કુદરતનો અદભૂત નજારો : કચ્છનું ગુમનામ સ્થળ :
કાળિયો ધ્રો
આર્કિયોલોજી વિભાગના નિષ્ણાતો અમેરિકાની કોલોરાડોની ગ્રાન્ડ કેનયોનની નાની આવૃતિ તરીકે ઓળખાવે છે અને જે હવાના તેજ થપેડા,કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે બન્યું છે એવું માનવમાં આવે છે તે કચ્છની અદભૂત જગ્યા “મામૈદેવ કાળિયો ધ્રો”. કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે આવેલ ભોયડ નદીના અદ્ભુત સૌંદર્ય આજ સુધી અદ્રશ્ય રહી છે. કાળા ધ્રો, કડિયા ધ્રો કે કાળા ધોધ કે કલીયા ધ્રો તરીકે ઓડખાતું વિશિષ્ટ સ્થળ. અવર્ણનીય કોતરોનું બનેલ કુદરતનો નજારો કાળિયો ધ્રો સાત અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા 2021માં પસંદ કરવા જેવા 52 સ્થળોની યાદીમાં કચ્છની કરોડો વર્ષ જુની ખડકીય સંરચનાની પસંદગી કરતા વૈશ્વિક સ્તરે નોંધ લેવાઇ છે ! ધ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા દર વર્ષે દુનિયામાં જોવાલાયક પર સ્થળોની યાદી પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૧ની જે યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં કચ્છના એક સ્થળને પણ સ્થાન મળ્યું છે. પરંતુ આ સ્થળ કચ્છનું પ્રસિદ્ધ સફેદ રણ નહીં પણ ‘‘કાળીયો ધ્રો’’ નામની જગ્યા છે. વર્ષ ર૦ર૧ની આવી યાદી બહાર પાડવા માટે ધ ન્યુયોર્ક ટાઈમ્સ પાસે ર૦૦૦ જેટલી એન્ટ્રીઓ આવેલી હતી. જેમાંથી પસંદ કરવામાં આવેલી બાવન સ્થળોમાં કચ્છના કાળિયા ધ્રોની ત્રીજા સ્થાને પસંદગી થતા કચ્છને પ્રવાસન નકશામાં વિશ્વસ્તરે સ્થાન મળેલું છે.ચોંકાવનારી વાત અે છે કે 52 સ્થળોની યાદીમાં ભારતના ત્રણ સ્થળો છે. જેમાં કડિયા ધ્રોઅે ભારતના હિમાલયના પ્રખ્યાત નંદાદેવી પર્વત અને લદ્દાખને પણ પાછળ રાખી દીધા છે !
ભુજ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી તેમજ સામાજીક અગ્રણી શંકરભાઈ સચદેના પૌત્ર અને એડવોકેટ ઉમેશ સચદેના પુત્ર વરૂણ સચદેએ કચ્છની કાળિયા ધ્રો નામની જગ્યાને વિશ્વના નકશા પર ચમકાવી છે વરૂણ સચદેએ જણાવ્યું હતું કે, હજારો માઇલની સફર નહી પણ ઘરથી માત્ર 40 કિમી દૂર અાવેલા સ્થળે અોળખ અપાવી : હું દુનિયાભરમાં રખડ્યો છું. હજારો માઇલની પગપાળા સફર કરી છે. પરંતુ અા બધી તકલીફોઅે મને અોળખ ન અપાવી. જ્યારે મારા ઘર ભુજથી માત્ર 40 કિમી દૂર અાવેલા કડિયા ધ્રોઅે મને ન્યુ યોર્ક ટાઇમ્સમાં સ્થાન અપાવી ગાૈરવ અપાવ્યું !કચ્છઅે ભાૈગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઅોથી ભરેલી ભૂમિ છે. તેથી કચ્છના દરેક ખૂણાની શોધ કરવી જોઇઅે. નોંધનીય છે કે વરૂણ સચદે અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં સોફ્ટવેર ડેવલોપરની નોકરી છોડી અાત્માના અવાજે ટ્રાવેલર બન્યા હતા. છેલ્લા 5 વર્ષમાં તેઅોઅે 29 દેશો તથા 20 ભારતીય રાજ્યમાં અેકલા સફર કરી છે.
હવે આ સ્થળની મુલાકાતે જવું હોય તો કઈ રીતે ને કયા રસ્તે જઇ શકાય એની થોડી વાત કરીએ તો, ભુજ થી વાયા કોડકી,સુમરસર,જત ગામમાથી જઈએ, તો 30 કિમી જેટલું અંતર થાય છે.જો કે અહી મોટા ભાગનો ડામર રોડ ખરાબ થઈ ગયો છે.અને જો કોડકી ગામના મખના ગામથી નથ્થર કૂઈ જવાનો ડામર રોડ પસંદ કરો તો આ રસ્તો 4 થી 5 કિમી લાંબો થઈ જાય.પણ ગાડીમાં જનારા માટે ડ્રાઇવિંગ માટે સારો રહે છે.પ્રવાસન ક્ષેત્રના નજરથી બહાર રહેલ, આ અદ્ભુત રમણીય સ્થળ અવ્યવસ્થિત માર્ગો પર આવેલું છે. ગામ અને શહેરોથી દૂર હોવાને કારણે વેરાન સ્થળ જેવુ લાગે છે.ડામરરોડ પૂરો થયા પછી લાલ,પીળા સફેદ પથ્થરો થી બનેલ અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. આ જગ્યા પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. જોઈને આશ્ચર્ય થાય કે ખડકો આટલા અલગ-અલગ રંગના કેવી રીતે હોઇ શકે ?એવું લાગે છે કે,કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાા ઝરણા વહેતા જોવા મળે છે. ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાવ તરીકે ઓળખાય છે.
આ કાળિયા ધ્રો વિષે સાચો ઇતિહાસ જાણવાનું સહુ કોઈ પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે કેટલીક અલગ અલગ માન્યતાઑ આ મુજબ જાણવા મળી:
એક માન્યતા મુજબ આ સ્થળનું અસલ નામ છે મામયદેવ કડિઓ ધ્રો . કુદરતે બનાવેલ મગરનાં ઘર એટલે ધ્રો. આ ધ્રોનું તળિયું નથી. એટલે એમાં પાણી બારે માસ રહે છે. તેથી મગર એમાં રહે છે....અહી આસપાસમાં નાથ સંપ્રદાયના લોકો રહે છે. આ સંપ્રદાય ના સંતો જે સિધ્ધી પામે તે કડામાં ઉતરે છે.તે જીવન ભર પોતાની સાથે રાખે .જ્યારે એમને ખ્યાલ આવે કે એમનો જીવન સમાપ્તિ તરફ જવાનો સમય આવી ગયો છે, ત્યારે તેઓ એ કડા ને કાં તો મુર્તિ નીચે ડાટે છે અથવા આવા ધ્રોમાં અર્પિત કરે,કે જેથી તે કડુ ખંડિત ન થાય. અહી મહેશ્વરી સંપ્રદાય ના 4થા સંત મામૈદેવ ના પોતરાએ પોતાની અધ્યાત્મિક શક્તિ આ કડામાં નાખી હતી.એ કડુ અહી એમણે પધરાવ્યું હોવાનું માનવમાં આવે છે.તેથી તેને મામયદેવ કડિઓ ધ્રો કહેવાય છે.
બીજી એક માન્યતા મુજબ,અહી રહેતા લોકોની લોકવાયકા કહે છે કે અંગ્રેજી માં ચેન એટલેકે કચ્છીમા કડી કહેવાય. અહી એકબીજા સાથે જોડાયેલા કોતરો નું કડી જેવુ અહીનું લોકેશન છે અને દુકાળમાં પાણી ન મળતા, અહીના લોકો પાણી શોધતા આ જગ્યા એ આવી પહોચતા.અને અહી પાણી મળતા તેઓ સંતુષ્ટ થઈ જતાં જેને કચ્છીમા ધ્રો કહેવાય. એ રીતે કડિયા ધ્રો નામ અપાયું એમ માનવમાં આવે છે.
તો બીજા કેટલાક સ્થાનિક લોકોના મતે કાલીયા ધ્રો માંથી નીકળતી અને નનામાં ડુંગર પરથી વહેતી ભૂયડ નદીને ત્રિમો નદી પણકહેવાય છે,કારણકે 3 મો જેવો આકાર હોવાને કારણે આવું નામ પડ્યું હશે એમ માનવામાં આવે છે.આમ પણ આ નદીમાં બીજી એક બે બીજી નદીઓની ભાગીદારીથી જ ચોમાસામાં આ કડિયા ધ્રો ખૂબ જ નયન રમી દ્રશ્ય ઊભું કરે છે.જાણકારો ના મતે ભોયડ નદી કચ્છના નાનામાં ડુંગર પરથી નિકળી,,કડિયા ધ્રોમાં ધોધ બની,પથ્થરોને કોતરીને નિરોણા ડેમ તરફ વહી જાય છે. આ વિશિષ્ટ કડિયા ધ્રો એ નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આ સ્થળ બન્યું છે. આ સ્થળ પર આવેલા પર્વતને સાત શિખરો છે. અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે. પાંચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાતેયના 7 શિખર તરીકે માનવમાં આવે છે.
પણ એટલુ તો નક્કી કે અહી કુદરતનો અનેરો નજારો જોવાની મજા જ કઈક ઓર છે.હાલે વિશ્વ ફલક પર કચ્છના સફેદરણ ની જેમ જ ખ્યાતિ પામી ચૂકેલું આ અદ્ભુત કડિયો ધ્રો પ્રત્યે સંશોધકો અને ઈતિહાસ વિદો જે રીતે રસ લઈ રહ્યા છે, એ જ રીતે સરકાર આમાં ઊંડો ખાસ રસ દાખવી, પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા ફાળો આપે એવી પ્રવાસીઓ માંગ ઉઠી છે. એ સાથે સ્થાનિકે રોજગારીની ખાસ તકો પણ પૂરી પડતાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ સારી રીતે સાકર થાય.અને દેશ વિદેશથી ખાસ કચ્છના મહેમાન બનતા સહેલાણીઓ રણ સહિતના બીજા સ્થળોની જેમ જ સરળતાથી આ કડિયા ધ્રોની મુલાકાત લઈ શકે.