Hitopradeshni Vartao - 33 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 33

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 33

33.

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. પોતે એકલો હતો. એની પાસે ધન સારું એવું હતું. એક દિવસ એને વિચાર આવ્યો કે જીવતા છીએ અને હાથ પગ ચાલે છે તો ચારધામની જાત્રા કરવી જોઈએ પણ પોતે જાત્રાએ જાય તો ઘર અને ધનને સાચવે કોણ? એણે વિચાર કર્યો કે ઘરબાર વેંચીને જે કાંઈ આવે એની સોનામહોરો સાથે લઈ લઉં પછી જાત્રામાં જરૂર પડે એટલી સોનામહોરો સાથે લઈ બાકીની એક પેટીમાં ભરી પેટી કોઈને સાચવવા આપી જાઉં પછી નિરાતે જાત્રા કરવા ઉપડી જાઉં. જાત્રા કરીને આવીશ ત્યારે સોનામહોરો ખર્ચી નવું ઘર અને નવો સામાન વસાવી લઈશ. આમ વિચારી એણે પોતાનું જે કાંઈ હતું તે વેંચી પેટી ભરીને સોનામહોરો ભેગી કરી.

એ જ ગામમાં એક મંદિર હતું. એનો પુજારી દેવી શર્મા આ બ્રાહ્મણનો ખાસ મિત્ર. બ્રાહ્મણને દેવીશર્મા પર પૂરો વિશ્વાસ એટલે એણે સોનામહોરની પેટી એને સાચવવા આપવાનું નક્કી કર્યું. વહેલી સવારે એ મંદિરે પહોંચી ગયો. દેવી શર્માને એકાંતમાં લઈ જઈને પેલી સોનામહોર ની પેટી આપી. હવે દેવીશર્મા ઉપરથી ભગત હતો પણ હકીકતમાં લોભી અને લુચ્ચો હતો. બ્રાહ્મણની પેટી જોઈને એ ખુશખુશ થઈ ગયો પણ ચહેરા પરથી એણે દેખાવા દીધું નહીં અને ગંભીર રહી બોલ્યો, "ભાઈ , તારો વિચાર તો ઉત્તમ છે. અને તારું તમામ ધન મને સાચવવા આપવા નક્કી કર્યું એ પરથી તને મારા પર કેટલો બધો વિશ્વાસ છે એ જણાઈ આવે છે. પણ આટલી મોટી જવાબદારી હું કેવી રીતે ઉપાડી શકું? હું રહ્યો પૂજારી. મારે તો મંદિરમાં રહેવાનું. કદાચ કોઈક આ ભેદ જાણી જાય તો મારી પાસેથી ધન લૂંટી લેતા એને કેટલી વાર લાગે? હજી મંદિરમાં હોય તો ગામ લોકોનો મને આશરો રહે પણ આ તો ગામથી દુર. એકલા રહેવાનું. એટલું મોટું જોખમ કેવી રીતે લઉં? "

"પણ શર્માજી, તમારા ભરોસે મેં આ બધું કર્યું છે. મારી તમામ ઘરવખરી વેંચી નાખી છે અને હવે હું અહીંથી સીધો જાત્રાએ જાઉં છું. બધી તૈયારીઓ મેં કરી લીધી છે માટે મહેરબાની કરી મને નિરાશ કરશો નહીં. તમારા સિવાય આ ગામમાં બીજું કોઈ નથી જેના પર વિશ્વાસ કરી શકું." બ્રાહ્મણે બહુ વિનવણી કરી ત્યારે જાણે ન છૂટકે જવાબદારી સ્વીકારતો હોય એવો અભિનય કરી દેવી શર્માએ કહ્યું "ભાઈ, આમ તો આવી ભારે જવાબદારી સ્વીકારવાની મારી ઈચ્છા નથી પણ આપણી મિત્રતા મને એમ કરતાં રોકે છે. હું આટલું બધું ધન મારી પાસે રાખી શકું નહીં પણ એક રસ્તો બતાવું. "

"શર્માજી, તમે કહેશો એમ કરીશ."

" તો એમ. પણ ભાઈ અત્યારે અહીં કોઈ હાજર નથી અને આરતીના સમયને વાર છે એટલે હમણાં કોઈ આવશે નહીં. પેલા પીપળાના ઝાડ નીચે આ પેટી દાટી દઈએ. હું આખો દિવસ અહીં રહું છું એટલે કોઈ લઈ ન જાય એનું ધ્યાન રાખીશ. અને આમ પણ કોઈ જાણે જ નહીં તો પીપળાના ઝાડ નીચેથી તારી પેટી કોણ ખોદીને લઈ જવાનો હતું?"

બ્રાહ્મણે થોડો વિચાર કરીને કહ્યું "શર્માજી, તમારી વાત બરાબર છે. આપણે કોઈ આવે એ પહેલાં ઝાડ નીચે પેટી દાઢી દઈએ."

પછી બ્રાહ્મણ મંદિરમાં જઈને એક કોદાળી લઈ આવ્યો અને ઝટપટ પીપળાના ઝાડ નીચે એક ખાડો ખોદી નાખ્યો. ખાડો ખોદાઈ ગયો એટલે એ ચારે તરફ દૂર સુધી બરાબર જોઈ આવ્યો કે કોઈ આવતું તો નથી ને? પછી દોડતો પાછો આવ્યો અને દેવી શર્માની મદદથી પેટી ખાડામાં પધરાવી ઝડપથી ખાડો પૂરી નાખ્યો. પછી એણે છુટકારાનો દમ લીધો અને દેવી શર્માને પ્રણામ કરી જાત્રાએ નીકળી પડ્યો. ઘણો સમય પસાર થઈ ગયો. દેવીશર્મા રોજ પીપળાના ઝાડ તરફ જુએ અને વિચારે કે પેલો બ્રાહ્મણ પાછો ન આવે તો સારું. આટલો મોટો ખજાનો ઘેર બેઠા મળી જાય. આમ કરતા લગભગ બાર વર્ષ વિતી ગયાં. દેવી શર્માએ લાગ્યું કે હવે બ્રાહ્મણ નહીં આવે. જાત્રા કરતાં એ સ્વધામ પહોંચી ગયો હશે. એટલે એક દિવસ એ વહેલો ઉઠી ગયો અને આજુબાજુ કોઈ જોતું નથી તેની ખાતરી કરી કોદાળી લઈ પીપળાના ઝાડ નીચે ખાડો ખોદવા માંડ્યો. થોડીવારમાં સોનામહોરની પેટી નીકળી. એણે મંદિરની પાછળ આવેલા ખીજડાના ઝાડ નીચે દાટી દીધી અને આજુબાજુ જોતો મંદિરમાં આવી બેઠો.

હવે સોનામહીરની આખી પેટી એની પોતાની હતી. એ ધનવાન બની ગયો હતો.

પણ બન્યું એવું કે થોડા દિવસમાં બ્રાહ્મણ તો જાત્રા કરીને પાછો આવી પહોંચ્યો. ગામમાં એનું બીજું કોઈ હતું નહીં એટલે સીધો દેવી શર્મા પાસે જ આવ્યો. દૂરથી એને આવતો જોઈ દેવી શર્માને ધ્રાસ્કો પડ્યો પણ એણે મોં પરથી જણાવા દીધું નહીં.

બ્રાહ્મણે દેવી શર્માને પ્રણામ કર્યાં. દેવી શર્માએ તેના ખબર અંતર પૂછ્યા અને ધીમે રહીને બ્રાહ્મણે દેવી શર્માને પોતાની સોનામહોરની પેટી વિશે પૂછ્યું એટલે તરત જ એણે કહ્યું, "ભાઈ, મેં તો પહેલેથી જ કહ્યું હતું. ધન તો હંમેશા દૂર જ સારું. તેં જ્યાં પેટી દાટી હોય ત્યાંથી તું ખોદી લે."

બ્રાહ્મણ તો કોદાળી લઈને ગયો અને પીપળાના ઝાડની નીચે જ્યાં પેટી દાટેલી ક્યાં ખોદવા માંડ્યો. ખોદતાં ખોદતાં એને લાગ્યું કે થોડા સમય પહેલા જ અહીંની માટી ખોદાઈ હોવી જોઈએ કારણ કે માટી પોચી હતી. છતાં એણે ઊંડે સુધી ખોદકામ કર્યું પણ પેટી નીકળી નહીં. બ્રાહ્મણ ગભરાયો. એણે આજુબાજુની જમીન પણ ખોદી નાખી. કદાચ પોતે જગ્યા ભૂલી ગયો હોય. પણ પેટી હોય તો મળે ને? બ્રાહ્મણ સમજી ગયો કે દેવીશર્માએ વિશ્વાસઘાત કર્યો છે. પેટી એણે જ લઈ લીધી હશે. એ તો દેવી શર્મા પાસે ગયો અને પેટી માગવા લાગ્યો દેવીશર્મા પોતાની વાતને વળગી રહ્યો કે એ ધનને અડકયો નથી અને પેટી વિશે કાંઈ જાણતો નથી. થોડીવારમાં લોકો ભેગા થઈ ગયા. પણ લોકોમાં તેની છાપ સારી. ભગવાનનો પૂજારી આવું કામ ન કરે કહી લોકોએ બ્રાહ્મણની વાત પર વિશ્વાસ કર્યો નહીં અને એને ત્યાંથી ભગાડી મૂક્યો.

બ્રાહ્મણ રડતો કકળતો ગામ તરફ જવા લાગ્યો. રસ્તે એને એક વાણિયો મળ્યો. વાણિયો બ્રાહ્મણનો જુનો મિત્ર અષાઢભૂતિ નામે હતો. એના હાલ હવાલ જોઈ એ ચોકી ઊઠ્યો. બ્રાહ્મણે રડતાં રડતાં એને બધી વાત કહી. થોડો વિચાર કરી અષાઢભૂતિ એ કહ્યું "કંઈ વાંધો નહીં. તમે ચિંતા ન કરો. હું તમારું બધું તમને પાછું અપાવીશ. તમે જઈને દેવી શર્માની માફી માગો અને કાંઈ થયું ન હોય એમ એની સાથે વાતે વળગો. ત્યાં હું આવી પહોંચું છું. બ્રાહ્મણ એની વાત પર વિશ્વાસ કરી પાછો ફર્યો. એને પાછો આવતો જોઈ દેવીશર્મા ગુસ્સે થયો. બ્રાહ્મણે એની માફી માગી અને એની સામે બેસતાં બોલ્યો "પંડિતજી , મારી ભૂલ થઈ. ઘણા વર્ષો થઈ ગયાં એટલે હું ભૂલી ગયો હોઈશ. ખેર, જે નસીબમાં હશે એ થશે. અહીં તો મારું કોઈ નથી તમારા સિવાય. મેં તમને ખરું ખોટું સંભળાવ્યું એટલે મને માફ કરો. દેવી શર્માને થયું કે આની શાન ઠેકાણે આવી લાગે છે. ચાલો હવે વાંધો નથી. ભલે અહીં બેસી વાતો કરતો. દેવીશર્મા પણ તેની સાથે વાતે વળગ્યો. એટલામાં પેલો વાણિયો અષાઢભૂતિ એક લોઢાનો ચરુ લઈને આવી પહોંચ્યો. દેવીશર્મા અષાઢભૂતિને ગામના હિસાબે ઓળખતો હતો.અષાઢભૂતિએ ચરૂ દેવી શર્મા પાસે મુક્યો અને પેલા બ્રાહ્મણ સાથે સાધારણ વાતચીત કરી પછી મુદ્દાની વાત પર આવતાં બોલ્યો "પંડિતજી, તમારું કામ પડ્યું છે. તમે તો જાણો છો કે ગામમાં હું એકલો રહું છું. મારાં લગ્નની વાત આવી છે. અમારા ગોર મહારાજ બધું નક્કી કરી આવ્યા છે એટલે હું લગ્ન કરવા પરગામ જાઉં છું. પણ આ હીરા ઝવેરાતને સાથે ક્યાં ફેરવવું? રસ્તામાં લુંટાવાનો ડર અને કોઈ પર વિશ્વાસ મૂકી શકાય નહીં. ઘર બંધ કરીને જાઉં એટલે ઘરમાં પણ રખાય નહીં. કિંમતી ઝવેરાત છે. મારી આખી જિંદગીની કમાણી છે." કહીને વાણીયાએ દેવી શર્માની પાસે આવી ચરૂ ખોલી નાખ્યો. આખો ચરુ હીરા ઝવેરાતથી ભરેલો હતો. દેવી શર્માએ જિંદગીમાં આટલું ધન એક સાથે જોયું ન હતું. એના મોમાં પાણી છૂટયું. "વાહ, ઠીક ઝડપાયો. એ છટકવો જોઈએ નહીં." મનમાં વિચાર્યું એને ડર લાગ્યો કે આ બ્રાહ્મણ અહીં બધી વાત સાંભળે છે. ક્યાંક પોતાની સોનામહોરની પેટીની વાત કાઢશે તો વાણિયો આ ચરુ મને નહીં આપે. ગમે તે યુક્તિ કરીને વાણિયાને સકંજામાં લેવો જોઈએ. આમ વિચારી એ નમ્ર સ્વરે બોલ્યો "ભાઈ વણિક અષાઢભૂતિ, તારી વાત તો સાચી. હું રહ્યો સંન્યાસી. મંદિરમાં રહું. અહીં તારો કિંમતી ખજાનો ક્યાં સાચવી શકું? જો આપણા ખાસ મિત્ર પણ જાત્રાએ જતાં એની સોનામહોરની પેટી મારી પાસે લઈ આવ્યા હતા. એણે પેટી સાચવવા બહુ આગ્રહ કર્યો પણ આટલી મોટી જવાબદારી હું કેવી રીતે સ્વીકારું? મેં એમને કહ્યું કે કોઈ જુએ નહીં એ રીતે આજુબાજુ કોઈ ઝાડ નીચે પેઢી દાટી દો. એ ભાઈ જાતે જ પેટી દાટી આવ્યા. હવે જુઓ, પોતે જ જગ્યા ભૂલી ગયા કે ક્યાં પેઢી દાટી હતી. એમને મારી પર શક છે કે પેટી કદાચ મેં ચોરી લીધી હશે પણ મેં એને કહ્યું કે તું મારા રહેઠાણની તલાશી લઈ લે. મારે ધનનું શું કામ? અને બરાબર યાદ કર કે પેટી કયાં ઝાડ નીચે દાટી હતી. મને તો યાદ છે કે પેટી ખીજડાના ઝાડ નીચે દાટી હતી અને આ ભાઈ પીપળાના ઝાડ નીચે શોધે છે. તો ભાઈ, મારું કહ્યું માન. એકવાર ખીજડાના ઝાડ નીચે પણ ખોદી જો. થોડી મહેનત વધારે પડશે પણ તેથી ત્યાં દાટી હોય તો મહેનત નકામી જવાની નથી. પણ જુઓ, એ મારી વાત માનતા જ નથી."

વાણિયો અષાઢભૂતિ તરત બોલ્યો "અરે શર્માજી, તમારી વાત એકદમ સાચી. એમના કહેવા મુજબ ખીજડાના ઝાડ નીચે પણ ખોદી જુઓ. શો વાંધો છે?" બ્રાહ્મણ તરત જ કોદાળી લઈને દોડ્યો અને ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યો.

આ તરફ દેવી શર્માને સોનામહોરની પડી નહોતી. એના મનમાં વાણિયાનો ચરૂ નાચતો હતો. એ મનોમન વાણીયાને ફસાવવાની યુક્તિ વિચારવા લાગ્યો. ત્યાં બ્રાહ્મણ પોતાની પેટી લઈ આવી પહોંચ્યો. એ જોઈ દેવીશર્મા બોલ્યો "મેં નહોતું કહ્યું? તમે બરાબર જોઈ લો. પેટી અકબંધ છે ને?"

બ્રાહ્મણે પેટીનું તાળું ખોલી જોયું. પેટી અકબંધ હતી.

વાણિયાને દેવી શર્મા પણ પૂરો વિશ્વાસ બેસી ગયો હોય એવો દેખાવ કરતા બોલ્યો "પંડિતજી, ધન્ય છે તમને. તમારા જેવાના પુણ્યપ્રતાપે આપણું ગામ આજે એટલું સુખી છે. હવે તમે મારા પર કૃપા કરો અને આ ચરુ સાચવવાની જવાબદારી સ્વીકારો. તમારા જેટલો વિશ્વાસપાત્ર આખા ગામમાં બીજો કોઈ માણસ નથી." એ આગળ બોલવા જતો હતો ત્યાં જ અગાઉ કરેલી ગોઠણ મુજબ એક માણસ દોડતો આવ્યો અને હાંફતાં હાંફતાં બોલ્યો "અરે મારા ભાઈ, ગજબ થઈ ગયો. " અષાઢભૂતિ કહે

"શું થયું?"

" તારા સાસરેથી એક માણસ આવ્યો છે."

" કેમ શું થયું મારા સાસરે?"

" અરે ભાઈ, તારાં લગ્ન જે કન્યા સાથે નક્કી થયાં હતાં એ તો કુવામાં પડીને મરી ગઈ. કોણ જાણે શું થયું હશે?"

" અરે રે.. ચાલો. જલ્દી ચાલો."

" પેલા ભાઈ તારી રાહ જોઈને બેઠા છે."

" ચાલો તો. શર્માજી, તમે મારી જવાબદારીમાંથી છૂટ્યા અને હું પણ છૂટ્યો. કન્યા મરી ગઈ એટલે લગ્ન કરવા પરગામ જવાનું નહીં થાય. તો તમને ચરુ આપવાનું પણ નહીં થાય. હવે તમને તકલીફ નહીં આપું. મને રજા આપો. પેલા ભાઈ મારી રાહ જોઈને બેઠા છે." કહી અષાઢભૂતિ તો પોતાનો ચરૂ ઊંચકી ચાલતો થયો. "ચાલો, હું પણ તમારી સાથે જ આવું છું." કહેતો બ્રાહ્મણ પણ ઉભો થઈ ચાલવા લાગ્યો. બંને મિત્રો વિદાય થયા. આમ ચતુર વાણીયાએ દેવી શર્માની નબળાઈનો ઉપયોગ કરી બ્રાહ્મણ નું ધન તેને પરત અપાવ્યું.