Yog-Viyog - 74 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 74

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

યોગ-વિયોગ - 74

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૪

‘‘મેં તો કબ સે તેરી શરણ મેં હૂં, કભી તૂં ભી તો મેરી ઓર ધ્યાન દે... મેરે મન મેં ક્યૂં અંધકાર હૈ ? મેરે ઈશ્વર મુઝે જ્ઞાન દે...’’

વહેલી સવારે વસુમાનો અવાજ ગૂંજી રહ્યો હતો ત્યારે ઉપરથી નીચે ઊતરતી શ્રેયાએ વૈભવીના ઓરડાનો દરવાજો ઊઘડતો જોયો. બંને જણા સામસામે સ્મિત કરીને સાથે દાદરા ઊતરવા લાગ્યાં.

શ્રેયા રસોડા તરફ જવા વળી કે વૈભવીએ એને રોકી, ‘‘હજુ મહેંદીનો રંગ તો ઉતરવા દે...’’

‘‘મહેંદીનો રંગ તો અનુપમાનાં આંસુમાં ધોવાઈ ગયો ભાભી.’’ શ્રેયાએ ઊંડો નિઃશ્વાસ નાખીને કહ્યું.

વૈભવીએ એનો હાથ પકડ્યો. પછી કોણ જાણે શું વિચાર્યું અને એક ડગલું એની નજીક આવી, ‘‘જે આ દુનિયામાં નથી એને માટે આટલું બધું લાગી આવે છે તને ?’’ ક્ષણેક ઊંડો શ્વાસ લઈને એ એમ જ શાંત ઊભી રહી. જાણે વિચારતી હોય કે આગળ શું કહેવું જોઈએ. પછી શ્રેયાની આંખોમાં જોયું, આરપાર, વીંધી નાખે એવું, ‘‘પ્રિયા જીવે છે હજુ અને જીવશે... તેથી શું ? જે છે તે આ જ સત્ય છે !’’

‘‘ભાભી, તમારી વાત સમજી શકું છું.’’

વૈભવીના ચહેરા પર સ્મિત આવી ગયું. એમાં કડવાશ નહોતી, પણ ખાલીપો હતો, ‘‘મારી વાત કદાચ કોઈ નહીં સમજી શકે અને એટલે જ હવે મેં સમજાવવાનો પ્રયાસ બંધ કર્યો છે અને સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.’’ એની આંખો ભીની થઈ ગઈ, અથવા શ્રેયાને એવું લાગ્યું, ‘‘લજ્જા છે, આદિત્ય છે, મારું કામ શરૂ થશે હવે...’’ એણે ફરી એક વાર બે-ચાર ક્ષણનું મૌન બંને વચ્ચેથી પસાર થવા દીધું, ‘‘સંબંધ જિંદગીનો એક ભાગ જરૂર હોઈ શકે, પણ એ જિંદગી ના જ હોઈ શકે શ્રેયા.’’

વૈભવીની આટલી વાત સાંભળીને શ્રેયાની અંદર કેટલાય દિવસથી બાંધી રાખેલું કશુંક જાણે છૂટી ગયું. અલયની હિંમત બનીને સતત પોતાની જાતને મજબૂત રાખીને વર્તતી શ્રેયાને અચાનક જ લાગ્યું કે વૈભવી કોઈ પ્રયત્ન વિના એના મનની આરપાર જોઈ રહી છે.

‘‘ભાભી, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે એક જ સવાલ મને કોરી ખાય છે.’’

‘‘અનુપમામાં એવું શું હતું, જે તારામાં નથી ?’’ વૈભવીએ ફરી એક વાર ખાલી, ફિક્કું સ્મિત કર્યું, ‘‘એ વાતનો જવાબ કદાચ અલયભાઈ પણ નહીં આપી શકે.’’

‘‘કેમ થાય છે આવું ? સંપૂર્ણ સમર્પણ છતાં બાપુના જીવનમાં યશોધરા... અલયના જીવનમાં અનુપમા...’’

‘‘ને અભયના જીવનમાં પ્રિયા...’’ વૈભવીએ વાક્ય પૂરું કર્યું, ‘‘આ પ્રકૃતિ છે. પુરુષસહજ ?’’

‘‘કે નબળાઈ...’’

‘‘નામ ગમે તે હોય, એનો સ્વીકાર સત્ય તરીકે કરવો જોઈએ.’’ વૈભવીએ શ્રેયા સામે ફરી એક વાર ફિક્કું સ્મિત કર્યું, ‘‘આ વાત હું મા પાસેથી શીખી છું. કોઈ પણ પરિસ્થિતિને ત્રાજવામાં લઈને તોલવા કરતાં કે એના ડાયમન્શન્સ અને લંબાઈ-પહોળાઈ માપવા કરતા એ જેમ છે, જેવી છે એમ સ્વીકારીને એની સાથે જીવી જવું કદાચ સરળ પડે છે.’’

‘‘મને ક્યારેક ખરેખર નવાઈ લાગે છે કે...’’

‘‘...કે હું પ્રિયાને કઈ રીતે સ્વીકારી શકી ?’’ વૈભવીએ દૂર શૂન્યમાં જોયું, ‘‘મેં ના જ સ્વીકારી હોત, પણ મારે માટે બે જ ઓપ્શન હતા, એક- અભયને સાવ ખોઈ દેવો અને બે- પ્રિયાને સ્વીકારવી અને સાથે મારા ભાગના અભયને પામવો.’’ એણે ફરી શ્રેયા સામે જોયું, ‘‘મારી જગ્યાએ તું હોત તો શું કરત ?’’

શ્રેયા અનુત્તર હતી, પણ એની આંખોમાં જવાબ લખેલો હતો. વૈભવીએ શ્રેયાનો હાથ છોડીને એના ખભે હાથ મૂક્યો, ‘‘જિંદગીની દરેક બાબતમાં આપણે નિર્ણયો કરી શકીએ છીએ એવું ગુમાન હોય છે આપણું... આપણે તો માત્ર શિકાર હોઈએ છીએ. ક્યારેક સંજોગોના, ક્યારેક પરિસ્થિતિના તો ક્યારેક આપણે પોતે જ ઊભી કરેલી એક એવી છલનાના, જેને તોડતાં આપણને જ ભય લાગે છે.’’

‘‘ભાભી, આમ ક્યાં સુધી ચાલશે ?’’ શ્રેયાથી પૂછ્‌યા વિના ના રહેવાયું.

‘‘અમારા ત્રણમાંથી એક મરી નહીં જાય ત્યાં સુધી.’’ પછી વૈભવીએ શ્રેયાનો ખભો થપથપાવ્યો અને એને બહાર બગીચાનો દરવાજો દેખાડ્યો, ‘‘જા, બહાર જઈને મા પાસે બેસ. તને સારું લાગશે.’’ અને પોતે રસોડા તરફ વળી ગઈ.

શ્રેયા બહાર જઈને પથ્થરની બેઠક પર બેઠી. ખાસ્સી વાર સુધી એ એમ જ અન્યમનસ્ક બેઠી આકાશ તરફ જોતી રહી. પોતાના કામમાં વ્યસ્ત અને ભજન ગાતાં વસુમાને શ્રેયાના આવ્યાની જાણ પણ ના થઈ. એમણે જ્યારે શ્રેયાને જોઈ ત્યારે ગાવાનું બંધ કરીને એની પાસે આવ્યાં, ખભે હાથ મૂક્યો.

‘‘મા, મને શું થાય છે ?’’

‘‘શું થાય છે બેટા ?’’

‘‘મને કેમ એમ લાગે છે કે હું કોઈના ભાગનું સુખ ભોગવું છું ?’’

‘‘બેટા, શા માટે એ વિચારે છે, જે વિચારીને તને દુઃખ જ પહોંચે છે ?’’

‘‘નથી વિચારવું, પણ જાતને રોકી નથી શકતી.’’

‘‘જો બેટા, આપણી જાતની લગામ આપણા હાથમાં હોવી જોઈએ. જીવવાના બે જ રસ્તા છે. કાં તો તમારી લાગણીઓને તમે કાબૂમાં રાખો ને કાં તો તમારી લાગણીઓ તમને કાબૂમાં કરી લે અને જ્યારે એવું થાય ત્યારે તરફડાટની માત્રા વધી જાય બેટા.’’

‘‘મા, અનુપમા મરીને અમારી વચ્ચે સતત જીવશે.’’ શ્રેયાનો અવાજ તરડાઈ ગયો.

વસુમાને વિચાર આવ્યો, કેવું હોય છે સ્ત્રીનું મન ! પોતાની સૌથી અંગત લાગણી, પોતાનો અધિકાર અને પોતાનું સુખ છીનવી લેનાર સ્ત્રીને પણ એ દુઃખી નથી જોઈ શકતી... એની પીડા ક્યાંક ને ક્યાંક બીજી સ્ત્રીને સ્પર્શી જ જાય છે... એ અનુપમા હોય કે યશોધરા, શ્રેયા હોય કે વસુંધરા, લાગણીઓનાં મોજાંની થપેટ એમને ભીંજવ્યા વિના રહી શકતી નથી. એમના ચહેરા પર સ્મિત આવી ગયું. એમણે શ્રેયાના ગાલ પર હાથ ફેરવ્યો.

‘‘બેટા, એમ તો અમે પણ તમારી સાથે જીવીએ છીએ.’’

‘‘પણ મા...’’

‘‘અનુપમાનો વિચાર જ્યાં સુધી તને વિચલિત કરશે ત્યાં સુધી એનું મૃત્યુ તને સુખેથી જીવવા નહીં દે. જે ક્ષણે તું અનુપમાને તારા મનથી સ્વીકારી લઈશ એ ક્ષણે એનું અસ્તિત્વ તારામાં ભળી જશે.’’

‘‘એવું કેવી રીતે થઈ શકે મા ?’’ શ્રેયાની વિશાદગ્રસ્ત આંખો વસુમાના ચહેરા પર મંડાઈ, ‘‘અનુપમા અમારા જીવનનું સત્ય છે.’’

‘‘તો ? બધાં જ સત્યો ખૂંચે એવાં કે દુઃખ આપે એવાં શા માટે હોય? કેટલાંક સત્યોને માત્ર સપાટી પર ન સ્વીકારી શકાય ? એમાં ઊંડી ઊતરવું જ અને પોતાના શ્વાસ રૂંધવા જ એવો હઠાગ્રહ શા માટે?’’

શ્રેયા જોઈ રહી વસુમાની સામે. પછી હળવેથી ઊઠી અને સામેના છોડના પાંદડા પર જામેલું એક ઝાંકળનું ટીપું એણે સરકાવીને હળવેકથી પોતાની હથેળીમાં લીધું... એકીટશે એની સામે જોઈ રહી.

‘‘બેટા, ઈશ્વરને પણ મલિનતા પસંદ નથી. એટલે તો એ રોજ સવારે વૃક્ષોને ઝાંકળથી ધુએ છે.’’ વસુમાએ શ્રેયાના માથે ફેરવ્યો, ‘‘ધોઈ નાખ તારા મનના અવઢવને... અને પછી જો !’’

ક્યાંય સુધી શ્રેયા ચૂપચાપ કંઈકેટલુંયે વિચારતી બેસી રહી અને અંદરથી વૈભવીએ બૂમ પાડી, ‘‘નાસ્તો તૈયાર છે...’’ ત્યારે એ અને વસુમા હળવેથી અંદર જવા લાગ્યાં.

વિષ્ણુપ્રસાદ ફોન પર બરાડી રહ્યા હતા, ‘‘ના, ના... એ કોણ છે આ બધું નક્કી કરનારો ?’’

‘‘વિષ્ણુ, ધીમે બોલો અને કાં તો ટેલિફોન મૂકી દો, તમે એટલા જોરથી બૂમો પાડો છો કે મને એમ જ સંભળાશે.’’ રિયાએ મજાક કરી અને એના ગાલમાં ખાડા પડી ગયા.

સામે સોફામાં બેઠેલો નીરવ જોરજોરથી હસી રહ્યો હતો અને લક્ષ્મી બેચેન થઈને આંટા મારતી હતી.

‘‘મા...’’ લક્ષ્મી રિયા પાસે આવી. રિયાએ ચાલુ ફોને ઇશારાથી એને કહ્યું કે- ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પછી વિષ્ણુપ્રસાદની સાથે વાત ચાલુ રાખી.

‘‘વિષ્ણુ, લગ્ન એનાં છે. એને જેમ કરવું હોય એમ કરવા દો ને.’’

‘‘શટ-અપ, ખબરદાર જો એનો પક્ષ લીધો છે તો... એનાં લગ્ન ભારતમાં થશે ને હું કહું એમ જ થશે.’’

‘‘વિષ્ણુ...’’ રિયા દલીલ કરવા જાય તે પહેલાં નીરવનો હસવાનો અવાજ વિષ્ણુપ્રસાદના કાને અથડાયો.

‘‘મને ખબર છે એ હસે છે, પણ એને કહી દેજે કે હું એનો બાપ છું અને એનાં લગન હું કહું તેમ જ કરવાં પડશે.’’

‘‘જુઓ વિષ્ણુ...’’

‘‘મારે કાંઈ સાંભળવું નથી... મેં તાજનો ક્રિસ્ટલ રૂમ બુક કર્યો છે. લગ્ન લક્ષ્મીનારાયણના મંદિરમાં થશે અને પછી તાજમાં પાટર્ી. અંધેરી સ્પોર્ટસ ક્લબમાં ગરબા રાખ્યા છે અને એને કહી દેજે...’’

‘‘લો, તમે જ કહી દો.’’ રિયાએ છેલ્લી વીસ મિનિટથી ચાલી રહેલી દલીલોથી કંટાળીને નીરવ તરફ ફોન લંબાવ્યો.

‘‘હું નહીં... હું નહીં...’’ નીરવે બંને હાથ હલાવીને ના પાડી.

‘‘લે પકડ.’’ રિયાએ કોર્ડલેસ એના હાથમાં પકડાવ્યો અને લક્ષ્મીનો હાથ પકડીને એને બેડરૂમ તરફ ધસડી, ‘‘લડી લેવા દે બાપ-દીકરાને. એમાં પડવા જેવું જ નથી...’’

એ પછી કોણ જાણે ક્યાંય સુધી આઈએસડી કોલનું મીટર ફરતું રહ્યું અને નીરવ વિષ્ણુપ્રસાદ સાથે દલીલો કરતો રહ્યો.

‘‘આવું કે સાહેબ ?’’ અલય ટેબલ પર મૂકેલા કાગળિયામાં સંપૂર્ણપણે વ્યસ્ત હતો ત્યારે દરવાજે ઊભેલા શૈલેશ સાવલિયાએ ધીમેથી પૂછ્‌યું.

‘‘અરે, આવો આવો...’’ અલયે કાગળિયા સમેટવા માંડ્યા.

‘‘અનુનો ચેક...’’ શૈલેશ સાવલિયા ખુરશી ખેંચીને સામે ગોઠવાયા, ‘‘ઓફિસ તો સરસ બનાવી છે.’’

‘‘મેં એક ખીલી પણ નથી ઠોકી. જેવી હતી એવી જ વાપરું છું.’’ અલયે કહ્યું અને શૈલેશ સાવલિયાની પાછળ લટકતી પાંચ બાય ત્રણની તસવીર તરફ આંગળી ચીંધી, ‘‘આ એક ફોટો લઈને આવ્યો છું અહીંયા, અને બાકી મારા પેપર્સ.’’

દાખલ થતી વખતે શૈલેશની નજર નહોતી પડી આ તસવીર પર. ‘યે કૈસી દીવાનગી’ના પ્રીમિયર પર લીધેલી અનુપમાની તસવીર હતી. ઓલમોસ્ટ લાઇફ સાઇઝ તસવીરમાં અનુપમા જાણે હમણાં જ બોલશે એટલી જીવંત લાગતી હતી.

‘‘કમાલની છોકરી હતી.’’સાવલિયાનો અવાજ સહેજ ભીનો થઈ ગયો, ‘‘દિલ ફાડીને પ્રેમ કરી ગઈ. જેટલું જીવી એટલું ભરપૂર જીવી ગઈ ! એક વાર એણે મને કહેલું કે તમે એક જિંદગીમાં કેટલી ક્ષણો જીવો છો એ અગત્યનું નથી, અગત્યનું એ છે કે તમે એક ક્ષણમાં કેટલી જિંદગી જીવો છો...’’

અલયનું એમની વાતમાં ધ્યાન જ નહોતું. એ ટેબલ પર પડેલા ચેક સામે જોઈ રહ્યો.

અનુપમાના વીલ મુજબ એના મહેનતાણાના એક કરોડ રૂપિયાનો આ ચેક હતો.

‘‘એની છેલ્લી ઇચ્છા હતી અલયભાઈ કે આ ચેક તમને પહોંચાડું એટલે...’’ સાવલિયાનું ગળું ભરાઈ આવ્યું, ‘‘એ છોકરીએ મને બેઠો કરી દીધો. બાકી મારી તો કમર ભાંગી ગઈ હતી. ફરી ફિલ્મ બનાવી શકીશ એવું સપનું જોવાની પણ હિંમત નહોતી, પણ આ છોકરીએ...’’ એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખ પર દાબી દીધો.

અલયની પણ આંખો છલકાઈ આવી.

‘‘કોઈ મને આવો પ્રેમ કરી શકે એવી મારી લાયકાત ક્યાં હતી?’’

‘‘આ છોકરી તો મરી ગઈ, પણ જીવતા શીખવી ગઈ...’’

‘‘આ પૈસા મારે નથી જોઈતા.’’ અલય હજી બીજું કંઈ વિચારી શકવાની સ્થિતિમાં જ નહોતો... એની નજર સામે અનુપમાના ખડખડાટ હસતી, જિંદગીથી છલકાતી તસવીર તરફ હતી.

‘‘એની છેલ્લી ઇચ્છા હતી, તમે ના કેવી રીતે પાડી શકો ?’’

‘‘આ અનુપમાની મહેનતના પૈસા છે. હું એનું શું કરું ?’’

‘‘ફિલ્મ બનાવો. એના નામે કશું એવું કરો જેનાથી એ છોકરી કાયમ માટે...’’સાવલિયાની આંખોમાંથી હજુયે પાણી વહી રહ્યું હતું.

‘‘હું વિચારીશ.’’ અલયે કહ્યું અને વાત લપેટાઈ ગઈ. એ પછી ક્યાંય સુધી બંને જણા ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે, નવી ફિલ્મો વિશે અને જુદા જુદા માણસો વિશે વાતો કરતા રહ્યા...

પણ વાત ફરી ફરીને કોણ જાણે કેમ, અનુપમા પર આવતી રહી.

શ્રીજી વિલાની રોજની સવાર જેવી એક સવાર હતી એ.

સૌ નાહી-ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તા માટે રોજની જેમ ગોઠવાયા હતા. રોજ સૌથી પહેલા આવનારાં વસુમા આજે સૌથી છેલ્લાં આવ્યાં.

આછા ભૂરા રંગની કલકત્તી સાડી એમના શરીર પર અત્યંત વ્યવસ્થિત ચપોચપ પહેરાયેલી હતી અને હજી ભીના છૂટા વાળ એમના ચહેરાને એક ફ્રેમ આપતા હતા. લાલચટ્ટ ચાંલ્લો એમના ચહેરા પર બે આંખોની વચ્ચે જાણે ત્રાટક કરતો હોય એમ ગોઠવાયેલો હતો.

‘‘મા ? તમારો મૂડ ઠીક નથી ?’’ શ્રેયાએ વસુમાને જોઈને પૂછ્‌યું.

‘‘ના, એવું કંઈ નથી.’’

‘‘હું ઘણા દિવસથી જોઉં છું કે તું ખોવાયેલી ખોવાયેલી રહે છે... તારામાં મનમાં કંઈ ચાલે છે, મા?’’ અભયે સીધું જ પૂછી નાખ્યું.

‘‘ખાસ કશું નહીં.’’

એ પછી ખાસ્સો સમય ડાઇનિંગ ટેબલ પર શાંતિ પથરાયેલી રહી. વૈભવીને લગ્નના બે દાયકા પછી પહેલી વાર ખ્યાલ આવ્યો કે જો વસુમા ના બોલે તો ડાઇનિંગ ટેબલ પર ભાગ્યે જ કોઈ વાત થાય. આ ઘરની કરોડરજ્જુ ગણો કે મુખ્ય શિરા ગણો, એ વસુમા છે. એમના મૂડની અસર ઘરના દરેક સભ્ય પર ઓછા-વધતા અંશે થાય જ છે.

એને નવાઈ લાગી, ‘‘કોઈ એક વ્યક્તિનો આટલા બધા માણસોની જિંદગીઓ ઉપર આટલો બધો કન્ટ્રોલ હોઈ શકે ?’’ અને સાથે જ એને વિચાર આવ્યો, ‘‘કાલે સવારે ભગવાન ના કરે અને વસુમાને કંઈ થાય તો શું આ ઘર સાવ ભાંગી પડે ?’’ પરંતુ એણે તરત જ એ વિચારને ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યો.

સૂર્યકાંત ચૂપચાપ બેઠા હતા. માત્ર વસુમાના ચહેરા સામે જોઈ રહ્યા હતા. એમનો ચહેરો એવો જ શાંત અને સ્વસ્થ હતો, પણ જાણે ચહેરા પર કશું જુદું, કશું ખૂબ તેજસ્વી ઝગારા મારી રહ્યું હતું !

સૌ પોતપોતાના બ્રેકફાસ્ટમાં વ્યસ્ત હતા. ત્યારે એક વાર સૌની સામે જોઈને વસુમાએ શાંત અને સંયત અવાજે કહ્યું, ‘‘મારે કંઈ પૂછવું છે કાન્ત, પૂછું ?’’

એ જ વખતે બહાર ગાડી પાર્ક થવાનો અવાજ આવ્યો. સૌએ નવાઈથી બહાર જોવા માંડ્યું, પરંતુ સૂર્યકાંતે અત્યંત સ્વાભાવિકતાથી કહ્યું, ‘‘અંજલિ હશે.’’

‘‘અંજલિ...’’ અલય ક્યારનો ચૂપ હતો. કોણ જાણે કયા વિચારમાં ખોવાયેલો હતો, પણ અંજલિનું નામ સાંભળીને એના ચહેરા પર સહેજ ચમક આવી.

‘‘હા, મેં બોલાવી છે એને.’’ સૂર્યકાંતનો અવાજ સ્વસ્થ હતો, ‘‘રાજેશ પણ આવ્યા હશે.’’

ત્યાં તો બંને જણા ખડખડાટ હસતાં કોઈ વાત ઉપર એકબીજાની મજાક કરતાં દાખલ થયાં. એમના મૂડની છોળ જાણે આખા ઓરડામાં ઊડી અને શ્રેયા, અલય, અભય, વૈભવી, લજ્જા અને સૂર્યકાંત સૌના ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું.

અંજલિ અને રાજેશ આવીને ટેબલ પર ગોઠવાયાં...

‘‘મા...’’ અંજલિએ ટેબલ પર પડેલી વસ્તુઓ જોઈને કહ્યું, ‘‘મેં તને ફોન કર્યો હતો. મારે માટે મેથીનાં થેપલાં બનાવવાનું કહ્યું હતું.’’

‘‘હું ભૂલી ગઈ દીકરા.’’

ટેબલ પર બેઠેલા લગભગ તમામ સભ્યોએ ચોંકીને વસુમા સામે જોયું. આજ સુધી વસુમાના મોઢે ‘રહી ગયું’ કે ‘ભૂલી ગઈ’ જેવાં વાક્યો કોઈએ ક્યારેય સાંભળ્યાં નહોતાં. આજે પહેલી વાર ઘરના કોઈ કામમાં વસુમાએ આવો વાક્યપ્રયોગ કર્યો હતો.

આટલાં વર્ષો સુધી ઘરના તમામ સભ્યોની બધી જ જરૂરિયાતો, ગમા-અણગમા એમણે સંનિષ્ઠતાથી જાળવવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા થોડા દિવસથી રસોઈમાં શું બનશે ત્યાંથી શરૂ કરીને ઘરના હિસાબ સુધીની દરેક બાબત એમણે વૈભવીને સોંપવા માંડી હતી.

એ મોટે ભાગે પોતાના ઓરડામાં વાંચતાં રહેતાં. સાંજે સૂર્યકાંત જોડે ચાલવા જતાં અને સવારનો એમના કેટલાંય વર્ષોનો રુટિન કાર્યક્રમ એમ જ રહેતો...

‘‘મને કહ્યું હોત મા...’’ વૈભવીએ જવાબદારી લેવાનો પ્રયત્ન કર્યો.

‘‘હું ખરેખર ભૂલી ગઈ.’’ વસુમાના ચહેરા પર જાણે કોઈ ભાવ જ નહોતો.

સૂર્યકાંત ઘડીભર વસુમાના ચહેરાનો તાગ લેવાનો પ્રયાસ કરતા રહ્યા. પછી એમણે ઘરના તમામ સભ્યો સામે એક સરસરી નજર નાખી અને એમણે ધીમેથી કહ્યું, ‘‘દેવશંકર મહેતા ટ્રસ્ટની ઓફિસ નક્કી થઈ ગઈ છે... આમ તો આવતા મહિને બાપુજીની પુણ્યતિથિ આવે છે, પણ મારી ઇચ્છા એવી છે કે ટ્રસ્ટ એ પહેલાં રજિસ્ટર થઈ જાય.’’

‘‘એ કંઈ બહુ અઘરી વસ્તુ નથી. સામાન્ય લિગાલિટી હોય છે. ટ્રસ્ટડીડ કરવાનું હોય, જેમાં હેતુઓ અને ઉદ્દેશોની સાથે સાથે બીજી થોડી વિગતો ભરવાની હોય છે.’’ વૈભવીએ અંજલિ તરફ ઇડલીનું કેસરોલ ધકેલ્યું, ‘‘આઇ વીલ હેલ્પ યુ.’’

‘‘મને મદદની જરૂર પડશે જ. ભારતના નવા કાયદા-કાનૂનથી હું તદ્દન અજાણ્યો છું.’’ એટલું કહીને સૂર્યકાંતે વસુમા તરફ જોયું, ‘‘વસુ, તું પણ મદદ કરીશને મને ?’’

‘‘અફકોર્સ ! માને હવે બીજું કામ શું છે ?’’ અંજલિએ ટેબલ પરથી ટોસ્ટ લઈને બટર ચોપડવા માંડ્યું...

‘‘મા, મને લાગે છે ફરી એક વાર પ્રવૃત્તિ શરૂ કરવા માટે આ એક ઉત્તમ તક છે.’’ રાજેશે અંજલિના હાથમાંથી ટોસ્ટ લઈ લીધો.

‘‘મેં મારા માટે લગાડ્યો.’’ અંજલિએ રાજેશના હાથમાં ટપલી મારી પણ ટોસ્ટ આપી દીધો.

‘‘એટલે જ મેં લઈ લીધો. તારામાં બટર જરા ઠીકઠાક લગાડે છે તું, મારામાં કંજુસાઈ કરે છે.’’ રાજેશે કહ્યું, બધા હસી પડ્યા. પણ વસુમા જાણે કોઈ બીજી જ દુનિયામાં હતાં.

‘‘તમે ફરી એક વાર પ્રવૃત્તિ શરૂ કરો અને એમાં પણ આવા સારા કામથી, એનાથી બેટર શું હોય ?’’ રાજેશે પોતાની વાત ફરી કહી.

‘‘હા મા.’’ વૈભવીએ પણ જાણે આ વાતમાં સંમતિ આપી, ‘‘હવે તમારે તમને ગમે તે કરવું જોઈએ.’’

‘‘મા...’’ અભયે પણ બોલવું જોઈએ એમ માનીને એક વાક્ય કહી જ નાખ્યું, ‘‘આમ પણ તને સોશિયલ વર્કમાં રસ છે અને દાદાજીના નામે થતાં કામમાં તો તને રસ પડે જ...’’

વસુમા ચૂપચાપ સૌની સામે જોઈ રહ્યાં હતાં, ‘‘વૈભવી, ઘરમાં મેથીની ભાજી હોય તો અંજલિ માટે લંચમાં થેપલાં બનાવજો.’’

‘‘શું હશે આ સ્ત્રીના મનમાં ? મારી કોઈ વાત વાગી હશે એને ? આ ટ્રસ્ટની વાત મેં બીજી વાર કરી અને બીજી વાર વસુએ જવાબ આપવાનું ટાળ્યું છે.’’ સૂર્યકાંતના મનમાં ગડમથલ થવા લાગી.

‘‘હું પણ તમારી સાથે કામ કરીશ.’’ વૈભવીએ સૂર્યકાંતને કહ્યું, ‘‘આમ પણ મને આવું જ કોઈ કામ શરૂ કરવાની ઇચ્છા હતી.’’

‘‘જરૂર.’’ સૂર્યકાંતે ફરી એક વાર વસુમા જોયું, ‘‘વસુ, વૈભવી પણ આપણી સાથે કામ કરશે.’’

‘‘કેટલા પૈસા હશે દેવશંકર મહેતા ટ્રસ્ટના કોર્પસમાં ?’’ વસુમાએ હળવેથી ચાની સીપ લીધી.

‘‘તું કહે... મેં બધી જુદી જુદી વ્યવસ્થા વિચારી છે, પણ તને પૂછ્‌યા વિના કશું નક્કી નથી કર્યું.’’

‘‘કાન્ત,તમે અમેરિકાથી આવ્યા ત્યારે તમે મને કહ્યું હતું કે તમે મારા નામે...’’

‘‘હા વસુ, મેં તારા નામે પણ પૈસા મૂક્યા છે.’’

‘‘કેટલા ? આશરે કેટલા રૂપિયા હશે ?’’

સૌ આશ્ચર્યચકિત થઈ ગયા વસુમાનો આ સવાલ સાંભળીને.

વસુમાએ સૂર્યકાંતને પોતાના નામે મુકાયેલા પૈસા વિશે પૂછ્‌યું !

‘‘તારે કેટલા પૈસા જોઈએ છે મા ?’’ ક્યારના ચૂપ બેઠેલા અલયે અચાનક જ વાતચીતમાં ઝુકાવ્યું, ‘‘મારી પાસે સવા કરોડથી વધારે એવા રૂપિયા છે, જેની મારે કોઈ જરૂર નથી.’’

‘‘વસુ, મેં પણ તારા નામે લગભગ એટલા જ પૈસા જુદા કાઢ્યા છે.’’

‘‘મારે એ બધા પૈસા મારા ખાતામાં ભરાવવા છે.’’

‘‘મા !’’ વૈભવીએ સૌથી પહેલું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

નવાઈ તો સૌને લાગી હતી, પણ વૈભવી જેટલી ઝડપથી પ્રતિભાવ આપવાની કદાચ બીજા કોઈએ હિંમત ના કરી.

‘‘તારે એટલા બધા પૈસાને શું કરવા છે મા ?’’ અભયે પૂછ્‌યું.

‘‘એ સવાલ માને પૂછવાનો આ ઘરમાં કોઈને અધિકાર નથી.’’ અલય ખુરશી ધકેલીને ઊભો થયો, ‘‘હું આવતી કાલે તારા ખાતામાં પૈસા ભરાવી દઈશ મા.’’

વસુમાએ એક ક્ષણ અલય સામે જોયું. એમની આંખોમાં કોણ જાણે શું હતું કે અલય ત્યાં ઊભો ના રહી શક્યો અને સડસડાટ બહાર નીકળી ગયો.

બહાર જઈને એ જેવો ગાડીમાં બેઠો કે એનાથી નાના બાળકની જેમ રડાઈ ગયું.

‘‘મા, તમને ક્યાંય પણ મદદની જરૂર હોય તો મને કહેજો.’’ રાજેશે પોતાની કોફીનો છેલ્લો સીપ લીધો, ‘‘આટલા બધા પૈસા એકસામટા ખાતામાં આવશે એટલે કેપિટલ ગેઇન અને ટેક્સના સવાલો ઊભા થશે...’’

‘‘સમજું છું.’’ વસુમાએ કહ્યું અને પોતાના કપ સાથે પોતાની બંને બાજુ પડેલી અલય અને સૂર્યકાંતની નાસ્તો કરેલી ડિશ અને કપ્સ ભેગા કરીને રસોડા તરફ ચાલવા લાગ્યાં.

એમના ગયા પછી બધા જ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, પણ કોઈ એક શબ્દય બોલી શક્યું નહીં. આમ તો સૌએપોતપોતાની વાત કહી હતી. એક શ્રેયા જ ચૂપ રહીને આખી પરિસ્થિતિનો તાગ લેવા મથી હતી, પરંતુ એનેય નહોતું સમજાયું કે વસુમા આમ કશુંયે બોલ્યા વિના કેમ ચાલી ગયાં !

એ ઊઠીને એમની પાછળ પાછળ રસોડામાં ગઈ.

વસુમા પાણિયારા પાસે ઊભાં રહીને કંઈક વિચારી રહ્યાં હતાં.

‘‘મા...’’ શ્રેયાએ એમના ખભે હાથ મૂક્યો, વસુમાએ ફરીને પાછળ જોયું. છેલ્લાં કેટલાંય વર્ષોથી જે વસુમાને શ્રેયા ઓળખતી હતી એ વસુમાના ચહેરામાં અને આ ચહેરામાં જાણે આસમાન-જમીનનો ફેર હતો.

‘‘શું થાય છે મા ?’’ શ્રેયાએ એમની આંખો જોઈને પૂછ્‌યું.

વસુમાએ ડોકું ધુણાવીને જ કહી દીધું ‘કંઈ નહીં’... અને ચૂપચાપ બહાર જવા લાગ્યાં. શ્રેયાએ એમનો હાથ પકડી લીધો.

‘‘મને કહો મા... શું ચાલે છે તમારા મનમાં ?’’

‘‘હું જ નથી જાણતી.’’

‘‘કોઈએ દુભવ્યા છે ? કંઈ ખરાબ લાગ્યું છે મા ?’’

‘‘એ બધામાંથી હું નીકળી ગઈ છું શ્રેયા.’’ વસુમાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, ‘‘હવે સુખ અને દુઃખની બહાર એક દુનિયા વસે છે, જેમાં ઝંખનાને, પીડાને, જીજીવિષાને કે લેવડ-દેવડની બહુ જગ્યા નથી રહી. એક અવકાશ છે...’’ એમણે શ્રેયાના ગાલ પર હાથ ફેરવ્યો, ‘‘સમજે છે ? અવકાશ... ખાલીપો નહીં.’’

‘‘ખરું કહેજો મા, તમારી બધી ઇચ્છા પૂરી થઈ ગઈ ?’’ શ્રેયાએ ગાલ પર મુકાયેલા એમના હાથ પર પોતાનો હાથ મૂક્યો.

વસુમા હસી પડ્યાં, ‘‘ઇચ્છા ? હજારોં ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે. બહોત નીકલે મેરે અરમાન, લેકિન ફિર ભી કમ નીકલે...’’ એમણે હાથ થપથપાવ્યો અને ફરી ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કર્યો.

શ્રેયાએ એમનો હાથ પકડી રાખ્યો, ‘‘તમે મારી વાતનો જવાબ ના આપ્યો.’’

‘‘બેટા, શ્વાસ ખૂટી જાય અને ઇચ્છા બાકી રહે એનું નામ મૃત્યુ, પણ શ્વાસ બાકી હોય ને ઇચ્છા ખૂટી જાય એનું નામ મોક્ષ.’’ શ્રેયા વસુમાના ચહેરા તરફ અપલક જોઈ રહી. આ સ્ત્રીએ જવાબ નહીં આપીને પણ જવાબ આપી જ દીધો હતો.

વસુમાએ હળવેથી એના હાથ નીચેથી પોતાનો હાથ સેરવ્યો અને રસોડાની બહાર નીકળી ગયાં.

એ પછીના ઘણા દિવસ સૂર્યકાંતે ઓફિસમાં ફર્નિચર અને બીજી બધી સવલતો ઊભી કરવામાં વીતાવ્યા. દેવશંકર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થયું અને વિધિવત પૂજા કરીને એમણે ઓફિસમાં બેસવા માંડ્યું.

એમણે બે-ચાર વાર વસુમાને કહી જોયું, પણ એમણે એક યા બીજા બહાને ટ્રસ્ટની ઓફિસ જવાની વાત ટાળી.

વૈભવીએ સામેથી પોતાની ઇચ્છા બતાવી અને ટ્રસ્ટના કામમાં રસ લેવા માંડ્યો. અભયને પણ વૈભવીની આ પ્રવૃત્તિ ગમી.

અમેરિકાથી અજયના ગોઠવાઈ ગયાના, કામ સારું ચાલવાના સમાચાર આવતા રહ્યા...

અલય એની નવી ફિલ્મના પ્રોજેક્ટમાં ધીમે ધીમે પરોવાવા લાગ્યો.

શ્રેયાએ એની ઓફિસ જોઇન્ટ કરી લીધી...

છાપાંઓએ અનુપમાના મૃત્યુને હવે સમાચાર બનાવીને મસાલો ભભરાવવાનું ધીમે ધીમે બંધ કરી દીધું હતું.

શ્રીજી વિલાની જિંદગી ફરી એક વાર એક નોર્મલ રુટિનમાં ગોઠવાવા લાગી હતી...

રોજ સવારે સાડા છ વાગ્યે વસુમાનો અવાજ ગૂંજતો. શ્રેયા બ્રેકફાસ્ટ તૈયાર કરતી. સાડા આઠે સૌ નાસ્તાના ટેબલ પર આવતા. વૈભવી અને સૂર્યકાંત સાડા નવ વાગ્યે ટ્રસ્ટની ઓફિસ જવા નીકળી જતાં.

લગભગ એ જ સમયે અભય પણ પોતાની ઓફિસ જવા નીકળી જતો.

અલય થોડો મોડો જતો, અને શ્રેયાને એની ઓફિસ ઉતારતો... લજ્જા અને આદિત્ય કોલેજ જવા નીકળી જતાં. દસ વાગ્યાની આસપાસ શ્રીજી વિલા ખાલી થઈ જતું.

તે રાત્રે સાડા સાત - આઠ પછી જ ઘરમાં ફરી એક વાર માણસોનો અવાજ ગૂંજતો !

આ બધી પ્રવૃત્તિઓમાં અને ઘરના સૌની પોતપોતાની જિંદગીઓમાં કદાચ કોઈનુંય ધ્યાન નહોતું પડ્યું, પણ ક્યાંક કશુંક બહુ જ ધીમે બદલાઈ રહ્યું હતું...

(ક્રમશઃ)