BALMAJOORI-- BALAPNNU KALANK in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | બાળ મજૂરી- બાળપણનું કલંક

Featured Books
Categories
Share

બાળ મજૂરી- બાળપણનું કલંક

બાળ મજૂરી -બાળપણનું કલંક.



12 જૂન - બાળ મજૂરી વિરોધી દિન બાળ મજૂર એ શબ્દ સાંભળતા જ આઘાતની લાગણી અનુભવાય છે. અત્યંત દરિદ્રતાથી પીડાતા, ગરીબીરેખાથી નીચે જીવતા ઘણા પરીવારોના બાળકો પ્રાથમિક શાળામાંથી જ પોતાનો અભ્યાસ છોડી ચાની રેકડી પર, રેસ્ટોરન્ટમાં, કારખાનામાં મજૂરી કરે છે. જેને આવતી કાલનો નાગરિક ગણવામાં આવે છે. તે બાળક જયારે મજૂરીએ જાય ત્યારે ગાળો સાંભળવી પડે છે, રમવાની ઉંમરે ગુલામી કરવી પડે છે, હડધૂત થવું પડે છે, માનસિક તથા શારીરીક અત્યાચારનો ભોગ બનવું પડે છે. તેનું વારંવાર શોષણ થાય છે. આજે કેટલાય બાળકોનું બાળપણ શાળાઓને બદલે ફટાકડાનાં કારખાનામાં, જરીકામ, બીડીવણાટ, સોનીકામ, પથ્થરની ખાણોમાં, કાચઉદ્યોગ તથા અન્ય સ્થળે મુરઝાઈ રહ્યું છે. અસહ્ય ભાવવધારો, મોંઘવારી તથા ફુગાવાના વધતા જતા પ્રમાણમાં. ગરીબ માતા પિતા પોતાના બાળકોને ઓછી મજૂરીએ પણ કામમાં લગાવી દે છે. આ સ્થતિમાં બાળમજૂરીનો આપોઆપ ઉદભવ થાય છે. તેની પાછળનું મુખ્ય કારણ છે શિક્ષણનો અભાવ. આમ ગરીબી, બિમારી, અજ્ઞાનતા, મજબૂરી, નિરક્ષરતા વગેરે અનેક પરીબળો બાળમજૂરી માટે જવાબદાર છે. આજે ગુજરાતમાં પાંચ લાખથી વધુ સંખ્યામાં બાળમજૂરી હોવાનો અંદાજ છે. અમૂક દેશોમાં મોટી સંખ્યામાં ગુલામ મજૂરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મજૂરોનું શોષણ વધી રહ્યું છે. તેને અટકાવવું મુશ્કેલ છે.

વિશ્વ મજુર સંગઠન – International Labour Organization એટલે કે ILO United Nations ની સંસ્થા છે. અને દુનિયામાં કાર્ય – work ને લગતી બાબતો ઉપર નજર રાખે છે અથવા નિયંત્રિત કરે છે. વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ILO એ દર વર્ષે 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારથી દર વર્ષે આખી દુનિયાની સાથો સાથ ભારતમાં પણ 12 જૂન બાળ-મજુરી વિરોધ દિન તરીકે મનાવાય છે.જો કે ભારતમાં 30 એપ્રિલે આ દિવસ ઉજવાય છે.

બાળકોને બાળપણ દરમિયાન રમવા માટેની મોકળાશ અને ભણવા માટેની પૂરતી તક આપવાની જવાબદારી સરકારની તથા સમાજની પણ છે. બાળકના સહજ વિકાસને અટકાવનાર અને શોષણ કરનાર બાળમજૂર પ્રથા કલંક તથા અભિશાપ સમાન છે. જેને નાબૂદ કરવા કાયદા ઉપરાંત સમાજના સહકાર તથા લોકજાગૃતિની તાતી જરૂર છે. ભણવા રમવાની ઉંમરે બાળક મજૂરી કરે, અભણ રહી જાય અને પછી તેના બાળકની હાલત પણ તેના જેવી જ થાય. આ બાળમજૂર ભવિષ્યમાં અભણ મતદાર તથા નિષ્ક્રીય અજાગૃત નાગરીક બને. પરીણામે કુટુંબ, ગામ, સમાજ તથા દેશ બરબાદ થાય. વળી બાળમજૂરીને કારણે બાળકને નિશાળની તક ન મળે. પતંગ ચગાવવાની વયે તે પતંગ બનાવતો હોય છે. ફટાકડા ફોડવાની વયે તે ફટાકડા બનાવતો હોય છે. આમ સતત શોષણ, તણાવ અને હાડમારીમાં જીવતો બાળક દુઃખ ભૂલવા ખોટા માર્ગે ચડી વ્યસનોનો શિકાર થઈને ગુનાખોરી તરફ પણ ધકેલાઈ જાય છે.

વાસ્તવમાં દરેક બાળકને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઉતમ બાળપણ મળવું જાઈએ તેવી ભારતના બંધારણમાં જાગવાઈ છે. ભારત સહિત દુનિયાના બધા જ દેશોએ સંયુકત રાષ્ટસંઘના બાળ અધિકારના ઘોષણાપત્રનો સ્વીકાર કરેલો છે. બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬ હેઠળ જેમણે ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય અને કામમાં રોકાયેલા હોય તેવા બધા જ બાળકો બાળ મજૂર કહેવાય. બાળમજૂરી એ એક ગંભીર ગુનો છે, જેમાં બાળકને કામે રાખનાર માલિક ગુનેગાર ગણાય છે. સુપ્રિમ કોર્ટે બાળમજૂરી કરાવનાર માલિકોને કડક સજા અને દંડ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ બાળમજૂરીમાંથી મુકત થનાર બાળકના કુટુંબને રોજગારીની સગવડ કરી આપવાની સૂચના સરકારને આપી છે. દરેક બાળકને ભણવાનો મૂળભૂત અધિકાર છે. તેવી જાગવાઈ ૨૧ (અ) લોકસભામાં મંજૂર થયેલ છે. ગુજરાત ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કાયદો ૧૯૬૧ માં પણ આવી જ જાગવાઈ છે.

બાળમજૂરી નીચેના કાયદાઓ હેઠળ પ્રતિબંધિત છે:

(૧) બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬

(૨) કારખાના અધિનિયમ ૧૯૪૮ની કલમ ૬૭

(૩) મોટર ટ્રાન્સપોર્ટ કામદાર અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૨૧

(૪) બીડી અને સિગાર કામદાર (રોજગારી શરતો) અધિનિયમ, ૧૯૬૬ ની કલમ ૨૪

(૫) ઈન્ડીયન પીનલ કોડની કલમો ૩૭૦ અને ૩૭૪ અન્વયે

(૬) જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦ ની કલમ ૨૩, ૨૪ અને ૨૬

વિશેષમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર ૪૬૫/૮૬ માં આપવામાં આવેલ ચુકાદા અન્વયે દરેક જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ ‘‘બાળમજૂર પુનર્વસન અને કલ્યાણ નિધિની રચના કરવામાં આવેલ છે. ઉપરોકત ચુકાદા પ્રમાણે જાખમી ધંધાઓમાં બાળમજૂરને કામે રાખવામાં આવેલ હોય તો જે તે ઉદ્યોગ ધંધાના માલિક પાસેથી પ્રત્યેક બાળમજૂર દીઠ રૂ. ૨૦૦૦૦ વસૂલ કરી ઉકત બાળમજૂર પુનર્વસન અને કલ્યાણ નિધિમાં જમા કરાવવાના રહે છે.

બાળમજૂરી અંગેની ફરિયાદ: (૧) નાયબશ્રમ આયુકત (૨) જે-તે જીલ્લાના મદદનીશ શ્રમ આયુકત (૩) તાલુકા કક્ષાના શ્રમ અધિકારી (૪) ગુમાસ્તા ધારા હેઠળના નિરીક્ષકો (૫) કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રચાયેલ ટાસ્કફોર્સ વગેરે સમક્ષ થઈ શકે છે.

આપણા દેશની વાત કરીએ તો કાયદા દ્વારા બાળમજૂરી પર પ્રતિબંધ છે જ. હવે વાત આવે આ કાયદાના અમલ ની!! પણ આ દેશ જ્યાં લોકો માટે ખાવા-પીવાની જરૂરીયાત મુખ્ય હોય ત્યાં આ કાયદાનો અમલ કેટલી હદ્દે શક્્ય છે?અહી બાળકને જીવવા માટે કામ કરવું પડે છે, ખાવા-પીવાની મૂળભૂત જરૂરિયાત માટે કામ કરવું પડે છે. ગરીબીની રેખા નીચે જીવતા લોકો પાસે બાળકો પાસે કામ કરાવવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. એક તો દેશ ની વસ્તી આટલી વધુ, કુટુંબ દીઠ બાળકો વધુ અને કમાનાર વ્યક્તિઓ ઓછા! સામન્ય રીતે ૧૮ વર્ષ થી વધુ ઉમર ના લોકો ને યુવાન માનવામાં આવે છે એટલે આના થી ઓછી ઉમરના બાળકો થયા? આપણા દેશમાં કાયદા પ્રમાણે બાળકો-કિશોરો-યુવાનોને અલગ અલગ વિભાગમા વેહ્‌ચવામાં આવ્યા છે. ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૪ થી ૧૬ વર્ષના કિશોરો, ૧૬ થી ૧૮ વર્ષના કિશોરો. આ રીતે બાળકો ને કામ કાજ માટે અમુક છૂટ આપવામાં આવી છે. ૧૮ વર્ષ થી નાની ઉમર ના કિશોરો હળવી મેહનતનું કામ કરી શકે. પેકેજીગ કે હળવા સામાનને લગતા કામ કરી શકે.

ચાલો આજે વિશ્વ મજૂર દિને બાળમજૂરી નાબુદ કરવા આપણે આટલું તો કરીએ જ:

(૧) કોઈ બાળક નિશાળ બહાર માલૂમ પડે તો તેના માતા-પિતાનો સંપર્ક કરીને પ્રાથમિક શિક્ષણની યોજનાઓનો લાભ લઈ બાળક ફરીથી ભણતો થાય તેની કાળજી લઈએ (૨) બાળક પાસે મજૂરી કરાવવામાં આવતી માલૂમ પડે તો સંબંધિત અધિકારીને તેની જાણ કરી કાયદાકીય પગલા લેવડાવીએ. (૩) જયા બાળમજૂર કામ કરતો હોય ત્યાં ગ્રાહક ન બનીએ, બાળકોની સેવા તથા બાળકોએ બનાવેલી વસ્તુઓનો બહિષ્કાર કરીએ જેથી બાળમજૂરી કરાવનાર માલિકને આર્થિક નુકશાન થશે પરીણામે પુખ્ત વયની વ્યકિતને કામે રાખવાની ફરજ પડશે. બાળમજૂરી નાબૂદ કરવાનું આ સોથી સરળ અને યોગ્ય પગલું છે.

આપણી આસપાસ નજરે પડતાં બાલ મજૂરોની પરિસ્થિતિને સાચી રીતે જાણીએ,તેમને ભણવા માટે સમજાવવા અને સ્કુલ ફીસ-બુક્સ ની વ્યવસ્થા કરી આપવી.તે પછી થોડા થોડા સમયે ફોન થી જાણતા રેહવું કે તે બાળક ભણવા જાય છે કે નહી?! બાળકના માતા-પિતા સાથે વાત કરવી અને બાળકોને ભણાવવા માટે સમજાવવા. બાળક કામ કરતુ બંધ થાય તે તેના ઘરના ને મંજુર નહી હોય એટલે એવા પ્રયત્નો ના કરવા. આપણે બાળકના ભણવાનો ખર્ચ કરી શકીએ તેનું ઘર ના ચલાવી શકીએ. બાળકના રેહઠાણ પ્રમાણે નજીકની સરકારી શાળાનો સંપર્ક કરવો. સરકારી પ્રાથમિક શિક્ષણમા ઘણો સુધારો થયો છે. સરકારી શાળાના શિક્ષકને વાત રજુ કરવી. મોટેભાગે શિક્ષક જ બાળક શાળાએ આવે તેનું ધ્યાન રાખશે,.સામન્ય આર્થીક સગવડ હોય તો આવી જાહેર જગ્યાએ કામ કરતા બાળકો સાથે વાત કરવી અને બુક્સ ફીસ ની વ્યવસ્થા કરવી, રોકડા રૂપિયા ક્્યારેય ના આપવા, અમુક જગ્યાએ માલિકો બાળકો ને ભણવાની વ્યવસ્થા કરી આપતા હોય છે. બાળક કામ કરે, રૂપિયા કમાય અને એની સ્કુલ ફીસ બુક્સનો ખર્ચ માલિક આપે. એ જરૂર સારી બાબત છે પણ આ કઈ સમસ્યાનું કાયમી સમાધાન નથી. બાળકોને કામ ના કરવું પડે, ભણી શકે, બાળપણ માણી શકે તે દેશની ફરજમાં આવે જ છે.

આપણા ઘરે-ઓફિસે કામ કરતા લોકોને, માળી, દરજી, દુધવાળા, શાકવાળા, કાર સાફ કરવાવાળા, ચોકીદાર વિગેરેને એમના બાળકો વિષે પૂછવું. બાળકને ભણાવવા માટે સમજાવવા. જરૂર હોય તો શહેરના એન.જી.ઓ સામાજીક સેવાઓ આપતી સંસ્થાનો સંપર્ક કરવો. આપણે રૂપિયા જ ખર્ચવા પડે તેવું જરૂરી નથી. આપણી થોડી મેહનત, સમય અને જાણકારી થી બાળકના ભણવાની વ્યવસ્થા થઇ શકે છે..આપણી આજુ બાજુ નજર કરીએ તો આવા કેટલાય બાળકો મળી આવશે. કોઈ એક બાળક ને પણ આવી કઈક નાની મદદ એ મોટી દેશ સેવા છે!