RED SURAT - 6 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ સુરત - 6

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

રેડ સુરત - 6

વનિતા વિશ્રામ  

“રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીંગ વનિતા વિશ્રામ મેદાનમાં દાખલ થવાના દ્વાર પાસે લગાવેલું હતું. વિવિધ આકર્ષક રંગોથી તૈયાર કરેલ હોર્ડીંગ સુરતની પ્રજાને આકર્ષવા માટે જવાબદાર બની ચૂકેલ. હૈયે હૈયું દળાય તેવી ભીડ જામેલી. ચોતરફ ચમકાટ, પ્રકાશ જ પ્રકાશ... આદિત્ય ઓલવાઇ ગયા પછી દિવાનો પ્રકાશ. ચિરાગ અને જય મેળાની મુલાકાતે આવ્યા હતા. જ્યારે સોનલ અને મેઘાવી રાજ સાથે ચર્ચા મોટા રોકાયેલા. મેળામાં પ્રવેશવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડે તેમ હતું. પ્રવેશ પાસ મેળવ્યા પછી, અંદર દાખલ થતાં જ સ્ટોલ્સની વણઝાર હતી. ભૂલકાંઓ જેને જોઇને આકર્ષાય તેવા ફૂગ્ગાં વેચનારથી લઇને પ્રત્યેક ઉમરની સ્ત્રીને આકર્ષે તેવા ઘરેણા વેચનાર તો ક્રમબદ્ધ ગોઠવાયેલા હતા. વિવિધ પ્રકારના વ્યંજનોની હાટડીઓ પણ એક તરફ ક્રમમાં જ ગોઠવાયેલી હતી. વિવિધ રાઇડ્સ જેમ કે કોલંબસ, ઝુલા, નાના અને મોટા ચકડોળ, બાળકો માટેની ટ્રેન... અને પ્રત્યેકને ચોતરફ સીરીજ લગાડીને પ્રકાશથી ચમકાવવામાં આવેલ હતી. અવાજનું તો પૂછી જ ન શકાય. આટલી બધી રાઇડ્સનો અવાજ, અને સાથે સાથે મેળાના મુલાકાતીઓનો અવાજ...જે બોલે તેને પણ ન સંભળાય તેવી સ્થિતિ હતી. તેવામાં ચિરાગ અને જયને મેળાની મુલાકાતે સોનલે મોકલેલા. તપાસ કરવા બાબતે તેઓ મક્કમ હતા, પણ શેની તપાસ? અસંખ્ય કાળા માથાઓમાં શું શોધે? શું મેળવે? કોને પૂછે? કોની પૃચ્છા કરે? ના તો તેમની પાસે કોઇ આધાર હતો, ના કોઇ પૂરાવો. ના તેઓ પાસે કોઇ ચહેરો હતો, ના તેનો અંદાજ. નજર સામે આવતા અનેક ચહેરાઓમાં ખૂનીનો ચહેરો કેવો હતો એ તો ખબર જ નહોતી. બસ ફરવાનું હતું, અને મેળાની જગાને સમજવાની હતી.

‘અરે... યાર...!’, જયના હાથમાં રહેલ ચાનો પ્યાલો ભીડમાં કોઇના અથડાવવાથી પડી ગયો. સારૂ હતું કે તેના કપડા પર ચા ના ઢોળાઇ, ‘સૉરી... પણ કહેતાં નથી...’  

ચિરાગે પણ તે જોયું, ‘કંઇ વાંધો નહીં. મેં તને ચા લેવાની ના જ પાડી હતી. આ કોઇ મૉલ નથી. આ મેળો છે... અને અહીં મેળા જેવું જ વાતાવરણ હોય... સોફિસ્ટીકેશન... શબ્દ આ ભીડ માટે બન્યો જ નથી. આમ તો, ભીડ માટે કોઇ શબ્દ જ બન્યો નથી. એ પછી કોઇ પણ જાતની હોય...’

જયના નાક પર ગુસ્સો દેખાઇ આવતો હતો. બન્ને અન્ય લોકાની ચાલ સાથે તાલ મીલાવી ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. ઝડપથી ચાલી શકે તેટલી તો જગા જ નહોતી. સામસામે આવતા માણસો ટકરાતા હતા. તો પણ દરેક પર કોઇ ધૂની સવાર હોય તેમ પોતાની મસ્તીમાં મેળાનો આનંદ ઉઠાવતા હતા. ચિરાગે તેના મોબાઇલમાં ફોટો લેવાનં શરૂ કરી દીધેલું. અમુક ચોક્કસ જગાઓના તેણે વિડિઓ પણ ઉતાર્યા. તેણે જય સામે જોયું, ‘જગા ઘણી મોટી છે, અને પબ્લીક પણ વધું છે... હું અહીં જ છું, તું ચકડોળ તરફ આંટો મારી આવ.’, જયે તુરત જ ચકડોળ તરફ પગ માંડ્યા.

બન્ને પોતપોતાની આસપાસના ફોટો લેવામાં વ્યસ્ત હતા. જય ચકડોળ માટે ટીકીટ વેચાતી હતી, તે સ્ટોલની પાસે જ ઊભો હતો. તેની બરોબર સામે પોપકોર્ન, આઇસક્રિમ, આલૂ-પૂરી, સોડાની હાટડીઓ હતી. તેની ડાબી તરફ ભેળ, પાણીપૂરી, સમોસા, વેચનાર ગોઠવાયેલા હતા. ચૂપચાપ તે બધું નિહાળી રહેલો. બાળકોનો અવાજ, ફેરિયાઓનો અવાજ, મુલાકાતીઓનો અવાજ, અને તેની પાછળ ઘૂમી રહેલા ચકડોળનો અવાજ, તેને ચલિત કરી રહ્યો હતો. તેણે આંખો બંધ કરી, ચશ્મા ઉતાર્યા. થોડી ક્ષણો પછી આંખો ઉઘાડી, ચશ્મા સાફ કરીને ચડાવવા જ જતો હતો કે એક ચિચિયારીએ તેનું ધ્યાન ખેંચ્યું. તેનું જ નહી, પરંતુ ત્યાંથી પસાર થતા હરેકનું ધ્યાન ખેંચ્યું. જય તુરત જ તે તરફ ભાગ્યો, ચિરાગ પણ અવાજની દિશા તરફ દોડ્યો. ચકડોળની પાછળની તરફ જ્યાં કોઇને જવાની પરવાનગી હોતી નથી, તે તરફ એક સ્ત્રી ઊભેલી, અને તેના પગ પાસે એક પ્લાસ્ટિકની થેલી હતી. જે સફેદમાંથી લાલ રંગમાં પરિવર્તીત થઇ ચૂકેલી. જયે તે સ્ત્રીને સાંત્વના આપી એક તરફ કરી, એટલામાં ચિરાગ આવી પહોંચ્યો. બન્નેએ પ્લાસ્ટિકની થેલી ખોલવાનો પ્રયત્ન કર્યો. આખરે ચિરાગે તે થેલીને ઊંધી કરી ઝાટકી, તો તેમાંથી દડાની માફક એક કપાયેલું માથું રગડીને પતરાની બનાવેલી આડી દિવાલ સાથે જઇએ અથડાયું. ત્યાં હાજર પ્રત્યેક અવાક હતા, પરંતુ તેમની પાછળ ઊભેલા લોકોમાં ડરની ચિચિયારીઓ ઘર બનાવી દીધું. અવ્યવસ્થાએ તેનું વિકરાળ સ્વરૂપ લીધું. મેળો જોવા આવનાર પ્રત્યેક બહાર નીકળવા દોડધામ કરવા લાગ્યો. એકબીજા સાથે અથડાતા, કૂટાતા બધા મેળામાંથી બહાર આવવા મથવા લાગ્યા. ચિરાગે સમયસર પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી, અને સાથે સાથે સોનલને પણ ફોન કરી દીધો. વનિતા વિશ્રામ મેદાનની બહાર રાવણ દહન બાદ મેદાનમાંથી છૂટેલી પ્રજા તેમના ઘર તરફ જવા જેટલી ઉતાવળી હોય તેટલી જ ઉતાવળમાં હતી. ડર માર્ગ પર પ્રતીત થઇ રહ્યો હતો. તે દરમિયાન ચિરાગ અને જયે તે માથું જમીન પરથી ઉપાડી ચકડોળની પાસે બનાવેલ હાટડીના ટેબલ પર મૂક્યું.

ચિરાગે જયના ખભા પર હાથ મૂક્યો, ‘માથું અહીં છે, તો ધડ ક્યાં?’

જય પણ ચૂપચાપ કપાયેલા માથા સામે તાકી રહ્યો.

 

*****

 

તે જ સમયે પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અઠવા

        પોલીસ કંટ્રોલ રૂમ પરથી આવેલા સમાચારે કમિશ્નરને ચિંતામાં મૂકી દીધેલા. આખરે સુરતમાં શું થવા પામ્યું હતું? એક તરફ હજુ તો આદિત્યના કેસની વાત સળગવાની શરૂઆત જ થઇ હતી, અને તેમાં મેળામાં મળેલ માથાએ ઘી હોમી દીધેલું. કમિશ્નરે તાત્કાલિક કેતન અને પરેશને મુલાકાત માટે બોલાવેલા, અને એક ટીમ વનિતા વિશ્રામ જવા રવાના થઇ ગયેલી. વનિતા વિશ્રામ મેળામાં મળેલ કપાયેલા માથાના સમાચારને સુરતમાં ફેલાતા વાર ન લાગી. સમાચાર આમેય એવું પક્ષી છે, જે લોકોના જીભરૂપી પાંખો પર ઉડાન ભરે છે, અને એટલે જ તેની સાર્થકતા, તથ્ય, આધાર, અને નક્કરતા જીભ જેટલી જ હોય છે. દાવાનળની માફક ફેલાતા સમાચારને મદદ તો પ્રેસરૂપી ઝડપથી સળગી શકે તેવા વૃક્ષો જ કરતા હોય છે.

        આશરે પંદરેક મિનિટમાં તો કેતન અને પરેશ કમિશ્નરની સામે બેઠેલા હતા. કમિશ્નરે બન્નેને ચેતવ્યા, અને તાત્કાલિક બોલાવવા પાછળનું કારણ જણાવ્યું, ‘જુઓ કેતન... તમારા પોલીસ સ્ટેશન પરથી આદિત્યનું માથું મલેલ છે...તો પરેશના વિસ્તારમાંથી મલેલ શરીર તેનું મલે કે ની મલે... તે બે દિવસમાં ખબર પડી જહે... પરંતુ હાલનો વાઇરલેસ મેસેજ સાંભળ્યો...એક બીજું કપાયેલું માથું મલેલ છે... હવે તમે મને કહો... કે તમારી તપાસ ક્યાં સુધી પહોંચેલ છે....?’

        કેતન મુજબ તપાસ ક્યાંય પહોંચી નહોતી. બધું પહેલા દિવસની જેમ જ જ્યાં હતું ત્યાં ને ત્યાં જ હતું. ના કોઇ સબૂત હતું, ના કોઇ સાક્ષી, ના કોઇ પૂરાવા, ના કોઇ આધાર... તપાસ કોના આધારે અને કેવી રીતે આગળ વધારવી? સ્નિફર ડોગ્સ દ્વારા પૂરા સ્ટેશનની તપાસ કરાવી દીધેલી. સ્ટેશનની આસપાસ પણ તપાસ કરાવી દીધેલી. થેલી પર રહેલા લોહીના ડાઘને આધારે પણ તપાસ આદરેલી. વરાછા પોલીસ સ્ટેશના દરવાજાથી પોલીસ વાન અને વાનથી મુખ્ય રસ્તા સુધી ડોગ્સ જઇને અટકી જતા હતા. તે જ પરિસ્થિતિ પરેશની હતી. રેલ્વે લાઇન પર કોથળો મળ્યો, ત્યાંથી કોઇ ચોક્કસ જગા સુધી જઇને સ્નિફર ડોગ્સ અટકી જતા હતા. તે જગા પર રહેલ કારના ટાયરની છાપ મેળવેલ હતી. તે છાપના માપ પ્રમાણે તે એ જ કારના ટાયર હતા જે કાર આદિત્ય પાસે હતી, તેવું અનુમાન પરેશની ટીમે લગાવેલું. આદિત્યની ફેમીલીને જાણ કરી દીધી હોવા છતા કોઇ હજુ સ્ટેશન પર પહોંચ્યું નહોતું. બધા વતન ગયેલ હતા તે વાત પણ કમિશ્નર સામે રજૂ કરવામાં આવી.

        ‘તમે કશું કર્યું જ નથી...’, કમિશ્નર ગુસ્સે થયા, ‘તેની ફેમીલી કઇ વતન નથી ગઇ... તે અહીં એકલો જ રહેતો હતો... તેની ફેમીલી તો છેલ્લા સાતેક વર્ષથી ન્યુ યોર્કમાં છે... તમને કોઇ માહિતી જ નથી... અથવા તો તમે કોઇ તપાસ કરી નથી. ખાલી ચા પીધી અને બિશ્કીટ ખાધા છે... કેમ ને?’, કમિશ્નરને બાતમી આપનાર પોલીસકર્મીઓ સ્ટેશનના સમાચાર કમિશ્નર સુધી પહોંચાડતા જ હતા.

         પરેશે તેની વાત રજૂ કરી, ‘એવું નથી સાહેબ... અમે પ્રયત્ન કરી રહ્યા છીએ... જેવી કંઇ જાણ થશે... આપને જાણ કરીશું.’

        ‘જુઓ... પરેશ... આ કોઇ સામાન્ય કેસ નથી. હાઇ પ્રોફાઇલ કેસ છે. આદિત્ય સંઘવીનું બધા ધંધાઓને ભેગા કરોને તો રોજનું ટર્ન ઓવર તમારા આખા સ્ટેશનના વાર્ષિક પગાર જેટલું મલે. તેના સંબંધો અહીંના વેપારીઓથી માંડીને વિદેશના વેપારીઓ સુધી, અને અહીં મંત્રીઓ સુધી ફેલાયેલા છે. એવું ના માનશો કે તે કોઇ રસ્તે ચાલતો વ્યક્તિ હતો, અને તેની પાછળ આપણે કોઇ પૂછનાર નથી...’, કમિશ્નરે પરેશની આંખોમાં આંખો પરોવી, ‘હજુ એક દિવસ જવા દો... પછી પ્રેસ, મંત્રીઓ, વેપારીઓના ફોનના જવાબ પણ નહી આપી શકો તમે...’

        કેતન અને પરેશ કંઇ પણ બોલ્યા વિના ચૂપચાપ કમિશ્નરને સાંભળી રહ્યા હતા. તેમને એ પણ જાણવા મળ્યું કે આદિત્ય એ ફક્ત ડાયમંડ કિંગ જ નહીં... પરંતુ સુરતના લગભગ પ્રત્યેક ધંધામાં રોકાણ કરી ચૂકનાર વ્યક્તિ હતો. તેની હત્યાની સાથે સાથે બે દિવસમાં જ બીજી હત્યા થઇ હતી. અદ્દલ તેની માફક જ. એક કપાયેલું માથું મળેલું, અને ધડની તલાસ ચાલુ હતી.

        કમિશ્નરના મોબાઇલની રીંગના કારણે ચર્ચામાં વિક્ષેપ ઊભો થયો. કમિશ્નરના ચહેરાના હાવભાવ પરથી ચિંતાના વાદળો કાળાડિબાંગ બની રહ્યાનો સંકેત સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. પરેશે હિંમત કરી, ‘શું થયું?... સર...’

        કમિશ્નરે બન્નેની સામે જોયું, અને જેનું માથું મેળામાં મળ્યું, તેનું નામ જણાવ્યું.

 

*****

 

        સોનલ વનિતા વિશ્રામ પહોંચી ચૂકેલી. મેઘાવીને મુંબઇ જવાનું હોવાથી તે પોતાના રોકાણ પર જવા રવાના થઇ ગઇ હતી. રાજ તેના નિવાસસ્થાને પહોંચી ચૂકેલો. સોનલના આવતાંની સાથે ચિરાગે સંપૂર્ણ ઘટના તેને ધીમા અવાજે વર્ણવી દીધી. કમિશ્નર થકી મોકલેલ ટીમ સ્થળની તપાસ કરી રહી હતી. એક હવાલદાર ટેબલ પડેલ કપાયેલ માથાની પાસે જ ઊભો રહ્યો, અને બાકીની ટીમ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તાર જેવા ખાલી પડેલા મેળાની જગા પર તપાસમાં જોડાયેલા હતા. સોનલ, ચિરાગ અને જયની સાથે પ્રવેશદ્વાર પાસે હતી. પોલીસે સંપૂર્ણ જગા કોર્ડન કરી દીધેલી. કોઇને અંદર પ્રવેશવાની મનાઇ હતી.

            પોલીસ પહોંચે તે પહેલા ચિરાગે જગાના ફોટો પાડી લીધેલા. સોનલ બહાર એક તરફ ઊભા રહીને તે ફોટાઓનો જ અભ્યાસ કરી રહી હતી. તેના મનમાં એક જ સવાલ હતો. હજુ તો તેમણે આદિત્યની હત્યા સમયે મળેલ પંક્તિને ઉકેલી જ હતી, ને બીજી હત્યા થઇ ગઇ. હવે, અહીં કઇ પંક્તિ હશે... કયો સંદેશ હશે? અહીં જ અટકી જવાનું હતું કે બીજી હત્યાઓના સમાચાર તેમની રાહ જોઇ રહ્યા હતા. અનેક તર્ક, અનેક વિચારો, અનેક અનુમાનની ગડમથલ વચ્ચે, પોલીસ જવાનોના અવાજે ખલેલ પહોંચાડી. મેળાના પાર્કીંગમાંથી આદિત્યની કાર મળી ગયેલી. પોલીસ ટીમને સાથે સાથે આવેલા ફોરેન્સિક વિભાગના અધિકારીઓ નમૂનાઓ એકઠા કરી ચૂકેલા. હવે તેમને આદિત્યની કાર પરથી વિવિધ નમૂનાઓ ભેગા કરવાના હતા. સોનલે જયને કારની નજીક જવા ઇશારો કર્યો, અને જય તે તરફ ગયો. કારના કાચ, દરવાજા, સીટ, સ્ટેરીંગ, ડેકી, લગભગ બધેથી નમૂનાઓ ભેગા કરવામાં આવી રહ્યા હતા. ફિંગરપ્રિન્ટ્સ, લોહીના ડાઘ, સિગારેટની સ્મેલ...કારમાં ઘણું બધું હતું, અને તેમાંથી ઘણી ખરી માહિતી મળે તેમ હતું. આ બધું જય અત્યંત શાંત મને નિહાળી રહેલો, અને અવલોકન કરી રહ્યો હતો.

        બીજી તરફ ચિરાગના મોબાઇલ પર કપાયેલા માથાનો ફોટો આવતાંની સાથે જ સોનલ અટકી ગઇ. આદિત્યની માફક આ કપાયેલા માથાના કપાળ પર પણ એક ધાતુનું ચિહ્ન હતું. જે આબેહૂબ સ્વસ્તિક જેવું પ્રતીત થતું હતું.

        સોનલ હજુ સમજવા પ્રયત્ન કરી રહી હતી, ત્યાં પોલીસ જવાને આવીને લાકડી પછાડી, ‘ચાલો… ખસો... ગાડી આવે છે.’, પોસ્ટમોર્ટમ માટે માથાને લેવા માટે વાન આવેલી. વાનમાંથી ઉતરેલા વ્યક્તિએ ફોર્મમાં નામ નોંધવા માટે હવાલદાર સામે જોયું. હવાલદારે ઉચ્ચારેલ નામ... સોનલે પણ સાંભળ્યું, ‘શુભ દેસાઇ’.

 

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏