૨૬
વિદાય વેળાએ
બત્તડદેવની વીરગતિના સમાચાર પાટણમાં પવનવેગે આવી ગયા. તુરુક ધસ્યો આવતો હતો. એની સાથે સેંકડોનું દળ હતું. અવનવાં શસ્ત્રઅસ્ત્ર હતા. પણ મોટામાં મોટી વાત તો બીજી જ હતી. ક્યાંક પાટણને એમને એમ બાજુ ઉપર રાખીને સોમનાથ ઉપર એ સીધો જ દોડ્યો જાય નહિ! તો પાટણને સોમનાથનું રક્ષણ કરવા માટે દોડવું પડે. એની પળેપળની હિલચાલની માહિતી પાટણમાં આવી રહી હતી. અત્યારે તો એની નેમ પાટણ ઉપર જ જણાતી હતી.
દરેક પળે એક નવો ઓઢી પાટણમાં આવતો દેખાતો. સમાચાર જાણવા માટે લોકોનાં ટોળેટોળાં એને ઘેરી વળતાં, જુદ્ધ ને જુદ્ધની વાતો જ હવામાં ભરી હતી. ચારે તરફથી પાટણમાં માણસોનો ધસારો થઇ રહ્યો હતો. તમામ શૂરવીરો પાટણમાં આવતા હતા. રક્ષણ લેવાવાળા પણ આંહીં ધસ્યા હતા. પણ પાટણને તુરુક સામે જુદ્ધ ખેલવું હોય તો બહારના આવનારાઓની મર્યાદા આંકે જ છૂટકો હતો. એટલે સેંકડો માણસો હજી કોટની બહાર પડ્યાં હતાં. એમને અંદર આવવું હતું. સેંકડો નદીના કાંઠા ઉપર પડ્યા હતાં. એમને રક્ષણ જોઈતું હતું. પણ પાટણમાં હવે એક તસુ જગ્યા ન હતી. એ પણ એક મોટો કોયડો થઇ પડ્યો હતો.
તૈયારી તો તડામાર ચાલી રહી હતી. ઠેકાણે ઠેકાણે રેતીના કોથળાના ઢગના ઢગ કરવામાં આવ્યા હતા. પથરાઓના ડુંગર ખડકાયા હતા. તુરુકની મીનજનિક નવું બળ બતાવનારી કહેવાતી હતી. એક મણના પથ્થરને આકાશમાંથી વરસાદની માફક વરસાવવાની એની તાકાતની વાતો આવી રહી હતી. પાટણને પથરાથી ભરી દેવાની તુરુકની ઉમ્મેદ હતી.
એટલે દરેક બુરજ, કોટની જગ્યા, કિલ્લાની હૈયારખી, દરવાજાઓ, ઠેકાણે ઠેકાણે શસ્ત્રભેર સૈનિકો ગોઠવાઈ ગયા હતા. પાટણની ચારે તરફ જળબંબાકાર હોય તેમ ખાઈઓનાં પાણીને રેલાવી દીધાં હતાં. આસપાસ જંગલો ઊભાં કર્યા હતાં. ઘાસચારો સળગાવી દીધો હતો. માત્ર એક જ દરવાજો હવે કામ આપતો હતો. એના ઉપરથી પુલ ઉઠાવી લેવાની પણ ઘડીઓ ગણાતી હતી. એ પુલ ઊઠી જાય એટલે પાટણને રણશિંગું ફૂંક્યે જ છૂટકો હતો.
સાંજને સમયે રાજમહાલયના ચોગાનમાં એક મોટી સભા થઇ ગઈ. તેમાં પાટણના શ્રેષ્ઠીઓ, નાગરિકો સૌ આવ્યા હતા. સૈનિકો, જોદ્ધાઓ, સરદારો, સેનાપતિઓ મંડળેશ્વરો આવ્યા હતા. જુદ્ધ કરવું એ ચોક્કસ હતું. સૌના મનમાં હતું. પણ એક વર્ગ એમ માનતો હતો કે આપણે આસવલની પાસે એને રોકવો. જુદ્ધ એવું. ત્યાં ભયંકર જંગલની ઓથ મળી જશે.
બીજા વર્ગની માન્યતા હતી કે પાટણ એને ઓછામાં ઓછું છ મહિના રોકી રાખવાની શક્તિ ધરાવે છે, એટલે આપણે કિલ્લામાં રહીને જ એને મરણિયા જુદ્ધ દેવું. પાટણમાં અનાજપાણીનો તોટો આવે તેમ ન હતું. દેશભરના રણજોદ્ધાઓ આંહીં આવી ગયા હતા. આંહીં પણ મીનજનિકો હતી. ગજબના નિશાનબાજો હતા. બત્તડદેવ પાસેથી નીકળેલો સોઢલજી પોતે પાટણ ન આવતાં, ચારે તરફ ખબર આપવા માટે ઘૂમી વળ્યો હતો. એને પરિણામે ઠેકાણે ઠેકાણેથી તીરંદાજી ભિલો ભાગ લેવા માટે દોડતા આવ્યા હતા. પણ સોઢલજી હજી દેખાયો ન હતો. કેટલાકને પાછા કાઢવા પડે તેમ થયું હતું. પણ તેથી દેશભરના શ્રેષ્ઠ સૈનિકોની આંહીં જ ભરતી થઇ ગઈ હતી. પાટણમાં અત્યારે હૈયેહૈયું દળાતું હતું. રાજચોગાન આખું માણસોથી ભરાઈ ગયું હતું. એક કાંકરી પડે તોપણ સંભળાય તેવી ગંભીર શાંતિ હવામાં ફેલાઈ ગઈ હતી. ચારે તરફ પ્રગટાવેલી દીપમાળાઓ સિવાય બીજું કોઈ આંખ પણ પટપટાવતું ન હતું. એટલી બધી શાંત ગંભીરતા વાતાવરણમાં આવી ગઈ હતી.
કરણરાય આજે છેલ્લો નિશ્ચયાત્મક જવાબ વાળવાના હતા. આજે કાં પાટણ દુનિયા સામેના તમામ વ્યવહારથી કપાઈને એકલું અટુલું પણ અડગ બનીને ખડકની જેમ જુદ્ધ લેવા માટે ઊભનારું હતું: રોળાઈ ટોળાઈ જવા માટે નો ભયંકર સંકલ્પ કરવાનું હતું; અથવા મહારાજ બીજો નિર્ણય કરે તો, પાટણને છોડીને બધાનો આસવલ તરફ હઠીને ત્યાંનાં ભયંકર જંગલોને આધારે અણનમ જુદ્ધ આપવાનો નિશ્ચય કરવાનો હતો. એક વર્ગને આસાવલનાં જંગલો કિલ્લા સમાં ભાસતાં હતાં. બીજાને એ બહારવટા માટે ઠીક લાગતાં હતાં. પણ નિશ્ચય ગમે તે આવે. યુદ્ધ અનિવાર્ય હતું. આ યુદ્ધ મરણનું જુદ્ધ હતું. સૌ એ સમજી ગયા હતા. જે નગરમાં ત્રીશ ત્રીશ પેઢીની પરંપરા હતી; જ્યાં એમણે દુનિયાભરના વૈભવો આણ્યા હતા ને માણ્યા હતા; જ્યાં એમણે વિજયપ્રસ્થાની સૈન્યના રણઘોષથી કોટકિલ્લાની કાંગરીએ કાંગરી નાચતી જોઈ હતી; જ્યાં એમણે સાધુસન્યાસીઓ, વિદ્વાનોનું સ્વર્ગ જોયું હતું; જ્યાં એમણે માણેક, મોતી, સોનાના વરસાદ જોયા હતા; જ્યાંની નારીઓને જોવા દેવતાઓને માનવજન્મ લેવાનું મન થાય તેવું હતું; જ્યાં એક કરતાં એક ચડિયાતાં ક્ષત્રિયકુલોએ રાજભક્તિ માટે માથાં સસ્તાં કર્યા હતા; ત્યાં આજે હવે એના નિશ્ચિત જણાતા મરણિયા જુદ્ધને, એક પણ માણસ નાહિંમત બનીને, કાળો ડાઘ બેસારી ન દે, એ જોવાનું હતું. તમામના ચહેરા ઉપર એક વાત હતી. અત્યારે આંહીં સાથે જ મરણનો લહાવો લેવાનો ભયંકર નિશ્ચય દેખાતો હતો.
એટલામાં કરણરાય રાજગૃહમાંથી બહાર આવતો જણાયો. એની જરાક જ પાછળ મહારાણી કૌલાદેવી આવી રહી હતી. સાથે આઠ વર્ષની સુંદર રાજકન્યા દેવળ પણ ત્યાં સાથે હતી. ત્રણે જણાં અડક નિશ્ચલતાની મૂર્તિસમાં લાગતાં હતાં. રાજા, રાણી તો ઠીક; પરંતુ પેલી નાનકડી કુંવરી પણ!
રાજકુમારી દેવળે પિતામાતાનું નાનકડું અનુકરણ કર્યું, ત્યારે એક તરફ હાસ્ય ફેલાઈ ગયું. બીજી તરફ કરુણતા રેલી રહી! પ્રસંગ કટોકટીનો હતો. છેલ્લો નિર્ણય લેવાનો હતો. તરત જ ત્યાં હવામાં ભાર આવી ગયો. રાજા શું બોલે છે તે સાંભળવા માટે સૌ એકકાન થઇ ગયા.
પહેલાં મંત્રી માધવ ઊભો થયો. તે કાંઈ કરી શક્યો ન હતો, તેનો અસંતોષ લોકોમાં દેખાઈ આવતો હતો. પણ તેને સાંભળવા માટે બધા એકધ્યાન થઇ ગયા. માધવ મંત્રી બોલ્યો:
‘પાટણના નાગરિકો! આજે તમે સૌ જાણો છો કે તુરુક આંહીં આવી રહ્યો છે. પણ જે પાટણ કોઈ દિવસ નમ્યું નથી, તે આજે હવે નમવાનું પણ નથી. આપણે જાણે કે આ નગરને હવે વિસર્જન કરવા માટે ભેગા થયા છીએ, એમ સમજી લેવાનું છે.’ હવામાં એકદમ જ વધુ ઘેરી ગંભીરતા આવી ગઈ. ‘મહારાજ તમને એનો નિર્ણય હમણાં આપશે પણ જેને લાગતું હોય કે આંહીં, હવે આવનારી ભયંકર યાતના પોતે સહી નહિ શકે, તે ખુશીથી હજી બહાર નીકળી જાય. હજી એક રસ્તો ખુલ્લો છે. હજી એક પુલ ઊભો છે. એ ખેંચાઈ જશે. બે ઘડીમાં જ ખેંચાઈ જશે. પછી તો આંહીં રહેનારાઓને માટે બે જ રસ્તા ખુલ્લા રહે છે. વિજય અથવા મરણ. ત્રીજો રસ્તો આપણે માટે નથી. તમારો નિર્ણય કરી લ્યો. મહારાજ હમણાં પોતાનો નિર્ણય આપે છે.’
‘પણ, ભા! પાટણનો દસોંદી ચરણ મોટેથી બોલી ઊઠ્યો:
‘આવો સમો આવ્યો છે ભા! આ રાજવંશનો દીવો ઓલવાઈ ન જાય એનો કાંઈ મારગ લીધો છે કે પછી વાતું જ? આવે વખતે અમારી સંભારણમાં તો આ વાતનો તોડ પેલો લેવાતો.’
‘એનો નિર્ણય થઇ ગયો છે દસોંદીજી! હમણાં જ તમે જોશો.’
રાણી કૌલાદેવીએ તરત જવાબ દીધો: ‘ગુજરાતનું પાટનગર વંશવિહોણું નહિ રહે પણ તમે સૌ પડખે રહેજો!’
‘તો ઠીક મારી મા! કુળના ગોખમાં એક દિવસો રહેવો જોઈએ. સુખ દુઃખ, જુદ્ધ મરણ, જય-પરાજય એ તો આવ્યા કરે ને હાલ્યા કરે. પણ દીવો ન ઠરે. આ તુરુક પણ આંહીં કેટલા દી?
દશોંદીએ કહ્યું, પણ સૌના મનમાં એ વાતનો જ એક ભયંકર મોટો ઓળો પડી ગયો હતો. તુરુક કેટલા દી? તુરુક લૂંટ કરીને ચાલ્યો જવા માટે આવે છે કે પછી આંહીં ધામા નાખવા આવે છે? તમામ તૈયારી તો ધામા નાખવાની હોય તેમ વાતો આવે છે. પણ જો એ આંહીં ધામા નાખવા માટે આવતો હોય તો તો મહારાજ વનરાજે પાટણ નગર વસાવ્યું, ને એ જ મહારાજને પગલે પગલે મહારાજ કરણરાયે નવી નવી તરકીબો ગોઠવીને એને પાછું મેળવવું રહ્યું! વસાવનારે બહારવટું ખેડ્યું હતું. આજે પણ એ ચરક પાછું ફરીને ત્યાં આવતું જણાતું હતું. બહારવટું ખેડવાનું! જૂનોગઢનો રા’ જેવાના મનમાં એ જ વાત હતી, પણ એ બધી વાત પછીની હતી. સેનાપતિઓ, મંત્રીઓ, મંડળિકના મનની એ વાત હતી. સામાન્ય માન્સ્તો જાણતો હતો કે જુદ્ધ કરવાનું છે. ને એ લાંબુ ચાલવાનું છે.
એટલામાં એક તરફથી શણગારેલી સાંઢણીઓ આવતી દેખાઈ. ત્રણ સાંઢણી હતી. બીજા કેટલાક સાંઢણીસવારો પણ સાથે હતા. થોડા ઘોડેસવારો હતા. એક પાલખી હતી. ગોફણિયા, ભાલાવાળા, તલવારિયા, ચપળ તીરંદાજો. એક નાનું સરખું સો માણસોનું સેન ત્યાં એક ખૂણા તરફ આવી બહાર ઊભું રહી ગયું.
આ કોણ છે ને ક્યાં જવાના છે એમ સૌ હજી કુતૂહલ સેવતા હતા, તેટલામાં તો રાજદરબારમાંથી કરણરાયને બે નાના કુમારો દોડતા આવ્યા. એમણે કેસરી વસ્ત્રો પહેર્યા હતા. ગળે મોતીની માળાઓ લટકાવી હતી. ખભે નાનકડા તીર રાખ્યાં હતાં. નાનકડા સાત-આઠ વર્ષના બંને કુમારો જાણે રણભૂમિમાં લડવા જતા હોય તેમ તૈયાર થઈને આવ્યા હતા. તેમની કેડે તલવારો લટકતી હતી. હાથમાં નાનકડાં ભાલાં પણ હતા. તેમની પછવાડે બે-ત્રણ જબ્બર રણજોદ્ધાઓ આવી રહ્યા હતા. તે કચ્છ વાગડના લાગતા હતા.
નગરજનો અનુમાન કરે કે આ બધું શું છે તે પહેલાં રાય કરણરાયે નાનકડા વાષાંગદેવને ઉપાડી લીધો. મહારાજ કરણરાય જરાક આગળ આવ્યા. સૌ તરફ જોઈ રહ્યા. ધીમેથી બોલ્યા: ‘નગરજનો! સોમનાથ આ જુદ્ધમાં આપણને વિજય અપાવશે જ. આ બંને રાજકુમારો તમારા ભવિષ્યના રાજાઓ છે. એમને તમે વીસરી જતા નહિ. આજે એ તમને એટલા માટે મળવા આવ્યા છે. આ ઘડીએ તો હું એમને વિદાય આપી રહ્યો છું! કચ્છ વાગડ પંથકમાં એ સૌ જાય છે. ભગવાન સોમનાથ એમને લાંબી આવરદા આપે અને આપણે સૌ ભેગા મળીએ!’
મહારાજ કરણરાય આ બોલ્યા ત્યારે કોઈને સાંભરી પણ આવ્યું હશે કે મહારાજ વનરાજદેવે પણ એ તરફ જ ગુપ્તવાસ કર્યો હતો. આજે એમણે સ્થાપેલી નગરીના છેલ્લા વારસો પણ એ તરફ જ જઈ રહ્યા હતા.
ઈતિહાસ કેટલીક વખત કેવાં સુંદર ચક્રો રચે છે!
મહારાજ બોલતા બંધ થયા, અને વાતાવરણ એકદમ ગંભીર થઇ ગયું. એટલામાં તો બંને કુમારની માતાઓ પણ ત્યાં આવી પહોંચી. વિદાયની ઘડીમાં કોઈ કાંઈ બોલી શકતું ન હતું.
તેમણે બોલ્યા વિના જ મહારાજને પ્રણામ કર્યા. નગરજનો તરફ ફરીને એમણે માથું નમાવ્યું. ને પછી બે હાથ જોડીને જાણે કે છેલ્લી વિદાય માગી!
વાતાવરણમાં શોકની ઘેરી છાયા આવી ગઈ. બંને કુમળા કુમારોને રાજા બહાર મોકલી દેતો હતો. બીજો કોઈ ઉપાય પણ ન હતો, પાછા એ રાજપિતાને મળશે કે નહિ તે કેવળ ઈશ્વરાધીન હતું!
બંને રાણીઓ અને કુમારો પોતાના વળાવા સેન તરફ ચાલ્યાં.
બંને રાણીઓને અને રાજકુમારોને વિદાય આપવા માટે કરણરાય પોતે, ને કૌલાદેવી પણ સાંઢણીઓ ઊભી હતી તે તરફ એમની સાથે ત્યાં ગયાં. નગરજનો, મંત્રીશ્વરો બધા ભારે ડીલે એ દ્રશ્ય જોઈ રહ્યા.
રાણીઓ સાંઢણીઓ ઉપર ચડી બેઠી. કુમારોને મહારાજે એક વખત હેતથી ભેટી લીધું. વજ્જર દિલ કરીને મહારાજે તેમને વિદાય આપી. સાંઢણીઓ ઊપડવા માટે અધીરી થઇ ગઈ. પણ એ જ વખતે એક માણસ ઉતાવળે તેમની તરફ આવી રહેલો દેખાયો.
મહારાજે તેની તરફ જોયું. જેની રાહ જોવાઈ રહી હતી તે જ હતો. સોઢલજી વખતસર આવી ગયો હતો. ને મહારાજ પાસે ઉતાવળે આવી પહોંચ્યો.
તેની પાસે શું સંદેશો છે એ જાણવા માટે મહારાજે ઉતાવળે તેના તરફ જોયું. ઊપડવા માટે અધીરી સાંઢણીઓને સાંઢણીસવારોએ જરાક થોભાવી.
સોઢલજી છેક પાસે આવ્યો. તે મહારાજને નમ્યો. મહારાજે ઉતાવળે પૂછ્યું: ‘સોઢલજી! શું છે બોલી નાખો. વખત પળેપળનો કીમતી છે!’
સોઢલજીના મોંમાંથી ધીમા પણ વજ્જર સમાં શબ્દો આવ્યા: ‘મહારાજ! જુદ્ધ ન થાય તો રાજવંશ લાંબો ચાલે; ભવિષ્યમાં એનો ઉત્કર્ષ થાય...’
‘અને જુદ્ધ થાય તો?’ મહારાજે ઉતાવળે પૂછ્યું.
‘મહારાજ! જુદ્ધમાં સર્વનાશ છે! કોઈ કોઈના ન રહે. કોઈ કોઈને ન મળે. ચાંગદેવજીના પોતાના આ શબ્દો છે. જુદ્ધ ખતરનાક નીવડે. સમાધાન વડે અભ્યુદય, વંશવેલો ટકે, રાજ રહે, ભવિષ્યમાં ઉદય થાય.’
‘જુદ્ધમાં સર્વનાશ થાય એમ? સર્વનાશ એટલે શું? સોઢલજી! સર્વનાશ એટલે?’ મહારાજ કરણરાયના શબ્દોમાં સોઢલે પહેલી વખત વિહ્વળતા દેખી. તે પણ ધ્રૂજી ગયો. ‘સર્વનાશ એટલે મહારાજ! તમામનો નાશ. કોઈ રહે નહિ. કાંઈ રહે નહિ. ક્યાંય રહે નહિ. રહે તે રખડતાં, ભટકતા!’
રાજકુમારો જવાની તૈયારી કરીને ખડા ઊભા હતા. સોઢલજીના શબ્દો સ્પષ્ટ હતા. એ જાય એ પળ પછી એ જાય પછી એમને કોઈ દિવસ હવે દેખવાના ન હતા. આ વાણી એવી હતી. તે દિવસે પોતાને આવેલું સ્વપ્ન પણ એવું હતું.
કરણરાયના દિલમાં જેમ લોઢાના ખીલા કોઈએ માર્યા હોય તેમ સોઢલના શબ્દો ખૂંચી ગયા હતા.
‘સર્વનાશ!’
પણ છતાં કરણરાયે વિહ્વળતા અને વ્યગ્રતાને એ વખતે તરત પોતાના અંતરમાં સમાવી દીધાં. એક પળ એ દેખાઈ ગયાં એટલું જ. પોતાનાથી બીજું કાંઈ થઇ શકે ન નહિ તુરુકને નમાવવાનું બને જ નહિ. નષ્ટ થવાનું જ રહે. એ ચૌલુક્ય કુલનો હતો. કોઈને એ નમી શકે નહિ, તે સાંઢણીની વધુ નજીક ગયો. બંને રાજકુમારોના હાથને પ્રેમથી, મધુરતાથી, મૃદુતાથી અડકી રહ્યો. બોલી તો કાંઈ ન શક્યો. એના મનમાં હજી પણ સોઢલજીના શબ્દોનો મોટો પડઘો પડી રહ્યો હતો: ‘સર્વનાશ!’ ને સમજી ગયો. પોતાને માટે કુમારોનો આ છેલ્લો સ્પર્શ છે. આ સ્પર્શ છૂટ્યા પછી, કોઈ દિવસ આ કુમારોને મળવાનું નથી! આ કુમારોને જોવાના નથી. રમાડવાના નથી. નિહાળવાના નથી. બોલાવવાના નથી. આ એક નાનકડી પળ – એ છેલ્લી પળ છે, છેલ્લી!
કરણરાયની આંખમાં એક નાનકડું અદ્રશ્ય આંસુ આવી ગયું. પણ કોઈ જાણે તે પહેલાં એમણે હાથ ઉપાડ્યા પહેલા ખંખેરી કાઢ્યું. રાણી કૌલાદેવી રાજાની વ્યથા જોઈ રહી હતી. સોઢલજીના શબ્દો ભયંકર હોવા જોઈએ, તે સમજી ગઈ. કરણરાય કુમારોના હાથને ફરી ફરીને અડકી રહ્યા! બંનેના હાથને એક પળ પ્રેમથી રમાડી રહ્યા! એ હાથને છોડવાનું એમને મન થતું ન હતું. એક વખત એમનો સ્પર્શ ગયો... પછી... તે વિચાર આવતાં ધ્રૂજી ગયો. પણ વખત ન હતો. શોકભરેલા હ્રદયને એણે અંદર જ શમાવી દીધું.
એણે તરત વજ્જર જેવું દિલ કરીને કુમારોને કહ્યું: ‘બેટા! મારી એક વાત યાદ રાખજો, મારી તમને એ છેલ્લી ભેટ સમજી લેજો. નષ્ટ થઇ જજો. કોઈને નમતા નહિ.’ રાજાએ બોલ્યા વિના ભારે હૈયે જરાક નિશાની કરી અને સાંઢણીવાળાએ સાંઢણીઓ તરત ઉપાડી! બંને રાણીઓ, કુમારો, સૌ મહારાજને નમી રહ્યા.
રાજા સાંઢણીઓને જતી જોઈ રહ્યો! જોઈ જ રહ્યો! કેટલી વાર સુધી જોઈ રહ્યો!
કુમારોના નાનકડા હાથ હજી દેખાતા... હ...જી દેખાતા હતા. સાંઢણી પણ એ જાય! એમ એની આંખો જોઈ રહી હતી પણ... પણ... કરણરાયને આંખે તમ્મર આવી ગયાં. સાંઢણીઓ એક પળમાં જ પછી, અદ્રશ્ય થઇ ગઈ. રજાનો ને કુમારોને દ્રષ્ટિ-સ્પર્શ પણ છૂટી ગયો હતો... એનું હ્રદય અસહ્ય વ્યથા અનુભવી રહ્યું. હવે એમને કોઈ દિવસ જોવાના ન હતા. પણ એટલામાં તો માધવ મંત્રીનો શબ્દ એના કાને પડ્યો:
‘મહારાજ! તુરુકનો માણસ આવ્યો છે. મહારાજને મળવા માગે છે.’ કરણરાયે ઉતાવળે પાછળ જોયું. માધવ મંત્રી ત્યાં ઊભો હતો.
‘કોણ છે?’
‘પોતાનું નામ મુહલ્હન બતાવે છે.’ માધવે કહ્યું.
‘આવવા દો એને! આવવા દો! હવે ભલે આવે. આવવા દો!’
માધવને રાજાના વધુ પડતા ઉતાવળા વ્યગ્ર જવાબથી નવાઈ લાગી. થોડી વારમાં જ એક આંખે પાટા બાંધેલો તુરુક ત્યાં દેખાયો. તેની સાથે બે-ત્રણ શસ્ત્રધારી સૈનિકો તેની સંભાળ માટે આવી રહ્યા હતા.
કરણરાયે સભાસ્થાન તરફ જતાં જતાં નિશાની કરી. તરત પેલા સૈનિકોએ તેની આંખેથી પાટા છોડી નાખ્યા. તે નવાઈ પામ્યો હોય તેમ ચારે તરફ જોઈ રહ્યો. એને ઘણે દૂરથી આ પ્રમાણે ચલાવતા ચલાવતા સૈનિકો લાવ્યા હતા. તેને સભાસ્થાનમાં કરણરાય સમક્ષ ખડો કરવામાં આવ્યો. તેણે મહારાજને કુર્નિશ બજાવી. અદબ વાળીને એ એકબાજુ ઊભો રહ્યો.
મહારાજે સૌ સાંભળે તેમ મોટેથી એને પૂછ્યું: ‘અલ્યા ભાઈ! બોલ તું કોણ છે? ક્યાંથી આવે છે? કોનું કામ છે? શું નામ છે તારું?’
‘મારું નામ મુહલ્હન... નહરવાલાના રાય રાયાનને મારે સમાચાર આપવાના છે! મુહલ્હને અદબથી જવાબ વાળ્યો.
‘તને કોને મોકલ્યો છે?’
‘દિલ્હીના બાદશાહ સિકંદરે સાની અલાઉદ્દીન બિન નસીરુદ્દીન સરસેનાપતિ અલમસ બેગ ઉલૂગખાન મલેક મૂઇઝુદ્દીનનો હું કાસદ છું.’
‘શું સમાચાર આપવા છે, બોલ?’
‘બાદસાહ સલામતે, નહરવાલાની દોસ્તી હાંસિલ કરવા પોતાના વઝીર અને સીપાહસાલારને આંહીં મોકલ્યા છે!’
‘દોસ્તી હાંસિલ કરવા?’
‘દોસ્તી હાંસિલ કરવાનો બાદશાહ સલામતનો રસ્તો જુદો છે રાય રાયાન! જે બાજગુઝાર બને છે, તે બધા બાદશાહ સલામતના દોસ્ત બને છે. બાદશાહ સલામત એમને શાહી હઝાર સિતુનમહાલમાં* બોલાવીને માનઅકરામ આપે છે. એમને બાદશાહ દોલતમંદખાનનો ઈલ્કાબ આપે છે. એવા નસીબદારોમાં નહરવાલાના રાય રાયાનને બાદશાહ સલામત લાવવા માગે છે. રાય રાયાન દોસ્તીની ખ્વાહિશ ધરાવતા હોય, તો બાદશાહ સલામતે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. જે બાજગુઝાર બને છે તે બાદશાહ સલામતનો જિગરજાન દોસ્ત બને છે. દોસ્તીની આ રીત છે. નહરવાલાના રાયજી!’
*હજાર થાંભલાનો મહેલ
‘માધવ મહેતા! આ શું બોલે છે? બાજગુઝાર બને છે એટલે? એ શું છે?’
માધવ મહેતાએ હાથ જોડ્યા: ‘બાજગુઝાર બને એટલે ખંડિયો બને. તેને બાદશાહ જીવતો રહેવા દે!’
‘કોનો ખંડિયો બને? કોણ ખંડિયો બને? પાટણનો રાય ખંડિયો બને એમ? અને કોનો? કોઈનો નહિ ને આ તુરુકનો? મીલીચ્છીકારનો? આ માણસને આંહીંથી રવાના કરી દો સોઢલજી! સંદેશો મળી ગયો. એને જાવા દો!’
‘રાય રાયાન! મલેક નુસરતખાન વઝીરે સલ્તનત અને સરસેનાપતિ ઉલૂગખાન બંને આંહીં દોસ્તીદાવે આવી રહ્યા છે. દોસ્તી હાંસિલ નહિ કરનારો દુશ્મની મેળવશે. એમની પાસે વીસ હજારનું દળ છે. બેસુમાર ઘોડાં છે. હાથી છે. અગનગોળા વરસાવતી મીનજનિકો છે, હેરક મોકલીને ખાતરી કરો. પછી જવાબ વાળો. ખોફ વોરવા કરતાં મહેરબાની હાંસિલ કરવામાં તમામ શહેરની અને શેરીઓની સલામતી છે. શહેર બચી જશે. રાજ બચી જશે. ઈજ્જત-આબરૂ રહી જશે. બાદશાહ સલામતની પાક હાજરીમાં ઈલકાબો મળશે. રાજ ટકી જશે. શાહજાદાઓ મોજમજા કરશે.’
‘તે કહી લીધું અલ્યા? જો અમે સંદેશો લાવનારને મારતા નથી. પણ તું તારા વજીરને જઈને કહે, જા એણે લડાઈ માંગી છે, અને એને આંહીં લડાઈ મળશે. એ ધરાઈ જાશે ત્યાં સુધી આહીંથી લડાઈઓ મળ્યા કરશે. હવે એક પણ શબ્દ બોલ્યા વિના ચાલ્યો જા. સોઢલજી! એને બંદોબસ્તથી બહાર મૂકી આવો. જ અલ્યા! એને આંખે મજબૂત પાટા બાંધી દો...’
સંદેશો લાવનારને તરત જ ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યો. એ થોડેક આઘે ગયો હશે ત્યાં એક તરફથી કોઈ દોડતું આવ્યું. મહારાજ સભામાં તરત એને કળી ગયા. મહુડાસાના વૃદ્ધ કેસરીજીને મહારાજ ઓળખતા હતા. એના વૃદ્ધ શરીર ઉપર અસંખ્ય પાટાપિન્ડા બાંધ્યા હતા. એનું હાડ ક્રોધથી ધ્રૂજતું હતું. એની આંખોમાં અગ્નિ પ્રગટ્યો હતો. તેણે મોટા ત્રાડ પાડતા સાદે કયું: ‘બાપ! મીલીચ્છીકારનો હવે પડછાયો પણ લેતા નહિ. મહુડાસામાં બત્તડદેવ ઢળી પડ્યા છે!’
‘બત્તડદેવ ઢળી પડ્યા? ક્યારે?’
‘હા બાપ! રાજા કરણ! બત્તડદેવ ઢળી પડ્યા. અને ઢળતાં ઢળતાં મને સંદેશો દેવા સારું આંહીં મોકલ્યો છે. એણે કહેવરાવ્યું છે કે મહારાજને કહેજો, બત્તડના રાઈ રાઈ જેવડા ટુકડા થઈને એ ઊડી ગયો છે, પણ તુરુકને નમ્યો નથી, તે છેવટ સુધી નમ્યો નથી!’
‘બોલો બત્તડદેવ વીરની જે... બોલો જય...’ કરણરાયે ઊભા થઈને બત્તડને માન આપતાં ઘોષ કર્યો.
‘જય સોમનાથ’ની ભીષણ રણભેરી જેવી ગરજને વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું. સૌ યુદ્ધના રંગમાં આવી ગયા.