Sailab - 1 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સૈલાબ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સૈલાબ - 1

। સનસનાટીભરી રહસ્યકથા ।

કનુ ભગદેવ

આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. રોનાં બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી મિશનની સફળતા બાદ પ્રભાત ભારત પાછો ફરીને મિશન નિષ્ફળ થયું હોવાનું જણાવે છે અને મિશનની સફળતાના દસ્તાવેજો સરકારને સોંપતો નથી. પણ તે ખોટું બોલે છે એની ખબર પડતાં જ તેને બેલાપુરની અભેદ કિલ્લા જેવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ એણે વિનાયક સાથે જે મિશન પાર પાડ્યું હોય છે તેના દસ્તાવેજો કબજે કરવા માટે પાકિસ્તાનથી પણ આઈ.એસ.આઈ.ના અનવર તથા રૂખસાના નામના બે એજન્ટો ભારત આવે છે. પરંતુ ભારત સરકારને તેમના આગમનની અગાઉથી જ ખબર પડી ગઈ હોય છે. ત્યાર બાદ શરૂ થાય છે દિલીપ તથા એ બંને એજન્ટોની ચાલબાજી અને દિલો-દિમાગને હચમચાવી મૂકનારા દિલધડક પ્રસંગોની હારમાળા..! દિલીપ પોતાની સામે આવતી તમામ મુશ્કેલીઓનો પૂરી દિલેરી અને નિડરતાથી સામનો કરીને સફળતાપૂર્વક પોતાનું મિશન પાર પાડે છે.

*******

૧.બંધ બાજીની ચાલ... !

ગણપત પાટિલ... ! ઉંમર આશરે ચાલીસ વર્ષ... ! એકવડિયો બાંધો... ! ગોરો-ચીટ્ટો અને આકર્ષક ચહેરો... ! ભૂરી આંખોમાં એક જાતની સ્થાયી કઠોરતા ધરાવતો આ ગણપત પાટિલ આજની તારીખમાં વિશાળગઢમાં ડ્રગ્સ કિંગ ગણાતો હતો. સમગ્ર વિશાળગઢનાં ડ્રગ્સ વ્યવસાય પર એનો કાબૂ હતો. નશીલા પદાર્થોની દુનિયાનો એ બાદશાહ હતો. તે કોકેન, હશીશ, મેરીજુઆના, એલ.એસ.ડી., હેરોઈન, તથા અફીણ જેવા પદાર્થો ખુલ્લેઆમ બેધડક વેંચતો હતો. એને રોકવા કે ટોકવાવાળું કોઈ નહોતું. હોય પણ ક્યાંથી...? સરકારી ખાતાઓમાં ગણપત તરફથી દર મહિને નક્કી થયેલી રકમની બૅગો પહોંચી જતી હતી. આ અંડર ટેબલ આવતી રકમમાંથી પટ્ટાવાળાથી માંડીને ટોચનાં ઑફિસરોને ભાગ મળતો હતો. જેવો હોદ્દો, એવી રકમ... ! એક જમાનામાં ગણપત બંદર રોડ પર બેસીને નાળિયેર વેચતો હતો.

પરંતુ આસમાનને આંબવાની ઇચ્છા અને 'મોટા માણસ' બનવાની તમન્નાએ તેને અપરાધના માર્ગે એવો તો ધકેલ્યો કે તે દિવસે દિવસે એ માર્ગે આગળ વધતો જ ગયો... ! પાછું વાળીને જુએ એ બીજો... ! એ આ ગણપત નહીં...! એણે આ ધંધાની શરૂઆત નાળિયેરની સાથે સાથે પડીકી વેંચવાથી કરી. અને પછી ધીમે ધીમે પ્રગતિના (કે પછી પરગતિના) એક પછી એક સોપાનો સર કરતો એક મામૂલી ડ્રગ પેડલરમાંથી વિશાળગઢનો ‘ડ્રગ્સ કિંગ’બની ગયો.

આવા આ ગણપતના ચહેરા પર અત્યારે અષાઢી મેઘની માફક ચિંતાનાં વાદળો ઘેરાયેલા હતા.

એની ચિંતાનું કારણ હતી એક ચબરખી... ! આ ચબરખી સવારે અખબારની વચ્ચેથી તેને મળી હતી. એમાં લખ્યું હતું પાટિલ, આજે સાંજે સાત વાગ્યે મને શેરેટોન હૉટલનાં રૂમ નં.

૩૨૦ માં મળ. એક ખૂબ જ જરૂરી કામ છે. લી. અનવર હુસેન. ચબરખીના સંદેશા કરતાં ય સંદેશો લખનારનું નામ વાંચીને ગણપતના છક્કા છૂટી ગયા હતા. કારણ કે અનવર હુસેનથી તે બહુ સારી રીતે પરિચિત હતો. અનવર હુસૈન પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ.નો ઍજન્ટ હતો અને ડ્રગ્સનાં વ્યવસાયનાં અનુસંધાનમાં જ એની સાથે ગણપતની મુલાકાત થઈ હતી. વાસ્તવમાં પાકિસ્તાન સરકારની મદદથી જ ગણપતનો કેફી દ્રવ્યોનો જથ્થો ભારત પહોંચતો હતો અને આ કામગીરીમાં અનવર હુસેન અગત્યનો ભાગ ભજવતો હતો.

– પરંતુ અનવર હુસેન ભારત શા માટે આવ્યો છે, એ ગણપતને નહોતું સમજાતું કારણ કે અહીં તો એને માટે ડગલે ને પગલે જોખમ હતું.

સાંજ સુધીનો સમય એણે પારાવાર બેચેની અને વ્યાકુળતામાં વિતાવ્યો. સાંજે બરાબર સાત વાગ્યે એ ચોરી છૂપીથી શેરેટોન હૉટલમાં પહોંચીને અનવર હુસેનને મળ્યો. અનવર હુસૈન આશરે પાંત્રીસેક વર્ષનો હટ્ટોકટ્ટો યુવાન હતો. એનાં કરડા ચહેરા પર કઠોરતાની છાપ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. એની સાથે પાકિસ્તાનથી જ આશરે પચીસેક વર્ષની એક અત્યંત ખૂબસૂરત યુવતી પણ આવી હતી. અનવર તથા એ યુવતીના દેખાવ વચ્ચે જમીન-આસમાનનો તફાવત હતો. ક્યાં ગુંડા જેવો ચહેરો ધરાવતો અનવર ને ક્યાં સ્વર્ગની કોઈક અપ્સરા જેવી આ યુવતી... !

‘બૉસ... !’ ગણપતે અનવરનો હાથ પકડતાં ગભરાટભર્યા અવાજે કહ્યું,

‘અહીં શા માટે આવવું પડ્યું... ?

મને જાણ કરી હોત તો હું પોતે પાકિસ્તાન આવી જાત... ! અહીં તો તમારે માટે પૂરેપૂરું જોખમ છે.’

‘મને ખબર છે ગણપત... !' અનવર બોલ્યો, ‘પરંતુ કામ

ખૂબ જરૂરી હતું એટલે મારે તાત્કાલિક અહીં આવ્યા વગર છૂટકો નહોતો.'

‘આપણા જીવની સલામતીથી વધુ અગત્યનું બીજું કયું કામ હોઈ શકે બોસ... ? પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે ‘જાન હૈ તો જહાન હૈ.'

‘હાં, સાંભળી છે... !' અનવર હસ્યો, ‘પરંતુ એમાં પણ અપવાદ હોય છે... ! બલ્કે અપવાદ તો દરેક વસ્તુમાં હોય જ છે... ! અમુક કામ જીવ કરતાં પણ વધુ જરૂરી હોય છે. પણ એ તને નહીં સમજાય કારણ કે તું પૈસાનો પૂજારી છો... ! તે હંમેશા પૈસાની જ પૂજા કરી છે... ! પૈસાને જ તારું સર્વસ્વ માન્યું છે. તારો ભગવાન કહે... ખુદા કહે, જે કંઈ કહે, તે માત્ર અને માત્ર પૈસા જ છે... !'

ગણપતને અનવરની વાતનું કોઈ ધડ-માથું નહોતું સમજાતું. અલબત્ત, એટલું એને જરૂર સમજાઈ ગયું હતું કે અનવર કોઈક અનિવાર્ય સંજોગો અને કારણસર જ આટલું મોટું જોખમ ખેડીને ભારત આવ્યો છે.

‘બેસ... !’ અનવર બોલ્યો, ‘હું તને મારા અહીં આવવાનું કારણ જણાવું છું.' ગણપત, અનવરની બાજુમાં જ સોફા પર બેસી ગયો, જ્યારે પેલી રમણી અંદરના ભાગમાં ચાલી ગઈ.

‘ગણપત... !’ અનવરે મુદ્દાની વાત પર આવતાં ગંભીર અવાજે કહ્યું, ‘આજથી માત્ર પંદર દિવસ પહેલાં વિશાળગઢની કૉર્ટે એક માણસને આજીવન કેદની સજા ફરમાવી છે. તને કદાચ એના નામની પણ ખબર હશે કારણ કે છેલ્લાં ઘણાં દિવસોથી ભારતભરનાં અખબારોમાં એનું નામ ચમકતું હતું. મોટા મોટા હેડિંગોમાં એને વિશે ઘણું બધું છપાયું હતું. હું પ્રભાત રાઠોડની વાત કરું છું. ‘ઓહ... પ્રભાત રાઠોડ... !' ગણપત ઉત્સુક અવાજે બોલી ઊઠ્યો, ‘તમારી વાત બિલકુલ સાચી છે, બસ... ! એને તો ભારત સાથે દેશદ્રોહ કરવાનાં આરોપસર આજીવન કેદની સજા થઈ છે.'

‘રાઈટ... !’ અનવરે ચપટી વગાડતાં કહ્યું, ‘એણે ખરેખર ભારત સાથે દેશદ્રોહ કર્યો હતો. આ પ્રભાત પણ ગજબનાક આઈટમ હતો... ! તે ભારતની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા ‘રૉ'નો ઍજન્ટ હતો અને તેને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. એણે સોંપવામાં આવેલું મિશન પાર પાડ્યું પણ ખરું. પરંતુ પછી અચાનક એણે પોતાનાં દેશ અર્થાત્ ભારત સાથે દગો કર્યો. ‘આ જો...' એણે બ્રિફકેસમાંથી એક યુવાનનો ફોટો કાઢીને સેન્ટર ટેબલ પર મૂક્યો, ‘આ પ્રભાત રાઠોડનો ફોટો છે.’

ગણપત ફોટો ઊંચકીને ધ્યાનથી તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. ફોટામાં દેખાતા પ્રભાતના ચહેરા પર લશ્કરનાં ઑફિસર જેવી તાજગી અને ગરિમા સ્પષ્ટ જોઈ શકાતી હતી.

‘આ પ્રભાત...’ અનવર એક સિગારેટ પેટાવતાં બોલ્યો, ‘અત્યારે બેલાપુરની જેલમાં કેદ છે... ! આ જેલ વિશાળગઢથી ચાલીસેક કિલોમીટર દૂર બેલાપુરનાં ગીચ જંગલમાં છે.'

‘તો તમે શું ઇચ્છો છો બૉસ...?' ગણપતે ફોટો પરથી નજર ખસેડીને અનવર સામે જોતાં પૂછ્યું.

‘મારી તો બસ એક જ ઇચ્છા છે...!'

‘શું ?'

'એ જ કે તું ગમે તે રીતે પ્રભાતને બેલાપુરની જેલમાંથી નસાડીને મારે હવાલે કરી દે... !'

ગણપતનો દેહ જાણે કોઈક દૈવી શ્રાપ લાગ્યો હોય એ રીતે સોફા પર જડવત્ થઈ ગયો. અનવર તરફથી આ વાતની તો કદાચ એણે કલ્પના પણ નહોતી કરી. એ ચકળવકળ થતી આંખે, નર્યા અચરજથી અનવરનાં ચહેરાં સામે થોડી પળો સુધી તાકી રહ્યો. ‘કેમ...?’ અનવરે સિગારેટનો લાંબો કશ ખેંચીને છત તરફ ધુમાડાનાં ગોટાં ઉડાડતાં કહ્યું, ‘મારી વાત સાંભળીને તને આટલી

'નવાઈ શા માટે લાગે છે ?'

‘એટલા માટે બૉસ, કે એ બેલાપુરની જેલમાં છે... !' ગણપતનું આશ્ચર્ય હજુ પણ નહોતું શક્યું.

‘મને ખબર છે... !'

'બરાબર છે બોસ, પણ તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે બેલાપુરને ભારતની સૌથી વધુ મજબૂત જેલ માનવામાં આવે છે. આજ સુધીમાં ક્યારેય, કોઈ એ જેલ તોડીને નથી નાસી શક્યું. કદાચ કોઈ નરબંકાએ આવો પ્રયાસ કર્યો છે, તો પણ એની લાશ જ બેલાપુરની જેલમાંતી બહાર નીકળી છે. બેલાપુર જેલનો વિક્રમ છે કે ત્યાંથી ક્યારેય કોઈ જ જીવતું નથી નાસી શક્યું. એટલું જ નહીં, દેશનાં અત્યંત ખતરનાક ગણાતાં ગુનેગારોને જ ત્યાં રાખવામાં આવે છે જેવી કોઈ નાસી ન શકે. અને તમે એમ ઇચ્છો છો કે હું આવી જેલમાંથી પ્રભાત રાઠોડને નસાડીને તમારે હવાલે કરું.. !'

‘હા, હું એમ જ ઇચ્છું છું... !' અનવર આરામથી બોલ્યો.

‘બેલાપુરની જેલ તોડીને નાસી છૂટવાનું અશક્ય છે, એ વાતથી વાકેફ હોવા છતાંય તમે આવું સપનું જુઓ છો બૉસ... ?'

‘હા...’ અનવરે પૂર્વવત્ અવાજે કહ્યું, ‘સૌથી પહેલાં તો એક વાત તારા મગજમાંથી બિલકુલ કાઢી નાંખ કે આ દુનિયામાં કોઈ પણ કામ અશક્ય છે... ! કશું જ અશક્ય નથી... ! બસ, આ અશક્ય કામને શક્ય કરી બતાવવાવાળો કોઈક દિલેર માણસ જોઈએ... ! બાકી માણસ ધારે તો બધું જ કરી શકે છે. તારે આ અશક્ય કામને શક્ય કરી બતાવે એવો કોઈ માથા ફરેલો પણ ખતરનાક અપરાધીને શોધવાનો છે... ! એ શખસે પોતે બેલાપુરની જેલમાં જઈને ત્યાંથી પ્રભાતને નસાડવાનો છે.. !'

‘પણ….'

પહેલાં મારી વાત પૂરી સાંભળી લે ગણપત... !' અનવરે વચ્ચેથી જ તેને ટોક્યો.

'બૉસ... !'

'આ કામ માટે તને પચીસ લાખ ડૉલર મળશે. ૨કમ તું દુનિયાની જે બેંક કહીશ, તેમાં જમા કરાવી દેવામાં આવશે.’

‘પચીસ લાખ ડૉલર... !' ગણપતની આંખો નર્યા અચરજથી ફાટી પડી.

‘હા...પચીસ લાખ ડૉલર... !' અનવર એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘આટલી મોટી રકમનો સોદો અગાઉ ક્યારેય તારા હાથમાં નહીં આવ્યો હોય એની મને પૂરી ખાતરી છે. અને આમાં તારે બીજું તો ખાસ કંઈ કરવાનું નથી. બસ, બેલાપુરની અભેદ ગણાતી જેલમાંથી નાસી બતાવે એવો એક દિલેર અપરાધી જ શોધવાનો છે.’

‘પરંતુ આ કામ પણ કંઈ સહેલું નથી બૉસ ... !'

‘મને ખબર છે... !’ અનવરે સિગારેટનો અંતિમ કશ ખેંચીને તેનું ઠૂંઠું ઍશ ટ્રેમાં પધરાવતાં કહ્યું, ‘અને ખબર છે એટલા માટે જ તો તને પચીસ લાખ ડૉલર જેટલી માતબર રકમ આપવાની તૈયારી બતાવું છું.'

ગણપત વિચારમાં પડી ગયો.

પચીસ લાખ ડૉલરની વાતથી એનાં મોંમાં પાણી આવી ગયું ‘બોલ, આ કામ તારાથી થઈ શકશે... ?' અનવરના અવાજથી હતું. એની વિચારધારા તૂટી.

‘મને વિચારવા માટે થોડો સમય આપો બૉસ... !' ગણપત બોલ્યો, ‘આ અશક્ય કામને શક્ય કરી બતાવે, એવો કોઈ અપરાધી અત્યારે તો વિશાળગઢમાં મને નથી દેખાતો... !' ઠીક છે... હું તને ત્રણ દિવસનો સમય આપું છું. ત્રણ દિવસમાં તું તારો નિર્ણય જણાવી દેજે... !'

‘ઓ.કે.બૉસ... !’ ત્યાર બાદ ગણપત આવ્યો હતો, એ જ રીતે ચોરી છૂપીથી ત્યાંથી વિદાય થઈ ગયો.

એના વિદાય થયા પછી અનવર અંદરનાં રૂમ તરફ આગળ વધી ગયો જ્યાં પેલી રમણી તેની જ રાહ જોતી હતી. એ રમણીનું નામ રૂખસાના હતું અને તે અનવરની પ્રેમિકા ઉપરાંત એની માફક જ આઈ.એસ.આઈ.ની એક ખતરનાક ઍજન્ટ હતી. અનવરે રૂમમાં પગ મૂક્યો કે તરત જ તે એનાં આલિંગનમાં સમાઈ ગઈ.

‘અનવર... !' થોડી પળો સુધી એ જ સ્થિતિમાં રહ્યા બાદ છેવટે રૂખસાના બોલી, ‘એક વાત કહું... ?'

‘બોલ...’

‘બેલાપુરની જેલમાંથી પ્રભાતને નસાડી શકે એવા કોઈ અપરાધીને ગણપત શોધી શકશે એવું મને તો નથી લાગતું.'

‘કેમ... ?' અનવરે ચમકીને પૂછ્યું.

‘એટલા માટે કે બેલાપુરની જેલમાંથી નાસી છૂટવાનું ખરેખર અશક્ય છે. તને, કદાચ ખબર નહીં હોય કે એશિયાની સૌથી વધુ સુરક્ષિત જેલોમાં, બેલાપુર જેલની ગણના થાય છે. અહીં આવતાં પહેલાં મેં બેલાપુરની જેલનો ઇતિહાસ વાંચ્યો હતો. આ જેલની રક્ષણ વ્યવસ્થાથી યુરોપના દેશો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આજથી પંદરેક વર્ષ પહેલાં યુરોપનાં દેશોની પોલીસનું એક પ્રતિનિધિ મંડળ પણ આ જેલની મુલાકાતે આવ્યું હતું. ત્યાર બાદ બ્રિટનનાં પોલીસ ઑફિસરોએ લંડન પાસે ગીચ જંગલમાં બેલાપુર જેવી જ એક જેલનું નિર્માણ કરાવ્યું. આ જેલ આજે પણ ત્યાં છે અને તેની ગણના બ્રિટનની અત્યંત સુરક્ષિત જેલોમાં થાય છે.' ‘તું કહેવા શું માંગે છે રૂખસાના... ?' કહેતાં કહેતાં અનવરનાં ભવાં સંકોચાયા. આ દરમિયાન રૂખસાના એનાં આલિંગનમાંથી મુક્ત થઈ ગઈ હતી.

‘હું એમ કહેવા માંગુ છું કે...' રૂખસાના એકએક શબ્દ પર ભાર મૂકીને ગંભીર અવાજે બોલી, ‘બેલાપુર જેલની સુરક્ષા વ્યવસ્થા

જોઈને યુરોપિયન પોલીસ પણ પ્રભાવિત થયા વગર નથી રહી શકી તો આ સંજોગોમાં એ જેલમાંથી પ્રભાતને ફરાર કરાવવાનું કેવી રીતે શક્ય બનશે...? તું ગમે તે કહે અનવર... પણ આપણને આપણા મિશનમાં સફળતા મળશે એવું મને તો નથી લાગતું. આપ નિષ્ફળતાનું મોં જોઈને ખાલી હાથે જ પાકિસ્તાન પાછા જવું પડશે.' રૂખસાનાની વાત સાંભળીને અનવરનાં ચહેરાં પર ગંભીરતા ફરી વળી. તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. ‘શું વિચારે છે અનવર … ?' રૂખસાનાએ તેને ટોક્યો.

‘તારી વાત અમુક હદ સુધી બરાબર છે રૂખસાના... !’ અનુવર એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘ક્યારેક ક્યારેક મને પણ એમ જ લાગે છે કે આ કામ અશક્ય છે. પરંતુ સાથે સાથે જ એવો વિચાર પણ આવે છે કે એક વાર પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી. ક્યારેક અંધકારમાં છોડેલું તીર પણ આબાદ નિશાન પર ચોંટી જાય છે. જે કામ મોટો ઑફિસર નથી કરી શકતો, એ કામ એક મામૂલી પટ્ટાવાળો પણ ચપટી વગાડતાં જ કરી બતાવે છે. આપણને આશા ન છોડવી જોઈએ... ! આશા અમર છે અને તેનાં પર જ દુનિયા ટકેલી છે, એવું કહેવાય છે. આ અશક્ય કામને શક્ય કરી બતાવે

તેવી કોઈક અપરાધીને ગણપત શોધી કાઢે, એ બનવાજોગ છે.’ ‘જો ખરેખર એવું બનશે, તો તે કોઈ ચમત્કારથી કમ નહીં હોય...!'

આપણે આશા રાખીએ કે આવો કોઈ ચમત્કાર સર્જાય... !' રૂખસાના ધીમેથી માથું હલાવીને રહી ગઈ.

સેન્ટ્રલ ઇન્ટેલિજેન્ટ ડિપાર્ટમેન્ટનાં ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ તથા તેનાં સહકારી કૅપ્ટન દિલીપનાં નામ તથા કામથી મારી નવલકથાનો ભાગ્યે જ કોઈક વાંચક અજાણ હશે. બલ્કે હું તો ત્યાં સુધી કહીશ કે અમુક વાંચકો મને – આ લેખકને ભૂલી જઈને, બુક સ્ટૉલ પર 'કનુ ભગદેવ'ની કોઈ નવી બુક આવી હોય તો આપો – એમ કહેવાને બદલે એવું કહે છે કે – 'દિલીપ- નાગપાલ' ની કોઈ નવી બુક આવી હોય તો આપો... ! ખેર, મારા આવા વાંચક મિત્રો માટે મને જરા પણ દુઃખ કે અફસોસ નથી. બલ્કે મારા સર્જેલાં પાત્રો વાંચકોનાં દિલોમાં આવું સરસ અને જીવંત સ્થાન મેળવી ચૂક્યા છે, એ વાતનો મને આનંદ છે. ખેર, તો હવે આ સનસનાટીભરી જાસૂસ કથામાં આગળ વધીએ. નવલકથાનો સબજેક્ટ અર્થાત્ વિષય વસ્તુ કોઈક ખાસ 'મિશન' છે, એટલું તો તમે ગણપત, અનવર હુસેન તથા રૂખસાનાની વાતચીત પરથી જરૂર સમજી ગયા હશો. તો ચાલો... થાઓ આગળ... સૉરી... આગળ તો મારે રહેવાનું છે. તમારે તો મારી પાછળ પાછળ જ આવવાનું છે. સૉરી અગેઇન...

'હા... તો વાત થતી હતી કૅપ્ટન દિલીપની... ! નાગપાલનાં આ સહકારીએ છેલ્લાં થોડાં વરસો દરમિયાન જે દિલેરી અને સાહસ બતાવ્યા હતા, એ જોઈને ક્યારેક તો ખુદ નાગપાલ પણ આશ્ચર્યથી મોંમાં આંગળા નાંખી જતો સાથે જ પોતાને આવો જાંબાઝ સહકારી મળ્યો છે, એ બદલ ગર્વ પણ અનુભવતો હતો. અલબત્ત, દિલીપને આ સ્ટેજ સુધી પહોંચાડવામાં એણે પણ પોતાનાં પ્રયાસોમાં કોઈ કચાશ બાકી નહોતી રાખી. અને દિલીપ પણ નિખાલતાથી કબૂલતો કે પોતે આજે જે કંઈ છે, તે નાગપાલને જ આભારી છે. નાગપાલ સાથે જોડાયા પછી તેને નાગપાલ તરફથી પિતાનો સ્નેહ, સમ્ફિયા તરફથી માની મમતા... શાંતા જેવી તોફાની ચુલબુલી પ્રેમિકા તો રજની, ધીરજ, ગુરુપાલ, થુલ્લુ, ડૅની તથા દિવાકર જેવાં દિલેર મિત્રો મળ્યા. અને આ બધાની ટીમ એટલે નાગપાલ એન્ડ કંપની !

દિલીપ છેલ્લાં થોડાં દિવસોથી ખૂબ જ ખુશ હતો. એની સાંજ નવી નવી ક્લબોમાં પસાર થતી હતી કારણ કે અત્યારે એના હાથમાં કોઈ મિશન નહોતું... ! કોઈ મર્ડર કેસ નહોતો... ! હતી તો બસ, નવરાશ... ! અને નવરાશની એકે એક પળનો તે આનંદ માણતો હતો.

– પરંતુ આ કદાચ તોફાન પહેલાંની શાંતિ હતી... ! દિલીપ અત્યારે તૈયાર થઈને ક્લબમાં જવાની તૈયારી કરતો હતો.

સહસા એનાં મોબાઈલની ઘંટડી રણકી ઊઠી, ‘હલ્લો...’ એણે કોલિંગ સ્વીચ દબાવતાં કહ્યું. ‘પુત્તર... ! હું બોલું છું !' સામે છેડેથી નાગપાલનો ગંભીર અવાજ એને સંભળાયો. ‘ઓહ અંકલ... ! બોલો...' દિલીપે એકદમ સજાગ અવાજે કહ્યું.

‘શું કરે છે...?’

‘ક્લબે જવાની તૈયારી કરતો હતો... !' ‘ક્લબને ગોળી માર અને તાબડતોબ હેડકવાર્ટરે આવ... હું તારી રાહ જોઉં છું.'

‘શું શહેરમાં કંઈ નવા-જૂની થઈ છે?' ‘ના, હજુ સુધી તો નથી થઈ, પણ થવાની તૈયારીમાં છે...! નવા જૂની થવાની છે, એની મને અગાઉથી જ બાતમી મળી ગઈ છે.'

‘ઓ.કે. અંકલ, હું હમણાં જ પહોંચું છું.' ‘ગુડ...’ કહેતાંની સાથે જ સામેથી સંપર્ક કપાઈ ગયો. દિલીપ તાબડતોડ પૂરપાટ વેગે કાર દોડાવીને સી.આઈ.ડી. હેડક્વાર્ટરે પહોંચ્યો જ્યાં નાગપાલ વ્યાકુળ ચહેરે એની રાહ જોતો પોતાની ચૅમ્બરમાં બેઠો હતો. ‘ચાલ, પ્રૉજેક્ટર રૂમમાં જઈએ... !' દિલીપને જોતાં જ એ ખુરશી પરથી ઊભો થઈ ગયો, ‘મારે એક મિશન સાથે સંકળાયેલ થોડા ફોટાં તને બતાવવાનાં છે.' દિલીપ ચૂપચાપ એની સાથે પ્રૉજેક્ટર રૂમ તરફ આગળ વધ્યો. અલબત્ત, કોઈક ગંભીર મામલો છે, એટલું તો તે નાગપાલનો ચહેરો જોઈને જ સમજી ગયો હતો. બંને પ્રોજેક્ટર રૂમમાં પહોંચીને પાંત્રીસ એમ.એમ.ના પડદા સામે ખુરશી પર બેસી ગયા.

‘પુત્તર !’ નાગપાલ કશીયે ભૂમિકા બાંધ્યા વગર બોલ્યો, ‘તેં પ્રભાત રાઠોડ વિશે તો જરૂર સાંભળ્યું હશે?'

પંદર દિવસ પહેલાં જેને આજીવન કેદની સજા થઈ છે, એ જ પ્રભાતની વાત કરો છો તમે?'

‘હા... હું એની જ વાત કરું છું... !'

મેં એનાં વિશે અખબારોમાં ઘણું વાંચ્યું હતું.' દિલીપ બોલ્યો, મને યાદ છે ત્યાં સુધી દેશદ્રોહના આરોપસર તેને આજીવન કેદની સજા થઈ છે.’

‘રાઈટ... ! પરંતુ તેમ છતાંય વિદેશનીતિને નજર સામે રાખીને પ્રભાત વિશે મીડિયાથી ઘણી વાતો ગુપ્ત રાખવામાં આવી છે. મિશન વિશે કહેતાં પહેલાં હું તને પ્રભાત વિશે બધું જણાવી દેવા માંગુ છું. પ્રભાતને આપણાં દેશની સરકારે કયું કામ સોંપ્યું હતું અને એણે શા માટે દેશદ્રોહ કર્યો, એની તમામ વિગતોથી તું વાકેફ થઈ જા એમ હું ઇચ્છું છું.’

દિલીપ એકદમ સજાગ થઈને બેસી ગયો. એ જ વખતે રૂમની છતમાં રહેલો બલ્બ બૂઝાઈ ગયો અને અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું. વળતી જ પળે સામેના પડદા પર એક તસ્વીર દેખાવા લાગી.

એ એક ટ્ટાકટ્ટા ફૌજી જેવાં યુવાનની તસ્વીર હતી. આ પ્રભાત રાઠોડ છે... ! આ શખ્સને જ પંદર દિવસ

પહેલાં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે.’ દિલીપ ધ્યાનથી પડદા સામે જોવા લાગ્યો. અલબત્ત, એના કાન નાગપાલની વાત તરફ જ હતા.

‘વાસ્તવમાં આ મિશનની શરૂઆત છ મહિના પહેલાં થઈ હતી... !' પ્રૉજેક્ટર રૂમનાં શાંત વાતાવરણમાં નાગપાલનો ધીમો.પરંતુ સ્પષ્ટ અને ગંભીર અવાજ ગુંજવા લાગ્યો, ‘પાકિસ્તાને પરમાણુ બૉંબ બનાવી નાંખ્યો છે, એવા રિપોર્ટ સતત આપણી સરકારને મળતા હતા. અમેરિકાએ પણ કેટલીયે વાર દાવા કર્યા કે પાકિસ્તાન પાસે પરમાણુ બૉંબ છે. પરંતુ અમેરિકાના દાવા હંમેશા નબળા હોય છે. એની નીતિઓ પણ સગવડિયા ધર્મ જેવી છે. અમેરિકા એક અવસરવાદી દેશ છે અને જો પોતાનો કોઈ સ્વાર્થ સધાતો હોય તો પળભરમાં જ પોતાની જુબાની, પોતાનાં દાવાને બદલી નાંખે છે. ટૂંકમાં ‘અભિ બોલા, અભી ફોક' જેવી તેમની નીતિ છે. અમેરિકાના એક મંત્રીએ વ્હાઇટ હાઉસમાં બેસીને જેવી જુબાની આપી કે પાકિસ્તાન પાસે પરમાણુ બૉંબ છે, એનાં ત્રણ જ દિવસ પછી અમેરિકાનાં એક બીજાં મંત્રીએ પોતાની વિદેશી યાત્રા દરમિયાન એવી ઘોષણા કરી કે ભારતીય ઉપખંડમાં પરમાણુ શસ્ત્રોની જે હોડ ચાલી રહી છે, તેનાં પર અંકુશ લગાવવાની જરૂર છે. કારણ કે જો આ હોડ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં જ ભારત અને પાકિસ્તાન પરમાણુ બોંબ બનાવવામાં સફળ થઈ જશે. આ રીતે અમેરિકાએ ખૂબ જ સિફતથી પોતાના ત્રણ દિવસ પહેલાંની જુબાની પર પાણી ફેરવી દીધું. પરંતુ પાકિસ્તાન તથા અમેરિકાની આ રમતથી આપણી સરકારની ઊંધ હરામ થઈ ગઈ હતી. કારણ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોંબ છે, એ બાબતમાં આપણી સરકાર પાસે નક્કર માહિતી હતી. પરંતુ આ વાતને પુરવાર કરવા માટે સરકાર પાસે કોઈ પુરાવો નહોતો. આ મામલો સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરીને, પરમાણુ બૉંબ ભારત પાસે નહીં પણ પાકિસ્તાન પાસે છે એમ ડંકાની ચોટ પર કહી શકાય તેમ જ પાકિસ્તાનને કારણે જ ભારતીય ઉપખંડમાં પરમાણુ યુદ્ધનું જોખમ છે, તેમ જણાવી શકાય, એવો કોઈ પુરાવો સરકાર પાસે નહોતો. પરમાણુ બૉંબને કારણે દિવસે દિવસે સ૨કા૨ની ચિંતા વધતી જતી હતી. એટલે સરકારે આપણા દેશન સર્વોચ્ચ જાસૂસી સંસ્થા ‘રૉ’ને કેસ સોંપીને આ બાબતના પુરાવાઓ એકઠાં કરવાનું કહ્યું જેથી દુનિયા સમક્ષ ભાંડો ફોડી શકાય કે પાકિસ્તાને પરમાણુ બોંબ બનાવી નાંખ્યો છે, બસ, અહીંથી જ આ સમગ્ર કેસનો પાયો નંખાયો.’

‘કેવો પાયો...?' દિલીપનાં અવાજમાં ઉત્સુકતા હતી.

‘આ મિશન પાર પાડવા માટે ‘રૉ' એ પોતાના બે જાસૂસોની નિમણુંક કરી..!' નાગપાલે પૂર્વવત્ અવાજે કહ્યું, ‘એક તો હતા ‘રૉ’નાં સિનિયર જાસૂસ વિનાયક બેનરજી અને બીજો હતો - પ્રભાત રાઠોડ... ! આ મિશન મુખ્યત્વે વિનાયક બેનરજીને સોંપવામાં આવ્યું હતું. પ્રભાત રાઠોડની પોઝિશન તો માત્ર એના સહાયક જેવી હતી. વિનાયક બેનરજી એક સફળ જાસૂસ હતા. તેમણે અગાઉ પણ કેટલાય કેસો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. અને તેમની કાર્યદક્ષતા પર ‘રૉ’ને પૂરેપૂરો ભરોસો હતો.' આટલું કહીને નાગપાલે સાંકેતિક ઢબે હાથ ઊંચો કર્યો. વળતી જ પળે પડદા પર દેખાતો પ્રભાત રાઠોડનો ફોટો અદશ્ય થઈ ગયો અને એના સ્થાને આશરે ચાલીસેક વર્ષના એક તંદુરસ્ત માનવીનો ફોટો ચમકવા લાગ્યો. એ માનવીનાં માથાં ૫૨ ગોલ્ફ કેપ હતી. એણે કાળો કોટ પહેર્યો હતો. એનો ચહેરો તામ્રવર્ણો હતો અને આંખોમાં તીવ્ર ચમક પથરાયેલી હતી. ‘આ વિનાયક બેનરજી છે... !' નાગપાલ બોલ્યો, ‘છ મહિના મિશન અંતર્ગત ‘રૉ’ એ એમનું નામ રહેમતખાન રાખ્યું. એમનો નકલી પાસપોર્ટ બનાવવામાં આવ્યો. એમને પાકિસ્તાનનું નાગરિકત્વ અપાવવામાં આવ્યું. એ જ રીતે પ્રભાત રાઠોડનું નામ પણ મુસ્તાકઅલી રાખવામાં આવ્યું. એનો પણ નકલી પાસપોર્ટ બનાવીને પાકિસ્તાનનું નાગરિકત્વ અપાવવામાં આવ્યું. પછી એ બંનેને મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા.'

‘પછી... ?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘વિનાયક બેનરજીને જાસૂસી ઉપરાંત પેઈન્ટિંગ દોરવાનો ખૂબ જ શોખ હતો. તેઓ બહુ સારા ઑઈલ પેઈન્ટિંગ બનાવી જાણતા હતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા પછી તેમણે પોતાની જાતને એક પેઈન્ટર તરીકે ઓળખાવીને ત્યાંના કલા રસિકો સમક્ષ પોતાનાં પેઈન્ટિંગોનું પ્રદર્શન શરૂ કરી દીધું. આની પાછળ તેમનો મુખ્ય હેતુ પાકિસ્તાનના ઉચ્ચ નેતાઓ તથા ફૌજી ઑફિસરો સાથે ઘરોબો કેળવવાનો હતો કારણ કે એ બધાં અવાર નવાર પ્રદર્શનનાં સ્થળે અર્થાત્ આર્ટ ગેલેરીમાં તેમનાં પેઇન્ટિંગો જોવા માટે આવતા હતા. ટૂંક સમયમાં જ વિનાયક પોતાનાં હેતુમાં સફળ થયા. ત્રણ- ચાર મહિનામાં જ તેમણે પાકિસ્તાનનાં કેટલાંક ફૌજી ઑફિસરો સાથે ઘરોબો કેળવી લીધો. હવે એ ઑફિસરો તેમની સાથે છૂટથી, મોકળા મને વાત કરતા થઈ ગયા. તેઓ એમની સાથે પાકિસ્તાનનાં સલામતી મામલા પર પણ ચર્ચા કરતાં અને તેમને નવા નવા હથિયારો વિશે પણ જણાવતા હતા. આ હથિયારો પાકિસ્તાનને ગુપ્ત રીતે ચીન, બ્રિટન, અમેરિકા અથવા તો ઈરાન તરફથી મળતાં હતાં. પરંતુ વિનાયકનું અસલી મિશન તો પરમાણું બૉંબ વિશેનું હતું .. ! પાકિસ્તાને પરમાણુ બોંબ બનાવ્યો છે, એ વાતના પુરાવાઓ એકઠા કરવાનું હતું.'

‘શું મિસ્ટર બેનરજીને પોતાનાં મિશનમાં સફળતા મળી હતી ખરી...?' દિલીપે પૂછ્યું. એની નજર હજુ પણ પડદામાં દેખાતા વિનાયકનાં ચહેરા સામે જ જડાયેલી હતી.

‘હા...’ નાગપાલે હકારમાં માથું હલાવ્યું, ‘વિનાયક બેનરજીને પોતાના મિશનમાં સફળતા મળી હતી. બલ્કે ધારણા કરતાંય તેમણે વધુ સફળતા મેળવી હતી. તેઓ પાકિસ્તાનનાં સુરક્ષા વિભાગમાંથી પરમાણુ બોંબ સંબંધિત ફાઈલ તફડાવવામાં સફળ થયા હતા. પાકિસ્તાનને પરમાણુ બોંબ બનાવવામાં કયા કયા દેશ તરફથી મદદ મળી હતી, એની બધી વિગતો આ ફાઈલમાં હતી. ઉપરાંત જે સ્થળે પરમાણુ બોંબ રાખવામાં આવ્યો હતો, એ સ્થળનો પત્તો પણ તેમણે લગાવી લીધો હતો. પરંતુ પછી અચાનક તેમની સાથે એક મોટી ગરબડ થઈ... !'

‘ધ્રુવી ગરબડ... ?' દિલીપે ધબકતા હૃદયે પૂછ્યું.

‘ઇસ્લામાબાદમાં અચાનક તેમની તબિયત એકદમ લથડી ગઈ. પોતે હવે જીવતા ભારત પાછા નહીં ફરી શકે એવું તેમને લાગ્યું. પરંતુ મરતાં પહેલાં તેઓ પરમાણુ બૉંબ વિશેની તમામ માહિતી ભારત પહોંચાડી દેવા માગતા હતા. એટલે તેમણે તાબડતોબ એક પેઇન્ટિંગ દોરી નાંખ્યું. આ પેઇન્ટિંગમાં તેમણે પાકિસ્તાને કયા સ્થળે પરમાણું બોમ્બ રાખ્યો છે, તે ગુપ્ત રીતે જણાવી દીધું હતું. પછી તેમણે ફાઈલ તથા પેઇન્ટિંગ પોતાનાં સહકારી પ્રભાત રાઠોડને સોંપીને એ બંને વસ્તુઓ સહી સલામત ભારત પહોંચાડી દેવાનું જણાવ્યું.

તેમણે પ્રભાતને બંને વસ્તુઓ સોંપી, એ જ રાત્રે તેઓ મૃત્યુ પામ્યા.’

‘પછી શું થયું... ?’ દિલીપના અવાજમાં પારાવાર ઉત્કંઠા હતી.

‘ત્યાર બાદ પ્રભાતે આપણા દેશ સાથે પોતાનાં વતન સાથે દગો કર્યો... ! આ બંને અગત્યની વસ્તુઓ જોઈને એનાં મોંમાં પાણી આવી ગયું. આ બંને વસ્તુઓ થકી પોતે કરોડો રૂપિયા મેળવી શકે તેમ છે, એ વાત તે સમજી ગયો. એ દુષ્ટ ફાઈલ તથા પેઇન્ટિંગ લઈને ભારત તો આવ્યો પરંતુ આ બંનેનાં બદલામાં તેને કરોડો રૂપિયા જોઈતા હતા. એટલે ભારત આવીને તે સૌથી પહેલાં રૉની ઑફિસે પહોંચ્યો અને રૉનાં અધ્યક્ષને મળ્યો અને તેમને વિનાયકનાં અવસાનથી વાકેફ કર્યા બાદ મિશન નિષ્ફળ ગયું છે એમ જણાવી દીધું.’

‘આનો અર્થ એ થયો કે પ્રભાતે રૉનાં અધ્યક્ષને પરમાણુ બોંબ વિશેની ફાઈલ કે પેઇન્ટિંગ વિશે કશું ય ન જણાવ્યું ખરું ને... ?'

‘ના, બિલકુલ નહીં... ! એ દુષ્ટ તો આ બંને વસ્તુઓ વેચવા માંગતો હતો. એ તો એનાં બદલામાં લાખો રૂપિયા મેળવવાનાં સપનાં જોતો હતો.'

‘તો પછી પ્રભાત દગો કરે છે, એ વાતનો ભાંડો કેવી રીતે

'ફૂટ્યો... ?'

‘બસ, એમ માની લે કે આ બાબતમાં પ્રભાત કમનસીબ જ હતો. ફાઈલ તથા પેઇન્ટિંગ વેંચીને રોકડી કરવાનાં ભ્રમમાં રાચતો એક વાતથી બિલકુલ અજાણ હતો. અને તે એ કે વિનાયક બેનરજીએ મરતાં પહેલાં ઇસ્લામાબાદથી જ રૉનાં અધ્યક્ષને એક પત્ર લખ્યો હતો. પત્રમાં એણે સ્પષ્ટ રીતે લખ્યું હતું કે પોતે જે કામસર પાકિસ્તાન આવ્યા હતા, તે સફળતાપૂર્વક પાર પડી ગયું છે. પોતે ભારત સરકારને તે સોંપવા માટે એક ફાઈલ તથા એક પેઇન્ટિંગ મુસ્તાકઅલીને (પ્રભાત રાઠોડને) આપ્યા છે અને તે ભારત પહોંચીને આ બંને વસ્તુઓ તેમને સોપી દેશે. વિનાયકનો આ પત્ર મળતાં જ તાબડતોબ પ્રભાતને ગિરફતાર કરી લેવાયો અને તેને યાતનાઓ આપીને ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે પૂછવામાં આવ્યું. પરંતુ એણે આ બંને વસ્તુઓ વિશે એક હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો. એ છેવટ સુધી પોતાના નનૈયા પર અડગ રહ્યો. એ જાણે કે પથ્થર બની ગયો હતો. એનાં ઘરની તલાશી લેવામાં આવી. એનાં નજીકનાં સગાં-સંબંધીઓ તથા મિત્રોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પરંતુ ક્યાંયથી ફાઈલ તથા પેઇન્ટિંગનો પત્તો ન લાગ્યો. છેવટે પ્રભાતને કૉર્ટમાં રજૂ કરાયો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફરમાવીને બેલાપુરની જેલમાં મોકલી આપ્યો.' નાગપાલની વાત પૂરી થતાં જ પ્રૉજેક્ટર રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

‘હવે...' સ્હેજ અટકીને નાગપાલે પોતાની વાત આગળ લંબાવી, ‘પરિસ્થિતિ એ છે કે ભારત સરકાર પોતાનાંથી બનતા તમામ પ્રયાસો કર્યા પછી પણ ફાઈલ તથા પેઇન્ટિંગ મેળવવામાં નિષ્ફળ ગઈ છે.

આ મિશનનો સૌથી મોટો ખલનાયક એટલે કે પ્રભાત રાઠોડ બેલાપુરની જેલમાં કેદ છે... ! બેલાપુરની આ જેલ એક એવી જેલ છે કે જેમાંથી આજ સુધી કોઈ કેદી ફરાર નથી થઈ શક્યો... !' આટલું કહીને એણે પુનઃ સાંકેતિક ઢબે હાથ ઊંચો કર્યો.

વળતી જ પળે પડદા પરથી વિનાયક બેનરજીનો ફોટો અદૃશ્ય થઈ ગયો અને તેનાં સ્થાને ગીચ જંગલ વચ્ચે ઘેરાયેલી બેલપુરની જેલ દેખાવા લાગી.

આ બેલાપુરની જેલ છે !' નાગપાલ બોલ્યો, ‘આ જેલ આખા દેશમાં જાણીતી છે. લગભગ સૌ કોઈ જાણે છે કે આ એક એટલી મજબૂત જેલ છે કે જેમાંથી આજ સુધી કોઈ ગુનેગાર સહી સલામત નથી નાસી શક્યો.

હું પણ બેલાપુરની જેલ વિશે જાણતો હોઈશ. પરંતુ તેમ છતાં ય હું તને એનાં વિશેની બધી વિગતો જણાવું છું કારણ કે આપણા મિશનમાં આ જેલની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.’

દિલીપ એકીટશે પડદા પર દેખાતી જેલ સામે તાકી રહ્યો હતો.

બેલાપુરની જેલ વિશે એ પોતે પણ શક્ય તેટલી વધુમાં વધુ માહિતી મેળવવા માંગતો હતો.

‘વિશાળગઢથી ચાલીસેક કિલોમીટર દૂર બેલાપુરનાં જંગલ વચ્ચે બનેલી આ જેલ કેટલાંય એકર જમીનમાં વિસ્તરેલી છે.

'પુત્તર... !' નાગપાલે કહ્યું, ‘આ જેલ અભેદ શા માટે છે અને શા માટે તેમાંથી નાસી છૂટવાનું અશક્ય છે, એ હવે હું તને જણાવું છું. સાંભળ, જેલની પૂર્વ દિશામાં ભયાનક કળણ છે. એક વાર જો કોઈ માણસ તેમાં પડ્યો, તો પછી જીવતો બહાર નથી નીકળી શકતો. તે જેમ જેમ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ વધુ ને વધુ ઊંડો ખૂંચતો જાય છે.

જેલની ઉત્તર દિશામાં એક નદી વહે છે. પરંતુ આ નદી પણ મોતનું બીજું રૂપ છે. કારણ કે તેમાં ખતરનાક મગરમચ્છ તથા અન્ય માનવભક્ષી જળચર વસવાટ કરે છે. એટલે નદીનાં માર્ગેથી નાસી છૂટવાનું પણ અશક્ય છે.' કારણ કે એ સંજોગોમાં આવો પ્રયાસ કરનાર જળચરનો કોળિયો બની જશે. હવે બાકી રહે છે દક્ષિણ તથા પશ્ચિમ દિશા... ! પરંતુ આ દિશામાંથી પણ કોઈ નાસી શકે તેમ નથી.'

‘કેમ ?'

‘એટલા માટે કે ત્યાં ચોવીસેય કલાક આધુનિક શસ્ત્રોથી સજ્જ ગાર્ડસ તથા શિકારી કૂતરાઓ ફરે છે. તેમનાંથી પણ કોઈ સંજોગોમાં બચી શકાય તેમ નથી.'

‘ઓહ...’ દિલીપ પ્રભાવિત થતાં બોલ્યો, ‘અંકલ, તમારી વાત સાંભળતા ખરેખર બેલાપુરની જેલમાંથી નાસી છૂટવાનું અશક્ય લાગે છે.'

‘બરાબર છે... પણ’

‘પણ, શું... ?’નાગપાલને અચાનક અટકી ગયેલો જોઈને ‘પણ આ અશક્ય કામને શક્ય કરવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે પુત્તર... !' નાગપાલે ધડાકો કર્યો.

‘શું... ?’ આ...આ...’ દિલીપ નર્યા અચરજથી બોલી ઊઠ્યો, 'આ તમે શું કહો છો અંકલ... ?' પ્રભાત રાઠોડ બેલાપુરની જેલ તોડીને નાસી છૂટવાનો પ્રયાસ કરે છે, એમ તમે કહેવા માંગો છો... ?'

‘ના....'

‘તો...?’

‘અમુક લોકો તેને જેલમાંથી ફરાર કરાવવાની યોજના બનાવે છે... !'

‘કયા લોકો...?’

‘તેમને વિશે પણ કહું છું.' કહેતાં કહેતાં નાગપાલનો હાથ એક વાર સાંકેતિક ઢબે ઊંચે થયો. ફરીથી પડદાં પર હવે બેલાપુરની જેલનાં સ્થાને અનવર હુસેન તથા રૂખસાનાના ફોટા દેખાવા લાગ્યા. આ બંને પાકિસ્તાની જાસૂસ છે... !' નાગપાલ બોલ્યો,

‘આમાંથી યુવાનનું નામ અનવર હુસેન છે અને યુવતીનું રૂખસાના... !

આ બંને બે દિવસ પહેલાં જ વિશાળગઢ આવ્યા છે અને અત્યારે શેરેટોન હૉટલનાં ત્રણ સો વીસ નંબરના રૂમમાં ઊતર્યા છે.' ‘પણ પ્રભાત રાઠોડવાળા કેસને આ બંને સાથે શું સંબંધ છે... ?' દિલીપે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘સંબંધ છે... !’ નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘બહુ ગાઢ સંબંધ છે. વાસ્તવમાં આ બંને પાકિસ્તાની જાસૂસો કોઈ પણ રીતે પ્રભાતને બેલાપુરની જેલમાંથી નસાડીને તેની પાસે પરમાણુ બૉંબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ કબજે કરવાનાં હેતુથી આવ્યા છે. કારણ કે જ્યાં સુધી પ્રભાતના કબજામાં આ બંને વસ્તુઓ હશે, ત્યાં સુધી પાકિસ્તાન સરકારનાં માથાં પર પણ જોખમની તલવાર લટકતી રહેશે. પ્રભાત કદાચ એ બંને વસ્તુઓ ભારત સરકારને સોંપી દેશે, એવો ભય તેમને સતાવતો હશે. જો પ્રભાત એ બંને વસ્તુઓ આપણી સરકારને સોંપે તો પછી પરમાણુ બૉંબ વિશે પાકિસ્તાનનો ભાંડો ફૂટતાં વાર નહીં લાગે... ! આખી દુનિયામાં પાકિસ્તાન સરકારનું નાક કપાઈ જશે. એટલે પોતાના દેશની સરકારની આબરૂ બચાવવા માટે અનવર હુસેન તથા રૂખસાના ભારત આવ્યા છે. એટલું જ નહીં, તેમણે વિશાળગઢ આવીને અહીંના અંડરવર્લ્ડનાં એક શબ્દ સાથે પ્રભાતને બેલાપુરની જેલમાંથી નસાડવાનો સોદો પણ કરી નાંખ્યો છે.'

‘અંડરવર્લ્ડનો એક ખેરખાં કોણ છે અંકલ…?'

‘એનું નામ ગણપત પાટિલ છે...! આજની તારીખમાં તે વિશાળગઢનો ડ્રગ્સ કિંગ છે. અનવર હુસેને આ કામ માટે ગણપતને પચીસ લાખ ડૉલર આપવાની ઑફર કરી છે.'

એ જ વખતે નાગપાલે હાથ ઊંચો કરતાં પડદાં પરથી અનવર હુસેન તથા રૂખસાનાનાં ફોટાં અદશ્ય થઈ ગયા અને તેનાં સ્થાને ગણપત પાટિલનો ફોટો દેખાવા લાગ્યો.

‘આ ગણપત પાટિલ છે...!'

‘અંકલ... ! અનવર હુસેને ગણપતને પચીસ લાખ ડૉલરની ઓફર કરી છે, એ વાતની તમને કેવી રીતે ખબર પડી...?'

‘ગુડ ક્વેશ્ચન... !' કહેતાં કહેતાં નાગપાલની આંખોમાં દિલીપ માટે પ્રશંસાનાં હાવભાવ ઉપસી આવ્યા, ‘વાત એમ છે કે અનવર હુસેન અને રૂખસાનાએ ભારતમાં પગ મૂક્યો, એ જ વખતે અમને ખબર પડી ગઈ હતી કે તેઓ પાકિસ્તાની જાસૂસ છે. તેમણે પગ મૂક્યો, ત્યારથી જ તેમની પ્રત્યેક હિલચાલ પર નજર રખાય છે. તને જાણીને કદાચ નવાઈ લાગશે કે અત્યારે તેઓ શેરેટોન હૉટલનાં જે રૂમમાં ઊતર્યા છે, ત્યાં તેમને જમવાનું પણ વેઈટરનાં રૂપમાં સી.આઈ.ડી.નાં બે ઍજન્ટો પહોંચાડે છે. અનવર તથા રૂખસાના વચ્ચે થતી વાતો સાંભળી શકાય એટલા માટે રૂમમાં ઠેક ઠેકાણે ખૂબ જ શક્તિશાળી માઇક્રોફોન ફીટ કરી દેવાયા છે. એટલું જ નહીં, તેમનાં ફોન વિગેરે પણ ટેપ કરવામાં આવે છે. આ કારણસર જ અમે અનવર તથા ગણપત વચ્ચે થયેલી વાતચીત સાંભળી શક્યા છીએ.’

'બરાબર છે... પણ એક વાત મને નથી સમજાતી... !'

‘કઈ વાત...?’

‘હવે જ્યારે તમને ખબર પડી જ ગઈ છે કે આ બંને પાકિસ્તાની જાસૂસ છે અને તેઓ પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાની ખતરનાક યોજના બનાવે છે, તો પછી હજુ સુધી તેમની ધરપકડ શા માટે નથી થઈ ?’

દિલીપની વાત સાંભળીને નાગપાલનાં હોઠ પર ચાલાકીભર્યું સ્મિત ફરકી ગયું.

‘પુત્તર... !’ એણે સ્મિત સહ કહ્યું, ‘અહીંથી જ આપણું મિશન શરૂ થાય છે. અહીંથી જ ભારત તરફથી ચાલતું પહેલું પત્તું તારે ફેંકવાનું છે.'

‘એટલે... ?’ દિલીપના અવાજમાં મૂંઝવણનો સૂર હતો, ‘હું કંઈ સમજ્યો નહીં અંકલ... !'

ચાલ હંમેશા ન સમજાય, એવી જ હોવી જોઈએ પુત્તર... ! ચાલ, ઑફિસમાં બેસીને હું તને બધું સમજાવું છું.' બંને પ્રૉજેક્ટર રૂમમાંથી બહાર નીકળીને નાગપાલની ચેમ્બરમાં પહોંચ્યા.

‘પુત્તર... !’નાગપાલ પોતાની રિવૉલ્ડિંગ ચેર પર બેઠાં બાદ, પાઈપ પેટાવીને તેનો કશ ખેંચતા બોલ્યો,‘ગણપતે અનવર પાસે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. પ્રભાત રાઠોડને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાની દિલેરી ધરાવતો હોય, એવાં કોઈક ખતરનાક અપરાધીને શોધવા માટે એણે આ સમય માંગ્યો છે. ત્રણમાંથી એક દિવસ વીતી ગયો છે. હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. બેલાપુરની જેલ તોડી શકે, એવો અપરાધી ગણપતને વિશાળગઢ તો ઠીક, આખા ભારતમાં ક્યાંયથી નહીં મળે. આ પરિસ્થિતિમાં આપણે ગણપતને મદદ કરવાની છે.'

‘એટલે...?’ દિલીપે ચમકીને પૂછ્યું. આ વખતે તારે અપરાધી બનવાનું છે પુત્તર... !' નાગપાલે વધુ એક ધડાકો કર્યો.

'શું..?'

‘હા... અને અપરાધી બનીને તારે પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનો છે... !'

‘આ... આ તમે શું કહો છો અંકલ... ?' દિલીપ નર્યા અચરજથી બોલી ઊઠ્યો. એનાં દિમાગમાં ખળભળાટ મચી ગયો, ‘પણ... પણ આવું કરવાથી આપણને શું લાભ થશે... ?’

આમાં જ આપણને લાભ થશે... ! આ જ તો આપણી મુખ્ય ચાલ છે... !' નાગપાલે પાઈપનો કશ ખેંચતા કહ્યું, ‘પ્રભાતે પરમાણુ બોંબ સંબંધિત ફાઈલ તથા પેઇન્ટિંગ ક્યાંક છૂપાવી દીધાં છે. આટ-આટલી યાતનાઓ સહન કર્યા પછી પણ એણે કશું ય નથી જણાવ્યું અને આપણે ગમે તેમ કરીને આ બંને વસ્તુઓ મેળવવાની છે. જેલમાંથી ફરાર થયા પછી તે અનવર હુસેનને ફાઈલ તથા પેઇન્ટિંગ ક્યાં છે, એ બાબતમાં જણાવી દે એવું બની શકે છે.

જો તે એમ કરશે તો પણ આપણો મકસદ પાર પડી જશે કારણ કે અનવર હુસેન તથા રૂખસાના ચોવીસેય કલાક સી.આઈ.ડી.ની નજરમાં છે. એ બંને સુધી પહોંચનારી કોઈ પણ વાત સી.આઈ.ડી.નાં ઍજન્ટોથી છૂપી નહીં રહે. એટલે પરમાણુ બોંબનાં મિશનની સફળતા માટે કોઈ પણ રીતે પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનું આપણા માટે ખૂબ જ જરૂરી બની ગયું છે.' આઈડિયા તો બહુ જોરદાર છે.. !' દિલીપ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘અંકલ, આ વખતે તમે બહુ અફલાતૂન યોજના વિચારી છે. તમારી આ ચાલમાં પ્રભાત ચોક્કસ જ સપડાઈ જશે એની મને પૂરી ખાતરી છે... !'

તો તું અપરાધી બનવા માટે તૈયાર છો...?'

‘ના પાડવનો તો કોઈ સવાલ જ નથી અંકલ... ! દેશની રક્ષા કાજે તો મારું માથુ પણ હાજર છે... !'

‘ગુડ... તો પછી સૌથી પહેલાં તારે વિશાળગઢમાં તારી દાદાગીરીનો સિક્કો જમાવવાનો છે ! શું અને કેવી રીતે કરવું, એ હું તને સમજાવું છું. સાંભળ...'

ત્યાર બાદ નાગપાલ ધીમે ધીમે તેને પોતાની યોજના સમજાવવા લાગ્યો.