RED SURAT - 4 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ સુરત - 4

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

રેડ સુરત - 4

ઉધના રેલ્વે જંકશન, સુરત

        પોલીસ-વાન ઉધના રેલ્વે લાઇન પાસે પહોંચી ચૂકેલી, જ્યાં મેઘાવી, પોલીસ જવાનો અને રૅલ્વે માસ્ટર લાશની બાજુમાં જ ઊભા હતા. એક તરફ રક્તથી ખરડાયેલ કોથળો, અને બીજી તરફ કપાયેલા માથાવાળી લાશ હતી. વાન ઊભી રહેતાની સાથી જ આવેલ પીઆઇ અત્યંત ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. મેઘાવીની સામે આવીને તેણે પોલીસની અદામાં સલામ ઢોકી. મેઘાવીએ પણ આંખોથી સલામ સ્વીકારી. તેણે લાશની આસપાસ આંટા માર્યા, થોડી વાર ટ્રેક પર નજર ફેરવી, આસપાસ ગરદન ઘુમાવી, અને મેઘાવી સામે જોયું, ‘સાહેબ... તમે જાઓ... મેં જોઇ લેવા...’, સરકારી પ્રણાલીમાં સ્ત્રી-પૂરૂષ પ્રમાણે ઉદ્દબોધન નથી હોતું. વરિષ્ઢ અધિકારીને સાહેબ જ કહેવું પડે, અને માટે જ પીઆઇએ મેઘાવીને પણ સાહેબથી સંબોધિત કરી. મેઘાવીએ ઇશારાથી, તે રોકાશે તેવું જણાવ્યું.

        ‘મેડમ...! કાલે રાતે વરાછા પોલીસ સ્ટેશન પર એક માથું મલેલ છે... આ ભાઇનું છે કે ની... તે તપાસ કરવી પડે?’, પીઆઇએ માથું ખંજવાળતા ખંજવાળતા મેઘાવી સામે જોયું. વળી, તે પાછો લાશની નજીક ગયો. લાશના જમણા હાથમાં ત્રણ વીંટીઓ, સોનાની લક્કી તો ડાબા હાથમાં મોંઘીદાટ ઘડિયાળ હતી. લોહીથી લાલ બની ગયેલો લીનનનો શર્ટ અને કોટનના પેન્ટ પરથી પીઆઇએ અંદાજ લગાવ્યો, ‘મને લાગે... આ આદિત્યનું જ બાકીનું શરીર મળે... કેમ કે ડાયમંડનો મોટા વેપારી પાહે જ આટલા પૈહા હોય...! અને મેડમ... સુરતનું ડાયમંડ માર્કેટ એટલે આદિત્યનું રાજ...’

        મેઘાવી પીઆઇની વાત સમજવા પ્રયત્ન કરી રહી હતી. અત્યાર સુધીનું જીવન અને નોકરી અમદાવાદમાં પસાર કરનાર મેઘાવી માટે સુરતના વતની અને ત્યાં જ પોસ્ટીંગ મેળવેલા પીઆઇની સુરતી સમજવું અઘરૂ હતું. તેમ છતાં તેણે ચર્ચા આગળ વધારવા, અને લાશ વિષે જાણવા પીઆઇને પૂછ્યું, ‘કોણ આદિત્ય...? અને કેવું માથું?’, મેઘાવીએ પીઆઇના યુનિફોર્મ પર નજર ફેરવી, જમણી તરફની નેમ ટૅગ પર પરેશ પટેલ નામ સફેદ અક્ષરોમાં કંડારાયેલું હતું.

        પરેશે ઉધના પોલીસ સ્ટેશન સંદેશ મળ્યો, અને તે મેઘાવીને લાશ મળી તે જગા પર આવ્યો, તે પહેલાની રાતે બનેલા બનાવની પૂર્ણ વાત કરવાનું શરૂ કર્યું. વરાછા પોલીસ સ્ટેશન તરફથી વાયરલેસ પર ફરતો થયેલ મેસેજ પણ જણાવ્યો. જે માથું વરાછા પોલીસ સ્ટેશન પર મળ્યું, તે આદિત્યનું જ હતું તે બાબતે પુષ્ટિ થઇ ચૂકેલી. પરંતુ શોધ હતી તેના બાકીના શરીરની, અને સવાર સવારમાં જ ઉધના પોલીસ સ્ટેશનને સમાચાર મળ્યા. પીઆઇએ આવતાંની સાથે જ લાશના અવલોકન પરથી જાહેર કરી દીધું કે માથા વગરનું ધડ આદિત્યનું જ હતું. મેઘાવી કંઇ બોલે તે પહેલાં પરેશે હાથ ઊંચો કર્યો, ‘ફાઇનલ... આ આદિત્ય જ છે... હવે, મેડમ આપ મારી પર છોડી દો. બધુંય ગોઠવાઇ ગયું છે. કોઇ અજાણ્યાએ રાતે આદિત્યનું માથું કાપીને વરાછા ફેંક્યું, અને બાકીનું શરીર અહીં ઉધના... મને મહાભારત યાદ આવી’ગ્યું, હાલું... ભીમે જરાસંઘને બે ભાગમાં ચિરી નાંખેલોને... અહીં આદિત્યના પણ બે ભાગ કરેલા છે... પણ... જરાસંઘની માફક ની મળે...’

        ‘યુ...’, આ વખતે મેઘાવી ગુસ્સે થઇ...‘આપને અહીં મજાક સુજે છે... તમે જેમ કહો છો... તે મુજબ આ વ્યક્તિ સુરતના મોટા વેપારીઓમાંની એક છે, અને જ્યાં સુધી મને ખબર છે... આદિત્ય નામ હમણાં હમણાં સમાચારમાં પણ બહું આવ્યું છે, છપાયું છે... આદિત્ય સંઘવી જ ને...’

        ‘સૉરી મેડમ...’, પરેશે મેઘાવી સામે નજર કરી, ‘હા, તમે જે કહો છે તે જ... પેપરમાં બહું આઇવું તે જ નામ “આદિત્ય સંઘવી”, એ જ... તમે તો સુરતની ખબર પણ રાખો છો.’, બોલતાં બોલતાં પરેશ ફૉરેન્સિક વિભાગની ગાડી તરફ ગયો. તેઓ થોડા મોડા હતા. આવતાંની સાથે જ તેમની આદત મુજબ સ્થળ પરીક્ષણ, મળેલ લાશના ફૉટો પાડવા, આસપાસથી નમૂનાઓ ભેગા કરવાના કામમાં જોડાઇ ગયા. પરેશ તેમની સાથે સાથે જ ફરવા લાગ્યો. મેઘાવી એક તરફ ઊભી રહીને બધું જોઇ રહેલી.

        આશરે અર્ધા કલાક પછી પરેશ મેઘાવીને પાસે આવ્યો, ‘મેડમ... આ ફૉરેન્સિકવાલા એક ટૅસ્ટ કરવાનું કે છે... જેનાથી વરાછા મળેલ માથું અને આ ધડ એક જ માણહનું છે કે ની તે ખબર પડે...’

        મેઘાવીએ માથું હલાવ્યું, ‘DNA…’

        પરેશે તાળી પાડી, ‘હા... એ જ... મેડમ...’

       લાશને પૉસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાઇ. પરેશે પણ તેની ગાડીમાં સવાર થયો, અને મેઘાવી તે જ ગાડી પાછળની સીટ પર ગોઠવાઇ. તેણે કેસ બાબતે તપાસ અર્થે રોકાવાનું નક્કી કરી નાંખ્યું. પરેશના ઇશારા સાથે ડ્રાઇવરે ગાડી ઉધના પોલીસ સ્ટેશન તરફ હંકારી.

 

*****

 તે જ સમયે, વરાછા પોલીસ સ્ટેશન

        આદિત્યનું કપાયેલું માથું પૉસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધેલું. સ્ટેશન પરથી ફૉરેન્સિક ટીમ શક્ય તેટલા મેળવેલા પૂરાવાઓ એકઠા કરીને નીકળી ચૂકેલી. સ્ટેશન પીઆઇ કેતને આદિત્યના ઘરે સંદેશો મોકલાવી દીધેલો. પરંતુ વેકેશન હોવાને કારણે આદિત્યની પત્ની અને છોકરો વતને ગયેલા. તેમને સંદેશો પહોંચાડવાનું કામ આદિત્યના મેનેજરને સોંપેલું. તે મેનેજર સ્ટેશન પર હાજર થયો, અને તેની પૂછપરછ ચાલુ કરી નાંખવામાં આવેલી. આદિત્ય કેમ એકલો હતો? તેનો ડ્રાઇવર કેમ તેની સાથે નહોતો? આટલી રાતે તે ક્યાં ગયો હતો? અથવા ક્યાંથી પાછો ફરી રહેલો? તેની કાર ક્યાં હતી? તેની કોઇ ભાળ કેમ નહોતી? અસંખ્ય સવાલોની વણઝારે મેનેજરને થકવી નાંખેલો. મેનેજર પણ શો જવાબ આપે? કંઇ ખબર હોય તો બોલે. ઘણા બધા સવાલોને અંતે કેતનને એટલું જાણવા મળ્યું કે, આગલી સાંજે આદિત્ય ઑફિસથી વહેલો નીકળી ગયેલો. કોઇની સાથે મીટીંગ બાબતે મેનેજરને કંઇ પણ જણાવ્યું નહોતું. વળી, કાર પણ તે પોતે જ ડ્રાઇવ કરીને નીકળી ગયેલો. ક્યાં જવાનો હતો? કે ક્યાં ગયો હતો? કોઇને કંઇ પણ ખબર નહોતી.

        ડ્રાઇવરને પણ હવાલદારો ઉઠાવી લાવેલા. તેની પણ કલાકેક પૂછપરછ કરી, ઉલટ તપાસ કરી, મેનેજર અને ડ્રાઇવરને એકબીજા થકી મળેલા જવાબો ફેરવીને પણ તપાસ કરી. પરંતુ કંઇ ન મળ્યું. કંઇ પણ નહીં. બસ ખાલી હાથ.

        કેતન અકળાયો... અને તેણે ટેબલ પર હાથ પછાડ્યો, ‘કોણ મળે...? કેમ કર્યું...?’

        હવાલદારે કેતનની સામે જોયું, ‘સાહેબ... મને લાગે કે આપણા માટે અઘરૂ થવાનું છે.’

        ‘એ જ તો... મને પણ એની જ ચિંતા છે...’, કેતને ખીસ્સામાંથી એક પડીકું કાઢ્યું, જે પ્લાસ્ટિકથી વીંટાળેલું, અને લાલ પાતળા દોરાથી બાંધેલું હતું. જમણા હાથમાં રાખેલા તે પડીકાને તેણે થોડી વાર માટે ડાબી હથેળી પર ઘસ્યું. પછી તે દોરી ખોલી, પડીકાની પકડ ઢીલી કરી, તેમાંથી ભીની થયેલી, અને ચૂના સાથે ઘસાયેલી સોપારીના ટૂકડા મોંઢામાં મૂક્યા, વધેલા ભાગને પાછો પડીકામાં બંધ કર્યો, આંટી મારીને પડીકાને પાછું ખીસ્સામાં મૂકી દીધું. થોડી ક્ષણો માટે તેણે સોપારીના ટૂકડાઓને દાંતની ઘંટી વચ્ચે રગદોળ્યા, કદાચ ચૂનાથી ભીની થયેલી, અને તમાકુ સાથે ઘસાયેલી સોપારીમાંથી નીકળેલા રસનો કોઇ આનંદ મળતો હશે. મનના તરંગોને ઉર્જાવંતિત કરી દેતા હશે. જમીન પર જ સ્વર્ગનો અનુભવ થતો હશે. થોડી વારે કેતન બહાર ગયો... ઘેરા લાલ રંગની પીચકારી મારીને પાછો આવ્યો. તેની ખુરશી પર બેઠો, અને જાણે કરંટ પસાર થયો હોય તેમ ફટાક કરતો ઊભો થયો... તેણે તુરત જ હવાલદારને બોલાવ્યો... ‘પેલી પંક્તિ... જે વાન પર લખેલી, તેનો ફોટો લી’આવો.’

        હવાલદારે તુરત જે ફોટો કેતનને વ્હોટ્સઅપ કર્યો, ‘સાહેબ મોકલ્યો, જોઇ લ્યો... ની મળેલ હોય તો પાછો મોકલું’,

        કેતને મોબાઇલની સ્ક્રીન પર નજર નાંખી, અને બબડ્યો, ‘સૂરજ કે ઉજાલેમેં ચરાગા નહીં મુમકીન,

સૂરજ કો બુઝા દો કી જમીં જસ્ન મનાએ’… હું કેવા માંગે? આમાં જ કંઇ મેસેજ મળતો લાગે... તપાસ કરવી પડહે...’, આંખો બંધ કરી તે પાછો મસાલાની મજા લેવામાં વ્યસ્ત થઇ ગયો.     

 

*****

         સુરત ડાયમંડ માર્કેટના દિગ્ગજ આદિત્ય સંઘવીની કરપીણ હત્યા... ડાયમંડ કિંગનું કપાયેલું માથું... ધડ વિનાની લાશ, શું ખરેખર ડાયમંડ કિંગની જ છે?... ડાયમંડ ઉદ્યોગમાં ગમનો માહોલ...કોણ છે હત્યારો? શું પોલીસ શોધી શકશે ગુનેગારને...? વિવિધ સમાચારે ન્યુઝ ચેનલો પર આધિપત્ય જમાવી લીધેલું. સવારના અગ્યાર વાગતા સુધીમાં તો આખા સુરતમાં આદિત્યના માથાની વાત વાયુ વેગે પ્રસરી ચૂકેલી. કોઇના માનવામાં નહોતું આવતું. લોકોએ અફવા ગણાવી દીધેલી. પરંતુ સત્ય તો સત્ય જ હતું. કોઇ પણ અફવા કે ખોટા સમાચાર સત્યને અળગા કરી શકતા નથી. સત્ય તો અચળ છે. અનંત સમયથી અવિરત અને અકળ છે. આખરે સુરત શહેરમાં સોંપો પડ્યો. ડાયમંડ માર્કેટ તો સાપ સૂંઘી ગયું હોય તેમ અવાક બની ગયેલું. માર્કેટ ચૂપ. વેપારીઓ ચૂપ. કારીગરો ચૂપ. ચમકતા ડાયમંડની ચમક ઝાંખી પડવા લાગી હોય તેવું વાતાવારણ હતું.

વેપારીઓની એક તત્કાલીન બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડાયમંડ ઍસોશિએઅશનના આદિત્ય સિવાયના હોદ્દેદારો હાજર હતા. લંબગોળ ટેબલની આસપાસ ગોઠવાયેલી ખુરશીઓ ભરાઇ ચૂકેલી. ટેબલની સામેની તરફ ટીવીમાં આદિત્યને લગતા જ સમાચાર ચાલી રહ્યા હતા. આમ તો આદિત્ય એસોસિએશનનો પ્રેસિડ‌ન્ટ હતો, પરંતુ તેની જગાએ હવે વાઇસ પ્રેસિડન્ટે સભાની કમાન સંભાળેલી. પ્રતીક્ષા હતી કોઇના બોલવાની... સડવડાટની... પણ કોણ કરે... ટીવી પર ન્યુઝમાં બતાવાતા કપાયેલા માથાની તસ્વીરોએ બધાને શૂન્યમનસ્ક બનાવી દીધેલા.

        આખરે વાઇસ પ્રેસિડન્ટે ખોંખારો ખાધો, ‘આજના સમાચારથી આપણે બધા વાકેફ છીએ. ઘણી દુ:ખદ બાબત છે... પણ ચિંતા વધુ તેની છે કે આવું કરે કોણ? અને આદિત્યને કોની હારે દુશ્મની મળે?’

        થોડી વાર તો કોઇ અવાજ ન આવ્યો, પ્રત્યુત્તર ન આવ્યો. પછી એક ખુરશી થોડી પાછી ખસી, અને તેના પર બિરાજેલ વ્યક્તિ ઊભો થયો, ‘માફ કરશો...! સાહેબ...પણ આદિત્યના સ્વભાવથી તો તમે પણ અજાણ નહોતા...’, તે વ્યક્તિએ સીધું જ આદિત્યના વાણીવર્તન પર નિશાન તાક્યું, ‘એ એકલો તો નહોતો જ જેણે સુરત ડાયમંડ માર્કેટમાં નામના મેળવી હોય. તે એકલો જ નહોતો જેણે પૈસા બનાવ્યા હોય. તે એકલો જ નહોતો જેણે ડાયમંડ માર્કેટને નવી દિશા બતાવી હોય. આ આપણું સહિયારૂ પગલું હતું, અને આપણે ધારેલ પરિણામ પણ મેળવ્યું. પરંતુ યશકલગી તેના માથાને શોભાવતી’તી...’, આડકતરો ઇશારો માથું કેમ કાપ્યું તે તરફ થયો, ‘માટે જ કોઇએ માથું જ લઇ લીધું.’, આટલું બોલીને તે વ્યક્તિએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.

        વાઇસ પ્રેસિડન્ટે વાત સંભાળવા પ્રયત્ન કર્યો, ‘જુઓ અહીં આપણે બધા વેપારીઓ છીએ, અને આપણી વચ્ચે સ્પર્ધા હોય જ... તેમાં કોઇ બે મતની વાત ની મળે... પણ એનો અર્થ એવો નથી કે કોઇની હત્યા થાય, અને આપણે બેસી રહીએ, અને આ કોઇ તો આપણા એસોસિએશનનો પ્રેસિડન્ટ હતો. પર્સનલી આપણા તેની હારે ટર્મ જે હોય તે... પણ આજે તે નથી... તો આપણી હારે પણ આવું ન થાય તે માટે આપણે કોઇ ઉપાય અત્યારથી જ શોધી રાખવો પડે, અથવા તો આદિત્યના ખૂનીની તપાસ કરાવવી પડે.’

વાઇસ પ્રેસિડન્ટનો ઇશારો મીટીંગમાં હાજર બધા સમજી તો ગયા જ હતા. પરંતુ કોઇ પહેલ કરવા માંગતું નહોતું. થોડી મિનિટોના શાંત આવરણને આખરે એક અવાજે તોડ્યું, ‘આપણે હું કરવાના આમાં, પોલીસ તપાસ કરહે... કંઇ મળે તો ન્યુઝમાં આવહે જ...’

ખરેખર તો એવું જ હતું. એસોશિએશનના સભ્યો કે હદ્દેદારો શું કરી શકવાના હતા? જે થવાનું હતું, તે તો થઇ ચૂકેલું. હવે તો થયેલ ઘટનાની ચર્ચા સિવાય કઇ બાકી નહોતું રહેવાનું. આમેય હંમેશા તોફાન આવીને જતું રહે, આવેશ આવીને જતો રહે... પછી જ તેનાથી થયેલ નુકસાનની ચર્ચા થતી હોય છે. તેના કારણો, તેના પરિણામો ચર્ચાતા હોય છે. પરંતુ તેને કેવી રીતે રોકી શકાય તે બાબતે કોઇ વાતચીત નથી થતી. એટલે જ તો કદાચ પખાલીને દંડ દેવાનો વારો આવતો હોય છે.

આખરે વાઇસ પ્રેસિડન્ટે એક પ્રસ્તાવ મૂક્યો, ‘જુઓ મિત્રો...! પોલીસ તો તપાસ કરશે જ... પરંતુ તપાસની ગતિ, પેપર વર્કની ઝડપ અથવા તો તપાસમાં આવતા અડચણો બાબતે આપણે એટલા સજાગ નહી રહી શકીએ... કેમ કે પોલીસ આપણને બધુ ની જણાવે... કદાચ આદિત્યના પરિવારને પણ પૂરી વાત ની કરે... તેવામાં મારી એક સલાહ છે... સલાહ તો ન કહેવાય એક સુજાવ કહી શકાય...’

‘હા... બોલોને...’, એક સાથે ત્રણેક વ્યક્તિઓના અવાજ આવ્યા.

‘આપણે આ કેસની તપાસ કોઇ પ્રાઇવેટ એજન્સીને સોંપીએ તો કેવું? કોઇ એવું જે પોલીસ તપાસ પ્રક્રિયાને પણ જાણતું હોય, અને પોલીસ તપાસથી દૂર પણ રહી શકતું હોય... તેવી કોઇ એજન્સી જેને આપણે હાયર કરશું, અને તે આપણા માટે આદિત્યના ખૂનીને શોધે, કારણ શોધે, વધુમાં આપણા માટે આવનારી આફતો વિષે પણ માહિતી મેળવે... કેમ કે પોલીસ ભૂતકાળ જ તપાસશે.. જ્યારે આપણે ભવિષ્યનું પણ વિચારવાનું છે. શું કહો છો બધા?’, આટલું કહી પરિસ્થિતીનો તાગ મેળવવા વાઇસ પ્રેસિડન્ટે વાક્યોને વિરામ આપ્યો.

બધાએ માથું હલાવીને સમર્થન દર્શાવ્યું, અને એક વ્યક્તિએ પૂછ્યું, ‘કોને કામ સોંપીશું?’

વાઇસ પ્રેસિડન્ટે ઊંડો શ્વાસ લીધો, ‘આમ તો એમણે ઘણા આવા કેસ ઉકેલ્યા છે, પણ 2020માં અમદાવાદમાં ચાર ખ્યાતનામ વ્યક્તિઓના ખૂન થયેલા, અને તે કેસની બધી તપાસ પોલીસની સાથે સાથે એક પ્રાઇવેટ એજન્સીએ પણ કરેલી, જેના કામ બાબતે મેં જ્યારે તપાસ કરાવી ત્યારે જાણ્યું કે હાલમાં એક પોલીસ ઓફિસર પણ તેમની સાથે જોડાયેલ છે. એટલે તેઓ પોલીસની કામ કરવાની પદ્ધતિને પણ જાણે છે. મારો પ્રસ્તાવ તેમને જ સોંપવાનો છે. એજન્સીનું નામ છે, “રેડ પ્રાઇવેટ ડિટેક્ટિવ લિમીટેડ”, તમારે શું કહેવુ છે?’

બધાની સંમતિ હતી જ. એટલે વાઇસ પ્રેસિડન્ટે તુરત જ અમદાવાદ સ્થિત રેડની ઓફિસને ફોન જોડ્યો. રીંગનો રણકાર અટકતા જ અવાજ આવ્યો, ‘રેડ પ્રાઇવેટમાં આપનું સ્વાગત છે... હું આપની મદદ કેવી રીતે કરી શકું?’

વાઇસ પ્રેસિડન્ટે તુરત જ એક નામ લીધું, અને કૉલ તે વ્યક્તિની ઓફિસમાં ડાયવર્ટ થયો, ‘યસ...’, શબ્દ સંભળાયો. વાઇસ પ્રેસિડન્ટે સુરતના કેસની તે જેટલું જાણતો હતો, તે વાત જણાવી, અને રેડને હાયર કરવા બાબતનો પ્રસ્તાવ મૂક્યો.

સામેથી એક જ જવાબ આવ્યો, ‘રેડ વિલ મીટ યુ ટુમૉરૉ ઇવનીંગ, એટ અવર ડિસાઇડેડ પ્લેસ... એટ અવર ડિસાઇડેડ ટાઇમ...’

       

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏