Santaap - 10 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | સંતાપ - 10

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

સંતાપ - 10

૧૦ પ્રાઈવેટ ડીટેકટીવ.....! –

 નાગપાલ નર્યા-નીતર્યા અચરજથી જગમોહન બક્ષીના ચહેરા સામે તાકી રહ્યો હતો.

 ‘તો જયરાજે રિવોલ્વરના જોરે તમારી પાસેથી કવર આંચકી લીધું ..! પણ એણે આવું કરવાની શું જરૂર હતી ..?’ એણે આશ્ચર્યથી પૂછ્યું. અત્યારે તે જગમોહન બક્ષીના બંગલે આવ્યો હતો.

 ‘નાગપાલ સાહેબ , તે કોણ હતો એની તો મને પણ ખબર નથી. એના ચહેરા પર ગીચ દાઢી-મૂંછ હતા. આ દાઢી-મૂંછ નકલી પણ હોઈ શકે છે ! મેં તેની માત્ર એક ઝલક જ જોઈ હતી. બાકી જે કંઈ બન્યું, એની વિગતો તો મેં આપને જણાવી જ દીધી છે .’ જગમોહન બક્ષીએ પોતાના માથા પર હાથ ફેરવતા કહ્યું.

 એ જે સ્થળે હાથ ફેરવતો હતો ત્યાં સોપારી જેવડું ઢીમચૂં ઉપસી આવ્યું હતું.

 ‘જો તે જયરાજ જ હોય તો ચિંતા કરવા જેવું નથી. બાકી જો એ જયરાજ ન હોય તો પછી ચોક્કસ જ તે સુમન તથા અજીતનો ખૂની હોવો જોઈએ ....!’

 ‘હું લાચાર હતો નાગપાલ સાહેબ .! જો મેં એને કવર ન આપ્યું હોત તો તે ચોક્કસ જ મને ગોળી ઝીંકી દેત ....!’

 ‘બરાબર છે ...અને જીવ ગુમાવ્યા પછી પણ એ કવર તમારા કબજામાં ન રહેત ખરું ને ?’

 ‘એ તો સ્પષ્ટ જ છે !’

 ‘તમે આટલા મોટા વકીલ છો. તમે ઘરમાં કોઈ ગાર્ડ પણ નથી રાખ્યો ...?’

 ‘હવે રાખવો પડશે. વાત એમ છે કે મારી પત્નીને આડંબર નથી ગમતો. ઉપરાંત ઘરેણા લોકરમાં રહે છે અને રોકડ રકમ બેંકમાં ...!’

 ‘છતાંય ગાર્ડ તો રાખવો જ જોઈએ . તમારો વ્યવસાય એવો છે કે એમાં તમારા દુશ્મનો ઘણા હોઈ શકે છે.!’

 ‘આપની વાત સાચી છે ....!’

 ‘હું તમારી કારમાં નજર કરવા માંગુ છું. કદાચ કારમાંથી એના આંગળાની છાપ મળી જાય, તે બનવાજોગ છે !’

 ‘જરૂર..ચાલો..!’ જગમોહન બક્ષી ઊભો થતાં બોલ્યો.

 બંને ગેરેજમાં પહોંચ્યા. બનાવ બન્યા પછી ગેરેજને તાળું મારી દેવામાં આવ્યું હતું.

 નાગપાલે ગજવામાંથી મેગ્નીફાય ગ્લાસ કાઢીને જે જે જગ્યાએથી આંગળાની છાપ મળવાની શક્યતા હતી તે બધી જગ્યા ચેક કરી.

 પરંતુ હુમલાખોર ખૂબ જ ચાલાક અને હોશિયાર હતો.

 એણે ત્યાં કોઈ પુરાવો નહોતો રાખ્યો.

 પછી અચાનક નાગપાલની નજર કારની ફર્શ પર પડેલી એક વસ્તુ પર પડી.

 એણે રૂમાલની મદદથી એ વસ્તુ ઊંચકીને પોતાના ગજવામાં મૂકી દીધી.

 એ વસ્તુ કવરના સીલનો ઉખડેલો એક ટુકડો હતો.એ ટુકડા પર અંગ્રેજી મૂળાક્ષરના “J” ને કાપતો હોય એ રીતે “C”નો મોનોગ્રામ હતો.

 ‘હુમલાખોર ખૂબ જ ચાલાક હતો મિસ્ટર બક્ષી ...! એણે કોઈ પુરાવો નથી છોડ્યો....!’ નાગપાલના અવાજમાં નિરાશાનો સૂર હતો, ‘ફાટકથી ગેરેજ સુધી સિમેન્ટની લાદી છે નહીં તો તેનાં પગલાની છાપ મળી શકત. જતી વખતે એણે વિદેશી સેન્ટની સુગંધ અહીં ફેલાવી દીધી છે એટલે પોલીસ ડોગને બોલાવવાથી પણ કંઈ લાભ નહીં થાય ...!’

 ‘કવર આપ્યા પછી પણ તે આવું પગલું ભરશે એવું મેં નહોતું ધાર્યું.’ જગમોહન બક્ષી માથા પર ઊપસી આવેલા ઢીમચાને પંપાળતા બોલ્યો, ‘એ કવર મારા હાથમાંથી નીકળી ગયું એનું મને ખૂબ જ દુઃખ છે !’

 નાગપાલ એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

 કવર કેટલું કીમતી હતું, એ તો તે જાણતો જ હતો.

*******

 વિશાળગઢના એક S.T.D. P.C.O.ની કેબીનમાં ઉભેલા જયરાજની આંગળીઓ ટેલીફોનના બટન પર ફરતી હતી. 

 ‘હલ્લો....સુંદર પાવાગઢી સ્પીકિંગ...!’ થોડી પળો સુધી ઘંટડી રણક્યા બાદ સામે છેડેથી પાવાગઢીનો પરિચિત સ્વર એના કાને અથડાયો.

 ‘મિસ્ટર પાવાગઢી, હું હરદ્વારનો આકાશ બોલું છું, મને ઓળખ્યો ?’

 ‘ચ...ચૌહાણ ?’

 ‘હા...પરંતુ ફોન પર તમે મને “આકાશ” કહીને બોલાવજો !’

 ‘મિસ્ટર આકાશ....!’ સામેથી પાવાગઢીનો ગળગળો અવાજ તેને સંભળાયો, ‘તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલી શકું !’ 

 ‘કયો ઉપકાર ?’

 ‘મારો ચિરાગ મને પાછો મળી ગયો છે. આ કામ તમારા જેવા દેવતા જ પાર પાડી શકે તેમ છે, એ હું જાણતો હતો.’

 ‘મિસ્ટર પાવાગઢી...!’ જયરાજ ભાવહીન અવાજે બોલ્યો, ‘હું દેવતા નથી ! દેવતાઓની આ દુનિયામાં કોઈ કમી નથી ! કમી છે માત્ર નૈતિકતાનું મૂલ્ય સમજી શકે એવા માણસોની ! હું એક માણસ છું અને સાચા અર્થમાં માણસ બનીને જ રહેવા માંગું છું. દેવતા બનવામાં મને કંઈ રસ નથી. મેં તમારું જે કામ કર્યું છે, તેના બદલામાં મને તમારો થોડો સહકાર જોઈએ છે ! હું વિશાળગઢ આવી ગયો છું !’

 ‘હું તમને મળવા માંગું છું મિસ્ટર આકાશ...!’ 

 ‘ના....અત્યારે નહીં, પછી ક્યારેક આપણે જરૂર મળીશું !’

 ‘બોલો, હું તમારે માટે શું કરી શકું તેમ છું ?’ 

 ‘હાલતુરત તો મારા અમુક સવાલોને બરાબર ધ્યાનથી સાંભળી, સમજી-વિચારીને તેના જવાબ આપો.’

 ‘પૂછો.’

 ‘તમે “સાગર પરી” નામની બોટમાં કેટલા વાગ્યાથી લેટલા વાગ્યા સુધી રોકાયા હતા ?’

 ‘હું ત્યાં માત્ર અડધો કલાક જ રોકાયો હતો ! મારે માલનું પેમેન્ટ ચૂકવવાનું હતું.’

 ‘કોને ?’

 ‘શું આ વાતનો જવાબ આપવો જરૂરી છે ?’

 ‘માત્ર હા કે નામાં જવાબ આપશો તો પણ ચાલશે...! શું તમારે એ પેમેન્ટ મધુકર શિંદેને ચૂકવવાનું હતું ?’

 ‘અરે...તમને કેવી રીતે ખબર પડી ?’

 ‘હું ભરતપુર જઈને આવ્યો છું. શું આટલી વાત પૂરતી નથી ?’

 ‘છતાં પણ..’

 ‘તમારો દીકરો ક્યા ચમત્કારથી તમારી પાસે પહોંચી ગયો એ બાબતનો વિચાર કરજો એટલે તમને બધું સમજાઈ જશે !’

 ‘ઓહ...બીજું કંઈ પૂછવું છે તમારે ?’

 ‘હા...’

 ‘શું ?’

 ‘તમે બોટમાં કોઈ અજુગતી કે અસામાન્ય વાત જોઈ હતી ?’

 ‘ના.....કશુંય અજુગતું કે અસાધારણ નહોતું !’

 ‘ખેર, લૂંટનું સોનું તમારા ગોડાઉનમાંથી જ વેચાયું છે, એ વાતની અજીત મરચંટ મૃત્યુ પામ્યો ત્યાં સુધી તમને ખબર પડી હતી ?’

 ‘ના..’

 ‘વારુ, તમે મોહનલાલ પટેલનો મૃતદેહ....’

 ‘હા....આ કામ મેં એ દિવસે જ પતાવી દીધું હતું ! પોસ્ટમોર્ટમ પછી સાંજે મને મૃતદેહનો કબજો મળી ગયો હતો. કેટલા આશ્ચર્યની વાત છે કે એનો દીકરો પણ ચિરાગની સ્કૂલમાં જ ભણતો હતો !’

 ‘એમ ...?’

 ‘હા....બંને એક જ સ્કુલમાં અભ્યાસ કરે છે. હવે તમે કદાચ એમ કહેશો કે મારી જીંદગીમાં જોગાનુજોગ ખૂબ બંને છે ....!’

 ‘નાં...આ જોગાનુજોગ તમારી જીંદગી નહીં પણ પપ્પુ અને ચિરાગની જિંદગીનો છે .!’

 ‘રાઈટ ..પરંતુ એ છે તો જોગાનુજોગ જ ને ...?’

 ‘મૃતદેહ પહોંચાડ્યા પછી તમે અનિતાને આશ્વાસન આપ્યું હતું ?’

 ‘હા...એટલું જ નહીં, મેં તેણે તમારા વિશે પણ જણાવ્યું હતું. એ છોકરી ખરેખર ખૂબ જ ડાહી અને સમજદાર છે ! એણે પૂરી ગંભીરતાથી પોતાની મમ્મીને સાંભળી લીધી હતી.!’

 ‘ખેર, શું તમે વિશાળગઢમાંથી પણ સોનું ખરીદતા હતા ...?’

 ‘હા.ક્યારેક ક્યારેક ખરીદતો હતો...!’

 ‘છેલ્લાં બે વર્ષ દરમિયાન પણ ખરીદ્યું જ હશે ...?’ 

 ‘હા..કેમ પૂછો છો ..?’

 ‘અમસ્તો જ ..! કોઈ ખાસ વાત નથી ...!’ જયરાજે તેને ટાળતાં કહ્યું, ‘હું રાત્રે જ વિશાળગઢ આવ્યો છું અને સૌથી પહેલાં તમને જ ફોન કર્યો છે .!’

 ‘મારે લાયક ગમે તે કામ હોય તો જરા પણ સંકોચ રાખ્યા વગર જણાવી દેજો !’

 ‘હા તમને નહીં કહું તો કોને કહીશ .?’ જયરાજ ગંભીર અવાજે બોલ્યો, ‘ઓ.કે. ...જરૂર પડશે તો ફોન કરીશ ...!’ કહીને એણે રીસીવર મૂકી દીધું.

 ત્યાર બાદ બીલ ચૂકવીને તે બહાર નીકળ્યો.

 અડધા કલાક પછી તે ગાંધી સોસાયટી ખાતે પ્રાઈવેટ ડીટેકટીવ ચૌધરીના દરવાજાની ડોરબેલ દબાવતો હતો. દરવાજા પર જગત ચૌધરીના નામની નેઈમ પ્લેટ ચમકતી હતી.

 થોડી પળો બાદ દરવાજો ઉઘાડીને એક સુંદર યુવતીએ બહાર ડોકિયું કર્યું.

 એનું બાકીનું શરીર દરવાજાની ઓટમાં હતું.

 ‘હું મિસ્ટર ચૌધરીને મળવા માંગુ છું !’ જયરાજે કહ્યું.

 ‘તેઓ ઘરમાં નથી ...! તમે બે કલાક પછી આવજો ..!’ કહીને યુવતીએ દરવાજો બંધ કરવાનો ઉપક્રમ કર્યો.

 તે બોલી ત્યારે એના મોંમાંથી શરાબની ગંધ જયરાજે સ્પષ્ટ રીતે અનુભવી હતી.

 ‘તું જગનની પત્ની છો ..?’ એણે દરવાજા વચ્ચે પોતાનો ગોઠણ ભરાવતાં પૂછ્યું.

 ‘હા...’ યુવતી રુક્ષ અવાજે બોલી.

 ‘શું જગન એટલો સ્વતંત્ર મિજાજનો છે પોતાની પત્નીને પણ શરાબ પીવાની છૂટ આપે છે ?’

 ‘આવું પૂછનારા તમે કોણ છો...?’ યુવતીએ પોતાની હેબત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા પૂછ્યું.

 ‘હું એનો દોસ્ત છું ...! જગતને મોકલ નહીં તો પછી મારે બળજબરીથી અંદર દાખલ થવું પડશે !’ જયરાજ કઠોર અવાજે બોલ્યો.

 ‘મેં કહ્યું તો ખરું કે તે ....’

 ‘એક ને એક વાતનો કક્કો ન ઘૂંટ ...!’

 ‘આ તો ગુંડાગીરી છે ...!’

 ‘એમ માનવું હોય તો પણ ભલે ...’ કહીને જયરાજે ધક્કો મારીને દરવાજો ઉઘાડી નાખ્યો.

 દરવાજા પાછળ ઊભેલી યુવતીના દેહ પર નામ માત્રનાં જ વસ્રો હતાં .

 ‘જગન..!’ એણે જોરથી બૂમ પાડી.

 જયરાજે એની સામે જોઈને અર્થસૂચક સ્મિત ફરકાવ્યું.

 એ જ વખતે અંદરની રૂમમાંથી એક લાંબો-તગડો માણસ બહાર નીકળ્યો. એણે ઝભ્ભો તથા લેંઘો પહેર્યા હતાં .

 ‘શું થયું ...? તેં બૂમ શા માટે પાડી ?’ સવાલ પૂછ્યા પછી અચાનક તેની નજર જયરાજ પર પડી. યુવતીની બુમનું કારણ તે સમજી ગયો.

 ‘આ માણસ બળજબરીથી અંદર ઘૂસી આવ્યો છે !’ યુવતીએ કહ્યું.

 ‘કેમ ભાઈ ..? હાડકાં ભંગાવીને જવું છે કે શું ..?’ ચૌધરીએ ઝભ્ભાની બાંયો ચડાવતાં ખતરનાક અવાજે પૂછ્યું.

 ‘રંગમાં ભંગ પાડવા બદલ હું દિલગીર છું ચૌધરી ...!’ જયરાજ શાંત અવાજે બોલ્યો, ‘અલબત્ત, તારે ઝગડવું જ હોય તો મને કંઈ વાંધો પણ નથી ! પરંતુ એ પહેલાં તારી આ કહેવાતી પત્નીને વસ્ત્રો પહેરવાનું જણાવી દે !’

 ‘તું અંદર જા માયા ...!’ જગન ચૌધરીએ યુવતી સામે જોતાં કહ્યું.

 માયા નામની એ યુવતી તરત જ અંદરના ભાગમાં ચાલી ગઈ.

 ‘મને સુંદરલાલ પાવાગઢીએ મોકલ્યો છે ...!’ જયરાજ પૂર્વવત અવાજે બોલ્યો.

 પાવાગઢીનું નામ સંભાળીને જયરાજને મારવા માટે ઉગામેલો જગતનો મુક્કો અધ્ધર હવામાં જ રહી ગયો. એણે તરત જ પોતાનો હાથ નીચો કરતાં પૂછ્યું, ‘પાવાગઢીએ ...? કેમ ..? શા માટે ..?’

 ‘જગન ચૌધરી મૈત્રીભર્યા વાતાવરણમાં વાત કરશે એમ એણે કહ્યું હતું. કામ જરૂરી છે નહીં તો હું ક-ટાઈમે તને હેરાન ન કરત ...!’

 ‘ઓ.કે..બેસો ...! ‘ એણે ત્યાં પડેલા સોફા તરફ સંકેત કર્યો .

 જયરાજ આગળ વધીને એક સોફા પર બેસી ગયો.

 ચૌધરી પણ તેની સામે બેઠો.

 ‘વ્હીસ્કી પીશો ...?’ એણે પૂછ્યું.

 ‘માત્ર એક પેગ ...!’

 ‘માયા ....!’ ચૌધરીએ ઊંચા સાદે કહ્યું, ‘બે પેગ વ્હિસ્કી લઇ આવજે ....!’

 ‘જગન...!’ જયરાજ ધીમેથી બોલ્યો, ‘તારા આનંદમાં ખલેલ પહોંચાડવા માટે હું ફરીથી માફી માંગું છું. હું તો તને ઓફિસમાં જ મળવા માંગતો હતો.પરંતુ મેં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે ઓફીસ તો છેલ્લા પંદરેક દિવસથી બંધ છે ! મારું નામ રાજકુમાર છે અને હું ભરતપુરથી આવ્યો છું. પરવેઝ સાહેબ સાથે પણ મારે સારો સંબંધ છે ....! એ પરવેઝ સાહેબ, કે જેમનું બે કરોડનું સોનું લૂંટી લેવામાં આવ્યું હતું. આ મામલામાં મિસ્ટર પાવાગઢી નિર્દોષ હોય એવું લાગે છે !’

 ‘તમે પરવેઝ સિકંદરના માણસ છો ...?’ અચાનક ચૌધરી એકદમ સાવચેત થઈ ગયો, ‘એમણે જ તમને મોકલ્યા છે ...?’

 ‘હા ...’

 ‘આ વાતનો કોઈ પુરાવો છે તમારી પાસે ...?’

 ‘પુરાવો ...? શું મિસ્ટર પાવાગઢીની વાત જ પુરાવો નથી ...?’ જયરાજે એની આંખોમાં પોતાની આંખો પરોવીને સ્મિત ફરકાવતાં પૂછ્યું.

 ‘બરાબર છે ....પરંતુ મેં પાવાગઢી સાહેબના મોંએથી આ વાત નથી સાંભળી !’

 ‘ઘરમાં ફોન હોય તો સાંભળી લે ....!’

 ‘હું તમારી માટે શું કરી શકું એમ છું ?’

 ‘જો ભાઈ ચૌધરી...!’ જયરાજ કોમળ અવાજે બોલ્યો, ‘જે માણસે લૂંટની યોજના બનાવી હતી એણે જ અજીતનું ખૂન કર્યું કે કરાવ્યું હતું, એ તો નક્કી જ છે. કારણ કે અજીતે એ માણસને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો.’

 ‘બરાબર છે, પરંતુ મને તો અજીતની હિલચાલ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એના મોતની સાથે જ આ કામ પૂરું થઈ ગયું હતું !’

 ‘કામ તો પૂરું થઈ ગયું...પરંતુ આ કામ સાથે સંકળાયેલા સવાલો હજુ જીવતા જ છે ! જેમ કે એના ખૂની કે ખૂનીઓ કોણ છે ? તે કોને બ્લેકમેઈલ કરતો હતો ? શું આ બધું જાણવું જરૂરી નથી ?’

 ‘ચોક્કસ જરૂરી છે, પણ મારે માટે જરૂરી નથી.’

 ‘ચાલ, એમ રાખ...! હવે એક વાતનો જવાબ આપ કે ખૂનીઓ વિશે તું શું જાણે છે ?’

 જયરાજના આ સવાલનો શું જવાબ આપવો તેનો વિચાર કરતો હોય એવા હાવભાવ ચૌધરીના ચહેરા પર ફરી વળ્યા.

 ‘હું કશુંય જાણતો નથી !’

 ‘અજીત અને સુમન જયારે ભૂપગઢના ફાર્મહાઉસમાં ગયાં હતાં, ત્યારે તેં તેમનો પીછો કર્યો હતો ?’

 ‘હા...’

 ‘તેં અજીતનો પીછો ક્યાંથી શરૂ કાર્યો હતો ?’

 ‘તેની ઓફિસેથી.’

 ‘એ વખતે કેટલા વાગ્યા હતા અને એ ઓફિસેથી નીકળીને ક્યાં ગયો હતો ?’

 ‘એ વખતે લગભગ સાત-સાડા સાત વાગ્યા હતા. સાંજ પૂરેપૂરી નહોતી આથમી ! એ પોતાની મારૂતિ વન થાઉઝંડમાં હતો અને હું મારા મોટરસાઈકલ પર તેનો પીછો કરતો હતો ! તે જયરાજ ચૌહાણના ફ્લેટ પર ગયો હતો. ત્યાં દસેક મિનિટ રોકાયા પછી તે સુમન ચૌહાણ સાથે....’

 ‘સુમન ચૌહાણ ?’

 ‘જયરાજ ચૌહાણની પત્ની !’

 ‘આગળ બોલ.... મને એના નામની ખબર નહોતી.’

 ‘પછી એ બંને ભૂપગઢના ઉજ્જડ ફાર્મહાઉસમાં ગયાં હતાં. ત્યાર બાદ મેં મુખ્ય સડક પર આવીને ફોનથી પાવાગઢી સાહેબને આ વાતની જાણ કરી હતી !’

 ‘તારી વાત સાંભળીને પાવાગઢીએ કઈ જાતનો પાવો વગાડ્યો હતો ?’

 ‘એટલે ?’

 ‘એટલે એમ કે એણે તને શું આદેશ આપ્યો હતો ?’

 ‘તેમણે મને ત્યાં જ રોકાવાનું જણાવ્યું !’

 ‘પછી ?’

 ‘હું એક પાનની દુકાને જઈને ઊભો રહી ગયો. ફાર્મહાઉસેથી પાછા ફરવાનો એ જ માર્ગ હતો. હું તેમના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો !’

 ‘તું કઈ પાનની દુકાને ઊભો હતો ?’

 ‘ભૂપગઢના બસ સ્ટેશનની એકાદ કિલોમીટર પહેલાં...! ત્યાં પાનની એ એક જ દુકાન છે !’

 ‘ત્યાં તું કેટલા વાગ્યા સુધી હતો ...?’

 ‘લગભગ સાડા દસ વાગ્યા સુધી ..!’

 ‘શું જયરાજ ચૌહાણ ત્યાં આવ્યો હતો ..? કદાચ એણે એ દુકાનેથી કૈંક ખરીદ્યું હોય તે બનવાજોગ છે ..!’

 ‘ના..જયરાજ ત્યાં નહોતો આવ્યો..!’ ચૌધરીએ નકારમાં માથું હલાવ્યું.

 એની વાત સાંભળીને જયરાજ મનોમન હસ્યો.

 ચૌધરીનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું. કારણ કે એણે પોતે પાનની એ દુકાનેથી સિગરેટનું પેકેટ ખરીદ્યું હતું. એટલું જ નહીં., અજીતના ફાર્મહાઉસ વિશે પાનવાળાને પૂછપરછ પણ કરી હતી.

 અર્થાત ચૌધરી જરૂર ત્યાંથી ક્યાંક આડો-અવળો થયો હતો.

 ‘ત્યાં તેં કશુય શંકાસ્પદ જોયું હતું ?’

 ‘હા..મેં અજીતની મારુતિ વન થાઉઝંડમા ચાર માણસોને જતા જોયા હતા ....!’

 ‘અજીતની કારમાં ચાર જણ હતા ...?’

 ‘હા...’

 ‘શું તેં એ ચારમાંથી કોઈના ચહેરા જોયા હતા ?’

 ‘નાં...હું પાનની દુકાને હતો અને ત્યાં અજવાળું હતું. જયારે એથી વિપરીત સડક અંધકારમાં ડૂબેલી હતી એટલે ચહેરા ઓળખવાનું તો લગભગ અશક્ય જ હતું. જો મારુતિ વન થાઉઝંડે એક ફાયર ન કર્યો હોત તો કદાચ હું તેને પણ ન ઓળખી શકત !’

 ‘એક ફાયર ....?’

 ‘હા.....કારના સાયલેન્સરમાં કદાચ કચરો ભરાઈ ગયો હતો કારણ કે પીછો કરતી વખતે પણ તે વારંવાર એક ફાયર કરતી હતી. આ કારણસર બેક ફાયરનો અવાજ સાંભળીને મને લાગ્યું કે અજીત અને સુમન પાછાં આવે છે. હું તરત જ મારા મોટરસાઈકલ તરફ આગળ વધી ગયો. એ વખતે મને કારમાં ચાર જણ બેઠેલા દેખાયા હતા. પરંતુ તેમાં અજીત અને સુમન નહોતાં....!’

 ‘આવું તું કયા આધારે કહે છે ? તેમનાં ચહેરા તો તેં જોયા નહોતા ...?’

 ‘હા ....નહોતો ઓળખી શક્યો ....!’

 ‘તો પછી .?’

 ‘રાત્રે અગિયાર વાગે હું ફાર્મહાઉસમા ગયો હતો. ત્યાં મેં અજીત તથા સુમનના મૃતદેહો જોયા હતા. બંને નિર્વસ્ત્ર હાલતમાં હતાં. સુમન નીચે હતી અને અજીત ઉપર...! બંને એકબીજાને વીંટળાયેલાં હતાં....!’

 જયરાજે વેધક નજરે ચૌધરી સામે જોયું. અગિયાર વાગે સુમન અને અજીત આવી હાલતમાં કેવી રીતે હોઈ શકે ...? એણે પોતે જ એ બંનેના દેહને અલગ કર્યા હતા. ચૌધરી ખોટું બોલતો હતો, તે સ્પષ્ટ થઈ જતું હતું. તે અજીત અને સુમનના મૃતદેહોને અગિયાર વાગ્યા પહેલા જ જોઈ ચુક્યો હતો.

 ‘ખેર, પછી ..?’

 ‘પછી , શું ...? હું ગભરાઈને તરત જ ત્યાંથી રવાના થઈ ગયો.’

 ‘તેં જયરાજને ત્યાં નહોતો જોયો ...?’

 ‘નાં.....’

 એ જ વખતે માયા વ્હીસ્કીના બે પેગ લઇ આવી.

 એણે બંને પેગ ટેબલ પર મુક્યા બાદ પ્રશ્નાર્થ નજરે જગન ચૌધરી સામે જોયું. પછી તેના તરફથી કંઈ પ્રત્યુત્તર ન મળતાં તે અંદર પાછી ચાલી ગઈ.

 અલબત્ત, એણે નાઈટી જરૂર પહેરી લીધી હતી.

 ‘લો ....મિસ્ટર રાજકુમાર ....! આપણી મુલાકાતના નામ પર ....!’

 ‘જરૂર ...! તારી જિંદગીની સલામતીના નામ પર ....!’ જયરાજે પેગ ઊંચકીને તેમાંથી એક ઘૂંટડો ભરતાં ગંભીર અવાજે પૂછ્યું.

 ‘કેમ .....? મારી જીંદગી પર વળી શું જોખમ છે ?’ ચૌધરીએ ચમકીને પૂછ્યું.

 ‘એ તો તું મારા કરતાં વધુ સારી રીતે જાણે છે ચૌધરી....! તું જુઠાણાનો મહેલ બનાવીને તેનું ભાડું વસૂલ કરે છે ...! આ ભાડાનું વળતર તારે તારા લોહીથી ચુકવવું પડશે ...!’

 ‘એટલે ....? તમે કહેવા શું માંગો છો ..?’

 ‘તું તારું મોં બંધ રાખે છે એટલે એક નિર્દોષને ફાંસીની સજા થશે ....! ખૂનીઓ કોણ છે, એની તને ખબર છે, પણ કહેવા નથી માંગતો !’

 ‘મને ખબર છે, એવું તમે કયા આધારે કહો છો ...?’

 ‘તારો આ વૈભવ અને ઠાઠમાઠ એ વાતની ચાડી ફૂંકે છે ! ખૂનીઓને છાવરવા માટે તું મોટી રકમ પડાવે છે ..! જો તું મોં ઉઘાડીશ તો આંખના પલકારામાં જ જયરાજ નિર્દોષ પુરવાર થઈ જશે !’

 ‘તમે શું કહો છો, એ જ મને કંઈ સમજાતું નથી!’

 ‘અહીં આવતાં પહેલાં હું તારે વિશે બધી માહિતી મેળવી ચુક્યો છું.બધાએ એમ જ જણાવ્યું છે કે તારી આર્થિક સ્થિતિ નબળી છે. તારા પર ઘણું દેવં હતું. પરંતુ અચાનક જ તેં બધું દેવું ભરપાઈ કરી દીધું એટલું જ નહીં, તારું જીવનધોરણ પણ ઘણું ઊંચું થઈ ગયું. તને મોંઘા ભાવની કોલગર્લ પોસાય છે. કીમતી શરાબ પાછળ પૈસા વાપરવામાં તું આનાકાની નથી કરતો.થોડા સમય પહેલાં તો તું સસ્તી સિગારેટ મેળવવા માટે પણ ફાંફા મારતો હતો ....!’

 ‘મારો બીઝનેસ જામી ગયો છે ....!’

 ‘એમ ..?’ જયરાજે ઠાવકા અવાજે પૂછ્યું.

 ‘હા ...’

 ‘તારું માથું ભમી ગયું છે ચૌધરી...!’ જયરાજ એક એક શબ્દ પર ભાર મૂકતાં કર્કશ અવાજે બોલ્યો, ‘તું તારા ધંધાના આદર્શો અને સિદ્ધાંતો ભૂલી ગયો લાગે છે ...! તારો અંજામ ખૂબ જ ભયંકર આવશે ! એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે ...જે શખ્સ ચોરીછુપીથી અજીત સુધી પહોંચીને તેનું ખૂન કરી શકે છે એની સામે તારી હેસિયત તો કીડા -મકોડા જેવી છે ...!અને અજાણતાં જ પગ મુકતા જ કીડી-મકોડા કચડાઈને મૃત્યુ પામે છે સમજ્યો ...?’

 ‘તમારું લેકચર મને નથી સમજાયું મિસ્ટર રાજકુમાર ..!’ ચૌધરીએ રુક્ષ અવાજે કહ્યું, ‘આ પેગના એક ઘૂંટડામા જ તમને નશો ચડી ગયો હો એવું લાગે છે ....!’

 ‘પરસેવો પાડ્યા વગર, સહેલાઈથી મળેલા રૂપિયા મોટી મુશ્કેલી ઊભી કરે છે ચૌધરી ...! અને તારી રમત તો ખૂબ જ ખતરનાક છે ...! મને પરવેઝ સિકંદરે મોકલ્યો છે, એ તો હું તને કહી જ ચુક્યો છું. જો તું સહકાર આપીશ તો તને દસ લાખ રૂપિયા મળશે ..! તારે માત્ર અજીત અને સુમનના ખૂની વિશે જ જણાવવાનું છે ....!’

 ‘જે માણસે રાજેન્દ્રનું ખૂન કર્યું છે, તે જ અજીત તથા સુમનનો ખૂની છે !’

 ‘રાજેન્દ્ર ..?’

 ‘હા..રાજદૂત ગેરેજનો માલિક ...!’

 એનું કથાન સાંભળીને જયરાજ સ્તબ્ધ થઈ ગયો. રાજેન્દ્રના ખૂન વિશે તો તે બિલકુલ અજાણ જ હતો.

 વિશાળગઢ આવ્યા પછી અત્યારે જ તેણે ખબર પડી હતી કે રાજેન્દ્રનું ખૂન થઈ ગયું છે !

 ‘કોણ છે એ ખૂની ....?’

 ‘તે કોઈક બેડોળ ચહેરો તથા હબસી જેવો દેખાતો માણસ છે ..!’

 ‘ભલે...હું તપાસ કરી લઈશ ..! જો તારે દસ લાખ રૂપિયા કમાવા હોય તો હું અઠવાડિયા પછી ફરીથી તને ફોન કરીશ ...! તું બરાબર વિચારી લેજે ...!’ આટલું કહીને એક શ્વાસે પોતાનો પેગ ખાલી કરીને જયરાજ ઉભો થયો.

 ‘હું કશુય નથી જાણતો ..!’

 ‘જો પરવેઝ સિકંદરને તારું મોં ઉઘડાવવું જ હોય તો તારી કોઈ હેસિયત નથી કે તું મોં બંધ રાખી શકે ...! હાથીઓની લડાઈમાં સસલાએ વચ્ચે ન આવવું જોઈએ .કારણ કે તે હાથીઓના વિશાળ પગ નીચે કચડાઈને માર્યું જાય છે ! જો પરવેઝ સિકંદરનો તારે માટે આદેશ આવશે તો પછી ભરતપુર પહોંચ્યા બાદ જ તારી આંખો ઉઘડશે ! જો તારી મેળે જ સામેથી કૈંક જણાવીશ તો રૂપિયા મળશે અને પરવેઝ સિકંદરના રક્ષણ હેઠળ જીવતો પણ રહીશ ...! બાકી તો હરિ ઈચ્છા બળવાન ...!’

 જયરાજ જવાબની રાહ જોયા વગર જ દરવાજો ઉઘાડીને બહાર નીકળી ગયો.

 ચૌધરી થોડી પળો સુધી જડવત બનીને બેસી રહ્યો.

 કથિત રાજકુમાર તેને ભ્રમમાં નાખી ગયો હતો. 

 પછી તે સ્ફૂર્તિથી ઊભો થઈને ટેલીફોન પાસે પહોંચ્યો.

 એણે રીસીવર ઊંચકીને એક નંબર મેળવ્યો અને પછી ઉત્તર મળતા જ સામે છેડે રહેલી વ્યક્તિને રાજકુમાર ઉર્ફે જયરાજ સાથે થયેલી વાતચીતની વિગતો જણાવીને રીસીવર મૂકી દીધું.

 અત્યરે કોણ જાણે કેમ તે ખૂબ જ બેચેની અનુભવતો હતો.

 એના હાથ-પગ ઠંડા પડી ગયા હતા અને મગજ ક્રિયાશૂન્ય થઈ ગયું હતું.

**********