Nurese Week in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | નર્સ વિક

Featured Books
Categories
Share

નર્સ વિક

નર્સ વીક
પરિશ્રમના(Hard Work ) પ્રતીકોમાંની એક નર્સ છે. નિ:સ્વાર્થ અને દયાળુ એવા તેઓ તેમના વ્યવસાયમાં ઘણો સંઘર્ષ કરે છે, તેઓ ખૂબ જોખમ લે છે, દર્દીઓની સાથે રહે છે અને ક્યારેક અસરગ્રસ્ત પણ થાય છે, પરંતુ તેની તેઓ ચિંતા કરતા નથી. નર્સો એવા વ્યાવસાયિકો છે જેઓ પોતાની જાતની કાળજી રાખતા નથી, અને તેઓ ખરેખર દર્દીઓની ખૂબ કાળજી લે છે, અને તેઓ રોગમાંથી બહાર આવવા માટે વ્યક્તિની પ્રેમપૂર્વક સંભાળ રાખે છે.

દર વર્ષે 6 મેથી રાષ્ટ્રીય નર્સ સપ્તાહની(Week ) શરૂઆત છે. અને 12 મેના રોજ લેમ્પ લેડી તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઈટેન્ગલના જન્મદિને સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય નર્સ વિક ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય વિશ્વને સ્વસ્થ બનાવવા માટે દિવસ-રાત કામ કરતી નર્સોને ઓળખવાનો અને આભાર માનવો છે. આ ખાસ દિવસ સમાજમાં નર્સની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવાનો છે. વર્ષ ૨૦૨૩ ની મુખ્ય થીમ છે : Nurses Make a Difference: Anytime, Anywhere – Always”

નર્સ દિવસનો ઇતિહાસ જોઈએ તો, 1953 માં, યુનાઇટેડ સ્ટેટ્સના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રાષ્ટ્રપતિ આઇઝન હોવરને ઇન્ટરનેશનલ નર્સ દિવસની દરખાસ્ત અંગે પત્ર મોકલ્યો. તેમ છતાં, તે વર્ષે સત્તાવાર ઘોષણા કરવામાં આવી ન હતી. પછીના વર્ષમાં, લોકોએ પોતાની રીતે રાષ્ટ્રીય નર્સ સપ્તાહની ઉજવણી કરવાનું શરૂ કર્યું. તે પછી વર્ષ 1974 માં, પ્રમુખ નિક્સને ઇન્ટરનેશનલ નર્સ સપ્તાહની ઘોષણા કરી. 1981ના વર્ષમાં, ન્યુ મેક્સિકોમાંનર્સો દ્વારા 6ઠ્ઠી મેને રાષ્ટ્રીય નર્સ દિવસ એટલે કે નર્સો માટે રાષ્ટ્રીય માન્યતા દિવસ તરીકે ઉજવવા માટે એક ઠરાવ શરૂ કરવામાં આવ્યો હતો. 1982 ના વર્ષમાં, રાષ્ટ્રીય નર્સ દિવસના પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ રીગન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે પછીથી, 1990 માં, ANA બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા તેને એક અઠવાડિયા લાંબી ઉજવણીમાં વિસ્તૃત કરવામાં આવ્યું.

12 મેના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે.જે ફ્લોરેન્સ નાઇટિંગલના માનમાં ઉજવાય છે. અંદાજે 200 વર્ષ પહેલાં 1820માં ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો અને તેમને મૉડર્ન નર્સિંગના ફાઉન્ડર માનવામાં આવે છે. 1860માં તેઓએ લંડનમાં સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના કરીને નર્સિંગની શરૂઆત કરી હતી. આ સ્કૂલ લંડનની કિંગ્સ કૉલેજનો હિસ્સો હતી અને આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ માનવામાં આવે છે. ફ્લોરેન્સ યુદ્ધમાં ઘાયલ સૈનિકો માટે દેવદૂત સમાન હતાં. ફ્લોરેન્સ નાઇટિંગલ કલાકો સુધી હૉસ્પિટલમાં કામ કરતાં અને લાઇટ ન હોવાથી હાથમાં હંમેશાં લેમ્પ રાખીને દર્દીઓની સેવા કરતાં. આથી તેઓ ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે પણ જાણીતાં થયાં. ફ્લોરેન્સ નાઇટિંગલને બ્રિટન સરકારે તેના સર્વોચ્ચ સન્માનથી ઑર્ડર ઑફ મેરિટથી નવાજ્યાં હતાં. આ સન્માન મેળવનારા તે પ્રથમ મહિલા હતાં.

ફ્લોરેન્સે યુદ્ધ દરમિયાન ઘણી મહિલાઓને નર્સની ટ્રેનિંગ આપી હતી અને ઘણા સૈનિકોની સારવાર પણ કરી હતી.નર્સો વિશ્વભરના અલગઅલગ દેશોમાં બીમારીથી પીડિત દર્દીઓની સારવાર કરતાં હોય છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સેવા કરે છે..ફ્લોરેન્સ નાઇટિંગલના પ્રયાસોન થકી જ બ્રિટને નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી હતી.ફ્લોરેન્સ નાઇટિંગલે ભારતમાં સાફ પાણીના સપ્લાય માટે ઘણી વકીલાત કરી. આ ઉપરાંત તેમણે ભારતમાં દુકાળની સ્થિતિ પર અનેક અહેવાલો બ્રિટિશ સરકારને મોકલ્યા અને દુકાળગ્રસ્તોની મદદ માટે ઝુંબેશ ચલાવી એવું એમની જીવની લખનાક માર્ક બોસ્ટ્રિજ નોંધે છે.ભારતની સ્થિતિ વિશે 1906 સુધી તેઓ અહેવાલો મોકલતા રહ્યાં. એ વખતે તેમની ઉંમર 86 વર્ષની હતી.સેવાની લાંબી મજલ પછી 1910માં 90 વર્ષે એમનું અવસાન થયું હતું.

નર્સો માટે આંતરરાષ્ટ્રીયસ્તરે ફ્લોરન્સ નાઇટિંગલ મેડલ પણ સૌથી વધુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.દુનિયાભરમાં ફ્લોરેન્સના જન્મદિવસે જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે છે.ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ જાન્યુઆરી 1974માં યુએસમાં પાસ થયો હતો. નર્સની સાથેસાથે તેઓ સામાજિક સુધારક હતાં. તેઓએ નર્સોની ભૂમિકા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને લોકો સુધી પહોંચાડી.ઇન્ટરનેશનલ કાઇન્સિંલ ઑફ નર્સ (ICN) 1965થી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઊજવે છે. તેમજ દર વર્ષે એક કિટ આપવામાં આવે છે, જેમાં કેટલાંક પુસ્તકો હોય છે, જે બધા દેશનાં નર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.ભારત સરકારના પરિવાર અને કલ્યાણ મંત્રાલય દ્વારા પણ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર આપવામાં આવે છે.

રાષ્ટ્રીય નર્સ દિવસ પર આટલી બાબતો જરૂર કરીએ અને કરાવીએ :

*એક દિવસ માટે નર્સ બનો: સખત મહેનત કરતી નર્સોની સંપૂર્ણ પ્રશંસા કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એક દિવસ માટે નર્સ બનીને રહેવું. તેથી જાણીતી નર્સનો સંપર્ક કરો અને તેમની સાથે રહેવાનો પ્રયાસ કરો. દર્દીઓની સેવા કરો, તેમની સંભાળ રાખો. નર્સ સાથે રહો અને નર્સ બનો..

*એક પાર્ટી આપો :જો તમે કોઈ નર્સને જાણો છો, તો તેમની મહેનત માટે તેમને પાર્ટી આપો અને તેમની પ્રશંસા કરો. નર્સોની પ્રશંસા કરવાની બીજી સરળ રીત છે, ચોકલેટ્સ લો અને તમે જે નર્સને ઓળખો છો તે નર્સોને આપો અને તેમને શુભેચ્છા આપો.

*સોશિયલ મીડિયા પર હેશટેગ ટ્રેન્ડ કરો :તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર, નર્સો અને તેમની મહેનત વિશે પોસ્ટ કરો અને #nationalnursesday હેશટેગનો ઉપયોગ કરો. આનાથી અન્ય લોકો માટે જાગૃતિ આવશે, અને તેઓ નર્સના મહત્વ વિશે અને વિશ્વની સેવા કરવા અને બચાવવા માટે તેઓ કેટલા પ્રયત્નો કરી રહ્યા છે તે વિશે જાણી શકશે.

આ નર્સ વીકની ઉજવણી સાર્થક કરવા, ઓછામાં ઓછી એક નર્સની પ્રશંસા કરો અને તેમને જણાવો કે તેઓ વિશ્વ અને સમાજ માટે કેટલા અર્થ ધરાવે છે.વિશ્વનાતમામ નર્સ ભાઈ બહેનોને હૃદયપૂર્વકના વંદન.