Dhruvansh - 4 in Gujarati Short Stories by Dimple suba books and stories PDF | ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 4

Featured Books
Categories
Share

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 4




(આગળના ભાગમાં તમે જોયું હતું કે ધ્રુવ અને વંશિકા એક આખો દિવસ ટ્રેઇનમાં પસાર કરે છે. રાત્રે વંશિકાને જમવું ના હોવા છતાં બધા તેને આગ્રહ કરતા તે ગુસ્સામાં થાળીનો ઘા કરી દે છે આ ઘટનાથી બધા ચોંકી જાય છે જ્યારે ધ્રુવ શાંત થઈ જાય છે. રાત્રે વંશિકા ધ્રુવની માંફી માંગવા જાય છે ત્યારે અચાનક ટ્રેઇનમાં બ્રેક લાગતા તે પડી જાય છે અને ધ્રુવ જમીન પર હથોનો ટેકો લઈ વંશિકા પર પડતાં બચી જાય છે પણ તેના હાથમાં વંશિકાની ઓઢણી ફસાતા વંશિકાના ચહેરા પરથી ઓઢણી ખસી જાય છે. હવે આગળ....)


ધ્રુવની આંખો પહોળી થઇ ગઈ કારણકે ધ્રુવ આખો દિવસ ઓઢણી હટાવવાનો પ્રયત્ન કરતો હતો અને અંતે ઓઢણી હટી ગઈ પણ ધ્રુવના નસીબ તેટલા પણ સારા નહતા. અંધારુ હોવાથી વંશિકાનો ચહેરો દેખાતો નહતો! વંશિકાને ભાન થતા તેણે ઓઢણી તરત ધ્રુવના હાથમાંથી ખેંચી, ઓઢણી સાથે હાથ લસરતા ધ્રુવ વંશિકા પર પડી ગયો, ધ્રુવના હોઠ વંશિકાના હોઠને અડકવાના જ હતા કે તેણે પોતાનો ચહેરો આડો કરી લીધો એટલે તેના ગાલ વંશિકાના હોઠને અડક્યા! વંશિકા ચોંકી ગઈ, તેણે ધ્રુવને ધક્કો મારી દૂર ખસેડ્યો અને ઓઢણીથી પોતાનો ચહેરો ઢાંકીને ઊભી થઈને દોડીને ત્યાંથી જતી રહી. ધ્રુવ બિચારો થોડી ક્ષણો શું બન્યું સમજી જ ન શક્યો! ત્યાં ટ્રેઇનનું હોર્ન વાગતા તે જાણે ભાનમાં આવ્યો અને જાતે ઊભો થઈ, ખુશી અને નિરાશાના મિશ્રણ ભાવો સાથે લઈ સૂઈ ગયો.


🍁🍁🍁

બીજે દિવસે સવારે ધ્રુવ ઉઠ્યો ત્યારે તેની સામે પરી ઊભી હતી. તે ચહેરા પર સ્મિત સાથે ઉઠ્યો પણ પરી તેની તરફ જોઈ હસી રહી હતી, તે કઈ સમજી ના શક્યો ત્યાં તો બધા ધ્રુવના ચહેરાને જોઇ હસી પડ્યા. ધ્રુવ કશું સમજી ના શક્યો કે બધા શા માટે હસે છે!

બધાનો હસવાનો અવાજ સાંભળીને વંશિકા પણ ઉઠી ગઈ અને નીચે ઉતરી.

"બધા હસે છે શા માટે ?" વંશિકાએ પૂછ્યું. પરીના મમ્મીએ તેને ધ્રુવના ચહેરા તરફ જોવા ઈશારો કર્યો. વંશિકા ધ્રુવ તરફ ફરી અને ધ્રુવનો ચહેરો જોઈ તે પણ ખડખડાટ હસી પડી. ધ્રુવ તો કશું સમજી ના શક્યો. તે બોલ્યો,"તમે બધા મારા પર શા માટે હસો છો?!"

વંશિકાએ પરીના મમ્મીનાં સીટ પર રહેલ અરીસો લઈ ધ્રુવ સામે પકડી રાખ્યો. ધ્રુવ પોતાનો ચહેરો જોઈ ડરી ગયો,"ઓય માં!"
બધા ફરી હસી પડ્યા. ધ્રુવના ચહેરા પર સ્કેચપેનથી ડ્રો કરેલ હતું.

ધ્રુવે ગુસ્સામાં પરી તરફ જોયું અને બોલ્યો,"આ તે જ કર્યું છે ને?!" પરીએ નકારમાં માથું ધુણાવ્યું.

"જુઠ્ઠી.... હમણાં દેખાડું તને..." ધ્રુવ તેને પકડવા ગયો ત્યાં પરી દોડીને દૂર જતી રહી, ધ્રુવ તેની પાછળ ગયો અને તેને પકડીને લઈ આવ્યો. બધા હસી પડ્યા.

હળવું વાતવરણ જોઈ વંશિકા બોલી,"હું કાલ રાત માટે ખરેખર દિલગીર છું. મારાથી અજાણતા જ તે વર્તણૂક થઈ ગઈ! હું અત્યારે ઘણી કઠીન પરિસ્થિતિમાં છું ! તમે બધા મને પ્રેમથી જ જમવાનું કહી રહ્યા હતા પણ હું ગુસ્સે થઈ ગઈ તે માટે દિલથી શરમ અનુભવું છું. બને તો મહેરબાની કરીને માંફ કરી દેજો."

પરીના મમ્મી વંશિકાના ખભે હાથ મૂકી બોલ્યા,"અરે વાંધો નહિ બેટા, આવું તો થતું રહે...."

"હા વાંધો નહિ..." ધ્રુવ સિવાય બધાએ સહમતી આપી. વંશિકા ને આ ધ્યાનમાં રહ્યુ. બધા પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

પરી ફોનમાં cartoon જોઈ રહી હતી. ધ્રુવ બારીના ટેકે બેસી ફોનમાં કશુંક કરી રહ્યો હતો. કોઈનો કોલ આવતા તે ત્યાંથી ડબ્બાના દરવાજા પાસે જતો રહ્યો.

તે કોલમાં બોલી રહ્યો હતો,"હા ફકત હું જ આવું છું, ખબર નહિ બિલાલને શું કામ આવી પડ્યું અચાનક !....

હા ભાઈ, અમે સાથે જ હતા, અચાનક રાત્રે તે કામ આવતા જમતા જમતા ભાગ્યો તે છેક સવારે કોલ આવ્યો કે હું પહોંચી નહિ શકું તું જતો રહે...

વિચારવા જેવું તો છે! તેણે આવું શા માટે કર્યું! શું ટેન્શન હશે તેને! તે બધું હું જોઈ લઈશ તું મે તને જે કામ આપ્યું તેના પર ધ્યાન આપ...."

Parents ના માને તો.." ધ્રુવ બોલવા જતો હતો ત્યાં પાછળથી પરીનો અવાજ આવ્યો,"ધ્રુવ...."

ધ્રુવે ફટાફટ કોલ કટ કરી નાખ્યો અને પાછળ ફર્યો. સામે પરીનો હાથ પકડીને વંશિકા ઊભી હતી.

"તમે ક્યારે આવ્યા ?!" ધ્રુવે ગભરાઈને પૂછ્યું.

"અમે આવ્યા જ છીએ. આ પરીને વેફર ખાવી છે તો તે લેવા જતા હતા અને તમે અહીંયા દરવાજા પર જ ઉભા હતા એટલે તેણે તમને અવાજ આપ્યો." વંશિકા બોલી.

"કોની સાથે વાત કરતા હતા ?! Girlfriend તો નથી ને?!"
પરીએ નેંણ ઊંચા કરતા પૂછ્યું. વંશિકા હસી પડી.

પરીને ઉંચકતા ધ્રુવ બોલ્યો,"ચાલને બહુ ડાહી બનતી... વેફર અપાવું..." ત્રણેય નીચે ઉતર્યા. પરી જીદ કરી નીચે ઉતરી. તે ધ્રુવ અને વંશિકાનો હાથ પકડીને પોતાની ધૂનમાં ચાલી રહી હતી.

ગઈકાલે ઘટેલ ઘટનાને કારણે ધ્રુવ અને વંશિકા એક બીજા સાથે વાત કરવામાં ખચકાટ અનુભવતા હતા. છેલ્લે ચુપકીદી તોડતા
વંશિકા બોલી,"તમારી પાસે બે ફોન છે?!"

"હા એક મારા વપરાશ માટે અને એક કામ માટે." ધ્રુવે કહ્યું.

"ઓહ... બહુ કામ હોય તમારે?" વંશિકાએ પૂછ્યું.

ધ્રુવે હકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું,"કાલે જે થયું તે માટે sorry... ટ્રેઈનએ અચાનક બ્રેક મારી અને બેલેન્સ ગયું..."

"અરે, sorry તો મારે કહેવું જોઈએ. હું તમને મળી ત્યારથી તમને પરેશાન કરું છું. પહેલા ડીશ ફેંકવી પછી તમને રાત્રે વોશરૂમ પાસે વાત કરવા મે રોક્યા અને તેમાં બ્રેક લાગતા મારા કારણે તમે પણ પડ્યા તેના માટે મારે માંફી માંગવી જોઈએ."

ત્યાં પરી બન્નેનો હાથ છોડી સ્ટોલ પાસે વેફર લેવા ગઈ.
બન્ને ત્યાં સાઈડમાં ઊભા રહી ગયા.

"કાલે તારો ચહેરો દેખાઈ જાત પણ મારા નસીબ ખરાબ કે અંધારું હતું અને ત્યાં તો તે ઓઢણી ખેંચી લીધી અને તારા ઓઢણી ખેંચવાના ચક્કરમાં મને વાગ્યું તે અલગ!"

"Sorry તમે અચાનક મારા પર પડ્યા એટલે ગભરાઈને મે ધક્કો મારી દીધો અને તમને લાગ્યું. હું તમને ઉભા કરવા પણ ન રોકાઈ."

"વાંધો નહિ. હું સમજી શકું! અજાણતા જ કિસ થવાને કારણે તું પણ ગભરાઈ ગઈ પણ મારા હાથમાં કશું નહતું!"

"કિસ?! કોણે કહ્યું?! તે ખાલી એક એક્સિડન્ટ હતું!" વંશિકા ગુસ્સામાં બોલી. આ જોઈ ધ્રુવને મજા આવી. તેણે વંશિકાને વધુ ગુસ્સે કરવા કહ્યું,"ભલે એક્સિડન્ટલી... કહેવાય તો કિસ જ ને!"

"ના....તમે આવું વિચારશો અને બોલશો તેવી મને આશા નહતી..." અને તે ગુસ્સામાં ત્યાંથી જતી રહી. ધ્રુવ હસી રહ્યો ત્યાં પરી સ્ટોલ પરથી નાસ્તો લઈને ધ્રુવ પાસે આવી.

"ચાલો, દીદી ક્યાં?" પરીએ પૂછ્યું.

"તે ઊભીને થાકી ગઈ એટલે જતી રહી. ચાલ આપણે પણ જઈએ બાકી ટ્રેઈન ઉપડી જશે તો ધ્રુવ અને તેની ગર્લફ્રેન્ડ પરી બન્ને સ્ટેશન પર જ રહી જશે..." ધ્રુવ પરીને તેડતા બોલ્યો.


🍁🍁🍁

વંશિકા બારી પાસે ધ્રુવથી નારાજ બેઠી હતી. ધ્રુવ એક
ઇયરબડ કાનમાં નાખી બીજું ઇયરબડ તેની અને વંશિકાની વચ્ચે મૂકતા બોલ્યો,"હું મસ્ત કોમેડી મૂવી જોઉં છું. જેને જોવી હોય તે ઇયરબડ પહેરી લે."

વંશિકા ધ્રુવથી એટલી પણ નારાજ નહતી, તેણે ઇયરબડ પહેરી લીધું. ધ્રુવ મલકાવા લાગ્યો અને ઓઢણી પાછળ વંશિકા પણ મલકાઈ રહી! બન્ને મૂવી જોવા લાગ્યા.

બપોરે ધ્રુવ અને વંશિકા સિવાય બધાએ લંચ કર્યું. લંચ કરીને બધા સૂઈ ગયા ત્યારે ધ્રુવ ઊભો થયો. તેણે જોયું તો વંશિકા ચહેરાને ઓઢણી વડે ઢાંકીને સૂઈ ગઈ હતી. ધ્રુવે હળવેથી ઓઢણી ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ વંશિકા ઓઢણી કસોકસ પકડીને સૂતી હતી. ધ્રુવ નિરાશ થઈ બેસી ગયો. થોડી વાર બાદ તેણે ફરી પ્રયત્ન કર્યો, ત્યારે વંશિકા જાગતી હતી પણ એમનમ સૂતી પડેલ હતી. તે બોલી,"રહેવા દો, ચહેરો જોવા નહિ મળે!"

ધ્રુવ પગ પછાડતો બેસી ગયો. વંશિકા મનોમન હસી પડી.
સાંજે વંશિકા ધ્રુવના ફોનમાં મૂવી જોઈ રહી હતી જ્યારે ધ્રુવ પરી સાથે રમી રહ્યો હતો. તેણે પરીને કાનમાં કઈક કહ્યું. પરીએ હકારમાં માથું ધુણાવ્યું અને બોલી,"don't worry.... હમણાં કરી દઉં..."

અને તે વંશિકા પાસે ગઈ. ધ્રુવ ઉત્સાહ સાથે તે તરફ જોઈ રહ્યો હતો. તેણે પરીને ખેંચવાનો ઈશારો કર્યો પણ પરી વંશિકાના કાનમાં કશુંક બોલી. ધ્રુવ નવાઈ પામ્યો.

પરીની વાત સાંભળી ગુસ્સામાં આવી વંશિકા ધ્રુવ તરફ જોઈ બોલી,"તમે પરીને એવું કહ્યું કે મારી ઓઢણી ખેંચે એટલે મારો ચહેરો જોવા મળે?!"

"શું ?... ના... ના... જૂઠું બોલે છે પરી..." ધ્રુવ બોલ્યો.

"નાનું બાળક જૂઠું ના બોલે! જૂઠા તમે છો.." વંશિકા.

ધ્રુવ પરીને પોતાની તરફ ખેંચીને બોલ્યો,"કેમ ? અચાનક તારા ધ્રુવની પાર્ટી માંથી દિદીની પાર્ટીમાં ચાલી ગઈ?"

"કોઈ છોકરીની ઈચ્છા વિના આવી રીતે ઓઢણી ખેંચીને મોં જોવું bad manners કહેવાય." પરી બોલી.

"બહુ આવી bad manners વાડી!" ધ્રુવનું મોં બગડી ગયું અને તે ઉદાસ બેસી ગયો.


🍁🍁🍁


રાત્રે વંશિકા સિવાય બધાએ જમ્યુ. વંશિકાને ભૂખ લાગી હતી પણ તેની ખાવાની જરાય ઈચ્છા નહતી. જમીને બધા સૂઈ ગયા પણ વંશિકા અને ધ્રુવ હજુ બેઠા હતા.

"ધ્રુવ, તમે મારા કારણે બપોરે જમ્યું નહતું ને?!" વંશિકાએ પૂછ્યું.

"ના, તેવું નથી. બપોરે મને ભૂખ નહતી. રાત્રે ભૂખ લાગી એટલે જમી લીધું..." ધ્રુવ બોલ્યો.

"ના, તમે દિવસના પાંચ વાર ખાવાવાળા માણસ છો! તમને ભૂખ ન લાગે એવું બને જ નહિ!"

ધ્રુવ કઈ બોલવા જાય તેની પહેલાં તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર નજર ફેરવી, ઊભા થતા બોલ્યો,"તેવું કશું નથી. તું વધુ ના વિચાર. સૂઈ જા." અને કોલ ઉપાડી, વાત કરવા દરવાજા પાસે જતો રહ્યો.

અડધી કલાક થઈ ગઈ હતી. વંશિકા હજુ ધ્રુવની રાહ જોતી વંશિકા ત્યાં જ બેઠી હતી. તે મનોમન વિચારી રહી,"આટલી વાર કોણ વાતો કરે! બપોરે પણ ધ્રુવ કોઈ સાથે વાત કરતા હતા, ક્યાંક પરીની વાત સાચી નહિ હોય ને ? તેમની સાચેકમાં girlfriend હશે?! તેઓ ફોનમાં બોલતા પણ હતા parentsને મનાવવાની! સાચેકમાં તેમની girlfriend ના parents ને મનાવવાની વાત કરતા હશે? આમપણ છોકરાઓ આટલી વાર ફોનમાં ફકત તેમની girlfriend સાથે જ વાત કરે! અને ધ્રુવ કેટલા handsome છે! કોઈપણ છોકરી તેમને તરત જ હા પાડી દે! અને પાછું ફોનમાં વાતો કરવા તે દૂર ચાલ્યા જાય છે. અહીંયા બધા સામે ના થઈ શકે શું! Girlfriend હોય તો જ બધા સામે ના કરે ને! જોકે મારે શું! જે હોય તે!"

મનોમન આડા અવળા વિચારો કરતા વંશિકા ક્યારે ઊંઘમાં સરી પડી, તેને ખબર જ ના રહી. ધ્રુવ પરત ફર્યો ત્યારે વંશિકાને આવી રીતે સૂતેલ જોઈ નવાઈ પામ્યો. તેની રાહ જોતા સૂઈ ગઈ હોય તેવું લાગ્યું.

ધ્રુવ તેની નીંદ ઉડાવવા નહતો માંગતો, ફોન silent કરીને તે તેની બાજુમાં આંખ બંધ કરીને બેસી ગયો. ત્યાં તેના ખભા પર વજન આવ્યો, તેણે આંખ ખોલીને જોયું તો વંશિકા તેના ખભા પર માથું રાખી સૂતી હતી. ધ્રુવે તેનું માથું હળવેથી ઊંચું કર્યું પણ તે ફરી ઢળી પડી. ધ્રુવ તેને બે હાથે પકડી ઊભો થયો અને વંશિકાને તે જ સીટ પર સુવડાવી, પોતાનું બ્લેન્કેટ ઓઢાડી પોતે ઉપર સુવા ચઢી ગયો.



🍁🍁🍁🍁

સવારે પાંચ વાગ્યે બધા ઉઠી ગયા. ટ્રેઈન અમદાવાદની અંદર પ્રવેશી ગઈ હતી. એક વંશિકા હજુ સૂતી હતી. ધ્રુવે સ્ટેશન આવતા તેને ઉઠાડવાનું વિચાર્યું. તે વંશિકા તરફ જોઈ રહ્યો.
વંશિકા શાંતિથી ઊંઘતી હતી પણ તે ઊંઘમાં તેનું માથું નકારમાં ધુણાવી રહી હતી અને અચાનક તે હાથ ઊંચા કરી બોલી રહી હતી,"ના...please.... મારો વાંક નથી...મારા પર વિશ્વાસ કરો. તેઓ જૂઠું બોલે છે... please મને મારો નહિ.. લાગે છે.."

ધ્રુવ કઈ સમજ્યો નહિ. તેણે વંશિકાને ઉઠાડવા લાગ્યો,
"વંશિકા....શું થયું? ઊઠ... વંશિકા.... શું થયું?!"

વંશિકા ઝટકા સાથે ઉઠી. ધ્રુવ નવાઈ પામ્યો. સવારના પહોરમાં
વંશિકા પરસેવાથી રેબઝેબ થઈ ગઈ.

"શું થયું વંશિકા?! ઊંઘમાં શું બોલી રહી હતી? કોણ મારે છે તને?!" ધ્રુવે વંશિકાના માથે હાથ મૂકી પૂછ્યો. વંશિકા મોં આડે હાથ દઈ ચૂપ બેસી રહી,"અરે નહિ, કેટલું ડરાવનું સપનું હતું! ધ્રુવે સાંભળી લીધું! હવે હું શું કરું!! તેમના સવાલોના શું જવાબ આપું?!"

(વંશિકાને શું સપનું આવ્યું હશે?! અને શું તે ધ્રુવને હકીકત જણાવશે?! જાણવા વાંચતા રહો. ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમકહાની....)