મારો શું વાંક ?
પ્રકરણ - 6
કાજી સાહેબ આવતાની સાથે જ રહેમત અને ઇરફાનનાં પૂરા પરિવારની હાજરીમાં નિકાહ પઢાવી દેવામાં આવ્યા. વરસો પહેલાં નાનપણમાં માતા-પિતા દ્વારા નક્કી થયેલાં લગનને આજે નિકાહની મહોર લાગી ગયી. ઈરફાન અને રહેમત પતિ-પત્ની બની ચૂક્યા હતા.
બંને પરિવારોએ સાથે મળીને ભોજન લીધું. ત્યારબાદ જિન્નત અને શકુરમિયાંએ જલ્દીથી રહેમતને વિદાઈ આપવાની દરખાસ્ત કરી. વિદાઈ આપવાની વાત આવતાં જ રાશીદના હાથ-પગ ઢીલાં પડી ગયા. એ મનોમન વિચારવા લાગ્યો કે મારી આટલી નાની ઉંમરની ઢીંગલીની વિદાઇ થઈ રહી છે.... તે ત્યાં કઈ રીતે રહી શકશે? કઈ રીતે સંબંધોને સાચવશે? એટલી સમજણ તો એના અંદર હજી સુધી આવી પણ નથી અને સૌથી મોટી વાત... હું મારી દીકરી વગર કઈ રીતે રહીશ?
રાશીદ આ બધું વિચારતો હતો ત્યાં વિદાઇની વેળા આવી જતાં આસિફાએ રહેમતને મળવા રાશીદને ઓરડામાં બોલાવ્યો. ગળગળા અવાજે આસિફા બોલી.. એય! અંદર આવો... તમારી ઢીંગલી આપણને મૂકીને એનાં ઘરે જઈ રહી છે. રાશીદ મનોમન વિચારવા લાગ્યો... એનાં ઘરે? શું આ એનું ઘર નહોતું? અને આગળ આ એનું ઘર નહીં રહે?રહેશે..... હંમેશાં રહેશે..... આ મારી ઢીંગલીનુ જ ઘર છે. રહેમત પોતાની બેનપણી હેતલને વળગીને રડી રહી હતી. રાશીદને જોતાં જ દોડીને રાશીદને વળગી ગઈ અને હીબકાં ભરીને રડવા માંડી. અબ્બા... મારે તમને મૂકીને નથી જવું. રડતી જતી તી ને બોલતી જાતી તી....
રાશીદ પોતાની રહેમતનાં લાલ મહેંદીથી રંગાયેલા હાથ પોતાનાં હાથમાં લે છે અને તેની બંને નાની-નાની હથેળીઓને ચૂમી લે છે. રહેમતના મહેંદીવાળા હાથ જોઈને વરસો પહેલાનાં પાંચ વરસની રહેમતનાં મહેંદીથી રંગાયેલા નાનાં હાથ ફરીથી યાદ આવી જાય છે.
જાણે રહેમત ફરીથી પૂછતી હોયકે .... અબ્બા! શા કારણે મારા આટલી જલ્દીથી નિકાહ પઢાવી દીધા? હું ક્યાં એટલી મોટી થઈ ગઈ છું? વડવાઓએ પાડેલા રિવાજ મેં તો નથી બનાવ્યા તો પછી મારો કેમ ભોગ લેવાય છે? એમાં મારો શું વાંક? તોડી નાખોને આ જૂનાં રિવાજ.. મારી મરજી જાણ્યા વગર મારા નિકાહ કેમ પઢાવી દીધા? અબ્બા! આ બધામાં મારો શું વાંક?
રહેમતની આ બધી ફરિયાદોનો બોજો જાણે કે પહાડની માફક રાશીદનાં મગજમાં મંડરાઈ રહ્યો તો.. અને એનો સખત ભાર એ અનુભવી રહ્યો તો... પોતાની નાનકડી દીકરી સાથે જે આ બધું થઈ રહ્યું છે તેનો અપરાધભાવ રાશીદ અનુભવી રહ્યો હતો.
રહેમતની કાજળવાળી અણીયાળી આંખો વારંવાર રાશીદ સામે જોઈને ફરિયાદ કરી રહી હોય એવું સતત રાશીદ અનુભવી રહ્યો હતો.... અને ચોધાર આંસુએ રહેમતને વળગીને રડી પડ્યો હતો. પોતે કાઇં પણ કરી શકતો નથી એવી નિ:સહાય પરિસ્થિતી એ અનુભવી રહ્યો હતો.
બસ બેટા રાશીદ! રડતી આંખે હુસેનબાનુંએ બાપ-દીકરીને છૂટાં પાડ્યા. હવે રહેમતની વિદાઈનો સમય આવી ગયો છે. બાર શકુરમિયાં અને જિન્નત વાટ જોઈ રહ્યા છે. જા વહુ આસિફા! રહેમતને હવે વિદાઈ આપ.... એમને મોડું થાતું હશે.
આસિફા રોટી-કકળતી રહેમતને બાથમાં લઈને ઓરડામાંથી બહાર નીકળી અને બોલી... ”આપા... આજથી મારી રહેમત તમારી થઈ, એને તમારી વહુ નહીં પણ દીકરી બનાવીને રાખજો, એનાથી ભૂલ થાય તો માફ કરજો અને શીખવાડજો. આજ થી તમે બેય જણાં એનાં અસલી માં-બાપ છો”. એટલું કહીને આસિફાએ રહેમતને જિન્નતને સોંપી દીધી.
જિન્નત આસિફા અને રાશીદને કહેવા લાગી... તમે બેય જણાં રહેમતની કોઈ ચિંતા કરતાં નહીં. રહેમતને હું મારી દીકરી બનાવીને રાખીશ. એટલું કહીને શકુરમિયાં અને જિન્નત રહેમતને સાથે લઈને આખા પરિવાર સાથે વિદાય થયા.
રહેમતનાં જતાંની સાથે જ જાણે કે રાશીદનાં ઘરમાં સૂનકાર વ્યાપી ગયો. એ ત્રણેય જણાં રહેમતનાં જન્મ પહેલાં જે એકલવાયાપણું અનુભવતા હતા તેવું અત્યારે અનુભવી રહ્યા હતા.
રહેમત હવે તેનાં ઘરે પહોંચી ગઈ હતી. રાતનાં લગભગ આઠ વાગી ચૂક્યા હતા. ડેલી ઉપર જ ઈરફાન અને રહેમતને ઊભા રાખીને જિન્નતબાનુંએ મીઠાઇ ખવડાવી અને ચોખાથી બેય જણાંને વધાવ્યા. ત્રણેય બાળકો હરખના માર્યા કૂદાકૂદ કરતાં હતા. એ .... એ.... કાકી આવી ગ્યા, હવે બોવ મજા આવશે. પોતાનાં વિશે કાકી શબ્દ સાંભળીને ચૌદ વરસની રહેમત મનોમન વિચારવા લાગી કે એક જ દિવસમાં અચાનક તે કેટલી મોટી થઈ ગઈ છે.
આખું પરિવાર હારે મળીને જમવા બેઠું. રહેમતે ઘૂમટો તાણેલો હતો. જિન્નતબાનુંએ શબાનાને કહ્યું કે... શબાના ! રહેમતનો ઘૂમટો ઊંચો કરી દે. રહેમત બેટા! તારા અબ્બા કે પછી મારી કે તારા જેઠની લાજ કાઢવાની કોઈ જરૂરત નથી... તું અમારી દીકરી છે. ઘૂમટામાં રહેલી રહેમત બોલી... ભલે ફુઈ! ત્યાં તો જિન્નતબાનું બોલ્યા... એલી છોડી! હવે ફુઈ કહેવાનું બંધ કરી દે , હવેથી હું તારી અમ્મા છું. રહેમત પાછી બોલી... ભલે અમ્મા! અને આખું ઘર હસી પડ્યું. ઈરફાનનાં ચહેરા પર પણ હલકું હાસ્ય રેલાઈ ગયું.
શબાના જ્યારથી લગન કરીને આવી છે ત્યારથી જિન્નતબાનુંએ તેની પાસે લાજ નથી કઢાવી... પછી હળવેકથી શબાનાએ રહેમતનાં ચહેરા પરથી ઘૂમટો હટાવ્યો. રહેમતની ઉંમર ખૂબ નાની હતી જેને કારણે તેનાં મોંઢાં ઉપર નાના બાળક જેવી માસુમિયત ઝળકતી હતી.
ઈરફાન રહેમતની સામે બાજુએ જ જમવા બેઠો હતો. સૌથી પહેલાં ઇરફાનની નજર રહેમત સામે ગઈ. આજે પહેલીવાર તેણે મોટા થયા પછી રહેમતને જોઈ હતી. રહેમતને જોતાની સાથે જ એની નજર રૂપ-રૂપનાં અંબાર એવી રહેમત ઉપરથી હટતી જ નહોતી.
રહેમતે પણ પોતાની નજર ઊંચી કરીને પહેલીવાર ઇરફાનને જોયો. ઈરફાન પણ તેની સામે જોઈ રહ્યો હતો. બંનેની નજર મોટાં થયા પછી એકબીજા સાથે પહેલીવાર મળી હતી. રહેમતે શરમાઈને પોતાની નજર પાછી નીચી કરી દીધી.
ઇરફાનને પાછી બાળપણમા રહેમતે મારેલી થપ્પડ યાદ આવી ગઈ. એ મનોમન વિચારવા લાગ્યો કે “તારો ઢીબેળીયો કાઢવા વાળી આવી ગઈ છે, માર ખાવા તૈયાર રહેજે ઈરફાન”. એટલું વિચારતા જ ઈરફાનનાં ચહેરા ઉપર હાસ્યનું મોજું રેલાઈ ગયું. રહેમતની નજર તો શરમનાં મારે ઊંચી જ નહોતી થાતી. જેમ-તેમ કરીને શબાનાએ રહેમતને થોડું પરાણે જમાડયું.
***