Raay Karan Ghelo - Last part in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ( છેલ્લો ભાગ )

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ( છેલ્લો ભાગ )

૪૩

રાય હરણ!

[ઉપસંહાર]

 

દધિપદ્રથી થોડે છેટે ગાઢ જંગલમાં, માલવ પ્રદેશ તરફ જવાને રસ્તે, ગુજરાતની માતા જેવી  મહી નદી મળવા જનારી એક નાનકડી શાખા વહે છે. વર્ષો પહેલાં ભોજરાજના ધારાગઢ – ઉજ્જૈન તરફ જવાનો ત્યાં એક ધોરી માર્ગ હતો. 

તે વખતે ત્યાં ચંદન વૃક્ષોની એક સુંદર વાટિકા હતી. વાટિકામાં બેઠાં બેઠાં માણસ છેટે છેટે ગાજતાં નદીના પાણી સાંભળી શકે – નદી એટલી નિકટમાં હતી. આસપાસ ચારે તરફ જંગલ હતાં. બે ઘડી આરામ કરવા જેવી જગ્યા હતી. 

એ વાટિકાની નાનકડી ઝાંપલી પાસે બંને બાજુ બે નાનકડા પથરા પડ્યા રહેતા. એ પથરા ઉપર બે વૃદ્ધ માણસો બેઠા રહેતા. એમનાં માથા ઉપર મોટી વાળ-જટાઓ હતી. લાંબી ધોળી દાઢીથી એમની મુખમુદ્રાઓની રેખાઓ ઢંકાઈ ગઈ હતી. પણ તે છતાં એક વખત, એ આજના કરતાં જુદા જ વેશમાં ફરનારા હોવા જોઈએ એ કળાઈ જતું હતું. એમની ચપળ અને દ્રઢ, આકરી આંખોમાંથી એ પકડાઈ જતું. અત્યારે તો એ બે વૃદ્ધ સાધુઓ આ ચંદનવાટિકા સંભાળીને આખો દિવસ ત્યાં બેઠા રહેતા.

જ્યારે જોવો ત્યારે એ ત્યાં બેઠા જ હોય!

એમની વાટિકાની અંદર એક નાનીસરખી દેરી હતી. દેરીની પાસે એક પાળિયો હતો. પાળિયામાં એક ઘોડેસવારનું છેલ્લું મરણજુદ્ધ ખેલતું પૂતળું હતું. 

દેરીમાં  અંદર એક નાનકડી પથ્થર-પાળિયા જેવી પ્રતિમા હતી. તેના ઉપર એક ચૂંદડી ઓઢાડાતી. પાસે કોડિયામાં અખંડ દીવો બળતો. થોડાંક નાળિયેરનાં છોડાં કહી જતાં કે આંહીં કોઈ કોઈ માણસ જંગલમાંથી વારે-તહેવારે આવી જતાં હશે. 

આ બે સાધુ જેવા માણસો ત્યાં બેઠા રહેતા, ને ભૂતકાળના દિવસો સંભારતા હોય એમ જંગલો ને પાણીના વહેળા જોયા કરતા. બહુ થાય તો નદીના કોતરો સુધી ફરી આવતા. એ કોતરો જોઇને સંધ્યા થતા, એ પાછા ફરી આવતા. ટગુટગુ બળે તેવો દીપ પ્રગટાવતા. લાકડાની બળતી ધૂણીમાં દેવતા સંકોરતા. અને પછી પાછા ત્યાં શાંત બેસી જતા. 

ઘણી વખત અરધી રાત સુધી બેઠા બેઠા એ પોતાના સુખદુઃખની વાત કરતા હોય!

એક વખત આ પ્રમાણે એ બેઠા હતા. જંગલનો રસ્તો અવરજવર વિનાનો શાંત બની ગયો હતો. એમની ઝૂંપડીમાં ટગુટગુ દીવો બળી રહ્યો હતો. બાકી તો ચારે તરફનાં ભયાનક જંગલો એવી વાણી બોલતાં હતાં. કે કોઈ કાચાપોચાનું દિલ તો એ વાણી સાંભળતાં જ બેસી જાય!

આ બંને જણા પોતાની વાતો સંભારી રહ્યા હતા:

‘સિંહભટ્ટ!’ બેમાંથી એક જણ ભૂતકાળની વાતો કહેતો હોય તેમ બોલ્યો, ‘મહારાજે પ્રયત્ન કરવામાં કાંઈ ખામી રાખી ન હતી, એ તો આપણે સગી આંખે જોયું હતું. ઘણું ઘૂમ્યા. ઘણું ફર્યા. પણ તુરુકનો બંદોબસ્ત ભારે હતો. અને વધુ તો આમ કે નિર્માણ જ એ પ્રમાણે હતું. ત્યાં કોઈ શું કરે? બબ્બે વખત પોતે ગુજરાતમાં આવ્યા. પણ કાંઈ થઇ ન શક્યું કારણ કે ગુજરાતમાં પોતપોતાના સ્વાર્થમાં બધા પડી ગયા હતા. પછી મોડેથી એક વખત અલપખાન સૂબો, દિલ્હીમાં બાદશાહના મહેલમાં જ મરાયો છે એ સમાચાર જ્યારે આવ્યા, ત્યારે પણ મહારાજ માંદા માંદા પવનવેગે દોડ્યા હતા. આ રસ્તેથી જ અંદર પેઠા હતા. પણ એમણે ગુજરાતમાં જઈને શું જોયું? દરેક નાનકડા ઠાકોર જાગીરદારને નાઝિમની પાસેથી કાંઈક ફાયદો ઉઠાવીને, પોતાના પાડોશીને જેર કરવાની વાત જ હૈયે બેઠી હતી! બીજી કોઈ વાત ન હતી! દરેકને પોતાની નાનકડી રિયાસતમાં સ્વામી થઈને બેસવું હતું. બધે જ લઘુ અહંતાએ મહત્તાનો સ્વાંગ ધર્યો હતો. કીઓ પોતાને નાનો ગણતો ન હતો. જાણે જૂનું ગુજરાત જ રહ્યું ન હતું.’

સિંહભટ્ટ બોલ્યો: ‘સોઢલજી! એ વાત હવે માત્ર શોક આપે છે. એને સંભાર્યે શું?’

‘એ અલપખાનના ખૂન પછીનો જબરો જણાતો બળવો પણ શું હતો? તમે જ જોયું નાં?

મહારાજે તો એ વખતે એમ જાણ્યું કે એ ગુજરાતનો ખરેખરો બળવો છે. પોતે ઠેરઠેર ઘૂમ્યા. ઘણાને તૈયાર કર્યા. પોતે મોખરે થયા. પરંતુ એમાં કોણ હતા? અલપખાનના તુરુકી પક્ષવાદીઓ. અને અલપખાન આંહીં હોય તો સારું એમ પોતાના લાભ માટે ઈચ્છી રહેલા આંહીંના જ માણસોનું સ્વાર્થી જૂથ. એ બળવો આ બંને ચલાવી રહેલ છે, અને એ રીતે બાદશાહી નવા નાઝિમનો સામનો કરવામાં એ બધા રાચે છે, એમ જ્યારે મહારાજે જાણ્યું, ત્યારે એમનું હ્રદય ભાંગી ગયું! પછી એમને થઇ ગયું કે હવે ગુજરાત ક્યાંય છે? ગુજરાત ક્યાંય રહ્યું નથી. હવે તો હું મારા તોખારની આબરૂ માટે, મારી તલવારની આબરુ માટે, કેવળ મારી અણનમ રાજપૂતી માટે, જ્યાં ઠીક પડે ત્યાં ઢળી પડું. આ ચોખૂટ ધરતી પડી છે. પછી તો એક મધરાતે આપણને પણ છોડીને એ આંહીંથી રવાના થઇ ગયા. એ ક્યાં ઢળ્યા, ક્યારે ઢળ્યા, શા માટે ઢળ્યા – એ પણ કોઈ જંગલના વૃક્ષને જાણ હોય તો? આપણી બધી શોધ નકામી ગઈ. આપણે આપણું મન મનાવવા માટે, આ મહારાણીબાની દેરી ને પાળિયો હવે સાચવીએ, એટલું જ.’

બંને વૃદ્ધ સૈનિકો શોકભારે શાંત થઇ ગયા. બે ઘડી બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ.

‘સોઢલજી! મહારાજનો કોઈ વારસ ક્યાંય સાંભળ્યો? સંભળાય તો આપણે ત્યાં જઈએ. પણ કોઈનું નામ જ સંભળાતું નથી ને!’

‘પેલા બંને કુમારો ક્યાં છે એ તો હવે આપણને ખબર જ મળે તેમ નથી. મને લાગે છે ક્યાંય ઊતરી ગયા. ને હવે બીજો કોઈ તો છે નહિ! કોઈક હોત – બીજું કાંઈ નહિ, આપણે ત્યાં જઈને ડેલીએ બેઠા રહેત. અને આપણા દિવસો પૂરા થઇ જાત. હવે તો કોની પાછળ જઈએ?’

‘હવે આપણામાં હાડકાં રહ્યાં છે સિંહભટ્ટ! એ તો જૂનવાણી ઘીદૂધ ખાધાં છે એટલે એમ લાગે. આપણે પંદર જતલના મન ઘઉં ખાધા છે. આજ હવે છે ચોવીસ જતલ! આપણી એ વાતને જુગના જુગ વીતી ગયા. એમ સમજો ને. તમને ખબર છે દિલ્હીમાં તો તુરુકનાં રાજ બદલાઈ ગયાં છે. બીજો જ કોઈ આવ્યો છે! પચીસત્રીસ વર્ષ કોને કહે? હવે આપણે તો આંહીં છેટે મળેલી મહીમાતાને કિનારે જ સૂઈ જઈશું. વખત આવ્યે આહીં લાંબા થઇ જઈશું. બીજું શું? અપને પાટણને પણ પાછું ફરીને નીરખ્યું નહિ!’

‘હવે એ ન જોવામાં જ મજા છે સોઢલજી! હવે તો મજા એના સ્વપ્નમાં જ છે. એ પાટણ, એ રાય, એ મહારાણીબા, એ સામંતો, એ સરદારો... બધું જ... ગયું. સ્વપ્નું થઇ ગયું. અપને એ સ્વપ્નું માણવું રહ્યું. મજા સોઢલજી! સ્વપ્નું માણવામાં છે...’

સિંહભટ્ટ બોલતો અટકી ગયો. કોઈના ઘોડાના દાબડા સંભળાતા હતા.

‘કોણ હશે અત્યારે?’

સોઢલજી પણ કાન દઈ રહ્યો: ‘હમણાં આ બાજુ માલવમાં, કે’ છે પાછું ઘમાસાણ હાલ્યું છે!’

બંને જણા શાંત થઇ ગયા. એટલામાં પેલા ઘોડેસવારના દાબડા એમની ઝૂંપડી પાસે જ અટક્યા હોય તેમ લાગ્યું. બંને જણા એકબીજાની સામે જોઈ રહ્યા.

‘કોણ હશે?’

‘કોણ લાગે છે?’

સિંહભટ્ટ ઊઠ્યો. એક તરફ જઈને એક ઠેકાણે ભીંતમાં બાકોરું હતું ત્યાંથી બહાર જોઈ રહ્યો. અંધારામાં બીજી કાંઈ ખબર તો પડી નહિ, પણ કોઈ એક અસવાર બહાર ઊભેલો જણાયો.

થોડી વારમાં તો ઝૂંપડીનું બારણું હડસેલાયું. સોઢલજીએ અંદરથી બૂમ પાડી: ‘કોણ છે ભાઈ? અત્યારે? આટલું અસૂરું ક્યાં જવું છે?’

‘ઉઘાડો તો! આ રસ્તો ધારાગઢ જાય છે?’

સોઢલજીએ ઝૂંપડી ઉઘાડી. ઘોડેસવાર તરત ઘોડા ઉપરથી નીચે કૂદી પડ્યો. પચીસ-ત્રીસ આસપાસની વયનો એ જણાતો હતો. નખશિખ શસ્ત્રથી સજેલો એનો દેહ. અને મુખછબી રાજવંશી રેખા જોતાં સોઢલજી વિચારમાં પડી ગયો.

તે ઘોડો દોરીને અંદર આવ્યો. સોઢલજીએ નવાઈ પામતાં તેને અંદર દોર્યો. એટલામાં સિંહભટ્ટ પણ આવ્યો.

ઝાંખા બની રહેલા કોડિયાનો પ્રકાશ ઘોડેસવારની મુખમુદ્રા ઉપર પડ્યો અને સોઢલજી ચમકી ગયો. ‘અરે!’ એનું મન નવાઈ પામી ગયું અને તરત જ ભય પણ પામ્યું. ‘આ શું? મહારાજ છે કે શું? પણ મહારાજ ક્યાંથી હોય?’

તેણે સિંહભટ્ટ સામે જોયું. સિંહભટ્ટ પણ એ જ નવો નવાઈનો અનુભવ કરી રહ્યો હતો.

‘ક્યાં રહેવું ઠાકોર? આમ અત્યારે અસુરા ક્યાં ઊપડ્યા? કેમ એકલા છો?’

‘એકલા આવવા જેવો પ્રસંગ હતો...’ પેલા જોદ્ધાએ કહ્યું.

સોઢલજીએ હવે એના વેષને બરોબર જોયો. ઊંચા પ્રકારના શસ્ત્રઅસ્ત્રમાં સજ્જ થયેલો, કોઈ નામી સામંત સરદાર પોતાની સામે બેઠો છે એ તો એ તરત સમજી ગયો. પણ એની મુખમુદ્રા જોતાં મહારાજ કરણરાયનો ચહેરો જ એમાંથી ઊભો થતો હતો. એ શું?

કરણરાયના બે રાજકુમારોમાંથી તો કોઈ ન હોય? 

પણ એમને તો એમણે જોયા હતા. આની અણસાર જુદી જ હતી. કરણરાયની અસલી રેખાઓ એમાંથી પ્રગટતી  હતી. 

‘કાંઈ લેશો? અમારી પાસે આહીં બીજું તો કાંઈ નથી, પણ ગોળ છે. ટોપરું છે. કહો તો અમારા ભટ્ટજી બે બાટી બનાવી કાઢે!’

‘ના, ના,’ આવનાર બોલ્યો. ‘મારે તો ધારાગઢ જવું હતું. અસુરું થયું. મારા મનને એમ હતું કે હું સોંસરવો નીકળી જઈશ. પણ જંગલ મોટું નીકળ્યું. મારી સાથેનાં માણસો પણ પાછળ રહી ગયાં છે! કાલે આવી જવાં જોઈએ. એટલે આંહીં જ ઊતરી પડ્યો.’

‘તે સારું કર્યું. અત્યારે જંગલ વધુ ભયંકર બને છે. આમ ક્યાંથી આવો છો?’

‘બાગલાણથી!’

સોઢલજીને મનમાં ચટપટી થઇ ગઈ. બાગલાણમાં તો હવે એની જાણ પ્રમાણે કોઈ રહ્યું ન હતું. પ્રતાપચંદ્ર ગયા હતા. શંકરદેવ દેવ થયા હતા. દેવગિરિ તો તુરુકને હાથ હતું. ત્યારે આ બાગલાણમાં કોણ બેઠો હશે? એને તો આ કાંઈ ખબર પણ ન હતી. 

‘તમારું નામ?’ તેણે પૂછ્યું.

‘મારું નામ રાય હરણ. તમે તો નામ ક્યાંથી સાંભળ્યું હોય? પણ બેત્રણ દસકા પહેલાં. બાગલાણનાં અજિત દુર્ગમાં પાટણના રાય કરણ રહ્યા હતા...’

સિંહભટ્ટે સોઢલજી સામે જોયું. સોઢલજીએ કાંઈ ન બોલવાની નિશાની કરી.

‘હશે, અમને સાધુલોકને તે આ વાતની શી ખબર પડે? અનેક રાજાઓની ઉથલપાથલ ચાલી રહી છે! એ રાય કરણ તો પાટણના જ કાં?’

‘હા, પાટણના, એ મારા નાના!’

‘હેં? શું કહો છો? તમારા નાના?’ સોઢલજી નવાઈ પામતો બોલ્યો. પણ તરત એને સાંભર્યું કે એણે વાત જાણતો ન હોય તેમ વરતવાનું હતું.

‘એ મોટું રાજ રોળાઈ ગયું, મેદપાટ ગયું. રણથંભોર ગયું. દેવગિરિ ગયું. માલવા ગયું. પણ તમે બાગલાણમાં ક્યાંથી?’

‘મારી મા દેવળદેવી છેક સુધી બાગલાણમાં હતાં...’

‘હતાં એટલે? હવે નથી?’ સોઢલજી આશ્ચર્યમાં ડૂબી ગયો. હવે એને સમજાવ્યું કે આવનારનો ચહેરો રાય કરણની રેખાઓ ક્યાંથી લાવ્યો છે. પોતે પોતાના મહારાજના દોહિત્ર સામે બેઠો છે, એ સંભારતાં એનું મન દ્રવી ગયું. પણ હજી આની વાત પૂરી જાણ્યા પહેલાં કાંઈ વાત પ્રગટ ન કરવી, એટલે એ અજાણ્યાની જેમ જ વરતી રહ્યો. દેવળદેવી હતાં... એ ભૂતકાળ બતાવતા શબ્દે, એના હ્રદયમાં ઘા કર્યો હતો. ત્યારે દેવળદેવી પણ ગયેલ છે એમ સમજવું?

‘મારા મા ત્યાં વર્ષો સુધી રહ્યાં. એ અજિત દુર્ગે અમને સાચવી રાખ્યાં. એમનું તો હવે મૃત્યુ થયું છે. હમણાં મેં સાંભળ્યું કે દક્ષિણમાં કોઈ બાદશાહ* મોટું સૈન્ય લઈને આવે છે, તે માલવ જીતવા માંગે છે. ગુજરાત પણ જીતવા માગે છે. ગુજરાત રોળાઈ, ટોળાઈ, લૂંટાઈ, ને નામોનિશાન ઢળી જવાનો મોટો ભય છે! 

*હસન ગંગુ બહમની, મહમદ તઘલખના જમાનામાં

‘કેમ એમ બોલો છો? એવું કાંઈ બનવાનું છે?’

‘હા નગરઠઠ્ઠાને માર્ગેથી મુગલોનાં હજારો ટોળાં આ બાજુ આવવા માટે ધસી રહ્યાં છે!’

‘ગુજરાતમાં?’

‘હા, ગુજરાતમાં. એજ વાત છે. કારણ કે અત્યારે દિલ્હીમાં રિયાસત ડગમગી ગઈ છે. બાદશાહ* પોતે જ નગરઠઠ્ઠામાં ગોટવાઈ ગયો, નવો બાદશાહ હજી થીર થયો નથી. મુગલો હજારોને હિસાબે બાવે છે. અને એ તો લૂંટવા જ આવે છે! ગુજરાત આખું હવે લૂંટાઈ જવાનું!’ 

*મહમ્મદ તઘલખ એક લડાઈમાં નગરઠઠ્ઠામાં મરણ પામ્યો

‘પણ એમાં તમે આ દક્ષિણના બાદશાહને શું કરવા મળવા જાઓ છો?’

રાય હરણ જરાક ટટ્ટાર થતો લાગ્યો. એના મોં ઉપર તેજ આવ્યું. તેણે દ્રઢતાભરેલા ગૌરવથી જવાબ આપ્યો: ‘ગમે તેમ પણ મારા નાના, રાય કરણરાય ત્યાંના એક વખત રાજા હતા. એ મારો જ દેશ છે. અત્યારે ત્યાં કોઈ ધણીધોરી નથી. મોગલોનાં ટોળાં હજારોના છે. હું આ બાદશાહને મળવા જાઉં છું કે તમે આંહીં આટલા નિકટમાં છો તો માલવા છોડીને ગુજરાતને સીમાડે ધસો, હું  મારું બધું સેન લઈને તમને મદદ કરું. કોઈ દેશ નહિ રહે. એટલા માટે હું ઝડપથી દોડ્યો છું. એ ઘણું કરીને ધારાગઢમાં પડ્યો છે!’

(રાય હરણનો ઉલ્લેખ રાય કરણ વાઘેલાના વંશજ તરીકે આવે છે. ફરિશ્તા પુ. ૩માં એ હોવાનું પ્રોફે. નદવી પણ લખે છે.)

સોઢલજી ને સિંહભટ્ટ બંને રાય હરણની વાણી સાંભળીને રોમાંચિત થઇ ગયા. ગમે તેમ પણ તે પાટણ કુટુંબનો વંશવેલો હતો. ગુજરાત લૂંટાઈ છે એ સાંભળીને એ દોડ્યો હતો! ડાંગનાં- દંડકારણ્યનાં જંગલમાંથી, અત્યારે કરણરાયનો દૌહિત્ર આવ્યો હતો.

પણ સોઢલજીને એક વાત ખૂંચી ગઈ. એ કોઈ બીજા તુરુકની મદદ માગવા જઈ રહ્યો હતો.

સોઢલજી સમજી ગયો. એનો જમાનો હવે પૂરો થયો હતો. પોતાની જાતને પ્રગટ કરવામાં જ તેણે સાર જોયો.

સિંહભટ્ટ એનું મન કળી ગયો. બંને જણા નીરખી નીરખીને રાય હરણને જોઈ રહ્યા. એની માની ખુમારી ત્યાં હતી. રાય કરણની વજ્જરની છાતી એનામાં હતી. શંકરદેવનું સાહસ હતું. પપન જે ઉજ્જવળ રજપૂતીના, એક ટેક, એક વેણ, એક પણ, એક રંગ, એ પંથના એ બંને, છેલ્લા અવશેષ હતા, તે પંથનું કોઈ કિરણ ત્યાં હવે ન હતું!

એ મનમાં ને મનમાં રાય હરણની બહાદુરીને, એના દેશપ્રેમને, ગુજરાત માટે દોડવાના એના સંકલ્પને, અભિનંદી રહ્યા. છતાં એ પ્રગટ ન થઇ શક્ય તે ન જ થઇ શક્ય. એમને લાગી આવ્યું. જે રજપૂતી એમણે જોઈ હતી, તે નામશેષ થઇ ગઈ હતી. એમને એ સ્વપ્નની મોજમાં જ રહેવાનું ગમ્યું.

રાય હરણને બહુ જ આદરસત્કાર ને પ્રેમથી એમણે માન આપ્યું. બીજે દિવસે એનાં માણસ આવી પહોંચ્યાં. એમને વિદાય આપતાં બંનેની આંખમાં આંસુ આવી ગયાં. છતાં રાય કરણની અણનમ લડત પછી... હવે આંહીં આવા ખીચડીયા રંગમાં, એમનું મન આનંદ પામતું ન હતું. 

રાય હરણ ગયો. બંને જણા એને જતો જોઈ રહ્યા. ભૂતકાળની દેવળની યાદ આવતાં બંને ગદગદ થઇ ગયા.

બંને પાછા પોતાના નિત્યક્રમમાં પડી ગયા.

‘રાય હરણ, સોઢલજી! જબ્બર છે હો. છેવટે મહારાજનું નામ આહીં રહ્યું છે, એ ખબર અચાનક આવી પડી ખરી!’

‘સિંહભટ્ટ! રાય હરણના દિલમાં દેશપ્રેમ અથાગ ભર્યો છે. ગુજરાત લૂંટાશે એટલે એ દોડ્યા છે. પણ ગમે તેમ, મારું મન માનતું નથી. મને આ ગમતું નથી! મેં એટલે જ. કાંઈ વાત ન કરી. આપણા સ્વપ્નની યાદીમાં જ, હવે આપણે જીવવું રહ્યું!’

‘કેમ એમ બોલ્યા?’ સિંહભટ્ટે કહ્યું.

‘ત્યારે બીજું શું? આમાં તુરુક ને બીજા બધા ભેગા થાય – એમાં હવે આપણા જમાનાના જુદ્ધનો રંગ જ ક્યાં છે? સોઢલજી બોલ્યો, ‘આ જુદ્ધ, આપણું નથી, આપણું જુદ્ધ ગયું. આપણો જમાનો ગયો. આપણો રંગ ગયો. એ છટા ગઈ. કેવળ એનું સ્વપ્નું. એ હવે આપણું રહ્યું! તમને શું લાગે છે?’

‘આપણો જમાનો પૂરો થયો સોઢલજી! આપણું સ્વપ્ન પણ પૂરું થયું. આજે આ રાય કરણરાયના વંશવેલાને જોઇને આપણને દિલમાં આનંદ થયો. પણ આપણે જે સ્વપ્નના ને જીવનના રંગ માણી રહ્યા હતા – તે તો હવે ગયા. હવે એ પાછા નહિ ફરે!’ સિંહભટ્ટ બોલ્યો.

‘માણસ જેવું માણસ પાછું ફરતું નથી, ત્યારે કાંઈ રંગ પાછા ફરે?’

‘રંગ પાછા ફરવાનું કામેય શું છે સોઢલજી! આપણો સમય, આપણો રંગ, આપણું જીવન, આપણી ખૂબી, આપણી ખુમારી, ખુવારી એ બધાં પૂરાં થયાં. આપણે હવે માતા મહીનાં ગાજતાં પાણીને સાંભળોને! એના જેવો આનંદ બીજે ક્યાંય નથી!’

છેલ્લી રજપૂતીના છેલ્લા અવશેષ સમા રાય કરણરાયના બંને જૂના યોદ્ધાઓ, નદીનાં ગાજતાં પાણીને સાંભળી રહ્યા. 

***************