| પ્રકરણ : 5 |
સમીર બે દિવસે ભાનમાં આવ્યો , તે પણ બબ્બે ડોક્ટરોને ઘેર બોલાવ્યા ત્યારે , બાકી તો રાજ્વૈધે તો કહી દીધું હતું કે –રાજકુમાર કોમામાં જતાં રહ્યા છે અને હવે તેમના બચવાની શક્યતા ઓછી છે .રાજવૈધની આ વાત ઉપર તો રોમા તેમના ઉપર ગુસ્સે થઈ ગઈ હતી – તે તો બસ એક જ વાત કરતી હતી કે -ના..ના.. એ શક્ય જ નથી કે સમીર આમ અચાનક મને છોડીને ચાલ્યો જાય .સમીરને કઈજ થવાનું નથી , સમીર બધી જ કસોટીમાથી હેમખેમ પાર ઉતરવાનો છે .હજુ તેનો સમય આવ્યો નથી જવાનો –હજુ તો તેણે ઘણું બધું સહન કરવાનું બાકી છે ..! બધાંને નવાઈ લાગતી હતી કે રોમા આવું કેમ બોલે છે .? હા.. તેનો સમીર પ્રત્યેનો પ્રેમ અને લાગણી તેને આવું બોલાવે તે બરાબર છે પણ .. “ હજુ તો તેણે ઘણું બધુ સહન કરવાનું બાકી છે “ આવું તો તેનાથી ના બોલાયને ?
--- અને સમીર હેમખેમ પાછો આવ્યો હતો –મોતના મુખમાથી ..! માથું ચકરાતું હતું , છતાં તે ડ્રાયવીંગ કરતો રહ્યો , આંખો ઘેરાતી હતી છતાં તે જીપ ભગાવતો રહ્યો , તેને ઘેર પાછા ફરવાની ઉતાવળ હતી , અને તેમાંજ તેણે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો ..! જીપ ધડાકાભેર મોટા પીપળાના ઝાડ સાથે અથડાઇ , ઊંચી ઉછળી , અને નીચે પછડાઈ , સમીર તેમાંથી દૂર ફેંકાઇ ગયો , ઉંધા માથે પટકાયો , માથામાં વાગ્યું , કદાચ માથું જ ફાટી જાત –પણ વળી બચી ગયો , માથામાંથી લોહીની ધાર વછૂટી ..! એ તો સારૂ થયું કે ..તેને શોધવા નીકળેલી ઘોડેસવાર ટોળકીએ આ અવાજ સાંભળ્યો એટલે એ લોકો અવાજની દિશામાં દોડી આવ્યા ..! એ લોકો પહોંચ્યા ત્યારે તો જીપ ઊંધી પડી ગઈ હતી , એન્જીન બંધ થઈ ગયું હતું , આગળના બોનેટના તો કૂચ્ચે કૂચ્ચા નીકળી ગયા હતા , અને સમીર તો જીપથી દસ ફૂટ દૂર પડ્યો હતો ..તેના માથામાંથી ધડધડ લોહી વહેતું હતું .તે લોહીના ખાબોચિયામાં આળોટતો હતો ...જો થોડોક સમય પણ કોઈ તેની પાસે પહોંચ્યું ના હોત તો કદાચ તે ત્યાને ત્યાં જ ખલાસ થઈ જાત ..! પણ આ તો વળી તેનું નસીબ સારૂ કે તેની શોધમાં નીકળેલી ઘોડેસવાર ટુકડીને જીપનો અથડાવાનો અવાજ સંભળાયો , અને એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયાં.. સમીરને ઘોડા ઉપર નાખી તાત્કાલિક રાજમહેલ લઈ આવ્યા .સમીરની જીપ તો ચાલુ થાય તેવી હાલતમાં જ નહોતી .તેની ચર્ચિલ 151 રીવોલ્વર પણ ક્યાં પડી હતી , તેની પણ કોઈને ખબર ના પડી .
તેની લાશ જેવુ શરીર જોઈને જ મહારાણીએ તો રોકકળ મચાવી મૂકી .રાજપરીવારને ના જાણે કોની નજર લાગી ગઈ હતી ? કોઈક શયતાની ઓળાનો પડછાયો પડી ચૂક્યો હતો .પહેલાં મહારાજા ગુમ થઈ ગયાં અને હવે રાજકુમાર સમીર જીવન મરણ વચ્ચે ઝોકાં ખાતો હતો ..! ખબર નહોતી પડતી કે શું કરવું ? રોમા પણ કદાચ સાનભાન ગુમાવી ચૂકી હતી –બાકી તે વહીવટ પોતાના હાથમાં લઈ શકે ..! નાછૂટકે બહાદુરસિંહે જ બધી કમાન પોતાના હસ્તક લેવી પડી .
પહેલાં તો રાજવૈધની ચિકિત્સા ઉપર આધાર રાખીને બેસી રહ્યા હતા , પણ રાજવૈધ નિરાશ થઈ ગયાં , સમીરની બચવાની કોઈ આશા તેમણે દેખાતી નહોતી , એટલે પછી ડોક્ટરોને બોલાવવા પડ્યા .ડોક્ટરોની ટ્રીટમેન્ટથી સમીર બેઠો થઈ ગયો –તે બચી તો ગયો ..પણ તેના નાના મગજ ઉપર ઇજા થયેલ હતી , ઉપરાંત બ્રેઈન હેમરેજના પણ ચાન્સીસ હતા એટલે તે કદાચ પોતાની યાદદાસ્ત ગુમાવી દે , અથવા તેના મગજનું કોઈ ઠેકાણું ના રહે ..એવી શક્યતાઓ વધારે હતી .મહારાણી તેની સેવામાં ખડે પગે હાજરને હાજર જ રહેતાં હતાં , આખરે સમીર તેમનો એકનો એક લાડકવાયો દીકરો હતો –રાજગાદીનો અને અબજો રૂપિયાની મિલકતનો એકનો એક વારસદાર હતો .મહારાણી અને મહારાજાને તો તે પોતાના જીવથી પણ વધારે વહાલો હતો .મહારાજાના હજુ પણ કોઈ સમાચાર નહોતા .
મહારાણીએ સમીરની સેવા અને ચિકિત્સાની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી .પોતાના ખોળામાં સમીરનું માથું મૂકી ચમચી ચમચી જ્યુસ , ચા, અને દૂધ પીવડાવતાં હતાં તે –નાના બાળકની માફક જ ..પણ ..!? તેમને પોતાને અને બીજા બધા લોકોને એમ લાગતું હતું કે આ બધી જવાબદારી તો રોમાએ લઈ લેવી જોઈએ –આખરે સમીર તેનો થનાર ભરથાર હતો ..! તો પછી રોમા શા માટે સમીરથી દૂરને દૂર રહેતી હશે ? આ સવાલ બધાને સતાવતો હતો ...પણ તેનું દેખીતું કારણ એક જ હતું કે ..?! તેના મગજનું કઈ ઠેકાણું નહી.. ના કરે નારાયણ અને સમીરને કઈક થઈ જાય તો તેને પડતો મૂકી બીજા સાથે પણ લગ્ન કરી લે ..! હજુ તો ક્યાં તેના સમીર સાથે લગ્ન થયાં હતાં ? અને તે પોતે હજુ તો અક્ષત યૌવના જ હતીને ? તેણે ક્યાં પોતાનું યૌવન ખંડિત થવા દીધું હતું ? સમીરે લાખ પ્રયત્નો કર્યા –તેની સાથે શરીર સબંધ બાંધવાના ..પણ રોમાએ તેને નમતું નહોતું આપ્યું –એ સારૂ જ થયુને ?બાકી જો સમીરને કઈક થઈ જાત તો રોમા ક્યાયની ના રહત ..! રોમાને તો હજુ પણ સમીરના બેઠા થવાની કોઈ જ આશા નહોતી .તેને તો એવું જ હતું કે સમીર કદાચ બચી જાય તો પણ .. કદાચ ગાંડો થઈ જાય ..! અને એટલે જ તે તેની નજીક પણ ફરકતી નહોતી ..! તે સમીરથી દૂરને દૂર જ રહેતી હતી ..! સમીર સામે વીંધી નાખતી નજરે જોતી . સમીર પણ જાણે કે તેને ઓળખતો ના હોય એ રીતે એકીટશે તાકી જ રહેતો ..! શું થવા બેઠું છે આ રાજપરીવારનું તેની કોઈને ખબર પણ પડતી નહોતી .હજુ તો મહારાજા ક્યાં છે તેની પણ કોઈને કશી ખબર નહોતી ..! તેમના કોઈ સમાચાર જ નહોતા..! શું થશે –તેની ચિંતા પણ મહારાણી સિવાય કોઈને થતી નહોતી .સમીર તો જાણે કે દુનિયાથી જ અલિપ્ત થઈ ગયો હતો .સમીરને હવે તો ધોળા દહાડે ભૂત ભડાકા કરતાં દેખાતા હતાં.. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું ..! તે રોમા તરફ તાકી રહેતો –તેને ઘડીક રોમા દેખાતી તો ઘડીક વિશાખા ..?!
દિવસો વીતતા જતાં હતાં –જો મહારાજા ખરેખર જાતે ગુમ થઈ ગયા હોય તો આટલા દિવસોમાં તો તેઓ પાછા આવી જ જાય ..! પણ ના ..કાં તો તેઓ કીડનેપ થયા હતાં અથવા તો કોઇકે મહારાજાનું ખૂન કરી નાખ્યું હતું –નહીતર અત્યાર સુધી તો મહારાજાનો કોઈક સંદેશો કે ભાળ જરૂર મળે .સમીરે રવાના કરેલા બધા જ ગુપ્તચરો એક પછી એક નિરાશ વદને પાછા આવી ગયા હતા..! તો પછી –બધાને તો મહારાજાને કોઇકે મારી નાખ્યા હોય એવી શક્યતા વધારે દેખાતી હતી ..! અને પછી તે દિવસે ... બહાદુરસિંહ .... પોતાના કામથી પરવારી પોતાના ઘેર જવા નીકળતા હતાં કે સામે જ બારણામાં એક કવર પડેલું જોયું .બહાદુરસિંહે તે કવર ઉઠાવી લીધું અને વાંચ્યું તો તેના ઉપર લખ્યું હતું –રાજકુમાર સમીર માટે ..! અગત્યનો ગુપ્ત સંદેશ ..?!
પહેલા તો બહાદુરસિંહ તે તોડીને વાંચવા જતાં હતાં પણ આ વાક્ય વાંચીને તેમના હાથ અટકી ગયા .કવર લઈ તેઓ રાજકુમાર સમીરના રૂમમાં ગયા –રોમાનો તો કોઈ પત્તો નહોતો –તે ક્યાં ગઈ છે –તેની કોઈને ખબર નહોતી , નહીતર તેઓ એ કવર પોતાની પુત્રી રોમાને આપત –તેનો એના ઉપર અધિકાર હતો .
સમીરના રૂમમાં સમીર સૂનમૂન તકિયાને અઢેલી બેઠો હતો , તેના પગ પાસે મહારાણી બેઠા બેઠા તેના પગ દબાવી રહ્યા હતાં ...બહાદુરસિંહે અંદર પ્રવેશી બંનેને નમન કર્યું અને પછી બોલ્યા, “ હું ઘેર જ જવા નીકળતો હતો અને બારણામાં આ કવર પડેલું જોયું એટલે પાછો ફર્યો .કવર ઉપર યુવરાજનું નામ લખેલું છે –સાથે લખ્યું છે કે રાજકુમાર સમીર માટે ગુપ્ત સંદેશ ..એટલે મેં તે કવર તોડ્યું નથી ..” કહી તેમણે તે કવર સમીર તરફ લંબાવ્યું –પણ તેની તો આંખો બંધ હતી આથી મહારાણીએ જ તે કવર હાથમાં લીધું , ખોલ્યું અને વાંચવા માંડ્યાં .. તરત જ બોલ્યાં ,” બહાદુરસિંહ , આ તો મહારાજના સમાચાર છે ..તેમનું અપહરણ થયું છે –સંદેશો લખનાર કહે છે કે મહારાજ તેની કેદમાં સહીસલામત છે –તેમની કોઈ ચિંતા કરશો નહીં..માત્ર તેની જે કઈ માંગ હોય તે પૂરી કરશો તો મહારાજ સહીસલામત પાછા ફરશે –નહીંતર તેમનું માથું ધડથી જુદું કરી બંને અલગ અલગ કોથળામાં મોકલી આપીશ ..” મહારાણીનું બોલવાનું પૂરૂં થયું તે સાથે જ સમીરે આંખો ખોલી અને બોલ્યો ,” શી માંગ છે એની ? એમ કઈ મહારાજનું મસ્તક રસ્તામાં પડ્યું છે ? “ સમીર બોલ્યો –એનાથી જ બધાંને આનંદ થયો .એક વાત નક્કી થઈ ગઈ કે રાજકુમાર અને તેનું મગજ સહીસલામાત છે હવે ચિંતાની કોઈ વાત નથી ..!સમીર સહીસલામત છે એટલે તે કોઈપણ હિસાબે મહારાજાને પાછા જરૂર લઈ આવશે ..!
“ શી માગણી છે અપહરણકર્તાની ? “ સમીરે ગુસ્સાથી મહારાણીને પૂછ્યું..મહારાણી તેનો વિકરાળ ચહેરો જોઈને જ ગભરાઈ ગયાં.. ચૂપચાપ પેલું કવર સમીર તરફ લંબાવી દીધું..!