Raay Karan Ghelo - 29 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 29

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 29

૨૯

રા’ માંડલિકનો હલ્લો

 

બીજે દિવસે અરધી રાત થઇ  ન થઇ ત્યાં મહારાજ કરણરાયના યુદ્ધ મંત્રણાખંડમાં જોદ્ધાઓ આવી ગયા. સૌ ગંભીર હતા. શાંત હતા. મરણિયા હતા. ઉત્સાહથી ભરેલા હતા. ત્યાં ખૂણામાં એક બે-દીપીકાઓ જ ધીમી  બળી રહી હતી. મીનજનિકોમાંથી પથરાનો ભયંકર મારો પાટણના ઉપર આવવાનો હરઘડીએ ભય હતો, રાતે તો જેમ બને તેમ નગરને અંધારપટમાં રાખવામાં આવતું.

પાટણના કોટકિલ્લા ઉપર પણ ‘આરાદાસ’ ગોઠવાઈ ગઈ હતી. એના મીણ પાયેલા દોરામાંથી  જે પથરા ફેંકાતા, તે મીનજનિકના મારાને ટક્કર મારે તેવા નીવડતા. અચૂક નિશાની તીરંદાજ ભીલો પણ કિલ્લા ઉપર ઠેર ઠેર ચોકી રાખતા ઊભા હતા. એટલે અસાવધનો લાભ લઇ લે તેવો ભય ન હતો. છતાં હરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવતી હતી. 

રા’માંડલિકની બધા રાહ જોતા હતા. આ મરણિયો હલ્લો એ દોરવાનો હતો. રાણી કૌલાદેવી પણ અત્યારે આંહીં આવ્યા હતા. રા’ને વિદાય આપવાની હતી. એટલામાં રા’ એક તરફથી આવતો દેખાયો. જૂનોગઢના સોરઠી રણરંગી જોદ્ધાને જે કુદરતી આકર્ષણ ખેંગાર પરંપરાથી મળતું રહેતું હતું, તેની તોલે કોઈ આકર્ષણ ન આવે એ રા’ને જોતાં જ સ્પષ્ટ થઇ જતું હતું. સિંહભટ્ટ, સોઢલજી, માધવ મહેતો, મહારાજ, રાણી સૌ એને આવતો જોઈ રહ્યાં.

જુવાન, મોહિનીભરેલો, તેજસ્વી, રૂપાળો અને આકર્ષક રા’ જાણે હવાને પણ મોહ પમાડે તેવો લાગતો હતો. એનામાં ગજબનો ઉત્સાહ દેખાઈ આવતો હતો. એવી જ એની ચપળતા હતી. એવી જ બેપરવાઈ હતી. મરણને જાણે હથેળીમાં રમાડતો હોય, એવી અજબ લાપરવાહી દેખાડી રહ્યો હતો. એને જાણે આખી પૃથ્વી જુદ્ધઘેલા રંગથી નાચી રહેલી જણાતી હતી. એનો જુવાન, રણરંગી, રણઘેલો, રણશૂરો ચહેરો અત્યારે જાદવકુલના રસેશ્વરની મોહિની ધારી રહ્યો હતો. એની મોટી લાલ આંખમાં યુદ્ધનો પ્રેમ બેઠો હતો. હાથમાં ઉત્સાહ હતો. પગમાં જાણે બધાને હાથતાળીદેવાનો થનગનાટ હતો. એ ત્યાં આવ્યો. અને સભામાં જાણે એકલવીર જેવો શોભી રહ્યો. એના માથા ઉપરનું કેસરી મંદિલ એની નસેનસમાં વહી રહેલા ઉત્સાહને પ્રગટ કરતું હતું. એ જુદ્ધ કરવા નહિ, પણ જાણે કોઈ પેમિકાને મળવા જતો હોય તેમ, પળે પળે આનંદની ફોરમથી ફોરી રહ્યો હતો. અને જોતાં જ માણસ એના લાપરવાહી યુદ્ધ પ્રેમનો ભક્ત બની જાય, એવી અજબ જેવી આકર્ષતા એનામાં અત્યારે પ્રગટી રહી હતી.

તેણે આવતાંવેંત જ ઉત્સાહથી કહ્યું: ‘મહારાજ, અમને રજા આપો, અમે ઊપડીએ. પણ તે પહેલાં મારે એક વાત કહેવાની છે. અમે જાણે થાય એટલું કરી છૂટીને સોમનાથ ભેગા થઇ જઈશું. આ તુરુક ત્યાં આવવાનો જ છે. એ વાત ચોક્કસ મળી છે. આંહીં ખેદાનમેદાન થઇ જાય તો ભલે, બાકી આવવાનો ચોક્કસ. મેં તો એમ પણ સાંભળ્યું છે કે એક સેન તો એણે ક્યારનું સોમનાથને પંથે રવાના પણ કર્યું છે!’

‘કોણે કહ્યું? સોમનાથને પંથે?’

‘ઊડતી વાત છે. તો મંત્રીજી આપે તે!’

‘એ વાત ખોટી,’ માધવે કહ્યું, ‘પણ તુરુક ત્યાં આવવાનો છે. એ ચોક્કસ!’

‘એ હવે ગમે તે હોય, મહાઅમાત્યજી! પણ પછી હું વાત ભૂલી જઈશ, એટલે વહેલી તકે પહેલી એ કહી દઉં. મેં જાણે એક વાત આમાંથી જાણી લીધી છે. મારે મહારાજને એ જ કહેવાની છે. મહારાજ! આ તુરુક અનેક જાતના હથીયાર લઈને દોડ્યો આવ્યો લાગે છે પણ એના બધાંય હથિયાર એક વસ્તુ પાસે હંમેશા બૂઠાં થઇ જવાના છે!’

‘કઈ વસ્તુ માંડલિકજી?’

‘મહારાજ! જે બહારવટે ચડે છે, તે છેવટે જીતે છે. અણનમ બહારવટું, મોટાં મોટાં રાજને ખોખરાં ને પોલાં કરી નાખે. દળનાં દળ એની પાસે કૂચા. એની ચાલને કોઈ ન પહોંચે. એને કોટ-કિલ્લાનું કામ નહિ. ઘેરાવનો ભે નહિ. એની અણનમ રાજપૂતીનો જશ વધતો જ રહે. ઈ ગાજે એટલામાં એનો કપાળગરાસ. એને મોટું સેન લઈને વશ કરવા નીકળે તો વશ કરવા નીકળનારો જ લાજે! મોટા સેન વિના નીકળે તો એ ગગો પોતે તળ રહી જાય! મહારાજ મને તો આ સૂઝે છે. બહારવટું ખેડશે, એ બધાયને જીતી જશે. એટલે મારે મારાજ પસેથી વેણ લેવાનું છે. એ વેણ મળે, પછી હું આ હલ્લો કરવા જાઉં!’

‘શું વેણ છે માંડલિકજી?’

‘બીજું કાંઈ નહિ મહારાજ! હું ભવિષ્ય ભાખતો નથી. પણ જુદ્ધનાં તાજવાં તો આમ પણ હાલે ને તેમ પણ હાલે. એ તો હાલ્યા કરે. પણ મહારાજે આ જુદ્ધને આંહીં બંધ ન કરવું. આંહીં મરણિયું જુદ્ધ કરી ન નાખવું. લાગે કે હવે કોઈ કારી નથી, ત્યારે જૂનોગઢનો ડુંગરેડુંગરો મહારાજને સંઘરવા સારું તૈયાર બેઠો છે. દિલ્હીવાળાનું હાડકેહાડકું એમાં ભાંગી જશે – જો મહારાજ કરણરાય અણનમ બહારવટે રહેશે તો. બાકી જો આંહીં જુદ્ધ ખતમ કર્યું, ને છેલ્લું રામરામ કર્યું તો જુદ્ધ હારી જાશું. મહારાજ, મને વેણ આપે કે જુદ્ધ ચાલુ રાખવું છે – પછી હું ચાલી નીકળું. હું મહારાજની ભેગો જ છું!’

‘જુદ્ધ તો માંડલિકજી! એ જે આવ્યું છે – તેનો કોઈ અંત નથી. આપણો અંત આવશે. હું, તમે, ભલેને કોઈ ન હોઈએ, આ જુદ્ધ રહેશે!’

‘બસ મહારાજ! મારે આ કહી દેવાનું હતું. ગુજરાતનો રાય જુદ્ધ બંધ કરશે, ત્યારે માત્ર હારશે. એ જુદ્ધ બંધ નહિ કરે તો ગીરના જંગલ છે, ડુંગરા છે, દંડકારણ્ય છે, અર્બુદમાળા છે, એ બધાં એનાં અણનમ કિલ્લા છે. એ કોઈ દી હારે નહિ. આ વાત મનમાં  બેઠી હતી. એ મેં કહી નાખી. હવે હું ઉપડું મહારાજ! મારે મોડું થાય છે. મને મહારાણી બા! આશીર્વાદ આપો!’ 

મહારાણી કૌલાદેવી આગળ આવ્યાં. તેણે રા’ને પ્રેમથી કંકુકેસરનો ચાંદલો કર્યો. ડોકમાં મોતીની ફૂલમાળા નાખી. હાથમાં, મહારાણીબા આ ખાસ પ્રસંગ માટે લાવ્યાં હતાં, તે તલવાર આપી. એને ખભે પ્રેમથી હાથ મૂક્યો: ‘રા’!’ તેણે દ્રઢતાથી કહ્યું: ‘અણનમ છો ને અણનમ રહેજો.’

એ જ વખતે રણશિંગું ફૂંકાયું. રાજમેદાનમાં ત્રણ હજાર ઘોડેસવારો ઊપડવા માટે થનગની રહ્યા હતા.

સોઢલજી આગળ આવ્યો. તેણે રા’ને પ્રણામ કર્યા.

માધવ મંત્રી રા’ પાસે આવ્યો. ધીમેથી રા’ના કાનમાં કહ્યું: ‘રા’ મારું એક વેણ પાળશો!’

‘શું છે, મહાઅમાત્યજી?’

‘આંહીંથી હું પણ સોમનાથ જ આવવાનો છું. મારે ત્યાં દેહ પાડવો છે!’

‘અરે! કાંઈ ગાંડા થયા છો મહાઅમાત્યજી? મેં તો આ વાત એટલા માટે કરી કે, મહારાજ હશે તો જુદ્ધ રહેશે, નહિતર પછી જુદ્ધ કેવું? બાકી તો તમારું નામ રહી જવાનું છે!’

‘રહી જાય રા’! પણ અમને વખત રહ્યો નહિ. તુરુક અગનગોળા લાવ્યો છે, એમ કેસરજીએ કહ્યું. જુદ્ધનું પરિણામ અનિવાર્ય જેવું છે. પણ તમે કહ્યું તે બરાબર છે. મહારાજ જુદ્ધને ચાલુ રાખે, પોતે એ રીતે જુદ્ધને દોરતા રહે. હું ત્યાં આવીશ. રા’! મને તમારી પડખે સોમનાથના સાંનિધ્યમાં દેહ ઢાળવા દેજો. એટલું મારે માગી લેવાનું હતું.’

‘અરે! મંત્રીરાજ!...’

રણશિંગામાં રા’ના બીજા શબ્દો ઊડી ગયા. ત્રણ હજાર ઘોડેસવારોનો સમુદ્ર ખળભળતો અવાજ ઊપડ્યો. પાટણની બહાર એ નીકળ્યા. પુલ મુકાયો. સૌ ચાલ્યા ગયા. દરવાજા પાછા બંધ થઇ ગયા. બુરજ ઉપરથી સૌ એમને અંધારામાં જતા જોઈ રહ્યા.

રા’એ ધાર્યું તો હતું જ કે, તુરક પણ મહા ખેપાની છે. એટલે એ આ વાતથી તદ્દન અજાણ નહિ હોય. પણ એને એની કાંઈ પડી ન હતી. એનું અશ્વદળ તુરુકથી થોડે છેટે આવ્યું. ત્યાં સુધી કાંઈ અવાજ આવતો જણાયો નહિ.

‘હર હર મહાદેવ’ના પ્રચંડ ધ્વનિ સાથે આકાશમાંથી જેમ બાર મેઘ તૂટે એમ રા’માંડલિક ત્રણ હજાર સવારો સાથે તુરુકની છાવણી ઉપર તૂટી પડ્યો. તેણે જ્યાં જ્યાં દરવાજો હતો ત્યાં ત્યાં હલ્લો કર્યો. પણ જેવો હલ્લો કર્યો કે તુરુકોને એણે પોતાની પાછળ દીઠા. આગળ તો મોટી છાવણી પડી હતી. હવે આગળ વધવામાં રહેલું જોખમ રા’ કળી ગયો. એમાં ઘેરાઈ જવાનો ભય હતો. તેણે હલ્લાને પોતી પાછળના દળ ઉપર ફરીને દોર્યો. એ જ વખતે જે ગગનમાંથી વીજળી ખરે તેમ, મીનજનિકમાંથી અગનગોળા પોતાના ઉપર આવતા તેણે દીઠા. એની આગળપાછળ અગ્નિ પથરાવા લાગ્યો. તેલિયાં સળગતાં કપડાં, નેફતની તેલશીશીઓ, નખતેલ એનો વરસાદ વરસતો હતો. અને જાણે અંધારું સળગતું હોય તેમ બધે અગ્નિ પ્રગટતો હતો. રા’નાં ઘોડાં આ વાતને ટેવાયેલાં ન હતા. તે હવે કબજામાં ન રહ્યાં. એમણે ગાંડી દોટ મૂકી. અને તુરુકો એમને વધુ નુકસાન કરે તે પહેલાં તો એ બધાં અદ્રશ્ય થઇ ગયાં. રા’ નુકસાન વિના ભાગી છૂટ્યો, તેઓ એના હલ્લાની તુરુક ઉપર પણ કાંઈ અસર ન થઇ.

રા’ને પહેલવહેલાં સમજાયું કે જુદ્ધના રંગ તદ્દન બદલાઈ ગયા છે. પણ એને માટે તો પોતાની ગિરનારી ડુંગરમાળામાં રણરંગી બહારવટાં હજી એવાં ને એવાં આકર્ષક હતાં.

ભલેને ગમે તે હથીયાર આવે, ગમે તે સેન આવે, ગમે તે બાદશાહ આવે, એનો ડુંગરો એને સાચવવા માટે સમર્થ હતો. હલ્લો અફલ જતાં તેણે સોરઠને રસ્તે સોમનાથ પહોંચી જવા માટે દોટ મૂકી. 

રા’માંડલિક ગયા પછી પાટણમાં યુદ્ધની ગંભીરતા વધતી ચાલી. રા’ના હલ્લાને આગળના ગોળાએ અફળ બનાવી દીધો હતો. મીનજનિકોમાંથી હંમેશા વધુ ને વધુ પથરા પડવા લાગ્યા. ચૌટાં, ચોક, ગોખ, છજાં, માળિયાં – આખી નગરી પથરાઓથી ભરાવા લાગી. કંઈક ધજાઓ ને શિખરો ભાંગવા મંડ્યા – તીરના મારા કરતાં પણ એમનું જોર વધારે જણાતું હતું. તીરોનો સતત મારો તો ચાલતો જ હતો. કિલ્લાએ હજી મચક આપી ન હતી. દીવાલોની સાથે અથડાઈને પથરાઓ નાળિયેરની જેમ પાછા ફેંકાઈ જતા હતા. પાટણના તીરંદાજોએ પણ કિલ્લાના બુરજો ઉપરથી વરસાદની હેલીની જેમ સામે તીરો વરસાવવાના શરુ કર્યા હતા. એક પળ પણ એ હેલી બંધ પડતી નહિ. કિલ્લાની નજદીકમાં કોઈ ફરક્યો કે ઊડ્યો જ છે, એવી અચૂક નિશાનબાજી મંડાઈ ગઈ. રાતદિવસ ગણ્યા વિના સૈનિકો ને સરદારો ઘૂમતા હતા. 

બધે જ કરણરાય પોતે હાજર જણાતો. પણ તુરુકોએ થોડા દિવસમાં જ ઘટ્ટ ચર્મ ઘટા બાંધી દીધી અને ખાઈઓને પૂરી નાખવા માટે માણસોને કામે લગાડયાં. રેતીના થેલાઓ પડવા માંડ્યા. ગધેડાં આવ્યા. ઢેફાં ઢળિયા માટીના ઢગ થયા. ઝાડ, બીડ, પાન, ઇંટોના ઢગલા થયા. ઉપરથી ગોફણિયાઓનો પથરાઓનો વરસાદ તો ચાલુ જ હતો. કિલ્લા ઉપરથી વરસાદ તો ચ હાલું જ હતો. કિલ્લા ઉપરથી મોટા મોટા પથરા ગબડવા માંડ્યા. તીરંદાજોએ ઘટ્ટ તંબુપટ્ટને ચારણીની માફક વીંધી નાખ્યો, એટલે અત્યારે ખાઈઓ પૂર્વ જતાં હજારોનો ઘાણ નીકળે તેવું લાગ્યું.

તુરુકોએ ચાલ બદલી. એમણે પાટણના કોટ જેટલી ઊંચાઈના ‘દમદમા’ ઠેકાણે ઠેકાણે ઊભા કરી દીધા. આખા નગર ઉપર મારો થાય એવી નાની મીનજનિકોમાંથી પથ્થરમારો શરુ કર્યો. એક એક મણના પથરા પડવા લાગ્યા. તુરુકોએ આ મીનજનિકોને તારદોર વડે ઘણી જ વધુ બળવાન બનાવી દીધી હતી. એમાંથી છૂટતા પથરા તીરની માફક સડેડાટ ઊંચે ચડતા. ત્યાંથી વીજળીની માફક નીચે પડતા. પાટણના ને તુરુકના, પથરા સાથે પથરા ભટકાવાથી આકાશમાં આવ ઝરવા માંડી. ચારે બાજુ જાણે પથરાઓ જ પથરાઓ દેખાવા લાગ્યા! ઘડીભર તો લાગ્યું કે નગર આખું પથરાઓથી ભરાઈ જશે!

અણધારી રાતે નિસરણીઓ મૂકીને દુર્ગ ઉપર ચડી જવાના પ્રયત્નો પણ તુરુકોએ કરી જોયા. પણ હરેક જગ્યાએ રાજા કરણરાય પોતે ઊભેલો દેખાતો હતો. એની આંખમાં નિંદ્રા ન હતી. શરીરને થાક ન હતી. મનને આરામ ન હતો. 

તુરુકોએ ‘સંગેમગરિબી’ ગોઠવી. તેમાંથી આગગોળા જેવા બારૂદનો વરસાદ વરસાવવો શરુ કર્યો. સળગતા પદાર્થો પડવા માંડ્યા. ઠેકાણે ઠેકાણે કાંઈ ને કાંઈ સળગતું પડવા માંડ્યું. કીચડ, દુર્ગંધી, નખતેલ, સળગતા કાકડા, અગનગોળાની જેમ, આકાશમાંથી આવવા માંડ્યા. નગર આખું આવા મારાથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ગયું. ધાન્ય ભંડારો સળગવાનો ભય ઊભો થયો. કોઈ વખત મોટી આગ  થઇ જવાની સૌ કોઈને બીક લાગી. પણ રેતી-માટી વડે સળગતું કાબૂમાં આવી જતું. આવું જુદ્ધ જિંદગીમાં જોયું ન હતું. રણજોદ્ધાઓ લડતા, હોકારા થતા, તીરો, તલવારો ને ભાલાથી અનેક રણમાં પડતા, એવા જુદ્ધ સૌની સાંભરણમાં હતા. જુદ્ધ આવાં હોય, એમ સૌ માનતા. પણ તુરુકનું આ જુદ્ધ નવી નવાઈનું નીકળ્યું હતું. છતાં કિલ્લામાંથી કોઈ મચક આપવામાં તો માનતું ન હતું. એક પથરાનો જવાબ દસ તીરથી વાળવામાં આવતો. તો સામેથી તુરુકો પણ એક તીરના બદલામાં પંદર અગનગોળા ફેંકતા. ભયંકરતા વધતી ચાલી. દિવસ અને રાત એક થઇ ગયાં.

પણ તુરુકો એક વાત જાણતા હતા. દિવસો જેમ જાય છે તેમ કિલ્લો નબળો પડતો જાય છે. છેવટે તો ઘેરાયેલા જ મૂંઝાવાના છે. ધાન્ય ખૂટે, પાણી ખૂટે, માણસો ખૂટે કાં ખૂટલ બને. બહારની સાથે પાટણનો જરા જેટલો પણ વ્યવહાર ન રહે, એ માટે તુરુકોએ ચારે તરફ સેંકડો ચોકીદારોને ઘોડેસવારોને ફરતા રાખ્યા હતા. એટલે ક્યાંયથી કોઈ છટકે તેવું પણ ન હતું. 

પાટણમાં પણ આ વસ્તુસ્થિતિથી સૌ જાગ્રત હતા. ગમે તે પળે કેસરિયાં કરવાનાં આવશે જ. એ ભીષણ નિશ્ચયથી જ બધા લડી રહ્યા હતા. યુદ્ધનો આગ્રહ ઘોર પરિણામને નોતરી રહ્યો હતો.

તુરુકોનો પથારો એક વખત મહાન હલ્લા વિના ઊઠવાનો નથી એ સૌ સમજી ગયા હતા. પણ તુરુકોના અવનવાં અસ્ત્રો ને આગ ગોળાઓ સામે કિલ્લેદારીનું રક્ષણ વધારે યોગ્ય હતું. એટલે યુદ્ધ લંબાતું ગયું. છેવટે તો કેસરિયાં જ હતાં. વાતાવરણ પણ એનાથી જ ભર્યું હતું. નગરનારીઓમાં પણ એ જ હવા હતી!

પોતાની ત્રીસ ત્રીસ પેઢી જૂના નગરને વિસર્જન કરવાની જાણે ઘડીપળ આવી રહી હતી, એના વીરખંડેરો બનાવવાની.

એનો પહેલો પથરો મુકાયો ત્યારે જે ઉત્સાહ હશે, એનાથી બમણો ઉત્સાહ આજે પ્રગટ્યો હતો. તુરુકને કોઈપણ નમવાવાળો આંહીંથી નહિ મળે, એ જ સૌની મોટામાં ઓટી આશામૂડી હતી.

માધવ મહામંત્રી આમાંથી શું માર્ગ હોઈ શકે, તેનો વિચાર કરી રહ્યો.

સંધિ માંગો તો તાબેદારી સ્વીકારવાની રહે. ન માગો, તો આ જુદ્ધમાં છેવટે તો દુર્ગને શરણે  થવાનું ભયંકર જોખમ આવવાની મહા આપત્તિ સામે ખડી હતી.

મહારાજ કરણરાય કહેતા હતા. આનો રસ્તો એક જ છે. એક વખત જુદ્ધ પાઈ દો. કાં આ પાર, કાં પેલે પાર.

એવા એકબે મરણીયા હુમલા એમણે દરવાજા ઉઘડાવીને દોર્યા પણ હતા, પરંતુ તુરુકનાં નવાં હથિયારો હયદળ માટે વધુ ભયંકર હતાં. ઘોડા ભડકતા સળગતા પદાર્થોથી આગળપાછળનો માર્ગ રૂંધાઇ જતો. હલ્લો કરનાર ઉપર હલ્લો થાય, એવી પરિસ્થિતિ થઇ જતી.

મહામંત્રી માધવને ધીમે ધીમે લાગ્યું કે રા’માંડલિકનો રસ્તો એ જ રસ્તો છે. રણભૂમિ ને રણથંભ બીજે રોપાય તો એ જીવંત રહે ને જુદ્ધ ચાલતું રહે. 

ઠેકાણે ઠેકાણે ફેલાયેલી નિષ્ક્રિયતા, વિશળ જેવાની ઉપેક્ષા એ બધાને તો જાગ્રત કરાય. છિન્નભિન્ન થયેલું પાટણ ફરીને એક થાય તો જ તુરુકના ધામા આહીંથી ખસે. 

એ સમજી ગયો હતો. તુરુક લૂંટીને ભાગવાનો નથી. ભાગશે, પણ પગ રાખીને. એની પાસે એટલું મોટું દળ હતું. એટલે મહારાજ કરણરાય બીજે રણથંભ રોપે તો જ એમને વિજય મળે. તો જ જુદ્ધ જીવતું રહે. કેસરિયાં તો સાંજે ને સાંજે જુદ્ધ પૂરું કરી દેશે. તુરુકને વિજય મળ્યો, તો એ સૌને રોળીટોળી નાખશે. 

એણે મહારાજને આ વાત કહેવાનો નિશ્ચય કર્યો. એ કરણરાયને જાણતો હતો. ડુંગરા ખળભળે પણ કરણરાય ન ડગે. એણે સોઢલજી અને સિંહભટ્ટને વિશ્વાસમાં લીધા. મહારાણી કૌલાદેવીને પણ કાને વાત નાખી.

એ વખતે એક વાત નક્કી થઇ. મહારાજને કેસરિયામાં રહેલ મહાપરાજયનું ભાન કરાવવું. રણથંભ ભીજે લઇ જવાની વાત મહારાજને આકર્ષશે, બાગલાણનો કિલ્લો અને રાજા પ્રતાપચંદ્ર બને અણનમ હતા. મહારાજે બહુ મોડું થાય તે પહેલાં એ તરફ ભાગવું. એ માટે સોઢલજીએ બંદોબસ્ત કરવાનો હતો. ખેરાળુ તરફને માર્ગે, થોડે દૂર એકાદ રક્ષિત સ્થળે, વાઘોજી રણપંખડી રાખીને રહે. ને મહારાણીબાનો તોખાર જયશ્રી પણ ત્યાં જ રહે. 

માત્ર સિંહભટ્ટ એક જ આ દોડમાં સામેલ થાય.

બીજા બધા આંહીં જુદ્ધ ચલાવે. વખત એવો લાગે તો કેસરિયાં કરીને પણ પ્રતિષ્ઠા જાળવે. ને મહારાજનો રણધ્વજ એ રીએ બાગલાણના અણનમ દુર્ગમાંથી ફરીને ફરકતો રહે.

ગુજરાતને ઊભું રાખવાનો આ માર્ગ હતો. મહામંત્રી માધવના મનમાં ઊંડું મનોમંથન ચાલતું જ રહ્યું.

યુદ્ધ રંગે ચડ્યું. કરણરાય હવે રાત દિવસ કિલ્લા ઉપર જ રહેતો. અવિરત તીરમારાથી એણે તુરુકોનો ધસારો હજી દૂર ને દૂર આંખ્યો હતો. એક પંખી પણ આકાશમાં ઊઠી ન શકે એવો વરસાદની ધારા જેવો તીરોનો મારો ને ગોફણિયાનો મારો. ને મીનજનિકના પથરાનો મારો, કિલ્લા ઉપરથી ચાલુ હતો. રાય મરણિયો બન્યો હતો. સૌ એની શક્તિને વંદી જ રહ્યા.

પણ તુરુક જુદ્ધની અનેક જુક્તિઓના જાણકાર હતા. એમણે કિલ્લા સુધી પહોંચી વળવા અંતે નવી તરકીબ ગોઠવી. ખાઈઓ ખોદવા માંડી. માટીના ઢગના આશ્રય નીચે એ આગળ વધતા ચાલ્યા.

એક દિવસ તો એવી રીતે સાંજના સમયે, એ છેક કિલ્લા સુધી પહોંચી ગયા. નિસરણીઓ મંડાણી. માણસો ઉપર પણ ચડ્યા. એક પછી એક પડતા ગયા ને ચડતા ગયા. ઉપરથી પટ્ટણીઓ પણ દોરડાં પકડીને ખાબક્યા. કિલ્લાની દીવાલો પાસે જ જુદ્ધ મચી ગયું. હાથોહાથનું યુદ્ધ શરુ થઇ ગયું. પણ કિલ્લા ઉપરથી કોઈ ઠેકાણે મચક ન મળી. તુરુકો નીચે ગબડી પડ્યા. અંધારું થયું. યુદ્ધ બંધ પડ્યું.

પણ તે રાતે અચાનક ભયની નિશાની આપતા શંખો ફૂંકાયા, રણશિંગા વાગ્યાં. ઢોલ ઊપડ્યો. મહારાજ કરણરાય પોતે જાગીને ચુનંદા સૈનિકો સાથે ત્યાં આવ્યા.

એકબે બુરજો નીચે તુરુકોએ છેક કિલ્લાના મૂળ સુધી આવવાની તરકીબ કરી દીધી હતી. એમણે ભોં માં રસ્તો કર્યો લાગ્યો. ત્યાં એમણે રાતોરાત ખાઈ પૂરી દીધી હતી. નિસરણીઓ ગોઠવાઈ ગઈ હતી. રાતનો સમય હતો. મશાલોના ઝાંખા અજવાળામાં થોડેક જ દૂર જ નજર જાય તેવું હતું.

મહારાજ કરણરાય પોતે ત્યાં આવ્યા, એટલે સેંકડો મરણિયા એમની સાથે આવ્યા. માધવ મહામંત્રી પણ ત્યાં હતો.

અચાનક જ મહારાજે સોઢલને કહ્યું: ‘સોઢલજી! દરવાજો ઉઘડાવી નાખો. હયદળ દોરીને હું લશ્કરગાહ ઉપર જ જાઉં છું. મૂળમાં ઘા થશે એટલે આ બધા પાછા ભાગશે! થોડીક જ નિસરણીઓ બહાર રહી જશે, તો એ અંદર આવશે. આપણે મૂળમાં ઘા કરો.’

મહારાજે પોતે કિલ્લા ઉપર ચડીને અનેકને ગબડાવી દીધા. નિસરણીઓ ભાંગી નાખી. દોરડાં તોડી નાખ્યાં. પણ મહારાજનો નિર્ણય તો બહાર યુદ્ધ દોરવાનો હતો.

પણ બે પળ દરવાજો ઊઘડ્યો. પુલ પણ નંખાયો. મહારાજનું હયદળ બહાર નીકળ્યું. ‘હર હર મહાદેવ’ની યુદ્ધ ગર્જના થઇ.

માધવ, સોઢલજી, સિંહભટ્ટ, સૌ બહાર આવ્યા. પણ બહાર તો ખરાખરીનો ખેલ હતો. અંધારામાં મહારાજ ક્યાં હતા તે ખબર પડે તેવું ન રહ્યું. તુરુકો પણ આગળ ધસ્યા હતા. અનુમાને હજારો તુરુક જ્યાં હુમલો કરવા ભેગા થયા હતા, તે તરફ સૌ માર્ગ કાપતા ગયા. અને રણમાં પડવા માંડ્યા. કાંઈક ફંગોળાઈ જવા લાગ્યા. જે આવે તે હણાઈ જતા હતા. ભયંકર જુદ્ધમાં કોઈ કોઈની ઓળખાણ રહી ન હતી. કેવળ અંધારું, હથિયાર, અવાજો ને હોકારા પડકારા જ સંભળાતા હતા.

અત્યારે મુખ્ય જુદ્ધ થઇ જાય, ને ઘડી બે ઘડીમાં બધું ખેદાનમેદાન થઇ જાય એવો ભય ઊભો થયો. પાછા ફરવાના બધા માર્ગો ઉપર તુરુક વધારે ને વધારે સળગતા પદાર્થો ફેંકી રહ્યો હતો. એની તૈયારી જબરી હતી. મહારાજ કરણરાયે સામેથી અનેકને ફેંકી દઈને ઠેકાણે ઠેકાણે ગાબડાં પાડ્યાં હતાં. મુખ્ય લશ્કરગાહમાં પેસી જવાની એમની નેમ હતી. માધવ ચેતી ગયો. તેણે સોઢલજીને કહ્યું: ‘સોઢલજી! દોડો, દોડો, મહારાજને પાછા વાળો. આપણો આગળપાછળનો માર્ગ કપાઈ જશે. આપણે અત્યારે જ જુદ્ધ ખોઈ બેસશું. મોટે ચક્રાવે પડીને ઘોડદોડ કરી, મહારાજ એકદમ જ પાછળના ભાગમાં આવી જાય, એટલે ઘા ઝીલતા, વાળતા, ધીમે ધીમે કિલ્લા તરફ વળી જઈએ.’

રાતોરાતના આ જુદ્ધમારામાં સેંકડો હણાઈ ગયા. બંનેને ખાતરી થઇ ગઈ. હવેનું જુદ્ધ છેલ્લું હશે. ભયંકર હશે. નિર્ણયાત્મક હશે.

માધવમંત્રીની ચેતવણી સમયસર મળી ગઈ. કરણરાય વેગમાં ને વેગમાં આગળ વધી ગયો હતો. લશ્કરગાહનો દરવાજો વીંધી નાખીને તે અંદર ધસી રહ્યો હતો. તે વખતે જ સોઢલજી એની આગળ આવી ગયો. મહારાજને એણે પાછા નાખ્યા. એક પણ વાત કરવાનો પણ સમય ન હતો. તેણે મહારાજને પાછળ જ રહેવાનું કહી દીધું. પોતે આગળ ઘા ઝીલતો રહ્યો. મહારાજને પાછળ રાખી દીધા.

કરણરાય પણ તરત સ્થિતિ સમજી ગયો. તેણે પાછળ દ્રષ્ટિ કરી. કિલ્લાથી ઘણે દૂર પોતે નીકળી આવ્યા હતા. પાછળ અગ્નિ વધતો જતો હતો; તેણે એકદમ સેનને પડખે વાળીને, મોટે ચક્રાવે લીધું, અને થોડી જ વારમાં અગ્નિને પાછળ રાખી દઈ. સૌ કિલ્લા તરફ ધસી ગયા. તુરુકો એમને રોકનારું ઘોડાદળ ઉપાડે તે પહેલાં કિલ્લાના દરવાજા પાસે સૌ ભેગા થઇ ગયા ને અંદર સમાઈ ગયા. ઘડીમાં હતું તેમ મેદાન શાંત બની ગયું.

તુરુકોની કિલ્લો ચડવાની તરકીબ નાકામિયાબ થઇ ગઈ હતી. એમણે બીજો જ ઉપાય લેવો રહ્યો. એના સાધનો તૂટી ગયાં હતાં. પુરાયેલી ખાઈમાં પણ અનેક ઠેકાણે પાછાં પાણી વહેતાં થઇ ગયાં હતા. એમણે નવી જુક્તિઓ શરુ કરી.

પણ માધવ મહામંત્રી હવે કરણરાયની અધીર કેસરિયાં મનોદશા કળી ગયો. એમ થાય તો રાજાવિહોણું જુદ્ધ આંહીં જ ખતમ થઇ જાય. રા’ની વાત જ સાચી હતી. રણધ્વજ રોપી દેવો હોય તો કરણરાયે આ દુર્ગ તજવો જોઈએ. માધવ જાણતો હતો, એમાં પોતાના ઉપર અનેક કલંક ચડશે. પ્રતિસ્પર્ધીઓને દગો રમ્યાનું જણાશે. પોતે મોટો વિશ્વાસઘાતી ગણાશે. પણ રણધ્વજ તો જ રોપાશે, જો રાજા ભાગશે તો. એણે મહારાણી કૌલાદેવીને પછી વાત કરીને, હાથમાં લીધી. હવે તક મળે કે તરત ને ખરે વખતે, રાજાએ ભાગી છૂટવું એ એક રસ્તો જુદ્ધ જીતવાનો હતો.

સોઢલજીને માધવે વાત કરી હતી તે પ્રમાણે, સોઢલજીએ બધી જ તૈયારી કરી હતી. બહાર રણપંખીણી સાંઢણી ને બે ઘોડાં તૈયાર રહેવાનાં હતાં. પછી આગળ જતાં ઠેકાણે ઠેકાણે મહારાજને માટે બધા જ માર્ગ ઉપર જુદાં જુદાં સાધન તૈયાર રખાવ્યાં. નદીઓ પર કરાવવાનાં, થાકે તો ઘોડાં મેળવવાનાં. એમની સાથે થોડી બહાર જવાની ને તુરુકની ચોકી ઓછી હોય તેવું સ્થળ શોધવાની પહેલી જરૂર હતી. સોઢલજીએ એ વાત નજરમાં રાખી લીધી હતી, ને એક વખત બરાબર લાગ સાધી આસપાસ જોઈ આવ્યો હતો. 

તે દિવસે તુરકના લશ્કરગાહમાં કાંઈક વધારે હિલચાલ હતી. સોઢલજીને એમાં એક જગ્યાને ઓછી સંભાળવાળી દીઠી. ત્યાં છીંડું પાડવાનું નક્કી થયું. સિંહભટ્ટ સાથે જશે તે નક્કી કર્યું હતું. માત્ર મહારાજને કાને હવે ઉતાવળે વાત નાખવાની હતી. 

અને અત્યારે સૌ સૌને ઘેર ગયા.