Sangharsh - 22 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 22

Featured Books
  • तेरा...होने लगा हूं - 9

    मोक्ष क्रिश को लेकर शेखावत हाउस के लिए निकल गया। वहीं स्कूल...

  • गुरु का मिलना

    कहावत सुनी ही होगी जब शिष्य तैयार होता है गुरु प्रकट होता है...

  • द्वारावती - 79

    79                             रात्रि भर उत्सव यमुना तट पर ब...

  • ट्यूशन

    मेरे पिता जी का ट्रांसफर जलालाबाद (थानाभवन) से बदायूं हो गया...

  • बदलाव ज़रूरी है

    नमस्कार दोस्तों कैसे हैं आप सब, आशा है सब बढ़िया ही होंगे. आग...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 22

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૨૨ – રાજકરણનો અચંબો!

 

‘મહારાજ!’ રાજકરણના ગળામાંથી માંડમાંડ શબ્દ નીકળ્યો, ‘આપે મને આપની આ કૃતજ્ઞતાથી એટલો બધો ગદગદ કરી દીધો છે કે આપનો આભાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. મેં જે ઈચ્છા પણ નહોતી કરી એ તમે મને આજે આપ્યું છે. હું અત્યારે તો આપને આ એક જ વચન આપીશ કે હું આજે ભલે આપનો મહેમાન બનીને આવ્યો છું, પરંતુ સ્વતંત્ર ગુજરદેશ જ્યારે પણ અસ્તિત્વમાં આવશે ત્યારથી હું આપનો સાચો મિત્ર બનીને રહીશ.’ 

‘હું પણ એ દિવસની આતુરતાથી રાહ જોઇશ રાજકરણસિંહ અને એ દિવસ બહુ જલ્દી આવશે એની મને આશા છે. આપના રાજ્યાભિષેકમાં હું જરૂર આવીશ. એ સમયે આપણે મરુભૂમિ અને ગુજરદેશ સાથે મળીને સમગ્ર આર્યવર્ષનું ભવિષ્ય કેવી રીતે લખશે તેના પર જરૂર ચર્ચા કરીશું. પરંતુ આજે તો આપને અને આપના અહીં પધારેલા મિત્રોને રાજનીતિ, કૂટનીતિ અને શસ્ત્રનીતિની ઊંડાણથી સમજણ મેળવવાની અત્યંત જરૂર છે. તો આપ આજે અને આવતીકાલે અમારું ભુજડો નગર નિહાળો અને ત્યારબાદ અમારા વીર સેનાપતિ તેમજ જ્ઞાની પુરુષો પાસેથી પ્રશિક્ષણ મેળવવાનું શરુ કરી દો. જ્યારે અમને એમ લાગશે કે આપ અને આપના સાથીઓ અમે આપેલા પ્રશિક્ષણથી સંપૂર્ણ બન્યા છો ત્યારે જ અમે આપને ભુજડો છોડવાની મંજૂરી આપીશું.’ મહારાજ અજિત સિંધણે લાડપૂર્વક રાજકરણને આદેશ કર્યો હોવાનું તમામ દરબારીઓને લાગ્યું. 

રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવ રાવ મહારાજ અને સમગ્ર રાજપરિવારને પ્રણામ કરી રહ્યા. 

ત્યારબાદ મહારાજના એક સંકેતથી અષાઢીએ ત્રણેયને પોતાના ઉતારા તરફ જવાનું હળવેકથી કહ્યું. ત્રણેય ફરીથી મહારાજને પ્રણામ કરીને તેમની આજ્ઞા મળતાં જ દરબારની બહાર જવા માટે પગલાં આગળ વધારવા લાગ્યા. 

ઉતારે પહોંચ્યા બાદ પોતાના બાકીના પચીસ સાથીઓને દરબારમાં શું થયું તેની વાત મહાદેવ રાવે અત્યંત રસપ્રચૂર ભાષામાં જણાવી. એ તમામમાં પણ ઉત્સાહનો સંચાર થયો. મહારાજની અનુસાર આ આખો રસાલો આખો દિવસ ભુજડો નગર ફર્યો અને અહીં રહેલી નવી નવી જાણકારીઓ મેળવતો રહ્યો. સાંજે આ બધા જ્યારે ઉતારામાં પરત આવ્યા ત્યારે તેમના સામાનને એક બગીમાં ખડકી દેવામાં આવ્યો હતો અને તેમને દરબારગઢ લઇ જવા માટેના રથ તેમની રાહ જોતાં ઉભા હતા. 

અષાઢીએ રાજકરણને જણાવ્યું કે મહારાજના મહેલમાં જ તેના રહેવાની વ્યવસ્થા થઇ ગઈ છે જ્યારે તેના બાકીના સાથીઓને દરબારગઢમાં જ ઉતારા આપવામાં આવ્યા છે. રાજકરણ અને તેના સાથીઓ હવે દરબારગઢ તરફ જવાની તૈયારીમાં જ હતા કે સંગ્રામબાપુ પણ રાજકરણની વિદાય લેવા આવતા હોય એવું રાજકરણને દૂરથી દેખાયું. તેણે અષાઢીને બે પળ રોકાવાનો સંકેત કર્યો અને પોતે સંગ્રામબાપુ તરફ ઝડપથી ડગ માંડતો ચાલવા લાગ્યો. 

‘બાપુ, તમે અત્યારે?’ સંગ્રામબાપુ નજીક આવતાં જ રાજકરણ એમને ભેટી પડ્યો અને પછી એમને પૂછ્યું.

‘હા, ભા. મ્હારો કાજ પૂરો થ્યો. મ્હારા સારો ઊંટ બીક ગીયો. અબ યહા રેહણે કો ની. અબ ઘર કો યાદ આવે.’ સંગ્રામબાપુએ એમની ચિતપરિચિત મીઠી વાણીમાં સ્મિત સાથે વાત કરી. 

‘બાપુ, એક જ દિવસમાં બધા ઊંટ વેંચાઈ ગયા?’ રાજકરણને આશ્ચર્ય થયું.

‘હા તે? પરસમેં ઊંટ ની જ્યાદા માંગણી હોવે. મ્હને મ્હારા મોલ મિલ ગીયો તો મૈને સારે ઊંટ બેચ દિયો. અબ હમ સારે રાહ ચલનેવાલે, થાર સરીકા હો ગીયો હૈ!’ સંગ્રામબાપુ હસવા લાગ્યા.

‘તો પછી પાછા રાજથાણા કેવી રીતે જશો? આટલું મોટું રણ અને એ પણ ઊંટ વિના?’

‘થાર કો જાણણો હે? કાલ સુબો મેં થાર કો લેણે આઉંગો. વતન જાણે કે પહેલા થાર કો ચોંકાકે જાઉંગો. કાલ સુબો સૂરજ ઉગણે સે પહેલે.’ 

‘મને હતું કે આજે આપણી અંતિમ મુલાકાત હશે, પણ સારું ચાલો કાલે સવારે પણ મળાશે. પણ બાપુ અમને મહારાજે દરબારગઢમાં ઉતારા આપ્યા છે, અમે ત્યાં જ જઈ રહ્યા છીએ. જુઓ આ અમારો સામાન.’ રાજકરણે પાછળ ફરીને સંગ્રામબાપુને પોતાના સાથીઓ અને સામાનને દેખાડ્યા.

‘તો વાંધો કો ની. તું એક કામ કર. રાતકો અંતિમ પ્રહર કો ડંકો બાજે તબ દરબાર ગઢ કે મૂળ દરવાજે બહાર આ કર મ્હારી રા’ જો. મેં થાર કો મ્હારે વેપારીકી ઘોડાગાડી મેં લે જાવેગો. થાર મિત્રો કો ભી લે આઓ. ઈ અનુભવ ઉનકે લિયે ભી જરૂરી લાગે મને.’ 

‘ઠીક છે બાપુ, હું રાતના અંતિમ પ્રહરનો ડંકો વાગશે એટલે મારા મિત્રો સાથે તમારી રાહ જોઇશ.’

‘ઠીક છે, કાલ મીલેગો. જય બાબા ચંદ્રનાથ!’ 

આટલું કહીને સંગ્રામબાપુએ હાથ જોડ્યા, રાજકરણ એમને પગે લાગ્યો. ફરીથી સંગ્રામબાપુએ અગાઉની જેમ તેના ખભા પકડીને તેને ઉભો કર્યો અને ગળે વળગાડ્યો અને બાદમાં ત્યાંથી પોતાના માર્ગે રવાના થયા.

*** 

રાત્રે સુતા પહેલાં રાજકરણે પોતાના ઓરડાની રક્ષા કરનાર દ્વારપાળને રાત્રિના અંતિમ પહેરનો ડંકો વાગે કે તરત જગાડી દેવાની સૂચના આપી દીધી હતી. ધૂળીચંદ અને મહાદેવ રાવે પણ પોતપોતાના દ્વારપાળોને આ પ્રમાણે સૂચના આપી દીધી હતી. ત્રણેયને સંગ્રામબાપુ ઊંટ વગર કેવી રીતે રણપ્રદેશ પાર કરીને રાજથાણા જશે એ જાણવાની ઉત્કંઠા હતી. 

રાત્રિનો અંતિમ પ્રહર શરુ થવાનો ડંકો સમગ્ર ભુજડામાં સંભળાય એવી રીતે જોરથી વાગ્યો. ભુજડો નગર આખું શાંત નિંદરમાં હતું. પરંતુ અત્યંત પોચાં ગાદલા અને રેશમી ચાદર ઉપર રાજકરણને રાત્રે માંડ અને કટકે-કટકે ઊંઘ આવી હતી આથી એ લગભગ જાગતો જ હતો. જેવો ડંકો સંભળાયો કે એ પથારીમાંથી ઊભો થઇ ગયો અને હજી તે આંખો ચોળે છે ત્યાં જ દ્વારપાલ એને જગાડવા માટે આવી પહોંચ્યો.

‘ધન્યવાદ, હું જાગી ગયો છું.’ રાજકરણે દ્વારપાળને નમ્રતાથી કહ્યું. દ્વારપાળ એને પ્રણામ કરીને પોતાના સ્થાને જતો રહ્યો.

રાજકરણ રાજા અજિત સિંધણના વિશાળ મહેલમાંથી દરબારગઢના ચોગાનમાં આવી પહોંચ્યો જ્યાં ધૂળીચંદ અને મહાદેવ રાવ તેની પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. ત્રણેય દરબારગઢના વિશાળ દરવાજામાંથી બહાર નીકળ્યા અને બહાર આવતાં જ તેમણે સંગ્રામબાપુ અને તેમના સાથીઓને પોતપોતાના ખભે સામાન ઉપાડીને ઉભા રહેલા જોયા. 

રાજકરણ કાયમની જેમ સંગ્રામબાપુને વળીને પગે લાગ્યો અને સંગ્રામબાપુએ પોતાના ખભેથી સમાન નીચે મૂક્યો અને કાયમની જેમ તેને ઉભો કરીને તેને ભેટી પડ્યા. હજી આ ચાલી રહ્યું હતું ત્યાં જ  બે ઘોડાગાડીઓ ત્યાં આવીને ઉભી રહી. એકમાં પોતાનો સમાન ચડાવીને સંગ્રામબાપુ અને તેમના સાથીઓ સવાર થયા તો બીજામાં રાજકરણ અને તેના સાથીઓ. સંગ્રામબાપુએ રાજકરણને કહી દીધું હતું કે પ્રભાતનું પહેલું કિરણ પડશે ત્યારે તેઓ એ સ્થળે પહોંચશે જ્યાંથી તેઓ અને તેમના સાથીઓ રાજથાણા જવા માટે રવાના થશે. એમને વિદાય આપ્યા બાદ રાજકરણ અને સાથીઓને એ જ ઘોડાગાડીઓ દરબારગઢ પરત મૂકી જશે. આ વ્યવસ્થા સંગ્રામબાપુના ભુજડાના વેપારી મિત્રે કરી આપી હતી. 

લાંબી યાત્રા પતાવીને જ્યારે આ તમામ આગળ વધી રહ્યા હતા કે અચાનક જ રાજકરણને ભીનીભીની સુગંધ આવવા લાગી. સંગ્રામબાપુએ પોતાના પરત જવાના માર્ગ વિષે પહેલેથી જ એમની ઉત્કંઠા વધારી દીધી હતી, એવામાં આ સુગંધે તેની ઉત્કંઠા વધુ વધારી. જે દિશાએથી આ સુગંધ આવી રહી હતી તે દિશાથી જ એક સાવ અનોખો અવાજ આવી રહ્યો હતો. જાણેકે કોઈ મંથન ચાલી રહ્યું હોય એવો. 

તમામની પીઠ પાછળ દૂર આકાશ હવે લાલ થવા લાગ્યું હતું. સૂર્યનારાયણ હવે ગમે ત્યારે પોતાની સવારી લઈને આવી જશે એવું દેખાઈ રહ્યું હતું. ત્યાં તો ઘોડાગાડીઓ રોકાઈ પડી. ચાલકે તમામને નીચે ઉતરી જવા માટે વિનંતી કરી. બંને ઘોડાગાડીઓના સવારો નીચે ઉતરી ગયા. એક ગાડીચાલકે રાજકરણની નજીક આવીને તેને પ્રણામ કર્યા.

‘અતિથીદેવ, ઘોડા ગાડી હવે અહીંથી આગળ નહીં વધી શકે. આપનું કાર્ય જ્યારે પણ પૂર્ણ થાય ત્યારે આપ અહીં આવી જજો. હું અહીં જ આપની વાટ જોઇશ. આપના આવ્યા બાદ આપણે દરબારગઢ પરત થઈશું. આ બીજી ઘોડાગાડી અત્યારે ભુજડો પરત થાય છે.’ 

રાજકરણને તો હજી એ ગતાગમ નહોતી પડી રહી કે સંગ્રામબાપુ એને ક્યાં લઇ આવ્યા છે. એવામાં આ ઘોડાગાડીવાળો એને શું કહી રહ્યો છે તે તેની સમજણની બહાર હતું. આથી તેણે ફક્ત હકારમાં પોતાનું ડોકું હલાવ્યું અને સંગ્રામબાપુ તરફ ચાલવા માંડ્યો. 

સંગ્રામબાપુ એની રાહ જ જોતાં હતા. 

‘હાલ ભા હાલ.’ રાજકરણ પોતાની નજીક આવતાં જ સંગ્રામબાપુ બોલ્યા. 

રાજકરણે સંગ્રામબાપુની ના છતાં તેમનો સામાન પોતાના ખભે લઇ લીધો. તમામ એ દિશામાં ચાલવા લાગ્યા જ્યાંથી પેલી ભીનીભીની સુગંધ આવી રહી હતી અને બહુ મોટું મંથન ચાલી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો હતો. જેમજેમ આ બધા આગળ વધ્યા તેમતેમ પેલી સુગંધ અને પેલો અવાજ વધવા લાગ્યા. અજવાળું પણ હવે સમગ્ર આકાશમાં જોરથી પ્રસરી રહ્યું હતું. અચાનક એમનાં પગ નીચેની રેતી ભારે થવા લાગી અને એમને ચાલવામાં તકલીફ પડવા લાગી. 

રાજકરણને કોઈ જ ભાન પડતું ન હતું કે તે, તેના સાથીઓ, સંગ્રામબાપુ અને તેમના સાથીઓ અત્યારે કઈ તરફ જઈ રહ્યા છે. પરંતુ જેવું અજવાળું ઘટ્ટ થવા લાગ્યું કે દૂર ક્ષિતિજમાં તેને કોઈ મોટી હલનચલન થતી હોય એવું દેખાયું. એની નજર સમક્ષ વિચિત્ર પ્રકારના વાહનો દેખાવા લાગ્યા. 

આ બધાથી આશ્ચર્યચકિત થતાં થતાં રાજકરણે સહેજ પોતાની જમણી તરફ જોયું તો જળનો એક વિશાળ સંચય તેની નજર સમક્ષ દેખાયો. પેલી ભીનીભીની સુગંધ અહીંથી જ આવી રહી હતી, પેલો મંથનનો અવાજ આ વિશાળ જળરાશિ જ ઉત્પન્ન કરી રહી હતી. 

‘અરે! આ તો...!!’ આટલું બોલીને રાજકરણ ત્યાંને ત્યાં અચંબિત થઈને ઉભો રહી ગયો, તેનો અંતિમ શબ્દ તેના ગળામાં જ રહી ગયો હતો.