શું મૃત્યુ પછી પણ માણસ જીવિત રહે છે?? હા... અધૂરી મનોકામનાઓ .. ઇચ્છાઓ...અધૂરી વાસનાઓ સાથે મૃત્યુ પામનાર વ્યક્તિ જીવિત રહે છે,તેની આ ઇચ્છાઓ પૂરી કરવા માટે તે જીવ ભટકતો રહે છે,મૃત્યુ પછી આત્મા શરીર છોડી જાય છે પરંતુ મર્યા પછી પણ આત્મા જીવિત રહે છે,જ્યાં પણ મૃત્યુ થાય ત્યાં ૧૨ દિવસ સુધી આત્મા ની હાજરી રહે છે, જે શરીર સાથે આપણો તેમજ અન્ય સબંધીઓ નો લગાવ હોય છે તે શરીર તો નાશ પામ્યું હોય છે,વળી આત્માને તો નથી કોઈ સુખ કે નથી કોઈ દુઃખ કે નથી કોઈ પીડા કે નથી કોઈ આનંદ,જેને અગ્નિ પણ બાળી શકતો નથી કે સાગર પણ જેને ડુબાડી શકતો નથી તે પરમ તત્ત્વ પરબ્રહ્મ છે, તો શું આત્મા એ જ પરમાત્મા છે.?? શાસ્ત્રો માં કહ્યું છે કે ગાડી બંગલા કશું જ જોડે નથી આવવાનું ...એવું પુણ્ય નું ભાથું ભરી લો કે જે ભાથું ક્યારેય ખાલી ના થાય...જે ભાથું મર્યા પછી પણ જોડે લઈ જઈ શકાય..રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ લોભ લાલચ થી મુક્તિ અને ભગવાનનું ભજન જ આવું ભાથું સંપૂર્ણ ભરી આપે છે તે નિર્વિવાદ છેે
જ્યારે અને જે સમયે તમારું આ પૃથ્વી પર આવવાનું થાય છે તે જ દિવસથી તમારી મૃત્યુ તરફની સફર શરૂ થઈ જાય છે, ના કોઈ રૂકાવટ..ના કોઈ અટકાવ..બસ નિરંતર તમે મૃત્યુ તરફ ધકેલાતા જાવ છો, એમાં વિધાતા પણ કંઇ ફેરફાર કરી શકતા નથી, એ જ રીતે તમે મૃત્યુ ની મંઝિલ પાર કરો છો તે જ દિવસ અને તે જ ક્ષણ થી એક નવા પુઃન જીવન તરફ પ્રયાણ કરો છો, આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને આ જ જીવનનું તત્વજ્ઞાન છે
જીવન અને મૃત્યુ એક સફર છે એક સ્ટેશન થી બીજા સ્ટેશનની.. વળી પાછું બીજું નવું સ્ટેશન, ક્યાંય મુકામ કરવાનો હોતો જ નથી,જિંદગી સતત ચાલતી રહે છે, આ ચાલતી પ્રક્રિયા નો આનંદ ઉઠાવવાનો છે, ક્યાંય રોકાઈ જવાનું નથી,નહિ ભૂતકાળમાં કે નહિ ભવિષ્યમાં, વર્તમાન માં જીવીને સફર નો આનંદ ઉઠાવવાનો, રોજે રોજ આપણે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ, એ જ રીતે મૃત્યુ પછી પણ પુનઃ જન્મ ધારણ કરી નવા જીવન તરફ આપણે ગતિ કરતા રહીશું, આ સતત અને અવિરત ચાલતી પ્રક્રિયા નો આપણે ભાગ બની જઈએ બસ, પછી ના રહેશે સુખ..ના રહેશે દુઃખ, ના કોઈ ગ્લાનિ..ના કોઈ ખુશી,બસ મુક્તપણે વિહરતા રહીએ નિજાનંદમાં
કહેવાય છે કે .....માણસ મૃત્યુ પામે પછી ક્યારેય પાછો આવતો નથી, તમે ગમે તેટલા ધમ પછાડા કરો પરંતુ મૃત્યુ થયા પછી કોઈ જ પરત ફરતું નથી..હા એ વાત ચોકસ છે કે મૃત્યુ પછી પુનઃ જન્મ થી માણસ નવો અવતાર ધારણ કરી નવા સ્વરૂપે અવશ્ય આવે છે,વાલિયા માંથી વાલ્મીકિ જરૂર બને છે પરંતુ તે આ જીવનમાં જ..,કેટલાક ઘા એવા હોય છે જે ઘા ની પીડા ભોગવેલા માણસો ફરી ક્યારેય પરત ફરતા નથી, જે મૃત્યુ બરાબર હોય છે, અને એ જરૂરી પણ છે કે જીવનમાં કેટલાક કૃત્યો.. દુષ્ટતા ની હદ વટાવી દે ત્યારે ત્યારે તેવા સબંધો નો ત્યાગ એ જ શ્રેષ્ઠ અને છેલ્લો ઉપાય હોય છે.. જો તમે ત્યાગ નથી કરી શકતા તો કદાચ જીવનની નર્ક ની પીડા અચૂકપણે તમારા ભાગે આવે આવે અને આવેજ, જાણવા છતાં કાંટાળા રસ્તા માં આગળ વધતા રહેવું તે મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી, થોર તમને લોહીલુહાણ કરે તે પહેલાં થોર ને કાપવો જરૂરી હોય છે, જો તમે થોર ને કાપી શકતા નથી તો બીજા વિકલ્પ માં થોર વાળો રસ્તો છોડી અન્ય રસ્તા પર આગળ વધવું તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે,અટકી જવા કરતા આગળ વધતા રહેવું તે જ સારો માર્ગ છે, કોઈને એવા ઘાવ ક્યારેય ના આપવા જોઈએ કે જે ઘાવ ક્યારેય રૂઝાય નહિ, "ક્ષમા વીરસ્ય ભૂષણમ્" ક્ષમા વીર નું આભૂષણ છે એ વાત સાચી, પરંતુ વારંવાર ની ક્ષમા નિર્બળતા પુરવાર કરે છે તે એટલું જ સાચું છે અને નિર્વિવાદ પણ.
-- રસિક પટેલ..અમદાવાદ