A - Purnata - 5 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 5

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 5

વૈભવ તેના પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. આ તેમના ઘરનો વણલખ્યો નિયમ હતો કે સવારનો નાસ્તો અને રાતનું જમવાનું બધાએ સાથે જ કરવું. વૈભવના ફોનમાં એક મેસેજ આવ્યો જે જોઈ તેના ચહેરાના હાવભાવ ફરી ગયા. પરંતુ મમ્મી પપ્પા સામે વધુ વખત મોબાઈલ હાથમાં નહિ રાખી શકાય એ વિચારી તેણે નાસ્તામાં ધ્યાન પરોવ્યું. ફટાફટ નાસ્તો પતાવીને તે બેડરૂમમાં જતો રહ્યો. સામાન્ય સંજોગોમાં રવિવારે બેય બાપ દીકરો સાથે બેસીને ટીવી જોતાં કે પછી વાતો કરતાં. આજે મનહરભાઈને થોડી નવાઈ લાગી કે વૈભવ કેમ બેડરૂમમાં જતો રહ્યો. પછી મન મનાવ્યું કે કઈક કામ યાદ આવી ગયું હશે એમ વિચારી તે ટીવીનું રિમોટ લઈ સોફા પર ગોઠવાયા.
રેવતીબહેન ફરી પુજારૂમમાં પહોંચ્યા અને રેના ફટાફટ બધું સમેટવા લાગી. વૈભવ બેડરૂમમાં ગયો હતો એટલે રેનાને પણ બેડરૂમમાં પહોંચવાની ઉતાવળ હતી. પોતે કેમ વાત કરશે કે શું વાત કરશે એ ખબર ન હતી. કામ કરતાં કરતાં પણ એના હાથ ધ્રુજતાં હતાં. છતાંય હિંમત તો કરવી જ પડશે એમ વિચારી તે રસોડામાં બધું મૂકીને હાથ ધોઈને બેડરૂમ તરફ ચાલી.
બેડરૂમના દરવાજે પહોંચી રેના અટકી ગઈ. એક ઊંડો શ્વાસ લીધો એને તેણે દરવાજાને ધક્કો માર્યો. રેના બેડરૂમમાં પ્રવેશી. તેણે જોયું કે વૈભવ મોબાઈલમાં કઈક જોઈ રહ્યો છે. ચહેરા પર ચિંતાની લકીરો દર્શન દઈ રહી છે. એ જોઈ રેનાને થયું કે વાત કરવી કે નહીં. પરંતુ અહી સુધી આવ્યા પછી વાત કર્યા વિના નીકળવું તેને યોગ્ય ન લાગ્યું.
"વૈભવ, મારે તારી સાથે થોડી વાત કરવી છે." શક્ય એટલી સ્વસ્થતા જાળવી રેના બોલી પરંતુ વૈભવનું તો જાણે ધ્યાન જ નથી કે તેણે કંઈ સાંભળ્યું જ નથી એમ હજુ પણ તે મોબાઈલમાં જ જોઈ રહ્યો હતો. રેનાને થોડી નવાઈ લાગી કેમકે મોટા ભાગે વૈભવનું ધ્યાન મોબાઈલમાં હોય તો પણ તે હોંકારો તો આપે જ. આથી રેના બે ડગલાં આગળ વધીને વૈભવ સામે ઉભી રહી અને પ્રેમથી તેના ખભે હાથ મૂક્યો.
"વૈભવ, તું સાંભળે છે?"
જવાબની આશા વચ્ચે અચાનક જ વૈભવ ઉભો થયો અને રેનાનાં ગાલ પર એક જોરદાર તમાચો લગાવી દીધો. રેના માટે આ અનપેક્ષિત વાત હતી. તમાચો એટલો જોરદાર હતો કે રેના પોતાની જગ્યા પરથી ડગી ગઈ અને પાછળ ધકેલાઈ ગઈ. કાનમાં તો જાણે બધું સુન્ન થઈ ગયું હોય એમ બે ઘડી અવાજ આવતો બંધ થઈ ગયો. માંડ પોતાની જાતને સંભાળી તેણે વૈભવ તરફ નજર કરી. વૈભવ હજુ પણ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. ક્રોધથી આંખોમાં જાણે લોહીની ટશરો ફૂટી નીકળી હતી.
રેનાએ વૈભવનો ગુસ્સો અનેક વાર જોયો હતો પણ આજે જે જોઈ રહી હતી એ સ્વરૂપ અલગ જ હતું.
"શું થયું... વૈ..ભ... વ..., તે મારા પર...હાથ કેમ....ઉપાડ્યો?" રેનાના શબ્દો પણ તેની જેમ કાંપી રહ્યાં હતાં. તમાચાથી તેની આંખમાંથી આંસુ નીકળવાની તૈયારીમાં હતાં.
"મને પૂછે છે તું?? હજુ પણ તને શરમ નથી આવતી?" આમ કહી વૈભવએ ગુસ્સામાં જ રેનાને તેના વાળ પકડીને ખેંચી.
"આ..આ...વૈભવ..પ્લીઝ છોડ...મને ખેંચાય છે વાળ...પ્લીઝ, તું મને હર્ટ કરે છે." રેનાએ પોતાના બેય હાથથી વૈભવની પોતાના વાળ પરની પકડ છોડાવવાની કોશિષ કરી.
"ખાલી વાળ ખેંચાય તો તને આટલું હર્ટ થાય છે તો વિચાર તારા કરતૂતો જાણી મને કેટલું હર્ટ થતું હશે. છી...મને શરમ આવે છે કે તું મારી પત્ની છે." આમ કહી વૈભવએ રેનાને જોરથી બેડ પર ધક્કો માર્યો. રેના એટલી જોરથી બેડ પર પટકાઈ કે તેના ગોઠણમાં વાગ્યું. છતાંય તે ફરી ઊભી થઈ.
"તું શું કહે છે મને કઈ ખબર નથી પડતી. હું તો તારી સાથે વાત કરવા આવી હતી પણ તું તો..." હજુ તો રેના આગળ કઈ બોલે એ પહેલાં જ તેના ગાલ પર ફરી એક તમાચો પડ્યો. આ વખતે રેનાનું સંતુલન ગયું અને તે નીચે પડી અને બેડના ખૂણા સાથે અથડાઈ. કપાળમાં ખૂણો અથડાતાં રેનાંના મોઢામાંથી સિસકારો નીકળી ગયો.
વૈભવ ગુસ્સાથી લાલચોળ થઈ બેડરૂમમાં આંટા મારી રહ્યો હતો. તેના શ્વાસ પણ ધમણની જેમ ચાલતા હતાં. અચાનક તે રેના પાસે ગયો અને ફરી તેના વાળ જોરથી ખેંચી તેનું માથું ઊંચું કર્યું.
"મને છેલ્લા કેટલાય સમયથી શંકા હતી તેની આજે સાબિતી મળી ગઈ. મે તને હજાર વાર કીધેલું કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ભેદ હોય છે પણ તે તો જાણે સમજણશક્તિ નેવે જ મૂકી દીધી છે, પણ તું આ હદ સુધી નીચે પડીશ એ તો મે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું."
હવે રેના હિબકે ચડી હતી. ગાલ પર પડેલો માર અને વાળ પર થતો અત્યાચાર બેય સહન શક્તિ બહાર હતાં.
"પ્લીઝ...તું...કે તો ખરો...આપણે શાંતિથી બેસીને વાત કરીએ ને..."
"વાત કરવા માટે તે કઈ બાકી રાખ્યું છે? આ જો..." એમ કહી વૈભવએ મોબાઈલ રેના તરફ ધર્યો.
"જોઈ લે તારા કાળા કરતૂતના પુરાવા."
રેનાએ મોબાઈલ હાથમાં લીધો અને આંસુ ભરી આંખે તે મોબાઈલમાં આવેલા મેસેજ જોવા લાગી. જેમ જેમ મેસેજ જોતી ગઈ એમ એમ તેની આંખો આઘાતથી પહોળી થતી ગઈ. મેસેજ પૂરો થયો કે રેનાના હાથ માંથી મોબાઈલ પડી ગયો.
"નહિ...નહિ....તું...સમજે છે એવું નથી...આ...આ... બધું....ખોટું છે...હું...હું...તને સાચી...હકીકત...કહીશ...તું...તું...બસ...એક...વાર...મારી વાત...સાંભળી લે..."આટલું બોલતાં બોલતાં રેનાનો અવાજ તરડાઈ ગયો.
"હજુ પણ શું હકીકત બાકી છે કહેવા સાંભળવાની? આજ તો તું કહી જ દે. હું એક સાથે બધું સાંભળી લઉં."
"આ...મેસેજ સાચા નથી...હું...હું...ને વિકી..."
"ઓહ!!! તો વાત અહી સુધી પહોંચી ગઈ છે?? વિકી?? વાહ રેના વાહ... આટલાં પ્રેમથી મારું નામ ક્યારેય લીધું?"
રેના ફરી કરગરી, "હું તને બધું...બધું...કહેવાની જ હતી...તું...સમજે છે...એવું કઈ છે જ નહિ...અમે ફક્ત મિત્રો..." રેનાના શબ્દો વાક્ય બની પૂરા થાય એ પહેલા ફરી રેનાના ગાલ પર એક તમાચો પડ્યો.
"ફરી એક જૂઠ. મિત્રો?? ક્યાં મિત્રો એકબીજાને આઇ લવ યુ ના મેસેજ કરે?? કિસના ઈમોજી મોકલે?? અરે, અંદર વાંચ કેટલી અશ્લીલ વાતો કરી છે તે. આવું મિત્રો વચ્ચે હોય?" વૈભવના ગળે ડૂમો બાઝી ગયો.
"વૈભવ, તારા સમ. મે આવા કોઈ મેસેજ નથી કર્યા. પ્લીઝ તું મારા પર થોડોક તો વિશ્વાસ કર." રેના બે હાથ જોડતાં બોલી.
"વિશ્વાસ? આ શબ્દનો મતલબ પણ જાણે છે તું? તને તો વિશ્વાસ તોડતાં આવડ્યો છે. અરે કુલટા છે તું કુલટા. ચરિત્રહીન. મારાં ઘરમાં તારી જેવી વ્યક્તિનું સ્થાન હોય જ ન શકે."
અચાનક વૈભવ રેના પાસે ઘૂંટણિયે બેસી ગયો. રેનાનું મોં બે હથેળી વચ્ચે પકડી એની આંખોમાં જોઈ પૂછ્યું, "મારા પ્રેમમાં શું કમી હતી બોલ ને? અરે, શું વીતશે મારાં મા બાપ પર, જ્યારે તે લોકોને આ હકીકત ખબર પડશે." આમ કહી વૈભવ ફરી ગુસ્સામાં ઉભો થયો અને બાજુના ટેબલ પર પડેલી ફૂલદાનીનો ઘા કર્યો. આ અવાજ નીચે સુધી સંભળાયો. વૈભવના ઘાંટા અને વસ્તુ પડવાનો અવાજ સાંભળી મનહરભાઈ અને રેવતીબહેનને લાગ્યું કે બેય પતિ પત્ની વચ્ચે ફરી ઝગડો થયો લાગે.
"આ તમારો દીકરો ક્યારે સુધરશે? ગાય જેવી પત્ની મળી છે પણ ગુસ્સો તો વૈભવને નાક પર જ હોય." આમ કહી રેવતીબહેને વૈભવના બેડરૂમ તરફ જવા પગ ઉપાડ્યા જ હતાં કે ઘરની ડોરબેલ વાગી.
મનહરભાઈએ ઊભા થઈ દરવાજો ખોલ્યો. એક વાવાઝોડું જાણે ઘરમાં આવવા માટે તૈયાર ઊભું હતું.
( ક્રમશઃ)
રેના અને વિક્રાંત વચ્ચે શું સંબંધ હશે?
કયું વાવાઝોડું પ્રવેશી રહ્યું છે વૈભવના ઘરમાં?
રેના વૈભવને હકીકત કહી શકશે?
જાણવા માટે જોડાયેલા રહેજો વાર્તા સાથે અને તમારા સુંદર પ્રતિભાવો પણ આવકાર્ય છે.