Maro Shu Vaank - 16 in Gujarati Moral Stories by Reshma Kazi books and stories PDF | મારો શું વાંક ? - 16

Featured Books
Categories
Share

મારો શું વાંક ? - 16

મારો શું વાંક ?

પ્રકરણ - 16

મહેશ શેઠનાં ગયા પછી રહેમત જાવેદ અને શકુરમિયાં હારે ગોદામમાંથી બાર નીકળી રહી હતી ત્યારે સુમિત પાસે આવીને બોલ્યો.... રહેમત ભાભી કેમ છો? બેય છોકરાંવ કેમ છે? અફસાના મોટી થઈ ગઈ હશે હે ને.... કેટલા મહિનાની થઈ?

ભાભીનાં સંબોધનથી રહેમતને ઇરફાનની યાદ આવી ગઈ... તે સુમિત સામું એકધારું જોઈ રહી... તેને સમજ નોતી પડતી કે શું બોલે.... થોડીવાર રહીને રહેમત બોલી.... સુમિત ભાઈ... કેમ છો? તમારા બેય છોકરાંવ અને મારા ભાભી કેમ છે? તમે મને ભાભી કીધું ને એટલે થોડીવાર હું વિચારમાં પડી ગઈ... કારણકે હવે હું ઇરફાનની કોઈ નથી લાગતી... હવે હું ફક્ત મારા છોકરાંવની માં છું.

સુમિત હાથ જોડીને રહેમતની માફી માંગવા લાગ્યો અને બોલ્યો... મારો તમને દુ:ખી કરવાનો કોઈ ઇરાદો નોતો... ભૂલથી મારા મોંઢામાંથી ‘ભાભી’ શબ્દ નીકળી ગયો. આજ પછી તમારા અને મારા વચ્ચે ભાઈ-બેન અને મિત્ર જેવો સંબંધ રહેશે. બોલો બનશો ને મારા મિત્ર? સુમિત જોરથી બોલ્યો... શકુર કાકા! એક મહિના પછી રક્ષાબંધન આવી રહી છે... મારી આ નાની બેન રહેમત આગળ રાખડી બંધાવવા આવીશ... ઇરફાનયા હારેની દોસ્તી ગઈ ચૂલામાં... હવેથી રહેમતબેન મારી દોસ્ત...

શકુરમિયાં સુમિતની પીઠ થપથપાવીને બોલ્યા... તારી દોસ્તને તારે જ ખેત પેદાશોનો વેપાર કરતાં અને વેપારીઓ સાથે ડીલ કરતાં શીખવવાનું છે. સુમિત પરિવારનો સદસ્ય હોય એ રીતે બોલ્યો... કાકા! એ તો કાઇં કેવાની વાત છે... મારી બેન છે જ એટલાં હોશિયાર... હમણાં એક જ મહિનામાં રહેમતબેનને બધું શીખવી દઇશ...

રહેમત સુમિત સામે હાથ જોડીને બોલી.... આભાર સુમિત ભાઈ મને સમજવા બદલ... આજથી આપણાં વચ્ચે ત્રણ નવા સંબંધ... એક તો ભાઈ-બેનનો, બીજો મિત્રનો અને ત્રીજો ગુરુ-શિષ્યનો... કારણકે હું તમારા પાસેથી ખેત પેદાશોનું વેચાણ કરવાના પાઠ ભણીશ.... બોલો છે ને મંજૂર... રહેમત મિત્રતાભર્યા ભાવે બોલી. સુમિત હસીને બોલ્યો... હા રહેમતબેન! મને આ ત્રણેય સંબંધ મંજૂર છે અને મારા છેલ્લા શ્વાસ સુધી આ સંબંધ નિભાવીશ.

ત્યાં બાર ખેતરમાં ઊભેલા જાવેદે જોરથી બૂમ પાડી..... રહેમત.... બેટા.... બાર આવ. આપણાં ખેતરમાં કામ કરતાં બધાં લોકો સાથે તને મળાવું.. શકુરમિયાનાં ખેતરમાં ત્રીસ જણાં દાળી કામ કરતાં હતા. આ બધાય કામદારો શકુરમિયાંનાં એકદમ વિશ્વાસુ માણસો...

બધાય જણાંને ભેગા કરીને શકુરમિયાં રહેમતની ઓળખાણ કરાવા લાગ્યા અને બોલ્યા.... આ રહેમત.... મારી દીકરી... આજથી મારા અને જાવેદ સિવાય રહેમત પણ ખેતર અને ખેત પેદાશોનું વેચાણ કામ સંભાળશે...

કામે આવેલા ગામનાં લોકોને ખબર હતી કે રહેમત શકુરમિયાની દીકરી નહીં પણ એમનાં દીકરાની વહુ છે પણ તે દિવસે આખા ગામને ભેગું કરીને શકુરમિયાંએ જે પસ્તાળ પાડી હતી એ પછી રહેમત વિશે ખુસુર-પુસુર કરવાની કોઇની હિમ્મત નહોતી.

શકુરમિયાં પાછા તાડૂકીને બોલ્યા.... મને ખબર છે તમે બધાં રહેમત વિશે બધુ જાણો છો. જો કોઈએ એની આગળ ઇરફાનનું નામ લીધું કે અમારી પીઠ પાછળ કાઇં પણ ખુસુર-પુસુર કરી છે તો એકેએકનાં ટાંટિયા ભાંગી નાખીશ.

રહેમત શકુરમિયાંને એક દીકરી જેમ પોતાનાં પિતાને મીઠો ઠપકો આપતી હોય છે એવી રીતે રહેમત બોલી.... અબ્બા... આ શું બોલો છો? આપણે અયાં દાળીએ આવતા લોકો હારે આવી રીતે વાત ના કરાય. આ બધાં તો આપણાં પરિવારનાં સદસ્યો સમાન છે.

રહેમત બધાંની સામે હાથ જોડીને બોલી.. આજથી આપણે બધાંએ હારે મળીને કામ કરવાનું છે અને તમારા બધાય આગળથી મારે ઘણું બધુ શીખવાનું છે.... બોલો શિખડાવશોને? ત્યાં તો બધાં ઊભેલા દાળિયાઓએ હાથ જોડીને એક જ અવાજે હા માં જવાબ આપ્યો...

શકુરમિયાંનાં ખેતરમાં છેલ્લા પચીસ વરસથી કામ કરતાં પતિ-પત્ની મનુ અને ભાવના રહેમતની પાસે આવ્યા અને વરસોથી ખેતરમાં કામ કરવાને લીધે બરછટ થયેલા હાથને ભાવનાએ રહેમતનાં માથે ફેરવ્યો.. અને મનુને કહેવા લાગી... જુઓ તો ખરા... મમતાનાં બાપુ! આ દીકરી બા તો અસ્સલ આપણી મમતા જેવા જ લાગે છે. મનુ પણ એકીટશે રહેમત સામે જોઈ રહ્યો... જાણેકે પોતાની મરેલી દીકરી પાછી પોતાની પાસે આવી ગઈ...

ત્યાં જાવેદ બોલ્યો... રહેમત! આ આપણાં મનુ કાકા અને ભાવના કાકી છે... એમની હારે આપણો વરસો જૂનો સંબંધ... એમને મમતા નામની એક જ દીકરી હતી એનાય નાની ઉંમરે જ બાજુનાં ગામમાં લગન થયા હતા.. દહેજ દીધું હોવા છતાં એનાં સાસરાવાળાં વારેઘડીએ એને દહેજ સાટું હેરાન કરતાં તા... અને એક દી એનાં ધણી અને સાસુ-સસરાએ એની માથે કેરોસીન નાખીને એને જીવતી બાળી મારી...

ભાવનાની આંખોમાંથી દળ-દળ આંસુ વહેવા લાગ્યા અને એ ચિત્કાર હારે બોલી ઉઠી... મુવાઓનું ક્યાં હારુ થાહે... મારી ફૂલ જેવી દીકરીને કપાતરનાં પેટનાવે બાળી મારી... એનાં કરતાં તો મેં મારી દીકરીને કુંવારી રાખી હોત તો હારુ થાત... ભાવના પોતાનું રડી-રડીને માથું કૂટવા લાગી ત્યાં રહેમત ભાવનનાં બેય હાથ પકડીને બોલી.. મને તમારી દીકરી નઇ બનાવો? હમણાં તો તમે કેતા તા કે હું મમતા જેવી જ લાગુ છું.. એટલે આજથી હું તમારી દીકરી... બરાબરને.... ભાવના રહેમતનાં ગળે લાગીને બોલવા લાગી... હા મારી દીકરી... હા....

શકુરમિયાંનાં ખેતરમાં કચ્છનાં એક માં-દીકરો પણ કામ કરતાં હતા. આઠ-દસ વરસ પહેલાં જાવેદને ઇબ્રાહીમ કચ્છમાં મળ્યો તો ત્યારથી રોજી સાટું થઈને બેય માં-દીકરો આ ગામમાં જ વસી ગયા હતા અને શકુરમિયાંનાં ખેતરમાં જ કામ કરતાં તા... ઇબ્રાહીમ અને તેની માં જુલેખા મનુ અને ભાવનાનાં પાડોશી હતા. બેયનું આજુ-બાજુમાં જ ઘર હતું. ભાવના અને જુલેખા વચ્ચે ખૂબ ચક્કમચક્કી ઝઘડા થતા અને જુલેખા કચ્છી ભાષામાં જે ગાળોની રમછટ બોલાવતી એ સાંભળીને ભલભલાનાં કાનમાં કીડા પડી જાય ... મનુ જુલેખાની ગાળો સાંભળીને ઘરની બાર જતો રહેતો જ્યારે ઈબ્રાહિમ ફૂલ રેડીયો ચાલુ કરીને ગીતો સાંભળવા મંડતો.. ભાવના ય પાછી જુલેખાને જવાબ એની જ ભાષામાં બેફાક ગાળોએ જ આપતી. વળી પાછું બેય બેનપણીઓને એકબીજાં વગર હાલતું ય નહીં...

ઇબ્રાહીમ ઓછું ભણેલો પણ સ્માર્ટ ગબરું જુવાન હતો.. સલમાન ખાનનો બોવ મોટો ફેન... સલમાનની આવનારી દરેક ફિલ્મને બાજુનાં શહેરમાં જઈને ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો જોવે.. પહેલેથી એડવાન્સમાં ટીકીટ બુક કરાવી લે... સલમાનની દરેક સ્ટાઈલની કોપી કરે અને તેનાં જેવા સિક્સ પેક એબ્સ પણ બનાવ્યા હતા... અમુક વખત ખેતરે કામ કરવા આવે ત્યારે સલમાનની જેમ શર્ટ ઉતારીને ક્લીન શેવ બોડીએ આવે જેથી લોકો તેનાં સિક્સ પેક એબ્સ જોઈ શકે. લોકો તેને ‘સલ્લુ’ કહીને બોલાવે ત્યારે જાણેકે એ સાતમા આસમાનમાં વિહરતો હોય એવી રીતે દોડીને સલ્લુ કહેનારનાં ગળે લાગી જતો... અને જો કોઈ છોકરી એને સલમાન કહી દે તો સીધો એનાં પગે પડી જતો અને મનોમન મલકાવા લાગતો.. ઇબ્રાહીમને જો કોઈ સલમાન ખાન કહી દે તો એ એને મન કરોડોની મિલકત કરતાં પણ વધારે હતું.

જુલેખા વારંવાર એને લગન કરવાનું અને છોકરીઓ જોવાનું કહેતી પણ તેનાં સલ્લુએ હજી સુધી લગન નહોતા કર્યા એટલે એ પણ સલમાનનાં નકસેકદમ લગન કરવાથી દૂર ભાગતો હતો... ખેતરમાં કામ કરતાં માં-બાપ એમની હારે કામ કરતી એમની દીકરીઓને ઇબ્રાહીમથી દૂર રાખતા... અને કહેતા... આ કચ્છીને જુઓ.. જાણે ફિલમનું શૂટિંગ કરવા આયવો હોય એમ તૈયાર થઈને આવે છે અને અમુક દાડે તો અડધો નાગો થઈને આવે છે... આપણી છોકરીઓ ઉપર એની ખરાબ અસર નો થાય? આનાથી તો આપણી છોકરીઓને દૂર જ રાખવાની.... પણ ખેતરમાં કામ કરતી છોકરીઓ તીરછી નજરે ઇબ્રાહીમને જોઈ જ લેતી... અમુક આધેડ વયની મહિલાઓ તો એની આગળ સલમાનની ફિલમની સ્ટોરી સાંભળવા બેસી જાતી અને જોર-જોરથી ઠહાકાઓ મારતી અને પોતાના બધાં જ દુ:ખો ભૂલી જતી... ઇબ્રાહીમ ગામની મહિલાઓનો ખૂબ માનીતો હતો અને દિલનો પણ ખૂબ જ સાફ માણસ હતો અને ગામની દરેક મહિલાની ખૂબ જ ઇજ્જત કરતો હતો એમ કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય....

ગામનાં બાળકો જેવા ઇબ્રાહીમને જોવે કે તરત જ.. સલમાન ભાઈ ! સલમાન ભાઈ ! ની બૂમો પાડીને તેને પાનો ચડાવતા... કારણકે ઇબ્રાહીમ એ બધાંને સલમાન ભાઈ કહેવા બદલ ચોકલેટ આપતો... ઇબ્રાહીમ સવારે ઘરની બાર નીકળે ત્યારે એક આખી ચોકલેટની થેલી હાથમાં લઈને નીકળે. રસ્તામાં સલમાન ભાઈ કહેતા દરેક છોકરને રાજીનાં રેડ થઈને ચોકલેટ આપયે જતો.

જાવેદે કામ કરતાં બધાં જ દાળિયાઓ હારે રહેમતનો પરિચય કરાવી દીધો હતો.. રહેમતને મળીને બધાંય પોતપોતાનાં કામે વળગી ગયા. બપોરનાં બાર વાગી ચૂક્યા હતા... કપાસનો પાક ઉપડાતો હતો... બપોરનો ધોમધખતો તાપ બધાને અક્ળાવી રહ્યો તો... સૂરજ જાણેકે દરેકનાં માથા ઉપર સવાર થઈને ગરમીનું તાંડવ મચાવી રહ્યો હોય તેવો ભાસી રહ્યો તો.

રહેમત પણ બધાંની જેમ કપાસ વીણવાની ટોપલી પાછળ ભરાવીને બધાની જેમ રૂ નાં કાલાંમાંથી રૂ વીણવા લાગી... જાવેદ તરત આવીને બોલ્યો... બેટા! તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? ત્યાં શકુરમિયાં પાછળથી બોલ્યા... એલા જાવલા! રહેમતને કામ કરવા દે.... એવી રીતે જ એ ઘડાશે... રહેમત શકુરમિયાં સામે હસીને પાછી કામ કરવા લાગી..

પહેલીવાર આવા પ્રકારનું કામ કરવાથી કઠણ કાલાં થોડાંક રહેમતની હથેલીમાં ઘસાવાથી તેની હથેલીમાં થોડા છાલા પડી ગયા હતા પણ એને આજે કામ કર્યાનો ખૂબ જ સંતોષ હતો એ એનાં ચહેરા પરથી સ્પષ્ટ વરતાતું હતું....

આખરે સાંજનાં છ વાગતાં શકુરમિયાં અને રહેમત ઘરે જવા નીકળ્યા.. જ્યારે જાવેદને થોડું કામ હોવાથી તે ખેતરે જ રોકાયો. ઘરે પહોંચતાની સાથે જ આદમ અને અફસાના અને જાવેદનાં બધાંય છોકરાંઓ એમ પાંચેય રહેમતને ચોંટી ગયા...

***