૧૩
કર્ણાવતી
મહાઅમાત્ય માધવના ગર્વિષ્ઠ સ્વભાવને સંતોષ થયો. સૌ એને જ જવા માટે પ્રાર્થી રહ્યા હતા. એ મનમાં માનતો હતો, જે વસ્તુપાલના જમાનામાં બન્યું, તે આજ પણ બને. દિલ્હીના સુરત્રાણને વશ કરી શકાય. એ કરી બતાવવાની છાની અભિલાષા એ એનો ગર્વ હતો.
વિરોધીઓને એ રીતે જ જવાબ વાળી શકાય. એણે અત્યારે પણ પોતાની દીર્ઘદ્રષ્ટિનો પરિચય આપવાની તક પકડી લીધી. કેટલાક માણસો નિરંતર ‘હું કેવો?’ એમાંથી ભાગ્યે જ ઊંચા આવે છે. માધવનો પણ ‘હું’ આકાશપાતાળ ભરી દેનારો હતો.
રાય કરણરાયને એ જ્ઞાત ન હતું, એમ નહિ. પણ એ એવા જમાનાના સિમાડા ઉપર આવીને ઊભો હતો કે, અચાનકનો ફેરફાર એને ત્યાં અગ્નિ પ્રગટાવી જાય. વળી માધવપ્રધાનની નિષ્ઠા વિષે એના મનમાં શંકા ન હતી. કાકાએ મૃત્યુશૈય્યા ઉપરથી માધવની જ ભલામણ કરી હતી. એ જાણતો હતો કે આ મિત્ર છે, પણ પેલા રાજાનું રક્ષણ કરવા બેઠેલા કપિરાજ સમો. એનાથી ચેતીને ચાલવું જોઈએ. દિલ્હીમાં કાંઈ વળવાનું નથી જ, એ એ જાણતો હતો. એણે પોતે આંહીં લડાઈ વિષેની તૈયારીનો નિર્ણય કરી લીધો હતો. એ સમજતો હતો. પાટણમાં લાંબા ઘેરાની તૈયારી થઇ જવી જોઈએ.
એ એક જ માર્ગ હતો. શ્રેષ્ઠીઓ સાથે એ વાત જ કરવાની હતી. એ વિષે એ વિચાર કરતો હતો, ત્યાં માધવ બોલ્યો:
‘નમવા ભજવાની વાત નથી મહારાજ! પણ આપણે સુરત્રાણને હવે ખાળવા માટે નવા ઉપાયો યોજવા પડશે.’
કરણરાય ચમકી ગયો. ક્યાંક માધવ આંતરવિગ્રહની વાતને ઉત્તેજે નહિ.
‘જે રસ્તો મને સૂઝ્યો, તે મેં મહારાજને કહ્યો પણ છે. મહારાજે એના ઉપર વિચાર પણ કર્યો છે. આપણે જેટલી વહેલી એ ગોઠવણ કરીએ, તેટલી આપણા ફાયદાની વાત છે. હુમલો ક્યારે આવે એ કોને ખબર?’
કરણરાય કાંઈક કહેવા જતો હતો. પણ ત્યાં મહારાણી કૌલાએ પૂછ્યું: ‘શાની વાત છે મહેતા?’
માધવને તક મળી ગઈ. તે બે હાથ જોડીને બોલ્યો:
‘એ તો બા! એવું છે, આપણે સમજવા જેવું છે. વનરાજ મહારાજને લાગ્યું કે સંધના હુમલા હવે વધતા જ રહેવાના. એટલે એમણે બાપદાદાનું પંચાસર છોડી દીધું. પાટણ વસાવ્યું. એ વખતે રાજ નાનું. સિંધ તરફ ભય. એક જ એ મુખ્ય બાબત. આપણે માથે હંમેશા દિલ્હી ગાજે તેવું હવે થયું છે. ફટ લઈને એ રાજધાની ઉપર જ દોડે! આપણે ઊંઘતા ન પકડાઈએ, એટલા માટે ચારે તરફના પાડોશીઓને મનાવવા પડે. એમાંથી કોઈક વખત નુકસાન થઇ બેસે. ચાર પાંચ હુમલા પાટણે જોયા.’
‘તો તમે શું ઉપાય સૂચવો છો મહાઅમાત્યજી?’ બોલનાર સામંત મહેતા હતો. એના કાને થોડા દિવસથી ભણકારા આવતા હતા. પાટણનું ગૌરવ ઘટાડવાની વાત ચાલે છે. જૈનોને રઝળાવી મૂકવાની વાત. નાગર પ્રધાન યુક્તિથી ગોઠવે છે. બધાના મનમાં એ શંકા પ્રબળ બનવા માંડી હતી. ત્યાં આજે આંહીં માધવ મહેતા એ જ વાત કહેતાં લાગ્યા.
માધવે તક પકડી. સીધો માથામાં એકદમ વાગે તેવો જવાબ તેણે વાળ્યો.
‘એવું છે મહેતા! નવી પરિસ્થિતિ આપણે સમજવી રહી. એમાં વેવલાવેડા ન ચાલે. રાજધાની આપણે હમણાં બદલી કાઢવી, દૂર લઇ જવી.’
‘પણ દૂર એટલે ક્યાં?’
‘દૂર એટલે કર્ણાવતી.’
‘પાટણને બદલે કર્ણાવતી રાજધાની કરવી એમ? મહારાજ! આ તો હવે નેવનાં પાણી મોભે ચડાવવાની વાત ચાલે છે. ઠીક, પણ અમાત્યજીને જે સૂઝે તે ખરું... અમારી એમાં સંમતિ નથી.’ શ્રેષ્ઠી સાહણપાલ ત્યાં બેઠો હતો, તે કાંઈક તીખા આવેગથી બોલી ગયો.
એ સ્તંભતીર્થનો મહાન શ્રેષ્ઠી હતો. આજે મહારાજનો બોલાવ્યો આવ્યો હતો.
એણે પોતાના મોટાભાઈ સહજપાલ પાસેથી, દેવગિરિના યાદવે કેવી રીતે દેવગિરિ બચાવી લીધું, તે વાત અથેતિ જાણી હતી. ખિલજીની સામે યુદ્ધે ચડનારો, રાનરાન ને પાનપાન થઇ જાય એવું અમાપ એનું બળ છે, એ પણ એ જાણતો હતો. એને માધવની વાત ગાંડાના ગબારા જેવી લાગી.
‘મહારાજ! વાત મોટાભાઈની સમજવા જેવી છે. પાટણ તમે છોડશો એટલે તમે બધું જ છોડી બેસશો. પાટણ એ તો પાટણ છે મહાઅમાત્યજી!’ સમરપાલ બોલ્યો.
સહજપાલ, સાહણપાલ ને સમરપાલ ત્રણે મહાન શ્રેષ્ઠીઓ આજે હાજર હતા. ત્રણે ભાઈઓ હતા. ત્રણે ઘણા જ લાગવગવાળા હતા સહજપાલ દેવગિરિમાં હતો. સાહણ સ્તંભતીર્થમાં હતો. સમર પાટણમાં હતો સહજપાલ અકસ્માત દેવગિરિથી આવી ચડ્યો હતો તે આંહીં આમંત્રણ મળતાં હાજર રહ્યો હતો.
‘મહારાજ!’ સહજપાલે બે હાથ જોડીને કહ્યું, ‘ગુજરાતનું ગૌરવ જેટલું મહાઅમાત્યજીના હ્રદયમાં છે, એનાથી લેશ પણ ઓછું અમારા હ્રદયમાં નથી. પણ સુરત્રાણને મેં જોયો છે. એની સેના જોઈ છે. એની શકતી જોઈએ છે. એની સામે લડનારો... રાનરાન ને પાનપાન...’
છેલ્લું વાક્ય બત્તડ સાંભળી શક્યો નહિ. ‘શેઠિયાજી!’ તે ઊભો થઇ ગયો હતો.
‘તમારે મ્લેચ્છને નમવું હોય તો તમે દિલ્હીમાં જઈને વેપાર કરો. બાકી આંહીં જો નમવા ભજવાની કોઈ વાત કરી, તો એમાં કોઈની સારાવાટ નથી.’
સહજપાલે પણ એવો જ આકરો જવાબ વાળ્યો:
‘બત્તડજી! તમારા કરતાં હજારગણા બળવાળા આંહીં થઇ ગયા છે, વસ્તુપાલ તેજપાલ પાસે તો તમે પાણી ભરો. પણ એય જમાનાને જાણીને મારગ કાઢતા. આમ ગાંડું શૂરાતન...’
બત્તડ વધુ ચિડાયો: ‘ગાંડું શૂરાતન? શૂરાતનને ડાહલ્યું ક્યાંય દીઠું છે ખરું? શૂરાતનને ગાંડું કહેનાર તો પાટણમાં આજ નવી નવાઈને તમને એકને ભાળ્યા. એ ભલે ગાંડું હોય. અમને તો એમાં સરગલોક દેખાય છે.’
કરણરાયને વાત આડી ફંટાતી લાગી. તેણે એક હાથ ઊંચો કર્યો: ‘સાંભળો બત્તડજી, સાંભળો સહજપાલજી! જે વાત તમે કરી તે જ સિંહભટ્ટે પણ મને કરી છે. છતાં મને વિશ્વાસ છે. આપણે એક હશું તો સુરત્રાણને આંહીંથી તો ફીફાં ખાંડવાના મળશે! આપણે અત્યારે જે વાત પહેલી કરવાની છે તે પહેલી કરો. ગુજરાતનું સિંહાસન પાટણ છોડવું પડશે, તો આપણે સૌ સાથે છોડીશું. એ વાતનો નિર્ણય આપણે ભેગા બેસીને કરીશું. અત્યારે એ વાત પડતી મૂકો, માધવ મહેતા!’
‘વાત પડતી મૂકો ભલે! પણ એ આવી રહી છે – આવવી જ જોઈએ, એ વિષે મનમાં કોઈ વસવસો ન રાખે એટલું જ!’ અસમયે વાત ઉપાડ્યા પછી પણ માધવ ઘા માર્યા વિના રહી શક્યો નહિ.
વાત તરત પડતી મુકાઈ ગઈ. પણ પાટણનું ગૌરવ ટાળવામાં માધવ મહેતાને ચોક્કસ રસ છે, એ છાપ શ્રેષ્ઠીઓના મનમાં આવી ગઈ. તો આ શ્રેષ્ઠીઓ એમનાં જૈનોના ધામને રાખવા માટે ખોટો ઊહાપોહ જગાડવા માગે છે, એ વાત માધવના મનમાં બેસી ગઈ. બ્રાહ્મણ અને જૈન – એમની વચ્ચે ગાંઠ પડવાનું વાતાવરણ ચાલી રહ્યું હતું, તેમાં વધારો થયો.