Hitopradeshni Vartao - 28 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 28

Featured Books
  • Are you comfortable?

    આરંભ દ્રવેદી થેરપી રૂમના સોફા પર કોઈ રોલર કોસ્ટર રાઇડ્માં બે...

  • ખોવાયેલ રાજકુમાર - 38

    "ચતુર." તે કટ્ટર માણસે કાળા બરફ જેવી આંખોથી મારી સામે જોયું,...

  • એકાંત - 87

    રાતના સમયે રાજે પ્રવિણને કોલ પર જણાવ્યું કે, એ નોકરીથી કંટાળ...

  • જીવન પથ ભાગ-45

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બન...

  • શિયાળાને પત્ર

    લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 28

28.

એક ગામમાં એક ધોબી રહેતો હતો. લોકોનાં કપડાં ધોઇને સારું કમાતો હતો. એની મદદમાં એક ગધેડો હતો. અલમસ્ત ગધેડો. ગમે એટલું કામ હોય તો પણ એ ભાર ઉપાડી શકે. ક્યારેય થાકે નહીં. એને ખાવા પણ બહુ જોઈએ. ધોબીને ગધેડા પ્રત્યે ઘણો પ્રેમ. એને રોજ પેટ ભરીને ચારો નાખે પણ ગધેડો એવો હતો કે ગમે એટલું ખાય પણ ભૂખ્યો અને ભૂખ્યો. નવરો પડે એટલે ચારો ચડવા માંડે.

એક દિવસ ધોબીને વિચાર આવ્યો કે આ ગધેડો ચારો બહુ ચરે છે એટલે મોંઘો પડે છે. કાંઈક ઉપાય કરવો પડશે. મારી તો નખાય નહીં કારણ કે મારે તો બીજો ગધેડો મોંઘો પડે.

એણે એક શિકારી પાસેથી વાઘનું આખું ચામડું ખરીદી લીધું. એને ગધેડાના માપનું સીવી નાખ્યું. રોજ રાતે પોતાનું કામ પતે એટલે ગધેડાને વાઘનું ચામડું ઓઢાડી સીમમાં છોડી મૂકે. અંધારામાં કોઈને ખબર પડે નહીં. ગધેડો કોઈના ખેતરમાં પહોંચી જાય. મોજ થી પેટ ભરી લીલો ચારો ચરે. ઘરે આવી ઊંઘી જાય. વહેલી સવારે ધોબી ઊઠે એટલે વાઘનું ચામડું કાઢી લે અને ગધેડો માલ લાદી કામ પર નીકળે.

આ ક્રમ રોજ ચાલવા માંડ્યો. રોજ ગધેડો કોઈના ખેતરમાં જઈ પેટ ભરી ખાઈ આવે. એને તો મજા પડી ગઈ. ધોબીને પણ નિરાંત થઈ પણ ગામના ખેડૂતોમાં ખળભળાટ મચી ગયો. રોજ કોઈનો પાક બગડે. એક બે વાર સીમમાં વાઘ આવ્યો જોઈ રખેવાળો ભાગી ગયા પણ હકીકતમાં એ વાઘ નહીં પણ ગધેડો હતો. પછી તો વાઘની બીકને લીધે કોઈ રખેવાળી કરવા જતું પણ નહીં.

એમ કરતાં એક દિવસ ગધેડાથી જરા વધારે ખવાઈ ગયું. એ તો ખાઈને ઘેર જવાને બદલે ત્યાં જ આડો પડ્યો. ઘેન ચડતું હતું અને ઊંઘ વધારે આવી ગઈ. ઊંઘ ઊડી ત્યારે સવાર પડી ગઈ હતી. ગધેડા તો ઉઠ્યો અને ઝટપટ ગામ તરફ ચાલવા લાગ્યો. સવાર થયું હોવાથી કેટલાક ખેડૂતો ખેતર તરફ આવતા હતા. એમણે દૂરથી વાઘ આવતો જોયો એટલે બધા પાછા ફરી ગામ તરફ જાય ભાગ્યા.

એમાં એક ખેડૂત બીકનો માર્યો નજીકના ઝાડ પર ચડી ગયો. ગધેડો તો પોતાને રસ્તે જતોહતો. એને આ વાતનો ખ્યાલ નહિ. એ પોતાની ધુનમાં ઝટપટ ગામ તરફ જવા લાગ્યો.

ત્યાં પાંચ છ ગધેડાઓ નું ટોળું સામેથી આવતું જોયું. બે ત્રણ ગધેડીઓ પણ ટોળામાં હતી. આ ટોળું વાઘને જોઈને ભાગવા માંડ્યું એટલે એનાથી રહેવાયું નહીં. પોતાને જોઈ ગધેડીઓ પણ નાસી જાય એ સહન થયું નહીં. એણે ગધેડીઓને આકર્ષવા જોરથી સ્વભાવ મુજબ ભુંક્વા માંડ્યું.

ખેડૂત સમજી ગયો કે વાઘ થોડો ગધેડાની ભાષા બોલે ! એણે ધ્યાનથી જોયું તો વાઘની ખાલ ગધેડા જેવી જ હતી. એટલે તેણે નીચે ઉતરી હિંમત કરી. તે  વાઘની વધુ નજીક આવ્યો. ગધેડાનું ધ્યાન તો ગધેડીઓ તરફ હતું અને એ જોર શોરથી ભૂંકતો હતો. નજીક આવીને ખેડૂતે એને હાથમાં ડાંગ લઈ ફટકાર્યો. ધડ ધડ બે ત્રણ ફટકા પડ્યા એટલે ગધેડા ની સાન ઠેકાણે આવી ગઈ. એણે ભાગવા માંડ્યું.

આગળ વાઘનું ચામડું ઓઢેલો ગધેડો ને પાછળ ખેડૂત. દોડતા દોડતા ચામડું પણ એના પગમાં ભેરવાઈ નીકળી ગયું અને ફાટી ગયું. ખેડૂતે એને બરાબર ફટકાર્યો.

આમ જાતિ સ્વભાવે ગધેડાની પોલ ખોલી નાખી.