અણબનાવ-14
ગુફામાં સવારની સોમ્ય પળોમાં એવો તેજોમય પ્રકાશ ફેલાયો કે આકાશ અને રાજુની આંખો ઝીણી થઇ અને પછી એમને આંખો બંધ કરવી પડી.પણ બંનેનાં નાક અને કાન ખુલ્લા હતા.એટલે જ ગુફામાં કોઇકનાં આવવાનો અવાજ અને વાતાવરણમાં આવતી સુવાસ એમને અનુભવાયા.જેના થકી એમની આંખો ફરી ખુલવા માટે લાચાર બની.અને એ લોકોનાં અચરજનો કોઇ પાર ન રહ્યોં.સામે એક સાધુ ઉભા હતા.એમનું શરીર પારદર્શી દેખાતું હતુ.એમના શરીર પાછળનાં દ્રશ્યો પણ શરીરની આરપાર જોઇ શકાતા હતા.એ કોણ હશે એવા સવાલી મનથી બંને મિત્રો એમને એકીટસે જોઇ રહ્યાં.એટલે તરત સેવકરામ બે હાથ જોડી ઉભા થયા અને બોલ્યાં
“આ મારા ગુરૂ મુક્તાનંદજી મહારાજ છે.એમના દર્શન કરવા એ બહું સારું ભાગ્ય છે.” આ ‘સારું ભાગ્ય’ શબ્દ સાંભળીને આકાશ અને રાજુને નવાઇ લાગી.કેટલાયે દિવસથી સતત હેરાન થતા રહ્યાં, મૃત્યુ નજીક જોયું અને વળી સારું ભાગ્ય? એક તો આ સેવકરામ અને તિલકને સહન કરતા હતા એમાં આ એના પણ ગુરૂ મુકતાનંદ વળી શું કરવાનાં હશે? એમના નામ પ્રમાણે કયાંક મુક્તિ આપવા તો નથી આવ્યાં ને? પણ ત્યાં જ મુક્તાનંદ પોતાના સોમ્ય અવાજે બોલ્યાં
“શાંત થાઓ.બધુ જ સારું થઇ જશે.હવે તમને કોઇ તકલીફ આપવામાં નહિ આવે.”
આકાશે પણ બોલવાની હિંમત કરીને કહ્યું
“અમે પાંચ મિત્રો હતા.હવે બે રહ્યાં. તકલીફમાં બાકી પણ શું રહ્યું છે મહારાજ?”
મુકતાનંદ મુકત મને મરકયાં.અને કહ્યું
“તમે ચાર તો હજુ સલામત જ છુઓ.” આકાશને તરત જ સમીર અને વિમલ યાદ આવી ગયા.અને સેવકરામે બુમ પાડી
“રામ ઔર શ્યામ....ભૈયા વિમલને અંદર મોકલો.” થોડી જ ક્ષણમાં વિમલ અંદર આવ્યોં.આકાશ અને રાજુની આંખોમાં ભય અને ખુશીની મિશ્ર ચમક આવી.પણ સેવકરામે રહસ્યો ખોલતા કહ્યું
“તમે કોઇ ગુનેગાર નથી.આ રહ્યોં તમારો વિમલ અને સમીરને આજે બપોરે હોસ્પીટલમાંથી રજા મળી જશે.”
રાજુને થોડી સ્વસ્થતા આવી એટલે એણે સેવકરામ તરફ જોઇને પુછયું
“તો પછી તમે જુઠ્ઠુ બોલતા હતા?”
“ના.અમારે અસત્ય બોલીને શું કામ? સત્ય તો કંઇક બીજુ જ છે.સાચો ગુનેગાર હતો તમારો ખાસ મિત્ર રાકેશ.એટલે એને સજા મળી ગઇ.” સેવકરામે ઘટસ્ફોટ કર્યોં.વિમલ પણ આ સાંભળીને આભો બની ગયો.આકાશ પણ અવાક ઉભો રહ્યોં.અને રાજુ તો તરત જ બોલ્યોં
“હમણાં મને એવો ભ્રમ થયેલો કે રાકેશ મારી સામે આવ્યોં હતો.અને મારી માફી માંગતો હતો.પણ મને એનું કારણ ખબર ન પડી.હું ગભરાઇને બેભાન થઇ ગયેલો.”
સેવકરામ હળવેથી બોલ્યાં “નહિ.એ તારો ભ્રમ નહોતો.રાકેશને અહિં એની ઇચ્છા મુજબ જ સુક્ષ્મ શરીરે લઇ આવવામાં આવેલો હતો.”
“અમને કંઇ સમજાય એમ કહો મહારાજ.” આકાશે કહ્યું અને બે હાથ પણ જોડયા.આકાશ અને રાકેશ તો સાથે હતા ત્યાંરે જ આ સેવકરામ ત્યાં આવેલા અને આ બધી ઘટનાઓ ચાલુ થઇ હતી.એટલે રાકેશ વિશે વધુ જાણવા આકાશે ઉત્સુકતા બતાવી.
“હું એક સિદ્ધ તાંત્રિક છું.આ મારા ગુરૂ પરમ જોગી છે.રાકેશ જયાંરે તિલક પાસે એક રજુઆત લઇને આવ્યોં ત્યાંરે તિલકે મને વાત કરી અને મે મારા ગુરૂદેવની આજ્ઞા લીધી.અને એમણે આ પ્રમાણે કરવા મને આજ્ઞા કરી.” સેવકરામ બોલ્યાં.
એટલે તરત જ રાજુએ પુછયું
“રાકેશ તમારી પાસે શું રજુઆત લઇને આવેલો?”
“એણે તિલકને કહ્યું હતુ કે ‘રાજુ મારો ભાગીદાર છે.એની સાથે મારે ધંધાની બાબતે અણબનાવ થયો છે.જો હું એને હવે હિસાબ આપીશ તો મારે તકલીફ થશે.મારે એને ઘણાં રૂપિયા આપવાના થશે.એના કરતા હું તમને થોડા રૂપિયા આપીશ.બસ મને એવી વીધી બતાવો કે કોઇને ખબર પણ ન પડે અને રાજુ મારા માર્ગેથી દુર થઇ જાય.એ બહારને તમે પણ તાંત્રિક સિદ્ધિ કરી શકશો’ બસ રાકેશને એની લાલચે આ હદે જવા લાચાર કર્યોં.તમારા સંસારમાં આ રૂપિયા બહું ખરાબ છે.”
આ સાંભળીને વિમલથી મૌન ન રહેવાયું એટલે એ બોલ્યોં “માફ કરજો પણ મને આ વાત ખોટી લાગે છે.રાકેશ આવું ન કરી શકે.અને જો કરે તો એને આટલી મોટી સજા મળે?”
આરપાર દેખાતા મુકતાનંદ ગુફામાં બરાબર વચ્ચે આવ્યાં.એમનું નગ્ન શરીર પણ ચમકદાર કાચ જેવું દેખાતું હતુ.આછા દેખાતા ચહેરા પર સફેદ લાંબી દાઢી,પહાડી બાંધો,માથા પર મુકુટ જેવી ગોળ વીંટેલી ભુખરી જટા,ગોઠણ સુધીની લાંબી ભુજા અને આંખોમાંથી આવતો સફેદ પ્રકાશ જાણે કોઇ સાક્ષાત ગીરનારી દેવતા હોય એવા ભાષતા હતા.આકાશ, વિમલ કે રાજુ માંથી કોઇપણ એમની સામે સતત જોઇ શકતા ન હતા.એમના તેજ સામે ફરજીયાત આંખો નીચી થઇ જતી હતી.અને એમનું આકર્ષીત રૂપ વારંવાર એમના તરફ જોવા પણ પ્રેરતું હતુ.આવી વિષમ પરીસ્થિતિ વચ્ચે એમણે કહ્યું
“બાળકો, હું અહિં આ ભુમિમાં તમારા સંસારીઓનાં લગભગ સાતસો વર્ષથી રહું છું.નરસિંહ ભગતનાં દર્શન પામીને મે મારી પારમાર્થિક યાત્રા શરૂ કરેલી.હાલમાં પણ કયાંરેક એમના દર્શન પામી શકું છું.એવા તો કેટલાય સિદ્ધો અહિં વસવાટ કરે છે.આટલો પરમ વૈભવ પામીને મારે તમારી સામે અસત્ય વાત કરવાથી શું મળે? હું તો તમારા ભુત,વર્તમાન અને ભવિષ્ય જાણી શકનાર છું.”
એમના આ શબ્દો જાણે બધાનાં હૃદયની આરપાર થયા.છતા કોઇનાં તાર્કીક મનમાં કંઇ સવાલ ન રહી જવા પામે એટલા માટે એમણે ગુફાની બહાર તરફ જોઇ કહ્યું
“રાકેશ, અંદર આવ.”
અને બધાનાં આશ્ચર્ય વચ્ચે રાકેશનું સુક્ષ્મ શરીર અંદર આવ્યું.રાકેશનો ચહેરો દુઃખી હતો.રાજુ અને આકાશની આંખોમાં આસુ દેખાયા.વિમલનાં ચહેરે તાણ દેખાયું.કોઇ કંઇ બોલી શકે એવી સ્થિતિમાં ન હતા.પણ સુક્ષ્મ શરીરમાં આવેલા રાકેશે કહ્યું
“મિત્રો મને માફ કરજો.મને મારા ખરાબ કામની સજા મળી ગઇ છે.હું એક પછી એક લાલચમાં...એના કીચડમાં ફસાતો ગયો.આખરે મે રાજુને મારા રસ્તેથી દુર કરવાનો ઇરાદો રાખ્યો.અને આ પ્રેત શરીર મને મળ્યું.હવે હું વર્ષો સુધી અહિં આ સ્વરૂપે ભટકીશ.મારો સમય આવશે તો મુકત બનીશ.મારા કર્મોની સજા ભોગવતા ખુબ સમય થશે.” પછી એ રાજુની સામે ગયો.રાજુ એનું આવું રૂપ જોઇ ગભરાઇ ગયો.એણે આંખો બંધ કરી દીધી.એટલે દબાણને લીધે એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.રાકેશે ફરી કહ્યું
“રાજુ, મારી સુરત પડેલી કારની ડીકીમાં મારા કાળા ધંધાનો બધો હિસાબ છે.એ તું લઇ લેજે.અને બધે જાહેર કરજે.એનાથી મને થોડી રાહત મળશે.આ શરીરમાં મને જે દાહ થાય છે એમાં થોડી ઠંડક મળશે.”
દુર ઉભેલા વિમલે સેવકરામને પુછયું
“ફકત રૂપિયાનો ગોટાળો કરવાની આટલી મોટી સજા?” એટલે સેવકરામે ઉતર આપતા કહ્યું
“ના.રૂપિયા કે કોઇ વસ્તુની ગણતરી કુદરતનાં હિસાબમાં નથી લેવાતી.અહિં તો ફકત મનનાં અલગ અલગ ભાવોનો હિસાબ થાય છે.લાલચ,ઇર્ષા,ક્રોધ અને અશ્રધ્ધાએ રાકેશને આ સજાપાત્ર બનાવ્યોં છે.એની લાલચ એટલી વધી ગઇ કે મિત્રની હત્યાનું ષડયંત્ર કરી નાંખ્યું.એ એનો ગુનો છે.અને રાકેશનું મૃત્યુ તો નિયતીએ નકકી કરેલું જ હતુ.એનો સમય પુરો જ થયેલો હતો.તમારા કોઇનો મુત્યુનો સમય તમે નથી જાણતા.એટલે જ સંસારમાં આ કર્મોનાં ચક્રો અને એના બંધનો ચાલતા રહે છે.મારા ગુરૂમહારાજને ખબર પડી કે રાકેશ તો હવે ટુંક સમયમાં મૃત્યુ પામશે જ.એટલે એમણે આ ખેલ ઉભો કર્યોં.અમે કોઇનાં મૃત્યુનાં નિમીત નથી બનતા.હા...સામેથી આવી પડેલા આ મોકાને અમે તમારા ભલા માટે ઉપયોગ કરવાનું જરૂર નકકી કર્યું.”
“તો પછી એક રાકેશને લીધે અમને પણ આ સજા મળી?” વિમલે ફરી પુછયું.
“લાલઢોરીની ધર્મશાળામાં તિલકે તમને આખી વાત જણાવી દીધી હોત તો તમે બધા એ સાચી માનત?નહિને? એટલે જ તમને અહિં બોલાવ્યાં.” સેવકરામે કહ્યું.
પણ આકાશથી અનાયાસે રાકેશ તરફ જોવાઇ ગયુ.એનું હૃદય કંપી ગયું.એને તરત જ વિચાર આવી ગયો કે ‘આ રાકેશને એની સજા તો મળી ગઇ.મૃત્યુ બધાનાં લેખાજોખા કરી આપે છે તો હવે કયાં સુધી એ આમ ભટકશે?’ એના મનમાં રાકેશ પ્રત્યે કરુણા જાગી.
“આકાશ, રાકેશ માટે એક રસ્તો કરી આપું.પણ એ તમારા પર આધારીત છે.” મુકતાનંદજીએ આકાશનાં વિચાર વાંચીને કહ્યું.વિમલ અને રાજુ તો કંઇ સમજ્યા નહિ.પણ મુકતાનંદજીનાં આ જવાબ પરથી એમના મનમાં પણ રાકેશ માટે સવાલ થઇ ગયો.આકાશે મુકતાનંદજી સામે બે હાથ જોડયા અને બોલ્યોં
“આપ જે કહો તે કરવા અમે તૈયાર છીએ.રાકેશને આપ મુક્તિ આપી શકતા હોય તો અત્યાંરે જ આપી દો.”
રાકેશનું સુક્ષ્મ શરીર પણ બોલ્યું
“આકાશ....મારા મિત્ર.તારો સદા આભારી રહીશ.હું તને પાછળ રહી ગયેલો સમજતો હતો પણ તું તો આગળ નીકળી ગયો.”
આકાશને જવાબ આપતા મુકતાનંદજી બોલ્યાં “તારી કરુણાને લીધે રાકેશને મુક્તિ આપી શકીશ.તો સાંભળ, તમે બધા ખરા હૃદયથી રાકેશને માફ કરી દો.અને રાજુ રાકેશનાં પરીવારની આજીવન સંભાળ રાખવાનું વચન આપે તો રાકેશને હમણાં જ મુકત કરી શકીશ.” થોડીવાર પછી એ પાછા રાકેશ તરફ જોઇને કહ્યું
“દિકરા, આ સિવાય તારી કોઇ ઇચ્છા હોય તો કહી દે.”
“બસ, આપે કહ્યું એજ મારી ઇચ્છા છે.મૃત્યુ પછી મને સમજણ આવી છે કે જીવનનું મુલ્ય શું છે?” રાકેશ બોલ્યો ત્યાંરે એનાં સુક્ષ્મ શરીરમાં કંપન થતુ હતુ.એના શરીર ફરતેથી લાલ પ્રકાશ નીકળતો હતો અને કાળા રંગમાં ફેરવાઇને હવામાં ગાયબ થતો હતો.
આકાશ અને વિમલ આ માટે તૈયાર હતા.રાજુએ પણ વચન આપ્યું.રાકેશ હજુ તો બધા મિત્રોનો આભાર માની રહ્યોં હતો ત્યાં જ એનું શરીર ગાયબ થયું.અને મુકતાનંદજીએ એક મુકત હાસ્ય સાથે કહ્યું
“એ આતમરામ ગયો નવા વસ્ત્રો ધારણ કરવા માટે....એને નવા માતાપિતા મળી ગયા.” એ પછી વાતાવરણમાં કંઇક નવા પ્રકારની તાજગી અને શાંતિ હતી.ત્રણેય મિત્રો ચમકતી આંખે એકબીજા તરફ જોઇ રહ્યાં.ફરી નજર ફેરવી તો મુકતાનંદજી ત્યાં ન હતા.ગુફામાં ઉજાસ ઓછો થયો.સેવકરામ પણ બહાર તરફ ચાલતા થયા.આ ત્રણે મિત્રો કંઇ બોલ્યાં વગર જ સંવેદના રજુ કરવા એકબીજાની નજીક આવ્યાં.તિલક આ લોકો તરફ આવીને ઉભો રહ્યોં અને બોલ્યોં “ચાલો બહાર.હવે ત્યાં કોઇ સિંહ નથી.ફકત રામ અને શ્યામ છે.” આટલું કહી તિલક પણ ચાલતો થયો.આકાશે બુમ પાડી “તિલકભાઇ ઉભા રહો.તમને સવાલ પુછવાનો છે.”
“બહાર ચાલો.ચાલતા ચાલતા પુછી લેજો.” બધા તિલકની પાછળ ઉતાવળે પગલે ગુફાની બહાર નીકળ્યાં ત્યાંરે બે કઠીયારા ઉભેલા હતા જેમાં એકનાં હાથમાં કુહાડી હતી.એમણે સેવકરામને નમન કર્યાં.અને ચાલતા થઇ ગયા.તિલકે આકાશને કહ્યું “આ છે રામ અને શ્યામ, જેમનાથી તું આખી રાત ડરતો રહ્યોં.” પછી તિલકે અટ્ટાહાસ્ય કર્યું.અનેક સવાલ જવાબો વચ્ચે સેવકરામ બોલ્યાં
“તમને હવે કયારેય પણ કોઇ સમસ્યા આવે તો તિલકનો સંપર્ક કરજો.એ તમને મારા સુધી લઇ આવશે.અને હા સમયનો કોઇ બાધ નથી.આજે કાલે કે જીવનમાં ગમે ત્યાંરે....”
રસ્તામાં ચાલતા આકાશે હવે સવાલ પુછવાનું ટાળ્યું.પણ એના વિચારો તો ચાલુ જ હતા ‘સારું થયુ કે રાકેશે આ સિદ્ધ અને સારા સાધુઓનો સંપર્ક કર્યોં.જો કોઇ ખરાબ દાનતવાળા તાંત્રિકનાં હાથમાં આવી ગયા હોત તો બધા જ મૃત્યુ પામ્યા હોત.’ સૌથી આગળ ચાલતા સેવકરામ ઉભા રહી ગયા.અને પાછળ વળીને બોલ્યાં “આકાશ...બેટા, હું પહેલા ખરાબ તાંત્રિક જ હતો.પેલી રાત્રીએ ભવનાથમાં મે તમને જે રૂપ બતાવ્યું હતુ એ મારા ભુતકાળનો અભિનય માત્ર હતો.હું પહેલા થોડા જ નશા અને રૂપિયા માટે કોઇ પણ તાંત્રિક વીધી કરી આપતો.પછી મને ગંગાગીરી જેવા કરુણાવાન સાધુનું સાનિધ્ય મળ્યું એટલે મારું જીવન બદલાયું.હવે આવા કામ કરીને મારા કર્મો કાપું છું.”
એક અણબનાવથી બધા મિત્રોનાં જીવનમાં આવેલું તોફાન હવે શમી ગયુ હતુ.સેવકરામ અને તિલક પોતપોતાના આશ્રમોમાં રોકાઇ ગયા.આકાશ,વિમલ અને રાજુ હવે નવા અભિગમ સાથે નવી શરૂઆત કરવા ફરી શહેર ભણી ચાલતા થયા.
--સમાપ્ત
--ભરત મારૂ.
આ ધારાવાહિકનાં દરેક વાંચકનો હું હૃદયપુર્વક આભારી છું.આપ સૌનાં રેટીંગસ્ અને માતૃભારતીનાં અનહદ પ્રોત્સાહનને લીધે હું પ્રેરીત થઇને ફરી નવું ધારાવાહિક થોડા સમય પછી આપ સૌ સમક્ષ મુકીશ.એ વાતનો મને આનંદ રહેશે.
E mail -- bharatahir4546@gmail.com