Vishakanya - 3 in Gujarati Thriller by Arjunsinh Raoulji. books and stories PDF | વિષકન્યા - 3

Featured Books
Categories
Share

વિષકન્યા - 3

। પ્રકરણ :3 ।

વિશાખા અને રોમાના પપ્પા બહાદુરસિંહ. વિશાખાના મ્રુત્યુથી ખરેખર દુ:ખી થઈ ગયા હતા .પોતાની પુત્રીનું આમ અકાળે અવસાન ..!? અને તે પણ સ્ટેટના જ ફાર્મ હાઉસમાં ? તેમના માટે તો આ વાત જ કલ્પનાતીત હતી –અને તે પણ પાછું કોબ્રા નાગના કરડવાથી ? તેઓ તો કહેતા હતા કે આ શક્ય જ નથી .વિશાખાના શરીરની ઇમ્યુનિટી જ એવી હતી કે જો કોબ્રા નાગ વિશાખાને કરડે તો વિશાખા નહીં પણ કોબ્રા નાગ જ મરી જાય ..?! પછી વિશાખા મરી ગઈ એ વાત જ તેઓ કેવી રીતે સ્વીકારે ? છતાં જે હકીકત બની હતી એ સ્વીકારવી જ પડે એમ હતું ..!

તો બીજી તરફ તેમને વિશાખાના મ્રુત્યુ પાછળ કોઇક ષડયંત્ર રચાયું હોય એમ લાગતું હતું ,અને શંકાની સોય ઉધાવડા સ્ટેટ તરફ જ તકાતી હતી તેમાં પણ પ્રિંન્સ સમીર તરફ જ..!? તેમને શંકા હતી કે સમીરે જ આ ષડયંત્ર રચ્યું છે ....અને તેના માટે તેમની પાસે તેમનાં પોતાનાં અંગત કારણો પણ હતાં .સમીરને વિશાખા ગમતી નહોતી ,તે વિશાખા સાથે નહીં , પણ રોમા સાથે જ લગ્ન કરવા માગતો હતો , પણ નાછૂટકે બળજબરીથી તેણે વિશાખા સાથે લગ્ન કરવાં પડ્યાં હતાં . વિશાખાની લાજ-શરમ –મર્યાદા અને ભારતીય સંસ્ક્રુતિ તરફની વિચારસરણીનો તે સખત વિરોધી હતો ...વિશાખા તેના અને રોમાના મિલનમાં કાંટો હતી ..! જો આ કાંટો સાફ કરી નાખવામાં આવે તો જ તેના રોમા સાથેના લગ્નનો માર્ગ મોકળો થાય , એટલે સમીરે જ આ કાવતરૂં રચ્યું હશે ..! બહાદુરસિંહ આવી સશક્ત માન્યતા ધરાવતા હતા ..પણ થાય શું ? બિચારા મજબૂર હતા .રાજ્યની સામે અવાજ ઉઠાવવાની તેમની તાકાત નહોતી –અને તેમાં પણ રાજકુમાર સમીરનું નામ આપવું એટલે સાક્ષાત મ્રુત્યુદંડને જ આમંત્રણ ..!

બીજી તરફ મહારાજા અજેંદ્રસિંહ પણ એવું જ માનતા હતા કે સમીરે જ વિશાખાનું કાસળ કાઢી નખાવ્યું છે કારણકે તેને રોમા સાથે લગ્ન કરવાં હતાં , નહીં કે વિશાખા સાથે ..! જો વિશાખાનું મ્રુત્યુ થાય તો તેના રોમા સાથેના લગ્નનો માર્ગ ખુલ્લો થઈ જાય –આથી પોતાના બાપથી , બહાદુરસિંહથી ,રોમાથી અને રાજ્યથી છૂપી રીતે કોબ્રા નાગ દ્વારા તેણે વિશાખાનું કાસળ કઢાવી નાખ્યું..!

સમીર પોતે વિશાખાના મરણથી ખુશ હતો તો પણ તેણે દુ:ખી થયાનું નાટક તો કરવું જ પડ્યું હતું , પણ તેના મગજમાં તો આ ઘટનાથી કેટલીયે સમસ્યાઓ ઉભી થઈ હતી ..! જે ખરેખર ચિંતાજનક હતી. ગુપ્તચરો જે બાતમી લાવ્યા હતા તે પ્રમાણે સમીરને જ મારી નાખવા માટે આ પ્લાન ઘડવામાં આવ્યો હતો ..પણ શા માટે ? ગુપ્તચરોની માહિતી પ્રમાણે તો આ પ્લાન વિશાખાએ ગોઠવ્યો હતો ..પણ શા માટે ? સમીર તેની સાથે તેની ઇચ્છા વિરૂધ્ધ શરીર સબંધ બાંધવા માગતો હતો એટલે ? ના.. કોઇપણ ભારતીય ઓરત પોતાના થનારા શોહરત માટે આવું વિચારી પણ ના શકે –તો પછી વિશાખા આવું કાવતરૂં ઘડે એ વાત જ સમીરના ગળે ઉતરતી નહોતી . ... તો પછી આ કાવતરૂં ઘડ્યું કોણે ? બહાદુરસિંહે ..? શા માટે ?તેમણે પોતે તો રોમાના બદલે વિશાખા સાથે સમીરના વેવિશાળ ગોઠવ્યા હતા .તેઓ શું કામ એવું કરે ? તેમને સમીર સાથે શી દુશ્મનાવટ હતી ? તેઓ તો સ્ટેટના એક મામૂલી કર્મચારી હતા –તેમને સમીરના મ્રુત્યુથી શી નિસ્બત ? સમીરના મ્રુત્યુથી તેમને શું ફાયદો થાય ?

તો પછી કોણ હતું સમીરનું દુશ્મન ? શું કરવા તે સમીરને પતાવી દેવા માગતું હતું ? નક્કી આ ષડયંત્ર પાછળ કોઇક મોટો હાથ હોવો જ જોઇએ ? સમીરે પોતાનું આખું ગુપ્તચર તંત્ર આ માટે કામે લગાડી દીધું હતું ..પણ એક વાત નક્કી હતી કે હવે સમીરે પોતે પણ ખૂબ સાવધ રહેવું પડશે .એક ષડ્યંત્રમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ બમણા વેગથી ફરીવાર ત્રાટકે તો તે સફળ થઈ પણ જાય ..?! સમીર માથે મોત ભમતું હતું –પણ તેનાં કારણો અને ષડયંત્રકારી કોણ છે –એ નક્કી થાય તે પહેલાં તો આ બીજી સમસ્યા ઉભી થઈ ગઈ ..?! વિશાખા મ્રુત્યુ પામી હતી ,તેનાં અનેક સાક્ષીઓ હતા – તેની અંતિમ વિધિમાં હાજર રહેલા પણ ઘણા બધા હતા .ભલે તેને તેમના વતનમાં લઈ જઈ અગ્નિદાહ આપવામાં આવ્યો હોય ,તો પણ એ વિધિના સાક્ષી પણ ઘણા બધા હતા , તો પછી વહેલી સવારમાં સમીરના મહેલની ડોરબેલ વગાડનાર વિશાખા ક્યાંથી આવી ? વિશાખા જીવતી હતી તો પછી તે મરી ગઈ છે એવી જુઠ્ઠી ખબર કોણે ફેલાવી ? અને શા માટે ? શું રોમાનો એમાં હાથ હશે ? શા માટે ? તેનાં સમીર સાથેના લગ્નનો માર્ગ મોકળો થાય એટલે ? અને વિશાખા જો જીવતી હોય તો પછી અંતિમદાહ કોના શબને આપ્યો ? સ્ટેટમાં જૂઠી ખબર કેમ ફેલાવી ?

જો ખરેખર વિશાખાનું મ્રુત્યુ જ થયું હોય તો એ ભૂત થઈ હશે ? સમીર પાસે કેમ આવી હશે ? તે દિવસે તો વિશાખાનું ભૂત જોઇ સમીર બેભાન થઈ ગયો ..! વિશાખા ભૂત થઈ છે એ વિચારથી જ સમીર કાંપી ઉઠતો હતો ...આમેય તેને ભૂતપ્રેતનો ડર વધારે લાગતો હતો .ભૂત પ્રેત કે ચૂડેલની વાતો સાંભળીને પણ તેની રાતોની નીંદ વેરણ થઈ જતી હતી . તે ભલે પાશ્ચાત્ય વિચારસરણી ધરાવતો હતો ,છતાં આવી અંધશ્રધ્ધામાં માનતો હતો .તેણે સાંભળ્યું હતું એ પ્રમાણે જ્યારે માણસની ઇચ્છાઓ અધૂરી રહી જાય ત્યારે જ તે ભૂત થાય છે ... વિશાખાની તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી ,અને એટલે જ તે ભૂત થઈ હોવી જોઇએ .તેણે દરબારીઓની સલાહ લીધી , પોતાના રાજ્યના મંત્રીઓની સલાહ લીધી અને પછી કેટલાય ભૂવા , જાગરિયા અને ફકીરોને વિશાખાનું ભૂત ભગાડવા કામે લગાડી દીધા .

ખરેખર જો વિશાખા ભૂત થઈ હોય તો જ્યાં સુધી તેની ઓધરાગતિ ના થાય ત્યાં સુધી તે જરૂર સમીરને હેરાન કરે જ .અરે ! એકલા સમીરને શું કામ ? તે રોમાને પણ હેરાન કરે ..! શક્ય છે કે તેમના મિલનમાં પણ તે અવરોધ ઉભા કરે... અને સમીરને એવા અનુભવો એક પછી એક થવા માંડ્યા.તે દિવસની જ વાત કરો, , તો વિશાખાનું ભૂત જોઇ તે બેભાન થઈ ગયો ...તરત જ સ્ટેટના સેવકો દોડી આવ્યા , તેને તેના જ બેડરૂમમાં પલંગમાં સૂવડાવ્યો ત્યારે આશ્ચર્યની વાત તો એ હતી કે રોમા તેની બાજુમાં જ સૂતી હતી . સેવકોના કહેવા પ્રમાણે તો રોમા મેમસાબ રાત્રે પાર્ટીમાંથી જ પોતાની ગાડી લઈ ચાલ્યાં ગયાં હતાં –તે ક્યારે પાછાં આવ્યાં –તેની કોઇને ખબર નહોતી , તેમની ગાડી આવતી કોઇએ જોઇ નહોતી ..અરે ! મહેલનો વોચમેન પણ કહેતો હતો કે તેણે મેમસાબને કે તેમની ગાડીને અંદર આવતી જોઇ જ નથી અને તેમના માટે તેણે ગેટ ખોલ્યો જ નથી , તો પછી રોમા ક્યારે આવી , કેવી રીતે આવી , અને ક્યાંથી કમ્પાઉંડમાં દાખલ થઈ એ એક પ્રશ્ન હતો .બાકી તેની ગાડી પાર્કિંગમાં પડી હતી .

સમીરને તેની બેડ ઉપર સૂવડાવ્યો કે તરત જ રોમા પોતાના પલંગમાં બેઠી થઈ ગઈ , અને તરત જ પૂછ્યું ,” શું થયું છે એમને ? “ એનો અર્થ એ થયો કે રોમાને જે કંઇ ઘટના ઘટી હતી તેની કશી જ ખબર નહોતી..! શું તેણે બેભાન થતાં પહેલાં સમીરે પાડેલી ચીસ પણ નહીં સાંભળી હોય ? તેના મહેલના ડોરબેલનો અવાજ પણ નહીં સાંભળ્યો હોય ? બાકી બાજુમાં આવેલા સર્વન્ટસ ક્વાર્ટસમાં ઉંઘતા બધા સેવકોએ પણ એ ડોરબેલનો અવાજ અને સમીરની ચીસ સાંભળ્યાં હતાં ..! રોમા આવીને બાજુમાં સૂતી છે એની પણ સમીરને ખબર નહોતી ..! રોમા હાજર હતી તો પછી તેણે ઉઠીને બારણું કેમ ના ખોલ્યું ? જો રોમા બારણું ખોલવા ગઈ હોત તો આ પ્રશ્ન જ ઉપસ્થિત ના થાતને ? ખરેખર તો વિશાખાનું ભૂત એકલું જ નહીં , પણ રોમા પોતે પણ એક સમસ્યા બની ગઈ હતી .જાણકારોને તો તેમાં પણ કોઇક કાવતરાની ગંધ આવતી હતી .

વિશાખા ભૂત થઈ છે એની સાબિતી સમીરને બીજા દિવસની રાતે જ મળી જ ગઈ ..! રાત પડી ગઈ હતી ..દરરોજ તો મહારાજા –મહારાણી –સમીર અને રોમા સાથે બેસીને જ રાતે ભોજન કરતાં હતાં , પણ સમીરની માનસિક હાલત ઠીક નહોતી , તે રાત દિવસ બબડાટ કર્યા કરતો હતો , તેને વારે વારે વિશાખા દેખાતી હતી ...ઘડીક વિશાખા દેખાય અને પાછી અલોપ થઈ જાય ..ભૂવા અને ફકીરોએ પોતાની વિધિ ચાલુ કરી દીધી હતી –ભૂત ભગાડવાની .. રાજવૈધ આવીને સમીરની નાડી જોઇ ગયા હતા , તેની તપાસ કરી હતી ..રાજવૈધનું તો કહેવું હતું કે સમીરને નખમાંય રોગ નથી –જે કંઇ બની રહ્યું હતું તે તો માત્ર સમીરની ભ્રમણા જ હતી –તેને આજુબાજુ વિશાખા ભમતી હોય તેવી ભ્રમણા જ થતી હતી.પણ ભ્રમણા પણ આવી હોય ?! આશ્ચર્યની વાત હતી .સમીર વોશબેસિનનો નળ ચાલુ કરે તો નળમાંથી પાણીના બદલે લાલ લાલ લોહી નીકળે , સમીર બૂમ પાડીને ખસી જાય એટલે તેની બૂમ સાંભળીને કોઇકને કોઇક સેવક દોડી જ આવે ..સમીર કહે કે નળમાંથી પાણીના બદલે લોહી નીકળે છે એટલે તે હસતો હસતો નળ ખોલીને બતાવે કે તેમાંથી પાણી જ આવે છે .સમીર પોતાનું માથું કૂટતો ..! તેને જ કેમ આવી ભ્રમણા થતી હશે ..?!

તેણે રોમા સાથે માત્ર વિવાહ જ કર્યો હતો લગ્ન નહીં ..! તો પણ એ લોકો લગ્ન થઈ ગયાં હોય એ રીતે પતિપત્ની તરીકે જ રહેતાં હતાં . આમ છતાં રોમાએ વિશાખાની માફક જ સમીરને તેની સાથે શરીર સબંધ બાંધવા દીધો નહોતો , અરે ! શરીર સંબંધ તો પછીની વાત છે તેણે સમીરને કદાચ પોતાના શરીરને સ્પર્શ પણ કરવા દીધો નહોતો ..! મહારાજા અને મહારાણીને તો આ ખબર પણ નહોતી ..! છતાં , પણ પુત્ર પ્રેમ સામે તેઓ લાચાર હતાં પુત્રની જિદ પાસે તેમણે નમતું આપવું પડ્યું હતું , બાકી રોમાના પપ્પા પણ એ લોકો આ રીતે રહે તેના વિરોધી હતા .વાત માત્ર આટલેથી જ અટકતી નહોતી .તેઓ રાત્રે પતિ-પત્નીની માફક જોડે જ સૂતાં હતાં –કોઇ મર્યાદારેખા ઓળંગી નહોતી .જે કાર્ય લગ્ન પછી થાય તો તેમાં મજા આવે તે કાર્ય થઈ શક્યું જ નહોતું .સમીરના લાખ પ્રયત્નો છતાં રોમાએ તેને પોતાની નજીક પણ ફરકવા દીધો નહોતો .

તે દિવસે રાત્રે પણ સમીરને વિશાખાના ભૂતનો અનુભવ થયો .તેને ઘડીકમાં રોમા દેખાતી તો ઘડીકમાં એજ રોમાના બદલે વિશાખા દેખાતી .તે રોમા સમજી તેને પ્યાર કરવા જાય તો રોમા વિશાખા બની જતી અને વિશાખા બનેલી રોમા તેને હડસેલો મારીને દૂર ધકેલી દેતી ..! એક બે વખત તો વિશાખાએ તેના ગાલ ઉપર બે-ચાર તમાચાઓ પણ મારી દીધા ..! સમીરને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે ? બધાં કહે છે કે તેને ભ્રમણા થાય છે , પણ ભ્રમણા આવી હોતી હશે ..?! હજુ તો તે આ આઘાતમાંથી અને આ મૂંઝવણમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં તો એક સેવક દોડતો જ આવ્યો ,અને હાંફતો હાંફતો બોલ્યો ,” કુંવર સાહેબ મહારાજનો કોઇ જ પત્તો નથી ...સવારના શિકારે ગયા હતા પણ હજુ પાછા આવ્યા નથી ..”

સમીરે ઘડિયાળમાં જોયું –રાતના સાડા બાર વાગ્યા હતા ,અત્યાર સુધી કંઇ શિકાર કર્યા કરતા હશે ? કે પછી ખુદ શિકાર થઈ ગયા હશે ? સેવક આતુરતાથી જવાબની અપેક્ષામાં કુંવરના મોંઢા સામે તાકી રહ્યો , સમીર બોલ્યો ,” સાથે કોણ કોણ ગયું હતું ? તેમને પૂછોને ?”

“ આજે તો મહારાજ કોઇને સાથે લઈ ગયા નહોતા ..એકલા જ ગયા હતા .. “ સાંભળતાં જ સમીરને ચક્કર આવી ગયા .. ક્યાં ગયા હશે પપ્પા ? કોઇકે તેમનો જ શિકાર કરી નાખ્યો હશે ? કે પછી તેમનું અપહરણ થયું હશે ?