Yog-Viyog - 75 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 75

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 75

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૫

રિયા બેગ પેક કરી રહી હતી.

એની સામે બેઠેલી લક્ષ્મી સોનેરી વાળ, ડેનિમની બ્લૂ શોર્ટસ અને સ્લીવલેસ ટી-શટર્ ઉપર કોણી સુધી મૂકેલી મહેંદી અને લાલ રંગના ચૂડા સાથે જાણે સાક્ષાત ફ્યુઝન હોય એવી દેખાતી હતી.

એના મહેંદી મૂકેલા પગમાં એક સિંગલ સેરનાં ઝાંઝર હતાં... અને ગળામાં મંગળસૂત્ર !

સોફાના હેન્ડરેસ્ટ ઉપર પગ ઊંચા કરીને આડેધડ પડેલો નીરવ ખડખડાટ હસી રહ્યો હતો. લક્ષ્મી નવાઈથી ક્યારેક માને તો ક્યારેક દીકરાને જોઈ રહી હતી.

રિયા બેગ પેક કરતાં કરતાં બડબડ કરી રહી હતી, ‘‘તારો બાપ તને ચીરી નાખશે.’’

‘‘તો પોલીસ પકડી જશે.’’

‘‘એ મને ક્યારેય માફ નહીં કરે નીરવ, તેં આ વાતને જેટલી લાઇટલી લીધી છે એટલી સીધી અને સરળ આ વાત છે નહીં. વિષ્ણુ જ્યારે આ જાણશે ત્યારે એનું મગજ ફાટી જશે.’’

‘‘તો સોય-દોરો સાથે લઈ લેજે, આપણે સાંધી લઈશું.’’ નીરવ હસતો હતો.

‘‘નીરવ બેટા, હું શું કહું તને ?’’ રિયાના અવાજમાં થોડો ગુસ્સો અને થોડી ચિંતા હતી.

નીરવ સોફામાં બેઠો થયો. પછી એણે રિયા સામે જોયું, ‘‘મોમ, તું કંઈ પણ કહે, હવે મને મારે, ફટકારે કે મારા ટાંટિયા તોડી નાખે... વિષ્ણુપ્રસાદ મને ચીરી નાખે કે લાકડીએ લાકડીએ મારી ચામડી ઊતરડી લે- ખરેખર કોઈ ફેર પડશે ખરો ? જે થવાનું હતું તે થઈ ગયું મોમ...’’

‘‘તનેય કંઈ વિચાર ના આવ્યો છોકરી ?’’ રિયાની આંખો ભરાઈ આવી, ‘‘કેટલાં વર્ષે વિષ્ણુ સાથે મનમેળ થયો છે મારો, એને તો જિંદગી ચેસની રમત જ લાગે છે. હું ગમે તે સમજાવું, એ એમ જ માનશે કે મેં તારાં લગ્ન કરાવી નાખ્યાં.’’ રિયાની આંખમાંથી પાણી ટપકી રહ્યાં, ‘‘શું ફાયદો થયો તને ?’’

‘‘લાખ્ખો રૂપિયા બચાવ્યા મારા બાપના.’’ નીરવ સોફામાંથી ઊભો થયો. રિયા પાસે જઈને ખેંચીને એનું માથું છાતી સાથે ચાંપી દીધું. રિયાથી રડાઈ ગયું.

‘‘બેટા, મને પણ ઉત્સાહ હતો તારા લગ્નનો. તું એકનું એક સંતાન છે અમારું...’’

‘‘જો મા, હું તને એક વાત કહી દઉં. તમે બધા જે સ્કેલ પર મારાં લગ્નનું પ્લાનિંગ કરતા હતા એ કોઈ રીતે મારા ગળે નહોતું ઊતરતું.’’ એણે રિયાનો ચહેરો ચીબુકથી પકડીને ઊંચો કર્યો, ‘‘હું જાણું છું આ લગ્ન તેં નથી કરાવ્યા. તું જાણે છે આ લગ્ન તેં નથી કરાવ્યાં, લક્ષ્મી જાણે છે...’’

‘‘પણ વિષ્ણુ જાણતો નથી ને માનશે ય નહીં.’’ રિયાએ નીરવના હાથમાંથી ચહેરો છોડાવ્યો, ‘‘એને માટે જિંદગી હાર-જીત છે નીરવ, દરેક પ્રસંગને એ એના અહમના ત્રાજવામાં તોલે છે. એને એવું જ લાગશે કે મેં મારું મહત્ત્વ સાબિત કરવા તારાં લગ્ન અમેરિકામાં કરાવી દીધાં.’’

‘‘તો લાગવા દે મોમ, ક્યાં સુધી ડરીશ એમનાથી ?’’

થોડી વાર ચૂપ રહી રિયા, નીચું જોતી રહી... પછી, હળવેથી એણે ઊંચું જોયું. નીરવની આંખોમાં આંખો પરોવી, ‘‘ડરતી નથી, ચાહું છું એને.’’

‘‘કમ-ઓન મોમ !’’

‘‘આઇ મીન ઇટ ! વિષ્ણુને ના ગમે એવું કંઈ પણ નહીં કરવું એટલે એનાથી ડરવું એવું નથી નીરવ, હું એને પ્રેમ કરું છું, એનો સ્વભાવ જાણું છું અને એટલે એને દુઃખ પહોંચે એ મને નહીં ગમે.’’

‘‘એમણે આ દુઃખ એમની જીદને કારણે જાતે નોતર્યું છે.’’

‘‘મોટા ભાગનાં દુઃખ માણસ પોતાની જીદને કારણે જાતે જ નોતરતો હોય છે.’’ ક્યારની મા-દીકરાની દલીલો સાંભળી રહેલી લક્ષ્મી બોલી, ‘‘તેં જે કર્યું એ તારી જીદ નથી ?’’

‘‘ના પાડવી હતી, કેમ આવી મારી સાથે ?’’ નીરવના અવાજમાં સહેજ ચીડ ભળી ગઈ, ‘‘તેં ના પાડી હોત તો કંઈ લમણા પર ગન મૂકીને લગ્ન ના કરત.’’

લક્ષ્મી હસી પડી, નીરવની નજીક ગઈ અને એના સુંવાળા વાળમાં હાથ ફેરવીને વાળ અસ્તવ્યસ્ત કરી નાખ્યા, ‘‘સ્ટૂપીડ ! હું પણ એટલે જ આવી, કારણ કે તમે પ્રેમ કરું છું. ડરતી નથી તારાથી... મને ખબર છે કે હું એ વખતે ના આવી હોત તો પણ તું મારી સાથે લગ્ન તો કરત જ...’’ લક્ષ્મીએ રિયાના ખભે હાથ મૂક્યો, ‘‘આ પુરુષો આપણને ક્યારેય નહીં સમજે. એમને બે જ વસ્તુ સમજાય છે- ડર અને દાદાગીરી...’’

‘‘ચાલ ચાલ...’’ નીરવે લક્ષ્મીને બાવડાથી પકડી, ‘‘મહેંદી મુકાવવા તો જાતે ગઈ હતી... મેં જરાય દાદાગીરી નહોતી કરી.’’

‘‘તારે પાંચ-સાત વાર પરણવાનું હશે, મારે તો એક જ વાર પરણવાનું છે... તું મા-બાપને બાકાત રાખે, મિત્રોના ના બોલાવે, સેલિબ્રેશન ના કરે, અરે વિધિ કરવાની ના પાડે, પણ હું તૈયાર તો થાઉં કે નહીં ?’’

‘‘આ બધી અર્થ વગરની દલીલો છે.’’ રિયા ખિજાઈ ગઈ, ‘‘કાલે સવારે એરપોર્ટ પર ઊતરો ત્યારે તમારા બાપાને શું જવાબ આપવો એ નક્કી કરો.’’

‘‘એમને સવાલ તો પૂછવા દો.’’ નીરવ ફરી ધબ થઈને સોફામાં પડ્યો અને રિયાએ ફરિયાદભરી આંખે લક્ષ્મી સામે જોયું. લક્ષ્મી હસી પડી. એણે નીરવ સામે વહાલથી જોયું, હજી ગઈ કાલે સાંજે જ આ માણસ એનો કાયદેસર પતિ બન્યો હતો. લક્ષ્મીને જાણે રહી રહીને નીરવ પર વહાલ આવતું હતું... એની જીદ, એની આડોડાઈ, એનો મિજાજ, એના વાહિયાત જેવા સિદ્ધાંતો અને એની અત્યારે ચાલતી હતી એ બાલિશ હરકતો બધું જ લક્ષ્મીને વહાલું લાગતું હતું.

પોતાના હાથની મહેંદી, લાલ-સફેદ ચૂડો, પગનાં ઝાંઝર અને રિયાએ હજી હમણાં જ પેક કરી એ બધી સાડીઓ... લક્ષ્મીને લાગતું હતું કે એના જીવનનું ધ્યેય મળી ગયું છે.

ગઈ કાલે રાત્રે જ્યારે રિયાને બદલે એ નીરવના બેડરૂમમાં દાખલ થઈ ત્યારે એને લાગ્યું કે આ ક્ષણની એણે વર્ષો સુધી પ્રતીક્ષા કરી છે. આટલી બધી શારીરિક નીકટતા છતાં નીરવના સંસ્કારે અને લક્ષ્મીના ઉછેરે બંનેને એકબીજાથી એક વેંત દૂર રાખ્યા હતા.

કદાચ બીજી કોઈ પણ અમેરિકન છોકરી કરતાં લક્ષ્મી માટે આ લગ્નનું મહત્ત્વ એટલે જ વધારે હતું. આટલા દિવસથી અહીં રહેતી લક્ષ્મી રિયાના બેડરૂમમાં સૂતી, ગઈ કાલે બપોરે જ્યારે પાનેતર પહેરીને એ ઘરના દરવાજે આવીને ઊભી ત્યારે આ જ ઘરમાં છેલ્લા કેટલાય દિવસથી રહેતી હોવા છતાં આ ઘરનો દરવાજો અને ઘરનું વાતાવરણ બધું જ એને જુદુ લાગ્યું હતું !

કદાચ આ જ સ્ત્રીનું મન હશે, ભારતીય સંસ્કૃતિનો ઉછેર કદાચ અહીં જ કામ કરી ગયો હશે કે અમેરિકામાં જન્મી અને ઊછરી હોવા છતાં લક્ષ્મી માટે લગ્નના રજિસ્ટરમાં સહી કરતી વખતે જાણે સપ્તપદીના શ્લોકો એના કાનમાં ગૂંજતા હોય એવી લાગણી થઈ હતી ! જાણે વસુમા એને ‘અખંડ સૌભાગ્યવતી’ કહેતાં હોય અને રોમરોમને જીવતા કરી નાખે એવી થરથરાટી થઈ હતી...

જિંદગીના સાફલ્યની અને નવી દિશામાં પ્રયાણની શરૂઆત હતી આ. ન સગાંવહાલાં, ન મિત્રો કે મા-બાપ સુધ્ધાં હાજર ના હોય એવાં લગ્ન હતાં આ...માત્ર અને માત્ર નીરવની જીદના કારણે.

પરમ દિવસે રાત્રે રિયા ક્યાંક બહાર ગઈ હતી અને નીરવે લક્ષ્મીના રૂમમાં આવીને એને સીધું સ્પષ્ટ કહ્યું હતું, ‘‘કાલે આપણે લગ્ન કરીએ છીએ.’’

‘‘વ્હોટ ?’’ નીરવને ઓળખતી હોવા છતાં લક્ષ્મીને વિશ્વાસ નહોતો બેઠો, ‘‘આર યુ ક્રેઝી ? આપણે લગ્ન કરવા માટે તો પરમ દિવસે મુંબઈ જઈએ છીએ.’’

‘‘પરમ દિવસે મુંબઈ જઈએ છીએ, પણ લગ્ન કરવા માટે નહીં, લગ્ન કરીને.’’

‘‘નીરવ...’’

‘‘મને મારું નામ ખબર છે...’’ નીરવ એની નજીક આવ્યો હતો. એના બંને હાથ લક્ષ્મીના ગાલ ઉપર મૂકીને ચહેરાની સાવ લગોલગ આવીને પૂછ્‌યું હતું, ‘‘હા કે ના ?’’

નીરવે જે રીતે પૂછયું હતું એ પછી લક્ષ્મી માટે ના પાડવી અસંભવ હતું. સવારે, ‘બહાર જઈને છીએ’ કહીને નીરવ અને લક્ષ્મી બહાર નીકળી ગયા હતા. ઇન્ડિયન બ્યુટિશિયનને ત્યાં લક્ષ્મીની ઇચ્છા મુજબ એ પૂરેપૂરી ઇન્ડિય બ્રાઇડ બની હતી અને જીન્સ અને ચેક્સનું બ્લૂ શર્ટ પહેરેલો સાવ લઘરવઘર દેખાતો કેયુઅલ નીરવ જાણે કોઈ બિઝનેસ ડીલમાં સહી કરતો હોય એમ એણે લગ્નનાં રજિસ્ટરમાં સહી કરી હતી...

એ પછી એ જ્યારે ઘરે પહોંચ્યાં ત્યારથી શરૂ કરીને છેક હમણાં સુધી રિયા માત્ર અને માત્ર ગુસ્સો કરી રહી હતી. અજય-જાનકીને ફોન કરીને ન્યૂયોર્કમાં ખબર આપ્યા ત્યારે જાનકીએ પણ સખત ગુસ્સો કર્યો હતો. અજયે પણ લક્ષ્મી અને નીરવને વારાફરતી ખખડાવ્યા હતા. અને એ બધું છતાં જાણે કશું બન્યું જ ના હોય એમ નીરવ હસતો-રમતો મુંબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો, રિયા ફફડી રહી હતી અને લક્ષ્મી સૂડી વચ્ચે સોપારીની જેમ, કે મા-દીકરા વચ્ચે ફૂટબોલની જેમ આમથી તેમ ફંગોળાતી હતી...

શ્રીજી વિલાની સવારો તો રોજ જેવી જ પડતી હતી. પરંતુ સૌના મનમાં હવે જાણે રોજ કશું ઉખેડાતું હતું, કશુંક વણાતું હતું. કશુંક રોપાતું હતું અને રોજેરોજ કશું વધતું હતું.

ઘરનો કોઈ સભ્ય આંગળી મૂકીને આ કઈ લાગણી હતી, કે કઈ વાત હતી એ કહી શકે એમ નહોતો, પરંતુ જાણે માળામાંથી દોરી સેરવી લઈને અને મણકા વીખેરાઈ જાય એમ શ્રીજી વિલાનો દરેક સભ્ય પોતાની દિશામાં વીખેરાઈ ગયો હતો એ નક્કી.

વસુમાએ તે દિવસે જ્યારે બધાની વચ્ચે પૂછ્‌યું કે એમને એમના ખાતામાં રોકડા પૈસા ભરાવવા છે ત્યારે જે કોઈ ચર્ચા થઈ એ પછી અલયે અને સૂર્યકાંતે બે-ત્રણ દિવસની અંદર જ વસુમાના ખાતામાં પૈસા ભરાવી દીધા હતા.

લગભગ ત્રણ કરોડ રૂપિયા એમના ખાતામાં જમા થયાને આજે પંદર દિવસ થઈ ગયા હતા. પરંતુ વસુમાને ઘરમાં કોઈએ પૂછ્‌યું નહોતું કે એ પૈસાનું એમણે શું કર્યું?

અલય એની નવી ફિલ્મના કામમાં સખત વ્યસ્ત રહેતો હતો અને શ્રેયા એના પ્રોજેક્ટમાં... સૂર્યકાંત મનોમન ધીરજ રાખીને બેઠા હતા કે સમય આવ્યે વસુ એમને જણાવ્યા વિના નહીં જ રહે.

અભયે ગાંઠ વાળી હતી કે પોતે માને આ વિશે કશું જ નહીં પૂછે. હા, વૈભવીના મનમાં મનમાં ક્યારેક ક્યારેક જિજ્ઞાસા ઊછળી આવતી, પરંતુ એ વસુમાને બરાબર ઓળખતી હતી. એટલે સવાલો પૂછવાથી જવાબ નહીં મળે એની એને પાકી ખબર હતી.

આટલાં વર્ષો જે સ્ત્રીએ પૈસા વિશે કોઈ મોહ કે માયા નહોતા રાખ્યા એવી સ્ત્રી અચાનક જ પોતાના ખાતામાં આટલા બધા પૈસા ભરાવવાની વાત કરે, એ પણ સામેથી - માગીને, એની નવાઈ તો સૌને લાગી જ હતી. પરંતુ ઘરના દરેક સભ્યોએ રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી એ સ્વીકાર્યું હતું. આમ જુઓ તો ઘરનો દરેક સભ્ય વસુમા તરફથી થનારા કોઈ ધડાકાની રાહ જોઈને બેઠો હતો.

વસુમાએ પણ આ વિશે ઘરના કોઈ સભ્ય સાથે વાત નહોતી કરી. પૈસા ભરાઈ ગયા ત્યારે, ‘પૈસા ભરાઈ ગયા છે’ એ સિવાયનું કોઈ વાક્ય એમણે ઉચ્ચાર્યું નહોતું અને પંદર દિવસ થઈ ગયા છતાં જાણે કશું બન્યું જ નથી એટલી સ્વાભાવિકતાથી એ વર્તી રહ્યા હતા.

વસુમાને એક માત્ર રાજેશ સાથે ફોન પર એક-બે વાર વાત કરતાં ઘરના સભ્યોએ જોયા હતા. પરંતુ રાજેશનો ફોન આવે કે કોર્ડલેસ લઈને વસુમા પોતાના ઓરડામાં ચાલી જતાં. બહુ જ શાંત અવાજે વાત કરતાં વસુમાને જોઈને વૈભવીને કુતૂહલ થતું કે એમણે પૈસાની શી વ્યવસ્થા કરી હશે ? પરંતુ એની હિંમત નહોતી કે એમના ઓરડામાં જઈને સાંભળે.

‘‘તમારા માને પૂછો તો ખરા કે આ પૈસાનું કરે છે શું ?’’

અભય તૈયાર થતો હતો. એણે અરીસામાંથી જ પાછળ બેઠેલી વૈભવી તરફ જોયું, ‘‘આજ સુધી એણે ઘર કેવી રીતે ચલાવ્યું એ મેં નથી પૂછ્‌યું, હવૈ એ આ પૈસાનું શું કરે છે એ પૂછવાનો મને અધિકાર નથી.’’

‘‘ત્રણ કરોડ રૂપિયાનો સવાલ છે. તમને વિચાર જ નથી આવતો? મા આટલા બધા પૈસાનું કરશે શું ?’’

‘‘માને આજ સુધી કોઈ સવાલ પૂછી શક્યું નથી. માએ આજ સુધી જે કંઈ કર્યું તે સાચુ જ કર્યું છે. બરાબર જ કર્યું છે, એટલે એમને પૂછવાની જરૂર પણ પડી નથી.’’

‘‘અરે, એમ નથી કહેતી, આ ઉંમરે એ કંઈ દારૂ-જુગારમાં પૈસા નથી ઉડાડવાના...’’ વૈભવી ઊભી થઈને અભયની નજીક આવી, ‘‘પણ આટલા બધા પૈસા ગેરવલ્લે ના જાય એ જોવાની જવાબદારી પણ તમારી જ છે ને ?’’ એ પાછળથી અભયને વીંટળાઈ, ‘‘તમે આ ઘરના મોટા દીકરા છો...’’

‘‘અને એ મારી મા છે !’’ અભયે વૈભવીને હાથ ખસેડી નાખ્યો અને રૂમની બહાર નીકળી ગયો. વૈભવી એને જતો જોઈ રહી. આમ જુઓ તો અભયની વાત સાચી હતી. વસુમા આજ સુધી જે અને જેવું જીવ્યા હતાં એ પછી એમને સવાલ પૂછવો બેવકુફીભર્યું પગલું સાબિત થાય એમ હતું. આટલી સ્વમાની અને ખુદ્દાર સ્ત્રી સામેથી આવડી મોટી રકમ માગીને શું કરવા માગે છે એ વૈભવીને કોઈ પણ હિસાબે જાણવું હતું.

જો એમણે સારું જ કામ કરવું હતું તો દેવશંકર મહેતા ટ્રસ્ટમાં કામ કરવાની એમણે ના કેમ પાડી ? જો એમને કોઈ ટ્રસ્ટ ઊભું કરવું હતું તો એ કહી શક્યાં હોત, પૈસા માગવાની શી જરૂર ? મુંબઈના આજના જમીનોના અને મકાનોના ભાવો જોતાં શ્રીજી વિલાની િંકમત પણ લગભગ અઢી-ત્રણ કરોડ જેટલી તો થાય જ, પણ આ મકાન એમણે વેચ્યું નહીં અને રોકડા પૈસા માગ્યા.... શું હશે ? વૈભવી રાત-દિવસ આ સવાલોના ગૂંચવાયા કરતી, પણ વસુમાને પૂછવાની એની હિંમત નહોતી.

આ પહેલાં ક્યારેય વસુમા કોઈ વાત એકાંતમાં કે ખાનગીમાં નહોતાં કરતાં. પણ છેલ્લા થોડા વખતથી અજયના અમેરિકાથી ફોન આવે ત્યારે પણ એ પોતાના રૂમમાં જઈને એની સાથે વાત કરતાં.

વૈભવી અને સૂર્યકાંત રોજ દેવશંકર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસે સાથે બેસતા. દિવસના ચારેક કલાક એ લોકો સાથે ગાળતા. પણ સૂર્યકાંત કે વૈભવી વસુમાના આ બદલાયેલા વર્તન અંગે કોણ પહેલાં વાત કરે એની રાહ જોતાં હોય એમ એ વાત કરવાનું ટાળ્યા કરતાં.

વૈભવીના કુતૂહલે એને એટલી તો ધકેલી કે એક દિવસ એણે અંજલિને પણ ફોન કરી જોયો, ‘‘વૈભવી બોલું છું.’’

‘‘અરે ભાભી ! અચાનક !’’

‘‘શું ખબર ? તું તો દેખાતી નથી અને જમાઈરાજ તો આજકાલ સાસુમાની સેવામાં વ્યસ્ત છે...’’ એની હૈયાની વાત સીધી હોઠે આવી ગઈ.

‘‘કેમ ?’’ અંજલિ તો જાણે આખી વાતથી અજાણ જ હતી, ‘‘રાજેશ, શ્રીજી વિલા આવ્યા હતા ?’’

વૈભવીએ મોઢું બગાડ્યું, ‘‘માએ બધા પાસેથી પૈસા લીધા છે.’’

‘‘હા, એ તો મને ખબર છે.’’ અંજલિએ સ્વાભાવિકતાથી કહ્યું, ‘‘હું હતી ત્યારે જ વાત થયેલી.’’

‘‘ત્રણ કરોડ...’’

‘‘એમ ?’’ અંજલિ જાણે આ બધાથી સાવ દૂર હતી, ‘‘તમે કલા નિકેતનના સેલમાં જઈ આવ્યાં ?’’

‘‘તમને કહ્યું નથી ?’’ વૈભવી અંજલિની અંદર ઊતરવા માગતી હતી.

‘‘શાનું ? સેલનું ?’’

‘‘સેલનું નહીં, ત્રણ કરોડનું ?’’ વૈભવીનો અવાજ ઊંચો થઈ ગયો, ‘‘એમનો બધો હિસાબ રાજેશ જુએ છે.’’

‘‘મારી માને સૌથી વધારે વિશ્વાસ રાજેશ પર છે.’’ અંજલિએ ગર્વથી કહ્યું, ‘‘રાજેશ છે જ એવા, કોઈ પણ એના પર વિશ્વાસ કરી શકે. આઈ લવ હીમ.’’

વૈભવીને અંજલિના ભોળપણ પર કે મૂર્ખામી પર હસવું આવ્યું, ‘‘આને કંઈ ખબર જ નથી! રાજેશ આને કંઈ કહેતો પણ નહીં હોય. આને કોઈ રસ પણ નથી અને ફરક પણ નથી પડતો.’’ વૈભવીએ ખરાબ ના લાગે એટલા પૂરતું આડીઅવળી વાત કરીને ફોન મૂકી દીધો.

વૈભવી આમ તો ઘણી બદલાઈ હતી એ સાચું, પ્રિયાના આગમન પછી વૈભવીએ જાતને બદલવાનો પ્રયાસ પણ કર્યો હતો, ઘણા પ્રમાણમાં. પણ માણસ સ્વભાવ બદલી શકે, પ્રકૃતિ નહીં- એ વાત વૈભવીની બાબતમાં સાચી ઠરી હતી. એની કુતૂહલવૃત્તિ ચરમસીમાએ પહોંચી ગઈ હતી.

થોડા દિવસ પછી બ્રેકફાસ્ટના ટેબલ પર બધા જ બેઠા હતા ત્યારે વૈભવીએ બહુ જ હળવેથી વાત કાઢી હતી, ‘‘મા, પેલા પૈસાનું શું કર્યું તમે ?’’

વસુમાએ બહુ જ સ્વાભાવિક રીતે વૈભવી સામે જોયું હતું અને તદ્દન સંયમિત સ્વરમાં પૂછ્‌યું હતું, ‘‘કયા પૈસા ?’’

‘‘અલયભાઈ અને પપ્પાજીએ... તમારા ખાતામાં...’’

‘‘અલય ?’’ વસુમાએ ઉતાવળથી બ્રેકફાસ્ટ કરતા અલય સામે જોયું હતું, ‘‘તારે પૂછવું છે કંઈ ?’’

‘‘શાના અંગે ?’’ અલયે બધું જ સાંભળ્યું હોવા છતાં વસુમા સામે બ્લેન્ક ફેસથી જોયું.

‘‘કાન્ત, તમારે પૂછવું છે કાંઈ ?’’

‘‘પૂછવું પણ હોય તો મારી હિંમત છે ખરી ?’’ સૂર્યકાંતે કહ્યું અને હસી પડ્યા, ‘‘તને કોઈ કશું પૂછી શકે ?’’

‘‘વૈભવી...’’

વૈભવી ચૂપચાપ નીચું જોઈને બ્રેકફાસ્ટ કરવા લાગી, પણ અભયે જે રીતે વૈભવી સામે જોયું એના પરથી વૈભવીને સમજાઈ ગયું હતું કે હવે કદાચ આ વાત શ્રીજી વિલામાં ફરી નહીં ચર્ચી શકાય.

જેમ જેમ એને આ સવાલનો જવાબ મેળવવામાં તકલીફ પડતી હતી એમ એમ એની કુતૂહલવૃત્તિ વધુ ઉશ્કેરાતી હતી. દેવશંકર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસે બપોરે વૈભવી અને સૂર્યકાંત એકલાં હતાં. સૂર્યકાંત ખૂબ સારા મૂડમાં હતા, એ દેવશંકર મહેતા વિશે, પોતાના બાળપણ વિશે વાતો કરી રહ્યા હતા... વસુમાની સાથેનાં લગ્ન અને એમના શરૂઆતના સંબંધોની વાત ખુલ્લા મને ચર્ચી રહ્યા હતા એટલે વૈભવીએ ધીમે રહીને દાણો ચાંપી જોવાનો પ્રયત્ન કર્યો.

‘‘પપ્પાજી... આટલા બધા પૈસાનું મા શું કરવાનાં છે ? તમે પૂછ્‌યું તો હશે જ ને ?’’

‘‘ના.’’

‘‘મને આ પૈસામાં રસ નથી. પણ મા ક્યાંક ફસાઈ ના જાય...’’ વૈભવી આટલું બોલીને સૂર્યકાંતના ચહેરા સામે જોઈ રહી. એમણે કોઈ પ્રતિભાવ ના આપ્યો એટલે એણે આગળ ચલાવ્યું, ‘‘તમારા પૈસા છે, જસ્ટ જાણવા ખાતર...’’

‘‘વસુએ પોતાની જવાબદારીઓ કેવી રીતે નિભાવી એની ચિંતા મેં પચીસ વર્ષ નથી કરી, શેઇમ ઓન મી ! ચાર ચાર સંતાનો સાથે એ એકલી કેવી રીતે જીવી એવું જાણવાની મેં તસદી પણ નથી લીધી... એ પછી પણ હું જાતે પાછો નથી આવ્યો, એણે બોલાવ્યો ત્યારે આવ્યો. હું પચીસ વર્ષે પાછો આવ્યો ત્યારે વસુએ મને એક સવાલ નથી પૂછ્‌યો, નથી કોઈ ફરિયાદ કરી કે નથી કોઈ મારી પાસે માગણી કરી... હવે જિંદગીમાં પહેલી વાર...’’ એમણે એક ઊંડો શ્વાસ લીધો, ‘‘અને કદાચ, છેલ્લી વાર... મને એના પરત્વે કોઈક જવાબદારી નિભાવવાની તક મળી છે ત્યારે હું એને પૂછીને નાનો નહીં થાઉં વૈભવી !’’ સૂર્યકાંતે વૈભવીની સામે જરા વેધક નજરે જોયું, ‘‘અને તમે પણ તમારી કુતૂહલવૃત્તિને સહેજ કાબૂમાં રાખો. એ વસુના પૈસા છે, એના અધિકારના! એ બધા પૈસા ભેગા કરીને એને દિવાસળી પણ ચાંપી દે તો મારાથી એને એક સવાલ ના પૂછાય એવું મને સમજાય છે...’’ ક્ષણેક અટકીને ઉમેર્યું, ‘‘તમે પણ આ વાત સમજો તો સારું.’’

વૈભવી ચૂપ રહી. એણે એ દિવસથી પોતાની પૂછવા-ગાછવાની કે ખણકોદ કરવાની પ્રવૃત્તિ તો સંકેલી લીધી, પણ એના મનમાં સવાલો તો એમના એમ જ રહ્યા. હવે એ કશું બોલતી નહીં. પરંતુ વસુમાની દરેક પ્રવૃત્તિ પર ધ્યાન રાખવાનો પ્રયત્ન કરતી.

આજકાલ વસુમા દરેક રોજ ક્યાં બહાર જતાં હતાં. આ વાત એને લજ્જા પાસેથી અને ઘરમાં છૂટક કામ કરવા આવતા ઘાટી પાસેથી જાણવા મળી હતી.

વસુમા ઇન્ટરનેટ વાપરતાં શીખ્યાં હતાં અને આદિત્ય પાસે પોતાનું ઇ-મેઇલ એડ્રેસ બનાવડાવ્યું હતું, એ ખબર જ્યારે એને આદિત્ય પાસેથી મળ્યા ત્યારે એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આદિત્ય ઘરે ના હોય ત્યારે એના કમ્પ્યુટર પર બેસીને વસુમા રોજ નેટ પર કામ કરતાં...

વૈભવી માટે આ બધા સમાચાર એને હલબલાવી નાખનારા હતા.

એક દિવસ માથું દુખવાનું બહાનું કરીને એ ઘરે રોકાઈ હતી. એને એમ હતું કે એની હાજરીમાં કદાચ વસુમા જુદી રીતે વર્તશે, પરંતુ સાડા અગિયારે રોજની જેમ પરવારીને વસુમાએ ઇન્ટરનેટ ચાલુ કર્યું હતું. બે કલાક નેટ પર કામ કર્યા પછી થોડા પ્રિન્ટ આઉટ લઈને વસુમા દોઢ વાગ્યે તૈયાર થઈને બહાર નીકળતાં હતાં. જાણીજોઈને ડ્રોઇંગરૂમમાં સૂઈને વાંચી રહેલી વૈભવીએ એમને ગાડીમાં લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ વસુમાએ સ્મિત કરીને પ્રસ્તાવ ટાળ્યો હતો અને એકલા જ બહાર નીકળી ગયા હતા.

વૈભવીને એક વાર એવો વિચાર પણ આવ્યો કે એ વસુમાની પાછળ જાય અને શોધી કાઢે કે એ ક્યાં જાય છે અને શું કરે છે? પણ એને તરત જ ખ્યાલ આવ્યો કે આવું કંઈ પણ કરતા એ પકડાઈ તો અત્યાર સુધી મહામહેનતે સ્વચ્છ કરેલી એની પોતાની છબી ફરી એક વાર ખરડાઈ જશે અને હવે એનામાં ફરી એક વાર બધાની એ વીંધતી નજરોનો સામનો કરવાની હિંમત નહોતી... એને પોતાના ખરાબ દિવસોમાં વસુમાએ આપેલો સધિયારો અને પ્રેમ યાદ આવ્યા... અને એ ધૂંધવાતી પોતાની અંદર જ ગણતરીઓ માંડતી, ડ્રોઇંગરૂમના સોફા પર જ બેસી રહી.

દિવસ ઉપર દિવસ વીતી રહ્યા હતા. વસુમાની પ્રવૃત્તિ કોઈને સમજાતી નહોતી. એ કોઈને કશું કહેતાં પણ નહોતાં અને ઘરના કોઈ સભ્યમાં એવી હિંમત પણ નહોતી કે વસુમાને સીધેસીધો સવાલ પૂછી શકે.

વૈભવીએ પિતાની ઓળખાણ કાઢીને વસુમાની બેન્કમાં તપાસ કરાવી. આમ તો કોન્ફિડેન્શિયલ ગણાતી બેન્કના ખાતાની વિગતો વૈભવીને ઘણી મહેનત પછી પણ જાણવા મળી ખરી, પણ એમાં એટલી જ માહિતી હતી કે જે દિવસે પૈસા ડિપોઝિટ થયા એના દસ જ દિવસમાં એંસી ટકાથી વધારે પૈસા ઉપાડી લેવામાં આવ્યા...

વૈભવીને આ જાણીને સંતોષ થવાને બદલે વધુ સવાલો ઊભા થયા. એના મનમાં હવે કદાચ કોઈ વર્ચસ્વ કે હારજીતના પ્રશ્નો નહોતા, પણ એની નરી કુતૂહલવૃત્તિએ એને આ પ્રવૃત્તિમાં વધુ ને વધુ ઊંડી ધસડી હતી.

એક દિવસ ઠાકોરજીના મંદિર પાસે બેઠેલાં વસુમાથી એમના ભગવાનને કહેવાઈ ગયું, ‘‘મને ખબર નથી, હું સાચું કરું છું કે ખોટું, અને હવે એ ત્રાજવાની બહાર નીકળી ગઈ છું હું... તું મને જેટલું સુઝાડે છે, દેખાડે અને કરાવે છે એટલું જ કરું છું. કાંઈ પણ સાચું-ખોટું, ઊંચુ-નીચું કે ભલું-બૂરું તને અર્પણ કરીને કરતી જાઉં છું.’’ એમની આંખો ભરાઈ આવી હતી, ‘‘જવાબદારીથી ભાગતી નથી હો કાના, પણ હવે તારી પાસે આવવાનો સમય થયો છે એવું માનીને બધું જ તને સોંપું છું...’’ એ સામે મંદિરમાં બેેઠેલા મુરલીધરની મૂર્તિ સામે જોઈ રહ્યાં હતાં. જાણે સાક્ષાત ઈશ્વર એમની સામે ઊભો હોય અને એમની આંખોમાં આંખો નાખીને ભુવનમોહિની સ્મિત કરતો હોય એમ વસુમાની ભીની આંખો હોવા છતાં એમનાથી સ્મિત થઈ ગયું, ‘‘જગતભરને નચાવે છે, કોણ જાણે કેવી રમતો કરે છે ! થાકતોય નથી? હવે આ ઉંમરે મારી પાસે જે કામ શરૂ કરાવ્યું છે એ પૂરું થતા પહેલાં બોલાવતો નહીં, સમજ્યો ?’’ એમની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા.

ઓરડામાં અચાનક દાખલ થયેલા સૂર્યકાંતે છેલ્લું વાક્ય સાંભળ્યું અને એમને મંદિર સામે બેસીને રડતાં જોયાં. એટલે એ વસુમાની નજીક આવ્યા, એમની બાજુમાં બેસી ગયા. વસુમાના જોડેલા હાથમાંથી એક હાથ પકડીને પોતાના હાથમાં લીધો, ‘‘વસુ, જેને જે કહેવું હોય તે કહે, મારે તને એક જ વાત કહેવાની છે. તું જે કંઈ કરતી હોઈશ તે સાચું જ હશે એવી મને શ્રદ્ધા છે.’’ વસુમાએ મુરલીધર તરફથી નજર હટાવીને સૂર્યકાંતની સામે જોયું. સપ્તપદીના સાત મંત્રો જાણે એમની નજરમાંથી છલકાઈ ગયા. સાથે નહીં ગાળેલાં પચીસેય પચીસ વર્ષો આ ક્ષણે જાણે એમની વચ્ચે આવીને ઊભાં રહી ગયાં...

વસુમાની આંખોમાં કોણ જાણે કેવી શ્રદ્ધા હતી કે એ તેજ સામે સૂર્યકાંતની આંખો નીચી થઈ ગઈ. એ યુગલ વચ્ચે થોડી અદભુત નિઃશબ્દ ક્ષણો પસાર થઈ ગઈ... પછી સૂર્યકાંતે પોતાના હાથમાં પકડેલા વસુમાના હાથ પર પોતાનો બીજો હાથ મૂક્યો, ‘‘ને જે કામ તેં આદર્યું હશે એ પૂરું થશે જ... આ મારી શુભેચ્છા નથી, તારામાં રહેલી અસીમ શક્તિ વિશે મારી શ્રદ્ધા છે.’’

વસુમા હજીયે મૌન હતાં.

‘‘મારે જાણવું નથી તું શું કરે છે.’’ સૂર્યકાંતે એક વાર ફરી વસુમાની સામે જોયું, ‘‘એક વાત માગવી છે તારી પાસે, આપીશ ?’’

‘‘શું ?’’ વસુમાના અવાજમાં સહેજ કંપ હતો.

‘‘આમ તો જીવનભર માગ્યું જ છે તારી પાસે, પુરુષ થઈને, પતિ થઈને આપવાને બદલે લેતો જ રહ્યો છું, ને છતાં...’’ સૂર્યકાંતનું ગળું ભરાઈ આવ્યું, ‘‘આજે કદાચ છેલ્લી વાર કંઈક માગું છું, આપીશ મને?’’

‘‘કાન્ત, એવું શું છે જે મારી પાસે હોય ને મેં તમને ના આપ્યું હોય?’’ વસુમાએ પોતાનો બીજો હાથ સૂર્યકાંતના હાથની ઉપર મૂક્યો. એક અદ્‌ભુત સમજદારીનું, સાયુજ્યનુ, અદ્વૈતનું હૃદય છલકાવી દે એવું દૃશ્ય હતું એ, ‘‘ને છતાંય જો એવું કંઈ હોય તો એ તમારું જ છે. હું તમારી છું. પછી મારું કંઈ પણ મારું કેવી રીતે હોય ?’’

‘‘વસુ...’’ સૂર્યકાંતે ગળું ખંખેર્યું. કઈ રીતે કહેવું એ વિચારતા હોય એમ થોડી ક્ષણો મનોમન શબ્દો ગોઠવતા રહ્યા. પછી ઈશ્વર સામે અને નજર ફેરવીને વસુમા સામે જોયું, ‘‘મને માફ કરીશ ? હૃદયથી ?’’

‘‘મેં તમને ક્યારેય ગુનેગાર ગણ્યા જ નથી કાન્ત, સમય અને સંજોગોના વહેણમાં આપણે બંને હલેસા વગરની હોડી જેવા આમથી તેમ અથડાતાં રહ્યાં. જિંદગી જે દિશામાં લઈ ગઈ તે દિશામાં વહેતા રહ્યા.’’ એમનો અવાજ જરાય ધ્રૂજતો નહોતો, બલકે એકદમ સ્વસ્થ અને સંયમિત હતો, ‘‘આ સામે બેઠો છે, એની સાક્ષીએ કહું છું, મારા મનમાં ક્યારેય તમારા માટે કડવાશ નહોતી. હા, પીડા હતી થોડી, દુઃખ હતું, સવાલો હતા, પણ એ આના માટે - તમારા માટે નહીં. હું ને તમે તો આના હાથનાં રમકડાં છીએ. એકબીજા સામે ફરિયાદ કરીને શું?’’

‘‘છતાંય જો હું માફી માગું તો ?’’

‘‘કાન્ત, હું પ્રેમ કરું છું તમને.’’ આ વાક્ય સાંભળતાં જ સૂર્યકાંતનું રુંવાડે રુંવાડું ઊભું થઈ ગયું.વીજળીનો લાઇવ વાયર પકડાઈ ગયો હોય એમ ઝણઝણાટી થઈ ગઈ આખા શરીરમાં, ‘‘અને પ્રેમમાં માફી માગવાની કે આપવાની કોઈ જગ્યા જ ક્યાં હોય છે ? અગ્નિની સાક્ષીએ સ્વીકાર્યા છે તમને, જે છો અને જેવા છો તેવા જ... હું તમને એવા જ ચાહું છું.’’

સૂર્યકાંતથી રડાઈ ગયું. કદાચ એમની છ દાયકાની જિંદગીમાં પહેલી વાર એ આમ ધ્રૂસકે ધ્રૂસકે છૂટા મોઢે રડ્યા હતા.

હીંચકે બેઠેલા દેવશંકર મહેતા, એમનો બચાવ કરતાં ગોદાવરી મા, ભાઈ-ભાઈ કરતો પાછળ દોડતો ચંદ્રશંકર, પિતાની ચિતા, માની સૂની આંખો... દોડીને વળગતો અજય, પ્રમાણમાં સમજણો અને પિતાથી દૂર દૂર રહેતો અભય... અને આંખોમાં કેટલાંય શમણાં લઈને મનથી શરીર સુધી બધે તરસી રહી ગયેલી પત્નીની અબોલ ફરિયાદો સુધી કોણ જાણે કેટલાંય દૃશ્યો એમની ભીની આંખોમાં આવ્યાં અને આંસુમાં ધૂંધળાં થતાં ગયાં.

(ક્રમશઃ)