ગાંધીનાધામનો સ્થાપના દિન
૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીના ગાંધીજીની થયેલી કરપીણ હત્યા બાદ આચાર્ય ક્રપિલાણી મહાત્મા ગાંધીના પવિત્ર અસ્થિને કચ્છમાં ગાંધીધામ લઇ આવ્યા હતાં. તે સમયે કચ્છ રાજ્યના રાજકુંવર, ગાંધીધામની સ્થાપનામાં સિંહફાળો આપનારા ભાઇપ્રતાપ દયાલદાસ અને અન્ય અગ્રણીઓએ ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૪૮ના કંડલાની ક્રીકમાં ગાંધીજીના અસ્થિનું વિસર્જન કર્યું હતુ અને તે દિવસે ગાંધીધામની સ્થાપના કરી હતી. ત્યારથી દર વર્ષે ધામધૂમથી ૧૨મી ફેબ્રુઆરીના ગાંધીધામનો સ્થાપના દિન ઉજવાય છે. દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આર્શિવાદથી રચાયેલા ગાંધીધામ - આદિપુરમાં ગાંધી સમાધિ પણ છે. દેશમાં દિલ્હીને બાદ કરતા ગાંધીસમાધિ એકમાત્ર અહીં જ છે.
ગાંધીધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાનું મહત્વનું શહેર અને તાલુકા મથક છે. ભારતના પ્રમુખ બંદરો પૈકીનું કંડલા બંદર અહીં આવેલ હોવાથી ગાંધીધામ ચોવીસ કલાક ધમધમતું રહે છે. ગાંધીધામ દેશના અન્ય ભાગ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ બ્રોડગેજ રેલ્વેમાર્ગ વડે જોડાયેલ છે. ૧૯૪૭માં આઝાદી પછી સિંધથી આવેલા સિંધી નિર્વાસીતોને થાળે પાડવાના ઉદેશ્યથી ભાઇ પ્રતાપ દિઅલદાસે આ શહેરનો પાયો નાખ્યો હતો.[૧] શરુઆતના તબક્કે આ શહેરનું નામ સરદારગંજ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરનુ઼ કામ આગળ વધી રહ્યું હતુ઼ં એ જ દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં, શહેરનું નામ સરદાર ગંજથી બદલીને ગાંધીધામ રાખવાનું નક્કી થયું. મહાત્માજીના અસ્થીઓ સાચવવા માટે જોડીયા શહેર આદિપુરનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. આજે રાજધાની નવી દિલ્હીના રાજઘાટ ઉપરાંત મહાત્માજીની બીજી સમાધી ગાંધીધામના જોડીયા શહેર આદિપુરમાં બાપુની યાદ અપાવતી ઉભી છે.
ગાંધીધામને કચ્છનું આૈદ્યોગીક કે આર્થિક પાટનગર કહેવાય છે. વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીધામ કચ્છનું સૌથી મોટું શહેર છે. શહેરની સ્થાપના બાદ જ અહીંના કંડલા બંદરનો વિકાસ એટલા માટે કરવામાં આવ્યો હતો કે મહત્વનું એવું કરાચી બંદર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું અને દેશને વિદેશથી આયાત-નિકાસમાં કોઇ જાતનો ફરક ન પડે અને કરાચી બંદરની ખોટ પુરી શકાય એ હેતુથી કંડલાનોવિકાસ સાથોસાથ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કંડલા ભારતનું પ્રથમ હરોળનું કાર્ગો હેન્ડીલીંગ કરતું વૈશ્વિક બંદર બની ગયું છે. કંડલાના બંદરનો મહતમ ઉપયોગ થઇ શકે એ હેતુથી જ અહીં દેશનું સર્વપ્રથમ એવુ મુક્ત વ્યાપાર કેન્દ્ર (ફ્રિ ટ્રેડ ઝોન) પણ સ્થાપવામાં આવ્યું હતું જે છેક ૯૦ના દાયકા સુધી રોજગારીનું મહત્વનુ઼ કેન્દ્ર રહ્યું હતું. પરંતુ, યુ.એસ.એસ.આર. (રશિયા) ના પતન પછી અહીં રોજગારીને માઠી અસર પહોંચી હોવાનું જણાવાય છે.
આજે ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરી ટાઇમ, શિપિંગ વગેરે વ્યવસાયના કારણે રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકાર તરફથી ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સીટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.
મહાત્મા ગાંધીના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું છે, આ ગાંધીધામ શહેરે ફક્ત ૬૩ વર્ષના ટુંકાગાળામાં સરસ મજાનો વિકાસ કર્યો છે. આજે આ શહેર કચ્છનું આર્થિક પાટનગર છે અને જિલ્લાનું સૌથી મોટું શહેર પણ છે. એક સમયે અંજાર તાલુકામાં સમાવાતું ગાંધીધામ નાનું સરખું હતું. સરદાર વલ્લભભાઇના પૂતળાથી હાલના ગાંધીજીના પૂતળા સુધીમાં આખું ગામ સમાઇ ગયું હતું. ઇફકો અને ગોપાલપુરી વગેરે તો ગામ બહારના વિસ્તાર કહેવાતા હતાં. જે સ્થિતિ ગાંધીધામની હતી તેજ આદિપુરની પણ હતી. હવે તો જોકે, ગાંધીધામ પોતે જ એક તાલુકા મથક છે. જિલ્લા મથકમાં હોય તેવી પોલીસ વડાની કચેરી ગાંધીધામમાં છે. અને હવા તો એવી પણ છે કે ટુંક સમયમાં પૂર્વ કચ્છ નામના અલગ જિલ્લાનું પાટનગર પણ ગાંધીધામ હશે. આજે ગાંધીધામ જાણે આળસ ખંખેરીને બેઠું થયું હોય તેમ ચોમેર ફેલાયું છે. ભચાઉથી ગાંધીધામ રસ્તામાં સતત કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવીટી નજરે પડે જે. (બંને શહરે વચ્ચેનું અંતર ૩૩ કિમીનું છે) તો આદિપુર અને મેઘપર બોરીચી કે અંતરજાળ-શિણાય વચ્ચે જાણે કોઇ અંતર જ ન હોય તેવું લાગે છે. આ બાજુ મીઠી રોહર અને ખારી રોહરની પણ એ જ પરિસ્થિતી છે. આદિપુરથી જેમ મેઘપર બોરીચીનું કોઇ અંતર નથી તેમ મેઘપર બોરીચીથી અંજારનું પણ કોઇ અંતર ન રહેતા હવે ગાંધીધામ અને અંજારે જાણે હાથ મિલાવી લીધા હોય એવું લાગે છે. આ શહેર પૈસા કમાવવા માંગતા વર્ગ માટે સ્વર્ગ સમાન છે. કંડલાને કારણે ગાંધીધામ પોર્ટ સિટી હોવાથી ધંધા રોજગારની વિપુલ તકો અહીં ખૂણેને ખાંચરે પથરાયેલી છે. વાસ્તવિકતા એ છે કે માત્ર ગાંધીધામ કે કંડલા જ નહીં બલ્કે, તાલુકાના લગભગ દરેક ગામોને નજીકમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝનો લાભ મળ્યો છે અને સમૃધ્ધિ છલકાઇ છે. મહાબંદર કંડલાનો સીધો લાભ આટલા વર્ષોથી ગાંધીધામને મળી રહ્યો છે. અહીં શિપિંગ વ્યવસાિયકો બે નહીં બલ્કે ચાર પાંદડે થયા છે. પોર્ટને રિલેટેડ એક્ટિવિટી જોઇએ તો ટિમ્બરના ધંધાર્થીઓ ખેશભરમાંથી અહીં આકષૉય છે. કંડલા પોર્ટ પર આવેલા તેલના કુવા જેવા ટાંકાઓ પણ કમાણીનું મોટું સાધન છે. ટાંકાને પૈડા પર લાવીને બનાવેલા ટેન્કર કંડલાથી ઠેકઠેકાણે દોડતા હોય છે અને આબાદી લણી આવે છે. ટેન્કરની માફક ટ્રક-ટ્રેયલર-ડમ્પર પણ દિવસરાત દોડી દોડીને ગાંધીધામની આવકમાં યથાયોગ્ય ફાળો આપે છેજે કાંઇ હોય તે પણ વિભાજનમાં પોતાનું સર્વસ્વ મુકીને માત્ર પીડા લઇને અહીં આવેલા સિંધી ભાઇઓ કે રાજસ્થાન હરિયાણાથી દોરી લોટો લઇને અહીં સામ્રાજ્ય ખડું કરનારા સાચા ગાંધીધામવાસીઓ સાચા દિલથી આ શહેરને ચાહે છે અને તેને કચ્છનું આર્થિક પાટનગર તો બનાવ્યું જ છે અને હજી તેને વિશ્વ કક્ષાનું પોર્ટ સિટી બનાવવાના અરમાન પણ તેને છે. જરૂર છે માત્ર સહિયારા પ્રયાસની અને સરકારના સાચા સપોર્ટની. કચ્છ એટલે દેશના એક ખુણે આવેલો પછાત જિલ્લો... કચ્છમાં રણ સિવાય બીજું કાંઇ નથી... એવી માન્યતા એક જમાનામાં શેષ ભારતમાં પ્રવર્તતી હતી. તે સમયે કચ્છમાં જો ક્યાંય ઔદ્યોગિક પ્રવૃતિઓ થતી હોય તો તે માત્ર ગાંધીધામ સંકુલમાં જ થતી. અહીં ઇફકો નામનું ખાતરનું કારખાનું હતું. કેએફટીઝેડ તરીકે ઓળખાતા હાલના કાસેઝમાં અનેક ફેક્ટરીઓ ધમધમતી હતી. એક રીતે કહીએ તો ગાંધીધામને કચ્છના વિકાસનું એપી સેન્ટર પણ કરી શકાય.
પંચરંગી એવા આ શહેર સંકુલના 68મા સ્થાપના દિવસ નિમિત્તે નગરપાલિકા તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી આ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. દરમ્યાન ગાંધીધામ સિંધી યૂથ સર્કલ દ્વારા પરંપરાગત રીતે સ્થાપના દિનની ઉજવણી કેક, કેન્ડલ્સ એન્ડ કોફી કાર્યક્રમથી કરાશે.
ગાંધીના 11 વ્રતોને સ્વીકારનાર ધામ – ગાંધીધામ બની રહે તેવી 68મા જન્મદિને ગાંધી(ધામ)વાસીઓને શુભેછાઓ...