૨૭-૨૮
પાટણનું જુદ્ધ
એ ઉત્સાહનું મોજું શમતાં જ મહારાજ કર્ણદેવે પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘પાટણના નાગરિકો! આ નગરને આપણે હવે ત્યારે તજી શકીએ તેમ રહ્યું નથી. આપણને બીજી તૈયારીનો સમય મળ્યો નથી. તુરુકને મેદપાટે રસ્તો આપ્યો એટલે દોડતાં ફાવ્યું છે. હવે તો જે થાય તે કાં તો આંહીં સૌ સાથે સૂઈ જઈએ છીએ અથવા સાથે વિજય મેળવીએ છીએ. પણ જેને આ નગર તજવું હોય તે હમણાં જ તજી દે. પછી એવું હિચકારું કામ કોઈ ન કરે. જે રહે તે મરવા માટે જ રહે. જેને ધનવૈભવ વહાલાં હોય, જેને બૈરાં-છોકરાંમાં જીવ હોય, જેને આશા લલચાવતી હોય, જેને બચી જવાનો મોહ હોય, તે તમામ હવે આંહીંથી વિદાય લઇ લે. આંહીં હવે જીવનમરણનું જુદ્ધ આવી રહ્યું છે. જે મરવા માગતા હોય તેટલા જ આંહીં રહે. જેને જવું હોય તે જાય. જવાની રાજા છે. હજી સમય છે.
આખી સભા શાંત થઇ ગઈ. એક પણ અવાજ ક્યાંયથી આવો નહિ.
‘માધવ મહેતા!’ મહારાજે કહ્યું: ‘સોઢલનો આંહીંના દુર્ગપતિ તરીકે અભિષેક કરો. રાજમહાલયના મહારક્ષક તરીકે સિંહભટ્ટને નીમો. સોરઠના સૈનિકો જેમણે સોમનાથ જુદ્ધે જવું હોય તેમને જવા દો. આપણે ચૌટે ચૌટે હજી રેતીના વધુ થેલા ખડકો. અગનગોળાનું જોર તુરુક પાસે લાગે છે. બધાં અનાજપાણી બંદોબસ્તથી રખાવો. આપણે દરવાજે દરવાજે રાતદીના પહેરા ગોઠવી દો. આ નગરને તુરક ઘેરી વળવાનો છે. આપણે એને હવે તો આંહીં જુદ્ધ દેવાનું છે. એના સૈન્યનો મુકામ થાય ત્યાં જ એને વધાવી લેવા માટે આપણે ઈલદુર્ગી ભીલોને કિલ્લાના બુર્જોમાં ગોઠવી દો. હવે દરેક જણ એમ સમજી લે કે એ જોદ્ધો છે. આપણે છેલ્લો પુલ ઉઠાવી લ્યો. આપણી હવે આ જ દુનિયા છે. આંહીં જીવન, મરણ, સ્વર્ગ ને મોક્ષ, બધું આંહીં છે. બોલો ‘ભગવાન સોમનાથની જે’...
‘સોમનાથની જે!’ ના રણઘોષે દૂર દૂર સુધી પડધા પાડ્યા.
બીજે દિવસથી પાટણમાં જુદ્ધની તડામાર તૈયારી થવા માંડી. થોડા જ દિવસોમાં તુરુષ્કનું સેન પાટણને ઘેરવા માટે દોડતું આવી રહ્યાના સમાચાર હેરકોએ આપ્યા. પાટણ આડેની તમામ મુશ્કેલીઓ હટાવીને તુરુકોએ સરસ્વતીને કિનારે મુકામ નાખવાનું પણ શરુ કરી દીધું. એમનાં લશ્કરગાહને ગોઠવાતું અટકાવવા માટે તરત જ અચૂક તીરંદાજોએ કિલ્લા ઉપરથી તીરંદાજી શરુ કરી. પણ એના જવાબમાં તુરુકના મીનજનિકોમાંથી પથ્થરોનો વરસાદ આવ્યો. બાદશાહી લશ્કરગાહ સ્થિર ન થાય માટે ભીલોનાં દળે બુરજ ઉપરથી રાતદિવસ તીરોનો મારો ચલાવ્યા કર્યો.
પણ તુરુષ્કો ચાલાક હતા. અને જુદ્ધ કરતાં જુદ્ધની ચાલમાં વધારે માનનારા હતા. તેમણે તીરના મારાથી બચવા માટે થોડેક આઘે મુકામ ફેરવ્યો. અને રાતોરાત ઝાડઝાંખરા, કાંટા, થોર, તોતિંગ લાકડાં, રેતીથેલા જે મળ્યું તેનાથી લશ્કરગાહને ફરતી કિલ્લેબંધી કરી લીધી.
આંહીં જ્યાં પાટણમાં જુદ્ધ વિષેનો મરવા મારવાનો હતો, ત્યાં તુરુષ્કની કિલ્લેબંધી જોઇને, પહેલાં તો સૌને નવાઈ લાગી. તુરુક આંહીં ધામા નાખવા આવ્યો હતો એની આ વધુ સાબિતી મળી.
કરણરાય કિલ્લા ઉપર ચડીને તુરુકની ફોજને નિહાળી રહ્યા. હજારો ઘોડાં હતાં. સેંકડો હાથી હતા. પાયદળ તો ગણ્યું ગણાય નહિ તેટલું હતું. એક મોટું જબરદસ્ત સેન પાટણને ચારે તરફથી ઘેરીને પડ્યું હતું.
કરણરાયના મનમાં અચાનક વિચાર આવી ગયો.
‘આ ઘેરો ન ઊઠે તો પાટણ ટકે ક્યાં સુધી? એનો ધાન્યભંડાર ખૂટે, પછી શું થાય? એટલે છેવટે તો અણનમ રાજપૂતી જ જીતવાની. તેણે સોઢલજીને બોલાવ્યો: ‘સોઢલજી! તું હવે આંહીંનો દુર્ગપતિ છે. બધા તારી આજ્ઞામાં છે, હું પોતે પણ. એક ચકલું બહારથી આંહીં ફરકે નહિ, કે આંહીંથી બહાર ફરકે નહિ એ જોતો રહેજે. નહિતર આપણને આ સૂતા સૂતા પકડશે. અને પકડે તો એ ઠીક, રજપૂતીનું નાક વાઢી જાશે! હું તો કહું છું, આના પગ થીર થાવા દ્યો મા!’
‘શું કહ્યું મહારાજ! પગ થીર થાવા ન દેવા?’
‘હા જુઓને, એણે સેન ફરતી મજબૂત વાડ બનાવી છે. એટલે હવે ઘોડાનું ઘમાસાણ એને એકદમ રગદોળે તેવું નથી રહ્યું, આપણે આજકાલમાં એ સ્થિર થાય ન થાય ત્યાં એક હુમલો કરી નાખો!’
મહારાજનો વિચાર એકદમ આકર્ષક લાગ્યો. હજી તુરુક લશ્કરગાહ ગોઠવી રહ્યો હતો. એણે મજબૂત વાડ બાંધી હતી. નાકે નાકે સૈનિકો ઊભા રાખી દીધા હોય એમ દેખાતું હતું. પણ એણે અંદર પણ કાંઈક હિલચાલ શરુ કરી દીધી હતી. સેંકડો ગધેડાં રેતી લઈને જતાં હોય તેમ લાગતું હતું.
એટલે મહારાજના વિચાર પ્રમાણે બીજે દિવસે મધરાતે હુમલો કરવો એવો ઠરાવ થયો.
એક યુદ્ધસભા મળી. સોઢલજી હતો. સિંહભટ્ટ હતો. માધવમંત્રી હતો. મહારાજ પોતે. લાટનો દંડનાયક, ચંદ્રાવતીથી વિશળ ચૌહાણે મોકલેલા અનુભવી ખડતલ સરદારો સૌ આવ્યા હતા.
તુરુકે મજબૂત કિલ્લેબંદી કરી હતી. અને આખા લશ્કરગાહને ફરતી કાઠગર ઊભી કરી હતી. લાકડાની આ વાડ બીજી કિલ્લેબંધીની ગરજ સારે તેવી હતી.
ચુનંદા ઘોડેસવારો લઈને જૂનોગઢનો રા’ માંડલિક* આ હુમલો દોરે. અને તુરકના લશ્કરગાહને વેરવિખર કરી નાખીને સોરઠ ભણી ઊપડી જાય. સોમનાથનો રક્ષણભાર એના ઉપર હતો. અને એ સોરઠી સેન સાથે નીકળવાનો હતો એટલે એને આ હમલો કરીને પાછો પાટણમાં આધાર મેળવવાની ખટપટ રહેતી ન હતી. એ તો એક રમખાણ મચાવીને સોરઠ તરફ દોડ્યો જાય! કુનેહભરેલી આડીઅવળી ચાલતી લશ્કરી હિલચાલ કરતાં, આવી વાત આવે ત્યારે જે રણોત્સાહ ફેલાઈ રહેવાનું, રજપૂતી લોહીમાં નૈસર્ગિક વલણ હતું. એ લોહીને, આ વાત ઘણી જ આકર્ષક થઇ પડી. રા’ માંડલિકે ત્રણ હજાર માગ્યા હતા, ત્યાં તેર હજાર સૈનિકની પડાપડી થઇ હતી.
*માંડલિક પહેલો
પણ વાત હવામાં ફેલાઈ ન જાય, માટે ત્રણ હજાર સોરઠી સવારોને બીજે દિવસે જ મધરાતે હુમલાની આજ્ઞા આપવામાં આવી હતી.