Santaap - 5 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | સંતાપ - 5

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સંતાપ - 5

૫. નાગપાલની તપાસ...!

 બીજે દિવસે સવારે ચાવાળો છોકરો ચા લઈને ગેરેજમાં પહોંચ્યો ત્યારે જ રાજેન્દ્રના ખૂનની વાત બહાર આવી.

 તાબડતોબ પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી.

 રાજેન્દ્ર સાથે સંકળાયેલો હોવાને કારણે નાગપાલ તરત જ જરૂરી સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી ગયો. ફોરેન્સિક વિભાગ તથા ફોટોગ્રાફરની કાર્યવાહી પૂરી થયાં પછી એણે બારીકાઇથી ઓફીસનું નિરીક્ષણ કર્યું. પરંતુ ત્યાંથી તેને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળી. ઓફિસમાં સેન્ટની તૂટેલી બોટલને કારણે તીવ્ર ગંધ ફેલાયેલી હતી.

 કેપ્ટન દિલીપ પણ અત્યારે નાગપાલની સાથે આવ્યો હતો.

 એ ચૂપચાપ નાગપાલની કાર્યવાહી જોતો હતો.

 ‘ખૂની ખૂબ જ ચાલક છે !’ નાગપાલે ઉભડક પગે બેસીને લાશનું નિરીક્ષણ કરતાં કહ્યું, ‘ગુનો થયા પછી કરવામાં આવતી શોધખોળ અને તપાસની કાર્યવાહીથી પણ તે સંપૂર્ણપણે વાકેફ છે. ગોળી બરાબર હૃદય પર વાગી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ખૂની અચૂક નિશાનબાજ છે ! ચીસ નાખતાં પહેલાં જ મરનારનો જીવ નીકળી ગયો હશે. ખૂન કર્યા પછી ખૂનીએ કોઈ પુરાવો છોડ્યો નથી. પરસેવાની ગંધ પારખીને પોલીસ ડોગ તેના સુધી ન પહોંચી શકે એટલા માટે એણે સેન્ટનો ઉપયોગ કર્યો છે. ખૂન કરવા માટે એણે માત્ર એક જ ગોળી છોડી છે !’

 દિલીપે ધીમેથી સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 ‘નાગપાલ સાહેબ !’ એ જ વખતે ફોટોગ્રાફર તેની પાસે આવીને બોલ્યો, ‘પગલાંની છાપના ફોટા પણ પાડવાના છે ?’

 ‘ના...’ નાગપાલે નકાર ઢબે માથું હલાવતાં કહ્યું, ‘ખૂની ખૂબ જ ચાલક છે. માત્ર પગલાંની છાપના આધારે તેના સુધી પહોંચવામાં આપણને કોઈ મદદ મળે એવું મને નથી લાગતું. આમેય અહીં માણસોની અવરજવર ચાલુ હોય છે એટલે ખૂનીના પગલાંની છાપ શોધવી લગભગ અશક્ય છે.’

 ફોટોગ્રાફર ધીમેથી માથું હલાવીને રહી ગયો. નાગપાલ અને દિલીપ બહાર નીકળી આવ્યા.

 ‘ખૂનનો હેતુ પણ નથી સમજતો અંકલ !’ દિલીપ બોલ્યો.

 ‘ખૂનની એક શક્યતા મને દેખાય છે અને તે એ કે રાજેન્દ્ર ઇન્સ્પેક્ટર જયરાજની ખૂબ જ નિકટ હતો !’

 ‘તો શું તમે આ ખૂનને પણ પેલા બેવડા ખૂનની જ કડી માનો છો ?’ દિલીપે ચમકીને પૂછ્યું.

 ‘ના...પરંતુ એ શક્યતા પ્રત્યે પણ આંખ આડા કાન કરી શકાય તેમ નથી.’ એ જ વખતે પોલીસ સર્જન બહાર આવ્યો.

 ‘મરનારનું મોત ગોળી વાગવાને કારણે જ નિપજ્યું છે !’ એણે પોતાની પ્રાથમિક તપાસનો રીપોર્ટ આપતાં કહ્યું.

 ‘અને ખૂનનો સમય ?’ નાગપાલે પૂછ્યું.

 ‘ખૂન રાત્રે આઠથી દસ વાગ્યાની વચ્ચે થયું હોવું જોઈએ !’

 ‘બીજી કોઈ ખાસ વાત ?’

 ‘ના...આ સિવાય હું જે રીપોર્ટ આપીશ, એનાથી પણ આપને કોઈ મદદ નહીં મળે. એ પોસ્ટમોર્ટમની ભાષા હશે જે ડેમેજડ હાર્ટ વોઝ ક્રોસ ટુ ડેથ !’

 ‘ઓહ...થેંક્યું ડોક્ટર સાહેબ !’

 ડોકટરે ધીમેથી માથું હલાવીને એના ‘થેંક્યું’નો જવાબ આપ્યો.

 ‘અંકલ, તમે રાજેન્દ્રને ઓળખતા હતા ?’ સહસા દિલીપે પૂછ્યું.

 ‘હા...ગઈ કાલે હું તેની પાસે રોકાયો પણ હતો ! જયરાજે તેનો સંપર્ક સાધ્યો છે કે નહીં, એ હું જાણવા માંગતો હતો. પરંતુ એણે મને કશુંય નહોતું જણાવ્યું. જો જણાવ્યું હોય તો અત્યારે કદાચ તે જીવતો હોત ! એને પોતાના પ્રાણ ગુમાવવાનો વખત ન આવત !’

 ‘આપ અજીત અને સુમનના ખૂન કેસ સાથે રાજેન્દ્રના ખૂનને શા માટે સાંકળો છો ?’

 ‘દિલીપ, તું એ બેવડાં ખૂન અને રાજેન્દ્રના ખૂન વચ્ચેનો એક ખાસ સંબંધ નથી જોઈ શક્યો !’ નાગપાલ ધીમા અવાજે બોલ્યો.

 ‘ખાસ સંબંધ ?”

 ‘હા...રાજેન્દ્રના ખૂન માટે ખૂનીએ એક જ ગોળીનો ઉપયોગ કર્યો છે. એવી જ રીતે અજીત મરચંટ અને સુમનનાં ખૂનો કરવા માટે પણ ખૂનીએ એ જ રીત અપનાવી હતી. ફર્ક માત્ર એટલો જ છે કે તેમને છાતીમાં ગોળી મારવામાં આવી હતી જયારે રાજેન્દ્રને હૃદય પર ! પરંતુ ત્રણેયને ગોળી એવા ભાગમાં મારવામાં આવી હતી કે ચોક્કસ જ તેઓ મૃત્યુ પામે !’

 ‘ઓહ...તમે બહુ બારીક કડી મેળવી છે !’ દિલીપના અવાજમાં પ્રશંસાનો સૂર હતો.

 ‘આ ગેરેજમાં રાજેન્દ્ર ઉપરાંત બીજા ત્રણ કારીગરો કામ કરતા હતા. તેઓ આઠ વાગ્યા સુધીમાં કામે આવી જશે. આઠમાં દસ મિનિટની વાર છે. કદાચ તેમની જુબાની પરથી આપણને કોઈ નવી વાત જાણવા મળે એ બનવાજોગ છે ! ચાલ, ચા પી આવીએ !’

 ‘ચા ?’ જાણે નાગપાલ પાગલ થઇ ગયો હોય એવી નજરે તેની સામે તાકી રહેતાં દિલીપ બોલ્યો, ‘તમે તો ઘણા સમયથી ચા પીવાનું છોડી દીધું છે અંકલ...’

 ‘બરાબર છે...પરંતુ ખૂન જેવા મામલામાં ચાની રેંકડી સામે હોય તો ચા પીવાથી લાભ થાય છે !’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું.

 ‘કમાલ કહેવાય !’ દિલીપ આશ્ચર્યથી બબડ્યો.

 ‘સાચી કમાલ તો હવે જ તને જોવા મળશે !’ કહીને નાગપાલ હસ્યો.

 બંને આગળ વધીને ચાની લારી પાસે પહોંચ્યા.

 નાગપાલે બેંચ પર બેસીને બે ચાનો ઓર્ડર આપ્યો અને પછી ચા બનાવી રહેલા માણસને ઉદ્દેશીને પૂછ્યું, ‘જે છોકરાએ ગેરેજના માલિક રાજેન્દ્રની લાશ જોઈ હતી, તે ક્યાં છે ?’

 ‘મેં જોઈ હતી સાહેબ !’ કહીને પંદરેક વર્ષનો એક છોકરો આગળ આવ્યો.

 ‘શું નામ છે તારું ?’ નાગપાલે કોમળ અવાજે પૂછ્યું.

 ‘જી, ગોપાલ !’

 ‘ગોપાલ...તું ચા લઈને ગેરેજમાં ગયો હતો ?’

 ‘હા..’ 

 ‘પછી ?’

 ‘ત્યાં મેં રાજેન્દ્ર સાહેબની લાશ જોઈ. હું ગભરાઈને તરત જ બૂમો પાડતો બહાર નીકળી ગયો.’

 ‘બીજું ?’

 ‘બસ, બીજું કંઈ નહીં સાહેબ !’

 એ જ વખતે ચા આવી ગઈ. ચા લારીનો માલિક પોતે જ લાવ્યો હતો.

 ‘અને તારું નામ શું છે ?’

 ‘બનવારીલાલ !’

 ‘અહીં કેટલા સમયથી ધંધો કરે છે ?’

 ‘ચારેક વર્ષથી !’

 ‘અહીં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રાતના સમયે પણ ચાના ઓર્ડર આવતા હશે ?’

 ‘હા...હું અહીં લારી પાસે જ સૂઈ જઉં છું !’

 ‘તું રાતના કેટલા વાગ્યા સુધી ચા બનાવે છે ?’

 ‘દસ વાગ્યા સુધી...!’

 નાગપાલે પોતાનો કપ ઊંચકીને એક ઘૂંટડો ભર્યો.

 ‘વાહ...ચા તો સરસ બની છે !’ એણે કહ્યું.

 ‘આપને માટે સ્પેશિયલ બનાવી છે સાહેબ...!’ બનવારીલાલ ખુશ થતાં બોલ્યો.

 ‘કેમ દિલીપ ? મેં કહ્યું હતું ને કે ચા પીવામાં મજા આવશે !’ નાગપાલ દિલીપને ઉદ્દેશીને અર્થસૂચક અવાજે બોલ્યો.

 ‘હા...કહેવું પડે હો ..!’ દિલીપે લિજ્જતથી ચાનો ઘૂંટડો ભરીને માથું ધુણાવતાં કહ્યું.

 ‘ભાઈ બનવારી, કાલે રાત્રે તું કેટલા વાગ્યા સુધી ચા બનાવતો હતો ...?’ નાગપાલે વેધક નજરે બનવારીલાલના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

 ‘દસ વાગ્યા સુધી ...!’

 ‘તું રાજેન્દ્રને ઓળખાતો હતો ...?’

 ‘હા...તેઓ ખૂબ જ નેક અને સજ્જન માણસ હતાં!’

 ‘એના ખૂન વિશે તું કશુંય જાણે છે ...?’

 ‘ના,સાહેબ...!’ બનવારીલાલ વ્યાકુળ અવાજે બોલ્યો. વાત પૂરી કરીને એણે ગોપાલ સામે જોયું.

 ગોપાલે બીજી તરફ મોં ફેરવી લીધું હતું.

 ‘જો બનવારીલાલ...!’ નાગપાલનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો, ‘તારી લારી ગેરેજની બરાબર સામે છે ! ગેરેજની અંદર ઓફિસમાં આવ-જા કરતા માણસોને અહીંથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રાજેન્દ્રનું ખૂન કાલે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચેના સમય ગાળામાં થયું છે 

. તારા કહેવા મુજબ તું દસ વાગ્યા સુધી અહીં હતો. ખૂની તારી હાજરીમાં જ ગેરેજમાં ગયો અને એણે રાજેન્દ્રનું ખૂન કરી નાખ્યું. હવે જો તું એના વિશે કશુંય જણાવી શકે તો....’

 ‘ના, સાહેબ ..!’ બનવારીલાલે વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં કહ્યું, ‘મેં કશુંય નથી જોયું. હું ચાની ભૂક્કી લઇ આવું સાહેબ ..!’

 ‘ચાની ભૂક્કી લાવીને શું કરીશ ભાઈ બનવારી...?’ નાગપાલે ઠાવકા અવાજે પૂછ્યું.

 ‘ચા બનાવવા માટે ભુક્કીની તો જરૂર પડે જ ને સાહેબ..!’

 ‘ના, .....આ રેંકડી જ અહીં નહિ રહે તો પછી ચા કેવી રીતે બનશે..?’

 ‘એટલે.....?’

 ‘એટલુય ન સમજ્યો? ભલા માણસ, બપોર સુધીમાં પોલીસ તારી લારી અહીંથી ખસેડાવી લેશે!’

 ‘પણ...પણ મારો વાંક શું છે સાહેબ...?’ બનવારીલાલે રડમસ અવાજે પૂછ્યું.

 ‘વાંક તો બહુ મોટો છે ...!’નાગપાલ કર્કશ અવાજે બોલ્યો, ‘ખૂન જેવા મામલામાં પણ તું મોં બંધ રાખીને બેઠો છે. તું ખૂન વિશે જાણે છે એ વાત તારા ચહેરા પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે !’

 બનવારીલાલનો ચહેરો સફેદ થઇ ગયો.

 એની આંખોમાં ગભરાટ છવાયો.

 ‘હું....હું...’

 ‘હું ...હું ..કરવાને બદલે વિચાર કર કે રાજેન્દ્ર તારો ગ્રાહક હતો. તું અહીં ગ્રાહકોના આધારે જ તારું ગુજરાન ચલાવે છે. તેં પોલીસને તેની તપાસમાં સહકાર નથી આપ્યો, એ હકીકત જાણ્યા પછી અહીના લોકો તને ભગાડી મૂકશે. તારો ધંધો પડી ભાંગશે ...!’

 ‘સાહેબ, હું બાલ-બચ્ચાંવાળો માણસ છું. જો એ જ ખૂની હશે, તો તે મને પણ મારી નાખશે!’ બનવારીલાલ વ્યાકુળ અવાજે બોલ્યો.

 ‘તને કશુંય નહીં થાય....!’ નાગપાલે તેના ખભા પર હાથ મૂકીને આશ્વાસન આપતાં કહ્યું, ‘ખૂની ન પકડાય ત્યાં સુધી તને પોલીસનું રક્ષણ આપવામાં આવશે...!’

 ‘સાહેબ...!’ બનવારીલાલ ધીમા અવાજે બોલ્યો, ‘અમે કાલે રાત્રે એક હબસી જેવા માણસને ગેરેજની અંદર પ્રવેશીને ઓફિસમાં જતો જોયો હતો. લગભગ વીસ મિનિટ સુધી અંદર રોકાયા બાદ તે એકલો જ બહાર નીકળ્યો હતો. જતી વખતે તે ગેરેજનો દરવાજો પણ બંધ કરતો ગયો હતો !’

 ‘જરૂર એણે જ રાજેન્દ્રનું ખૂન કર્યું હશે ...!’ દિલીપે પહેલી જ વાર મોં ઉઘડતાં કહ્યું, ‘ખેર, ત્યાર પછી કોઈ અંદર ગયું હતું ?’

 ‘ના, સાહેબ..!’

 ‘એ હબસીનો દેખાવ કેવો હતો ?’ નાગપાલે એની આંખોમાં પોતાની આંખો પરોવતાં પૂછ્યું.

 ‘તે એક મજબુત શારીરિક બાંધો ધરાવતો માણસ હતો.એનું નાક હબસી જેવું ચપટું અને તૂટેલું હતું. માથાના વાળ વાંકડિયા અને ટૂંકા હતાં. એના કપાળ પર કોઈક જૂના ઝખમનું નિશાન હતું અને હોઠ જાડા તથા ખરબચડા હતાં. તે જયારે બોલતો હતો ત્યારે એના ઉપરના બે દાંત તૂટેલા દેખાતાં હતા.’

 ‘બોલતો હતો ...?’ નાગપાલે ચમકીને પૂછ્યું, ‘તેં વળી ક્યારે એણે બોલતો જોયો હતો ?’

 ‘થોડા દિવસથી તે ચા પીવા માટે અહીં બેસી રહેતો હતો. તે કલાકો સુધી અહીં બેસતો હતો અને દર અડધી કલાકે ચા પીતો હતો.’

‘ઓહ....આનો અર્થ એ થયો કે તે ગેરેજ પર નજર રાખતો હતો..! ખેર, ગઈકાલે હું જયારે અહીં આવ્યો, ત્યારે તેં મને જોયો હતો.’

 ‘કાલે સાંજે જીપમાં આપ જ આવ્યા હતાં...?’

 ‘હા...;

 ‘એ વખતે પણ તે અહીં જ બેઠો હતો સાહેબ...! એ ખૂબ જ ઓછું બોલતો હતો. એની ભાષા પણ અભણ ગામડિયા જેવી હતી.’

 ‘એટલે..?’

 ‘એટલે એમ કે તે ચા પીવી હોય તો “અડધી સા આપો ....!” એમ કહેતો હતો.

 ‘એણે કેવાં વસ્ત્રો પહેર્યાં હતાં ...?’

 ‘તે હંમેશાં કાળું પેન્ટ અને પોપટિયા કલરનો લાંબો ઓવરકોટ પહેરતો હતો...!’

 ‘બીજી કોઈ ખાસ વાત ...?’

 ‘હા, એક છે ...! રાજેન્દ્ર સાહેબનો એક કારીગર તેનો ખાસ પરિચિત લાગતો હતો. બંને ખૂબ જ ધીમા અવાજે ક્યારેક વાતો કરતાં હતા...!’

 ‘એ કારીગરનું નામ શું છે ?’

 ‘જમશેદ ...! પંદર-સત્તર વરસનો છોકરો છે.!’

 નાગપાલે એક ઊંડોશ્વાસ લીધો. ગઈ કાલે સાંજે એન્જિન સાફ કરી રહેલો કારીગર તેને યાદ આવ્યો.

 ‘આ જમશેદ તો એ જ ને કે જેની આંખો ભૂરી છે?’ ખાતરી કરવાના હેતુથી એણે પૂછ્યું.

 ‘હા, એ જ ...મેં એને હબસી સાથે વાત કરતાં જોયો હતો!’

 ‘ગઈકાલે પણ તેમની વચ્ચે કંઈ વાતચીત થઇ હતી ?’

 ‘હા...’

 ‘તેં ક્યારેય એ બંને વચ્ચે થતી વાત નથી સાંભળી ...?’

 ‘ના, સાહેબ ....!’

 પૂછપરછ દરમિયાન બંને પોતપોતાના કપ ખાલી કરી ચુક્યા હતા.

 નાગપાલે ગજવામાંથી દસ રૂપિયાવાળી એક નોટ કાઢીને ટેબલ પર મૂકી અને પછી બોલ્યો, ‘ઠીક છે ....હું બે સિપાહીને અહીં તારા રક્ષણ માટે ગોઠવી દઉં છું. જો તને ..’

 ‘ના, એની કંઈ જરૂર નથી સાહેબ ....! બસ, મારું નામ ક્યાંય વચ્ચે ન આવવું જોઈએ !’

 ‘તારું નામ વચ્ચે આવવાનો સવાલ જ ઊભો નથી થતો. અમે અમારા સાક્ષીઓની સલામતીનું ધ્યાન રાખીએ છીએ !.’

 ‘સાહેબ,....આ છોકરાએ તેમની એક વાત સાંભળી હતી !’ અચાનક બનવારીલાલ ચા આપીને પાછા આવેલા એક છોકરાને જોઇને બોલ્યો . પછી એણે બૂમ પાડીને તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ‘તેં જમશેદ તથા પેલા ચપટા નાકવાલા હાબસી વચ્ચેની કાલે જે વાતચીત સાંભળી હતી, એ સાહેબને જણાવી દે !’

 ‘સાહેબ,...!’ છોકરો નાગપાલ સામે જોતાં બોલ્યો, ‘ગઈકાલે જમશેદે હબસીને એવું કહ્યું હતું કે ચૌહાણનો પત્ર આવ્યો છે ...! ત્યારે હબસી એમ બોલ્યો હતો કે ----શાબાશ ..! તેં ઇનામ મેળવવાને લાયક કામ કર્યું છે !’

 ‘તને બરાબર યાદ છે ...?’ એણે ચૌહાણના નામનો જ ઉલ્લેખ કર્યો હતો..?’

 ‘હા, સાહેબ....! એણે એ જ નામ ઉચ્ચાર્યું હતું !’ છોકરો મક્કમ અવાજે બોલ્યો.

 ‘શાબાશ ..!’ નાગપાલે ગજવામાંથી દસની એક નોટ કાઢીને તેને આપતાં કહ્યું, ‘આ તારું ઇનામ છે ...! હું ખુશ થઈને તને આપું છું!’ વાત પૂરી કરીને એણે તેની પીઠ થાબડી.

 છોકરાની છાતી આ ઇનામ અને વખાણથી ગજગજ ફૂલવા લાગી.

 ત્યાર બાદ બંને ઊભા થયા.

 ‘સાહેબ...રેંકડી તો....’

 ‘ના...ના...’ નાગપાલ હસીને બોલ્યો, ‘રેંકડી અહીં જ રહેશે ....! અમે એવા નીચ માણસ નથી કે કોઈની રીજીરોટી પર લાત મારીએ ....!’

 ‘મહેરબાની સાહેબ ....!’

 ‘કેમ દિલીપ ...?’ નાગપાલે દિલીપને ઉદ્દેશીને પૂછ્યું ,’ ચા કેમ લાગી ...?’

 ‘ઉત્તમ ..! અત્યંત સ્વાદિષ્ટ ....!’ દિલીપ લહેકો કરતાં બોલ્યો.

 નાગપલના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું .

 તેઓ ગેરેજમાં પાછા ફર્યા .

 અ દરમિયાન ગેરેજમાં કામ કરતા ત્રણમાંથી બે કારીગરો આવી ગયા હતા.જમશેદ હજુ નહોતો આવ્યો. નાગપાલે એ બંનેને પૂછપરછ કરી. તેઓ માત્ર એટલું જ જણાવી શક્યા કે તેમણે પણ ચપટા નાકવાળા હબસીને ચાની લારી પાસે જોયો હતો. પરંતુ જમશેદ તથા હબસી વચ્ચે કંઈ સંબંધ છે કે કેમ એ વિશે તેઓ કશુંય નહોતા જાણતા..!

 જમશેદ નહોતો આવ્યો અને એટલા માટે નાગપાલ એકદમ વ્યાકુળ થઇ ગયો હતો.

 ‘શું જમશેદ અવારનવાર આ રીતે મોડો આવે છે ...?’ છેવટે એણે એક કારીગરને પૂછ્યું.

 ‘ના..ક્યારેક જ એવું બને છે ....!’

 ‘તમારામાંથી કોઈએ એનું ઘર જોયું છે અથવાતો કોઈને તેના સરનામાની ખબર છે ?’

 ‘ના સાહેબ ...! અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે તે મહેતા રોડ પર ક્યાંક રહે છે ...!’ જવાબ મળ્યો. પરંતુ આ જવાબથી કોઈ લાભ થાય તેમ નહોતો.

 નાગપાલે એક કારીગર પાસેથી જમશેદના દેખાવનું વર્ણન મેળવીને એક સિપાહીને જણાવી દીધું. જો આવા દેખાવવાળો કોઈ છોકરો નજરે ચડે તો તેને અટકાવવો અને ચાવાળાને પૂછીને તે જ જમશેદ છે કે નહીં એની ખાતારી કરી લેવાની સૂચના પણ આપી.

 સિપાહીએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 નાગપાલ દિલીપને સાથે લઈને પોતાની જીપ તરફ આગળ વધી ગયો.

 રાજેન્દ્રની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

 ‘હવે કઇ તરફ જવું છે અંકલ...?’ દિલીપે પૂછ્યું.

 ‘એક દુઃખદ અને કષ્ટદાયક ફરજ બજાવવા માટે ...!’ નાગપાલે જવાબ આપતાં કહ્યું, ‘રાજેન્દ્રના મોતના સમાચાર એના કુટુંબીજનોને આપવા પડશે ...!’

 ‘તમે એનું ઘર જોયું છે ..?’

 ‘હા ...એક વખત હું જયરાજ સાથે એના ઘરે ગયો હતો. ઘરમાં એની વિધવા મા અને નાના ભાઈઓ છે...!’

 ‘રાજેન્દ્રનું ખૂન પણ પેલા બેવડા ખૂન કેસની કડી હોય એવું તમને લાગે છે ?’

 ‘કડી હોય એવી મને શંકા છે ...! આ બાબતમાં હાલતુરત ખાતરીપૂર્વક કશુંય કહી શકાય તેમ નથી. આપણે પેલા હબસીને શોધવો પડશે. અને ત્યાર પછી જ આપણને કંઇક નવું જાણવા મળશે!’

 ‘એ હબસી કોઈ ભાડૂતી ખૂની હોય એવું ન બને ...?’

 ‘જરૂર બની શકે તેમ છે. પરંતુ હું માનું છું ત્યાં સુધી એણે હબસીનો મેકઅપ કર્યો હતો અને એટલા માટે તેને સહેલાઈથી ઓળખી શકાય તેમ નથી.’

 ‘આવું તમે કયા આધારે કહો છો...?’

 ‘એના વિચિત્ર દેખાવ તથા પોતે અભણ ગામડિયો છે એવું દર્શાવતા તેના વર્તન પરથી...!’

 ‘ચૌહાણનો પત્ર મેળવવાના હેતુથી રાજેન્દ્રનું ખૂન કરવામાં આવ્યું હોઉં એવું બની શકે ખરું ...?’

 ‘હા...’ નાગપાલ મક્કમ અવાજે બોલ્યો, ‘બલકે એમ જ બન્યું છે ...!’

 ‘પરંતુ પત્ર તો તે રિવોલ્વરના જોરે પણ કબજે કરી શકે તેમ હતો....!’

 ‘હા...પરંતુ કાં તો રાજેન્દ્રએ પત્ર આપવાની ઘસીને ના પાડી હશે અથવા તો પછી એણે ખૂની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હશે! આ સંજોગોમાં એનું ખૂન કરવું ખૂની માટે જરૂરી બની ગયું હતું. આ ઉપરાંત એક બીજું કારણ પણ હોઈ શકે છે !’

 ‘બીજું કારણ ...?’

 ‘હા..’

 ‘બીજું વળી કયું કારણ હોઈ શકે ?’

 ‘ખૂનીનો હેતુ પત્રમાંથી સરનામું મળ્યા પછી મારી નાંખવાનો હતો. પરંતુ રાજેન્દ્રનું ખૂન કર્યા વગર એ શક્ય બને તેમ નહોતું.’

 ‘કેમ ..?’

 ‘કારણ કે પત્ર ખૂનીને સોંપી દીધા પછી રાજેન્દ્ર જયરાજને સાવચેત કરી શકે તેમ હતો. અને આવું થાય એમ ખૂની નહોતો ઈચ્છતો . પત્ર હાથમાંથી નીકળી ગયા પછી કદાચ રાજેન્દ્ર આપણી પાસે આવી શકે તેમ હતો. એ કોઈ પણ રીતે જયરાજનો સંપર્ક સાધીને તેને સમગ્ર હકીકતથી વાકેફ કરી શકે તેમ હતો.

અને રાજેન્દ્ર આવું પગલું ભરી શકે તેમ છે એ વાત ખૂની પણ બરાબર જાણતો ને સમજતો હતો. પરિણામે એણે પત્ર પોતાના કબજામાં આવ્યા બાદ તરત જ હંમેશને માટે રાજેન્દ્રનું મોં બંધ કરી દીધું.’

 દિલીપે ધીમેથી સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 બંને વાતો કરતાં કરતાં જીપમાં ગોઠવાયા.

 નાગપાલે જીપ સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.

******

 પોતાની માતાની તબિયત બતાવીને તેને રીક્ષામાં ઘેર રવાના કર્યા પછી બસમાં બેસીને જમશેદ ગેરેજ જવા નીકળ્યો.

 રહી રહીને એનું હૃદય જોરશોરથી ધબકતું હતું.

 એના દિલો-દિમાગમાં હબસીનો ખોફ છવાયેલો હતો.

 કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે એ માનવી પોતાના શેઠ રાજેન્દ્રને નુકસાન પહોંચાડી શકે તેમ છે .

 તે ગેરેજથી થોડે દૂર બસસ્ટોપ પર ઊતર્યો ત્યાં જ એ વિસ્તારમાં કામ કરતાં એક છોકરાની નજર તેના પર પડી.

 જમશેદને જોઇને એ ઉતાવળા પગલે તેની પાસે પહોંચ્યો.

 ‘તને ખબર પડી ગઈ ...?’ એણે શોધપૂર્ણ નજરે જમશેદના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

 ‘શું ? મને શેની ખબર પડવાની હતી ..?’ જવાબ આપવાને બદલે જમશેદે સામો સવાલ કર્યો.

 ‘તારા શેઠ રાજેન્દ્રનું રાત્રે કોઈકે ગોળી ઝીંકીને ખૂન કરી નાખ્યું છે.’

 અ સમાચાર સાંભળીને જાણે પોતાના માથા પર આભ તૂટી પડ્યું છે એવો ભાસ જમશેદને થયો.

 એ સ્તબ્ધ બની ગયો.

 એની નજર સામે હબસીનો ભયંકર ચહેરો વધુ ભયંકર બનીને તરવરી ઊઠ્યો.

 ‘પોલીસ તારે વિશે પણ પૂછપરછ કરતી હતી...!’ છોકરો પોતાની જ ધૂનમાં બોલ્યો, ‘ તે કદાચ તારી જુબાની લેવા માંગે છે !’

 ‘રાજેન્દ્ર સાહેબનો ખૂની શું કોઈ લુંટારો હતો ?’ 

 ‘ના,..ગલ્લાને તો એણે હાથ પણ નથી લગાવ્યો. તે કોઈક ખાસ વસ્તુ લેવા માટે આવ્યો હતો અથવા તો પછી એણે કોઈક અદાવતને કારણે તારા શેઠનું ખૂન કર્યું છે, એમ પોલીસ મને છે !’

 ‘આ તો ઘણું ખોટું થયું....!’ જમશેદ સ્વગત બબડ્યો.

 ‘પોલીસ કોઈક ચપટા અને તૂટેલા નાકવાળા હબસી વિશે પૂછપરછ કરતી હતી. એ હબસી કાયમ ગેરેજની સામે ચાની લારી પાસે બેસી રહેતો હતો.’

 ‘એમ ..?’ તેનસિંગને હિમાલય ચડવામાં જેટલી તકલીફ નહીં પડી હોય, એટલી તકલીફ કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કરતો આ એક શબ્દ મોંમાંથી બહાર કાઢવામાં જમશેદને પડી હતી.

 ‘હા...શું તું એને ઓળખાતો હતો ...?’

 ‘ના..’ જમશેદ હેબતાઈને બોલી ઊઠ્યો,’ હું એને કેવી રીતે ઓળખાતો હોઉં ?’

 ‘કાલે રાત્રે છઠ્ઠી ગલી પાસે તમને બંનેને વાતો કરતાં જોયા હતાં એટલે મને થયું કે તું કદાચ તેને ઓળખાતો હોઈશ....!’

 જમશેદનું કાળજું મોંમાં આવી ગયું.

 ‘હા....એ મારી પાસે માચીસ માંગતો હતો ...!’ એણે પોતાની જાત પર કાબૂ મેળવતાં કહ્યું.

 છોકરો થોડી પળો માટે મુંઝવણભરી નજરે એની સામે તાકી રહ્યો.

 ‘તારી પાસે માચીસ હતી ..?’ એણે શંકાભર્યા અવાજે પૂછ્યું.

 ‘કેમ ...?’

 ‘એટલા માટે કે એ માણસ જયારે ગલીમાં ઘુસ્યો,ત્યારે એના હોઠ વચ્ચે સળગતી સિગારેટ દબાયેલી હતી. જો વરસાદ હોય તો સિગારેટ કદાચ બુઝાઈ જાય એ સમજી શકાય એવી વાત છે.’

 ‘તારી વાત સાચી છે. પરંતુ કદાચ એની સિગારેટ ઢીલી હતી જેના કારણે એનો સળગતો છેડો નીકળી ગયો હતો.’

 ‘હા, એ બનવાજોગ છે !’ છોકરાએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 જમશેદે મનોમન છુટકારાનો શ્વાસ લોધો.

 છોકરાની શંકા એણે માટે જોખમરૂપ પુરવાર થઇ શકે તેમ હતી.એણે છોકરાને તો બહાનું કાઢીને ફોસલાવી લીધો હતો. પરંતુ આ બહાનું પોલીસના ગળે નહોતું ઊતરવાનું.

 એ ત્યાંથી જ પાછો જ ફરી ગયો.

 પોલીસ રાહ જુએ છે એના વિચારમાત્રથી જ તેનો કંઠ સુકાવા લાગ્યો હતો. ખૂનના ગુનામાં પોતાને પણ ખુનીનો સાથીદાર માની લેવામાં આવશે એની કલ્પના કરતાં જ એનું કાળજું કંપી ઉઠ્યું હતું.

 શું પોતે દસ હજાર રૂપિયા લઈને પોલીસ પાસે જાય અને તેને સાચી હકીકત જણાવી દે ? આમેય પોતાને ખૂની સાથે કંઈ સંબંધ તો છે નહીં ...? ખૂનીએ જયરાજ વિશે માહિતી પૂરી પાડવા માટે દસ હજાર રૂપિયાની લાલચ આપી હતી. પોતે આપેલી માહિતી કોઈને માટે જીવલેણ બની જશે એવી એ વખતે પોતાને ક્યાં ખબર હતી ?

 આ વિચારથી એણે થોડી રાહત અનુભવી. પરંતુ સાથે સાથે જ દસ હજાર રૂપિયાને કારણે એણે સપનાનો જે મહેલ બનાવ્યો હતો, એ પણ તેને તૂટી પડતો લાગતો હતો.

 તે આમતેમ ભટકતો વિચારતો હતો કે ----પોલીસ પાસે જવું કે દસ હજાર રૂપિયા બચાવવા માટે ચૂપ જ રહેવું ?

 પછી અચાનક તેને ચાવાળા બનવારીલાલનો વિચાર આવ્યો. પોતે હબસી સાથે વાતો કરતો હતો, એ વાત બનવારીલાલ પોલીસને જણાવી શકે તેમ હતો. કદાચ અત્યાર સુધીમાં જણાવી પણ ચૂક્યો હશે અને એટલા માટે જ પોલીસ પોતાની રાહ જુએ છે.

 આ શક્યતા મગજમાં આવતાં જ દસ હજારની લાલચ કપૂરની માફક ઓગળી ગઈ.

 છેવટે એણે પોલીસને મળવાનો નિર્ધાર કર્યો.

 તે ઉતાવળા પગલે નજીકના પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યો.

 પોલીસ સ્ટેશન બહુ દૂર નહોતું.

 એ જ વખતે પોલીસ સ્ટેશનથી દૂર એક કાર આવીને ઊભી રહી.

 કાર પ્રત્યે ધ્યાન આપ્યા વગર તે સડક ક્રોસ કરવા લાગ્યો.

 -----અને અહીં જ તેની ભૂલ થઇ.

 જો એણે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા માણસને જોયો હોત તો તે તરત જ ત્યાંથી નાસી છૂટ્યો હોત...! કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો માનવી બીજું કોઈ નહીં પણ પેલો હબસી જ હતો. એ હબસી, કે જેની વિરુદ્ધ જુબાની આપવા માટે તે પોલીસ સ્ટેશને જતો હતો.

 તે કારથી દસેક ફૂટ દૂર હતો ત્યારે જ એનું ધ્યાન ડ્રાઈવિંગ સીટ પર ગયું.

 એણે કાચની બારી પર રૂમાલથી ઢંકાયેલો હાથ જોયો.

 પછી એની નજર હબસીના રોષથી તમતમતા ચહેરા પર પડી.

 પળભર માટે એ થંભી ગયો.

 ‘ભાગ, જમશેદ ભાગ..!’ એના મગજમાં જોખમની ઘંટડી રણકી ઊઠી.

 પરંતુ તે નાસી ન શક્યો.

 મોતથી કોણ નાસી શક્યું છે ...?

 એ તો માણસ પાતાળમાં છુપાયો હોય તો ત્યાં પણ પહોંચી જ જાય છે...!

 રૂમાલથી ઢંકાયેલા હાથ તરફથી અચૂક નિશાનબાજીની કમાલ બતાવતી એક ગોળી છૂટીને સીધી એની છાતીમાં ઊતરી ગઈ.

 જમશેદ પોતાની છાતી પકડીને લથડ્યો. છાતીમાંથી નીકળેલાં લોહીની ગરમી એણે પોતાની હથેળી પર અનુભવી.

 વળતી જ પળે કાર બંદૂકમાંથી છૂટેલી ગોળીની રફતારથી નાસી છૂટી.

 જમશેદ કાર તરફ દોડ્યો.

 પરંતુ આઠ-દસ ડગલાં સુધી જ એના પગે તેને સાથ આપ્યો.

 પછી તે ત્યાં જ ઢગલો થઇ ગયો.લોકોની ભીડ તેને ઘેરી વળી.

 એ જ વખતે પોલીસ સ્ટેશનમાંથી કોઈક પોલીસ કર્મચારી પણ ત્યાં દોડી આવ્યો. જમશેદને લોહીલુહાણ જોઇને તે એકદમ ચમક્યો.

 જમશેદ મૃત્યુની પીડાથી તરફડતો હતો. ગોળી તેના હૃદય પર વાગી હતી, એ સ્પષ્ટ થઇ જતું હતું.

 ‘તને કોણે ગોળી મારી છે...?’ પોલીસ કર્મચારીએ એના દેહ પર નમતાં પૂછ્યું.

 ‘ગ.ગજાનને ..ચ...ચૌહાણ...સ.સાહેબનો પ...પત્ર ર....રાજેન્દ્રને પ..પણ..’

 પછી એના મોંમાંથી હેડકી નીકળી. પીડા અને મોતને થાપ ન આપી શકવાની નિરાશા એની આંખોમાં તરવરી ઊઠી. એના શરીરને એક આંચકો લાગ્યો અને પછી સ્થિર થઇ ગયો.

 ભૂલી ન જવાય એટલા માટે પોલીસ કર્મચારીએ જલદીથી કાગળ કાઢીને એણે ઉચ્ચારેલા અંતિમ શબ્દો લખી લીધા.

 આ દરમિયાન અન્ય પોલીસ કર્મચરીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.

 પછી ભીડ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ થયો. પરંતુ ભીડને તો જાણે તમાશો મળી ગયો હતો.

 ફિલ્મોમાં ટામેટાના સૂપ અથવા તો નકલી લોહીથી રંગાયેલી બનાવટી લાશ જોવાને બદલે તેઓ અસલી લોહીથી તરબતર, અસલી લાશને જોવા માંગતા હતા

પરંતુ જયારે પોલીસે ભીડ પાસેથી બનાવ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જાણે કોઈકે મધપૂડાને છંછેડ્યો હોય એ રીતે સૌ આડા-અવળા થઇ ગયા.

પોલીસના બખેડામાં ફસાઈને કોઈ પોતાનો સમય બરબાદ કરવા નહોતું  માંગતું.

જે લોકો પાસે સમય પસાર કરવાની સમસ્યા હતી, તેઓ પણ રફુચક્કર થઇ ગયા હતા.

**********