Raay Karan Ghelo - 41 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 41

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 41

૪૧

કરણરાયની આકાંક્ષા

 

મહારાજ કરણરાય બાગલાણના અજિત દુર્ગમાં રહ્યા હતા એ વાત તો હવે ઘણાના જાણવામાં આવી ગઈ હતી. તુરુકને પણ એ ખબર પડી ગઈ હતી. તે જાણતો હતો કે કરણરાય બાગલાણમાં છે ત્યાં સુધી ગુજરાત ભરેલો અગ્નિ છે. એ તરફ આગળ વધવા માટે એણે પ્રયત્ન કરવા માંડ્યા હતા.

દરમ્યાન ગુજરાતમાં પહેલો કામચલાઉ નાઝિમ નિમાયો હતો. હજી આવડો મોટો વિશાળ સમૃદ્ધ પ્રાંત કોને સોંપવો, તે નક્કી થયું ન હતું. બાદશાહના સાળા અલ્ફખાનનું નામ સંભળાતું હતું, પણ હજી એ આવ્યો ન હતો. એ આવવાનો હતો.

એ મોટું બળવાન સૈન્ય લઈને આવે, અને ઠેકાણે ઠેકાણે થાણાં સ્થાપી જાય તે પહેલાં જ, એક પ્રયત્ન કરી જોવા જેવો હતો.એટલે કરણરાયે, વાઘોજીને, વિકોજીને, સિંહભટ્ટને, સોઢલજીને ચારે તરફ મોકલ્યા હતા. મહારાજને નામે મરવાવાળા અનેક હતા. બાગલાણ તરફ ચાલી નીકળ્યા હતા. પણ એક થઈને બધા તૈયાર થાય તેવી હવા ઓછી થઇ ગઈ હતી. ઘણાને આ અરધી સ્વતંત્રતા ગમી પણ ગઈ હતી. 

દિનપ્રતિદિન બાગલાણમાં સૈનિકોની ભરતી થતી હતી. રાજા પ્રતાપચંદ્ર પણ પોતાનાથી થાય તેટલાં માણસો ભેગાં કરી રહ્યો હતો.

એવામાં એક દિવસ દિલ્હીના સમચાર આવ્યા. દિલ્હીમાં બળવો થયો હતો. ઉલૂગખાનને બાદશાહે રણથંભોર લેવાનું પડતું રખાવીને ત્યાં દોડાવ્યો હતો. સોઢલજી, સિંહભટ્ટ, એ બધા આ સમાચાર મળતાં જ, એકદમ બાગલાણ તરફ દોડ્યા. એમને લાગ્યું કે આ સમાચાર આશાજનક હતા. મહારાજ પાસે હજી સૈન્ય નામનું થયું હતું. પણ જો એક પ્રયત્ન કરવામાં આવે તો અત્યારે વખત હતો. દિલ્હીનો બળવાખોર હાજી મૌલા બળવાન હતો. ગુજરાતમાં કોઈ સ્થાયી બળવાન નાઝિમ આવ્યો ન હતો.

મહારાજે તરત એક સાંઢણી રવાના કરી. વિશળદેવ ચૌહાણને પોતાની પાસે બોલાવ્યો. એની વાત ઉપરથી જાણી શકાય કે તરત ઉતરવું ને કઈ તરફ વધારે મદદની શક્યતા હતી. અત્યારે એ એક જ બળવાન પક્ષકાર હતો.

વિશળ આવ્યો. પણ તે દિવસે મહારાજને મળવા માટે સ્તંભતીર્થથી એક-બે શ્રેષ્ઠીઓ પણ આવ્યા હતા.

એમની સાથે વાત થઇ અને મહારાજ કરણરાય તરત ઘણું બધું સમજી ગયા. એ સમજી ગયા કે એમણે મરવું, જીવવું, રાજ પ્રાપ્ત કરવું, કે જે ઠીક પડે તે કરવું, પણ એ બધું કેવળ ઉજ્જવળ રજપૂતીના નામે કરવાનું હતું. એ સિવાય બીજી વિશેષ આશા ન હતી. શ્રેષ્ઠીઓએ તો હાથ જોડીને મહારાજને કહ્યું: ‘મહારાજ! અમે સાંભળ્યું છે, અમારો સ્તંભતીર્થનો જ મલેક કાફૂર હજાર દીનારી દિલ્હીમાં અત્યારે કર્તાહર્તા છે એના બોલે તમામ અધિકારીઓ ધ્રૂજે છે. એ અમારું વેણ નહિ ઉથાપે. અમે એને હજાર વખત મદદ કરી છે. એ તો ગુલામ હતો. અત્યારે હવે મોટો અમીર ઉલ ઉમરાવ થઇ ગયો. મહારાજ! આપણે પણ દેવગિરિની જેમ ખંડણી કબૂલી લ્યો. બાદશાહના નામની ચાકરી કરવાની વાત કબૂલી લઈએ. આવતી કાલે પ્રભુ! પાટણ પાછું આપણે ઘેર. આ સરવરખાન નાઝિમ ઉપર તરત હુકમ આવશે. અને એ ગાંસડાં બાંધીને રવાના થઇ જશે. મહારાજ અમારી વાત કબૂલ કરો તો ફત્તેહની અમે ખાતરી આપીએ છીએ. અમારી સાથે વડનગરનો હરિ ઈશ્વર નાગર* પણ છે. એણે આ તુરુકોની ઠીક ઠીક દોસ્તી બાંધી લીધી છે. માટે દિલ્હીના અઠ્ઠાવીશે દરવાજા ખુલ્લા છે!’

*આ હરિ ઈશ્વર નાગર, મહમ્મદ તઘલખના વખતમાં સોમનાથની ચડાઈમાં સાથે ગયેલો.

કરણરાય ઊંડા વિચારમાં પડી ગયો. એક સુખાળવી શાંતિભરી સમાધાનકારી વલણનો મહામોહ ગુજરાતમાં ફેલાઈ ગયો હતો. એણે એ જોઈ લીધું. કંટકનો માર્ગ કોઈને જોઈતો ન હતો. ફનાગીરી કોઈને ખપતી ન હતી. તે મનમાં ને મનમાં આ વાત સાંભળતાં જ સમસમી ગયા. પણ એમણે શ્રેષ્ઠીઓને કાંઈ જણાવા દીધું નહિ. 

તેણે ધીમેથી કહ્યું: ‘શ્રેષ્ઠીઓ! તમે કહું તે બરાબર છે. તમારા મારા પ્રત્યેના ભાવને હું સમજું છું. પણ જરૂર પડ્યે હું સોઢલજીને તમારે ત્યાં મોકલીશ. આપણે હજી થોડો વખત રાહ જોઈએ. શું થાય છે તે જોઈએ. પણ આપણે એક બળવાન તોફાન ઉઠાવીએ તો?’

‘મહારાજ! પણ હવે તુરુક પોતે ડાહ્યો થતો જાય છે. એ પોતે પોતાની મસ્જિદો બાંધવામાં પડી ગયો છે. તળાવો બાંધે છે અને આપણને આપણાં ધરમ થાનકો કરવા છૂટી આપે છે. પછી આપણે બીજું શું જોઈએ? અત્યારે પાટણમાં લાલ પથરાઓના ઢગલા થવા માંડ્યા છે!’

કરણરાય કાંઈ વધુ બોલી શક્યો નહિ. તેણે સોઢલજીને બોલાવ્યો. 

‘સોઢલજી! આ શ્રેષ્ઠીઓ સ્તંભતીર્થથી આવ્યા છે. એમણે મને કેટલીક વાત કહી છે. તું એમનાં ઠામઠેકાણાં બરાબર જાણી લે. આપણને તેમનો ખપ પડશે. અને પછી એમને સહીસલામત જંગલ પાર કરવા માટે ત્રણ-ચાર ભીલોને સાથે મોકલ!’

સ્તંભતીર્થના શ્રેષ્ઠીઓ ગયા, પણ કરણરાયનું હ્રદય હ્રદયમાં પેસી ગયું.

અને એ ગયા કે તરત જ પાટણના શ્રેષ્ઠીઓ આવવાના સમાચાર મળ્યા.

કરણરાયનું હ્રદય અંદર ને અંદર મોટેથી રડી પડ્યું. આ બધા પ્રેમાળ હતા. પણ કંટકભર્યો માર્ગ કોઈને જોઈતો ન હતો. કરણરાય સમજી ગયો. પોતે એક મહાન વંશની સમાપ્તિ કરી રહ્યો હતો. એક મહાન છેલ્લી કથા લખવાનું નિર્માણ પોતાને માટે હતું. બાગલાણના દુર્ગની પારના જંગલો તરફ જોઈ રહ્યો. એને લાગ્યું કે એનાં છેવટનાં મિત્રો – આ જંગલો જ હતાં. એનો નામીચો રણશ્રી તોખાર હતો. મહારાજ સિદ્ધરાજની અજિતા સમશેર હતી. તુરુંગ, તલવાર ને આ જંગલ. બીજું કોઈ જ એને આશ્વાસન આપે તેમ ન હતું. આશ્વાસન આપનારી આધારરૂપ રાણી તો ચાલી ગઈ હતી! હવે એને કોઈ સમજે તેમ ન હતું. એણે જાણ્યું કે બધે હવામાં જ જાણે તુરુક સાથે સમાધાનીની વાતનું ગૌરવ ગણાતું થયું હતું. ‘ભલા માણસ પત્યું – આપણે જીવતા રહ્યા, એ જીત્યો’ એ વાત હતી. ન નમવાની કોઈ વાત જ હવે ન હતી. બધે પોતો લઘુ વાડો સારી રીતે જાળવી લેવાની હવા હતી.

પણ હજી એણે આશા મૂકી ન હતી. એને ખાતરી હતી કે ઈલદુર્ગ, વાગડ, કચ્છ, સૌરાષ્ટ્ર, લાટ, મહીમંડળ, એ બધેથી ઠાકરડાઓ, રજપૂતો, ભીલો, કોળીઓ, નાના જાગીરદારો, મોટા સરદારો, એને નામે હજી પણ ઊભા થશે! એક મહાન સૈન્ય ઊભું કરીને, એ હજી સુરત્રાણના નાઝિમને હાંકી કાઢશે. સોઢલજી, સિંહભટ્ટના સમાચારે એને આશા આપી હતી.

પણ એણે દિલ્હીના સાચા સમાચાર હરપળે મેળવવાના રહ્યા. ત્યાંથી આ બાજુ કોઈ ફરકે તેવું ન હોય એ સમય એણે સાધવો રહ્યો. રાજા પ્રતાપચંદ્ર એ બાબતમાં નામચીન હતો. એની પાસે એવા એવા સંદેશવાહક હતા કે ગમે તેમ કરીને પણ. બાદશાહી લશ્કરગાહના છેલ્લા સમાચાર બાગલાણને કિલ્લે એ બે-ત્રણ દિવસે પહોંચાડી જ દેતા! એના હેરક એના જ હતા – વિશ્વાસુ અને ઉતાવળા.

હમણાં જ એમણે સમાચાર પહોંચાડ્યા હતા કે વઝીર નુસરતખાનને રણથંભોરમાં મીનજનિકનો પથ્થર એટલા જોસથી વાગ્યો કે તે ત્યાં ને ત્યાં ઢળી પડ્યો.

અને આ ઘા જીવલેણ નીકળ્યો. તે ત્યાં જ મરણ પામ્યો. 

જ્યારે ઉલૂગખાન દિલ્હી ગયો હતો. દિલ્હીમાં બળવો હતો. એ સમાચાર આવ્યા અને કરણરાયની આકાંક્ષા વધુ તીવ્ર બની.

પણ બીજા એક વધુ ભયંકર સમાચાર પણ રાજા પ્રતાપચંદ્રે આપ્યા હતા, અને રાય કરણરાય એ સાંભળતાં ધ્રૂજી ગયો હતો. તેને થઇ ગયું કે હવે થઇ રહ્યું. આખા ભારતનું નાક કપાઈ જવાનું!

રણથંભોરના હમીરનો પ્રધાન રત્નમલ્લ કાંઈક શિથિલ થતો હોય તેમ જણાતું હતું!

કરણરાયે આ બધા સમાચાર સાંભળ્યા અને પછી ભારે હૈયે તે વિશળદેવ ચૌહાણને પણ મળ્યો. પણ એને મનમાં જ ઊગી આવ્યું. હવે ચૌહાણ પણ બીજો શું જવાબ દેવાનો હતો? બધે એક જ જવાબ હતો. સુરત્રાણ મહાન છે. એને કોઈ નહિ પહોંચે. એને નમો અને જીવો.

મહારાજને જોતાં જ ચૌહાણ ગળગળો થઇ ગયો. તેનું હ્રદય ભરાઈ આવ્યું. પ્રેમથી પ્રણામ કરતો એ ત્યાં ઊભો રહ્યો. રાજાએ એને ખભે હાથ મૂક્યો. બેસવાની નિશાની કરી.

રાજા અને સામંત થોડી વાર સુધી શાંત બેઠા રહ્યા. કાંઈ બોલી શક્યા નહિ. પછી કરણરાયે ધીમેથી કહ્યું: ‘ચૌહાણ! મેં તમને એક વાત કહેવા બોલાવ્યા છે. ગુજરાતનો કુક્કુટધ્વજ આંહીં રોપાણો છે. એ પડ્યો નથી અને પડવાનો પણ નથી. આંહીં એ ધ્વજ નીચે હવે સૌ ભેગા થાય એવું આપણે કરવું છે. તક જોઇને એક વખત આપણે ઊઠવું છે એ સૌના ધ્યાનમાં રહે. અત્યારે એવી તક કહેવાય? તમે શું ધારો છો? કહે છે રણથંભોર સૌને ભારે પડી ગયો છે, એ સાચું? ને દિલ્હીમાં પણ બળવો છે?’

‘મહારાજ! એ સાચું છે. પણ સુરત્રાણ હજી ત્યાં જ પડ્યો છે. એ બતાવે છે કે એની સેના અગણિત છે. બંને જગ્યાને તે પહોંચી વળે તેમ છે. એનાં હથિયારો જુદાં જ છે. આપણે એને હંફાવવો હોય તો હવે ઘણી મોટી તૈયારી કરવી જોઈએ! એ સમય હજી આવ્યો નથી. મહારાજનો ધ્વજ આહીં રોપાણો છે, એ  બધાના ધ્યાનમાં છે.’

‘આપણે સૌને ભેગા કરીએ તો?’

‘પ્રભુ!’ વિશળે બે હાથ જોડ્યા: ‘હવે સૌને ભેગા કરવામાં પણ આકાશપાતાળ એક કરવું પડે તેવું છે. કારણકે એક વાત બધાને મીઠી લાગી ગઈ છે. પાટણની સત્તા નીચે બધાને સીધી તાત્કાલિક દેખરેખ નીચે રહેવું પડતું હતું. જ્યારે આ નવી સત્તા હજી જામતી આવે છે, એમ કહેવાય. એટલે બધાને જેમ ઠીક પડે તેમ અરધી સ્વતંત્રતા તો વગર માગ્યે મળી જ ગઈ છે. વળી પોતપોતાની નાનકડી જાગીરો પણ તુરુકની મહેરબાનીથી વધેઘટે ને પડોશી પાસેથી કાંઈક લેવાયું એવું પણ થવા માંડ્યું છે. આ વલણ બધાનું થઇ ગયું છે. જો ઊઠે તો એ ગુમાવવું પડે. એટલે ઊઠવાવાળા બહુ થોડા નીકળે. જુદા રહેવાનું સુખ સૌને ગમી ગયું છે. હા, આપણે માટે તક છે. લાંબે ગાળે દિલ્હીમાં ગેરવ્યવસ્થા થાય, ત્યાં સુધી આપણે રાહ જોવી રહી! તે વખતે આપણે એક જ પ્રયત્ને ફાવી શકીએ. અત્યારે પ્રયત્ન અપૂર્ણ રહેવાનો, ને વધારામાં તુરુકને ચેતવી જવાનો.’

‘પણ સોઢલજી કહે છે કે આ સમો છે!’

‘સમો છે, એ વાત સોઢલજીની સાચી છે. પણ એ છતાં એ એક પ્રયત્ન રહેશે. એનું પરિણામ ચોક્કસ જ કહેવાય તેવું નથી. દિલ્હીમાં શું છે ને કેવું છે એ આપણને શી ખબર? વળી આપણા માથા ઉપર તો સુરત્રાણ હમણાં જ મંડાવાનો છે, વાતો એમ આવે છે.’

‘કેમ એમ બોલ્યા?’

‘રણથંભોર પછી સુરત્રાણ, ચિત્તોડ આવવા માંગે છે. એટલે બાદશાહી સેન ત્યાં મેદપાટમાં ખડકાશે!’

‘હેં, ચિત્તોડ આવવાનો છે?’

‘પણ હું એટલે જ કહું છું વિશળદેવજી! કે આપણે એક ઘા હમણાં કરી લઈએ!’ સોઢલજી બહારથી પ્રવેશ કરી રહ્યો હતો, તે બોલ્યો.

વિશળે માથું ધુણાવ્યું: ‘ના સોઢલજી. ના, મહારાજ!  એને પરિણામે તો વધારે બળવાન સૈન્ય આંહીં આવે. પછી અપને ભવિષ્યમાં પણ કાંઈ જ ન કરી શકીએ.’

પણ આવો પ્રયત્ન રાય કરણરાય કરવાના જ છે, એ વાત તુરુકથી લેશ પણ અજાણી ન હતી. એટલે હજી તો વિશળદેવ ચૌહાણ જ્યાં પ્રયત્નથી સંપૂર્ણતા વિષે વાત કરી રહ્યો હતો, ત્યાં જ એક સંદેશવાહક સાથે સિંહભટ્ટે પ્રવેશ કર્યો.

સિંહભટ્ટ આવીને ઊભો રહ્યો. સૌ સમજી ગયા કે એની પાસે કાંઈક અગત્યના સમાચાર હોવા જોઈએ. એટલામાં એ જ બોલ્યો: ‘મહારાજ! સાંભળ્યું? આપણે આંહીં છીએ, તે વિષે તુરુક જાણી ગયો છે. નવસારિકા, વાસુદેવપુર, દંડકારણ્ય એ તરફ તુરુક પોતાની લાગવગ હવે વધારવા માગે છે. આજે સમાચાર છે કે બાદશાહ પોતે થોડા વખતમાં નવસારિકા તરફ શિકાર માટે આવી રહેલ છે. આ તરફના નાનામોટા ઠાકરડાઓને માનઅકરામ મળ્યાં છે. ને શિકાર માટેની સોઈ આપવાનો સંદેશો મળ્યો છે!’

એટલામાં તો રાજા પ્રતાપચંદ્ર પોતે જ દેખાયો: ‘મહારાજ! એક બીજી વાત બની છે. ખુદ બાદશાહનો સાલાઓ અલફખાન ગુજરાતનો નાઝિમ નિમાયો છે. એ મોટા સેન સાથે આવી રહ્યો છે. બાદશાહી રાજના ચાર સ્તંભ ગણાતા હતા: ઝફરખાન,ઉલૂગખાન, નુસરતખાન અને અલફખાન. તેમાંથી બે તો ઊડી ગયા છે અને આ ચોથો આંહીં આવે છે. એ બતાવે છે કે તે આપણા દુર્ગ વિષે તૈયાર રહેવાનો છે. સ્તંભતીર્થનો મલેક કાફૂર હજાર દીનારી એ આ તરફનો પૂરેપૂરો જાણકાર છે. એણે આ બધી ખટપટ કરી હોવી જોઈએ. પણ આપણો તો એક નિશ્ચય છે. બાગલાણનો અજિત દુર્ગ અજિત જ રહેવાનો છે. ગમે તે આવે, ને ગમે તેટલા આવે. હવે તો ચારે તરફના રસ્તાઓને એવા કરી મૂકવા છે કે ભલે હજાર દીનારી પણ એમાંથી પ્રવેશવા ફાંફા મારી જુએ. એટલે હું કહેવા આવ્યો હતો મહારાજ! કે આપણે હવે અધૂરા પ્રયત્ને એક નાનો સરખો ઘા મારીએ એ વાત બરાબર નથી. તેના કરતાં તો આપણે રાહ જોઇને બેસીએ, અને આપણા અજિત દુર્ગને જ આપણે આત્યારે વધારે અજિત કરીએ. એ જીવતો હશે – તો એમાંથી ગમે તે પળે નીકળી પડીશું. કેમ ચૌહાણ?’

‘હું પણ એ જ માનું છું મહારાજ! આપણે ઈલદુર્ગના વધારે તીરંદાજીઓ આંહીં લાવીએ. હું જઈને એ કરું છું. સમય – આવશે પ્રભુ! ચોક્કસ સમય આવશે!’

‘હું તો કહું છું આવી રહ્યો છે ચૌહાણ!’ પ્રતાપચંદ્રે આશાભર્યા અવાજે કહ્યું, ‘મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે બાદશાહને હવે પોતાના ભાઈ ઉલૂગખાનનો જ ડર લાગે છે. એમને ત્યાં જ દગાખોરી છે – તે જ આપણો રસ્તો સફળ કરી દેશે!’

થોડી વાર પછી એક પ્રયત્ન માટેનો નિર્ણય કરીને બધા વિખરાયા. વિશળ પોતાના માર્ગે પડ્યો. રાજા પ્રતાપચંદ્ર ને રાય કરણરાય દુર્ગ ઉપર ગયા. એ બંનેનો દુર્ગપ્રેમ અનન્ય હતો.

ટોચે જઈને છેક લાંબે દ્રષ્ટિ નાખતાં એ ત્યાં ઊભા રહ્યા. એમને ત્યાં એવી રીતે અણનમ રહેવાનાં સ્વપ્નાં સેવતા જોવા, એ જીવનનો એક લહાવો હતો. અણનમ ખડક સમા એ ત્યાં ઊભા હતા. વિલીન થવા બેઠેલી ઉજ્જવળ રાજપૂતીના જાણે એ છેલ્લા અવશેષ હોય તેમ બંને પોતપોતાની અનોખી રીતે શોભી રહ્યા હતા. અંબિકા, પૂર્ણા અને અનેક નદીઓનાં જળ સાચવનારાં, દંડકારણ્યનાં ગાઢ અરણ્યો એમને અજિત અને અણનમ રહેવા માટે, જાણે આમંત્રી રહ્યાં હતા. 

રાય કરણરાય ને પ્રતાપચંદ્ર બંને ત્યાં કેટલીયે વાર સુધી એમ ને એમ ઊભા રહ્યા.

અંધારાં ઊતર્યા. જંગલો દેખાતાં બંધ થયાં પણ એ હજી ત્યાં ઊભા હતા. છેવટે રાજા પ્રતાપચંદ્ર બોલ્યો: ‘મહારાજ! આપણે હવે નીચે જઈએ!’

‘પ્રતાપચંદ્રજી! જાણે એમ થાય છે આજ તો આખી રાત હું આંહીં જ ઊભો રહું! હું આહીં ઊભો છું અને મને લાગે છે કે માણસ, એનો ઘોડો, એની તલવાર, અને એનાં જંગલ એ જ સંપૂર્ણ યુદ્ધ છે. બાકીનું બધું તો આપણે ઠઠારો કરીને મફતનું બગાડ્યું છે. મને તો મારો વિજય કે જે કાંઈ હોય તે, છેવટે એમાં જ દેખાય છે!’

પ્રતાપચંદ્રે મહારાજના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘મહારાજ! એ જુદ્ધ સાચું. વખત આવશે તો એ પણ લડાશે. પણ હજી દેવળકુમારીબા છે. એવું જુદ્ધ કરવા માટે આપણે નફકરા થઇ જવું પડે. અપને એ ન ભૂલીએ!’

રાયકરણ ભારે હૈયે નીચે ઊતર્યો.