Yog-Viyog - 28 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 28

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

યોગ-વિયોગ - 28

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૮

લક્ષ્મી સૂર્યકાંત મહેતાની બાજુમાં બેઠી હતી. સૂર્યકાંત મહેતાના મનમાં એક અજબ જેવો ઉચાટ હતો. એમને કોઈ રીતે સમજાતું નહોતું કે વસુના મનમાં આખરે હતું શું ?

અહીં બોલાવીને શું ઇચ્છતી હતી ?

‘‘બોલાવ્યા પછી એણે ન કોઈ ફરિયાદ કરી કે ન મારા આવ્યાનો કોઈ મોટો આનંદ જાહેર કર્યો. જાણે કોઈ એક માણસ બહારગામથી આવ્યો હતો, થોડું રોકાવાનો હતો અને પછી ચાલી જવાનો હતો !’’

લક્ષ્મી હળવે હળવે સૂર્યકાંત મહેતાના માથામાં હાથ ફેરવતી હતી. એ પિતાનો ઉચાટ અને અસુખ જોઈ શકતી હતી. થોડું ઘણું સમજી પણ શકતી હતી. સૂર્યકાંત મહેતાના મનમાં જાણે વિચારોનું ચક્ર ભયાનક ગતિએ ફરી રહ્યું હતું. એક સાથે જોડાયેલો બીજો... અને બીજા સાથે જોડાયેલો ત્રીજો... વિચારોની શ્રુંખલા તૂટતી જ નહોતી જાણે. ‘‘બધું જ જાણતી હોવા છતાં યશોધરા વિશે પણ કોઈ વાત ના કરી. ન છોકરાંઓને યશોધરાની વાત કરી. પોતાના આવ્યા છતાં વસુને કોઈ ઉત્સાહ નહોતો. કોઈ અપમાન કે વેરનો ભાવ પણ નથી દેખાતો ! આ સ્ત્રીના મનમાં હતું શું? આટલાં વર્ષ મને યાદ પણ ના કર્યો અને અચાનક જાહેરખબર આપીને મને બોલાવ્યો... બોલાવ્યા પછી એનું આ વર્તન કોઈ રીતે સમજી શકાય એવું નથી.’’

‘‘ડેડી, શું કામ આટલું બધું વિચારો છો? એમણે બોલાવ્યા છે ને તમે આવ્યા છો. પચીસ વર્ષથી પડેલી ખાઈ એક રાતમાં તો નહીં પુરાય ને ? દરેક વાતને સમય લાગતો હોય છે એવું હું તમારી જ પાસેથી શીખી છું.’’

‘‘સાચી વાત છે બેટા, હું સમજું છું પણ સ્વીકારી શકતો નથી. કદાચ હું વધારે પડતી આશા લઈને આવ્યો હતો. મને એમ હતું કે પચીસ પચીસ વર્ષ હું ભલે મારી રીતે જીવતો રહ્યો, પણ મારો પરિવાર તો મારા વિના નિરાધાર, એકલો-અટૂલો તરફડતો હશે... આવું વિચારવામાં ક્યાંક મારું અભિમાન પણ હશે બેટા.’’

‘‘ડેડી, મેં ક્યાંક વાંચ્યું હતું, આપણે જ્યારે એવું વિચારીએ છીએ કે સામેના માણસને આપણા વિના ન ચાલવું જોઈએ અથવા નહીં જ ચાલે ત્યારે એમાં સામેના માણસનો વિચાર ઓછો અને આપણા ઇગોનું પ્રમાણ વધારે હોય છે, ડેડી...’’ લક્ષ્મીનો હાથ હજીયે હળવે હળવે સૂર્યકાંતના માથા પર, વાળમાં અને કપાળ પર ફરી રહ્યો હતો. એની આંખોમાં પાણી આવી ગયાં. જે પિતાએ એને હથેળીમાં પગ મુકાવીને મોટી કરી હતી, જે પિતાએ એના મોઢામાંથી નીકળે એ પહેલાં માગણી પૂરી કરી હતી. જે પિતાએ એને માની ખોટ નહોતી સાલવા દીધી એ પિતા આજે તકલીફમાં હતા અને છતાં પોતે કેટલી અસહાય, લાચાર હતી!

બાપ-દીકરી બંને ખાસ્સો સમય મૌન રહ્યાં. લક્ષ્મી ચૂપચાપ સૂર્યકાંતને હાથ ફેરવતી રહી અને સૂર્યકાંતને પણ જાણે ધીમે ધીમે શાતા વળતી હોય એમ આંખો બંધ કરીને પડી રહ્યા. પછી અચાનક એમણે આંખ ઉઘાડી, ‘‘આપણે પાછા ચાલ્યા જવું છે બેટા ?’’

‘‘કેમ ડેડી ?’’ લક્ષ્મીએ પૂછ્‌યું તો ખરું, પણ એનેય જાણે આ જ વિચાર આવ્યો હતો થોડી ક્ષણો પહેલાં.

‘‘બેટા, આપણને આવ્યે ખાસ્સા દિવસ થઈ ગયા. ત્યાં કામ પણ જોવું પડશે ને ? ગઈ કાલે જ મધુભાઈનો ફોન હતો. પાછા આવવા વિશે પૂછતા હતા. આપણે તો અહીં મહેમાન તરીકે જ આવ્યા હતા. રિટર્ન ટિકિટ લઈને... મને લાગે છે એ રિટર્ન ટિકિટમાં તારીખ નખાવવાનો સમય પાકી ગયો છે.’’

‘‘બસ એટલું જ છે ?’’ લક્ષ્મીની રાખોડી આંખોમાંની ધાર જાણે સૂર્યકાંત મહેતાના હૃદય પરની ચામડી ચીરીને અંદર ઊતરી ગઈ.

‘‘બેટા, કામ તો બગડે જ છે ને ? હવે મારે અહીંયા રહેવાનું કોઈ ખાસ કારણ પણ નથી. બધા પોતપોતાની રીતે સુખી છે. મારા આવવાથી આ ઘરમાં કશો ફેરફાર નથી થયો કે નથી મારા ચાલ્યા જવાથી આ ઘરમાં કશું અધૂરું રહી જવાનું... વસુએ બોલાવ્યો, હું આવ્યો, મારી ફરજ પૂરી થઈ બેટા.’’

‘‘ડેડી, તમારું મન ઊઠી ગયું છે નહીં ?’’ સૂર્યકાંતના અવાજમાં જે ખાલીપો અને નિરાશા પડઘાતી હતી એ સાંભળીને લક્ષ્મીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. સૂર્યકાંતે હાથ લંબાવીને એની આંખો લૂછી. એના માથે હાથ ફેરવ્યો. પછી બેઠા થઈ ગયા. લક્ષ્મીની આંખોમાં આંખો નાખીને એમણે જાતને સંયત કરી લીધી. પછી એક એક શબ્દ ગોઠવીને કહેતા હોય એમ કહેવા માંડ્યું, ‘‘બેટા, આપણે મારા પરિવારને મળવા આવ્યા હતા, મારી પત્નીને અને મારાં સંતાનોને, જેમને હું પચીસ વર્ષ પહેલાં છોડીને ચાલ્યો ગયો હતો પણ બેટા, મને લાગે છે હું જેને છોડીને ગયો હતો એ પરિવાર અને હું જ્યાં પાછો ફર્યો છું એ પરિવાર, સાવ જુદા છે !’’

‘‘ડેડી, તમે વસુમાને મળ્યા વિના જવાની વાત કરી ત્યારે મેં તમને રોક્યા હતા. મેં કહ્યું હતું કે અહીં સુધી આવ્યા પછી હું તમને વસુમાને મળ્યા વિના પાછા નહીં જવા દઉં... પણ હવે તમે એમને મળી લીધું છે. બધું જોઈ-જાણી લીધું છે. તમારાં સંતાનો પોતપોતાની રીતે ગોઠવાઈ ચૂક્યાં છે અને ખરું પૂછો તો કોઈને બહુ ફરિયાદેય નથી તમારી સામે. હવે તમારે પાછા જવું હોય તો આપણે જતાં રહીએ. હું તમને નહીં રોકું.’’

‘‘બેટા, બસ એક વાર નીરવના પપ્પાને મળી લઉં, પછી આપણે જવાની તૈયારી કરીએ.’’

‘‘એની ઉતાવળ નથી ડેડી.’’

‘‘એટલે ?’’

‘‘ડેડી...’’ લક્ષ્મીએ સૂર્યકાંતની છાતીની આસપાસ હાથ લપેટી દીધા અને માથું છાતી પર મૂકી દીધું, ‘‘ગેરસમજ નહીં કરતા, પણ એમાં ઉતાવળ કરવાની જરૂર નથી. મને પણ થોડો સમય જોઈએ છીએ અને નીરવને પણ.’’

‘‘એટલે નીરવ તને હજી...’’ સૂર્યકાંતને આગળ શબ્દો સૂયા નહીં.

‘‘ડેડી, આ આખી જિંદગીનો સવાલ છે અને અમે બંને પોતપોતાનાં મા-બાપનાં લગ્નોમાંથી એટલો પાઠ શીખવા માગીએ છીએ કે અમારે કોઈ ઉતાવળ નથી કરવી. એકબીજાને સમજીને, આ મુદ્દા પર વિચારીને પછી જ જિંદગીભર સાથે રહેવાનો નિર્ણય કરી શકીશું... મને લાગે છે હજી બહુ જ વહેલું છે...’’

‘‘બેટા, તમારી પેઢી પાસે ગજબની ક્લિયારિટી છે. શું જોઈએ છે એની કદાચ સમજ ન હોય તો પણ શું નથી જોઈતું એટલી સમજ તો તમારા બધા જ પાસે સ્પષ્ટ છે ! મને તમારી પેઢીની વ્યવહારકુશળતા જોઈને આશ્ચર્ય થાય છે ઘણી વાર.’’

‘‘ડેડી, અમારી પેઢી એક વાત વિશે બહુ સ્પષ્ટ છે, બી હેપ્પી એન્ડ લેટ અધર્સ... પોતે દુઃખી થવું નહીં, એવી જ રીતે કોઈને પણ દુઃખી કરવા નહીં. ડેડી, હું નીરવની સાથે ઉતાવળે પરણીન ેદુઃખી થવા નથી માગતી અને સાથે જ એને પણ દુઃખી કરવા નથી માગતી. એ અમેરિકા આવવાનો છે. અમે ત્યારે પણ મળીશું...’’ પછી ઘડી ભર સૂર્યકાંત મહેતાના ચહેરાનો તાગ લઈને એણે હળવેકથી ઉમેર્યું, ‘‘આઈ હોપ, તમને વાંધો નહીં હોય.’’

‘‘ના રે બેટા, જિંદગી તારી છે અને મારે તને એટલી સ્વતંત્રતા તો આપવી જ જોઈએ કે તું તારી જિંદગીનો નિર્ણય જાતે કરી શકે.’’

‘‘થેન્કસ ડેડી.’’ લક્ષ્મીનું માથું હજીયે સૂર્યકાંતની છાતી પર હતું. સૂર્યકાંતે હળવેકથી એના માથામાં હાથ પસવાર્યો, ‘‘પણ દીકરા, નિર્ણય કરવામાં એટલો બધો સમય પણ ના લેતી કે નિર્ણયનો કોઈ અર્થ જ ના રહે.’’

‘‘હું સમજું છું ડેડી.’’ ને ખરેખર લક્ષ્મી સમજતી હતી કે સૂર્યકાંતને આ વીતી ગયેલાં પચીસ વર્ષ રહી રહીને પીડા આપતાં હતાં. અહીં પાછા ફર્યા પછી ઘરના પુરુષની, સંતાનોના પિતાની અને વસુંધરાના પતિની લગભગ પુરાઈ ગયેલી ખાલી જગ્યાનો અભાવ એમને રહી રહીને સાલતો હતો.

અને, છતાં એ બાબતમાં એ કશુંયે કરી શકે એમ નહોતા !

સૂર્યકાંતે લક્ષ્મીને સૂઈ જવાનું કહ્યું અને પોતે પણ આડા પડ્યા. આંખ ઉપર આડો હાથ મૂકીને ઊંઘવાનો પ્રયત્ન કરી રહેલા સૂર્યકાંતે જાણે પોતાના જ મનને કહ્યું, ‘‘હવે બે-ચાર દિવસ. બસ !’’

છેલ્લા બે કલાકથી દરિયાકિનારે બેસીને દરિયાનાં મોજાંની અવરજવરને એકીટશે જોઈ રહેલા રાજેશના મનમાં ઉલ્કાપાત મચ્યો હતો.

એણે નજરે જે જોયું હતું એને એ જુઠ્ઠું પાડી શકે એમ નહોતો અને છતાં જે જોયું હતું એ દૃશ્યને એનું મન સ્વીકારવા તૈયાર નહોતું.

એણે અંજલિને ભરપૂર પ્રેમ કર્યો હતો- મન, આત્મા અને હૃદયથી અને તેમ છતાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે કંઈ બન્યું એ પછી રાજેશનું મન જાણે ડૂબી ડૂબી જતું હતું. ઝઘડવું, લડવું, દાદાગીરી કરવી એનો સ્વભાવ નહોતો. પૈસાવાળાઓનાં બગડેલાં સંતાનોમાં હોય છે એવો એક પણ દુર્ગુણ રાજેશમાં નહોતો જ.

એનો ઉછેર જ સાવ જુદો હતો. એનાં માતા-પિતાએ એને સ્ત્રીને સન્માન આપતા શીખવ્યું હતું. કોઈ પણ વ્યક્તિની વાત સાંભળ્યા વિના ધારણાઓ ન બાંધવી એ એના લોહીમાં હતું. એની સારાઈ ઘણી વાર એને નુકસાન પણ કરતી, અંગત સંબંધોમાં અને ધંધામાં, બેઉ ! કેટલાય મિત્રોએ પૈસા ઉધાર લઈને પાછા નહોતા આપ્યા... કેટલાય લોકોએ રાજેશનું નામ વાપરીને પોતાનું કામ કરાવ્યું હતું અને પછી એને સરળતાથી ભૂલી ગયા હતા, કેટલાય લોકો રાજેશને ભોટ અથવા મૂરખ કહેતા, - એની પીઠ પાછળ- જેની જાણ હતી રાજેશને અને છતાં રાજેશ દરેક વખતે પોતાની જાતને જ કહેતો, ‘‘મારી સારાઈ મારી પોતાની છે. મારે બે-ચાર પ્રસંગોની કડવાશ યાદ કરીને મારો સ્વભાવ શા માટે બદલવો જોઈએ ?!’’

આજે પણ રાજેશ પોતાના મન સાથે ક્યારનો દલીલો કરી રહ્યો હતો. એને કોઈ રીતે સમજાતું નહોતું કે એ અંજલિ સાથે આ વિશે કઈ રીતે વાત કરે? એની અંજલિ, જે એના શ્વાસ અને પ્રાણ હતી, કોઈ બીજાને પ્રેમ કરે એ વાત જ રાજેશના મનમાં હજી બેઠી નહોતી.

અને હવે તો, અંજલિ મા બનવાની હતી. આવા સમયે એને કોઈ આઘાત ન જ લાગવો જોઈએ, તકલીફ ન જ પહોંચવી જોઈએ એવું રાજેશ સતત યાદ રાખતો...

એણે જે નજરે જોયું હતું એન.સી.પી.એ.ના કંપાઉન્ડમાં, એના પર વિશ્વાસ રાખવો કે સહજીવનનાં પાંચ વર્ષ ઉપર ? આવનારા બાળકને વિચાર કરવો કે બનેલી ઘટનાને એક પતિના, એક પુરુષના અહમ સાથે જોડીને એક એવો તેજાબ તૈયાર કરવો જે અંજલિની જિંદગી બરબાદ કરી નાખે...

આખી રાત પડખાં ઘસી ઘસીને થાકેલો રાજેશ વારેવારે અંજલિના નિદરેષ ચહેરા તરફ જોઈ રહેતો... આંખો મીંચીને ઘસઘસાટ ઊંઘતી અંજલિ કોઈ પરીકથાની રાજકુમારી જેવી લાગતી હતી. આ અંજલિ દગો કરી શકે, છેતરી શકે એ રાજેશના માન્યામાં જ નહોતું આવતું. એણે બે-ચાર વાર અનાયાસ હાથ લંબાવ્યો... અંજલિના ગાલ પર, ચહેરા પર હાથ ફેરવવા, પણ પછી કોણ જાણે શું વિચારીને હાથ પાછો ખેંચી લીધો.

એ રાતભર જાતજાતની ગડમથલ કરતો રહ્યો. અંજલિના પરવાળા જેવા હોઠ એને પોતે જોયેલા ચુંબનની યાદ અપાવતા રહ્યા. અંજલિની બંધ આંખોમાં કોનાં સપનાં હશે એ વિચારે એને પોતાના જ શ્વાસ બંધ થઈ જતાં લાગ્યા...

આખરે સવારે છ વાગ્યે એ પથારીમાંથી ઊભો થઈ ગયો. નિત્યક્રમ પરવારી દરિયા કિનારે આવીને બેઠો. છેલ્લા બે કલાકથી એ અહીં જ બેઠો હતો, આમ જ... દરિયાને એકીટશે જોતો.

દરિયાનાં મોજાંની જેમ જ પૂરજોશમાં વિચારો આવતા અને મનની રેતીમાં ફીણ ફીણ થઈને વેરાઈ જતા !

એ વારે વારે પોતાના મોબાઇલ તરફ જોતો હતો. આમ તો કોઈ દિવસ એ અંજલિને કીધા વિના ઘરમાંથી જતો જ નહીં અને જો કોઈ વાર મોડું થાય તો અંજલિનો ફોન ન આવે એ અશક્ય વાત હતી.

‘‘જાગી જ નહીં હોય કદાચ.’’ રાજેશે મન મનાવ્યું, ‘‘જાગી હોય તો મને ફોન કર્યા વિના રહે જ નહીં. મને આટલી વહેલી સવારે ઘરમાં ના જુએ અને અંજલિ મને શોધે નહીં એવું તે કંઈ બને?’’ રાજેશ જાણે જાતને જ ચગળવા માટે એક ચોકલેટ આપી રહ્યો હતો. બાકી એને ખબર હતી કે અંજલિ ખૂબ વહેલી ઊઠતી.

આખરે રાજેશ દરિયેથી ઊભો થયો અને પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યો. ગાડી લઈને ઘર સુધી પહોંચતા એની નજર માત્ર ફોન પર હતી, પણ અંજલિનો ફોન ના આવ્યો તે ના જ આવ્યો.

રાજેશ ઘરમાં દાખલ થયો ત્યારે અંજલિ નાહી-ધોઈ ટેબલ પર બેસીને છાપું વાંચી રહી હતી. એના તાજા ધોયેલા વાળ ખભા પર થઈને ફેલાયેલા હતા. મેક-અપ વગરનો સ્વચ્છ ચહેરો અને આછા ગુલાબી રંગના સલવાર-કમીઝમાં અંજલિ ખરેખર સુંદર દેખાતી હતી.

‘‘ક્યાં ગયા હતા સવારના પહોરમાં ?’’ રાજેશને જોતાં જ એણે પૂછ્‌યું.

‘‘થોડું કામ હતું. એક અજર્ન્ટ મિિંટંગ... એક ફોરેન બાયર પાછા જવાના હતા એટલે...’’ રાજેશે એની સાથે નજર મિલાવ્યા વિના જવાબ આપ્યો. એ આજે જિંદગીમાં પહેલી વાર અંજલિ સાથે ખોટું બોલ્યો હતો.

‘‘ટ્રેક અને ટી-શર્ટમાં ? મિટિંગ કરવા ?’’ અંજલિ જાણતી હતી કે રાજેશ કપડાં વિશે ખૂબ સભાન હતો. ખાસ કરીને એના ઓફિસનાં કપડાં તો એ ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરતો. એ અંજલિને અવારનવાર કહેતો, ‘‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં. ખાસ કરીને અમારા ધંધામાં તમે શું પહેરો છો, કેવી એક્સેસરીઝ વાપરો છો, કેવી ગાડી, કેવો મોબાઈલ રાખો છો એના ઉપરથી તમારા ક્લાયન્ટ અને તમારા બિઝનેસ એસોસિયેટ તમારું માપ કાઢે છે.’’

અને આજે એ જ રાજેશ ટ્રેક અને ટી-શર્ટમાં ફોરેન બાયર સાથે મિટિંગ કરી આવ્યો? અંજલિને ખરેખર નવાઈ લાગી, પણ એ કશું બોલી નહીં.

‘‘કેમ આટલી વહેલી તૈયાર થઈ ગઈ ?’’

‘‘વહેલી ? સાડા આઠ વાગ્યા.’’ અંજલિએ છાપું વાળ્યું. પછી ઊભી થઈ, ‘‘આજે હું શ્રીજી વિલા રહેવા જાઉં છું થોડા દિવસ.’’

‘‘અચાનક ?!’’ રાજેશ બીજું કશું ના બોલી શક્યો. સામાન્ય રીતે રાજેશ અંજલિને આગ્રહ કરતો. થોડા દિવસ શ્રીજી વિલા જઈને રહેવા માટે, પણ અંજલિ ભાગ્યે જ તૈયાર થતી. સવારથી સાંજ જઈ આવતી, પણ રાત્રે તો ઘરે જ આવી જતી. આજે પહેલી વાર અંજલિ સામેથી શ્રીજી વિલા રહેવા જવાની વાત કરતી હતી.

‘‘ના, એટલે જવું હોય તો જા.’’ રાજેશે પોતાના સ્વભાવ મુજબ કહ્યું, ‘‘પણ આ તો અચાનક નક્કી કર્યું એટલે પૂછું છું.’’

‘‘બાપુ આવ્યા છે, અને આમેય મારી તબિયત બહુ સારી નથી રહેતી તો મને થયું...’’

રાજેશને પૂછ્‌યા વિના ઘરની બહાર પગ ન મૂકનારી આ પત્ની આજે માત્ર જણાવતી હતી...

‘‘હા, હા, જઈ આવને !’’ એણે કહ્યું તો ખરું પણ રાજેશનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો એવું અંજલિ જોઈ શકી. રાજેશ અંદર ચાલી ગયો.

અંજલિ ત્યાં જ બેસી રહી... એ ગઈ કાલ રાતના પ્રસંગોને જાણે એક વાર ફરી યાદ કરી રહી હતી. એના મનમાંથી એ સાંજ, એનો નશો અને શફીની આંખો કોઈ રીતે ભૂંસાતા નહોતા. એને રહી રહીને અફસોસ પણ થતો હતો, કાર્યક્રમ પછી જે કંઈ બન્યું તેનો અને તેમ છતાં એ પાંચ-સાત-દસ સેકન્ડનો અનુભવ એનો પીછો નહોતો છોડતો.

આખી રાત એ પણ ઊંઘવાનો ડોળ કરતી પડી રહી હતી. રાજેશ જાગ્યો હતો આખી રાત એની જાણ હતી એને, પરંતુ એ માનતી હતી કે રાજેશ ગાડીમાં થયેલી વાત અને પોતાના આવી રીતે એકલા જવાના નિર્ણય અને વર્તનને કારણે અપસેટ હતો... એણે થોડોક સમય લેવાનું અને આપવાનું નક્કી કરીને શ્રીજી વિલા જવાનો વિચાર કર્યો હતો.

સૂર્યકાંત મહેતાની હાજરીને કારણે ત્યાં હંમેશ કરતાં જુદું વાતાવરણ હશે એવું એના મનમાં હતું. વળી, પિતા ત્યાં રહેવા આવી ગયા છે... એ વાત એને જાનકીએ કહી હતી અને સાથે જ એને પણ થોડા દિવસ રહેવા બોલાવી હતી. અંજલિએ મનોમન શ્રીજી વિલા રહેવા જવાનું નક્કી કરીને છેલ્લા ચાર-પાંચ દિવસમાં બનેલી અણધારી-અણકલ્પી ઘટનાઓના આ ચક્રમાંથી બહાર નીકળીને સહેજ શ્વાસ લેવાનું બહાનું શોધ્યું હતું.

પણ એને ખાતરી હતી કે હંમેશની જેમ રાજેશ એને જવા નહીં દે ! લગ્નને પાંચ વર્ષ થયાં, રાજેશ અંજલિને સામેથી શ્રીજી વિલા જવા કહેતો, પણ શ્રીજી વિલા ગયેલી અંજલિ જો ખરેખર રાત રોકાવાનું નક્કી કરે અને રાજેશને ફોન કરે તો રાજેશ કોઈ ને કોઈ બહાને એને પાછી લઈ આવતો...

‘‘આજે પણ એવું જ થવાનું.’’ અંજલિએ વિચાર્યું, ‘‘હમણાં ભલેને હા પાડે, હું ખરેખર જવાની વાત કરીશ એટલે સો બહાનાં કાઢશે.’’

અંજલિ પોતાના જ વિચારો ઉપર મનોમન અકળાઈ ઊઠી. એણે જાતને જ કહ્યું, ‘‘નક્કી કર અંજલિ, તારે જવું છે કે નથી જવું ? એક તરફથી અહીંથી ભાગી છૂટવા માટે છે અને બીજી તરફથી રાજેશ તને રોકે એવું ઇચ્છે છે ?’’ પોતાના જ મનમાં ચાલતા આ દ્વંદ્વ ઉપર અંજલિને ખૂબ આશ્ચર્ય થયું.

અંદરથી ઓફિસનાં કપડાં પહેરીને બહાર આવેલા રાજેશને જોઈને અંજલિને વધુ આશ્ચર્ય થયું, ‘‘રાજેશ ?! કઈ તરફ જાવ છો ?’’

‘‘ઓફિસ.’’ રાજેશ અન્યમનસ્ક હતો.

‘‘આજે રવિવાર છે રાજેશ.’’

રાજેશ ચોંક્યો, ‘‘ઓહ !’’ પછી ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. એનું મન જાણે ચકડોળે ચડ્યું હતું. કશું જ નહોતું સૂઝતું એટલે એણે જાણે બોલવા માટે બોલી નાખ્યું, ‘‘ચાલ, મૂકી આવું તને શ્રીજી વિલા...’’

‘‘તો હું જાઉં એવું જ ઇચ્છે છે.’’ અંજલિએ મનોમન વિચાર્યું, ‘‘એક નાની વાતનું આટલું બધું ખરાબ લાગી જાય ? પાંચ પાંચ વર્ષ એમની સાથે જીવી એનું કંઈ નહીં અને આવેશમાં આવીને કંઈ કહી નાખ્યું એનું આટલું બધું મહત્ત્વ?’’ અંજલિ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ.

‘‘હું પેકિંગ કરી લઉં.’’ એણે કહ્યું અને બેડરૂમ તરફ ચાલી ગઈ.

રાજેશે ડાઇનિંગ ટેબલ પર હળવો મુક્કો પછાડ્યો, ‘‘એને જવું જ છે તો હું શું કામ રોકું ? બાકી એ નથી જાણતી કે આ પાંચ વર્ષમાં બે-ત્રણ મહત્ત્વના પ્રસંગે છૂટકો ન હોય એ સિવાય મને એ ક્યાંય રોકાય તો ઘર ખાવા ધાય છે...’’ એણે માથું ડાઇનિંગ ટેબલ ઉપર ઢાળી દીધું, ‘‘ને આમ પણ જેને જવું હોય એને કોણ રોકી શકે છે?!’’

અલય ઘસઘસાટ ઘોરતો હતો. અચાનક એનો ફોન વાગ્યો. એણે ફોન હાથમાં ઉપાડ્યો અને એક આંખ ખોલીને જોયું... માંડ ફોકસ થયું. અનુપમા ઘોષ !

‘‘આ બાઈ તો લોહી પી ગઈ. શું છે એને ?’’ અલયે બડબડ કરીને ફોન ઉપાડ્યો. આખા અઠવાડિયામાં સાડા આઠનો ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવાનો સમય ફિક્સ રહેતો, સૌ માટે. માત્ર રવિવારની સવાર સૌની પોતપોતાની રહેતી. એ દિવસે ઘરમાં કોઈ નિયમ નહોતો. સૌ પોતાની રીતે ઊઠતા અને પોતાની રીતે દિવસ ગાળતા. માત્ર જે ન જમવાના હોય એમણે આગળથી જણાવવાનું એવો વસુમાનો આગ્રહ રહેતો.

‘‘ગુડ મોર્નિંગ !’’ અલયે કહ્યું, પણ ખરેખર તો આ બાઈએ એની મીઠી ઊંઘ બગાડી એવું એને લાગ્યું હતું.

‘‘કાલનો કોસ્ચ્યુમ ? સીન કયો કરીએ છીએ ? સાતમો ? બાવીસમો ? બત્રીસમો ? આડત્રીસમો કે...’’

‘‘એક મિનિટ... એક મિનિટ...’’ અલય પથારીમાં બેઠો થયો, ‘‘હું હજુ હમણાં જ જાગ્યો છું. મારું મગજનું મશીન ચાલુ નથી થયું.’’

‘‘ફેન્ટાસ્ટિક સ્ક્રિપ્ટ છે અલય. મેં આખી રાત જાગીને વાંચી છે- બે વાર. આ ફિલ્મ સો ટકા હિટ થશે. મારી કારકિદર્ીમાં એક સીમાચિહન ફિલ્મ બનશે આ. મને વિશ્વાસ છે. અલય, આ ફિલ્મ બનાવવામાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરતો.... ન પૈસામાં, ન સ્ટાર્સમાં કે ન બીજી કોઈ બાબતમાં.’’

‘‘નથી કરવું એટલે તો આટલી રાહ જોઈ છે મેં. હું આ ફિલ્મ મારી રીતે, મારું સપનું પૂરું કરવા બનાવવા માગું છું.’’

‘‘તારું એકલાનું નહીં અલય, મારું પણ. આ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી આ ફિલ્મ મારું પણ સપનું બની ગઈ છે. તેં મને ગઈ કાલે કહ્યું એ પછી હું તારા કામમાં દખલ નહીં કરું, પણ તું મને તારી સાથે તો ચાલવા દઈશ ને ?’’ અલય ચૂપચાપ સાંભળતો રહ્યો. અનુપમાનો અવાજ જાણે લાગણીના વરસાદમાં નાહીને લીલો છમ થઈને અલયની ચારે તરફ લહેરાઈ ગયો હતો, ‘‘હું તને કોઈ સલાહ નહીં આપું, તારા કોઈ નિર્ણયમાં ચંચૂપાત પણ નહીં કરું. એક એકટ્રેસની જેમ ચૂપચાપ કામ કરીશ... પણ અલય, મારે તને સફળ જોવો છે. ભારતના ટોપ ટેન ડિરેક્ટર્સમાં આ ફિલ્મ રિલિઝ થતાં જ તારું નામ લખાવું જોઈએ. એટલું સપનું તો જોવા દઈશને મને ? આઈ.... આઈ...’’ એ સહેજ અચકાઈ અને પછી એણે કહ્યું, ‘‘આઈ રિયલી કેર ફોર યુ અલય.’’

‘‘થેન્ક યુ.’’ અલયે કહ્યું. પછી ધીમેથી વાત બદલતા ઉમેર્યું, ‘‘હું જસ્ટ ઊઠ્યો છું, ફ્રેશ થઈને ફોન કરું ? સવારનું શૂટ લાઇન-અપ પણ કરવાનું છે.’’

‘‘હા, હા, કંઈ વાંધો નહીં. હું જરા ઇમોશનલ થઈ ગઈ એટલે મેં ફોન કર્યો. આઇ એમ સોરી, જો મેં ડિસ્ટર્બ કર્યો હોય તો.’’ અને એણે ફોન કાપી નાખ્યો. અલય ક્યાંય સુધી મોબાઇલ હાથમાં પકડીને બેસી રહ્યો.

‘‘આ એ જ છોકરી છે જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તોછડી, માથાની ફરેલી અને અભિમાની કહે છે ?’’ અલય વિચારતો રહ્યો.

હજી તો એ ઊભો થઈને બાથરૂમ તરફ જતો હતો ત્યાં જ ફરી એનો ફોન વાગ્યો. એણે જઈને જોયું, ‘‘હાય જાન.’’

‘‘હમણાં જ ઊઠ્યો ?’’

‘‘જસ્ટ. અનુપમાના ફોનથી.’’

‘‘તો હવે તને જગાડવાનું કામ એનો ફોન કરે છે ?’’

‘‘શ્રેયા !’’

‘‘તું સમજતો કેમ નથી જાન, એ તને પ્રેમ કરવા લાગી છે.’’

‘‘એવું મારું નસીબ ક્યાંથી ?’’ અલય ખડખડાટ હસ્યો, ‘‘મારા નસીબમાં તો એક ઝઘડાળું, શંકાશીલ, કડવું બોલનારી, લોહી પીનારી પત્ની લખી છે... એનું નામ પણ મને કોઈએ કહ્યું હતું... શું હતું? ભૂલી ગયો યાર...’’ એ હજી હસી રહ્યો હતો.

‘‘તો હું ઝઘડાળું, શંકાશીલ, કડવું બોલનારી, લોહી પીનારી છું?’’ શ્રેયાનો અવાજ ડુમાઈ ગયો, ‘‘અનુપમા નહોતી મળી ત્યાં સુધી કોઈ દિવસ આવું નહોતું કહ્યું.’’

‘‘ઉફ ! દરેક વાતને શા માટે અનુપમા સાથે જોડે છે તું ?’’ અલય ઝૂંઝલાઈ ગયો, ‘‘એક તો સવારના પહોરમાં ફોન કરે અને કોઈ સારી વાત કરવાના બદલે...’’ એ ખરેખર ચિડાઈ ગયો હતો, ‘‘જે દિવસે તું અનુપમાની વાત ના કરવાની હોય એ દિવસે મને ફોન કરજે. શા માટે દુઃખી થવાનું રો-મટીરિયલ ભેગું કરે છે ? મારે બહુ કામ છે... તારી સાથે એકની એક વાત કરવામાં મને કોઈ રસ નથી.’’ અલયે ફોન કાપી નાખ્યો અને બાથરૂમ તરફ આગળ વધી ગયો.

એણે બ્રશ કર્યું, શેવ કર્યું, નાહ્યો. એ દરમિયાન ફોનની રિંગ વાગતી રહી પણ અલયે ધ્યાન જ ના આપ્યું. બહાર નીકળીને એણે ફોનમાં જોયું તો શ્રેયાના અઢાર મિસ્ડ કોલ્સ હતા અને એક મેસેજ. અલયે મેસેજ વાંચ્યો, ‘‘જાન, કોઈ માણસ લાગણી એકસ્પ્રેસ કરે એ એનો ગુનો છે ? દુઃખી કે સુખી થવાનું રો-મટીરિયલ મારામાં ઇનફ છે ને હું ક્યારેય કશું ભેગું નથી કરતી. મારું દુઃખ અને મારું સુખ મારું પોતાનું છે. એમાં કોઈની ભાગીદારી કે જવાબદારી મને મંજૂર નથી... તને ક્યાંય પણ મારી લાગણી કે મારો પ્રેમ બોધર કે બોર કરે તો મને કહી દેજે. હું એકસો ને એંસી ડિગ્રી ઊંધી ફરીને ચાલી જઈશ...’’

અલય ફોન હાથમાં પકડીને મેસેજ સામે જોઈ રહ્યો.

‘‘એક સ્ત્રી, જેણે મારું સપનું પૂરું કરવા માટે પોતાની ઝળહળતી કારકિદર્ી, પોતાના સિદ્ધાંતો, પોતાનો સ્વભાવ- બધું જ દાવ પર લગાડી દીધું છે, જેને ખરેખર મારી સાથે નિસ્બત જ નથી અને તોય, મારું સપનું મારી સાથે જોવા માગે છે ! અને બીજી સ્ત્રી છે, જે મને નખશિખ ઓળખે છે, જેની સાથે આટઆટલાં વર્ષોથી જોયેલું સપનું પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે એણે પોતાના જ પગ પર કુહાડા મારવા માંડ્યા છે !’’

અલય વિચારોને ખંખેરીને ઊભો થયો.

એ નીચે ઊતર્યો ત્યારે સૂર્યકાંત મહેતા, અભય, અજય અને લક્ષ્મી ડ્રોઇંગરૂમમાં બેઠાં હતાં.

‘‘આવ અલય, હું તને બૂમ પાડવાનો જ હતો. પછી મને થયું કે રવિવાર છે... ભલે સૂતો.’’ અભયે કહ્યું, ‘‘બાપુ જવાની વાત કરે છે.’’

‘‘હા, તો ?’’

‘‘અરે ! હજી બે દિવસ થયા એમને આવ્યે અને જવાની વાત કરે છે.’’ અજયના અવાજમાં અલયની સ્થિતપ્રજ્ઞતા અંગે આશ્ચર્ય હતું.

‘‘એમને જવું હોય તો આપણે કઈ રીતે રોકી શકીએ ?’’

‘‘મારે મારું કામ છે, ઓફિસ છે... તમને બધાને મળી લીધું, સુખી છો એ જોઈ લીધું, હવે...’’

‘‘બહુ વહેલા આવ્યા આ બધું જોવા.’’ અલયના અવાજનો ડંખ સૂર્યકાંતની છાતીમાં સીધો વાગ્યો.

‘‘અલયભાઈ, આવ્યા તો ખરા ને ? એ જોવાને બદલે તમે એમને આવી રીતે...’’

‘‘ભાભી, આ ત્રણ ભાઈઓની વાત છે, મને લાગે છે તમે રસોડામાં જાવ તો સારું.’’ વૈભવીએ અભયની સામે જોયું, પણ અભયે વૈભવીની એ નજર ચુકાવીને જાણે અલયની વાતને મૂક સંમતિ આપી દીધી.

‘‘તારી વાત સાચી છે બેટા, મારે ઘણા વહેલા આવવું જોઈતું હતું. જવાબદારીઓ પૂરી થયા પછી મારા આવવાનો કોઈ ખાસ અર્થ નથી રહ્યો હવે અને એટલે જ પાછો જાઉં તો...’’

‘‘તો શું ? એટલે જવાબદારીઓ પૂરી થઈ જશે ? મિસ્ટર મહેતા, હકીકત તો એ છે કે તમે પરિસ્થિતિ સાથે લડી શકતા જ નથી. ભાગી જવું એ તમારો સ્વભાવ થઈ ગયો છે.’’ અજય અને અભય ફાટી આંખે અલયની સામે જોઈ રહ્યા હતા અને અલય સૂર્યકાંત મહેતાની આંખમાં આંખ નાખીને બોલી રહ્યો હતો. લક્ષ્મી અલયના લાલ લાલ થઈ ગયેલા ચહેરા અને તંગ થઈ ગયેલા શરીર સામે સહેજ ડરથી અને સહેજ સહાનુભૂતિથી જોઈ રહી હતી, ‘‘તમને અનુકૂળ ન હોય એવું કશું પણ તમે સહી શકતા જ નથી. તમને જ્યારે જ્યારે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે ભાગી છૂટ્યા છો મિસ્ટર મહેતા. અમારે માટે નવું નથી ને તમારે માટે તો નથી જ... અહીં તમે ધાર્યું હતું એવું કશું જ ના બન્યું, ખરું ?’’

‘‘અલય, તું તારા પિતા સાથે વાત કરી રહ્યો છે.’’ પાછળથી વસુમાનો અવાજ આવ્યો.

‘‘ખબર છે મને, અને એટલે જ એમને આ કહેવું મને જરૂરી લાગે છે. કોઈ પારકો માણસ હોત તો ના કહેત કદાચ...’’

‘‘બોલ બેટા, શું કહેવું છે તારે ? હું સાંભળવા જ આવ્યો છું અને સાંભળીશ.’’ પછી વસુમા સામે જોઈને કહ્યું, ‘‘એને ન રોકીશ વસુ, કહેવા દે એને...’’

‘‘મને કોઈ પણ રોકે, હું કહીશ જ.’’ અલયના ચહેરા પર ખૂબ તકલીફ અને પીડા ઉપસી આવ્યા હતા, ‘‘ખરેખર તો તમે ચાલ્યા જાવ એમાં આખાય કુટુંબનું ભલું છે. મારી માએ તમને બોલાવ્યા અને તમે આવ્યા, મારે એક બાપ છે એવી વાર્તા સાંભળી હતી મેં, એ સત્ય છે એવી ખબર પડી. તમારો આભાર ! પણ હવે, તમને બીજું કોઈ નહીં કહી શકે એટલે કહું છું કે આ ઘરમાં તમારી જગ્યા નથી રહી સૂર્યકાંત મહેતા... તમે જે ખાલી જગ્યાઓ શોધતા આવી ચડ્યા છો ત્યાં નો-વેકેન્સીનું પાટિયું છે મિસ્ટર મહેતા. મને બહુ અફસોસ થાય છે કે આ પાટિયું તમને વંચાતું નથી... ક્યારે જવું છે તમારે ? બને એટલા વહેલા જાવ તો સારું. હવે અમને પણ થોડી શાંતિની જરૂર છે.’’

ડ્રોઇંગરૂમમાં બેઠેલો દરેક ચહેરો જાણે પથ્થરનો બની ગયો હતો.

એક સન્નાટો, એક ભયાવહ ચૂપકિદી છવાઈ ગઈ હતી...

કોઈ કંઈ સમજે એ પહેલાં વસુમા આગળ વધ્યાં, ‘‘બસ, બહુ થયું.’’ એમણે અલયનો હાથ પકડ્યો, ઘસડીને સૂર્યકાંત મહેતાની સામે લઈ ગયાં અને શાંત, સંયત છતાં સત્તાવાહી અવાજમાં કહ્યું, ‘‘માફી માગ તારા પિતાની...’’

(ક્રમશઃ)