૧૪
ત્રણ ઘોડેસવાર
માધવ પ્રધાન ને શ્રેષ્ઠીઓ વચ્ચે ઘર્ષણ હતું. બંને બાજુ આંખો વઢતી હતી. માધવને ગર્વ હતો. શ્રેષ્ઠીઓને દ્વેષ હતો. વિશળદેવે રાણીવાવમાં સભામાં એ જ બધું જોયા કર્યું. રાણીવાવની સભા તો રાતના મોડે સુધી ચાલી ને ઘણા નિર્ણયો લેવાયા. પણ વિશળનું ધ્યાન પોતાની યોજનામાં પડ્યું હતું. મહારાણીબાએ માધવને મોકલવાનું કર્યું, ત્યારથી એના મનમાં એમ થયું કે એ બહારનો બહાર જ રખડતો રહે, ને પોતે પાટણના મહાઅમાત્યપદે હોય, એ અશક્ય ન હતું. પણ મેદપાટનો પ્રશ્ન પતાવી દેવો જોઈએ.
રાણીવાવની સભાના કેટલાક નિર્ણયો મરણિયા જુદ્ધના જણાતા હતા. મેદપાટ કે દિલ્હી કી પ્રશ્ન પતે તેવી મહારાજને આશા હોય તેમ જણાયું નહિ. તેમણે પોતે પાટણના દુર્ગનું રક્ષણ માથે લીધું હતું, સોઢલ દુર્ગપતિ બનવાનો હતો. ત્રણે શ્રેષ્ઠીઓએ ધાન્યભંડાર છલકાવવાનું માથે લઇ લીધું. સમરપાલ તો પાટણમાં જ હતો. આવતી કાલથી કામગીરી શરુ થતી હતી. એટલે પાટણ જાગ્રત બની ગયું હતું.
બત્તડદેવને ઈલદુર્ગ સુધીના માર્ગનું રક્ષણ સોંપાયું. વિજયાનંદ, ભાણ જેઠવો, એ સોરઠવાસીઓએ પાટણથી સોમનાથ સુધીનો તુરુષ્કનો માર્ગ રક્ષવાનો ભાર ઉપાડી લીધો. કારણ કે છેવટે તો તુરુષ્કની નજર સોમનાથ ઉપર જ હોવાની.* પાટણ કરતાં એને મન એ વધુ મહત્વની વાત હતી, સિંહભટ્ટને કાંઈક કામગીરી સોંપાઈ, તે ઘણી મહત્વની હતી. પણ મહારાજે તેને પાસે બોલાવીને કાંઈક કહ્યું કે પછી તે નમીને ગયો. એ કામગીરીનો કોઈ પત્તો મળ્યો નહિ.
(*વસ્સાફ જેવાઓએ ખિલજીના આક્રમણને સોમનાથની સવારી જ કહી છે.)
એ વાતનો તાગ વિશળને પણ મળ્યો નહિ. રાણીવાસને લગતી વાત હોય તો હોય.
સોઢલ પણ એ જ વખતે ક્યાંક ઊપડતો હતો. માધવ પ્રધાન મેવાડ જવાનો હતો. મોડેથી સભા વીંખાઈ. સૌ એક પછી એક બહાર નીકળીને પોતાના માર્ગે પડ્યા. વિશળને એકાદ-બે દિવસ રોકાવું હતું. કોઈક મળી જાય તેની તપાસમાં પડ્યો હતો. સામંત મહેતામાં એને રસ જાગ્યો હતો. એ બહાર ઊભો રહીને આમતેમ જોતા સરકી જવાની તૈયારીમાં હતો. ત્યાં એણે એક નાનકડો રસાલો ત્યાં આવતો જોયો. તેમાં થોડા ઘોડેસવારો હતા. સાંઢણીસવારો હતા. વખતે ખપ પડે એમ માનીને કેટલાક ઝડપી ભોઈઓ ને એક સુખાસન પણ સાથે રાખ્યું હતું, માધવ મહેતો મેદપાટ ભણી ઊપડી જતો હતો.
વિશળદેવ તેને જોઈ રહ્યો. તેના મોં ઉપર એક મશ્કરીભર્યું હાસ્ય છવાઈ ગયું. એની નિષ્ફળતા પછી શું કરવું એ વિષેના પોતાના વિચારોમાં તે મગ્ન હતો. એટલામાં કોઈક ઝીણી દ્રષ્ટિથી એને જોઈ રહ્યું છે, એવું કાંઈક ભાન થતાં તે જાગ્રત થઇ ગયો.
જોનાર બીજો કોઈ ન હતો. સામંત મહેતો એની પાછળ આવતો લાગ્યો. વિશળદેવ જઈ રહ્યો હતો. ત્યાં જ એના ખભા ઉપર એક ધીમો હાથ પડ્યો.
તેણે ચમકીને પાછળ જોયું: ‘વિશળદેવજી! તમારે થોભવાનું છે. આંહીં જ થોભજો.’
‘કેમ?’ વિશળદેવે કોણ છે એ જોવા માટે આશ્ચર્યથી પાછળ જોયું. પણ એટલામાં તો બોલનાર આઘો નીકળી ગયો હતો. વિશળદેવે ઝાંખા અંધારામાં એની ચાલ કળવા યત્ન કર્યો. સામંત મહેતાનું કદ, ચાલ અને અવાજ હતાં. તે મહારાણીબાની પાસે જતો જણાયો. એણે એને કેમ થોભવાનું કહ્યું તે તે કળી શક્યો નહિ. પણ એ પોતે એને મળવા તો માગતો હતો જ. એટલે એ ત્યાં જ થોભી ગયો.
થોડી વારમાં તો બધા અદ્રશ્ય થઇ ગયા. વિશળદેવે કોઈ આવે છે કે નહિ, એ જોવા માટે ચારે તરફ એક ઝીણવટભરી દ્રષ્ટિ ફેરવી. એક તરફથી એક માણસ આવી રહ્યો હતો.
વિશળદેવે પાસે આવતાં એને ઓળખ્યો. એનું અનુમાન સાચું હતું. સામંત મહેતો જ હતો. એક વખત એ પણ સૌરાષ્ટ્રનો દંડનાયક હતો. વિશળે અનુમાન કર્યું. એને પણ અત્યારે કોઈ મહત્વાકાંક્ષા જાગતી હોવી જોઈએ. કર્ણાવતીમાં રાજધાની ફેરવવાની બાબતમાં સ્પષ્ટ નારાજી બતાવનાર એ જ સૌથી પહેલો ન હતો? માધવની બહાર જવાની વાતને પણ એણે ટેકો આપ્યો હતો.
એ પોતાને મદદરૂપ થશે કે પોતાની જ વાત આગળ ધપાવવા અંતે એનો ઉપયોગ કરશે, એ વિચાર વિશળદેવાના મગજમાં પ્રથમ આવી ગયો. એટલામાં તો સામંત મહેતો, તેની પાસે આવી પહોંચ્યો હતો. તેનું ચપટું જાડું નાક, ચોરસ જડબું ને ભયંકર રીતે તીવ્ર પણ વેધક આંખો, એને સામા માણસના હ્રદયમાથી હ્રદય કાઢી લે એવો કુશળ માનવી ગણાવવા માટે પૂરતાં હતાં. પણ એટલું પૂરું ન હોય તેમ એનું ભાગ્યે જ અઢી ગજ ઊંચું કદ એનામાં રહેલ મહા હોશિયાર મુત્સદ્દીવટને પ્રગટ કરતાં હતાં. વિશળદેવની પેઠે જ તે પણ એક વાત સમજી ગયો હતો. માધવ મહેતો પાણીમાંથી માખણ કાઢવા જતો હતો. પણ જેમ માધવને વસ્તુપાલ-તેજપાલ થઇ જવાની મહા આકાંક્ષા હતી, તેમ આના તો પૂર્વજોમાં જ મહાઅમાત્ય ઉદયનમંત્રી જેવા થઇ ગયા હતા, તેણે વસ્તુપાલની સભાનું પણ અમૃત, નાનકડો હશે ત્યારે કદાચ પીધું પણ હશે. એનામાં એક વાત ઘર કરી ગઈ હતી. પાટણના રાજકારણમાં જો કોઈ બહાને પણ ધર્મનો પ્રવેશ થાશે, તો માત્ર પાટણ જ નહિ, પણ આખું ગુજરાત મરી જશે. એટલે એ પોતે તે જૈનધર્મી છતાં, સલક્ષ નારાયણ મૂર્તિની સ્થાપના કરીને અને રેવતીકુંડ જેવા પવિત્ર સ્થાનમાં અનેક ધર્મકાર્યો કરીને ઘણા વખતથી લોકપ્રિય બની ચૂક્યો હતો. અવિશ્વાસુ વાતાવરણમાં પણ, એના ઉપર ઘણાને વિશ્વાસ આવે એવું આ કામ લેવા પ્રેર્યો હતો. નિવૃત્ત જીવનમાંથી એટલે જ એ આગળ આવ્યો હતો. વિશળદેવ એની વાતને સમજતો હોવો જોઈએ એ એના ધ્યાનમાં આવી ગયું હતું. એટલે વિશળના દિલની વાતને જે પહેલાં મહત્વ આપવું એવો એનો સંકલ્પ હતો. વિશળદેવ ને બીજડ ચૌહાણ બે ત્યાં એક જ સ્થાનમાં લગભગ સરખું મહત્વ ધરાવતા હતા. તેમાં એણે પોતાનો રસ્તો દીઠો.
તેને જોયો ને તરત વિશળદેવ બોલ્યો, ‘ઓહો મહેતા! તમે હતા?’
‘હા, વિશળદેવજી! હું મહારાણીબાને મળવા જતો હતો ને મારે તમને મળવું હતું. પછી કીધું કોણ જાણે ક્યારે મળીએ?’
‘કેમ મને સંભાર્યો, મહેતા?’
‘તમને અત્યારે કોણ નહિ સંભારે વિશળદેવજી?’ સામંત મહેતાએ મીઠાશથી કહ્યું:
‘અર્બુદ ડુંગરમાળા તમારા હાથમાં છે. ચંદ્રાવતી તમારે ત્યાં છે. મેદપાટ તમે પાઓ તેટલું પાણી પીએ છે. પાટણને આવતો ઘા ઝીલવો હોય તો તમને જ મોખરે રાખ્યે છૂટકો છે.’
‘ઘા ઝીલવા એમ નાં?’
‘એ તો તમે ઝીલતા આવ્યા છો ભા! મહારાજ સારંગદેવે પણ મોખરે તો તમને જ રાખ્યા હતા. તો મેદપાટ નડૂલની દાઢમાંથી ચંદ્રાવતી બચ્યું. તમે ઘા પણ ઝીલશો ને ઘા ઝીલવાવાળાનો જશ પણ મેળવશો. બોલો, હવે આપણે આંહીંનું શું કરવું છે? મહારાજને તો માધવપ્રધાને ચડાવેલ છે.’
‘કર્ણાવતીની વાત કરો છો નાં?’
‘હા. એ વાત છે. બીજી પણ ઘણી વાતો છે.’
વિશળદેવ વિચાર કરી રહ્યો. બીજી કોઈ વાત હશે. તેને સિંહભટ્ટનું પ્રયાણ યાદ આવી ગયું. સોઢલજી પણ ક્યાંક જવાનો હતો. તેને આ વાત સાથે કાંઈ સંબંધ હશે? પણ તેણે ધીમે ધીમે વાત મેળવવાની જરૂરિયાત દીઠી. ઉતાવળે વાત ચોળાઈ જવાનો ભય હતો.
‘એ તો બરાબર છે’, તેણે કહ્યું, ‘જે પાટણ સુધી આવે, તેને કર્ણાવતી શું ભારે પડી જવાનું હતું?’
‘ને ત્યાં તમે નવેસરથી કોટકિલ્લા કરો, દુર્ગ રચો, એટલો વખત સુરત્રાણ હવે તેમને રહેવા દેશે? ને આંહીં લોકઘર્ષણ ઊભું થશે તે નફામાં. આવતી કાલે જ છે.’
‘શું?’ વિશળદેવ ચમકી ગયો.
‘તમને તો ખબર હશે જ નાં? તમારા પ્રકારના લોકો મળવા માંગે છે. મને કહેવરાવ્યું છે. કર્ણાવતીની વાત નહિ બને. પાટણનું ગૌરવભંગ નહિ થાય. એ મહારાજને કાને નાખવાનું છે.’
વિશળદેવના મગજમાં વિદ્યુતવેગે વાત આવી ગઈ. સામંત મહેતો આ રીતે દોર હાથમાં લઇ લેવા માગતો હતો, એ ચોક્કસ હતું. એણે જ કદાચ આ યોજ્યું હશે. પણ વિશળ ઘણો વિચક્ષણ આદમી હતો. તેનું મગજ તરત જ પોતાનો લાભ લેવાને પ્રેરાતું. એણે કહ્યું: ‘પણ કર્ણાવતીની આ વાત લોકને કોણે કરી?’
‘કરે કોણ વિશળદેવજી? લોક તો હવામાંથી વાત પકડે તેવા છે. પટ્ટણીઓ આંહીં પાંચસો વરસથી છે. આંહીંથી એમણે અણનમ જુદ્ધો ખેલ્યાં છે. આંહીં જ એમણે સાતસમુદ્રનો વૈભવ આણ્યો છે. આ સ્થળ એમને માટે હજાર તીરથ કરતાં વધુ પવિત્ર છે. માથે તુરુષ્કનું જુદ્ધ ગાજે છે. ત્યારે આ વાત કોઈ ઉપાડે ખરું? કોઈ મહાઅમાત્ય એવી વાત અત્યારે હવામાં પ્રગટાવે ખરો?’
વિશળદેવ વિચાર કરી રહ્યો. સામંત મહેતો પોતાને હોળીનું નાળિયેર તો બનાવતો નહિ હોય?
‘બીજી વાત પણ છે, વિશળદેવજી! પણ એ કામ તમારા જેવા મહાદંડનાયકના ગણાય.’
‘બીજી કઈ વાત?’
સામંત મહેતાએ ચારે તરફ એક ઝીણવટભરી દ્રષ્ટિ નાખી. પછી ધીમેથી વિશળદેવની પાસે સર્યો: ‘હવામાં વાત છે, વિશળદેવજી!’
વિશળદેવ કાંઈ સમજ્યો ન હોવાનો ઢોંગ કરી રહ્યો. એ સમજ્યો તો હતો જ.
‘શાની?’
સામંત મહેતો બોલ્યો: ‘અરે જાવ રે તમે પણ ભા! દુનિયા આખીને ભૂ પાઈ દો તેવા છો.’
‘કોની સિંહભટ્ટની વાત કરો છો? એ બામણો ક્યાં ગયો લાગ્યો કે પછી મહારાજે રાજમહાલયનો રક્ષણભાર એને સોંપ્યો ને એવા કોઈ બંદોબસ્ત માટે ઊપડ્યો? મહારાજ તો જુદ્ધ જ જોઈ રહ્યા છે.’
‘રાજ મહાલયનો રક્ષણભાર લેવાવાળા તો અનેક છે. પણ આ બામણો કોણ જાણે ક્યાંથી વાત પકડે છે. ઊડતાં પંખી પાડે તેવો છે! મારો બેટો કોણ જાણે ક્યાંથી ખબર લાવ્યો કે સારંગદેવ મહારાજનો એક નાનકડો પુત્ર...’
વિશળદેવ ચમકી ગયો દેખાયો. તે વિચાર કરી રહ્યો. સામંત મહેતો એને ઊંડા પાણીમાં ઉતારી રહ્યો હતો. પણ એણે તરત જ મનમાં કાંઈક નિર્ણય કરી લીધો. એના પગ એના ગળામાં જ પરોવી દેવાની આ તક છે. એણે અજાણ્યા હોવાનો ઢોંગ કર્યો.
‘એ કોણ?’ વિશળદેવ અજાણ્યો થઇ ગયો.
વિશળદેવનો ઢોંગ સામંત મહેતાને અકાળનો લાગ્યો: ‘જુઓ વિશળદેવજી! એ કોણ એ કાંઈ તમારાથી અજાણ્યું નથી. આપણને આંહીં બહુ ઊભા રહેવાનો વખત પણ નથી.’
‘એક વાત હવામાં ઊડી રહી છે. તમે તેની વાત કરતા લાગ્યો છો મહેતા?’
સામંત મહેતાએ હવે સામેથી પ્રશ્ન કર્યો: ‘કઈ વાત ઊડી રહી છે?’
વિશળ દેવ તેની ચાતુરી ઉપર મનમાં હસ્યો; ‘બીજી કઈ? તમે કરવાના છો તે!’
‘પણ હું કઈ કરવાનો છું. એ કહોને!’
‘પૃથ્વીદેવની.’
‘હં, ત્યારે એમ બોલો ને ભા! તમારાથી વાત અજાણી નથી. પણ એ નાનકડું ત્રણ વરસનું છોકરું અત્યારે જીવતું હોય તોય શું ને ન જીવતું હોય તોય શું વિશળદેવજી? પણ એટલી વાત ઉપર જેને રમતાં આવડે, એ તો આખી રાજરમત રમી જાય એવું છે. એ શિશુ સ્તંભતીર્થમાં ઊછરતું હતું. આ બામણાને કોણ જાણે ક્યાંથી એની ગંધ આવી! ને એ વાત ઉપાડી લાવ્યો...’
‘હા...’ વિશળના મગજમાં પ્રકાશ આવી ગયો. ‘ત્યારે તો એ સ્તંભતીર્થ જ ગયો હોવો જોઈએ.’ તે બોલ્યો.
‘હવે ભલે ને એ ધોડા કરતો. એ તો હવે આંહીં છે. શિશુની વાત આગળ મૂકવામાં કોઈનેય રસ નથી. મહારાજ સારંગદેવનો એ શિશુ છે એમ એક બાઈ કહે છે. એ સિવાય બીજું કોઈ તો કહેતું નથી. એ શિશુને સ્તંભતીર્થમાં કોઈકે આધાર આપ્યો હશે. પાટણની રાજધાની ફરવાની વાત, આંહીંની હવામાં, જ્યારે માધવપ્રધાને અવિવેકથી ફેલાવા દીધી, ત્યારે કોઈકે આ શિશુની વાત ઊભી કરી છે! એ ઘર્ષણ લાવશે?’
‘પણ અત્યારે એ ક્યાં છે?’
‘અત્યારે આંહીં સમજો ને! એટલે જ કહું છું નાં કે મહારાજે સિંહભટ્ટને સ્તંભતીર્થ ભલે ધોડા કરવા મોકલ્યો!’ વિશળદેવ સામંત મહેતાની વાત સમજી ગયો. પૃથ્વીદેવ હોય કે ન હોય, પણ એ રમકડું ઠીક ઉપયોગી થઇ પડે તેમ હતું.
‘તમે કર્ણાવતીની શી વાત કરતા હતા?’
‘આ જ. કર્ણાવતી રાજધાની ફેરવવાની વાત આવશે તો આંહીં નવો રાજા ઊભો કરવા સુધીની મક્કમતા લોકોમાં ઊભી થશે. એની એક સભા મળવાની છે!’
‘ક્યાં? ક્યારે?’
‘ક્યાં એ તો છેવટની ઘડી સુધી શી ખબર પડે? અને ક્યારે તે હું કહું. આવતી કાલે. વખત પણ આપું. અરધી રાતે. બોલો તમે આવશો? આ તક છે. માધવ મહેતા અવ્યવહારુ છે એ તમે જાણો છો. હું પણ જાણું છું. એ આંહીં નથી ત્યાં મહારાજ કરણરાય પાસે વાત મૂકવાનું બીડું તમે ઝડપો! અને ત્યાં તો માધવ મહેતો એક બે દીમાં જ આંહીં સનાન સમાચાર કાં તો મોકલે છે! મહારાજ પણ એ સમજે છે. મહારાજ લોકોને પણ સમજે તેમ છે. આ તો તક છે વિશળદેવજી! વચ્ચેથી આડખીલી કાઢી નાખવાની. મેદપાટની ચોટલી તમારા હાથમાં છે. તમે જ એની વાત સિદ્ધ કરવાના છો. પછી વહેલે કે મોડે. અને તે સિદ્ધ તો આમ થાય તેમ છે...’ સામંત મહેતાએ હાથની ચપટી વગાડી.
‘શી રીતે?’
‘શી રીતે? અરે! મારા ભા! તમને હું શું કહેવાનો હતો? તમે એ બધું જાણો છો. તમે જાણો છો કે બીજડ ચૌહાણ ચંદ્રાવતી હવે જાળવી રહ્યો. તમે જાણો છો કે, એ ત્યાં વધારાનો બેઠો છે. તમે જાણો છો કે, જૈનો ચંદ્રાવતીની પાછળ ઘેલા ઘેલા છે. તમે જાણો છો કે, મેવાડપતિને પણ ચંદ્રાવતીનાં જ સ્વપ્નાં આવે છે. તમે જાણો છો કે, માત્ર ચંદ્રાવતી જ મેદપાટને આપીએ, તોપણ એ ખુશખુશાલ થઇ જાય તેમ છે. તમે જાણો છો કે આંહીંના જૈનોને એ વાત અત્યારે અણગમતી નથી. સમરા’શા જેવાની લાગવગ તમે જાણો છો. ધાન્ય ભંડાર એમનાં હાથમાં છે. મેદપાટમાં અત્યારે તમારી આણ પ્રવર્તે છે. મેદપાટની રાજમાતા ધર્મસ્તંભ ગણાય છે. ચંદ્રાવતી વિનાનું બાકીનું આખું અર્બુદમંડળ પાટણ ભલે સાચવતું. એટલે મેદપાટની અને પાટણની બંનેની વાત રહી જાય. બંનેનાં નાક પણ રહી જાય. રાવળજી ધર્મ માટે થઈને દિલ્હીના સુરત્રાણ સાથે પણ ખેલી લે એવી માયા છે. એમનાં ઉપરનો રાજમાતાનો કાબૂ તમે જાણો છો. તમે શું નથી જાણતા? તમે એ પણ જાણો છો કે માધવ મહેતો ગયો છે ખરો, પણ હવે તો એ પાછો આવે ત્યારે. તમે જાણો છો કે આંહીંનું મહાઅમાત્યપદ તમારી રાહ જુએ છે. બોલો તમે શું નથી જાણતા? મને કહો એટલે એ હું તમને કહું!’ બોલીને સામંત મહેતો હસી પડ્યો. પણ તરત જ પાછો અટકી ગયો. ‘બોલો હવે, તમે પાટણ વતી મહારાજ પાસે વાત રજૂ કરશો? તો એ અરધી લડાઈ જીત્યા બરાબર છે!’
‘પણ તમે વાત મૂકો તો મહેતા? તો શું વાંધો? વાત મને પણ બરાબર લાગી છે. આ સમો નથી રાજધાની ફેરવવાનો. અને મહારાજ કરણ...’
‘રાય’ શબ્દ બોલતો વિશળદેવ અટકી જ ગયો.
કોઈ ઘોડેસવારના ડાબલા આ તરફ આવતા સંભળાયા. બંને એકદમ શાંત થઇ ગયા.
‘કોણ હશે?’ બંને ચમકી ગયા હતા. પોતે હજી આંહીં ઊભા છે, એ કોઈ જોઈ જાય તે બરાબર ન હતું. એમાંથી અર્થ અનર્થ નીકળે. બંને જણા પાસેના અંધારામાં સરી ગયા.
થોડી વારમાં જ જરાક આઘે ત્રણ સવારો આવી રહેલા દેખાયા. તે ધીમે ધીમે આવી રહ્યા હતા.
‘કોણ હશે?’ તેમને વધારે કુતૂહલ થયું. પણ જ્યારે મહારાજ કરણરાયને એમણે આગળના સવાર તરીકે ઓળખી કાઢ્યા ત્યારે એમની કુતૂહલતા ઓર વધી ગઈ. ત્રણે સવારો ક્યાંક જઈ રહ્યા હતા. અત્યારે ક્યાં ઊપડ્યા હશે? બંનેના મનમાં સવાલ આવી ગયો.
એટલામાં પાછળના બંને ઘોડેસવારો પણ ઓળખાયા. એક તો સોઢલજી હતો અને બીજો સિંહભટ્ટ હતો.
થોડી વારમાં જ એ ત્યાંથી પસાર થઇ ગયા. વિશળદેવ સામંત મહેતા સામે જોઈ રહ્યો હતો.
‘મહેતા! મહારાજ પોતે ક્યાં ઊપડ્યા હશે?’
સામંત મહેતો વિશળદેવ સામે જોઈ રહ્યો. તેણે ધીમેથી માથું ધુણાવ્યું: ‘કાંઈ સમજાતું નથી. પણ રસ્તો તો કર્ણાવતીનો લીધો લાગે છે.’
વિશળના મગજમાં એક મોટો પહાડ જેવો વિચાર આવી ગયો. મહારાજ કરણરાય કર્ણાવતી હશે ને કાલે સભા થશે, ત્યારે મહારાણી કમલાવતીને જો હાજર કરી દીધાં હોય, તો સામંત મહેતાના પગ તેના ગળામાં જ જઈ પડે. વચ્ચેથી એ ખસી જાય, ને માધવ મહેતો તો ખસવાનો જ છે! મેદપાટની નાસીપાસી એનું મૂલ્ય ઘટાડી નાખશે. એમ થાય તો બધી વાત એના ધાર્યા પ્રમાણે ઉતરે. એક વખત પાટણ પાછું ગણનામાં આવે.
પણ આની સભા ક્યાં મળવાની હશે? એ તો એણે કાંઈ કહ્યું ન હતું. એને ત્યાં જ, ઉદા મહેતાના વંડામાં જ એ હોવી જોઈએ. એ સમાચાર પણ મળી જશે. પણ તરત એને અચાનક સ્ફૂર્યું. ઉદા મહેતાના વંડામાં જ હોવી જોઈએ.
‘તો કાલે મધરાતે હું તમને મળીશ, મહેતા!’ વિશળદેવ અનુમાનના જોરમાં જ બોલી ગયો.
‘પણ ક્યાં મળશો?’ સામંત મહેતો ચમક્યો જણાયો.
‘બીજે ક્યાં? ઉદા મહેતાના વંડામાં. અરધી રાતે.’ વિશળદેવ ઝપાટાબંધ બોલી ગયો.
સામંત મહેતાનું માથું ફરી ગયું. પણ તે વખતે દેખી લેવાશે કરીને તેને વધુ કાંઈ ન કહ્યું. પણ હવે એ સ્થળનું પણ જાણે છે. ત્યારે રેઢો ન રહે તો સારું. એમ વિચારીને એણે કહ્યું:
‘ભલે, વિશળદેવજી! હું રાહ જોઇશ. પણ હવે ત્યારે તમેય ક્યાં જશો? આપણે ત્યાં જ ચાલો ને!’
‘પહેલાં તો એમ જ વિચાર હતો.’ વિશળ કંઈ કમ ન હતો. ‘પણ મારે આંહીંથી જતાં પહેલાં બે-ત્રણ કામ પતાવવાનાં છે. એક તો વિજયાનંદને મળી લેવાનું છે. ભગવાન સોમનાથને ભેટ મોકલવાની છે!’
‘સારું.’ સામંત મહેતો બોલ્યો. એ સમજી ગયો કે આ છટકવા માગતો હતો. પણ એને લોભ ક્યાં નથી? એ લોભમાં ને લોભમાં મોટો ભા થાશે જ થાશે પછી જોઈ લેવાશે. પછી થોડી વાર પછી બંને છૂટા પડ્યા, ત્યારે બંનેના મગજ જુદા જુદા વિચારોથી ઘેરાઈ ગયાં હતાં. એમાં કરુણતા આ હતી. એમાં તુરુષ્કને ક્યાંય સ્થાન ન હતું! એ પ્રશ્નનું મહત્વ કેવળ કરણરાય સમજી શકતો હતો, ને એ રીતે. એ મથી રહ્યો હતો.