Sangharsh - 19 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 19

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 19

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – ૧૯ –  ભુજડો પહોંચ્યા

 

ધૂળીચંદ અને મહાદેવના પહોળા થઇ ગયેલા ચહેરાઓ જોઇને રાજકરણને આશ્ચર્ય થયું. 

‘કેમ આમ તમે બંને ગભરાઈ ગયા હોવાનું દેખાય છે? મરુભૂમિ કેમ પસાર થશે એનો ભય છે કે શું?’ રાજકરણે સીધો મુદ્દાનો જ સવાલ કર્યો.

બે ઘડી તો ધૂળીચંદ અને મહાદેવ એકબીજાના ચહેરા જોઇને રાજકરણને શો જવાબ આપવો એ વિચારી રહ્યા. છેવટે ધૂળીચંદને કોઈ વિચાર સૂઝ્યો એટલે એણે મૌન તોડ્યું.

‘ભાઈ, એ ભય તો ખરો જ. કોઈ ઝડપી ઊંટડી મળી આવે તોય આપણને ભુજડા સુધી પહોંચતા ચારેક દિવસ તો લાગે. આ ચાર દિવસ માટેના ખોરાક પાણી એનું શું? અને આ ગરમી તો જો?’

‘મિત્ર, સમગ્ર ગુજરદેશમાં અત્યારે તો આપણામાંથી કોઈએ દેખાવાનું નથી. સુરાષ્ટ્ર આપણને લેશે નહીં એટલે રહી મરુભૂમિ. એમને તો વિચાર જ નહીં હોય કે આપણે આટલું મોટું રણ કાપીને ત્યાં પહોંચીશું, અને એ પણ આશરો લેવા માટે. બાકી દાસ ગુજર પ્રદેશને જો સ્વતંત્ર ગુજરદેશ બનાવવો હશે તો આટલું જોખમ તો લેવું પડશે ભાઈ.’ રાજકરણ તેની ચિતપરિચિત માનસિક શાંતિ સાથે બોલ્યો.

‘પ્રભુ, આપણે ત્રણેય તો નીકળી જઈએ, પણ આ જોડે વીસ-પચીસ સૈનિકો છે એમનું શું?’ મહાદેવરાયે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. 

‘એ લોકો અન્યત્ર ભળી જશે. એમનાં શસ્ત્રો કોઈ ખાનગી ઠેકાણે મૂકીને વેષ પલટો કરીને સમગ્ર ગુજરદેશમાં ઠેકાણે ઠેકાણે ફેલાઈ જશે. જ્યારે આપણે સાચો સમય જોઇને પરત આવીશું ત્યારે એમને બોલાવી લઈશું, અથવાતો એ લોકો જ્યાં હશે ત્યાંથી જ આપણા એક સંકેતે સ્વતંત્રતાની લડાઈ શરુ કરી દેશે.’

‘વિચાર તો તારો સારો છે ભાઈ, પણ આપણે આટલા વખતથી અહીં છીએ માંડમાંડ એક કે બે ઊંટડી પસાર થઇ છે. મુસાફરો પણ આ સમયને અવગણી રહ્યા છે, આપણે જઈશું કેવી રીતે?’ ધૂળીચંદ તૈયાર થઇ ગયો.

‘તમારી સમક્ષ આ વાત નાખતા પહેલા મેં મદદ માટે ભગવાન ચંદ્રનાથને પ્રાર્થના કરી હતી અને એ પ્રાર્થના ફળી ગઈ હોય એવું લાગે છે.’ રાજકરણના ચહેરા ઉપર સ્મિત હતું.

‘એટલે?’ ધૂળીચંદ અને મહાદેવરાય બંને એકસાથે બોલી પડ્યા. 

રાજકરણે એમની પીઠ જે તરફ હતી એ તરફ સંકેત કર્યો. 

બંને ઉંધા ફર્યા અને જોયું તો અસંખ્ય ઊંટડીઓ સાથે માલધારીઓ અથવાતો વેપારીઓ આવી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું હતું. જેમ જેમ આ ઊંટડીઓ નજીક આવતી ગઈ તેમ તેમ તેમની પીઠ પર લટકાવેલી ઘૂઘરીઓના રણકારનો અવાજ વધતો ચાલ્યો. બે ઘડીમાં તો આ ઊંટડીઓનું આ આખું જૂથ આ લોકો સમક્ષ આવીને ઊભું રહી ગયું. 

આ જૂથના સરદાર જેવો લાગતો એક વૃદ્ધ સહુથી પહેલી ઊંટડી ઉપર સવાર હતો. રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવ ઉપરાંત બીજા વીસ-પચીસ લોકોને ત્યાં ઉભેલા જોઇને એણે આ જૂથને ઉભા રહેવાનો સંકેત કર્યો અને પોતે કૂદકો મારીને ઊંટડી ઉપરથી નીચે ઉતર્યો.

‘કેણે કોણે?’ પેલા વૃદ્ધે રાજકરણ અને તેમના મિત્રો સામે આવીને તેમને પગથી માથા સુધી બરાબર નીરખીને પહેલો પ્રશ્ન કર્યો.

‘ભુજડો. તમારી મદદની જરૂર છે, વડીલ.’ રાજકરણે પેલા વૃદ્ધ આગેવાન સામે હાથ જોડ્યા.

‘કેમ ના. પણ સો કોણ?’ 

‘ગુજર પ્રદેશી છીએ, ભુજડો જાવું છે. સંધી રાજાને મળવા. ત્રણ ઊંટડીની જરૂર હતી કાકા.’ 

‘જીવણ-પાણી જોડે લાયા કે?’

‘ના કાકા. બસ એમનેમ નીકળી પડ્યા છીએ.’

‘આ તમામ આવે હે?’ વૃદ્ધે પેલા પચીસ લોકો સામે જોઇને પૂછ્યું.

‘ના કાકા, તમને તકલીફ નથી આપવી, એ લોકો અમને મૂકીને એમનાં કામે જતા રે’શે.’

‘તકલીફ કોણી? એમનાં આવના જરૂરી હે કા? 

‘ગોળ નાખો એટલું ગળ્યું થાય કાકા.’ 

‘આપણ પાસે પચાસ ઊંટ-ઊંટડી સે તીન-ચાર જ ભરેલી સે. મ્હાર કો વાંધો નહિ હે જો પચીસે પચીસ આવે.’

‘પણ કાકા ભોજન – પાણીની વ્યવસ્થા?’

‘એ મારો કનૈયો દયાળુ સે, વાંધો ન આવે, ચિંતા કરો કો ની.’

‘તો તો અમારી સમસ્યા સાવ ઉકેલાઈ જશે કાકા. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.’

‘થાર ચેહરામેં મને ઘણી દયા દેખાય સે, એટલે તણે સાથ આવવા માટે કઉ રિયો સું. નકર હું કોઈ અજાણને મ્હાર સાથ લઉં કો ની. કે નામ રાખ્યાં થાર?’

‘જી મારું નામ રાજકરણ, આ મારા મિત્રો છે ધૂળીચંદ અને મહાદેવરાય, અને આ બધા મારા સાથીદારો.’ રાજકરણે તમામની ટૂંકમાં ઓળખાણ કરાવી.

‘રાજકરણ? તે ગુજર થા સ્વશાસન થા ઝંડા લિયો હે વો?’ વૃદ્ધે રાજકરણની અસલી ઓળખ પકડી પાડી. 

‘જી?’ રાજકરણ જરાક ગભરાયો. એને ભય લાગ્યો કે ક્યાંક આ વૃદ્ધ એની સાચી ઓળખ જાણીને એની યોજના પર પાણી ફેરવી ન દે. 

‘ગભરાવ કો ની. મ્હાર દેશ રાજથાણા મેં થારી બવ આબરૂ હે. મ્હાર દેશ થા જુવાન થારી ઘણી વાતું કરે સે. મેં તો ધન્ય થઇ ગ્યો થાર દર્શન કરી કે.’ કહીને પેલા વૃદ્ધે રાજકરણ સામે હાથ જોડ્યા, એની આંખમાં આંસુ હતા. 

‘અરે! કાકા તમે વડીલ છો તમારે હાથ ન જોડાય. પણ અમારી વાત છેક રાજથાણા પહોંચી ગઈ?’

‘હા, તે પહોંચે કો ની? ચોખ્ખી વાત, ચોખ્ખો આશય હોય તે તરત ફેલાય. થને મળવાની મ્હારી ઘણી ઈચ્છા સી, પણ વિચાર્યું કે કનૈયો મેળવે તારે મેળવે. આ ઉમર મેં કદાચ ન પણ મેળવે, પણ મારો કનૈયો... જો થને આજે જ મેળવી દીધો. મને તું ઘણો પસંદ સે. થને કોઈ પણ ચીજ સી જરૂર લાગે. મ્હને કઈ દેજે.’

‘જી વડીલ. તમને મળીને અમે ધન્ય થઇ ગયા. મેં ભગવાન ચંદ્રનાથને મદદ કરવાની જ ધા નાખી હતી, પણ એમણે તો સાક્ષાત કૃષ્ણ-કનૈયાને મોકલી આપ્યા.’ કહીને રાજકરણ પેલા વૃદ્ધને પગે લાગ્યો. 

‘અરે... અરે.. અરે.. મ્હારે પગ ન પડ. થાર જેવા હિંમતવાન કો કનૈયો ને ચંદ્રનાથ ભેગા થાય કે મદદ કરે. હાલ હાલ. હવે મોડું થાય હે. આપણે ઘણો રસ્તો કાટવાનો હે. ભુજડો આમ પાસ નથ.’ વૃદ્ધે રાજકરણને યાદ અપાવ્યું કે મજલ બહુ લાંબી છે. 

‘જી કાકા. પણ આ બધામાં તમારું નામ જ ન પૂછ્યું.’

‘મ્હારા નામ જાણ કી, કી પરવા? હું કાંઈ થાર જેવો મોટો ભા નઈ.’ વૃદ્ધે હસીને કહ્યું.

જવાબમાં રાજકરણે હાથ જોડીને કશું બોલ્યા વગર ફરીથી વિનંતી કરી.

‘સંગ્રામબાપુ મ્હાર નામ હે. મેં ઊંટ થા વેપારી હું. ભુજડોમાં મને ઘણો ધંધો મળે. દર સાલ એક વખત આવું. આ તમામ માલ મહારાજ અજિત સિંધણ કો હે. એનો વેપારી આને ખરીદેગો તે બાદ મેં પરસ દેસ જાવેગો. મ્હારા કામ ભુજડા સુધી બાકી વો જાણે.’

‘તો બાપુ, આપણે જવા માટે તો આ ઊંટ અને ઊંટડીઓ ઉપર જઈશું પછી વળવાનું શું? તમે દર વર્ષે માલ વેચીને કેવી રીતે પાછા ફરો છો?’ ધૂળીચંદે મુદ્દાનો પ્રશ્ન કર્યો.

જવાબમાં સંગ્રામબાપુ ફક્ત સ્મિત કરી રહ્યા. ‘એણી વ્યવસ્થા મારો કનૈયો કરેગો. થમ ચિંતા કરો કો ની. થાર કો આશ્ચર્ય હોગા. ચાલો અભી તો ચાલો.’

કહીને સંગ્રામબાપુ અને એમનાં દસ માણસોએ રાજકરણ, ધૂળીચંદ, મહાદેવરાવ અને તેમના બીજા પચીસ સાથીઓને એક પછી એક ઊંટ-ઊંટડીઓ પર બેસાર્યા. પછી આખો જથ્થો રણપ્રદેશમાં પ્રવેશ્યો અને ભુજડા તરફ ચાલવા લાગ્યો.

આખો દિવસ આ જથ્થો પ્રવાસ કરતો. વર્ષોથી આ રણપ્રદેશની મુસાફરી કરતા મુસાફરો અને વેપારીઓએ અહીં કામચલાઉ આરામગૃહ બનાવ્યા હતા. બપોરના સમયે અહીં જ આ લોકો ભોજન બનાવતા અને જમતાં. સુરજ ઢળતાં તાપણાં થતાં, ભોજન બનતાં અને પછી ગીત-ગાન, નૃત્ય અને વાતોના ગપ્પાં થતા. થોડોક આરામ લઈને વહેલી સવારે યાત્રા ફરીથી શરુ થઇ જતી.  

સમગ્ર યાત્રામાં ત્રણેય મિત્રો સાથે સંગ્રામબાપુ જબરા ભળી ગયા હતા. ગુજર પ્રદેશને સ્વતંત્ર કર્યા પછી રાજકરણ એ ‘વિદેશીઓ’ની પકડમાંથી પોતાના રાજથાણાને પણ સ્વતંત્ર કરી આપશે એવું વચન સંગ્રામબાપુએ રાજકરણ પાસેથી લઇ લીધું. એમણે કહ્યું કે રાજથાણાના અનેક યુવાનો રાજકરણની જે કોઈ પણ ઉડતી વાતો ત્યાં પહોંચે છે એમાંથી જબરી પ્રેરણા મેળવે છે. એ લોકો પણ સ્વતંત્ર થવા માટે થનગની રહ્યા છે, પરંતુ એક યોગ્ય માર્ગદર્શકની એમને જરૂર છે. આ માર્ગદર્શક રાજકરણ બની રહે તેવું વચન સંગ્રામબાપુએ લીધું હતું. 

આમ ત્રણ દિવસ અને ચાર રાત્રિની સળંગ મુસાફરી બાદ રાજકરણ, ધૂળીચંદ, મહાદેવરાવ, એમનાં પચીસ સાથીઓ, સંગ્રામબાપુ અને એમના દસેક સાથીઓ ચોથા દિવસની વહેલી સવારે ભુજડો પહોંચ્યા. 

ભુજડા ગામનું મુખ્ય અને વિશાળ દ્વાર સુરજના પહેલા કિરણ પડવાની સાથે ખુલ્યું. મોટેભાગે પ્રવાસીઓ, વેપારીઓ અને ભુજડાગામના નિવાસીઓ જે કુટુંબીઓને મળવા નગરની બહાર ગયા હતા એ લોકો અંદર જવા લાગ્યા.

દુર્ગપતિ અને તેના સૈનિકો તમામની કડક પૂછપરછ કરતા અને સંતોષ થાય તો જ એમને અંદર પ્રવેશવાની મંજૂરી મળતી. આવામાં રાજકરણને લાગ્યું કે સંગ્રામબાપુ તો વર્ષોથી અહીં વેપાર કરવા આવે છે એટલે એમને તો સરળતાથી પ્રવેશ મળી જશે. પરંતુ પોતે જે કામે આવ્યા છે એ જો દુર્ગપતિને કહી દેવામાં આવશે તો કદાચ તેમને પ્રવેશ ન પણ મળે.

‘...અને જો એમ થયું તો આપણો અહીંનો ફેરો ફોગટ જશે.’ રાજકરણ વિચારી રહ્યો.