|પ્રકરણ : 8 |
મુખ્ય ગુપ્તચરે તેને સલામ કરી જે સમાચાર આપ્યા તે તો તેની ઉંઘ ઉડાડી દે તેવા હતા .તેનું કહેવું હતું કે જ્યારથી મહારાજા ગુમ થયા છે અને મહારાજાનું અપહરણ થયું છે ત્યારથી પ્રજા ગુસ્સે થઈ ગઈ છે –જન આક્રોશ ફાટી નીકળ્યો છે –લોકો માને છે કે આ બધાની પાછળ રોમાનો હાથ છે , રોમા જ આ બધો દોરીસંચાર કરે છે અને લોકોની માગ છે કે રોમાને દેશનિકાલ કરો , રાજકુમારનો રોમા સાથેનો વિવાહ ફોક કરો , રોમાને કડકમાં કડક સજા કરો –આજે પીપલ્સ પાર્ટીએ ઉધાવડા બંધનું એલાન આપ્યું છે , તેમ છતાં જો મહારાજા પરત નહીં આવે , જો રોમાને દેશનિકાલ નહીં કરવામાં આવે તો એ લોકો પહેલાં એક દિવસના પ્રતિક ઉપવાસ પાળશે , અને પછી આમરણાંત ઉપવાસનું આંદોલન છેડશે ..!
સમીરે તેને ગમે તેમ સમજાવીને તો રવાના કરી દીધો , પણ તેની વાતોએ સમીરને વિચારતો કરી મૂક્યો .લોકોની વાતો તો વિચારવા જેવી જ હતી .આ બધાના મૂળમાં કદાચ રોમા જ હતી . એક પછી એક જે ઘટનાઓ બની રહી હતી તે તો એજ સૂચવતી હતી કે રોમા જ આ બધું કરાવે છે તેને મહારાજાના અપહરણ પાછળ શો સ્વાર્થ હશે ? કશી ખબર પડતી નહોતી ..! અને આટલું બધું થવા છતાં , તે પોતે મોતના મુખમાંથી પાછો આવ્યો છતાં રોમાનો તો વાળ પણ વાંકો થયો નહોતો –તેણે પોતે પણ રોમાને કોઈ સજા કરી નહોતી –ના તો તેણે રોમાની પૂછપરછ કરી હતી , ઉપરથી જાણે કે રોમાને સરપાવ આપ્યો હોય તેમ તેની બધીજ શરતો સાથે તેની સાથે વિવાહ કર્યો હતો ..! એટલે સ્વાભાવિક છે કે પ્રજાને લાગે કે તે જોરૂકા ગુલામ છે ..! સમીરને પ્રજાની ડીમાન્ડ સાચી લાગતી હતી .તેણે રોમા સાથે સિવિલ મેરેજ કરતાં પહેલાં આ બધીજ બાબતોનો વિચાર કરી લેવો જોઈએ –શક્ય હોય તો આ લગ્ન અટકાવવું જોઈએ .સમીરને એમાં જ પોતાનું અને રાજયનું કલ્યાણ દેખાતું હતું ..તે વિચાર કરતો રહ્યો –પણ પછી તેને લાગ્યું કે હવે શું ? તીર કમાનમાંથી નીકળી ગયું હતું ..હવે તેને પાછું વાળવાનું શક્ય જ નહોતું .તે ઇચ્છે તો પણ હવે રોમા સાથેનું લગ્ન અટકાવી શકે તેમ નહોતો ..! તેના પિતાનું અપહરણ જે થયું હતું ..! તેના બાપનો જીવ જોખમમાં હતો – જો તે આ લગ્ન કરવાની ના પાડી દે તો મહારાજાનું કાસળ કાઢી નાખતાં પણ કોઈ તેમને અટકાવી શકે એમ નહોતું ..! સમીર હજુ કદાચ આગળ વિચારતો જ રહેત –પણ ત્યાં તો તેમના બંગલા લાલમહેલનો ચોકીદાર આવ્યો –સમીરને સલામ કરી , સમીર સામે અદબ વાળીને ઉભો રહ્યો , એટલે સમીરે સામેથી પૂછ્યું ,” બોલ અલતાફ , કોઈ સમાચાર છે ? તું કઈ કહેવા માંગે છે ? “ ખરેખર તો એ ચોકીદાર નહોતો , પણ સ્ટેટનો વફાદાર જાસૂસ હતો અને મહારાજાએ જ તેને ત્યાં ગોઠવ્યો હતો –લાલ મહેલ ઉપર ..!
“ હા.. સરકાર ..પણ કહેતાં હું ગભરાઉ છું કારણકે સમાચાર જ એવા છે ..”
“ એટલે ? “
“ સરકાર , સમાચાર મેમસાબ રોમાને લગતા અને મહારાજાને લગતા છે ..કદાચ સમાચાર આપને સાચા ના લાગે અને આપ મને જ સજા કરી દો..એટલે હું ગભરાઉ છું ..” કાંપતા અવાજે અલતાફે કહ્યું ..”
“ ના..ના.. તું ગભરાઈશ નહીં.. જે કઈ સમાચાર હોય તે કહી દે , કદાચ મને ખોટા લાગશે , તારી વાત ઉપર વિશ્વાસ નહીં બેસે , તો પણ તને કશું નહીં થાય –તું બેફિકર રહેજે –તારો વાળ પણ વાંકો નહીં થાય ..” સમીરે તેને અભય વચન આપ્યું ...છતાં પણ તે કદાચ અચકાતો હતો ..! તે થોડીવાર વિચાર કરતો રહ્યો ,” પછી બોલ્યો , સરકાર મેમસાબ રોમા વારંવાર આ લાલ મહેલ આવે છે.. આ લાલ મહેલના રૂમ નબર 101 માં એક યુવાન રહે છે –હાર્દિક ... એને મળવા આવે છે અને મને કહેતાં પણ શરમ આવે છે કે મેમસાબ રાતના અંધારામાં જ આવે છે –આખો લાલ મહેલ ઉંઘી જાય પછી – અને મોટાભાગે તો આખી રાત એ રૂમમાં રોકાય છે –બારણાં અંદરથી બંધ કરી દે છે એટલે એ લોકો શું કરે છે તેની તો ખબર પડતી નથી પણ ..જે લોકોએ મેમસાબને આ રીતે જોયાં છે એ લોકો મેમસાબ અને હાર્દિકના સબંધ બાબત ઘણી ગંદી ગંદી વાતો કરે છે –એ લોકોનું તો કહેવું છે કે મેમસાબ અને હાર્દિક વચ્ચે અનૈતિક સબંધો છે ...! “
સમીરને અલતાફની વાત સાચી લાગતી હતી –નક્કી રોમા આ યુવાન સાથે ચાલુ હોવી જોઈએ .. એટલે જ લગ્ન પછી પણ આ સબંધો ચાલુ રાખી શકાય એટલા માટે જ તેણે તેની સાથે આ શરત મૂકી હશે કે હું ક્યાં જાઉં છુ , શા માટે જાઉં છુ અને કોને મળું છું તે ક્યારેય પૂછવાનું નહીં અને મારી જાસૂસી પણ કરવાની નહીં ..! જે દિવસે તમે એ જાણવાનો પ્રયત્ન કરશો તે દિવસે હું તમને છોડીને જતી રહીશ..! હા..સમીરને હવે રોમાના એ વર્તનનો તાળો મળતો હતો ..! પણ રોમા જો હાર્દિકને પ્રેમ કરતી હોય તો તેને હાર્દિક સાથે લગ્ન કરતાં કોણ અટકાવે છે ? સમીરે બળજબરીથી તો તેની સાથે વિવાહ કર્યો નહોતો ..પછી તેની એવી કઈ મજબૂરી હતી કે તેણે સમીર સાથે વિવાહ કરવો પડ્યો હોય ? સમીર સાથે લગ્ન કરવાની શી જરૂર હતી એને ?!
સમીર વિચારતો હતો અને અલતાફ તેના ચહેરા તરફ તાકી રહ્યો હતો ..તે વિચારમાં પડી ગયો –અલતાફની વાત તો હવે પૂરી થઈ ગઈ હતી –હવે અલતાફ કેમ ઉભો રહ્યો હતો ? અલતાફ શું તેની પ્રતિક્રિયા જાણવા ઉભો રહ્યો હશે ? કે પછી ઇનામની લાલચમાં ?!
“ હજુ કઈ બાકી રહ્યું છે અલતાફ ? “ તેણે અલતાફને પૂછ્યું .
“ જી સરકાર ..” અલતાફે કહ્યું ..એટલે તેણે પ્રશ્નસૂચક નજરે તેના તરફ જોયું .
“ મહારાજા , આ વાત જાણી ગયા હતા .. અને એક-બે વખત તેમના માણસો ચોરીછૂપીથી મેમસાબની પાછળ આવ્યા હતા –અને એમણે મને વાત પણ કરી હતી , તેમજ આ યુવાન હાર્દિક વિષે પણ પૂછપરછ કરી હતી, જવાબમાં હું એના વિષે જે કઈ જાણતો હતો તે બધીજ વાત તેમને જણાવી દીધી હતી .
“ શું જાણે છે તું એ યુવાન વિશે ? “ સમીરે પૂછ્યું.
“ એજ કે એ યુવાન સારો નથી , તેની ચાલચાલગત સારી નથી – એ બાજુના ગામ પિંડોળીનો છે ..અને ..” તે અટકી ગયો કદાચ તે જે જાણતો હતો તે વાત કરતાં ખચકાતો હતો
“ બોલને , કેમ અટકી ગયો ..?””
“ પિંડોળીમાં તેને એક વિધવા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેની સાથે ..”
“ શું? તેની સાથે ? “
“ એ વિધવાએ આ હાર્દિક સાથે જ્યારે પહેલીવાર શરીરસબંધ બાંધ્યો કે તરત જ એ વિધવાનું મૃત્યુ થયું હતું –તેના શરીરમાં વિષ –ઝેર ફેલાઈ ગયું હતું –મતલબ કે હાર્દિક વિષપુરૂષ હતો ..જેમ નાગ ડંખ મારે તો શરીરમાં ઝેર ફેલાઈ જાય તેમ આ વિષપુરૂષ સાથે શરીરસબંધ બાંધે તો તેના શરીરનું ઝેર ઓરતના શરીરમાં ફેલાઈ જાય .. આ જાણ્યા પછી મહારાજાને રોમા મેમસાબની ચિંતા થાય એ સ્વાભાવિક છે –આથી રાજાસા’બ ગુમ થયા તેની આગલી રાતે મેમસાબની પાછળ પાછળ લાલ મહલ આવ્યા હતા –મેમસાબ રૂમ નંબર 101 માં દાખલ થયાં , રૂમનું બારણું બંધ થયું ત્યારપછી થોડીવારે રાજાસા’બ આવ્યા હતા , બારણું ખોલાવ્યું હતું અને બંનેને રંગે હાથ પકડી પાડ્યાં હતાં.. મહારાજા અને હાર્દિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી –વચ્ચે વચ્ચે મેમસાબ પણ બોલતાં હતાં.. અને પછી બીજા દિવસે રાજાસાબ ગુમ થઈ ગયા હતા..”
“ તો તારે તે વખતે જ આ વાત મને કરવાની હતીને ? “ સમીર લગભગ ગુસ્સે થઈ ગયો હતો .જો તે વખતે તેણે આ વાત જાણી હોત તો તરત જ હાર્દિકને પકડી લેત, અને તેને રીમાન્ડ ઉપર લેત તો સાચી વાત બહાર આવી જાત ..”
“ પણ સરકાર , રાજાસાબ ગુમ થયા તે દિવસથી આ હાર્દિક પણ ક્યાંક ચાલ્યો ગયો હતો –અને હું જો આપને એ વાત કરત તો આપ હાર્દિકને શોધી લાવવાનું મને જ કહેત .. અને તે દિવસથી મેમસાબ પણ એ બાજુ ફરકતાં નહોતાં...એટલે મે માન્યું કે વાત પૂરી થઈ ગઈ છે ..પણ આ તો ગઈ કાલે બપોરે હાર્દિક પાછો આવ્યો ..અને રાત્રે ફરીથી મેમસાબ તેના રૂમ ઉપર આવ્યાં એટલે મેં આપને વાત જણાવી ..” તેણે પોતાનો બચાવ કર્યો .સમીર થોડીક ક્ષણો વિચાર કરતો રહ્યો , તે દરમ્યાન એક સેવક આવ્યો , અને કહ્યું કે બહાદુરસિંહ આવી ગયા છે અને રજીસ્ટાર ઓફિસે જવા આપની રાહ જોઈ રહ્યા છે ..! ત્યારે સમીરને આજનો પ્રોગ્રામ યાદ આવ્યો , તેણે અલતાફને કહ્યું ,” હું લોનાવાલાથી પાછો ના આવું ત્યાં સુધી હાર્દિક ઉપર નજર રાખજે –જરૂર પડે તો મારૂ નામ લઈ પોલીસની પણ મદદ લેજે ..અને ત્યાં સુધી આ વાત કોઈને કરતો નહીં .” અલતાફ તેને સલામ કરી ચાલ્યો ગયો એટલે સમીર ઉભો થયો .