‘પણ... આ વ્યક્તિ... મેં ચિરાગની સાથે જ તેના વિષે માહિતી મેળવી છે.’, જયે એક કાગળ સોનલને આપ્યો, ‘આમાં જો... સુરતનો કોઇ એવો પ્રસંગ નથી, જેમાં તે હાજર ન હોય... અરે... જ્યાંથી તેમનું કપાયેલું માથું મળ્યું છે ને, તે મેળાનું ઉદ્દઘાટન તેમના હસ્તે જ થયું હતું.’, જયે શુભનો ફોટો સોનલ સમક્ષ મૂક્યો, ‘તેને ધ્યાનથી જુઓ... કોઇ ધાર્મિક સંતની માફક લાંબા વાળ નથી, એકદમ સ્માર્ટ લુક... કોઇ ભગવો નથી... હંમેશા શુટ-પેન્ટમાં જ જોવા મળે... ના કોઇ માળા ના કોઇ ધાગા... ઉપરથી ગળામાં એક વ્હાઇટ ગોલ્ડની ચેઇન, જેમાં ફક્ત એક જ હિરો જડેલો, અને હાથમાં રૉલેક્સની ઘડિયાળ... તેવી જ જેવી આદિત્ય પણ પહેરતો હતો.’
‘અને આ કપાળમાં ખોડેલું ચિહ્ન’, ચિરાગે કપાયેલા માથાનો ફોટો મૂકી ચિહ્ન પર આંગળી મૂકી.
જયે તે ચિહ્નની ઇમેજ લૅપટોપમાં તૈયાર કરી દીધેલી, ‘આ શુભનું જ તો નિશાન છે. સ્વસ્તિક... જે આપણે પ્રત્યેક શુભ કાર્યમાં બનાવીએ છીએ. જેમ શુભ પણ સુરતના પ્રત્યેક કાર્યમાં હાજર રહેતો.’
‘હા... પછી એ શુભ હોય કે અશુભ...’, સોનલે ફોટો ઉપાડ્યો, ‘મને આ કોઇ સંદેશ લાગે છે... ખૂની આપણને કોઇ મેસેજ આપવા માંગે છે, અથવા ગેરમાર્ગે દોરવા માંગે છે.’, સોનલે ચિરાગને ફોટો આપ્યો, ‘પહેલી હત્યા પછી એક સંદેશ હતો, જેના ઉકેલથી બીજી હત્યાની જગાનો અંદાજ લગાવી શક્યા. હવે આપણી પાસે કંઇ નથી... તો શું આ અંત હતો... હવે આપણે હત્યાના કારણ શોધવા પડશે...’
ચિરાગે ફોટો બેગમાં મૂક્યો, ‘આપણને શુભનું ફક્ત માથું મળ્યું છે, ધડ નહી... કદાચ કોઇ સંકેત જ્યાંથી ધડ મળશે, ત્યાં હોય...’
‘બની શકે...’, સોનલ રૂમની બારી પાસે આવી... બરોબર સામે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનને પસાર જોતી રહી.
*****
SMIMER, ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ
સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગના ડૉ. વિજય સિંઘલ પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર હતા. તેમની સાથે કેતન અને પરેશ પણ હતા. તેઓ આદિત્યના કપાયેલા માથા અને માથા વગરની લાશ, તેમજ આગલી રાતે મળેલ શુભના કપાયેલા માથાના પોસ્ટમોર્ટમ રીપોર્ટ વિષે વધુ માહિતી માટે આવેલા. રૂમમાં બે સ્ટીલના સટ્રેચર હતા, જેમાંથી એક પર આદિત્યનું માથું, અને અજાણ્યું ધડ હતું, તો બીજા પર શુભનું કપાયેલું માથં મૂકેલું હતું. સ્ટ્રેચરના એક તરફના છેડા પર પ્લેટ મૂકી શકાય તેવી વ્યવસ્થા હતી, જેમાં પોસ્ટમોર્ટમ માટે વાપરવામાં આવતા સાધનો મૂકવામાં આવતા હતા, અને તે જ છેડા તરફ પાણીની પાઇપ પણ લગાડેલી હતી. જેથી સ્ટ્રેચર સાફ કરવામાં સરળતા રહે. કેમ કે અભ્યાસ દરમ્યાન સ્ટ્રેચર બરોબર કેન્દ્રમાં ગોઠવવામાં આવે, અને તેની આસપાસ ચોક્કસ અંતરે વિદ્યાર્થીઓ ઊભા રહેતા હતા. કેન્દ્રમાં ઊભા રહીને ડૉક્ટર જાતે પોસ્ટમોર્ટમ કરીને વિદ્યાર્થીઓને શીખવતા હતા. તે મુજબ જ આજે ડૉ. સિંઘલ પોસ્ટમોર્ટમનો રીપોર્ટ કેતન અને પરેશને સમજાવવાના હતા.
આદિત્યનું માથું સહેજ ઊંચું કરીને સિંઘલે કેતન સામે ફેરવ્યું, ‘આ જુઓ... ગરદન જે રીતે કપાયેલી છે... તે નોંધો...’, તેને મૂકીને ડૉ.એ શુભનું માથું સહેજ ઊંચું કર્યું, ‘અને હવે, આ જુઓ... શું લાગે છે?’
‘બન્ને ગરદન એક જ રીતે કપાઇ છે...’, કેતને જવાબ આપ્યો.
‘પરફેક્ટ, બન્ને ગરદન એક જ સાધનથી એક જ પદ્ધતિથી કાપવામાં આવી છે.’, સિંઘલે શુભનું માથું હતું તેમ ને તેમ મૂકી દીધું, ‘અને હા... ગરદન બન્નેની મૃત્યુ થઇ ગઇ પછી કાપવામાં આવી છે.’
પરેશ અચંબિત થયો, ‘મૃત્યુ પછી... એટલે મારી નાંખ્યા પછી... કેમ આવું કર્યું હશે?’
‘ખબર નથી... પણ જેણે પણ કર્યું છે... તેને આ બન્ને પર પારાવાર ગુસ્સો હશે...’, સિંઘલે ટ્રેમાંથી સ્કાલપેલ ઉપાડી અને માથા વગરની લાશ પાસે આવી લાશના પેટ તરફ સ્કાલપેલ તાકી, ‘અહીં જુઓ, એક ચાકુનો ઘા છે... એટલે મારતા પહેલા ચાકુનો વાર કરેલો છે. વધુમાં, આંગળીઓના નખમાં રેતી જામી ગયેલી સ્પષ્ટ દેખાય છે...તેનો અર્થ એવો થાય કે મરતા પહેલા વ્યક્તિએ ઘણું સ્ટ્રગલ કર્યું હશે... અને કાંડાની પાસે જામી ગયેલું લોહી દર્શાવે છે કે તેને બાંધવામાં આવ્યો હશે.’, સિંઘલે ટ્રેની પાસે પડેલ પાટીયું ઉપાડ્યું, ‘હા... એક વાત એ પણ છે કે આદિત્યના માથાના લોહીના નમૂનાઓ, અને આ માથા વગરની લાશના લોહીના નમૂના, વરાછા પોલીસ સ્ટેશનથી મળેલા લોહીના નમૂના, અને રૅલ્વે લાઇન પરથી મળેલા લોહીના નમૂના એકબીજા સાથે મેળ ખાય છે. DNA પરિક્ષણ તો ફક્ત નક્કર પુષ્ટિ માટે છે... બાકી આ શરીર આદિત્યનું જ છે તેવું મારૂ અનુમાન છે.’
કેતને પરેશની સામે નજર કરી, ‘ડૉક્ટર... તમે જ્યારે બન્ને માથા સહેજ ઊંચા કર્યા, તો બરોબર વચોવચ એક ખાલી જગા જેવું દેખાતું હતું.’
‘હા... તમારૂ અવલોકન બરોબર છે... તમે જે ખાલી જગા જોઇ… ત્યાં લાલ રંગનો પાવડર હતો, જેને પાતળા સળિયાને મદદથી અમે બહાર કાઢી દીધેલો... અને પરિક્ષણથી અમે અનુમાન લગાવ્યું છે કે બન્નેના મૃત્યુ સમયે તેમના મોંમાં કંકૂ ભરવામાં આવ્યું હશે. જે સામાન્ય રીતે ઘરોમાં પૂજામાં વાપરવામાં આવે છે. તે.’, સિંઘલે કેતન અને પરેશને રૂમની બહાર જવા માટે ઇશારો કર્યો, અને તે પણ પાછળ પાછળ બહાર આવ્યા.
‘કંકુ...?’, પરેશ ફરી અચંબિત થયો.
‘હા...’, સિંઘલે હેન્ડ ગ્લવ્સ ઉતાર્યા, ‘હવે... તેવું કેમ કર્યું એ અમારા પણ વિચારોથી પરે છે... એટલે કારણ તો હું નહીં કહી શકું... ઇવન આઇ કાન્ટ ઇમેજીન... ધ રીઝન...’, બધા સિંઘલની કેબિન પાસે પહોંચ્યા, સિંઘલે દરવાજો ખોલ્યો, ‘આવો... એક માહિતી આપુ’, બધા કેબિનમાં દાખલ થયા, અને ખુરશી પર ગોઠવાઇ ગયા, ‘મુખમાં કંકુ પાવડર એટલી હદે ભરી દીધેલો કે જેથી નળીઓ બંધ થઇ જાય, અને ગૂંગળામણને કારણે મોત થઇ જાય...આ કંઇક અલગ ખૂની છે... શ્વાસ રોકે છે, ગળું કાપે છે, ચાકુનો ઘા કરે છે, અને કપાળમાં ચોક્કસ ચિહ્ન પણ છોડે છે... મને લાગે છે આ કોઇ સાયકો છે... જે લોકોને, પ્રજાને, સમાજને કોઇ સંદેશ આપવા ઇચ્છતો હશે.’
‘સામાન્ય રીતે તો કંકુનો ઉપયોગ ધાર્મિક વિધિમાં થતો હોય છે. કોઇને મારવા પણ કંકુ વાપરી શકાય... તેવું મારી નોકરીમાં પહેલી વાર મેં જોયું ને જાણ્યું’, પરેશે સિંઘલ સામે નજર કરી, અને ચિંતામાં કપાળ પર હાથ ફેરવ્યો.
સિંઘલે પાણીનો ગ્લાસ પરેશ તરફ સહેજ ધકેલ્યો, ‘વાત તો ચિંતા થાય તેવી જ છે... કેમ કે અલગ પદ્ધતિથી ખૂન કરવું, અને તેને જગજાહેર કરવું... બન્ને સાયકોકીલરની નિશાનીઓ છે...’
‘આવું કરવાથી શો ફાયદો...?’, પરેશ હજુ ચિંતામાં જ હતો.
‘નેમ, ફેમ, સેટીસ્ફેક્શન, પીસ... મેની...મેની મોર... ઘણા કારણો છે... સાયકો બનવા પાછળના... કદાચ કોઇ હદે તમે અને હું પણ સાયકીક હોઇશું જ...’, સિંઘલે વાત ચાલુ રાખી, ‘ઘણી વખત તમે જોયું હશે કે બાળકને ગમતી વસ્તુ ન મળે તો તે મેળવવા માટે બની શકે તે બધું જ તે બાળક કરશે... જેમ કે રડવું, કાકલુદી કરવી, આજીજી કરવી, ધમપછાડા કરવા... આ બધા જ ઓછી માત્રાના સાયકોલોજીકલ ઉદાહરણ છે. જે કોઇનામાં જ્યારે તીવ્ર બને ત્યારે તે કીલરમાં પરિણમતા હોય છે. જે અહીં આપણા કેસમાં પણ છે.’
‘ઑકે... થેંક્યુ ડૉક્ટર...’, કેતને સિંઘલ સાથે હાથ મિલાવ્યો, ‘હવે, અમે રજા લઇએ... આપે જણાવેલ માહિતી અમને ઘણી મદદરૂપ નિવડશે...’, કેતન ઊભો થયો, અને પરેશ સામે જોયું, ‘સર... ચાલો... જવાના’, બન્ને સિંઘલના કેબિનમાંથી નીકળ્યા, અને પોલીસ સ્ટેશન તરફ રવાના થયા.
સિંઘલે ટેબલ પર પડેલી ફાઇલ ઉપાડી, અને ફક્ત મલકાયો.
*****
કેતન અને પરેશ SMIMERથી નીકળીને ઉધના પોલીસ સ્ટેશન તરફ જઇ રહ્યા હતા. બન્નેના મન જુદા જુદા તર્કવિતર્કોમાં ગૂંચવાયેલા હતા. આખરે આવી હત્યા કોણ અને કેમ કરે? તેમને જે તપાસવા હતા તે પાસા હતા આદિત્યની કોની સાથે દુશ્મની હોઇ શકે? શુભ અને આદિત્ય છેલ્લે ક્યારે મળ્યા હતા? આદિત્યના ધંધામાં તેના હરીફો કેટલા મજબૂત હતા? ડાયમંડ બિઝનેસ પણ આની પાછળ જવાબદાર હોઇ શકે કે કેમ? કે પછી ફક્ત કોઇ વ્યક્તિગત બાબત હેઠળ બન્નેનું ખૂન થયું હતું? અગણિત સવાલો હતા, જેના જવાબ બેમાંથી એકેય પાસે નહોતા. શરૂઆત ક્યાંથી કરવી તે બાબતે જ બન્ને અસંમજસમાં હતા. આખરે કેતને એક વાત મૂકી, ‘આદિત્યની લાશ રેલ્વે લાઇન પાસેથી મળી... તે કોથળો કોઇ તો મૂકવા આવ્યું હશે ને?’, કેતને પરેશની સામે જોયું, ‘આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીએ તો...’
‘હા... કરી શકાય...’, પરેશે જવાબ આપ્યો, ‘અમે વરાછા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ને તો અમને તેમાં કંઇ મળ્યું જ નહી. ફક્ત એક પ્લાસ્ટિકની કોથળી દરવાજે આવીને અથડાઇ એ જ દેખાય છે. વળી, આસપાસની દુકાનો પર લગાવેલ સીસીટીવીની ફૂટેજ ચૅક કરી, તો એક કાળા કપડામાં માથાથી પગ સુધી ઢંકાયેલ વ્યક્તિ જ નજરે ચડ્યો, અને એ પણ એક કે બે ફૂટેજમાં જ.’, પરેશે મુઠ્ઠી ભીંસી, ‘કંઇ ની મલ્યું, અમને...કંઇ નહી…’, તેણે આંખો બંધ કરી દીધી. પરંતુ ગુસ્સો પરેશના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.
‘આપણે એક કામ હજુ નથી કર્યું…’, કેતન એકદમ જુસ્સામાં આવી ગયો.
‘કયું?’
‘ઘર... આપણે આદિત્યના ઘરને તપાસ્યું નથી.’, કેતને પરેશ સામે અજબના આત્મવિશ્વાસથી જોયું, ‘અરે... આદિત્યનું જ કેમ… આપણે શુભનું પણ ઘર ચકાસીએ... કદાચ કંઇક આપણે મળી જાય. કોઇ સંકેત, કોઇ પૂરાવો... કે પછી...’
‘ખૂની પોતે’, પરેશનું કેતનની વાતને અપાયેલું સમર્થન દેખાયું.
સ્કોર્પીઓ હવે પોલીસ સ્ટેશન જવાને બદલે ભટાર તરફ રવાના થઇ. ડ્રીમ હાઇ પ્રિ સ્કુલને અડીને જ આવેલી સોસાયટીનો મકાન નંબર 10 એટલે આદિત્યનું ઘર. સ્કોર્પીઓ પૂર ઝડપે તે તરફ ગતિમાં જ હતી. પંદરેક મિનિટમાં તેઓ આદિત્યના ઘરની બહાર ઊભા હતા. ઝાંપાને તાળું હતું, અને ઘરના દરવાજા પર પણ તાળું લટકી રહ્યું હતું. કેતને ડ્રાઇવરને ઇશારો કર્યો, એટલે તે આસપાસમાંથી ચાવી બનાવનારને શોધવા નીકળી ગયો. પરેશ ઝાંપો કૂદીને અંદરની તરફ ગયો. આસપાસ જોયું, ઘરની પાછળની તરફ પણ ગયો, ‘કેતન... અહીં પાછળ દરવાજો ખૂલ્લો જ છે.’
પરેશનો અવાજ સાંભળતાની સાથે કેતન ઘરની પાછળ તરફ ભાગ્યો. બન્ને એક સાથે પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા... પાછળનો દરવાજો સીધો જ રસોડામાં ખૂલતો હતો. રસોડામાંથી બે દરવાજા આગળની તરફ આવતા હતા, જેમાંથી એક ડ્રોઇંગ રૂમ, અને બીજો ડાઇનીંગ એરીઆ તરફ જતો હતો. કેતન ડ્રોઇંગ રૂમ તરફ ગયો અને પરેશ ડાઇનીંગ એરીઆ તરફ. ડ્રોઇંગ રૂમની હાલત જોઇએ એવું લાગતું હતું કે કોઇએ તપાસ કરી હોય અને પછી બધું પાછું હતું તેમ ગોઠવી દીધું હોય. તેવી જ પરિસ્થિતિ ડાઇનીંગ એરીઆની હતી. બન્ને જણા એક સાથે બેડરૂમમાં દાખલ થયા. ત્યાં પણ ડ્રોઇંગ રૂમ મુજબની જ સ્થિતિ હતી.
‘આપણા પહેલા કોઇ અહીં આવી ગયું લાગે છે?’, પરેશે બેડરૂમના ખૂણામાં રહેલા ડ્રોઅરને ખોલ્યું, કંઇ ન દેખાતા બંધ કરી દીધું, ‘પોલીસ સિવાય આ કેસમાં કોને રસ હોઇ શકે?’
કેતને બેડરૂમમાંથી બહાર આવ્યો, ‘કોઇ આવ્યું જ નથી, પરંતુ ચોક્કસ પૂરાવાઓ લઇ પણ ગયા હોય તેવું લાગે છે... બાકી ત્રણ દિવસથી બંધ પડેલ ઘર હોય તો પણ આટલું બધું વ્યવસ્થિત અને સ્વચ્છ. અશક્ય.’, પરેશ કેતનની પાછળ જ બેડરૂમમાંથી બહાર આવ્યો.
‘હવે...’, પરેશ ડ્રોઇંગરૂમમાં દાખલ થઇને સોફા પર બિરાજ્યો.
‘હવે... કંઇ નહીં... નજર તો માર... કંઇક ધ્યાને ચડી જાય.’, કેતને પરેશને ઊભા થવા માટે ઇશારો કર્યો.
પરેશ ઊભો થાય તે પહેલાં રૂમમાં સોનલ પ્રવેશી, ‘બેસી રહો... આપ પણ બેસો કેતન સર...’, સોનલની પાછળ પાછળ રૂમમાં જય અને ચિરાગ પણ પ્રવેશ્યા.
*****
ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏