Veer Sapoot Swami Shradhhanandji in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વીર સપૂત સ્વામી શ્રદ્ધાનંદજી

Featured Books
Categories
Share

વીર સપૂત સ્વામી શ્રદ્ધાનંદજી


ધર્મ દ્વારા રાષ્ટ્રભાવના કેળવનાર સ્વામી શ્રદ્ધ્રાનંદનો જન્મ 30 માર્ચ 1856 ના રોજ 1 તલવન, જાલંધર, પંજાબમાં એક પ્રતિષ્ઠિત ખત્રા કુંટુંબમાં થયો હતો. તેમનું નામ મુનશીરામ હતું. વકીલાતની પરીક્ષા પાસ કરીને તેમણે નાયબ તહસીલદાર તરીકે આજીવિકા શરૂ કરી પણ ત્યાં સ્વમાન ન જળવાતાં તે છોડી દઇ,વકીલાત શરૂ કરી. પણ સ્વામી દયાનંદ સરસ્વતીના અનુરોધથી વકીલાત પણ છોડી દઇ, હરદ્વારમાં ગુરુકુળની સ્થાપના કરી. ત્યારબાદ સંન્યસ્ત ધારણ કર્યું અને શ્રદ્ધાનંદ નામ રાખ્યું. સ્વામી શ્રદ્ધાનંદે પોતાના ગુરુ મહર્ષિ દયાનંદના પગલે ચાલવાનું સાર્થક ગણ્યું. દયાનંદની પેઠે તેમણે ધર્મ અને સત્યની રક્ષા ખાતર પ્રાણ રેડયા. દરમિયાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. ગાંધીજીની ધરપકડ થઇ ત્યારે તેમણે સરઘસની આગેવાની લીધી અને પોતાના પર ગોળી ચલાવવા પોલીસને પડકાર ફેંકયો હતો. મુસ્લિમો તેમને પોતાના મોટાભાઇ માનતા હતા. અસ્પૃશ્યતા નિવારણ માટે તેમણે સારી એવી જહેમત ઉઠાવી હતી. તેમણે સ્ત્રીઓ માટે પડદાનો રિવાજ હતો તે કાઢી નાખ્યો. બાળલગ્નનો વિરોધ કર્યો ને પોતાના સંતાનોને મોટી ઉંમરે અને નાતજાતના બંધન તોડીને પરણાવ્યાં હતાં.

સ્વામીજી સ્વાતંત્ર્યસૈનિક,આર્યસમાજી,હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી, ગુરુકુલ કાંગડીના સ્થાપક હતા. તેમના પિતા નાનકચંદ ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં હતા. શરૂઆતમાં સ્વામીજીનું નામ બૃહસ્પતિ રાખવામાં આવ્યું હતું; પરંતુ પછીથી તેમના પિતા તેમને મુંશીરામ નામથી બોલાવતા હતા. તેમના શિક્ષણની શરૂઆત વારાણસીથી થઈ અને લાહોરમાં વકીલાતની પરીક્ષા પાસ કરીને શિક્ષણ સમાપ્ત થયું.તેમનાં લગ્ન શિવાદેવી સાથે થયાં. તેમની (મુંશીરામની) 35 વર્ષની ઉંમરે પત્નીનું અવસાન થયું. મુંશીરામે નાયબ તહસીલદાર તરીકે કારકિર્દી શરૂ કરી; પરંતુ આ કાર્ય તેમને આત્મ-સમ્માનને અનુરૂપ ન લાગવાથી, છોડી દીધું. તે પછી તેમણે ફિલૌર અને જાલંધરમાં વકીલાત શરૂ કરી; પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સેવા માટે આહવાન કર્યું, ત્યારે સારી આવકનો વકીલાતનો વ્યવસાય છોડી દીધો.

તેમણે કાંગડી(હરદ્વાર)માં વૈદિક ઋષિઓના આદર્શોને અનુરૂપ એક અજોડ વિદ્યાકેન્દ્ર ગુરુકુલની સ્થાપના કરી. તેમની ભાવના પ્રાચીન વૈદિક આદર્શો તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતા નાગરિકોનું નિર્માણ કરવાની હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે સૌપ્રથમ આ સંસ્થાથી આકર્ષાયા હતા અને ભારત પાછા ફર્યા બાદ આ સંસ્થામાં જઈને રહ્યા હતા.

તેમણે 1917માં સંન્યસ્ત ગ્રહણ કરીને શ્રદ્ધાનંદ નામ રાખ્યું. તે પછી તેમણે ગુરુકુલને બદલે દિલ્હીમાં પોતાનું કાયમી નિવાસસ્થાન રાખ્યું. દિલ્હીમાં તેમણે સામાજિક, નૈતિક તથા સાંસ્કૃતિક સુધારા તથા મુખ્યત્વે અસ્પૃશ્યોના ઉત્કર્ષ વાસ્તે સંસ્થાઓ સ્થાપી. તેમણે ઉર્દૂ ભાષામાં તેજઅને હિંદીમાં અર્જુનએવાં બે દૈનિક વર્તમાનપત્રો શરૂ કર્યાં.

મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ 1919માં શરૂ કરેલ સ્વાતંત્ર્ય આંદોલનમાં તેમણે ઝંપલાવ્યું. લોકોને પ્રોત્સાહિત કરવામાં તથા રૉલેટ કાયદા વિરુદ્ધ હડતાળ પડાવવામાં તેમણે મુખ્ય ભાગ લીધો. ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે, તેનો વિરોધ કરવા દિલ્હીમાં તેમણે સરઘસનું નેતૃત્વ લીધું. એક સૈનિકે લોકો પર ગોળીબાર કરવાની ધમકી આપી, ત્યારે સ્વામીએ પોતાની છાતી ખોલીને તેને ગોળી ચલાવવા પડકાર્યો ! સ્વામીજી ઘણા સાહસિક હતા. ધાર્મિક તંગદિલી દરમિયાન, આ શૂરવીર સંન્યાસીએ જાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના, દિલ્હીના લોકોની સેવા કરી. મુસલમાનો તેમને પોતાના મોટાભાઈ માનતા હતા. ભારતની સૌથી મોટી અને પ્રસિદ્ધ દિલ્હીની જામા મસ્જિદના વ્યાખ્યાન-મંચ પરથી મુસલમાનોની સભામાં ભાષણ આપવાનું અદ્વિતીય સન્માન તેમને આપવામાં આવ્યું હતું !

પંજાબ જ્યારે માર્શલ લૉ દ્વારા બ્રિટિશ સરકારે કરેલા અત્યાચારોની પીડા ભોગવી રહ્યું હતું, ત્યારે સ્વામીજી અમૃતસર મુકામે કૉંગ્રેસ અધિવેશન ભરવાની તૈયારીમાં લાગી ગયા. આ ઐતિહાસિક અધિવેશનમાં તેમણે અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો કાર્યક્રમ રજૂ કર્યો, જે સ્વીકારવામાં આવ્યો.

આર્યસમાજના આંદોલનમાં સ્વામીજી કાયમ અગ્રણી રહ્યા અને તેને સફળતા અપાવી. તેમણે પોતાના નિ:સ્વાર્થ કાર્ય અને આદર્શ વ્યાવહારિક જીવનથી લોકપ્રિયતા વધારી. તેમનું જીવન લોકો માટે પ્રેરણા-સ્રોત બન્યું. શરૂઆતથી જ તેમને હિંદુ-મુસ્લિમ એકતામાં દૃઢ વિશ્વાસ હતો. તેઓ ગાંધીજીના નિકટના સહયોગી હતા.

ઇ.સ.1926 તેઓ બીમાર અને પથારીવશ હતા ત્યારે 23 ડિસે.એ દિલ્હીમાં એક માર્ગ ભૂલેલા જેહાદીએ તેમની હત્યા કરી. પૂજ્ય ગાંધીજીએ અંજલિ આપતાં કહ્યું : તેઓ વીરની પેઠે જીવ્યા અને વીરની પેઠે મૃત્યુને વર્યા.

તેમનું જીવન ત્યાગ અને તપસ્યાનું પ્રતીક હતું. તેઓ ભારતના મહાન સપૂત અને નિર્ભીક દેશભક્ત સ્વામી શ્રદ્ધાનંદજીને શ્રદ્ધાપૂર્વક વંદન.