હાસ્ય કલાકારનો પ્રેમપત્ર..!
વ્હાલી માંકડી ઉર્ફે મસ્તાની..!
                              
                       તારું નામ માંકડી હોવાનું તો જગ જાહેર છે. તને ‘મસ્તાની’ થી એટલે સંબોધી કે, આટલી સર્વાંગ  સુંદર દેખાતી હોવા છતાં, ફાંકડીને બદલે,  કોઈ તને માંકડીથી સંબોધે તો મને નહિ ગમે..? ટામેટાને સૂરણની ઓળખ આપતો હોય એવું લાગે..! શબ્દકોશ ઉથલાવ્યો ત્યારે ખબર પડી કે, માંકડું એટલે તો એક પ્રકારનો વાંદરો થાય..! ને માંકડીનો અર્થ..!  જા નથી કહેવું..! મારે શું કામ કહેવું જોઈએ કે, ‘વાંદરી’ થાય.( સોરી..કહેવાય ગયું..!) આવું કહેવાથી મારી સંસ્કારિતા લાજે..! આ તો જ્ઞાનની વાત..! બાકી એમાં તારો શું દોષ હોય શકે..?  આઝાદી પહેલાની ‘પ્રોડક્ટ’ છે ને..? આ પ્રોડક્ટનો આખોય ફાલ સંસ્કારી અને સદગૃહસ્થી હોવા છતાં, તેમના નામોમાં   ઝામો પાડવો હોય તો સાલી મઝા જ નહિ આવે..!  અત્યારની માફક એ સમયમાં ગુગલ તો બગલમાં હોય નહિ. એટલે હાલના જેવા લેટેસ્ટ નામ તો ક્યાંથી કાઢવાના..? ફોઈની મુનસફીની વાત છે. પણ ફોઈઓ એટલી સોશ્યલ હતી કે, ભાઈઓના નામ ભગવાનના નામ ઉપરથી ને બહેનોના નામ નદીના નામ ઉપરથી, તાપી બેન. નર્મદાબેન. અંબિકાબેન, ગંગાબેન સરયુબેન, ગોદાવરીબેન, સરસ્વતીબેન જેવા ઠોકી બેસાડતા.( મારી સાસુનું નામ નર્મદાબેન છે. ) તારી જ વાત કરું તો તને માંકડીથી સંબોધન કરું તો કેવું લાગે? બોલવા જાઉં ને મગજમાં  બુલડોઝર ફરવા માંડે. એ કારણથી તારું નામ માંકડીને બદલે, ‘મસ્તાની’ રાખ્યું..! ફાવશે ને..? ફવડાવવું જ પડશે, કારણ કે આગળ જતા તને કોઈ માંકડીને બદલે ‘માંદુ’ કે ‘વાંદરી’ કહે તો હૈયું કપાય જાય..! છૂટછાટ રાખવી હોય તો, પિયરમાં ભલે માંકડીથી બોલાવે, પણ આજથી તું મારા માટે  મસ્તાની..! તારે ક્યાં મારો પ્રેમપત્ર ફોઈને વંચાવવાનો છે કે તારી ફોઈને ખબર પડવાની..! તંઈઇઇઈઈ......
 
                                   મસ્તાની..! કસ્સમથી કહું કે,  પ્રેમપત્ર લખતા મને મુદ્દલે આવડતો નથી.  કરિયાણું લાવવા ચિઠ્ઠી લખવાની આવે તો પણ મારે લખિયો ભાડે કરવો પડે. તું હાસ્ય લેખ લખવા કહે તો, ઢગલો લખું પણ, પણ પ્રેમપત્ર લખવામાં હું ઢગલો થઇ જાઉં છું, મસ્તાની..! પાકટ ઉમરે પ્રેમપત્ર લખવો, કંઈ સીધી વાત છે..? કોઈ સીનીયર સીટીઝન આદમીને નાળીયેરી ઉપર ચઢાવી નાળીયેર તોડી લાવવાનો ‘ટાસ્ક’ આપ્યો હોય એટલું અઘરું કામ છે ..!  સાલી સહેજ પણ  ફાવટ આવતી નથી. જો કે ચિઠ્ઠી-ચપાટાની તો નિશાળમાં ભણતો ત્યારથી જ મને નફરત..! એટલે તો હું બ્રાન્ડેડ કંપનીનો મેનેજર બનવાને બદલે,  આખું ગામ મારી સાથે ભણી ગયું, ને ભણવામાં ઢ રહ્યો..! પ્રેમ પત્ર લખવા બેઠો તો ખરો, પણ મારી હાલત બંધકોશના જૂના દર્દી જેવી છે. લાળ પડવાને બદલે શરીરે પરસેવાન થઇ ગયો છું. કંકોત્રી કરતા પ્રેમપત્ર લખવો કેટલો અઘરો છે, એ મને આજે સમજાયું..! લખવા માટે કાગળ ઉપર હું જુલમ કરતો હોય એવું લાગ્યા કરે. મદ્રાસણ કોઈપણ શાક બનાવે તો, મદ્રાસી વાનગી જેવી જ લાગે એમ, પાંચવાર પ્રેમપત્ર લખ્યો, પણ એનું ઉત્પાદન હાસ્યલેખ જેવું જ થયું.  મગજમાં હટર પટર થાય છે કે, બનાવવા બેઠો તો બાસુંદી પણ, કઢી નહિ થઇ જાય તો સારું..! શીઈઈઈટ..એક પત્ર લખવામાં આ પાંચમું પાનું ફાડયું..! આજે મને નક્કર ભાન થયું કે, પાકટ ઉમરે ‘લવ’ કરવો, એના કરતાં, બે વીંઘામાં ભીંડા કરવા સારા..!  કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘પાકા ઘડે કાંઠા નહિ ચઢે..!’ પણ અબ તો બાવા બન્યા હૈ, તો હવે હિંદી તો બોલના પડેગા જ ને..? સૂકા બાવળનેમાં કુંપણ ફૂટી જ છે
                              એની જાતને જ્યારથી પ્રેમરોગ વળગ્યો છે, ત્યારથી શરીરની મસોટી બદલાય ગઈ. ધોતિયા ઉપરથી સીધો ‘જીન્સ’ માં આવી ગયો. કોઈ ગૌરવ એવોર્ડ મળવાનો હોય એમ એવી ગલીપચી થાય કે, દાળને બદલે ભાતમાં શીખંડ નાંખીને ક્યારે ગળે ઊતારી ગયો, એની ખબર સુદ્ધાં નહિ પડી. ખેર..! મારા ‘લવગુરુ’ એ સાચું જ કહેલું કે, ચાબુક ગમે તેવી હોય તો ચલાવી લેવાની, ઘોડાગાડી ખરાબ ના હોવી જોઈએ..! તને દુખ નહિ થાય કે, મારા પત્રનો જવાબ નહિ આપ્યો એટલે, આ પ્રેમપત્ર લખવાનું (હ)સાહસ કર્યું ..!  મારો આ પત્ર પ્રેમાળ નહિ લાગે, અને હાસ્ય-લેખ જેવો જ લાગે તો, જાતે હસીને બેસી રહેજે. પ્રેમપત્રની નકલો કઢાવીને કોઈને વાંચવા નહિ મોકલતી. “રમેશે ‘બહુ સરસ લખ્યું છે” એમ સમજીને  ફેસબુક કે ‘સ્ટેટસ’ પર આ 'પ્રેમપત્ર' ફરકાવતી નહિ..! આ તો ચેતેલી નારી સદા સુખી..!
                                 હંઅઅઅ..તો વાત જાણે એમ છે મસ્તાની, કે, તારો પત્ર વાંચીને ગુદગુદી એવી થઇ કે, હજી ટાઢી પડી નથી. એક ઝાટકે રેલના પાણી ઘરમાં ઘૂસી આવ્યા હોય એમ, ખુશીઓ સમાતી નથી. જેમ પ્રેમ અને વહેમ મગજમાંથી જલ્દી નીકળતા નથી, એમ ક્ષણે ક્ષણે તારી યાદ આવે છે. સડેલી ‘જોક’ મારતા કોઈ ઉગતા હાસ્ય કલાકારને નવી ‘આઈટમ’ મળી ગઈ હોય એટલો આનંદ તારા પત્રથી થયો. મને ખબર છે કે, તારી અને મારી ઉમર વચ્ચે કાનપુરથી કન્યાકુમારી જેટલું અંતર છે. જેને આંબવા માટે ‘પ્રેમ-જોડો’ યાત્રા જ કાઢવી પડે. જ્યારથી આપણા બે ના દિલ મળ્યા છે ત્યારથી, એક સીનીયર હાસ્ય કલાકાર, ઉગતા કલાકારની ગુરુ-કંઠી બાંધવા નીકળ્યો હોય એવું લાગે છે, પણ દિલ લગા..! જવાદે મસ્તાની..! કેટલીક ‘જોક’ જેમ અઠવાડિયા પછી સમજાય એમ હું હજી સમજી શક્યો નથી કે, તારામાં લપસ્યો કેવી રીતે..? પ્રેમમાં પડ્યા પછી સમજાયું કે, ભાવમાં બાંધછોડ થાય, પણ પ્રેમમાં થતી નથી. કોઈ ગુન્હેગાર જાતે જ કઠેરામાં જઈને સજા કબુલ કરે, અને સજા કરવાની આજીજી કરે એવી મારી હાલત છે. પણ સોશ્યલ  મીડિયા ઉપર અંધભક્ત જેવો ભરોસો રાખીને મને પ્રેમ કર્યો એવી તારી બાહોશીને બિરદાવું  છે. બાકી પ્રેમની પરંપરા તો આદિકાળથી ચાલી આવે છે મસ્તાની..!  તને યાદ છે ને, મેઘદૂતમાં તો વાદળો દ્વારા પણ પ્રેમની અભિવ્યક્તિ થયેલી.
                      અંતમાં એટલું જ લેખવાનું કે, મારા અક્ષરો તારા ચહેરા જેટલા સારા નથી. વાંચવા કરતા મને સમજવાની કોશિશ વધારે કરજે..! અક્ષરો પર વધારે ધ્યાન નહિ આપતી. ચાબુક જેવી હોય તેવી ચલાવી લેવાની, આપણે તો પ્રેમની ઘોડાગાડીનો જ આનંદ લુંટવાનો છે..! 
                                                                                 લાસ્ટ ધ બોલ
                       અક્ષરો તો જીવંત છે, એમાં પણ જીવન સમાયેલું છે. અક્ષરો ક્રાંતિ પણ સર્જી શકે. જેમ મેડીકલની ચોપડી કોઈનું જીવન બક્ષી શકે છે. એક ભલામણનો એક પત્ર કોઈની રાજગાદી છીનવી  શકે, ને કોઈને રાજગાદી ઉપર બેસાડી પણ શકે. જેમ આત્મા દેહનો આશરો લે છે, એમ અક્ષરો કાગળનો સહારો લે છે. કાગળ ક્યારેય કોઈને રડાવતા નથી, પણ જ્યારે એ વિદ્યાર્થીના રીઝલ્ટનો અવતાર ધારણ કરે, મેડીકલ રિપોર્ટનો અવતાર ધારણ કરે કે, પ્રેમપત્રોનો અવતાર ધારણ કરે ત્યારે આંખ ભીંજવી નાંખે..!
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------