Sailab - 6 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સૈલાબ - 6

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

સૈલાબ - 6

6 બેરેક નં-૫

પાંચ નંબરની બૅરેકમાં પહોંચીને દિલીપે રાહતનો શ્વાસ લીધો. હવે એ પોતાનાં નિર્ધારિત સ્થળે આવી ગયો હતો.

અહીંથી જ તેને આ જેલ તોડવાની પોતાની યોજના આગળ ધપાવવાની હતી.

પાંચ નંબરની બૅરેકમાં પ્રભાત રાઠોડને શોધવામાં પણ એને મુશ્કેલી ન પડી. થોડી વારમાં જ પ્રભાત એની નજરે ચડી ગયો. તે પોતાના દેહ ફરતે ધાબળો વિંટાળીને એક ખૂણામાં બેઠો બેઠો જાણે પોતાનું ભાવિ જાણવાનો પ્રયાસ કરતો હોય, એ રીતે પોતાની હથેળી સામે જોતો હતો.

એનો ફૌજી જેવો દેખાવ હજુ યથાવત હતો. અલબત્ત એનાં ચહેરા પર દાઢી વધી ગઈ હતી. દિલીપ તેનાંથી થોડે દૂર જઈને બેસી ગયો.

ત્યાર પછીના બે કલાક એણે પ્રભાતની હિલચાલ જોવામાં વિતાવી. આ દરમિયાન એણે એક ખાસ વાતની નોંધ એ લીધી કે પ્રભાત બહુ ઓછાં લોકો સાથે બોલતો હતો. મોટે ભાગે એ પોતાની જાતમાં જ ખોવાયેલો રહેતો હતો.

સાંજે જ્યારે બૅરેકમાં જમવા માટે કેદીઓની લાઈન થઈ, ત્યારે દિલીપ પણ પ્રભાતની પાછળ ઊભો રહી ગયો.

મેસનો માણસ ટીનની પ્લેટમાં ખીચડી પીરસતો હતો. પ્રભાત પોતાની પ્લેટ ભરાવીને બૅરેકના એક ચબૂતરા પર જઈ બેઠો.

દિલીપે પણ મેસનાં કર્મચારી પાસેથી પ્લેટ લીધી અને પ્રભાતની નજીક એ જ ચબૂતરા પર બેસી ગયો. બંને જમવા લાગ્યા.

‘મિસ્ટર પ્રભાત.’ દિલીપે જમતાં જમતાં જ ધીમેથી પ્રભાતને સંબોધ્યો.

પ્રભાત પોતાનું નામ સાંભળીને એકદમ ચમકી ગયો.

‘તમે મને કંઈ કહ્યું ?' ‘એણે આશ્રર્ય સહ દિલીપ સામે તાકી રહેતાં પૂછ્યું.

‘હા.’ દિલીપ એની સામે જોયાં વગર જમવાનું ચાલું રાખતાં બોલ્યો, ‘હું તમને જ કહું છું.'

‘પણ... પણ, તમે મારું નામ કેવી રીતે જાણો છો?

‘હું તમારે વિશે ઘણું બધું જાણું છું મિસ્ટર પ્રભાત.' દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘તમે ભારતની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા રૉનાં ઍજન્ટ છો અને અત્યારે દેશ દ્રોહના આરોપસર આ જેલમાં આજીવન કેદની સજા ભોગવો છો, એની પણ મને ખબર છે.'

પ્રભાત જમવાનું પણ ભૂલી ગયો. એના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઉતરી આવ્યું.

‘તમે... તમે કોણ છો ?' એણે હેબતભરી નજરે દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘હું તમને બધું કહીશ.' દિલીપ ભાવહીન અવાજે બોલ્યો, ‘પણ આમ મારી સામે ન જુઓ અને જમવાનું ચાલુ જ રાખો.'

‘૫...પણ….'

‘હું કહું છું એમ કરો.’ આ વખતે દિલીપના અવાજમાં સહેજ કઠોરતા આવી, ‘આપણે વાતો કરીએ છીએ, એવી કોઈને પણ શંકા ન ઉપજવી જોઈએ.' પ્રભાત વિમાસણમાં મૂકાઈ ગયો. પછી તે દિલીપના આદેશ મુજબ ચૂપચાપ જમવા લાગ્યો.

‘હાલ તુરત તમે મને તમારો મિત્ર જ માનો.' દિલીપ ધીમેથી બોલ્યો, ‘તમને આ જેલમાંથી ફરાર કરાવવા માટે જ મને ખાસ અહીં મોકલવામાં આવ્યો છે.'

દિલીપનાં આ શબ્દો પ્રભાતનાં દિલો-દિમાગ ૫૨ જાણે કે વીજળી બનીને ત્રાટક્યા.

આશ્ચર્યથી સ્તબ્ધ બનીને તે ફરીથી જમવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે દિલીપ સામે જોવાં લાગ્યો.

'જમવાનું ચાલુ રાખો.' દિલીપે ફરીથી તેને ટોક્યો. ‘પણ...' પ્રભાતે પુનઃ જમવાનું શરૂ કરતાં આશ્ચર્ય સહ પૂછ્યું, તમને અહીં કોણે મોકલ્યા છે?'

‘ગણપતે...’

‘કોણ ગણપત ?’

‘ગણપત પાટિલ.' તે આજની તારીખમાં વિશાળગઢનો ‘ડ્રગ્સકિંગ છે.’

‘દિલીપનું કથન સાંભળીને પહેલી વાર પ્રભાત ધીમેથી હસ્યો.

‘તું હસે છે શા માટે ?’

‘ગણપત વિશે સાંભળીને મને હસવું આવે છે.’

'કેમ ?'

એટલા માટે કે ચોક્કસ એ પણ મારી પાસેથી પેઇન્ટિંગ તથા ફાઈલ મેળવવા માંગતો હશે.'

‘પેઇન્ટિંગ ? ફાઈલ ?’– દિલીપે કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘આ પેઇન્ટિંગ અને ફાઈલનો વળી શું બખેડો છે?'

‘ગણપતે તમને આ બાબતમાં કંઈ જણાવ્યું નથી?'

‘ના... એણે જણાવ્યું નથી ને મેં પૂછ્યું નથી.' મારે કંઈ પૂછવાની જરૂર પણ નહોતી.

કેમ?'

ગણપતે તને શા માટે જેલમાંથી ફરાર કરાવે છે, એ વાત સાથે મારે કંઈ લેવા-દેવા નથી.’ આ વખતે દિલીપે તેને એક વચનમાં સંબોધતાં કહ્યું, ‘મારે તો ફક્ત તને અહીંથી ફરાર કરાવ્યા બાદ ગણપત તરફથી મને મળનારા રૂપિયા સાથે જ નિસ્બત છે.'

‘સપનું બહુ સારું છે.’ પ્રભાત ઉપેક્ષાભર્યું હાસ્ય કરતાં બોલ્યો,

‘ખેર, નામ શું છે તમારું ?'

‘શંકર.’ દિલીપે કહ્યું.

ત્યાર બાદ મેસના માણસને પોતાની તરફ આવતો જોઈને એ ચૂપ થઈ ગયો.

***

નાગપાલ દિલીપ માટે બેહદ ચિંતાતુર હતો.

એણે દિલીપની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે રૉના અધ્યક્ષ તથા સી.આઈ.ડી. નાં બે ઉચ્ચ ઑફિસરો સાથે મિટીંગનું આયોજન કર્યું.

‘આપણી યોજના મુજબ...' મિટીંગ હૉલમાં નાગપાલનો ગંભીર અવાજ ગુંજતો થયો, ‘દિલીપ એક અપરાધી બનીને બેલાપુરની જેલમાં પહોંચી ગયો છે. મને હમણાં જ રિપોર્ટ મળ્યો છે કે તે જેલની પાંચ નંબરની બૅરેકમાં કેદ છે. પ્રભાત રાઠોડ પણ આ જ બૅરેકમાં છે. અર્થાત્ યોજનાનું પહેલું ચરણ સફળતાપૂર્વક પૂરું થયું છે. પરંતુ અત્યારે દિલીપ ભયાનક આફતમાં ઘેરાઈ ગયો છે.

‘કેવી આફત?' રો ના અધ્યક્ષે ચમકીને પૂછ્યું.

‘આપણી યોજના એવી હતી કે...' નાગપાલ પોતાની પાઈપ પેટાવીને તેમાંથી ઉપરા-ઉપરી બે-ત્રણ કશ ખેંચ્યા બાદ બોલ્યો, ‘આપણે દિલીપને એક ખતરનાક અપરાધી બનાવીને બેલાપુરની જેલમાં કેદ કરાવીશું અને પછી દિલીપ બેલાપુરની જેલનાં જેલર તથા અન્ય સ્ટાફની મદદથી પ્રભાત રાઠોડને લઈને ત્યાંથી ફરાર થઈ જશે. બરાબર છે?'

‘હા... બિલકુલ બરાબર છે?' રૉના અધ્યક્ષે કહ્યું, ‘આપણી યોજના એ જ હતી.’

‘પરંતુ આપણી એ યોજના હવે નિષ્ફળ થઈ ગઈ છે. આપણે હવે ઇચ્છા હોવા છતાંય દિલીપને કોઈ મદદ નહીં કરી શકીએ.'

‘આ... આ આપ શું કહો છો સર ?' સી.આઈ.ડી. નો એક ઑફિસર નર્યા અચરજથી બોલી ઊઠ્યો, 'આવું... આવું કેવી રીતે બને ?'

‘આવું બની ગયું છે... અને એ જ વાતની મને ચિંતા થાય છે.’

'પણ...પણ આ બધુ કેવી રીતે બન્યું ?'

'હું આપ સૌને બધી વિગતો જણાવું છું.' નાગપાલ પાઈપમાંથી કશ ખેંચતા બોલ્યો, ‘દિલીપ-શંકર બનીને ગણપતનાં બંગલામાં પ્રવેશ્યો, ત્યાં સુધી તો મિશન બરાબર આગળ ધપતું હતું. બાજી આપણા હાથમાં હતી. પરંતુ ત્યાર પછી ડગલે ને પગલે બાજી આપણા હાથમાંથી સરકતી ગઈ.

‘કેવી રીતે ?'

આપણી યોજનામાં એ વાતનો પણ સમાવેશ થઇ ગયો હતો. કે દિલીપની ધરપકડ પછી પોલીસ તેને અન્ય કોઈક જેલમાં પણ કેદ કરી શકે છે. આ સંજોગોમાં આપણે આપણા પાવરનો ઉપયોગ કરીને દિલીપને બેલાપુરની જેલમાં પહોંચાડવાનો હતો. પરંતુ આપણે પાવરનો ઉપયોગ કરવો પડે એવો વખત જ ન આવ્યો.'

‘કેમ ?'

‘એટલા માટે કે ગણપત આપણી ધારણા કરતાં પણ વધુ શક્તિશાળી પુરવાર થયો.' નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘વિશાળગઢનાં પોલીસ બેડાનાં કેટલાંય ઉચ્ચ ઑફિસરો એનાં ચમચા નીકળ્યા. એનાં ભાડૂતી ગુલામ નીકળ્યા. આ ઑફિસરો નોકરી સરકારની કરે છે.. પગાર સરકાર પાસેથી લે છે પણ કામ સરકારને બદલે ગણપતનું કરે છે. ગણપતે ડંકાની ચોટ પર દિલીપને કહ્યુ હતું કે પોતે તેને માત્ર બેલાપુરની જેલમાં જ નહીં, બલ્કે જેલની જે બૅરેકમાં પ્રભાત રાઠોડને રાખવામાં આવ્યો છે, ત્યાં પહોંચાડી દેશે ! આ કામ પોતાનું છે. અને ગણપતે પોતાની વાતને સાચી પુરવાર પણ કરી બતાવી છે.'

‘બરાબર છે, સર.’ એક ઑફિસરે કહ્યું, ‘ગણપતના આ પગલાંથી આપણી યોજનાથી શું ફર્ક પડે છે? આપણે પોતે પણ દિલીપને બેલાપુર જેલની પાંચ નંબરની બૅરેકમાં જ તો પહોંચાડવા માંગતા હતા !'

‘તમારી વાત સાચી છે ઑફિસર.' નાગપાલ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘આપણી યોજના એ જ હતી. દિલીપને બેલાપુરની જેલની, પ્રભાત રાઠોડવાળી બેરેકમાં પહોંચાડવાનું કામ આપણે કર્યું કે ગણપતે કર્યું, એનાંથી પણ કોઈ ફર્ક નથી પડતો. કામ થયું, એ મહત્ત્વનું છે. પરંતુ ફર્ક એ વાતથી પડે છે કે વિશાળગઢ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલાય ઉચ્ચાધિકારીઓ ગણપત સાથે ભળેલાં છે, બલ્કે બેલાપુરની જેલમાં પણ વૉર્ડન તરીકે નોકરી કરતો પીતાંબર નામનો એક માણસ ગણપતનો ચમચો છે.'

‘મિસ્ટર નાગપાલ.’ રૉના અધ્યક્ષે કહ્યું, ‘મુદ્દાનો સવાલ એ કે બેલાપુરની જેલમાંથી ફરાર થવાની બાબતમાં આપણે શા માટે દિલીપને મદદ કરી શકીએ તેમ નથી?'

‘એટલા માટે સર કે...' નાગપાલ આ વખતે સન્માન સૂચક ઢબે સહેજ ઊંચા અવાજે બોલ્યો, ‘વિશાળગઢ પોલીસ ડિપાર્ટમેન્ટનાં કયા કયા ઑફિસરો ગણપત સાથે ભળેલાં છે, એની આપણને કંઈ ખબર નથી. બેલાપુરની જેલમાં પણ પીતાંબર ઉપરાંત બીજાં કોઈક કર્મચારીઓ ગણપતના મળતીયા હોઈ શકે છે. આ સંજોગોમાં મદદ લેશું, તો આપણી યોજના લીક થઈને ગણપત સુધી નહીં પહોંચી જાય, એ વાતની કોઈ ગેરેંટી નથી, અને જો યોજના લીક થશે તો એક ઝાટકે આપણું મિશન ફેઈલ થઈ જશે. શંકર કોઈ અપરાધી નહીં, પણ કાયદાનો કોઈક રખેવાળ છે, એ વાત ગણપત તથા અનવર હુસેન આંખનાં પલકારામાં સમજી જશે.'

નાગપાલનાં આ તર્કથી મિટીંગ હૉલમાં થોડી પળો માટે સન્નાટો છવાઈ ગયો.

‘આપણાં મિથનની સફળતા માટે...' છેવટે નાગપાલે જ ચૂપકીદીનો ભંગ કર્યો, ‘પ્રભાત રાઠોડને પણ દિલીપની અસલિયતની ખબર ન પડે, એ જરૂરી છે. કારણ કે જો પ્રભાત સમક્ષ દિલીપનું અસલી રૂપ ઉજાગર થઈ જશે તો પછી એ પણ એની સાથે બેલાપુરની જેલમાંથી ફરાર નહીં થાય ! અને કદાચ કોઈક લાચારીવશ તે જેલમાંથી ફરાર થશે તો પણ પેઇન્ટિંગ તથા ફાઈલ વિશે કશુંય નહીં જણાવે. અર્થાત્ એ સંજેંગોમાં પણ આપણે નિષ્ફળતાનું જ મોં જેવું પડશે.' બધાં મુંઝવાભરી નજરે એક બીજાની સામે એવાં લાગ્યા. તમારી આખી વાતનો સાર એ છે કે બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે અત્યારે આપણે દિલીપને કોઈ જીતની મદદ કરી શકીએ તેમ નથી.' રો ના અધ્યક્ષે કહ્યું, ‘આપણા આવા કોઈ પણ પગલાંથી મિશન નિષ્ફળ જશે ! આ બાબતમાં આપણું ભરેલું કોઈ પણ પગલું ખાનગી નહીં રહે અને લીક થઈને ગલ્રપત સુધી પહોંચી જો ખરું ને?’

‘રાઈટ.’ નાગપાલ બોલ્યો, ‘હું એમ જ કહેવા માંગુ છું. દિલીપ બેલાપુર જેલની પાંચ નંબરની બૅરેકમાં તો પહોંચી ગયો છે. પરંતુ તે પ્રભાતને લઈને ત્યાંથી કેવી રીતે ફરાર થશે, એ કંઈ નથી સમજાતું.' પરિસ્થિતિ ખરેખર નાજુક હતી. મિટીંગમાં મોજૂદ સૌ કોઈનાં દિમાગ ચકરાવે ચડી ગયા હતા. ‘સર.’ સી.આઈ.ડી.ના એક ઑફિસરે કશુંક વિચારીને પૂછ્યું, આપે આ બાબતમાં કેપ્ટન દિલીપ સાથે વાત કરી હતી?'

‘હા... કરી હતી.

‘એ શું કહે છે?’ આ વખતે રોના અધ્યક્ષે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘દિલીપ ખૂબ જ દિલેર, ઝીંદાદિલ અને સાહસિક છે.’ નાગપાલ બોલ્યો, ‘ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તે ક્યારેય હિંમત નથી ઘરતો. એણે તો મને એમ જ કહ્યું છે કે તે એકલો, માત્ર પોતાના કાંડાનાં જોરે જ પ્રભાતને લઈને બેલાપુરની જેલમાંથી ફરાર થઈ જશે. અને આ બાબતમાં મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.'

નાગપાલની વાત સાંભળીને સૌનાં ચહેરા પર દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું. ‘આવી વિષમ પરિસ્થિતિમાં પણ દિલીપ ગભરાયેલો નહોતો ?'

રોના અધ્યક્ષે આશ્ચર્યસહ પૂછ્યું.

‘ના, બિલકુલ નહીં.’ નાગપાલ જવાબ આપતાં બોલ્યો, મેં કહ્યું તો ખરું કે એ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ નિરાશ નથી થતો. એ ખૂબ જ દિલેર છે. અત્યાર સુધી અનેક વખત તે જિંદગી અને મોતની બાજી ૨મી ચૂક્યો છે. મોતનો ભય એને બિલકુલ નથી લાગતો. એ બેધડક કોઈ પણ જંગમાં કૂદવા માટે તત્પર રહે છે. પરંતુ આ વખતે એક વાત હું બહુ સારી રીતે જાણું છું.

'કઈ વાત?’

‘એ જ કે બેલાપુરની જેલમાંથી ફરાર થવાનું કામ કંઈ રમત વાત નથી! પછી ભલે આ કામ પાર પાડવા માટેનું બીડું દિલીપ જેવા દિલેર માણસે કેમ ન ઝડપ્યું હોય ! બેલાપુરની જેલમાંથી આજ સુધી કોઈ કેદી ફરાર નથી થઈ શક્યો, એ વાતનો ઇતિહાસ સાક્ષી છે. કદાચ કોઈ કેદીએ ફરાર થવાનું આંધળું સાહસ ખેડ્યું છે, તો પણ એ ત્યાં ને ત્યાં જ માર્યો ગયો છે. અને આ જ વાતનો ડર મને લાગે છે કે કારણ કે હું દિલીપ જેવા દેશના સાચા ‘સપૂત' ને ગુમાવવા નથી માંગતો. આ વિષમ પરિસ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરીને કોઈક ઉપાય શોધવા માટે જ મેં આ મિટીંગ યોજી છે. કોઈક એવો ઉપાય કે જેનાથી દિલીપને જેલમાંથી ફરાર થવામાં મદદ પણ કરી શકાય અને ગણપત કે પ્રભાત રાઠોડની તેની અસલિયત પર રજમાત્ર શંકા પણ ન ઉપજે.'

મિટીંગ રૂમમાં પુનઃ સન્નાટાનું સામ્રાજ્ય છવાઈ ગયું. તેઓ કેટલીયે વાર સુધી આ મુશ્કેલીનો ઉપાય વિચારતા રહ્યાં.

‘મિસ્ટર નાગપાલ.’ છેવટે થાકી-હારીને રૉના અધ્યક્ષ નિરાશ અવાજે બોલી ઊઠ્યા, દિલીપ આ વખતે એક એવી ચુંગાલમાં સપડાઈ ગયો છે કે આપણે ઇચ્છા હોવા છતાંય એને કંઈ મદદ કરી શકીએ તેમ નથી.'

‘તો હવે શું કરવું છે?’ નાગપાલે ચિંતાતુર અવાજે પૂછ્યું. ‘આપણે ચૂપચાપ તમાશો જોવા અથવા તો દિલીપ સહી સલામત બેલાપુરની જેલમાંથી નાસી છૂટવાનો ચમત્કાર સર્જી બતાવે, એ માટે ઈશ્વરને પ્રાર્થના સિવાય બીજુ કરી પણ શું કરીએ તેમ છીએ?

'પણ... પણ આ કામ જ અશક્ય છે.’ નાગપાલ ધૂંઘવાતા અવાજે બોલ્યો.

ક્યારેક ક્યારેક અશક્ય કામ પણ શક્ય બની જાય છે સર.' સી.આઈ.ડી.ના એક ઑફિસરે આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું, ખાસ કરીને મિશન કેપ્ટન દિલીપ જેવાં માાસનાં હાથમાં હોય, ત્યારે કોઈ પણ ચમત્કાર થઈ શકે છે. આપ માનો કે માનો... પરંતુ કોણ જાણે કેમ મારું અંતર મન કહે છે કે દિલીપ ફરીથી એક વાર વિજેતા થશે. પોતાની બુદ્ધિમત્તા અને હિંમતનાં જોરે એ એક ઇતિહાસ સર્જશે. અને આ ઇતિહાસ કોઈની સાથે સરખામણી ન થઈ શકે એવો હશે.'

પરંતુ ઓફિસર આ આશ્વાસન પછી પણ નાગપાલની ચિંતામાં ઘટાડો નહોતો થયો.

રાતના સમયે બેલાપુરની જેલની પાંચ નંબરની બેરેકમાં સ્મશાનવત્ સન્નાટો છવાયેલો હતો.

બેરેકમાં મોજૂદ બધા કેદીઓ ધાબળા ઓઢીને ગાઢ ઊંઘમાં સૂઈ ગયાં હતા. આખી બૅરેકમાં માત્ર ત્રણ-ચાર ઝીરો વૉલ્ટનાં બલ્બનું આછું અજવાળું પથરાયેલું હતું.

સહસા પ્રભાત રાઠોડ પોતાનાં ચબૂતરા પરથી ઊતરીને દિલીપ સૂતો હતો, ત્યાં પહોંચ્યો. એણે ધીમેથી દિલીપને ઢંઢોળ્યો. દિલીપ તરત જ ચબૂતરા પર બેઠો થઈ ગયો.

‘તું?' પ્રભાતને જોઈને એણે આશ્ચર્યસહ પૂછ્યું.

‘હા..હું...’ પ્રભાત એની બાજુમાં ચબૂતરા પર બેસતાં બોલ્યો, ‘ઊંધ નહોતી આવતી એટલે મને થયું કે ચાલ, થોડી વાર તારી સાથે ગપાટા મારું.' તારે સુઈ તો નથી જવું ને ?' આ વખતે એણે દિલીપને એક વચનમાં સંબોધ્યો હતો. ‘ના...મને પણ ઊંઘ નહોતી આવતી.' દિલીપે કહ્યું,

‘સારું થયું, તું આવી ગયો. લે, સિગારેટ પી.' એણે ગજવામાંથી પેકેટ તથા લાઈટર કાઢીને બંને માટે એક એક સિગારેટ પેટાવી. ‘શંકર.' પ્રભાત સિગારેટનો કશ ખેંચતા બોલ્યો, 'આજે મેં તારે વિશે ઘણી વાર સુધી વિચાર્યું હતું.'

‘એમ ?’ દિલીપે રમતિયાળ સ્મિત ફરકાવતાં પૂછ્યું, ‘શા માટે ? સિગારેટનું તું કોઈ સાધારણ અપરાધી નથી લાગતો. અને આ વાત કેટલીયે વારથી મારા દિમાગમાં હથોડાની માફક ઝીંકાય છે. 'કેમ, આવું શા માટે માને છે?’

‘એટલા માટે કે આ જેલમાંથી કોઈને ફરાર કરાવવા માટેની સોપારી લેવાની એક તરફ રહી, આ જેલને તોડવાની કલ્પના પણ કોઈ કરી શકે તેમ નથી. જ્યારે આજે તેં મને ખાતરીપૂર્વક એમ કહ્યું છે કે મને ફરાર કરાવવા માટે તને અહીં મોકલવામાં આવ્યો છે.' દિલીપ સહેજ હસીને સિગારેટનાં કશ ખેંચવા લાગ્યો. ‘તારે પત્ની અને બાળકો છે?' પ્રભાતે પૂછ્યું.

‘પ્રેમ, શા માટે પૂછે છે ?' દિલીપ આશ્ચર્યથી તેની સામે તાકી રહેતાં પૂછ્યું.

'ભાઈ શંકર, મારે કારણે તારી પત્ની વિધવા અને બાળકો અનાથ થઈ જાય, એમ હું નથી ઇચ્છતો.'

‘ફિકર ન કર !’ દિલીપના હોઠ પર પુનઃ રમતિયાળ સ્મિત ફરક્યું, ‘એવું કશુંય નહીં થાય.'

‘છતાંય તું ઘર-ગૃહસ્થીવાળો છે કે નહીં, એ તો કહે.'

'ના... મારી આગળ-પાછળ કોઈ નથી. સાવ એકલો જીવ છું.' દિલીપે કહ્યું.

‘ઓહ...’ પ્રભાત બબડ્યો. પછી એક ઊંડો શ્વાસ ખેંચીને બોલ્યો, ‘તો તો પછી ચોક્કસ તું જિંદગીથી નિરાશ થઈને આપધાત કરવા માંગતો લાગે છે અને એટલા માટે જ તે તારી જિંદગીને મોતની આ શતરંજમાં દાવ પર લગાવી દીધી છે. જિંદગી અને મોતની આ ભાજીમાં સો એ સો ટકા તારું મોત નિશ્ચિંત છે.' તું માને છે. એવું કશું ય નથી.' દિલીપે સિગારેટનો એક લાંબો કશ ખેંચ્યો, ‘હું જિંદગીથી બિલકુલ નિરાશ નથી, મેં આજ સુધી જે કંઈ ઇચ્છયું છે, તે મેળવ્યું છે. મારા જીવનમાં આનંદ જ આનંદ છે ! આ જિંદગીની એક એક પળનો આનંદ મેં માણ્યો છે, રહી વાત આપઘાતની... તો આપઘાત કરવાનું વિચારવાની વાત તો એક તરફ રહી, મેં કદાપિ એની સપનામાં ય કલ્પના પણ નથી કરી.'

પ્રભાત ગંભીર થઈને દિલીપ જાણે કોઈક અજાયબી હોય એવી નજરે તેની સામે તાકી રહ્યો. આ રીતે મારી સામે શું જુએ છે ?' દિલીપે તેને ટોકતાં પૂછ્યું. જો ખરેખર તે મારા સવાલોનાં સાચા જવાબ આપ્યા હોય તો હું એટલું જ કહીશ કે તે ગણપત પાટિલ સાથે આ સોદો કરીને તારી જિંદગીની સૌથી મોટી અને મહા ભયાનક ભૂલ કરી નાંખી છે.’ પ્રભાત બોલ્યો, ‘તું ભારતની સૌથી વધુ મજબૂત ગણાતી જેલમાંથી મને શું ફરાર કરાવવાનો હતો? ઉલ્ટું હું તો એમ માનું છું કે તું પોતે પણ હવે અહીં ફસાઈ ગયો છે. આ જેલના સળિયા પાછળ તારી જિંદગી નરક બની જશે અને તું જે ઘડીએ અહીં, આવ્યો હતો, એ ઘડીને પેટ ભરીને ગાળો ભાંડીશ. મારું માન અને હજુ પણ એક કામ કર.'

‘શું ?’

‘તું પોતે એકલો જ બેલાપુરની આ ખતરનાક જેલમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી જો. આ પગલું ભરવાથી કમ સે કમ તારી જિંદગી તો નરક થતી બચી જશે !' પ્રભાતનાં અવાજમાં સહાનુભૂતિનો સૂર હતો.

‘હું તને સાથે લઈને આ જેલમાંથી એકલો ફરાર થઈ શકું તેમ નથી તો પછી હું એકલો કેવી રીતે અહીંથી ફરાર થઈ શકીશ ?’ દિલીપે સિગારેટનાં ઠૂંઠાને ચબૂતરા પર મસળીને બૂઝાવતાં પૂછ્યું.

એકલાં ફરાર થવા માટે તારી પાસે હજુ પણ એક મોકો છે.'

'કેવો મોકો?'

'હજુ અદાલતે તને સજા નથી ફરમાવી. તારો કેસ હજુ અદાલતમાં ચાલશે. દરેક સુનાવણીની તારીખે પોલીસ તને આ જેલમાંથી કાઢીને અદાલત લઈ જશે. શંકર, તું આ જેલમાંથી તો ફરાર નહીં થઈ શકે પણ અદાલતમાં જતી વખતે પોલીસની વાનમાંથી જરૂર ફરાર થઈ શકીશ. અને તારે એમ જ કરવું જોઈએ. તું મારે વિશે વિચારવાને બદલે તારું કર. તું જે ભૂલ કરી ચૂક્યો છે, એ તારે સુધારી લેવી જેઈએ.

‘દિલીપ ગંભીર બનીને ઝીણી નજરે પ્રભાતના ચહેરાં સામે તાકી રહ્યો. પ્રભાતે પદ્મ સિગારેટની અંતિમ કશ ખેંચીને તેનું ટૂંકું બૂઝાવી નોંધ્યું હતું.

'શું તું અહીંથી ફરાર થવા નથી માંગતો ?' એકાએક દિલીપે પોતાની વેધક આંખો પ્રભાતની આંખોમાં પરોવતાં પૂછ્યું.

‘એવી વાત નથી.’

'તો ?’

‘શંકર, તારા કરતાં અહીંથી છટકવાની મને વધુ ઉતાવળ છે. તને જાણીને કદાચ નવાઈ લાગશે કે હું પોતે પણ આ અભેદ જેલમાંથી નાસી છૂટવા માટે કેટલીયે યોજના બનાવી ચૂક્યો છું.'

‘પછી ?’ દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું, 'પછી શું થયું?'

‘કશું ય ન થયું. યોજના બનાવ્યા પછી દરેક વખતે મને તેમાં એટલી બધી ત્રુટિઓ દેખાઈ કે તેનો અમલ કરવાની મારી હિંમત જ ન ચાલી. હું કેટલીયે તિકડમો ભીડાવીને જોઈ ચૂક્યો છું. પરંતુ મને આશાનું કોઈ કિરણ નથી દેખાયું. અને એટલા માટે જ હું તને પણ કહું છું કે આ જેલને તોડવાનો વિચાર તારા મગજમાંથી કાઢી નાંખ.'

પ્રભાત.. !' દિલીપ બોલ્યો, ‘મને આશાનું કોઈક કિરણ દેખાય અને જે કામ તું નથી કરી શક્યો, એ હું કરી બતાવું, એવું પણ બની શકે છે.'

'તે મરવાનું નક્કી કરી જ લીધું છે તો હું બીજું શું કહું?' જવાબમાં દિલીપના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ગયું. ત્યાર બાદ થોડી આડા-અવળી વાતો કરીને પ્રભાત વિદાય થઈ ગયો.

દિલીપ પણ ધાબળો ઓઢીને સુઈ ગયો. બીજે દિવસે એણે જેલમાં ટોયલેટમાં પહોંચીને ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો.

'કેમ છો પુત્તર ?' દિલીપનો અવાજ સાંભળતા જ સામેથી નાગપાલે વ્યાકુળતાથી પૂછ્યું, ‘મને તારી ખૂબ જ ફિકર થાય છે.' આખી રાત હું સૂઈ નથી શક્યો. તું આ મિશનમાં કેવી રીતે સફળ થઈશ, એ જ મને કંઈ નથી સમજાતું.'

'તમે બિલકુલ બેફિકર રહો અંકલ.' દિલીપ આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે બોલ્યો, ‘અગાઉનાં મિશનો મેં જેટલી સફળતાથી પાર પાડ્યાં છે, એવી જ રીતે આ મિશન પણહું પાર પાડીશ.

‘પ્રભાત સાથે તારી મુલાકાત થઈ?'

'હા... મુલાકાત પણ થઈ ગઈ છે અને બે વખત વાતચીત પણ થઈ છે. રાત્રે પણ અમે ઘણી વાતો કરી છે. હું કયા હેતુસર બેલાપુરની જેલમાં આવ્યો છું, એ મેં તેને જણાવી દીધું છે.

‘એણે શું પ્રતિક્રિયા વ્યક્ત કરી છે?'

‘એ ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયો છે. હું મારા મકસદમાં સફળ નહીં થઉં એમ એ કહે છે. પરંતુ જેલમાં આવ્યા પછી મે એક ખૂબ જ વિચિત્ર, વાત અનુભવી છે અંક્લ.’

‘કઈ વાત ?’

અત્યાર સુધીમાં પ્રભાત સાથે થયેલી વાતચીત પછી કોણ જાણે કેમ મને એવું લાગે છે કે તે અપરાધી નથી. એણે દેશ સાથે દ્રોહ કર્યો છે, તે એની પાછળ ચોક્કસ કોઈક કારણ, કોઈ ઘટના હોવી જોઈએ.

"ક્યું કારા, કેવી ઘટના.'

"એ તો મને ખબર નથી... પણ જો ખરેખર આવી કોઈ ઘટના બની હશે તો ટૂંક સમયમાં જ એની પાસેથી તેની વિગતો જાણી લઈશ એવી મને શ્રદ્ધા છે.

હું ફરીથી તને એક વાત કહું છું પુત્તર, '

'ઓ.કે.’

‘જો તમે એવું લાગતું હોય કે પ્રભાતને જેલમાંથી ફરાર કરાવવાનું અશક્ય છે, તો મને કહી નાંખ... હું હમણાં જ તને જેલમાંથી બહાર કઢાવી લઈશ.. મારે માટે આ કોઈ મુશ્કેલ કામ નથી.'

‘હું જાણું છું અંકલ... પણ તમારે આવું કોઈ પગલું ભરવાની બિલ્કુલ જરૂર નથી.” સામે છેડે થોડી પળો માટે ચૂપકીદી છવાઈ ગઈ.

‘ઠીક છે. છેવટે નાગપાલનો ધીમો સ્વર ગુંજ્યો, ‘તું તારી એક એક કાર્યવાહીનો મને રિપોર્ટ આપતો રહેજે.' દિલીપે ટ્રાન્સમીટર ઓફ કરીને યથા સ્થાને છૂપાવ્યું અને ટોયલેટનો દરવાજો ઉઘાડીને બહાર નીકળી ગયો.

બપોરે પીતાંબર દિલીપ પાસે આવ્યો. આવતા વેંત એણે પોતાની મૂંછ પર રાબેતા મુજબ હાથ ફેરવ્યો અને પછી એકદમ ધીમા અવાજે બોલ્યો, ‘બધું બરાબર ચાલે છે ને ?’ કોઈ તકલીફ તો નથી ને?'

‘ના...’દિલીપે નકારમાં માથું ધુણાવતાં એવા જ અવાજે જવાબ આપ્યો, ‘કોઈ તકલીફ નથી.'

‘ગણપત સાહેબે મને તારું ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું છે. સાથે જ દિવસ દરમિયાન કમ સે કમ એકાદ-બે વાર તને મળીને તમારા ખબર-અંતર પૂછવાની તથા કોઈ ચીજ-વસ્તુની જરૂર હોય તો વ્યવસ્થા કરવાની સૂચના પણ મને આપી છે.’

‘તું ખરેખર બહુ ઉમદા માણસ છો.' પોતાનું વખાણ સાંભળીને પીતાંબરના આનંદનો પાર ન રહ્યો.

‘શંકર, હું તને એક ખાસ વાત જણાવી દેવા માંગુ છું.' પીતાંબર ખુશખુશાલ અવાજે બોલ્યો, 'તુ કયું કામ પાર પાડવા માટે અહીં આવ્યો છે, એની મને ખબર છે. ગણપત સાહેબે મને બધું જણાવી દીધું છે એટલે મારી કોઈ મદદની જરૂર હોય તો જરા પણ સંકોચ રાખ્યા વગર કહી દેજે.'

'ભલે... મને કદાચ ટૂંક સમયમાં જ તારી મદદની જરૂર પડશે.’ દિલીપે ધીમેથી માથું હલાવતાં કહ્યું.

'વાંધો નહીં... મને કહી દેજો.'

ત્યાર બાદ પીતાંબર આવ્યો હતો, એ જ રીતે મૂંછ પર હાથ ફેરવતો ફેરવતો વિદાય થઈ ગયો. આ દરમિયાન પ્રભાત પણ દિલીપ પાસે આવીને ઊભો રહી ગયો હતો.

'આ મૂંછડ શા માટે આવ્યો હતો?' એણે પૂછ્યું.

‘ગણપતે મોકલ્યો હતો.'

'કેમ, શા માટે?’

‘મારું ધ્યાન રાખવા માટે... મને કોઈ ચીજ-વસ્તુની જરૂર હોય તો પૂરી પાડવા માટે.'

‘તારો આ ગણપત તો ખરેખર કોઈક પહોંચેલી માયા લાગે છે.' પ્રભાત સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘એના વિશે બીજું કંઈ જણાવીશ ?'

‘ગણપત વિશે તો હું પોતે પણ ખાસ કંઈ નથી જાણતો.' દિલીપે કહ્યું, ‘મને માત્ર એટલી જ ખબર છે કે તે વિશાળગઢનો ડ્રગ્સ કિંગ છે અને નશાની દુનિયામાં દેવની જેમ પૂજાય છે. એક જમાનામાં તે ચોપાટી પર બેસને નાળિયેર પાણી વેંચતો હતો અને પૈસાદાર બનવાની લાલચે તેને આ મુકામ સુધી પહોંચાડ્યો છે.'

‘એની સાથે તારી મુલાકાત કેવી રીતે થઈ?'

'બસ, જોગાનુજોગ જ એ મને ભટકાઈ ગયો. મેં સોપારી લઈને વિશાળગઢમાં ધોળે દિવસે બે-પાંચ જણને યમલોકમાં પહોંચાડી દીધાં હતાં જેને કારણે આખા શહેરમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. પોલીસ આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ. એક દિવસ પોલીસથી બચવા માટે હું ભૂલથી ગણપતનો બંગલામાં ઘૂસી ગયો. ત્યાં ગણપતે પોલીસથી મને બચાવ્યો અને પછી મારી સમક્ષ તને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો.'

‘એણે પ્રસ્તાવ મૂક્યો અને તે તરત જ સ્વીકારી પણ લીધો?'

‘હા... ઇનકાર કરવાનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. આ કામ માટે એણે મને જંગી રકમ આપવાની તૈયારી બતાવી હતી..

‘હું...'

પ્રભાતનાં ગળામાંથી હુંકાર નીકળ્યો, આ સમગ્ર મામલામાં એક વાત મને નથી સમજાતી શંકર'

‘કઈ વાત ?’

‘તારા કહેવા મુજબ ગણપત પાટિલ ડ્રગ્સ કિંગ છે. તે નશાકારક પદાર્થોનો વ્યવસાય કરે છે.

આવા માણસને ફાઈલ અને પેઈન્ટિંગની શું જરૂર પડી ગઈ, એ મને કંઈ સમજાતું નથી.'

પહેલાં તો તું મને ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે જણાવ. એબંને છે કઈ બલા?'

‘આ બંને વસ્તુઓ વિશે તું ન જાણે એ જ બરાબર છે.'

વાત પૂરી કર્યા બાદ અચાનક જ પ્રભાત સ્મિત ફરકાવતો આગળ વધી ગયો.