Raay Karan Ghelo - 15 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 15

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 15

૧૫

વિશળદેવની રમત

 

સિંહભટ્ટ પાસેથી વાત જાણ્યા પછી કરણરાયે તેને વધુ બારીક નજરથી જોવાનું કામ સોંપ્યું હતું. તેને વિશ્વાસ હતો. પાતાળમાંથી પણ એ વાત સિંહભટ્ટ મેળવશે અને એમ જ થયું હતું. રાણીવાવની સભા થઇ તે દિવસે જ, સિંહભટ્ટે સમાચાર આપી દીધા. વાતનું સંભવસ્થાન સ્તંભતીર્થ. ત્યાં એક કોઈ બાઈ છે તે પોતાને સારંગદેવ મહારાજની ભોગિની ગણાવે છે. તેનો એક ત્રણ જ વર્ષનો પુત્ર છે. તે સારંગદેવ મહારાજનો પુત્ર છે, એમ ઘણા માને છે. સ્તંભતીર્થના અસંતોષીઓ એ વાતને ઉત્તેજે છે. સ્તંભતીર્થમાં અસંતોષીઓ ઘણા છે. દિલ્હીની મમતાવાળા તુરુષ્કો પણ ત્યાં છે. ઘણાં નૌવિત્તકો એ પક્ષમાં હતા.

આ શિશુ ને બાઈ, કર્ણાવતીમાં હોવાના ઊડતા સમાચાર હતા.

મહારાજે સિંહભટ્ટને ને સોઢલને બંનેને એજ કહ્યું હતું. સભા પૂરી થયા પછી ત્રણેને કર્ણાવતી જવાનું હતું. ત્યાંથી સોઢલજી પોતાના કામે જવાનો હતો, બાગલાણ તરફ પ્રતાપચંદ્રજી પાસે.

પણ કરણરાયને કર્ણાવતીને રસ્તે જતો જેમણે જેમણે જોયો તેમણે તેમણે ઘડીના છઠ્ઠા ભાગમાં એક વાત પાટણમાં વહેતી મૂકી દીધી. ફરી વાત ઊપડી.

રાજધાની ફેરવવાની છે. મહારાજ એટલા માટે જ એકલા કર્ણાવતી ગયા છે.

બપોર પહેલાં તો વાવંટોળની માફક આ સમાચાર હવાવેગે પાટણમાં ફેલાઈ ગયા. પટ્ટણીઓના ઉશ્કેરાટનો કોઈ પાર રહ્યો નહિ. માધવ પ્રધાનના વિરોધીઓને આ તક મળી ગઈ હતી. સાંજ પડતાં પડતાંમાં તો આખી નગરી હાલકડોલક થઇ ગઈ. ચોરે ને ચૌટે એ જ વાત ચાલી. એકબીજાને મળે ત્યારે એ જ પ્રશ્ન પૂછવા લાગ્યો. સુરત્રાણ આવી રહ્યો છે, એવો ગબારો પણ કોઈકે ચડાવ્યો.

મહારાણી કમલાદેવીના કાને આ વાત આવી. એને ખબર હતી, મહારાજ કર્ણાવતી કેમ આવી ગયા છે, પણ તે વાત પ્રગટ કરતાં ઓડનું છોડ થાય તેમ હતું અને પ્રગટ ન કરતાં તો ઊંધું વેતરાતું હતું. એક તરફ કળણ હતું, બીજી તરફ ભયંકર ખીણ. બેમાંથી એક વાત પસંદ કરવાની હતી. વાત એમ ને એમ પાટણ જેવી નગરીમાં આખી રાત રહેવા દેવી – એનો અર્થ સવારે રાજદરબારમાં ધાડાં જોવાં, એવો જ થતો હતો. એણે કોઈ જવાબદાર માણસ જોયો નહિ. માધવ બહાર હતો. મહારાજ બહાર હતા. વિશળદેવ હજી આંહીં હતો. એના ઉપર મહાજન શ્રેષ્ઠીઓને કાંઈક શ્રદ્ધા પણ હતી. તેણે તેને તરત બોલાવવા મોકલ્યો. તે તરત મહારાણી પાસે આવ્યો.

‘વિશળદેવજી! આ હું શું સાંભળું છું? હજી તો મહારાજ કર્ણાવતીનું સ્થાન જોવા ગયા છે, યુદ્ધદ્રષ્ટિએ એ કેવું નીવડે તે નિરીક્ષણ કરવાનું છે, ત્યાં એટલી વારમાં આ ઊહાપોહ કોને ઊભો કર્યો છે? સુરત્રાણ ન આવતો હોય તો આવે એવી આ હવે કોણ ફેલાવે છે?’

‘બા, વાત વહેલી પ્રગટ કરવામાં જરાક ઉતાવળ થઇ છે. મહારાજને રસ્તે જતા જોયા, એટલે વાતે વેગ પકડ્યો છે. ઉતાવળ તો પ્રગટ કરવામાં થઇ છે.

કમલાવતી એ જાણતી હતી. માધવ પ્રધાને ઘણી ઉતાવળ કરી નાખી હતી. એ વાત ઊભી કરવાની હમણાં જરૂર જ ન હતી. 

‘પણ છેવટે તો મહારાજનો શબ્દ છેલ્લો રહેવાનો છે, વિશળદેવજી! મહારાજ હમણાં કંઈ કરવા માંગતા જ નથી. જગ્યા જોઈ લેવા માગે છે. રચના કેવી થાય તે જાતે તપાસી લેવા માગે છે. એટલે તો ખાસ કોઈને સાથે પણ લઇ ગયા નથી. ભવિષ્યમાં ગુજરાતમાં એક મહાન દુર્ગ ત્યાં ઊભો થાય કે નહિ, તે નક્કી કરવાનું છે. આ રાજરક્ષણનો સવાલ છે. એમાં આટલો બધો કોલાહલ શા માટે? આ તો ગાંડી ઘેલછા દોરે તેવી વાત થઇ!’

વિશળદેવે બે હાથ જોડ્યા. એ તકનો લાભ લઇ લેવા માગતો હતો. ‘આ લોકનું કામ તો એવું બા! વાત સાંભળે, એટલે તરત ચલાવે. વળી મહારાજનું આશ્વાસન મળે એટલે પાછા શાંત. આમાં ઘોષ કરાવીએ તો ન જાણતા હોય તે જાણે જાણતા હોય તે કાખલી કૂટે, કાખલી ફૂટતા હોય એ ગેલમાં આવી જાય. સત્તા સૌને ગમે છે બા! સૌ કહેશે અમારા વિના આભ નીચે આવવાનું! વાણિયા કહેશે, અમારા વિના રાજ નહિ ચાલે. નાગરો કહેશે, એ અમારો માણસ કરી બતાવે તે જુઓ. વળી ત્રીજા ત્રીજી વાત કરે. પણ આપણે સમજીએ નાં કે ખરે ટાણે તો લોઢું ને માથાં બે જ કામમાં આવે. જેની પાસે એ હોય, એ બધાય ભલેને આવતા. આ તો રાજરમત જેવું દેખાય છે. આપણે ધીરજના વેણ આપો ને. બધા વેરાઈ જાશે!’

‘તો ચાલો, હું અત્યારે નીકળું... તમે સાથે આવો...’

‘ના એમ નહિ બા! એમની સૌની એક સભા મળવાની છે!’ વિશળે ધીમેથી વાત મૂકી.

‘કોની સભા મળવાની છે? ક્યાં મળવાની છે? શું મળવાની છે?’ કમલાવતીને આંતરદ્વેષનો અગ્નિ પ્રગટવાનો ભય લાગ્યો.

‘બા! એમ કરીએ, એમાં હું વહેલેથી જાઉં. એટલે વાત બધી મળી રહેશે. આ બધા નગરજનો, મહાજનો, શ્રેષ્ઠીઓ, વણિકો ભેગા થવાના છે – ઉદા મહેતાના વંડામાં...’

‘હા... શું છે ત્યાં?’

‘હોય શું બા?’ વિશળદેવે પૃથ્વીદેવની વાત જાણી જોઇને ન કરી. ‘હોય શું બીજું? ત્યાંથી મહારાજ પાસે સૌ આવવાના. કહેવાના કે પાટણના ગૌરવને હાનિ ન પહોંચવી જોઈએ, તમે ત્યાં આવો બા! મધરાતે સભા છે. હું ડોકાબારી ઉઘાડી રખાવીશ... ત્યાં વાત કહેવાનું પણ ફાવશે...’

કમલાવતીને વાત જાણવા જેવી લાગી. તેણે ત્યાં જવાનો નિર્ણય કરી લીધો. ‘એ ઠીક છે વિશળદેવજી! વાતની ખબર પડશે.’

મહારાણી પાસેથી પાછા ફરતાં રસ્તે વિશળદેવને એ જ વિચાર આવી રહ્યા હતા: ‘માધવ મહેતાને ત્યાં નિષ્ફળતા મળશે. પણ તે છતાં નિષ્ફળતા મળે એ ગોઠવવા માટે પણ કોઈકને દોડાવવું તો પડશે જ. તે વિના આંહીં કોઈ ભાવ નહિ પૂછે. સામંત મહેતાએ ઊભું કર્યું, તો એનો ભાવ પૂછાણો. ડોકાબારીનો એવો બરાબર બંદોબસ્ત કરી દેવાનો કે, મહારાણીબા ગુપચુપ આવી જ જાય. તો એ પોતે જ જોઈ લેશે કે, આ સામંત મહેતાએ ઊભું કર્યું લાગે છે. એટલે થયું.’

વિશળદેવ એ યોજનામાં પડી ગયો. દરવાજો સાચવનારો આબુ તરફનો જ હતો. એ એને મળી લેવા માટે જરાક વહેલો ઉદા મહેતાને વંડે પહોંચી ગયો.