A - Purnata - 11 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 11

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 11

"હેલો ગોલુ...?
"રેના....!!!!
"હા , હું રેના. તું ક્યાં છે? આઈ નીડ યુ. પ્લીઝ સેવ મી. હું....હું...." આટલું કહેતાં રેના રડી પડી.
"ડોન્ટ ક્રાય. શું થયું?? તું ક્યાં છે?"
"હું...હું...સુરત પોલીસ સ્ટેશનમાં છું. પ્લીઝ તું જલ્દી આવ. બાકી ટીવીમાં ન્યૂઝ ચેનલ જોઈ લેજે બધું ખબર પડી જશે. મારી પાસે વધુ સમય નથી ફોન પર વાત કરવાનો. પ્લીઝ કમ ફાસ્ટ. પ્લીઝ...પ્લીઝ..." રેના હજુ કઈ બોલે એ પહેલા જ મીરાએ ફોન કટ કરી નાખ્યો. રેના લાચારીથી મીરા સામે જોઈ રહી.
"કોઈ દેવદૂત આવવાનો છે તમને બચાવવા?"
રેનાના જવાબની રાહ જોયા વિના તેણે ફરી કિશનને રેનાને લોક કરી દેવા ઓર્ડર કર્યો. રેના ફરી એ જ ખરબચડા ઓટલા પર ટેકો દઈને બેઠી. બેય પગ ઉભડક રાખી તેના પર બેય હાથ રાખી માથું ટેકવી તે બસ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. આંખમાંથી આંસુ અવિરત વહી રહ્યાં હતાં. તે એ પળને કોસી રહી હતી જ્યારે વિક્રાંત તેની જિંદગીમાં આવ્યો હતો.
******************************
ભૂતકાળમાં.....
ભાવનગરની શામળદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નોટિસ બોર્ડ પાસે વિદ્યાર્થીઓનું ટોળું જમા થયું હતું. આજે ચોથા સેમેસ્ટરનું રિઝલ્ટ જો મુકાયું હતું. સૌ પોતાનું રિઝલ્ટ જોવા પડાપડી કરી રહ્યાં હતાં. આ બધા વચ્ચે એક ભારેખમ, ગોળમટોળ શરીર ધરાવતી છોકરી બેય હાથમાં નાસ્તાના પેકેટ અને કોલ્ડ્રિંકની બોટલ સાથે એ ભીડમાં ઘૂસી. પોતાના બેય હાથથી જ ધક્કામુક્કી કરતી ભીડ વચ્ચે જગ્યા કરીને છેક નોટિસ બોર્ડ આગળ પહોંચી. એક છોકરો જે નોટિસ બોર્ડની સાવ નજીક ઉભો હતો તેને તો કમરથી જ ધક્કો મારી તે એની જગ્યા પર ગોઠવાઈ ગઈ. રિઝલ્ટ પર નીચેથી ઉપર નજર નાંખી. એને જે નંબરનું રીઝલ્ટ જોવું હતું એ ટોપ પર હતું. જે જોઈ એ ખુશીથી ઝૂમી ઉઠી અને ઉત્સાહમાં જ ત્યાં જ ઉભા ઊભા બેય હાથ પહોળા કરી જોરથી રાડ પાડી,"યેસ ...યેસ... આઇ ન્યૂ ઇટ. યે યેયે...." એમ કરતી એ ત્યાં જ એક ગોળ ફુદરડી ફરી ગઈ. આમ કરતાં તેના ધક્કાથી બિચારા દુબળા પાતળા બે ત્રણ સ્ટુડન્ટ તો નીચે જ પડી ગયાં. અમુક તો તેની ચિચિયારીથી જ ડરીને દુર ખસી ગયાં.
તે ભીડમાંથી નીકળી અને સીધી ગાર્ડન તરફ ભાગી. કોલેજ ગાર્ડનમાં છોકરીઓ ગ્રુપ બનાવી અમુક અમુક અંતરે વાતો કરતી ઊભી હતી. આ બધા વચ્ચે નજર ફેરવતાં ફેરવતાં તેની નજર દૂર એક બેન્ચ પર બેઠી હાથમાં એક પુસ્તક પકડી વાંચવામાં તલ્લીન થયેલી છોકરી તરફ ગઈ. તેને જોઈ અને તે પોતાનું ભારે ભરખમ શરીર ડોલાવી તેની તરફ ભાગી. તેણે દૂરથી જ બૂમ પાડી, "રેના....રેના....રેના..."
હા, તે છોકરી રેના હતી. કોઈ પોતાનું નામ લઈ બૂમ પાડી રહ્યું છે એમ લાગતાં તેણે બુકમાંથી માથું ઊંચું કરી આજે બાજુ નજર ફેરવી. સામેની બાજુ પર હજુ તો નજર કરે એ પહેલાં બૂમ મારનાર વ્યક્તિ નજીક આવી અને એક ઠેબુ ખાઈ તેના પર પડવાની તૈયારીમાં હતી કે રેના બેન્ચ પર એક સાઈડ ખસી ગઈ. આવનાર વ્યક્તિએ વાગવાના ડરથી બેન્ચ પકડીને પોતાને સંભાળી લીધી. તેના શ્વાસ હજુ પણ જોરથી ચાલી રહ્યાં હતાં. તેણે પોતાની જાત સંભાળીને પોતાનું શરીર ધબ કરતું બેન્ચ પર પડતું જ મૂક્યું.
"આ કઈ રીત છે ગોલું....હમણાં મારો રોટલો થઈ જાત." રેના થોડી ગુસ્સે થઈ ગઈ.
"હા તો સારું હતું ને...હું એ રોટલાને પિત્ઝા બનાવીને ખાઈ જાત." આમ કહી આવનાર વ્યક્તિ હસવા લાગી.
"હેપ્પી...તને ખાવા સિવાય ક્યારેય કઈ સૂઝે?" રેના ગુસ્સે થઈ.
"ઓ મેડમ, તારા માટે એક તો રિઝલ્ટ જોઈને આવી અને તું મારા પર જ ગુસ્સો કરે છે? જા, હવે કહીશ જ નહિ કે શું રિઝલ્ટ આવ્યું." આમ કહી ગોલું મોઢું ફેરવીને બેસી ગઈ.
આ જોઈ રેનાને ખૂબ હસવું આવ્યું. "હેપ્પી.. એ હેપ્પી...." તોય હેપ્પીએ સામુ ન જોયું એટલે રેનાએ ફરી કહ્યું, "આનંદી ... એ આનંદી ..." આ નામ સાંભળતા જ હેપ્પી રેના તરફ ફરી.
"તને કેટલી વાર કહ્યું છે કે મને આ નામે નહિ બોલાવવાની. મારું નામ હેપ્પી છે સમજી." હેપ્પી આજે ગુસ્સે થઈ ગઈ અને રેના તેને જોઈને હસી પડી.
આનંદી પંડિત. ગોળમટોળ શરીર, મોટી મોટી આંખો, તેના પર રીમલેસ ચશ્મા, ડોક સુધીના બ્લંક કટ હેર, ગાલ તો એવા મસ્ત ફૂલેલા કે બેય ગલોફામાં કેમ ગુલાબ જાંબુ ભર્યા હોય. બહુ ઊંચું નહિ પરંતુ શરીરના વજનના કારણે બેઠી દડીની હોય એવો બાંધો. રૂપાળી નહિ પણ છતાંય નમણી ત્વચા. હમેશા જીન્સ ટોપ પહેરવાનું પસંદ કરતી આનંદી સ્વભાવે પણ એના નામ જેવી જ હતી. એ અને રેના બેસ્ટ ફ્રેન્ડ હતાં. આનંદીને ગોલુ કહેવાનો હક ફક્ત રેનાને હતો કેમકે રેના આનંદીના દિલનો ટુકડો હતી. બીજા કોઈએ જો એને એ નામથી બોલાવી હોય ને તો પછી તેની સાથે જે થાય એ એના પોતાના નસીબ.
ખબર નહિ કેમ પણ, આનંદીને એનું નામ ઓલ્ડ ફેશન લાગતું એટલે તે પોતાની જાતને હેપ્પી કહેવડાવવું જ પસંદ કરતી. જો કે એ હમેશા હેપ્પી જ રહેતી. દુનિયાનું કોઈ દુઃખ કે ચિંતા જાણે તેના માટે બન્યા જ નથી. તેના સૌથી મનપસંદ કાર્યમાં આવતું મનગમતું ભોજન અને મૂવી. બુક્સ તો ફક્ત પરીક્ષા સમયે હાથમાં લેતી. તોય દિમાગ એટલું સારું હતું કે હમેશા ટોપ ફાઇવમાં એનું નામ હોય જ. હેપ્પી અને રેના એક જ સોસાયટીમાં રહેતાં. કોલેજ પણ એક જ હતી એટલે દોસ્તી થોડીક વધુ જ મજબૂત હતી. હેપ્પીના મમ્મી હેપ્પી પાંચ વર્ષની હતી ત્યારે જ કોઈ બીમારીમાં ગુજરી ગયાં.
હેપ્પીના પપ્પા એક ગવર્મેન્ટ એમ્પ્લોઇ હતાં. એમની ટ્રાન્સફર જુદા જુદા શહેરમાં થયા કરતી. ભાવનગરમાં આવ્યાં બાદ કોલેજમાં રેના સાથે દોસ્તી થઈ અને હેપ્પી રેનાના ઘરે પણ જતી. રેનાના મમ્મી કંચનબહેન હેપ્પીને પણ રેના જેટલો જ પ્રેમ આપતાં. હેપ્પીને કંચનબહેનમાં જાણે પોતાની મા જ દેખાતી. તે હકથી રેનાના ઘરમાં આવ જા કરતી.
રેનાના ઘરમાં મમ્મી , પપ્પા ભાઈ અને પોતે એમ ચાર લોકોનો પરિવાર હતો. રેનાના પપ્પા કિશોરભાઈનો ફર્નિચરનો બીઝનેસ હતો. રેના પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી. હેપ્પી તો એને પુસ્તકિયો કીડો જ કહેતી. હેપ્પી અને રેના ખૂબ મસ્તી કરતાં, લડતાં પણ ખરા. તોય એકબીજા વિના બેયને જરાય ચાલે નહિ. કોલેજમાં પણ બધા હેપ્પીને રેનાની બોડીગાર્ડ જ કહેતાં. હેપ્પીની હાજરીમાં કોઈની હિંમત છે કે રેના સામે બોલી પણ શકે. ખાસ કરીને છોકરાઓ.
રેના મહેતા હતી જ એટલી સુંદર. લાંબા કાળા વાળ, અણિયાળી કાળી આંખો, પાતળું નહિ એવું સપ્રમાણ શરીર, ધનુષ આકારના ગુલાબી હોઠ અને દાડમની કળી જેવા દાંત. હમેશા ભારતીય કપડાં પહેરવાનું પસંદ કરતી રેના એકદમ નિર્મળ ઝરણાં જેવી હતી.
"મને ખબર જ હતી રેના કે તે રિઝલ્ટ નહિ જોયું હોય એટલે હું જ જોતી આવી. ખબર નહિ તને આ પુસ્તકના થોથાંમાં શું એટલો રસ છે કે આજુબાજુની દુનિયા ભુલાઈ જાય છે. અરે, રિઝલ્ટ જોવાનું પણ ભુલાઈ જાય તને!!" એમ કહી હેપ્પીએ મોઢું મચકોડયું.
"જો મારી બુક્સને કઈ નહિ કહેવાનું. અરે પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે." રેના બુકને હાથમાં પકડીને બોલી.
"હા, હા, અમે તો મશીન છીએ કેમ?" હેપ્પીએ એવી રીતે આંખો નચાવી કે રેના ખડખડાટ હસી પડી. આ જોઈ હેપ્પી ફરી બોલી, "હવે આ મશીનમાંથી રિઝલ્ટ પ્રિન્ટ કરવાનું છે કે ડિલીટ કરી દઉં?"
રેના માંડ પોતાનું હસવાનું રોકી બોલી, "હેપ્પી મશીન, રિઝલ્ટ પ્રિન્ટ કરી આપો." આ સાથે જ હેપ્પી રીતસરની રેના પર તુટી પડી. એટલી ગલીપચી કરી કે રેના હસી હસીને લોટપોટ થઇ ગઇ.
આખરે થાકીને હેપ્પી બેઠી. અચાનક શું સૂઝ્યું તે બે હાથ માથે મૂકી બોલી, "ઓ મા...મારે તો પાર્ટી કરવાની હતી. એ કંજૂસ, પાસ તું થાય, પાર્ટી તારે દેવાની હોય એના બદલે આ બધો નાસ્તો મારે લાવવાનો હે?" ફરી એણે પોતાની અણિયાળી આંખો નચાવી.
"હા ભુખ્ખડ....પણ પહેલા એ તો કે, રિઝલ્ટ શું આવ્યું?"
"તું ટોપ પર અને હું નીચેથી ટોપ પર." આમ કહી હેપ્પી હસવા લાગી.
"હે?????" હવે આંખો મોટી કરવાનો વારો રેનાનો હતો.

( ક્રમશઃ)
શું રંગ લાવશે રેના અને હેપ્પીની દોસ્તી?
હેપ્પીના હોવા છતાંય વિક્રાંત કઈ રીતે પ્રવેશ્યો રેનાની જિંદગીમાં?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.