પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે..!
 
                                   જંગ ખેલવો એટલે બખ્તર-ટોપા ચઢાવીને તલવારબાજી કરીએ એને જ જંગ કહેવાય એવું નથી. ખુલ્લા આકાશ નીચે પતંગબાજી કરીને કાપા-કાપી કરીએ, એને પણ યુદ્ધ કહેવાય..! ફેર એટલો કેમ પેલામાં માણસોની કત્લેઆમ થાય, અને પતંગબાજીમાં પતંગોની..! આ દિવસ જ એવો કે, શાંતિનિકેતન જેવાં ધાબાઓ પતંગના સૈનિકોથી ઉભરાવા માંડે. કોલાહલથી ભરાવા માંડે, અને મરવા પડેલા ધાબાઓમાં પ્રાણ ફૂંકાવા માંડે..! ધાબે ધાબે ફૂટબોલની મેચ ચાલતી હોય એમ, શોરબકોર અને ચિચિયારીઓથી ધાબાઓ કકળવા ને કણસવા માંડે. આમ તો મકર સક્રાંતિ એટલે તલ તલ જેટલા સ્નેહની વહેંચણી કરવાનો દિવસ, પણ એની જાત ને એ બધા વિધિ વિધાન તો  હાંસિયામાં જ ચાલી જાય..!  ને કાઈપો.. આઇવો..માર ગુલાંટના શોરબકોરમાં પ્રત્યેક ધાબા શેરબજાર બની જાય..!  બાકી કોને પડી હોય કે, એ દિવસે સૂર્ય મકર રાશિમાં જાય છે કે મગરના મોંઢામાં..! બે ચગતા પતંગો વચ્ચેથી આકાશ શોધવાનો દિવસ એટલે મકર સક્રાંતિ..! આ દિવસ એટલે ભીષ્મ પિતામહનો ઈચ્છા મૃત્યુનો દિવસ..!  આ દિવસે એમણે કોને કેવું અંતિમ જ્ઞાન આપેલું એની ખબર નથી, પણ ચમનીયાનું માનવું છે કે, ભીષ્મ પિતામહે પોતાનો મૃત્યુ દિન પતંગ ચગાવીને-લુંટીને કે કાપાકાપી કરીને ઉજવવાનું  તો નહિ જ કહ્યું હોય..! એ દિવસે લોકો આકાશ ખરીદવા નીકળી પડયાં હોય એમ, નીચું તો જોતા જ નથી, ‘ઊંચું’ જ જોવાનું..! અને આજુબાજુ ડાફોળિયાં મારવાનો તહેવાર એટલે મકર સક્રાંતિ..! પતંગબાજીમાં એવા તલ્લીન થઇ જાય કે, બાજુમાં વાઈફ હોવા છતાં, પતંગ લડવૈયાની નજર, બાજુના ધાબા ઉપરથી ચગતી પતંગડી ઉપર ઠરેલી હોય, ને વાઈફ તલના લાડુ જ ઉલેળતી હોય..!  બાપાએ ગમતી પતંગડી લાવી આપી હોવા છતાં, બીજાની પતંગડી ઉપરથી નજર નહિ હટે.! સંતો/કથાકારો કે મોટીવેશનલ સ્પીકરોએ ગળા ફાડીને કહ્યું હોય કે, જીવનમાં સફળ થવું હોય તો સદગૃહસ્થ બનો. પણ અવળો નહિ ફાટે તો માણસ નહિ...! પતંગ ગુલાંટ શિખવે, લુંટવાનું શિખવે, ઝઝૂમવાનું શીખવે, કાપાકાપી શિખવે, અને મલમ પટ્ટી કરીને જીવતદાન આપવાનું પણ શીખવે..! એટલે તો ફિરકા, દોરીના ગુંચળા. બેહાલ બનેલા પતંગો અને ગુંદર-પટ્ટાના સારસામાનથી ઘર એવું ખીચોખીચ થઇ જાય કે, બંગલાનું નામ ‘આનંદદ્વાર’ હોય તો, પણ ‘પતંગદ્વાર’ બની જાય..! લુંટફાટ, ગુલાંટ કે કાપાકાપી કરવાની તાલીમ મફતમાં મળી હોય એમ, એકે એક ખેલાડીમાં ઝનૂન આવી જાય..!  
                     એમાં કાંઠે આવી ગયેલા વૃધ્ધોની હાલત કફોડી થઇ જાય. એમણે તો તડકે બેસીને તડકો જ લુંટવાનો, ને  જૂની આંખે નવા તમાશા જોવાના..! તેલ-માલિશના બાટલા શોધવાના ફાંફા હોય, એમાં ચગતા પતંગ તો ક્યાંથી દેખાવાના..? મોતિયાવાળી આંખે પણ એના હથિયાર હેઠા મૂકી દીધેલા હોય..!  માત્ર ખૂણે બેસીને પતંગ જ સાચવવાના..! પથારી ઉપર તો પતંગો  આડા પડેલા હોય, એટલે દાદો આડો પડવાનો થાય તો પણ પડે ક્યાં..? બેઠા બેઠા એવું જ સરવૈયું કાઢતા હોય કે, ‘વાહ રે માણસ..! અમારા જમાનામાં પણ પતંગ ગુલાંટ તો ખાતાં, પણ માણસ તારા જેવી નહિ..! કસ્સમથી કહું કે, મને માણસને ચગાવતા આવડે, બાકી પતંગ તો શું, ફૂગ્ગો ઉડાડતા પણ આવડતું નથી. ઠોઠ નિશાળિયાને વટાણા ઘણા હોય એમ, શરુ શરૂમાં પતંગને બે-ચાર વખત પૂંછડા લગાવીને અખતરા કરેલા, પણ પતંગોને ખાતરી થઇ કે, બરમૂડામાં પતંગ ચગાવવાનું તેલ નથી, એટલે પતંગોએ જ મારી સાથે છેડો કાપી નાંખેલો..! બસ.. ત્યારથી લોકોના ફિરકા પકડીને કે લુંટેલા પતંગ સાચવીને મકર સક્રાંતિ કાઢું છું..! પતંગની પસંદગી કેવી કરવી, કે એને સીધો કેમનો પકડવો, ને દેહના કયા ભાગમાં કિન્ના બાંધવી એનું નોલેજ આજે પણ મને નથી. કહેવાય કનકવો, પણ ઉંચે ચઢાવવા જઈએ ત્યારે પરસેવો છોડી નાંખે..! એની જાતને અમારા જેવાને તો ચગવા કરતા ફાડવાના વધારે આવે..! અને  ફાડવા કરતાં ઝાડી-ઝાંખરા ને વીજળીના તારમાં ભેરવવામાં જ મકર સક્રાંતિનું પીલ્લું વળી જાય..! વળી પતંગના નામ પણ કેવા..?  ચીલ, ઘેંસિયો, બામચી, આંખેદાર, ચાંદેદાર, લકડેદાર કે દોરીદાર વગેરે વગેરે..! સાથે પેલી લેપળી તો ખરી જ..! નામ જાણીને એમ થાય કે, આ તે કોઈ પતંગના નામ છે કે, રાક્ષસના..?  
                    પતંગ અને પતંગિયાની રાશી ભલે સરખી લાગે, પણ રાશીમેળની વાતમાં મગજ ઘસવું નહિ. ક્યાં કંસ અને ક્યાં શ્રીકૃષ્ણ ભગવાન, ક્યાં ગાંધીજી અને ક્યાં ગોડસે, ક્યાં ઓસામા બિન લાદેન અને ક્યાં ઓબામા..?  એકબીજા સાથે સરખામણી કરીએ તો, જીવતાનું પોસ્ટમોર્ટમ કરતાં હોય એવું લાગે. પતંગિયા રંગબેરંગી સ્વેટર ચઢાવીને ફૂલોની ચૂસકી લેવા બગીચા ખુંદતા હોય, ને પતંગડા બ્રહ્માસ્ત્ર છોડવાના હોય એમ આકાશી યુદ્ધ ખેલતા હોય. પતંગિયાની ઉડાનમાં આકાશને આંબવાની તમન્ના નથી. ત્યારે પતંગડુ આકાશના ખોળે બેસવાના ખેલ કરતુ હોય. પતંગને ઊડાડવો હોય તો, એની કેડ પકડીને કન્ના બાંધવી પડે, પતંગિયું વગર બંધને ઉડે, ને પોતાનાં  અંદાઝમાં ઊડે. હવામાન અનુકુળ હોય કે ના હોય, પતંગિયું ક્યારેય અગનખેલ કરતુ નથી. ફાવટ એટલી જ ઊડાન અને મૌજ આવે એટલી જ છલાંગ..! ત્યારે પતંગડુ તો સુરજને ગળવા નીકળ્યું હોય એવું સ્વચ્છંદી..!
                                 આકાશ તો પહેલા પણ હતું, ને આજે પણ છે. પતંગ-દોરી ને ફીરકી, પહેલા પણ હતી, ને આજે પણ છે. ફીરકી પકડવાવાળા ત્યારે પણ હતાં, ને આજે પણ છે. સમયે સમયે પવન બદલાતો ગયો. પવન જોઇને વહાણ હાંકવાની રીત અને સમઝણ બદલાતી ગઈ. બાકી, પતંગમાં ક્યારે ઢીલ મૂકાય, ક્યારે દોરી ખેંચાય, ને ક્યારે ચગવા દેવાય, આટલું જો આવડી ગયું તો રાજકારણમાં પણ પારંગત થઇ જાય. મોટા ગજાના નેતા ભલે નહિ થાય, પણ ગામનો સરપંચ તો થઇ જ જાય..! રાજકારણીને જેમ પોતાનો મતવિસ્તાર અગત્યનો, એમ ઉતરાયણમાં ઘર ઘરના ધાબા અગત્યના..! જેમ અમુક નેતાના પગલાં ચૂંટણી આવે ત્યારે જ મતવિસ્તારમાં પડે, એમ પતંગના લડવૈયાઓ ઉતરાયણ આવે ત્યારે જ ધાબા-દર્શન કરે. બાકી આખું વર્ષ ધાબે ચઢીને જોયું નહિ હોય કે, ધાબુ હયાત છે કે, વંટોળમાં ઉડી ગયેલું છે..?  (ટાવર પકડવા કેટલાક ધાબે ચઢતાં હશે, પણ  એ કયા પ્રકારનો ટાવર પકડે એ તો એનો રામ જાણે..!)  ફેર એટલો કે, લગન આવે ત્યારે બારણામાં મંડપ બંધાય, ને મકર સક્રાંતિ આવે એટલે ધાબા ધમધમવા માંડે. જાણે દોરી એની રાધા ને પતંગ એનો કાનુડો..! એક વાત છે, પતંગ ઉડાન ભવ્ય રાખવી હોય તો, ગુરુની માફક માંજો સમર્થ હોવો જોઈએ. આટલું હોય તો કોઈના ફાધરના ફાધરની તાકાત નહિ કે, પતંગડુ જમીન ઉપર પટકાયને આત્મ હત્યા કરે. જેટલી દોર અને દોરવણી લાંબી એટલો પતંગ ઉંચો. ઉંચે ચઢેલો પતંગ એક વાત શીખવી જાય કે, કોઈપણ ઊંચાઈ માપમાં સારી. બહુ ઊંચું ચઢે પછી પતંગડુ નાનું દેખાવા માંડે..! માટે બહુ ઊંચું ચઢવું જ નહિ..! આ જિંદગી પણ પતંગના ઉડાન જેવી છે..!
 
                                          લાસ્ટ ધ બોલ
  માણસ હોય કે પતંગ, 'બેલેન્સ'  મહત્વનું છે. પતંગને સીધો રાખવા પૂછડું બાંધવામાં આવે. માણસનું પણ એવું જ..! માણસને સીધો રાખવો હોય તો, પૈણાવી દેવો પડે..!
એના કપાળમાં કાંદા ફોડું..!
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------