Santaap - 2 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | સંતાપ - 2

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સંતાપ - 2

૨. ઇનામ દસ હજાર...!

 તા. ૧૭મી મે !

 જયરાજ આજે ખૂબ ખુશ હતો. આજે એના લગ્નની પ્રથમ રાત્રિ હતી.

 મિત્રોની વિદાય લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યે એ પોતાનાં બેડરૂમમાં પહોંચ્યો ત્યારે નવોઢાના વેશમાં સુમન ચહેરા પર ઘુમટો તાણીણે પલંગ પર બેઠી હતી.

 ‘સુમન...!’ જયરાજ ધીમેથી બોલ્યો.

 બંગડીઓના મધુર રણકાર વચ્ચે સુમને ઘુમટો સરકાવીને માથું ઊંચું કર્યું.

 એની આંખોમાં આંસુ ચમકતાં હતાં.

 ‘શું વાત છે સુમન ?’ સુમનને રડતી જોઇને એનું હૈયું હચમચી ઊઠ્યું, ‘ત...તું રડે છે ?’ વાત પૂરી કરીને તે એની બાજુમાં બેસી ગયો.

 ‘હું...હું તમને એક સચ્ચાઈ જણાવવા માંગુ છું !’ સુમન કંપતા અવાજે બોલી, ‘તમે મારા પતિ પરમેશ્વર છો એટલે હું તમને અંધારામાં રાખવા નથી માંગતી !’

 ‘સચ્ચાઈ ? હું સમજ્યો નહીં ? કેવી સચ્ચાઈ ?’ જયરાજે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

 ‘હા...અત્યારે હું એક નવોઢા તરીકે....તમારી ધર્મપત્ની બનીને અહીં બેઠી છું. પરંતુ એક નવોઢાનાં રૂપમાં તમને આપવા માટેની મારી પાસે જે ભેટ છે, તેની પવિત્રતા નાશ પામેલી છે !’

 ‘હા...હું જાણું છું !’ જયરાજ ગંભીર અવાજે બોલ્યો, ‘તું જે માણસને સાચા હૃદયથી પ્રેમ કરતી હતી, એને ખાતર એક વર્ષ પહેલાં તેં તારું ઘરબાર બધું જ છોડી દીધું હતું ખરું ને ?’

 ‘હા...પણ.. પણ તમે એ વાત જાણો છો ?’

 ‘હા...પરંતુ એ છોકરાને માત્ર તારા પ્રત્યે દૈહિક આકર્ષણ જ હતું. એને માત્ર તારા શરીર સાથે જ પ્રેમ હતો. તે ભરતપુરના કોઈક ધનવાન શેઠનો દીકરો હતો. પણ એના સંસ્કારો અત્યંત હલકા કુળના હતા. એનું નામ અજીત મરચંટ હતું બરાબરને ? તું અજીત સાથે એક મહિના સુધી ગુમ રહી હતી એની મને ખબર છે. તમે બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતાં અને મંદિરનો પૂજારી આ વાતનો સાક્ષી હતો.’

 ‘તમને...તમને આ બધી વાતોની કેવી રીતે ખબર પડી ?’ સુમને ચમકીણે પૂછ્યું.

 ‘હું એક પોલીસ ઇન્સ્પેક્ટર છું એ વાત તું ભૂલી જતી લાગે છે !’ જયરાજ સ્મિતસહ બોલ્યો, ‘તને સ્ત્રી વિકાસ ગૃહમાં જોયા પછી આ બધી વાત મને જાણવા મળી હતી. રૂપના કોઈ સોદાગરની મોહજાળમાં તું લપેટાઈ ગઈ છો અને માણસરૂપી શયતાને તને ભરમાવી, ફોસલાવીને તારી સાથે લગ્નનું નાટક કરીને તારું સર્વસ્વ લૂંટી લીધું છે, એ હું સમજી ગયો હતો.’

 ‘આ બધું જાણતા હોવા છતાય તમે મારી સાથે લગ્ન કર્યા ?’

 ‘હા...કારણ કે મેં પત્નીના રૂપમાં જે ચહેરાની કલ્પના કરી હતી, એ ચહેરો તારો જ હતો સુમન !’ કહીને જયરાજે એનું કપાળ ચુમી લીધું.

 ‘પણ મારે માટે આ સુહાગરાત શરમથી..’

 ‘ના, સુમન !’ જયરાજે સુમનના રસતરબોળ ગુલાબી હોઠ પર આંગળી મૂકતાં કહ્યું, ‘સુહાગરાતનો અર્થ માત્ર બે શરીરોનાં મિલન એવો નથી થતો ! સુહાગરાત તો બે આત્માઓનું મિલન કરાવે છે. તારું શરીર ભલે અપવિત્ર થયું હોય પણ તારો આત્મા તો સ્વચ્છ અને પવિત્ર જ છે સુમન ! અને આત્માની પવિત્રતાથી વધુ કીમતી ચીજ બીજી કોઈ નથી હોતી ! શરીર પવિત્ર હોય, પણ આત્મા જ મેલો હોય, મનમાં છળ-કપટ હોય તો શરીરની એ પવિત્રતા શું કામની ? મારી દ્રષ્ટિએ આવી પવિત્રતાનું કોઈ મૂલ્ય નથી.’

 ‘તમે...તમે મહાન છો !’ સુમન ધ્રુસકાં વચ્ચે બોલી.

 ‘મહાનતાની વ્યાખ્યા શું છે, એની મને ખબર નથી સુમન ! પણ એટલું મેં જરૂર સાંભળ્યું છે અને સમજણ કેળવી છે કે માણસનાં કર્મોથી જ તેની મહત્તા અને મહાનતા નક્કી થાય છે ! હું મારી રીતે મને નૈતિક લાગે, મારો આત્મા અને મારું સ્વમાન કબૂલે એવાં કર્મો કરતો રહું છું. બનવાજોગ છે કે મારાં આ સત્કર્મો કોઈને કુકર્મો પણ લાગતાં હોય ! અલબત્ત, સામો માણસ કર્મની શી વ્યાખ્યા કરશે એની પરવાહ હું કદાપિ નથી કરતો. હવે રહી વાત પવિત્ર કે અપવિત્રની ! જો મંદિરની મૂર્તિને ગંદા નાળામાં ફેંકી દેવામાં આવે તો તે અપવિત્ર નથી થઇ જતી સુમન ! એ મૂર્તિને પુનઃ મંદિરમાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ! તું પણ મારે માટે એ મૂર્તિ જેટલી જ પવિત્ર છો !’

 ‘બરાબર છે...પરંતુ તમે મારી સાથે જ શા માટે લગ્ન કર્યા ? તમને મારા કરતાં પણ વધુ સુંદર અને ચારિત્ર્યવાન પત્ની મળી શકે તેમ હતી ‘

 ‘સુંદરતાની વ્યાખ્યા શું ? આપણને ગમે, આપની આંખોને વારંવાર નિહાળવું ગમે...આપણા મનને શાંતિ પહોંચાડે, એ સુંદરતા ! પછી ભલે તે કોઈ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણ કેમ ન હોય ? રહ્યો સવાલ ચારિત્ર્યનો, તો તારી સાથે વિશ્વાસઘાત થયો હતો ! જે રીતે તારા વિશ્વાસનો ભંગ થયો હતો, એ જ રીતે શું મારા વિશ્વાસનો ભંગ નહોતો થઇ શકતો ? જેને પત્ની તરીકે વિશ્વાસના આધારે લાવવામાં આવે છે, તે ચારિત્ર્યવાન જ હોય છે, એ વાતની શી ખાતરી છે ? આપણે અખબારોમાં અવારનવાર વાંચીએ છીએ કે લગ્નના બંધનથી બંધાયા પછી લગ્ન પહેલાં પતિને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધો હતા અથવા તો પત્નીને કોઈ પરપુરુષ સાથે અનૈતિક સંબંધો હતા. પરંતુ આ બધી વાતો લગ્ન પછી જ બહાર આવી હોય છે !’

 જયરાજની આ વાતનો સુમન પાસે કોઈ જવાબ નહોતો.

 ‘સુમન !’ એને ચૂપ જોઇને જયરાજ ફરીથી બોલ્યો, ‘ધૂળથી ખરડાઈને સોનું પોતાની ચમક ગુમાવી બેસે તો એથી કરીને એનું મૂલ્ય ઓછું નથી થઇ જતું.’

 ‘બરાબર છે...પરંતુ પહેલી મજરે એ સોનું, સોનું પણ નથી લાગતું !’

 ‘સાચી વાત છે ! પરંતુ ઝવેરી જોતાવેંત જ તેને સોના તરીકે પારખી લે છે ! મારે માટે પણ તું સંજોગોનો શિકાર શિકાર બનીને ચમક ગુમાવી બેઠેલી સોના જેવી જ છો. પરંતુ માત્ર આટલા નજીવા કારણસર મારી નજરે તારું ચારિત્ર્ય કે મૂલ્ય જરા પણ ઓછું નથી થયું !’

 ‘મને મારા નસીબ પર ભરોસો નથી બેસતો કે મને આટલા ઉદાર અને વિશાળ હૃદયના પતી મળ્યા છે !’ સુમન સાડીના પાલવથી પોતાની આંખ લૂછતાં બોલી.

 ‘પરંતુ મારી આ ઉદારતા અને હૃદયની વિશાળતા માત્ર તારા ભૂતકાળ વિશે જ છે !તારા ભૂતકાળને હું ભૂલી ગયો છું. બલ્કે મને કઇ ખબર નથી એમ જ તું માનજે. ભૂતકાળમાં તું શું હતી, એના કરતાં આજે તું શું છો, એ મારે માટે વધુ મહત્વનું છે !’ જયરાજનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો, ‘પરંતુ જો ભવિષ્યમાં ભૂતકાળની કોઈ ભૂલનું પુનરાવર્તન થશે તો હું ઉદાર નહીં રહી શકું !’

 ‘હું ક્યારેય તમને ફરિયાદ કરવાની તક નહીં આપું...!’ સુમન મક્કમ અવાજે બોલી.

 જયરાજે તેને પોતાના આલિંગનમાં જકડીને એના કપાળ પર પોતાના હોઠ મૂકી દીધા.

 ઉષ્માભર્યા હોઠના સ્પર્શથી ઉત્તેજિત થઈને સુમન વેલની માફક તેને વળગી પડી.

 જયરાજે જયારે પહેલી વાર સુમનને સ્ત્રી વિકાસ ગૃહમાં જોઈ ત્યારે થોડી પળો સુધી મંત્રમુગ્ધ બનીને તેને જોતો જ રહી ગયો હતો.

 એણે સુમન વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે એક પૈસાદાર શેઠની કંપનીમાં નોકરી કરતી હતી. એ શેઠે સુમનના કહેવા મુજબ તેની સાથે લગ્ન કર્યા હતાં અને પતિના રૂપમાં તેનું શારીરિક શોષણ કર્યું હતું. પરંતુ પાછળથી સુમન પોતાની પત્ની હોવાનો અજીત મરચંટે નનૈયો ભણી દીધો હતો. એટલું જ નહીં, પોતે સુમનનો પતિ નથી એ વાત એણે પૈસાના જોરે પુરવાર પણ કરી દીધી હતી. અજીતના નનૈયા પછી સુમને મંદિરનો પૂજારી સાક્ષી હોવાનું જણાવ્યું. પરંતુ મંદિરના પૂજારીને ઈશ્વરની ભક્તિ, નીતિ અને ઈમાન કરતાં પૈસાની વધુ જરૂર હતી. ચલણી નોટોરૂપી ભગવાનનાં દર્શન કર્યા બાદ એના કાનમાં જાણેકે બહેરાશ આવી ગઈ હતી.સુમનની વિનંતીભરી ચીસોની તેના પર કોઈ અસર નહોતી થઇ.

 ડોકટરી તપાસમાં સુમન કુંવારી નહોતી એ તો પુરવાર થયું.પરંતુ આ કૌમાર્યભંગ માટે અજીત મર્ચન્ટ જવાબદાર છે એવું પુરવાર નહોતું થઇ શક્યું.

 કદાચ તપાસનીસ ડોક્ટરને ઘેર પણ ચલણી નોટોની પ્રસાદી પહોંચી ગઈ હતી.

 ઘર છોડીને ભાગેલી છોકરીને કાકાએ ન સ્વીકારી, કારણ કે તેમને પણ પોતાની દીકરીઓનાં લગ્ન કરવાનાં બાકી હતાં. ભત્રીજીના પરાક્રમ વિશે જાણીને કોઈ તેમની દીકરીનો હાથ પકડવા તૈયાર થાય તેમ નહોતું. છેવટે સુમનને સ્ત્રી વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવી. એક દિવસ જયરાજ કોઈક કામસર સ્ત્રી વિકાસ ગૃહમાં ગયો ત્યારે ત્યાં એણે પહેલી વખત સુમનને જોઈ. એણે સ્ત્રી વિકાસ ગૃહની સંચાલિકા મનોરમાબેન પાસેથી સુમન વિશે બધી વિગતો જાણીને તેની સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી.

 મનોરમાબેને સુમનને મળીને તેને સમજાવી.

 સુમન તરફથી હકારાત્મક જવાબ મળતાં જ બંનેનાં લગ્ન થઇ ગયાં. લગ્નની વિધિ વિકાસ ગૃહમાં જ કરવામાં આવી હતી. સુમનનાં માતા-પિતા તો સાતેક વર્ષ પહેલાં જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં એટલે સંરક્ષક અને પિતાની ફરજ બજાવવા માટે તેના કાકાને બોલાવવામાં આવ્યા હતાં.

 સુમનના કાકાએ લગ્નની વિધિમાં પોતાની ફરજ પૂરી કરી. તેમણે ફરજના એક ભાગ રૂપે સુમનને થોડા દાગીનાઓ તથા અન્ય ચીજવસ્તુઓ પણ આપી. સુમનને દુઃખથશે એવા વિચારથી જયરાજે આ ચીજવસ્તુઓ લેવાનો ઇનકાર નહોતો કર્યો.

 ખૂબ જ સાદાઈથી બંને લગ્નગાંઠથી જોડાઈ ગયાં.

 અચાનક શોર થવાથી જયરાજ ભૂતકાળમાંથી બહાર નીકળીને વર્તમાનમાં પાછો ફર્યો.

 એ તેના બેડરૂમના આરામદાયક પલંગને બદલે ધાબળો લપેટીને બેંચ પર પડ્યો હતો.

 હરદ્વારના સ્ટેશન પર કોઈક ટ્રેનના આગમનને કારણે શોર થયો હતો.

 જયરાજે બેઠા થઈને એક સિગારેટ પેટાવી અને ધીમે ધીમે કસ ખેંચવા લાગ્યો.

 ઊંઘ એક એવી વસ્તુ છે કે જે માણસને ફાંસીના માંચડે પણ આવી જાય છે ! કદાચ એટલા માટે જ પેલી કહેવતનો જન્મ થયો હશે કે “ભૂખ ન જુએ રોટલો ને ઊંઘ ન જુએ ઓટલો...!” માણસ ભૂખ્યો હોય ત્યારે સુકો રોટલો પણ તેને માટે બત્રીસ જાતનાં ભોજનની ગરજ સારી જાય છે ! એ જ રીતે થાકેલા માણસને કોઈ પણ સ્થળે ઊંઘ આવી જાય છે .

 જયરાજ થાકેલો હતો...! જિંદગીથી તૂટેલો ને હારેલો હતો તથા એક ભાગેડુ જેવી જીંદગી જીવતો હતો.

 છેવટે મોડી રાત્રે નિદ્રાદેવીને તેના પર દયા આવી ગઈ અને તેને પોતાના આગોશમાં સમાવી લીધો.

 સવારે સાત વાગે ઠંડીની તીવ્રતાને કારણે એની ઊંઘ ઊડી. એ બેંચ પર બંને ગોઠણ વચ્ચે માથું મુકીને સૂઈ ગયો હતો અને એ જ હાલતમાં તેને ઊંઘ આવી ગઈ.

 પોતાની વર્તમાન દશાથી એના હોઠ પર પીડાભર્યું સ્મિત ફરકી ગયું.

 એ પોતાના શરીર પર ધાબળો લપેટીને સ્ટેશનમાંથી બહાર નીકળ્યો અને પછી યંત્રવત રીતે આગળ વધીને કાવેરી હોટલ પાસે પહોંચ્યો.

 ‘અંકલ..!’ સહસા હોટલના દરવાજા પાસે ઊભેલા પપ્પુએ જોરથી બૂમ પાડી.

 ‘હલ્લો ..દીકરા..!’ જયરાજ એની પાસે પહોંચીને આમતેમ નજર દોડાવતાં બોલ્યો, ‘તારી દીદી ક્યાં છે ?’

 ‘આવે છે ..!’

 થોડી પળોમાં જ અનિતા ત્યાં આવી પહોંચી.

 જયરાજને નવાં વસ્ત્રોમાં જોઇને એની આંખોમાં પ્રશંસાના હાવભાવ છવાયા.

 ‘વાહ...! તમારું તો વ્યક્તિત્વ જ બદલાઈ ગયું હોય એવું લાગે છે !’ એણે સ્મિતસહ કહ્યું.

 ‘બનવાજોગ છે ...!’ કહી જયરાજે ગંભીર અવાજે પૂછ્યું, ‘તમારા પિતાજી મળ્યા ...?’

 ‘ના...’

 ‘કેમ .? શું તેઓ આ હોટલમાં નથી ...?’

 ‘તેઓ આ હોટલમાં જ ઉતર્યા હતાં. પરંતુ બે દિવસ પહેલાં જ હોટલ છોડીને ચાલ્યા ગયા છે !’ અનિતાએ નિરાશાથી માથું ધુણાવતા કહ્યું.

 ‘કદાચ તેઓ હરદ્વારની બીજી કોઈ હોટલ કે ધર્મશાળામાં ચાલ્યા ગયા હોય એ બનવાજોગ છે ...!’ જયરાજ પોતાનું અનુમાન વ્યક્ત કરતાં બોલ્યો.

 ‘બનવાજોગ છે ..!’ અનિતાએ સહમતિસૂચકઢબે માથું હલાવતાં કહ્યું, ‘આ બાબતમાં મને તમારી મદદની જરૂર છે ..!’

 ‘બોલો..’

 ‘તમે આજ સાંજ સુધી અમારી સાથે રોકાઈને પિતાજીને શોધવામાં અમને મદદ કરો એમ હું ઈચ્છું છું.’ વાત પૂરી કરીને અનિતા આશાભરી નજરે જયરાજના ચહેરા સામે તાકી રહી.

 ‘જરૂર ...!’

 ‘તમે તમારું નામ તો કહ્યું જ નહીં ...!’

 ‘એ હું કહેવા પણ નથી માંગતો..! હું ધારું તો કોઈ ખોટું નામ અને મારા ભટકતા જીવન વિશે ઉપજાવી કાઢેલી વાર્તા સંભળાવી શકું તેમ છું ..! પરંતુ મને ફરેબ અને જુઠ્ઠાણા પ્રત્યે સખત નફરત છે! કોઈ મારી પાસે ખોટું બોલે કે દગો કરે, તે મારાથી બિલકુલ સહન નથી થતું. આ બંને વસ્તુઓ જોતાં જ મારી ખોપરીનાં પાટિયાં આઉટ થઇ જાય છે !’

 ‘હું નાસ્તાનો ઓર્ડર આપવા માટે આવી હતી. ચાલો, આપણે રૂમમાં જઈને નિરાંતે બેસીએ. તમે મારી સાથે નાસ્તો કરશો તો મને આનંદ થશે..! સાથે જ તમને પણ કદાચ મજા આવશે...અને આનંદ થશે.’

 ‘આનંદ ..?’

 ‘હા...’

 ----‘દેવીજી ...!’ જયરાજ મનોમન બબડ્યો, ‘મારો આનંદ તો ક્યારનોય ઝૂંટવાઈ ગયો છે !’ પરંતુ પછી શક્ય હોય ત્યાં સુધી કોઈને નિરાશ ન કરવા એવી પોતાની પ્રકૃતિ મુજબ પ્રત્યક્ષમાં એ સ્મિત ફરકાવીને બોલ્યો, ‘માણસ એક સામાજિક પ્રાણી છે મિસ અનિતા ...! તે દેવતા અથવા તો શયતાન હોય તો જ તેને એકાકીપણું ગમતું હોય છે ! હું નથી દેવતા કે નથી શયતાન..! ચાલો, આપણે સાથે નાસ્તો કરીએ..!’

 એનો હકારાત્મક જવાબ સાંભળીને પપ્પુ એકદમ ખુશ થઇ ગયો.

 અનિતાના ચહેરા પર પણ પ્રસન્નતા ફરી વળી.

 ત્રણેય હોટલમાં પ્રવેશીને અનિતાના રૂમમાં પ્રવેશ્યાં.

 કાવેરી હોટલ માધ્યમ દરજ્જાની હોટલ હતી અને અનિતા તેમાં એક સીંગલ બેડ ધરાવતા રૂમમાં ઊતરી હતી. જયરાજ ત્યાં પડેલી એક ખુરશી પર બેસી ગયો.

 ‘મિસ્ટર..!’ રૂમમાં પહોંચ્યા પછી અનિતા પલંગ પર બેસતાં તેની સામે જોઇને બોલી, ‘મારે માટે કોઈ ગેરસમજ કરશો નહીં ...!હું તમારા વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છું ...! મારા પર ભરોસો રાખો ! તમારો ભેદ હું ક્યારેય ઉજાગર નહીં કરું..! તમે મને જે કંઈ કહેશો, તે માત્ર મારા સુધી જ સીમિત રહેશે...!’

 ‘ભેદને જાળવી રાખવાનો ઉપાય એક જ છે મિસ અનિતા, કે માણસે પોતાનો ભેદ કોઈને પણ ન જણાવવો ...! અર્થાત પોતાનો ભેદ ફક્ત પોતાના સુધી જ સીમિત રાખવો...! જો હું જ તમને એ ભેદ વિશે જણાવી દઉં તો તમે મારા ભેદને ઉજાગર નહીં કરો એવી આશા તમારી પાસેથી કેવી રીતે રાખી શકું ..?’

 ‘આશા અમર છે અને એના કરતાંય વિશ્વાસ મોટી ચીજ છે...!’

 ‘તમારી વાત બિલકુલ સાચી છે કે આશા અમર છે ને વિશ્વાસ મોટી ચીજ છે.! પરંતુ જે માણસ આ બંને વસ્તુઓથી જ છેતરાયો હોય, તે કેવી રીતે આશા કે વિશ્વાસ રાખી શકે ...? એક વ્યક્તિએ મને કહ્યું હતું કે માણસ તૂટી જાય છે પણ વિશ્વાસ ક્યારેય નથી તુટતો...! એ તો અતૂટ જ રહે છે. પરંતુ આ વાત સાથે હું એટલા માટે સહમત નથી કેમ કે વિશ્વાસમાંથી જ વિશ્વાસઘાતનો જન્મ થાય છે.! અને જયારે આપણે કોઈના ઉપર મૂકેલો વિશ્વાસ તૂટે અર્થાત આપણી સાથે વિશ્વાસઘાત થાય છે ત્યારે વિશ્વાસ નામની ચીજ પોતાની જગ્યાએ રહી જાય છે અને તેના ઉપરથી આપણને વિશ્વાસ ઉઠી જાય છે ! વિશ્વાસનું વજુદ આપણે માટે ખતમ થઇ જાય છે અને આપણે કોઈના પર વિશ્વાસ નથી મૂકી શકતા ...!’

 એ જ વખતે હોટલનો એક કર્મચારી ચા-નાસ્તો મૂકી ગયો.

 ત્રણેય નાસ્તો કરવા લાગ્યાં.

 નાસ્તા દરમ્યાન તેમની વચ્ચે કોઈ વાતચીત ન થઇ.

 ત્યાર બાદ તેઓ બહાર નીકળ્યાં.

 ‘મિસ્ટર..!’ અનિતા દરવાજાને તાળું મારતાં બોલી, ‘હું આજે સાંજે જ વિશાળગઢ પાછી ચાલી જઈશ !’

 ‘આજે જ નીકળી જવું છે ..?’ જયરાજે ચમકીને પૂછ્યું.

 ‘હા...પિતાજી હોટલમાં મળી જશે ણે હું એમને સાથે લઇ જઈશ એવી આશાએ હું અહીં આવી હતી. મમ્મીની તબિયત પણ બિલકુલ ખરાબ છે એટલે ઈચ્છા હોવા છતાંય હું અહીં રોકાઈ શકું તેમ નથી..!’

 ‘હું અહીં હરદ્વારમાં જ રોકાવાનો છું. જો તમારી પાસે તમારા પિતાજીનો કોઈ ફોટો હોય તો મને આપો. હું મારી રીતે તેમને શોધવાનો પ્રયત્ન કરીશ..!’

 ‘હવે એક સવાલ પૂછવાનું મને મન થાય છે.’

 ‘પૂછી નાંખો ...!’

 ‘હું તમારા પર કેવી રીતે વિશ્વાસ મૂકું...?’ અનિતા સ્મિતસહ બોલી, ‘તમારા કહેવા મુજબ તમને તો કોઈના પર વિશ્વાસ નથી...?’

 ‘મિસ અનિતા, તમારા કામને વિશ્વાસ સાથે કંઈ નિસ્બત નથી.’

 ‘કેમ .?’

 ‘એટલા માટે કે આ એક એવું કામ છે કે જે કરવાથી તમારો કે તમારા પિતાજીનો કોઈ ભેદ ઉજાગર નથી થવાનો ...! “વિશ્વાસ”ની મારી જે વ્યાખ્યા છે, તે માત્ર અંગત વાતો પૂરતી જ છે ...! બાકી તો આપણે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતાં હોઈએ ત્યારે ડ્રાઈવર પર વિશ્વાસ કરીને નથી સૂઈ જતાં ...? ડ્રાઈવર એકસીડન્ટ કરશે જ એમ માનીને શું આપણે જાગતાં જ બેસી રહીએ છીએ ?’

 જયરાજના આ તર્કનો અનિતાને કોઈ જવાબ ન સૂઝ્યો.

 ‘અમે મારા સવાલનો જવાબ ન આપ્યો ..!’ જયરાજ ફરીથી બોલ્યો.

 ‘કયા સવાલનો ...?’

 ‘એ જ કે તમારી પાસે તમારા પિતાજીનો કોઈ ફોટો છે કે નહીં ...?’

 ‘ના, અત્યારે તો નથી. અલબત્ત, હું મોકલી શકું તેમ જરૂર છું. વિશાળગઢ પહોંચતાં જ હું પિતાજીના થોડા ફોટા પોસ્ટ દ્વારા મોકલી આપીશ .’

 ‘એક ભિખારીને એ ટપાલ મળી જશે...?’ જયરાજે આંખો પટપટાવતા પૂછ્યું.

 ‘જરૂર મળી જશે ...!’ અનિતાના અવાજમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો, ‘હું કાવેરી હોટલના મેનેજર સાથે વાત કરી લઈશ ...! હું તમારું નામ લખીને આ હોટલના સરનામે જ ટપાલ મોકલીશ ...! કવર પર તમારું નામ લખ્યું હશે પછી તમને શા માટે ટપાલ નહીં મળે ...?’

 ત્રણેય વાતો કરતાં કરતાં હોટલમાંથી બહાર નીકળીને સડક પર આગળ વધતાં હતાં.

 ‘મારું નામ ...?’ જયરાજ અચાનક ચાલતાં ચાલતાં ઊભો રહી ગયો.

 ‘હા... જયરાજ ચૌહાણ ...!’ અનિતા પૂર્વવત અવાજે બોલી.

 આ અજાણી યુવતીના મોંએથી પોતાનું નામ સાંભળીને જયરાજ એકદમ ચમક્યો.

 ‘જયરાજ ચૌહાણ ...!’ એ ધીમેથી બબડ્યો અને પછી બોલ્યો, ‘જો હું એમ કહું કે આ નામ મારું નથી તો..?’

 ‘તો ....? તો શું હું એમ માની લઈશ કે આ નામ તમારું નહીં હોય ..?’

 અનિતાનું વ્યક્તિત્વ એકાએક જયરાજ માટે રહસ્યમય બની ગયું.

 એની આંખોમાં શંકાનાં કૂંડાળા રચાયાં. તેઓ ફરીથી ચાલવા લાગ્યાં.

 ‘છતાંય મારું નામ જયરાજ ચૌહાણ છે, એવી ગેરસમજ તમને શા માટે થઇ ?’ એણે પૂછ્યું.

 ‘હું એક આર્ટ ડિઝાઈનર હોવાની સાથે સાથે ફોટોગ્રાફર પણ છું...! અલબત્ત, ફોટોગ્રાફી મારો ખાસ શોખ છે ! કોઈનાં પણ ફોટા પડતી વખતે મારે હંમેશાં ચહેરા પ્રત્યે ખાસ ધ્યાન આપવાનું હોય છે. ફોટોગ્રાફીના આ શોખને કારણે માણસના ચહેરાનું નિરીક્ષણ અજાણતાં પણ અનાયાસે જ મારાથી થઇ જાય છે !’

 ‘બરાબર છે ! દરેક માણસમાં કોઈક નેકોઈક ખૂબી જરૂર હોય છે. તમારી વાત પણ મુદ્દાની છે કે ફોટાઓ પાડતી વખતે તમારે કેમેરાના આઈ ગ્લાસમાંથી માણસના ચહેરાને નીરખવો પડે છે. અને જો તમને એવું લાગે કે ચહેરા પર અમુક હાવભાવ લાવવામાં આવે તો ફોટો સુંદર પડશે તો એ પ્રમાણે કરવાની તમે સામેની વ્યક્તિને સૂચના પણ આપો છો. પરંતુ તમારા આ ફોટોગ્રાફીના શોખને મારા નામ સાથે શું સંબંધ છે ?’

 ‘જો તમે આજનું અખબાર જોયું હોત તો તમારે આ સવાલ પૂછવાની જરૂર ન પડત !’

 ‘કેમ ? આજના અખબારમાં મારા વિશે એવું તે શું છપાયું છે ?’ જયરાજ પરાણે ચહેરા પર સ્મિત લાવતાં બોલ્યો, ‘હું નથી કોઈ ફિલ્મસ્ટાર...નથી કોઈ રાજનેતા કે નથી નામાંકિત ખેલાડી !’

 ‘મને ખબર છે ! પરંતુ અખબારમાં માત્ર ફિલ્મસ્ટાર, રાજનેતા કે ખેલાડીના જ ફોટા નથી છપાતા એ વાત તમે ભૂલી જતા લાગો છો. અખબારમાં વોરંટ કાઢવામાં આવેલા ગુનેગારો વિશે પણ તેમના ફોટા સહિતના સમાચાર પણ છપાયેલા હોય છે !’ 

 ‘વ...વોરંટ ?’

 ‘હા. જીવતા અથવા તો મરેલા પકડવાનું વોરંટ...!’

 અનિતાની વાતથી જયરાજ મનોમન ખૂબ જ વ્યાકુળ થઇ ગયો હતો.

 અખબારમાં પોતાની વિરુદ્ધ શું છપાયું છે, એ તે જાણવા માંગતો હતો.

 એણે થોડી પળો માટે ઊભા રહીને એક સિગારેટ પેટાવી. 

 ત્યાર બાદ તેઓ ફરીથી આગળ વધ્યાં.

 ‘અખબારમાં મારે વિશે એવું તે શું છપાયું છે ?’ છેવટે એણે પૂછી જ નાખ્યું.

 આ સવાલ પૂછીને પોતે જ જયરાજ ચૌહાણ છે, એ વાત પણ એણે આડકતરી રીતે કબૂલી લીધી હતી.

 ‘મિસ્ટર જયરાજ...!’ સહસા અનિતાનો અવાજ એકદમ ધીમો થઇ ગયો. માત્ર જયરાજ એકલો જ સાંભળી શકે એટલા ધીમા અવાજે એણે કહ્યું, ‘હું ચા-નાસ્તાનો ઓર્ડર આપવા માટે ગઈ ત્યારે મેં હોટલના કાઉન્ટર પર અખબાર જોયું હતું. તેમાં વિશાળગઢની પોલીસ તરફથી તમારા નામ અને ફોટા સાથે વોરંટની સૂચના આપતી જાહેરાત છપાયેલી છે. તમને જીવતા કે મૃત્યુ પામેલા પકડવાનો આદેશ આપવામાં આવ્યો છે. પકડવામાં મદદરૂપ થનાર કે તમારે વિશે અન્ય કોઈ બાતમી પૂરી પાડનારને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે એવો ઉલ્લેખ પણ એ જાહેરાતમાં છે !’

 ‘અખબાર કયું હતું ?’ જયરાજે ગંભીર અવાજે પૂછ્યું.

 ‘ “વિશાળગઢ સમાચાર” !’ 

 ‘અખબાર આજનું જ હતું !’

 ‘હા...’

 જયરાજે નજીકમાં આવેલા એક બુક સ્ટોલમાંથી “વિશાળગઢ સમાચાર” અખબાર ખરીદ્યું.

 ‘ચાલો...સામે જ હોટલ છે !’ એણે કહ્યું, ‘ત્યાં નિરાંતે બેસીને ચા પીતાં પીતાં વાતો કરીશું.’

 અનિતાએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 ત્રણેયનાં ડગ હોટલ તરફ મંડાયાં.

****

જગદેવ મરચંટ ભરતપુરનો અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ સારી એવી વગ ધરાવતો હતો. એનો પુત્ર અજીત મરચંટ વિશાળગઢ રહેતો હતો અને પુત્રના ખૂનના સમાચાર સાંભળીને વિશાળગઢ આવ્યો હતો. એટલું જ નહીં, જ્યાં સુધી ખૂની ન પકડાય ત્યાં સુધી અહીંથી ન ખસવાની હઠ એણે પકડી હતી. અત્યારે તે વિશાળગઢ શહેરના પોલીસ કમિશનર ભાટીયા સામે બેઠો હતો.

 ‘ભાટીયાસાહેબ...!’ તે કડવા અવાજે બોલ્યો, ‘મને વિશાળગઢની પોલીસ પર તેની કાર્યનિષ્ઠા માટે ખૂબ જ ગર્વ હતો. પરંતુ હવે મને લાગે છે કે મારી આ માન્યતા ખોટી હતી !’

 ‘પોલીસે પોતાની જાળ બિછાવી દીધી છે મિસ્ટર મરચંટ !’ ભાટીયાએ પોતાના જમણા હાથની આંગળીઓને ડાબા હાથની આંગળીઓમાં પરોવતાં કહ્યું, ‘પોલીસ વિભાગ તરફથી દેશભરનાં અખબારોમાં જાહેરાત આપી દેવામાં આવી છે. વહેલા-મોડું આ જાહેરાતનું પરિણામ ચોક્કસ આવશે ! તમે ખાતરી રાખો ! અમે જયરાજને પકડવા માટે અમારા તરફથી કોઈ કસર બાકી નહીં રાખીએ !’

 ‘આઈ વોન્ટ પોઝીટીવ રિઝલ્ટ્સ !’ જગદેવ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘પરંતુ આપ મને માત્ર વાતો કરીને જ ટાળો છો. મેં મારી વગ વાપરીને જયરાજ વિરુદ્ધ વોરંટ પણ કઢાવ્યું છે ! તેના વિશે કોઈ પણ જાતની બાતમી આપનાર માટે ઇનામ પણ જાહેર કર્યું છે ! આપની અડધી મુશ્કેલીઓ તો મેં જ દૂર કરી નાખી છે. પરંતુ આપે અત્યાર સુધીમાં શું કર્યું છે ?’

 ‘તમે એક વાત મગજમાં રાખો મિસ્ટર મરચંટ કે બેવડાં ખૂનનો આ ગુનેગાર એક પોલીસ ઇન્સ્પેક્ટર છે. પોલીસની દરેક કાર્યપદ્ધતિથી તે વાકેફ હોય જ એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. આ સંજોગોમાં આવા માણસને પકડવામાં થોડો સમય લાગે એ તો સ્વાભાવિક જ છે ! તમે તમારા દીકરાના ખૂનીને પકડાવવા માટે અંગત રીતે રસ દાખવ્યો છે ને પ્રયાસો કર્યા છે, એ તો હું પણ કબૂલ કરું છું !’

 ‘અજીત મારો સૌથી કુશળ અને હોશિયાર દીકરો હતો !’ કહેતાં કહેતાં જગદેવનો અવાજ ગળગળો થઇ ગયો, ‘એણે પૂરી ખંત અને લગનથી મારો અડધો બિઝનેસ સાંભળી રાખ્યો હતો.’

 ‘હું સમજું છું !’ ભાટીયા ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘આ કેસ ઉકેલવા માટે મેં સી.આઈ.ડી.ના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકાર પણ માંગ્યો છે. હું તેમની સાથે તમારી મુલાકાત કરાવવા માંગુ છું.’

 ‘કેસની તપાસ એના હાથમાં છે ?’

 ‘હા...નાગપાલના નામ અને કામથી તો તમે પણ કદાચ પરિચિત હશો. અત્યારે તે અહીં જ હાજર છે !’

 ‘તેઓ સી.આઈ.ડી. ની ઓફીસમાં નથી બેસતા ?’ 

 ‘બેસે છે...પરંતુ અહીં પોલીસ હેડક્વાર્ટરમાં પણ સરકારના આદેશથી તેમને માટે એક અલગ ઓફીસ રાખવામાં આવી છે.’ કહીને ભાટીયાએ ટેબલ પર પડેલી ઘંટડી વગાડી.

 વળતી જ પળે દરવાજો ઉઘાડીને એક સિપાહી અંદર પ્રવેશ્યો.

 ‘મિસ્ટર મરચંટને નાગપાલની ઓફિસમાં લઇ જા...!’ ભાટીયાએ સિપાહીને ઉદ્દેશીને કહ્યું. પછી પુનઃ જગદેવ સામે જોતાં બોલ્યો, ‘જાઓ મિસ્ટર મરચંટ !’

 જગદેવ ઊભો થયો.

 તે આશરે સિત્તેર વર્ષની વય ધરાવતો હતો. પરંતુ સુખી જીવનને કારણે એની ઉંમર માંડ પંચાવન વર્ષ જેટલી લાગતી હતી. આમ તો તે ભરતપુર રહેતો હતો અને પોતાના પુત્ર અજીતનું ખૂન થયું, ત્યારથી વિશાળગઢમાં જ ધામા નાંખીને પડ્યો હતો. નાગપાલ પર તેમને પૂરેપૂરો ભરોસો હતો. નાગપાલ ચોક્કસ જ આ કેસ ઉકેલી નાંખશે એ વાતની તેને પૂરી ખાતરી હતી.

 જગદેવ ઉભો થઇ, ભાટીયા સાથે હાથ મિલાવીને દરવાજા તરફ આગળ વધી ગયો.

********

 જયરાજ, અનિતા અને પપ્પુ હોટલમાં બેઠાં હતાં.

 વેઇટરને ચા લાવવાનું જણાવ્યા બાદ જયરાજે અખબારનાં પાનાં ઉથલાવવાનું શરુ કર્યું.

‘પાછળના પાના પર ..!’ અનિતા ધીમેથી બોલી.

 જયરાજે અખબારને ફેરવ્યું. છેલા પાના પર, લગભગ એક ચતુર્થાંશ જેટલા ભાગમાં એક જાહેરાત છપાયેલી હતી.

 એની આંખો જાહેરાતના લખાણ પર ફરવા લાગી. લખાણની ઉપરના ભાગમાં તેનો ફોટો છપાયેલો હતો.

 “જીવતો અથવા મરેલો જોઈએ છે ! ઇનામ દસ હજાર ...!”

 ઉપર દર્શાવેલ ફોટો જયરાજ ચૌહાણ નામના માણસનો છે...! જયરાજ બે ખૂનો કરીને નાસી છૂટ્યો છે. તેને પકડવાનું અથવા તો શૂટ કરી નાંખવાનું વોરંટ પણ નીકળી ગયું છે. જે કોઈ શખ્સ જયરાજને પકડાવવામાં મદદરૂપ થશે તેને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. જયરાજ ચૌહાણ નામનો આ શખ્સ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને પોતાની સર્વિસ રિવોલ્વર પણ તેની પાસે જ છે. જયરાજ ચૌહાણ વિશે બાતમી આપો અને દસ હજાર રૂપિયા મેળવો.વિશેષ વિગતો માટે વિશાળગઢ પોલીસ અથવા તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધો.જયરાજને જીવતો કે મરેલો પકડવામાં મદદરૂપ થનાર આસામીનું નામ ગુપ્ત રાખવામાં આવશે.!

 ઉપર જે ફોટો છપાયેલો હતો, એમાં તે વર્દીમાં હતો.

 ‘હું આ બ્લેક વોરંટને પડકારીશ ...! જયરાજ અખબારને એક તરફ મૂકીને ઉશ્કેરાટભર્યા અવાજે બોલ્યો, ‘હું આરોપી તો હોઈ શકું છું, પણ ગુનેગાર નહીં ..! ન્યાયની પ્રક્રિયા જોયા-જાણ્યા વગર કોઈને કેવી રીતે ગુનેગાર માની શકાય ..? આ જાહેરાત પ્રમાણે તો મને સીધો જ ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે ..!’

 ‘તમે તમારી પત્ની તથા તેના પ્રેમીનાં ખૂનો કર્યાં હતાં ...! એ બંનેને શરમજનક હાલતમાં જોઇને તમે ક્રોધાવેશથી મગજ પરનો કંટ્રોલ ગુમાવી બેઠા અને તમારી સર્વિસ રિવોલ્વરમાંથી તેમને ગોળીઓ ઝીંકી દીધી ...!’

 ‘તને એવું લાગે છે ખરું...?’ જયરાજે અનિતાને એકવચનમાં સંબોધીને રોષભરી નજરે તેની સામે તાકી રહેતાં પૂછ્યું.

 ‘આ બધું તો અખબારમાં નથી છપાયું ...! મારે વિશે તું આટલું બધું કેવી રીતે જાણે છે ?’ જયરાજે શંકાભરી દ્રષ્ટિએ તેની સામે જોતાં પૂછ્યું.

 તેઓ ખૂબ જ ધીમા અવાજે વાતો કરતાં હતાં.

 વેઈટર ચાના કપ લઇ આવ્યો એટલે તેઓ ચૂપ થઇ ગયાં.

 નાનકડો પપ્પુ કૌતુકભરી નજરે પોતાના “ભિખારી અંકલ” સામે જોતો હતો. અલબત્ત, એટલું તો તે જરૂર સમજી ગયો હતો કે ‘ભિખારી અંકલ’ ની પાછળ પોલીસ પડી છે અને એટલા માટે જ તેઓ ભિખારી જેવી જીંદગી જીવે છે .

 વેઈટરના ગયા પછી જયરાજે ફરીથી પ્રશ્નાર્થ નજરે અનિતા સામે જોયું.

 ‘હું વિશાલગઢના એક સાંજના દૈનિક અખબારમાં પ્રૂફરીડર છું ...!’ અનિતા ભાવહીન અવાજે બોલી, ‘એટલે વિશાલગઢમાં બનેલા આવા બનાવો અમારા અખબારમાં પણ છપાય એ તો સ્પષ્ટ જ છે ! મેં આવા કેટલાય સમાચારોનાં પ્રૂફ તપાસ્યાં હતાં. બસ, આ કારણસર જ મને એ બેવડા ખૂન કેસની બધી વિગતોની ખબર છે !’

 ‘મારો દેખાવ તો બદલાયેલો છે. તો પછી આ રૂપમાં તેં મને કેવી રીતે ઓળખી કાઢ્યો ...?’ જયરાજે પૂછ્યું.

 અનિતાના જવાબથી સંતોષ ન થયો હોય એવા હાવભાવ તેના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.

 ‘હું એક મેગેઝીન માટે આર્ટ વર્કથી માંડીને પેસ્ટીંગ સુધીનું કામ પણ કરું છું. મેગેઝીન ફિલ્મી હોવાને કારણે મારે કેટલાય હીરો-હીરોઈનનાં જુદી જુદી ભુમિકાઓના અલગ અલગ મેકઅપવાળા ફોટા પેસ્ટ કરવાના હોય છે. આ કારણસર મને હીરો-હીરોઇનોના ફોટાનું બારીકાઈથી અવલોકન કરવાની ટેવ તથા ઓળખવાની ટેવ પડી ગઈ છે. કોઈ પણ હીરો કે હીરોઈનના ગમેતેવા મેકઅપવાળા ફોટાને હું જોતાવેંત જ ઓળખી બતાવું છું.તમારો ફોટો જોયા પછી કોણ જાણે કેમ મને એવો ભાસ થયો કે હું આ ફોટાવાળા માણસને ક્યાંક જોઈ ચુકી છું. પછી મેં જયારે વાંચ્યું કે આ ઇન્સ્પેક્ટર પાસે પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે, ત્યારે હું એકદમ ચમકી ગઈ. મને તરત જ ટ્રેનમાં બનેલો બનાવ યાદ આવ્યો. કારણ કે પેલા દાઢીધારી બદમાશના કહેવા મુજબ તમારી પાસેની રિવોલ્વરને કોઈક પોલીસવાળાની રિવોલ્વર તરીકે ઓળખી હતી. ફોટા જોયા પછી મને તમે યાદ આવ્યા.મેં તમારા વાળ તથા દાઢી વધેલી હો એવા ચહેરાની કલ્પના કરી તો મને એ ફોટો તમારો જ લાગ્યો...!’

 અનિતાની તર્કશક્તિને જયરાજે મનોમન દાદ આપી.

 ‘વાહ...! તારે તો પોલીસ ખાતામાં હોવું જોઈએ ....!’ એ પ્રશંસાભરી નજરે અનિતા સામે તાકી રહેતાં બોલ્યો, ‘તારામાં વિશ્લેષણ કરવાની સ્વાભાવિક અને પ્રશંસનીય પ્રતિભા છે ..!’

 ‘તો મારું અનુમાન ખોટું નહોતું એ વાત તમે કબૂલ કરો છો ખરું ને ?’

 ‘કયું અનુમાન ....?’

 ‘એ જ કે તમે પોતે જ જયરાજ ચૌહાણ છો ..!’

 ‘તારું અનુમાન બિલકુલ સાચું છે ....!’

 ‘થેંકયુ...!’ અનિતા મનોમન ખુશ થતાં બોલી.

 ‘પરંતુ સાથે જ મારે એક બીજી વાત પણ કહેવી છે !’

 ‘બીજી વાત ...?’

 ‘હા..’

 ‘બીજી કઇ વાત ..?’

 ‘એ જ મારી પત્ની તથા અજીત મરચંટનાં ખૂનો મેં નથી કર્યાં .’

 ‘તો કોણે કર્યા છે ..?’

 ‘જો તેની મને ખબર હોત તો હું પોતે જ તેને પકડીને ઘટતાં ફેજે પહોંચાડી દેત ..!’ જયરાજ ગમગીન અને વિષાદભર્યા અવાજે બોલ્યો, ‘પરંતુ ખૂની ખૂબ જ બુદ્ધિશાળી અને ચાલાક હતો. હું જ ખૂની પુરવાર થઉં એવા સંજોગો અને પુરાવાઓ એણે ગોઠવ્યા હતાં ...!’

 ‘બરાબર છે, પણ ...’

 ‘પણ, શું ...?’

 ‘તમારે નાસવું નહોતું જોઈતું.’

 ‘કેમ ..?’

 ‘તમારા આ પગલાંથી તો તમે હાથે કરીને જ, તમે પોતે જ ખૂની છો એવું પુરવાર કરી બતાવ્યું છે .’

 ‘આ શબ્દો દ્વારા તું અફસોસ કરે છે કે પછી મને સમજાવે છે ?’ જયરાજે વેધક અવાજે પૂછ્યું.

 એનો સવાલ સાંભળીને અનિતાના ચહેરા પર ભોંઠપ ફરી વળી.

 જયરાજ કોઈ નાનો બાળક નહીં, પણ એક જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને નાસી છૂટવાના પગલાંથી પોતાને જ નુકસાન થશે એ વાત બહુ સારી રીતે સમજતો હતો. 

 પરંતુ અનિતાના મગજમાંથી કદાચ આ વાત નીકળી ગઈ હતી એટલા માટે જ તે ભોંઠપ અનુભવતી હતી.

 ‘સોરી !’ એણે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું.

 ‘એમાં સોરીની કઇ જરૂર નથી.’ જયરાજ પોતાનો કપ ઊંચકતાં સ્મિતસહ બોલ્યો, ‘ગેરસમજ તો બધાંથી થાય ! ભૂલ પણ થાય ! માણસ માત્ર ભૂલને પાત્ર 

જો કોઈ એમ કહેતું હોય કે પોતાનાથી ક્યારેય ભૂલ થતી નથી તો ચોક્કસ તે ભગવાન છે એમ માની લેવું ! પરંતુ આપણે માણસ જાતની વાત કરીએ છીએ. જો આપણા થકી કોઈને કંઈ ગેરસમજ થઇ હોય તો આ ગેરસમજ દૂર કરવાની આપણી ફરજ છે. મારા પ્રત્યે પણ તારા મનમાં આવી જ કોઈક ગેરસમજ ઉભી થઇ હોવાને કારણે તેં મને ખૂની માની લીધો. પરંતુ મેં હમણાં જ કહ્યું તેમ મારી પત્ની કે અજીત મરચંટનાં ખૂનોમાં મારો કોઈ હાથ નથી. મારી સામે જે સંજોગો હતા, એના વિશે હવે હું તને જણાવું છું. બધું દીવા જેવું સ્પષ્ટ હતું. જો હું ન નાસી છૂટ્યો હોત તો મને જ એ બંનેનાં ખૂનોનો આરોપી માની લેવામાં આવત અને સાચો ખૂની અંધારામાં જ રહેત ! આ સાચા ખૂનીને આજની તારીખમાં માત્ર હું જ શોધી શકું તેમ છું.’

 ‘પોલીસને તો આજે પણ એવી ખાતરી છે કે એ બંનેનાં ખૂનો તમે જ કર્યા છે !’ અનિતાએ પોતાનો કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં કહ્યું.

 જયરાજે પણ પોતાનો કપ ખાલી કરી નાંખ્યો અને પછી ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને એક સિગારેટ પેટાવી.

 બીલ ચૂકવીને તેઓ હોટલમાંથી બહાર નીકળ્યાં.

 ‘આઠ વાગી ગયા છે !’ બહાર નીકળ્યા બાદ એ ગંભીર અવાજે બોલ્યો, ‘હવે આપણે તું જે કામસર હરદ્વાર આવી છો, તેને પાર પાડવાનો પ્રયાસ કરવો જોઈએ !’

 ‘પિતાજી મળી જશે ?’

 ‘એ તો અત્યારથી ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકાય ?’ જયરાજે ખમચાતા અવાજે કહ્યું, ‘તારા પિતાજીના મળવાની શક્યતા હોય, એવી દરેક જગ્યાએ હું તને લઇ જઈશ ! બાકી તો હરી ઈચ્છા બળવાન !’

 અનિતા ધીમેથી માથું હલાવીને રહી ગઈ. 

***************