૪૨
પાંચ-છ વર્ષ પછી
મહારાણીબાની વાત કરણરાયથી વીસરી વીસરાય તેવી ન હતી. પણ તમામ વ્યથાને ઔષધમાં ફેરવી નાખવાનું પરમ સામર્થ્ય એક કાલદેવના હાથમાં રહ્યું છે. એ પ્રમાણે આ વ્યસ્થા પણ દરેકના અંતરમાં નાનેમોટે રૂપે રહી ગઈ. દેવળદેવીના હ્રદયમાં એ રહી – અને એણે એવો અગ્નિ ત્યાં પ્રગટાવ્યો કે જોનાર જોઈ શકે કે, એની આંખમાં હજારો વિષકૂપીનું ઝેર આવીને બેઠું છે. અને દુશ્મન તમામને ખતમ કર્યા વિના એ શાંત થાય તેમ નથી. મહાકવિના કોઈ કાવ્યમાં આલેખેલી હઠીલી વૈરમૂર્તિ જેવી એ બની ગઈ.
રાય કરણરાયના દિલમાં આ અગ્નિ રહ્યો – અને જીવનસંધ્યાની છેક છેલ્લી પળે, પોતે રખડી રખડીને, રાન રાન ને પાન પાન થઈને મરે તો ભલે, પણ એ તુરુકને તો નહિ નમે, તે નહી જ નમે, એવું અણનમ વજ્જર ઘડી ગયો. ગુજરાત આખું નમે તો ભલે, બધું બધા ભૂલી જાય તોપણ ભલે, પણ મહારાણીબાના સ્વપ્નનો, એ પોતે જ સ્રષ્ટા થઇ ગયો. એ સ્વપ્ન એણે સિદ્ધ કરવું રહ્યું. બાગલાણના અણનમ કોટકિલ્લાની ટોચે ઊભતાં, કોઈ કોઈ સંધ્યા સમયે, દૂર દૂર ચાલ્યો જતો, એકાકી, અટૂલો, રખડતો, ભયંકર જંગલોમાં રઝળતો એવો એક મુફલિસ ઘોડેસવાર એની નજરે ઘણી વખત જાણે દેખાતો, અને એ વખતે કરણરાય જાણે રાણીના ખભા ઉપર આધાર લેવા માટે હાથ મૂકતા હોય તેમ હાથ મૂકીને બોલતા: ‘જુઓ તો! તમે કહ્યો તેવો પેલો સવાર! કાં તો હું પોતે જ એ છું!’
પડખેથી એના હાથને પ્રેમભર્યો આવકાર આપતી દેવળદેવી બોલી ઊઠતી! ‘બાપુ! શું કહો છો? તમે કોણ છો?’
કરણરાય એની સામે જોઈ રહેતો. એની આંખમાં એક અદ્રશ્ય આંસુ આવી જતું. ધીમેથી દરદભરેલા અવાજે એ બોલતો: ‘કાંઈ નહિ બેટા! કાંઈ નહિ દીકરી! તને એ નહિ સમજાય!’
‘મને નહિ સમજાય બાપુ? હું નહિ સમજુ? તો બીજું કોણ સમજશે?’
‘તું સમજે છે એમ? દેવળ! બેટા! તું શું સમજે છે?’
‘બાપુ! હું પણ આટલું સમજુ છું કે, આપણે ખતમ થઇ જવાનું છે. આપણે નમવાનું નથી. હું આટલું સમજુ છું. જેના પૂર્વજોમાં, મહારાજ સિદ્ધરાજ જેવા થઇ ગયા, તે અણનમ પ્રતાપી પુરુષોના નામની ખાતર, આપણે એના છેલ્લા વંશવારસે, હવે ખતમ થઇ જવાનું રહ્યું છે. સાચું બાપુ?’
‘સાચું દીકરી સાચું! તું સમજે છે તે બરાબર સમજે છે. આંહીં બાગલાણના આ અજિત દુર્ગને આજ દિવસ સુધી કોઈ પહોંચી શક્યું નથી. પણ તુરુક હવે મથી રહ્યો છે. એણે વાસુદેવપુર તરફથી રસ્તો કાઢ્યો છે. એ આંહીં પણ આવશે. એના સંદેશ રાજા પ્રતાપચંદ્રને મળ્યા પણ છે. જ્યાં જ્યાં રાયકરણ જવાનો છે, ત્યાં ત્યાં એને આવવાનું જ છે. અને રાયકરણને અણનમ રહેવાનું છે. મારે દીકરી! એક વખત હજી ગુજરાતને ભેગું કરવું છે. એ ભેગું થાય તો હું ઘડીના છઠ્ઠા ભાગમાં આ સૌને કાઢી મૂકું!’
‘બાપુ! હવે એ બધી વાત શું કરવા તમે કરો છો? ગુજરાત હશે, તો તમે ભેગું કરશો નાં? ગુજરાત ક્યાંય છે? ક્યાં છે? એને એના જ પુત્રોએ છિન્નભિન્ન નથી કર્યું? વિશળ ચૌહાણ આવ્યા – તેણે તમને પહેલાં એ જ વાત નહોતી કરી? એ જ સાચી નીવડી નાં? હવે બધાને થઇ ગયું છે કે, માંડ માંડ આપણી નાનકડી રિયાસતો છૂટી મુક્ત થઇ છે, એમને હવે શું કરવા પાંજરે નાખવી? એટલે હવે કોઈ એક ધ્વજ નીચે આવશે નહિ! સાચું નાં બાપુ?’
‘સાચું છે દીકરી! પણ દીકરી! એટલું બધું તું ધારે છે? હજી મેં આશા ખોઈ નથી. ગુજરાત મને ભૂલે? ન ભૂલે!’
‘અરે! બાપુ ત્યાં એટલું બધું થઇ ગયું લાગે છે કે હવે તો દરેક ધરમવાળો માને છે કે તુરુકને રાજી કરીને, એ એનાં મંદિરો, દેવળો, થાનકો બાંધી લેશે. દરેક નાનકડો ઠાકરડો રાજા પણ માને છે કે, તુરુકને રીઝવીને, એ પણ રાયરાયાન કહેવાશે. વહેલાં એક બળવો ઊઠ્યો હતો, તે તો તમે જોયો. એમાં ગુજરાતનો નાઝિમ મરાયો. તમે આહીંથી દોડ્યા, પણ ત્યાં તો બળવાખોરો જ થોડો થોડો લાભ લઈને બેસી ન ગયા? હવે દરેકને પોતાનો નાનકડો લાભ આકર્ષક લાગે છે. બાપુ! હવે એ વાત જવા દો!’
‘પણ આપણું વેર – દીકરી? આપનું વેર એ કેમ જવા દેવાય? તો તો મારી રાખ કોઈ દિવસ ઠરે નહિ!’
‘બાપુ! હું તમને એક વાત કહું? તમે માનશો?’
‘શું?’
‘સોઢલજી કહેતો હતો કે એને મારી આંખમાં હજારો કૂપા કેવળ ઝેરનાં જ દેખાય છે!’
‘અરે દીકરી! એ તો છે જ એવો ગાંડો!’
‘ના ના બાપુ! હું પોતે પણ એ અનુભવી રહું છું. કોણ જાણે શું થયું છે મને, રાતે અને દિવસે, સૂતાં અને બેઠાં, જાગતાં અને ઊંઘતાં, સ્વપ્નમાં ને વિચારમાં, ઠેકાણે ઠેકાણે મને મારી આસપાસ મહા વિષધરો દેખાય છે. જાણે હું જ્યાં જઉં, ત્યાં કેમ વિનાશ આવવાનો હોય કે યુદ્ધ આવવાનું હોય.’
‘અરે દીકરી! દીકરી! તું શું બોલે છે? તારી આંખ હું જોઈ શકતો નથી. આમ જો, મારી સામું જો!’
‘સાંભળો તો ખરા બાપુ! મને પણ લાગે છે, હું જ્યાં જઈશ ત્યાં કોઈકનું આખું કુટુંબનું કુટુંબ જાણે અગ્નિમાં હોમી દેવા માટે હું જન્મી છું... એમ મને લાગે છે. જ્યાં જઈશ ત્યાં જાણે...’
દેવળદેવીનો આ શબ્દ સાંભળતાં જ રાજા કરણરાય ઊભો થઇ ગયો. તેને એના અવાજમાં કાંઈક અમાનવતા લાગી. એની આંખમાં કોઈક ભયંકર કૃત્રિમ તેજ જણાયું. તે તેની પાસે આવ્યો. પ્રેમથી તેના ખભા ઉપર હાથ મૂક્યો, અત્યંત વહાલથી એણે કહ્યું: ‘દેવળ! દીકરી! બેટા! તારી માએ તમે મને સોંપી છે હોં. તું જ મારો છેલ્લો આધાર છે. તું જ ચૌલુક્ય વંશની છેલ્લી આશા છે. તને શું થાય છે દીકરી? તું આમ કેમ બોલે છે? તારું બોલવું જાણે અતળ ઊંડાણમાંથી આવતું હોય એમ કેમ જણાય છે! તને શું થયું છે દીકરી?’
‘મને? મને કાંઈ નથી થયું બાપુ! પણ મને રાત ને દિવસ, અગ્નિની જ્વાળાઓ, ખૂન, લોહીની સરિતાઓ, આંસુ એ જ નજરે તર્યા કરે છે. મને લાગે છે, હું કોઈક-કોઈકના આખા કુટુંબનો નાશ જોઈ રહી છું, મને એવું લાગ્યા કરે છે. મને કોઈક દોરી રહ્યું છે બાપુ! કોઈક દોરી રહ્યું છે: રજપૂતાણી થઈને આપત્તિથી, વિપત્તિથી, ભયંકર યાતનાથી ડરે છે શું? એ એક વખત તું પી તો જા. એના પાનમાંથી તારા હ્રદયમાં એવો પ્રકાશ આવશે જે સારા દેશને દોરશે. સારા દેશના અણનમ વીરો એમાંથી ઊભા થશે. મહાન રાજ્યો જન્મશે...’
‘અરે દીકરી! દીકરી! આ તું શું બોલે છે? આજ ખાવાનું ઠેકાણું નથી – અને આવી ગાંડી કલ્પના? સોઢલજી, આપણી દેવળ ગાંડી થઇ ગઈ લાગે છે!’ કરણરાયને દેવળની વાત અસંભવિત લાગી. તેણે મોટેથી સોઢલજીને બોલાવ્યો. પડખેના ખંડમાંથી રાજા પ્રતાપચંદ્ર, સોઢલજી અને સિંહભટ્ટ ત્રણ દોડતા આવ્યા. એમને થયું કે દેવળદેવીને શંકરદેવ સાથે આજે મોકલવાની વાત થઇ છે, એની આ કલ્પના લાગે છે.
પિતા પુત્રી એ સહી શકતાં નથી. વિયોગના ભાનથી એ ગાંડી થઇ ગઈ છે. તેમણે દેવળને ધીમેથી ઉપાડીને, પડખેના પલંગમાં સુવારી. પણ દેવળદેવીની આંખો જાણે આકાશમાં કાંઈ જોઈ રહી હોય તેમ સ્થિર થઇ ગઈ હતી. તેના મોંમાંથી વિચાર્યા વિના હજી શબ્દો આવતા જ હતા: ‘બાપુ! બાપુ! હવે હું, હું રહી નથી. હું કોણ છું એ પણ જાણતી નથી. મને સ્વપ્નાં સતાવે છે. મને થાય છે, તમને બધાને સંદેશો આપું કે, ભયંકર દગાખોરી ને વિશ્વાસઘાતની સામે તમે રજપૂતનો સ્વાંગ શું ધારી રહ્યા છો? જૌહર શું અપનાવી રહ્યા છો? જરાક તો સમજો, જરાક તો સમજો. કોઈકને વિષકન્યા બનાવીને નવી રીતે વેર લેવાનું કાંઈક તો નવું શીખો? તમે જો એ ન શીખો, તો પછી મારે બધા નાશ પામે ત્યાં સુધીના હઠીલા યુદ્ધને જ અપનાવવાનું રહ્યું. હું જ્યાં જઈશ ત્યાં બધાને અગ્નિમાં હોમીશ. કારણકે વેર તો જ સજીવન રહેશે. હું એ સજીવન રાખીશ. હું વેર સજીવન રાખીશ, બાપુ!...’
દેવળદેવી બોલતી બંધ થઇ. તેની આંખ મીંચાઈ.
રાજા કરણરાયની આંખમાંથી આંસુ વહી રહ્યાં!
એ જ વખતે નીચેથી સંદેશવાહક આવ્યો: ‘મહારાજ! દેવગિરિથી શંકરદેવ આવ્યા છે!’
દિવસો થયાં દેવળને દેવગિરિ મોકલી દઈને બાગલાણના દુર્ગને વધારે અજિત બનાવવાની વાતો ચાલતી હતી. દેવળ આંહીં ન હોય પછી તુરક આવે તોપણ વાંધો નહિ. પછી તો કરણરાય પણ પોતાની એકાકી લડત માટે છૂટો થઇ શકે. અત્યારે દેવગિરિથી શંકરદેવ એટલા માટે આવ્યો હતો.
કરણરાય તેની સામે જોઈ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું: ‘એને કહો, હમણાં આવું છું. ત્યાં નીચે બેસાર. સોઢલજી!! તમે જાઓ તો.
*
બીજે દિવસે પ્રભાતે બાગલાણના અણનમ દુર્ગની પાસે આવીને બે ઘોડાં ઊભાં રહી ગયાં હતાં. દેવળદેવી અને કરણરાય નીચે ઊતર્યા. સોઢલજી, સિંહભટ્ટ રાજા પ્રતાપચંદ્ર બધા ગંભીર અને શાંત જણાતા હતા.
દેવળદેવીને દેવગિરિ તરફ વિદાય આપવાની હતી. રાજા કરણરાયે શંકરદેવ સાથે પોતાનો સંબંધ કબૂલ કર્યો હતો. બાગલાણને ઘેરવા માટે ચારે તરફથી તુરુક આવી રહ્યા હતા.
દેવળદેવી ને શંકરદેવ ઘોડા ઉપર બેઠાં. સેંકડો ભીલ તીરંદાજો ત્યાં રાહ જોતા ઊભા હતા. દેવળદેવી બે હાથ જોડીને પિતાને છેલ્લું નમી.
રાજા કરણરાય ત્યાં શાંત ગંભીર ઊભો હતો. તેની મુખમુદ્રામાં શોકસાગર ઠરી ગયો હતો. સોઢલજી, સિંહભટ્ટ, રાજા પ્રતાપચંદ્ર સૌની પાસે દેવળદેવી વિદાયવેળાની રજા માગી રહી. તેની આંખમાં આંસુ હતાં.
રાજા કરણરાય દેવળની પાસે આવ્યો. તેણે દેવળને પ્રેમથી વિદાય આપી.
‘દેવળ! દીકરી! આ દુર્ગ ને આ જંગલો, એ મને માના કરતાં વધારે પ્રેમથી સાચવનારાં છે. તું હવે આંહીંની જરા પણ ચિંતા કરતી નહિ. બેટા! હું આહીં સુખી છું. રાજા પ્રતાપચંદ્ર જેવો મહાન દોસ્ત મળ્યો છે. તું નચિંત થઈને જા! આંહીં અમને પાણાય પડવાના નથી. એની આંખમાં આંસુ ન હતાં. એના હ્રદયમાં એટલો શોકભર્યો અગ્નિ હતો કે આંસુ આવે તેમ ન હતું. ઘોડાં ઊપડ્યાં.
બંનેને એ જતાં જોઈ રહ્યો. એ જંગલ કેડીએ અદ્રશ્ય થયાં, એટલે એ ભારે પગલે દુર્ગની ટોચ ઉપર ગયો.
ત્યાં ઊભા રહીને દેવગિરિ તરફ જતી પગદંડી કેટલીયે વાર સુધી નિહાળતો જ રહ્યો! દૂર દૂર એ જઈ રહ્યાં હતાં.
હવે તો ત્યાં કોઈ દેખાતું ન હતું. છતાં એ એકલો ત્યાં દુર્ગ ઉપર ઊભો ઊભો એકી નજરે જંગલમાં ચાલી જતી પગદંડીને જોઈ રહ્યો હતો!
રાય કરણરાય જંગલની પાર ચાલી જતી એ પગદંડી કેટલીયે વાર સુધી જોઈ જ રહ્યો. એના મનમાં શોક ભર્યો હતો. એ એના માટે છેલ્લા આધારરૂપે હતી. આ પગદંડીએ છેલ્લી છેલ્લી દેવળદેવીને જોઈ હતી. એટલો જ આધાર, હવે કરણરાય પાસે રહેતો હતો! બાપ દીકરી હવે મળે, એ એને શક્ય લાગતું ન હતું. એટલે એ અનિમેષ નયને જંગલના ઊંડાણને ક્યાંય સુધી જોતો ત્યાં ઊભો જ રહ્યો.
એટલી વારમાં એના મનમાં અનેક વિચાર આવી ગયા. આજે હવે એ ખરેખર, એકાકી, નિરાધાર, સાથીવિહોણો બનતો હતો. મહારાણી ગયાં હતાં. આજ દેવળ ગઈ. આજ લાગી આવ્યું કે એની માટે જીવનમાં હવે કોઈ જ રસ રહ્યો ન હતો. સિવાય કે અણનમ રહીને લડવાનો.
ચારે તરફનાં જંગલો, નદીઓ, વૃક્ષો, ડુંગરાઓ, અને આ દુર્ગ, એ જ હવે એનાં મિત્ર, સંબંધી, સ્વજન, બધું, જે ગણો તે હતાં.
ગુજરાતમાં સૌને એક બનાવવાની એની આશા ભાંગીને ભુક્કો થઇ ગઈ હતી. પ્રયત્નો એણે ત્રણ-ચાર કર્યા હતા. પણ નાનકડા પ્રયત્નથી તુરુક જાય તેમ ન હતું. મહાન અને લાંબા જુદ્ધ વિના તુરુકને હઠાવવો મુશ્કેલ હતો. અને એ માટે ઠેરઠેરથી સૌએ એકી સાથે ઊઠવું જોઈએ. પણ ગુજરાતમાં દરેકને હવે પોતાના નાનકડા સ્વાર્થમાં સ્વર્ગ જણાતું હતું. સમાધાન કરી લઈને, ગુપચુપ બેસી જવાની સૌની સલાહ પડતી હતી. બધે જાણે એ જ હવા હતી! ગુજરાત ફરી ગયું હતું!
હવે જ ખરા અર્થમાં એ એકાકી હતો. આ બાગલાણ, આ પ્રતાપચંદ્ર, આ ડુંગરમાળાઓ – માત્ર એ જ એનાં સાચાં મિત્રો હતાં.
પરંતુ એમને પણ તુરુક એકલાં રહેવા દે તેમ ન હતું. એણે સાંભળ્યું હતું કે દિલ્હીથી બાદશાહનો ખાસ માનીતો મલેક કાફૂર આવી રહ્યો હતો. એની સાથે અગણિત સેના હતી.
એ આવે તો ભલે આવે. પણ અણનમ રાજપૂતીના ઉપર હવે ડાઘ લાગવા દેવો નથી. એ ભીષણ નિશ્ચય, કરણરાયના મનમાં દ્રઢ થઇ ગયો હતો.
એટલામાં સોઢલજી દેખાયો: ‘મહારાજ! નીચે મલેક કાફૂરનો સંદેશવાહક આવ્યો છે. એ રાજાજીને મળ્યો છે, તમને મળવા માગે છે!’
કરણરાય પહેલાં ચમકી ગયો. પછી તેણે શુષ્ક અવાજે કહ્યું: ‘વાત સંભળાતી હતી એ સાચી નીવડી કાં? શું છે? કોણ છે સોઢલજી? મલેક કાફૂર? એનું સેન આવે છે નાં? ભલે આવતું. કહી દો એને? હવે બીજું કહેવાનું છે?’
‘પણ મહારાજ! મલેક કાફૂરનો પોતાનો અંગત સંદેશો મહારાજને આપવાનો છે તેમ કહે છે!’
‘એનો અંગત સંદેશો? એ તો સ્તંભતીર્થમાં હતો કાં? ચાલો જોઈએ. શું કહેવાનું છે!’
કરણરાય નીચે આવ્યા. ત્યાં એક ખંડમાં, પ્રતાપચંદ્ર રાજાની સામે એક માણસ ઊભો હતો. એ આધેડ વયનો, સમજુ, વ્યવહારુ, અને ડાહ્યા જેવો જણાતો હતો. તે તદ્દન સાદો દેખાતો હતો. એનો વેષ પણ ગુજરાતના સામાન્ય માણસ જેવો હતો. તેણે મહારાજને જોતાં જ બે હાથ જોડ્યા અને પ્રણામ કર્યા.
‘કેમ શું છે? તમારે કાંઈ કહેવાનું છે?’ કરણરાયે એને પૂછ્યું.
પેલાએ ડોકું ધુણાવીને હા પાડી.
‘આંહીં પાસે આવો. તમને કોને મોકલ્યા છે?’
‘અમીર ઉલ ઉમરા મલેક કાફૂરે.’
‘સ્તંભતીર્થનો છે તે?’
‘હા, મહારાજ! એટલે જ એણે મહારાજને એક અંગત સંદેશો મારી સાથે મોકલાવ્યો છે. મહારાજને પાટણ પાછું મળે, ગુજરાતનું રાજ પાછું મળે, અને મહારાજ પોતાના રાજમાં બેઠા મજા કરે એવી વાત એણે કહેવરાવી છે. એ પોતે ગુજરાતનો છે. ગુજરાતના રાજા માટે એને હજી લાગે છે. આ છેલ્લી તક છે મહારાજ! સુરત્રાણના સાગર જેટલા સેનને કોઈ માપી શકે તેમ નથી. હું પણ ગુજરાતનો છું મહારાજ! મેં દિલ્હીમાં જે જોયું છે. એ ઉપરથી કહું છું પ્રભુ! કે સમાધાનની વાત આપણા હિતમાં છે!’
‘તમારે શી વાત કહેવાની છે એ કહો ને!’
‘મહારાજ ખંડણી ન ભરે તો કાંઈ નહિ. પણ તો સંબંધ બાંધે. એટલે ખંડણી મગાય જ નહિ!’
કરણરાયનો ચહેરો ઉગ્ર બની ગયો. તેની આંખમાં અગ્નિ પ્રગટ્યો. તેણે આકરા ઉતાવળા ભયંકર અવાજે કહ્યું: ‘સંબંધ બાંધે? તુરુક સાથે? જો તું સંદેશો લાવનાર છે. તને મારતો નથી પણ હવે તું એક શબ્દ બોલ્યો તો તારું માથું ધડ ઉપર નહિ હોય. એ તારા મલેક કાફૂરને જઈને કહે કે આંહીં રામચંદ્ર નથી. આ દેવગિરિ નથી. તારું બધું સેન લઈને તું આવે, તોપણ આંહીંથી કોઈ નમવાનું નથી જા!’
‘મહારાજ! ભલભલાં રાજ્યો નમ્યાં. દેવગિરિ, ચિત્તોડ, રણથંભોર, ઝાલોર... ને આ તો સુરત્રાણ સામેથી સંબંધ બાંધવાની વાત કરે છે! પોતાના શાહજાદા જેવા શાહજાદા...’
‘સોઢલજી! આને રવાના કરી દ્યો! એનું માથું ક્યાંક મારાથી કપાઈ જાશે! એ ગુજરાતનો લાગતો નથી.’
‘મહારાજ! મલેક કાફૂરનું અગણિત સેન મેં જોયું છે એટલે મેં આ કહ્યું. એ આવી રહ્યા છે. આ દુર્ગ પણ ટકવાનો નથી. સમાધાનની આ છેલ્લી જ તક છે. આ દુર્ગ પણ નહિ ટકે!’
‘દુર્ગ ન ટકે તો ભલે ન ટકે. આખી ધરતી અમારો દુર્ગ છે, જા.’ કરણરાય બોલ્યો.
પ્રતાપચંદ્ર બોલ્યો: ‘તને જવાબ મળી ગયો છે. હવે બોલ્યા વિના ચાલ્યો જા. દુર્ગની બેઈજ્જતી પછી કરજે, જા!’
સોઢલ સંદેશવાહકને લઈને ચાલ્યો.
બંને વીર નર એકબીજા તરફ જોઈ રહ્યા. ‘દુર્ગ નહિ ટકે! દુર્ગ ન ટકે તો કાંઈ નહિ. ધરતી પોતે જ શું દુર્ગ નથી?’ રાય કરણ બોલ્યો.
‘અરે! મહારાજ! આપણે એવે પ્રસંગે પણ સાથે હઈશું. હવે વાંધો નથી!’ પ્રતાપચંદ્રે મહારાજને કહ્યું, ‘દેવળદેવી ત્યાં સલામત પહોંચી જશે. આપણે અણનમ યુદ્ધ ચલાવ્યે રાખીશું. મરવું પડે તો સાથે મરીશું.’