સંબંધોને બંધિયાર બનાવી દેવામાં આવે ત્યારે સબંધોનો શ્વાસ રૂંધાઇ જાય છે,નદીનું વહેણ બંધન મુક્ત છે એટલે જ સ્વચ્છ અને સુંદર છે, ખાબોચિયું કે તળાવ બંધન માં છે એટલે તેનું પાણી ગંધાઈ ઉઠે છે,સંબંધોમાં પણ વહેતા પાણી જેવી મોકળાશ સ્વતંત્રતા જરૂરી હોય છે, તો જ એ સંબંધો ખીલી ઉઠે છે,સંબંધો જ્યારે મુક્ત હવાનો શ્વાસ લઈ શકે ત્યારે જ...હા ત્યારે જ...મુક્ત ગગન માં વિહરતા પક્ષી નો આનંદ પ્રાપ્ત થાય,.
ધીમા તાપે થતી રસોઈનો સ્વાદ અનેકગણો વધારે હોય છે,વળી તેમાં રસોઈ બળી જવાનો ભય પણ હોતો નથી, એ જ પ્રમાણે ધીમા તાપે ધીમે ધીમે પાકેલા સંબંધો પાકટ હોય છે મજબૂત હોય છે, તેથી વારંવાર બગડી જવાના શક્યતા ઓછી હોય છે,જ્યાં વારંવાર સ્પષ્ટતા કરવી પડે...ચોખવટ કરવી પડે તેવા સંબંધોનું આયુષ્ય ખૂબ ટુંકુ હોય છે,એકદમ ઝડપથી આગળ વધી ગયેલા સંબંધો એટલી જ ઝડપથી તૂટી જતા હોય છે,ધીમે ધીમે એકબીજાને જાણીને,સમજીને,ઓળખીને આગળ વધતા સંબંધો નું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે
પોતાની મુઠ્ઠી બંધ રાખીને સામેવાળાની મુઠ્ઠી ખોલાવવા નો પ્રયત્ન વિવેક હીનતા કહેવાય, જ્યાં બે વ્યક્તિ પોતાની ભાવના લાગણીઓ ખુલ્લા મનથી એકબીજા સમક્ષ મૂકે ત્યારે જ એક ઉત્તમ સંબંધ નો ઉદય થતો હોય છે,બંધ પડીકા રાખીને થતી બંધિયાર વાતો વાળા સંબંધોમાં ઉંડાણ હોતું નથી,લાગણીઓ ના પ્રવાહ ને જોખી જોખી ને છૂટો મૂકવા કરતા ધોધમાર ધોધ ની જેમ લાગણીઓ પ્રેમ ને વહાવનાર જ સામાજિક સંબંધો માં "મેન ઓફ ધી મેચ" બની શકે છે,આવી વ્યક્તિઓ નું સામાજિક સ્તર ખૂબ જ ઉંચકાઈ જાય છે,ના ઓળખતી વ્યક્તિઓ પણ તેઓને માનની નજરે જોતી થઈ જાય છે
કોઇ જ ઓળખાણ વગરના સંબંધો માં આત્મીયતા બતાવવાથી એક નવા જ સબંધ નો ઉદય થાય છે,ક્યારેક આવા સબંધો મિશાલ બની જતા હોય છે,સબંધો માં સ્વાર્થ ભળે,લોભ લાલચ ભળે,કૈંક મેળવવાની અપેક્ષા જાગે ત્યારે એવા સબંધો નું ભાવિ જોખમાતું હોય છે અને એવા સંબંધોનું આયુષ્ય ખૂબ ટુંકુ થઈ જાય છે,સબંધો માટે બધું ન્યોચ્છાવર કરવા વાળા નિખાલસ સબંધો જ કાદવ માં કમળ ની જેમ ખીલી ઉઠે છે,નાના મોટા વ્યવહાર ની ગાંઠ મારી લેવાથી આપણા જ મગજમાં ગાંઠ થઈ જશે તે નક્કી છે
લાગણીઓ ને બાંધી રાખીને શું કરશો એને ખુલ્લી મૂકી દો અને નદીના વ્હેણ ની જેમ વહેવા દો,બંધિયાર લાગણીઓ માં સુવાસ રહેતી નથી,લાગણીઓ ને પોતાના અંતરંગ સબંધો માં મુક્તપણે વહેવા દો, બંધિયાર પાણી અને બંધિયાર હવા બન્ને ગંધાઈ ઉઠે છે, દરેક સબંધો ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું પસંદ કરશે, પરાણે પકડી રાખેલા...જકડી રાખે લા સબંધો માં દેવત્વ હોતું નથી.. આવા દેવત્વ વગરના સબંધો નિર્જીવ થઈ જાય છે પછી તેમાં ક્યારેય "પ્રાણ" ફૂંકાતો નથી
જે કૂવામાં પાણી નથી ત્યાં વારંવાર જઈને કૂવામાં ડોલ નાખી પાણી કાઢવાનો પ્રયાસ નિષ્ફળ જ જવાનો છે, એક જ જગ્યાએ વારંવાર પ્રયત્ન કરવાથી સફળ જ થવાય એ જરૂરી નથી,દરિયાનું મોતી ઘણીવાર નાના ઝરણાં માં પણ છૂપાયેલું હોઈ શકે, બધા જ સબંધોને મધુર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ પણ થઈ શકે કારણકે અમુક સબંધો ના કૂવામાં પાણી હોતું જ નથી, એતો પછી ખાલી કૂવાને પૂરી દેવાય અને નવા પાણીવાળા કૂવાની શોધમાં નીકળી પડાય, તાત્પર્ય એ છે કે આવા ખાલી કૂવા જેવા સબંધો નો ત્યાગ કરી ને આગળ નીકળી જવું જોઈએ,
છોડીને આગળ વધો, પગમાં બાવળનો કાંટો વાગે તો ગાંડા બાવળ જોડે બાથ ના ભિડાય, કેટલાક ઉત્પાતિયા જીવો નો દિવસનો પ્રારંભ જ ત્યાંથી થતો હોય છે કે આજે કેટલાને પાડી દેવા, પ્રપંચો,ષડયંત્રો અને કાવાદાવા થી ભરેલું તેઓનું જીવન હમેંશા બીજાને પીડા પહોંચાડવામાં જ વિકૃત આનંદ નો અનુભવ કરતું હોય છે, આવા આડખીલી બનીને તમારા જીવનને નર્ક બનાવતા...તમારો રસ્તો રોકીને સતત ઉભા રહેતા કંટક બનીને આવતા આવા સબંધો- જીવાત્માઓનો ત્યાગ કરીને..તેઓને છોડી ને આગળ વધવું તે જ સાચી દિશા અને ભવિષ્ય છે
કેટલાક અજાણ્યા સબંધો માં પણ આત્મીયતા ભારોભાર જોવા મળે છે, કેટલાય અજાણ્યા લોકો ને જોતા જ એમના પ્રત્યે એક પ્રકારની અદ્રશ્ય લાગણી ઉભી થતી હોય છે,રસ્તે જતાં અચાનક કોઈ વ્યક્તિ આપણને મળી જાય અને આપણને લાગે કે આમને ક્યાંક જોયા છે,એમનો ચહેરો આપણને ઘણો પરિચિત લાગે કંઈ કેટલાય જન્મનું ઋણાનુબંધ હોય તેવી આત્મીયતાથી લાગણીથી બન્ને જણા વાત કરે...છુટા પડવાની ઈચ્છા ના થાય અને છુટા પડતા જ એક પ્રકારની ગ્લાનિ દુઃખ આપણા દિલોદિમાગ માં છવાઈ જાય છે, ક્યારેક પ્રશ્ન થાય કે શું આ ગત જન્મ ની કોઈ લેણદેણ હશે??!! ક્યારેક કોઈ જ ઓળખાણ વગરનો સબંધ લોહીના સબંધ થી વધારે મજબૂત,લાગણીસભર અને ઉંડાણ વાળો હોઈ શકે છે,
ગામના પાદરે આવેલો ઉકરડો જો સમયે સમયે સાફ ના કરાય તો તે વધતો વધતો શેરી માં થઈ ને ઘરના આંગણે આવી ને ઉભો રહે છે, તાત્પર્ય એ છે કે દરેક માં સફાઈ જરૂરી છે પછી તે નિર્જીવ વસ્તુ હોય કે સબંધો ની આંટીઘૂંટી, ઘઉં અને કાંકરા વચ્ચે ગમે તેટલી ભાઈબંધી હોય...ભાઈચારો હોય..તો પણ ઘઉં માંથી કાંકરા કાઢીને ફેંકવા જ પડે, દરેક દરજી કપડાંને સોય દોરાથી ગમે તેટલું સાંધ સાંધ કરે તો પણ પહેરણ બનતું નથી તેણે કપડાંને કાતરથી વેતરવું - કાપવું પણ પડે છે,સબંધો માં પણ આ વાત મજબૂત રીતે સાચી ઠરે છે,ક્યારેક ઘઉં અને કાંકરા નોખાં જ શોભે, ઘઉં... કાંકરા થી અલગ થયા પછી જ મૂલ્યવાન બને છે, તળાવ કે ખાબોચિયાની માટી તળાવ ખાબોચિયાં થી અલગ થઈને...કુંભારના ચાકડે ચડ્યા પછી જ વધારે મૂલ્યવાન બને છે અને માટીનું સાચું મૂલ્ય અંકિત થાય છે, બાકી તો તે પહેલાં ધૂળ જ હોય છે,ધૂળ માંથી કુંભાર ના ચાકડા સુધી જવાનો રસ્તો મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય તો નથી જ,સબંધો માં પણ કુંભાર ના ચાકડા સુધીનો રસ્તો આપણ જાતે જ કંડારવો પડે છે,
કાંટાળા થોર...જંગલી ઝાડ... વેલા વાળા નેરીયા માંથી પસાર થવા કરતાં રસ્તો બદલી નાખવો હિતાવહ છે,કારણકે તમે ગમે તેટલા સારા હશો પરંતુ કાંટાળા થોર જંગલી ઝાડ બીજાને પીડા પહોંચાડવાનો સ્વભાવ નહિ છોડે અને તમે નિશ્ચેય જખ્મી થશો, સારું એ રહે કે એ જોખમી નેરિયા વાળો રસ્તો બદલી.. સુગમ સરળ રસ્તો પકડી લઈ આપણા જીવનને ગતિમાન કરાય, તમે થોર ને બાથ ભરી ને બેસી ના શકો..જો એવું કરો છો તો લોહીલુહાણ થવાનું તમારા ભાગે જ આવે,જંગલી થોર વાળું નેરિયું બહુ જ લાંબુ હોય છે..ગમે તેટલા થોર કાપ્યા કરો પરંતુ બમણા જોરથી તેમાં વૃદ્ધિ થવાની અને તમારું આખું જીવન કાંટાળા થોર સાથે લડવામાં પૂરું થઈ જવાનું તે નક્કી,સબંધો માં પણ આ વાત એટલી જ લાગુ પડે છે કે જોખમી કાંટાળા નેરીયા જેવા સબંધો નો ત્યાગ કરી આપણે આપણા જીવનને ગતિ આપવી જોઈએ,
કહેવાય છે કે પાપનો ઘડો ભરાય એટલે કુદરતની થપાટ વાગે...પરંતુ ઘણા પાપીઓનો ઘડો એટલો મોટો હોય છે કે પૂરું જીવન સમાપ્ત થઇ જાય તો પણ તેમના પાપનો ઘડો ભરાતો નથી,પરંતુ કર્મ નું બંધન ન્યારું અને ન્યાયી હોય છે તેવું શાસ્ત્રો કહે છે, સ્વર્ગ અને નર્ક કોઈએ જોયું નથી...તમને તમારા પાપની સજા યા દંડ અહીં જ મળે છે તે નક્કી હોય છે, તમે હસો કે રોવો તમારા કર્મ નું ફળ ભોગવ્યે જ છૂટકો,એમાંથી આપણને કોઈ જ મુક્તિ અપાવી ના શકે, ગમે તેટલો સ્નેહભાવ પ્રેમ હોય પરંતુ સ્મશાન માં આપણને એકલા જ મૂકીને લોકો ઘર ભેગા થવાના, આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ બધા સબંધો છે...જેવો શરીરમાંથી પ્રાણ ગયો કે તરત જ લોકો ઠાઠડી અને દોણી લેવા દોડશે... આ ના ગમે તેવું કડવું સત્ય છે અને હકીકત પણ...
લીલા અને ભીના લાકડા કે તણખલા ને ગમે તેટલા સળગાવવાનો પ્રયાસ કરો પરંતુ તે નહિ સળગે, તેઓ મક્કમ થઇને બેઠા હોય છે કે આપણે સળગવાનું નહિ...એટલે નહિ...આખરે થાકી હારીને સળગાવનાર પોતે જ પોતાના પ્રયત્ન છોડી દેશે, તે જ રીતે આપણે પણ આપણા સંબંધો માં એટલી પરિપકવતા રાખવી કે કોઈ ગમે તેટલું સળગાવે પરંતુ આપણે જરા પણ હલવાનુ નથી, ડગવાનું નહિ અને અડીખમ થાંભલાની જેમ સ્થિતપ્રજ્ઞ થઈ જવાનું,તો આપોઆપ સળગાવનાર વ્યક્તિ પોતાના હથિયાર હેઠા મૂકી દેશે,અને કોઈ નવું ઘર પકડશે કારણકે તેની સળગાવવાની પ્રકૃતિ નહિ બદલાય,
રસિક પટેલ "નિર્વિવાદ"